વડીલો સહિત સહુ વાચક મિત્રો, સામાન્યપણે ‘જીવંત પંથ’ કોલમને શાબ્દિક દેહ સોમવારે આપવામાં આવતો હોય છે. આ વેળા શનિવારે આ ફરજ અદા થઇ રહી છે કેમ કે આવતીકાલે રવિવાર (૨૧ જૂન) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી મારે અને તંત્રીમંડળના સાથીઓને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની છે. (સોમવાર પણ ખૂબ બીઝી રહેવાનો છે) ૨૧ જૂન એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ. સવારે સૂર્યદેવ વહેલા ઉગે અને સાંજે મોડા અસ્ત થાય. સૂરજદાદા, સૂર્યોદય, સૂર્યાસ્તની વાત નીકળી જ છે ત્યારે એક બહુ પ્રચલિત કહેવત પણ ટાંકી જ દઉં - ક્યારેય સૂર્ય કાયમ માટે મધ્યાહને રહેતો નથી. આ બે હકીકતોનો ઉલ્લેખ અત્રે એટલે કર્યો કે...
ધનવાનોના પાંચ નિયમ
ધનવાન હોય તે વધારે ધનવાન થવા માટે, અને ઓછા ધનવાન ન હોય તે બધા તેમની આર્થિક પદોન્નતિ માટે અવશ્ય કેટલાક નિયમોનું પાલન કરતા હશેને? તેઓએ પોતાની સામે આવેલી સમસ્યાઓનો કે આફતોનો સામનો કેવી રીતે કર્યો અને કઇ ટેવોના કારણે તેઓ ધનવાન બન્યા તે જાણવું જરૂરી અને ઉપયોગી છે. આ જાણવું, માહિતી મેળવવી અને જ્ઞાન - બન્ને વચ્ચે કંઇક તફાવત તો ખરોને? જ્ઞાન એ વધુ સર્વાંગી સમન્વય છે. તેમાં ડહાપણ અને અનુભવ પણ કંઇક વિશેષ ઉમેરણ કરે છે. આ લેખ વાંચવાથી જો જ્ઞાન વધે કે પ્રેરણા મળે તો ભયો ભયો...
કંઇ કેટલાય અભ્યાસોના આધારે તારવાયેલા ધનવાનોના પાંચ નિયમો આ પ્રમાણે ગણાવાય છેઃ
૧) નવું કામ કરવું.
૨) સાહસ ખેડવું.
૩) મુશ્કેલીથી ગભરાવું નહીં.
૪) મોટા સ્વપ્નાં જોવાં, અને
૫) દૂરનું વિચારવું.
વર્ષોપૂર્વે આ પાંચ નિયમો મારી નોંધપોથીમાં કંડારવા સાથે જ મેં ધનવાનો માટેના બીજા બે નિયમો ટપકાવ્યા હતા. એક તો, ઇશાવાસ્યમ્... વાળો નિયમ.
ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ યત્ કિં ચ જગત્યાં જગત્।
તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્।।
અર્થાત્, આ બ્રહ્માંડમાં સજીવ અથવા નિર્જિવ સર્વ પદાર્થો ઈશ્વર દ્વારા નિયંત્રિત અને સ્વામીત્વ હેઠળ છે. આથી વ્યક્તિએ તેના માટે આવશ્યક હોય તે જ વસ્તુ સ્વીકારવી જોઈએ, જે તેના માટે નિયત હિસ્સા તરીકે અલગ રખાઈ હોય. અન્ય વસ્તુઓ, અન્ય કોઈના હિસ્સાની હોય તે જાણીને તે સંપત્તિ હાંસલ કરવાનો પ્રયાસ કરવો ન જોઈએ.
અને બીજો નિયમ છે - જીવો અને જીવવા દો.
લગભગ ત્રીસેક વર્ષ પૂર્વે, ગુજરાતી ભાષાના કવિરાજ ઉમાશંકર જોષીની એક કવિતા અને અમદાવાદમાં તેમણે આપેલા એક વક્તવ્યના આધારે ધનવાન અને શ્રીમંત વચ્ચેનો તફાવત વધુ સ્પષ્ટ થયો હતો. ધનવાનની વ્યાખ્યા તો સહુ કોઇ જાણે છે, પણ શ્રીમંત કોણ?
શ્રીમંત એ જે સંવેદનશીલ હોય, સમાજપરસ્તી ધરાવતો હોય, પોતીકા ધંધા-વ્યવસાયમાં નીતિનિયમોનું પાલન કરતો હોય અને સમાજની જરૂરત હોય ત્યારે શાસકો સામે પણ અવાજ ઉઠાવવાની ક્ષમતા ધરાવતો હોય. (વાચક મિત્રો, મેં અહીં શક્તિના બદલે ક્ષમતા શબ્દ બહુ સમજીવિચારીને વાપર્યો છે. કેમ કે શક્તિ તો દરેકમાં હોય છે, પણ સમય આવ્યે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતા ન હોય તો આવી શક્તિ શું કામની? આ તો ધાર વગરની તલવાર જેવી વાત થઇને?!)
અમદાવાદમાં સૂબા તરીકે ઔરંગઝેબ કાર્યભાર સંભાળતો હતો તે વેળાની વાત છે. પ્રજા પર તેના જોરજુલમ એટલા બધા વધી ગયા હતા કે લોકો તોબા પોકારી ગયા હતા. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ (હા, અમદાવાદમાં હઠીસિંહના દહેરાનું જેમણે નિર્માણ કરાવ્યું છે તે જ) તરત ખાસ સંદેશ સાથે સાંઢણી દિલ્હી દોડાવી. વિશેષ દૂતે મુગલ બાદશાહ શાહજહાંને નગરશેઠનો સંદેશો આપ્યો. જેમાં શાંતિદાસે નગરજનો પર સૂબા દ્વારા થઇ રહેલા જોરજુલમ અટકાવવા ધા નાખી હતી. અને નગરશેઠના અનુરોધ પ્રમાણે તાબડતોબ થયું પણ ખરું.
ઉમાશંકરભાઇના વિચારોને સંક્ષિપ્તમાં કંઇક આ રીતે રજૂ કરી શકાય કે કરોડપતિ પણ જો બદદાનતવાળો હોય કે અતિ કંજૂસ હોય કે પછી માત્ર પોતાના જ હિતનું વિચારનાર સ્વાર્થી હોય તો તે કંગાલની પંગતમાં જ ગણાય. અને બીજી તરફ, વ્યક્તિ ભલે સામાન્ય સ્થિતિવાળી હોય, પરંતુ જો જેના દિલમાં દયા, કરુણાનો દીવો ટમટમતો હોય તો તે શ્રીમંત કરતાં લગારેય નાની નથી. સૂર્યની ગતિ અને દિશાના ઉપલક્ષ્યમાં આ અંગૂલિનિર્દેશ આપ સહુ સમજી શક્યા હશો તેવી મને ચોક્કસપણે શ્રદ્ધા છે.
•••
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
૨૧ જૂને વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ)ની અનુમતીથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને હિન્દીમાં સંબોધતા કહ્યું હતુંઃ યોગ મસ્તિષ્ક ઔર શરીર, વિચારો ઔર ક્રિયા, સંયમ તથા પૂર્ણતા, માનવ એવં પ્રકૃતિ કે બીચ સદભાવ કા સમાગમ હૈ. યહ સ્વાસ્થ્ય ઔર કલ્યાણ કે લિયે સમગ્ર પહલ પ્રદાન કરતા હૈ. ઇસકે લિયે ખાસ દિન, ૨૧ જૂન વહ તારીખ હૈ જબ ઉત્તરી ધ્રુવ મેં દિન કી અવધિ સબસે લમ્બી હોતી હૈ. દુનિયા કે કઇ હિસ્સોમેં યહ દિન મહત્ત્વપૂર્ણ માના જાતા હૈ...’ અને યુનાઇટેડ નેશન્સે ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ જનરલ એસેમ્બલીમાં જબરજસ્ત બહુમતિથી એક પ્રસ્તાવને મંજૂર કરીને ૨૧ જૂનને યોગ દિવસ તરીકે મનાવવા ઘોષણા કરી. ભારતના આ પ્રસ્તાવને વિશ્વના ૧૭૭ દેશોનું સમર્થન સાંપડ્યું હતુ, જેમાં ૪૭ તો મુસ્લિમ દેશ હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી પ્રસંગે ભારતવાસીઓમાં એક તરફ ખૂબ ઉત્સાહ-ઉમંગ પ્રવર્તે છે ત્યારે બીજી બાજુ રાજકારણીઓ અને કેટલાક બેજવાબદાર સંગઠનો જાણે વ્હીસ્કીમાંથી પોરાં કાઢતાં હોય તેમ જાતજાતના વિવાદ ઉભા કરવામાં પરોવાયા છે. વાચક મિત્રો, સહુ સ્વીકારે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાની વાત કરે, કે દેશના લાલ કિલ્લા પરથી શૌચાલયની વાત કરે કે દેશની સરહદની રખેવાળી માટે વાત કરે કે પછી ખેતીવાડીમાં વૈજ્ઞાનિક અભિગમ અને સરકારી કચેરીઓમાં સમયસર હાજરીની બાબતો ચર્ચે તેમાં કશું જ ખરાબ નથી. ખરેખર તો તે અત્યંત આવશ્યક છે. દેશના સર્વાંગસંપૂર્ણ વિકાસ માટે, કોઇ પણ નેતાનો, આવો જ અભિગમ હોવો જોઇએ. ભારતના કમનસીબે અત્યાર સુધી દેશને આવું નેતૃત્વ મળ્યું નથી, અને હવે મળ્યું છે ત્યારે સહુ કોઇ ટાંકણીના ટોપકા જેવડી ક્ષુલ્લક વાતે પણ ટીકા કરવાનો મોકો ચૂકતા નથી.
યોગ વિદ્યાનું અર્થકારણ
ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ યોગને છેલ્લા ૧૦૦ વર્ષમાં જાણે કે પશ્ચિમી જગતમાં ખૂબ સ્વીકૃતિ મળી છે. માત્ર અમેરિકામાં જ આજની તારીખે ૬૩,૦૦૦ કરતાં વધુ યોગશિક્ષકો કાર્યરત છે. તેમની પોતાની યોગ સ્કૂલો છે, યોગ થકી તન-મનને કઇ રીતે ચેતનવંતા બનાવી શકાય તેના પાઠ ભણાવવા માટે આવાસ સુવિધા સહિતના લક્ઝુરિયસ રિટ્રીટ સેન્ટર્સ છે, અરે... યોગ આધારિત ટીવી પ્રોગ્રામ્સ પણ છે, અને આથી પણ એક ડગલું આગળ વધીને કહીએ તો યોગ માટેના ફેશનેબલ વસ્ત્રો સહિત વિવિધ ઉત્પાદનોનું પણ વિશાળ બજાર છે. અમેરિકામાં ૨૦૧૩માં યોગ આધારિત વ્યવસાયમાં ૧૧,૦૦૦ મિલિયન ડોલરનું તોતીંગ ટર્નઓવર નોંધાયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને તેમની દૈનિક જીવનશૈલીમાં સ્થાન આપ્યું છે. તેમના યોગગુરુ ડો. એચ. આર. નાગેન્દ્ર રાવના મતે, નરેન્દ્ર મોદી આજે ૧૬થી ૧૮ કલાક અથાક કામ કરી શકે છે તેના મૂળમાં યોગની શક્તિ જ રહેલી છે. તેઓ દરરોજ વહેલી સવારે એક કલાક યોગ કરે છે. ૬૫ વર્ષના નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી યોગનું મહત્ત્વ સમજ્યું છે એવું નથી. યોગ સાથેનો નાતો ૬૦ના દસકામાં કિશોરાવસ્થામાં જ જોડાયો હતો. તેઓ પોતાના ભાઇને મળવા રાજકોટ જતા ત્યારે રામકૃષ્ણ આશ્રમે અચૂક જતા હતા. અહીં તેમનો પરિચય આત્માસ્થાનંદજી મહારાજ સાથે થયો. (મોદીને સંન્યાસ લેતા આત્માસ્થાનંદજી મહારાજે જ અટકાવ્યા હતા.) મોદી આશ્રમમાં ધ્યાન-ચિંતન કરતા. આ પછી ૮૦ના દસકામાં ‘નાસા’ના પૂર્વ વૈજ્ઞાનિક અને બેંગ્લૂર સ્થિત પ્રશાંત કુટીરના સ્થાપક ડો. રાવના સંપર્કમાં આવ્યા. આ સમયે મોદી સંઘ પરિવારના સ્વયંસેવક તરીકે પ્રશાંત કુટીરમાં જતા હતા. જ્યાં તેઓ કલાકો સુધી પ્રાણાયમ, ધ્યાન અને આસન કરતા હતા, જેનાથી તેમને માનસિક શાંતિ મળતી હતી. આ પછી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને ૨૦૦૩માં પોતાના સહિત તમામ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ માટે નર્મદા બંધ નજીક કેવડિયા કોલોની ખાતે ચિંતન શિબિર યોજી હતી. તે સમયે મોદીનો યોગ કરતો પહેલો ફોટોગ્રાફ પ્રકાશિત થયો હતો, જે આજે પણ બહુ જાણીતો છે.
પણ મોદીના ‘યૌગિક ભૂતકાળ’ની વાત મેં અહીં આટલા લંબાણથી શા માટે કરી? કારણ છે, બાપલ્યા... આનું પણ કારણ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના બે દિવસ પૂર્વે જ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં વિશ્વના વિવિધ દેશોના આર્થિક નિષ્ણાતોની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે કોઇ પત્રકારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનને આંતરરાષ્ટ્રીય યોગ દિન અને આ દિવસને વિશ્વસ્તરે ઉજવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઇ રહેલા પ્રયાસો સંદર્ભે પ્રશ્ન પૂછ્યો. પ્રમુખ પુતિને સહેજ સ્મિત સાથે ટોણો મારતાં કંઇક એવો જવાબ આપ્યો કે યોગ દિનની ઉજવણીનું આયોજન તો સમજ્યા, પણ નરેન્દ્ર મોદી ખુદ યોગ કરે છે ખરા?
અલબત્ત, પછી તો તેમણે એક પીઢ રાજકારણીની અદાથી નરેન્દ્ર મોદીને ‘બહુ સારા વ્યક્તિ’ અને ‘બહુ સારા મિત્ર’ પણ ગણાવ્યા, અને તેમના પ્રયાસોને પણ બિરદાવ્યા! પણ મને થયું કે રશિયન પ્રમુખ જેવું વિચારનારા બીજા પણ હશેને? વ્લાદિમીરભાઇને મોદી સાથે સાચુકલી ભાઇબંધી હોત તો તેઓ જાણતા જ હોત કે મોદી આજકાલના નહીં, વર્ષોથી યોગ કરે છે. તેમણે માત્ર તાયફા માટે યોગ દિનની ઉજવણીનું ગતકડું કર્યું નથી.
વાચક મિત્રો, સ્વસ્થ જીવનશૈલી માટે યોગ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. યોગ થકી ભારતવાસી જ નહીં, દરેક પૃથ્વીવાસી સર્વપ્રકારે શારીરિક અને માનસિક સારું આરોગ્ય મેળવી શકે એ તો સમજાય એવું છે, પણ નરેન્દ્ર મોદી આમાં આર્થિક લાભ પણ જોઇ શક્યા છે.
સુશ્રી એન્ડ્રીયા જૈન અમેરિકાના ઇંડિયાનાપોલીસમાં આવેલી પરડ્યુ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમણે એક સુંદર પુસ્તક લખ્યું છેઃ Selling Yoga: Counter Culture to Pop Culture. આ વિદ્વાન લેખિકાએ એક વસ્તુ બહુ સ્પષ્ટ લખી છે કે ‘યોગા ડે’ દ્વારા સાંપ્રત જીવનમાં ભારતને પોતીકો સંસ્કારવારસો પરત મેળવવાનો એક અભિનવ અવસર હવે સાંપડ્યો છે.
એક વિદેશવાસી લેખિકા સહિત વિશ્વના અનેક દેશના લોકો યોગનું મહત્ત્વ સુપેરે સમજી શક્યા છે, પણ અફસોસની વાત એ છે કે ભારતમાં યોગના મુદ્દે વિવાદ ચાલે છે. ઓલ ઇંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સૂર્યનમસ્કારને ગેરઇસ્લામી ગણાવીને બાંયો ચઢાવી છે. બીજી તરફ એ પણ હકીકત છે કે મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં પણ સરકારી અધિકારીઓ યોગ કરી રહ્યા હોવાના અહેવાલ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનું પાકિસ્તાનમાં પણ (આર્ટ ઓફ લિવિંગ દ્વારા) આયોજન થયું હતું. આતંકવાદીઓની ધમકીના પગલે આયોજન છેલ્લી ઘડીએ રદ કરવું પડ્યું તે અલગ વાત છે, પણ એક મુસ્લિમ દેશમાં આવું આયોજન થયું હતું તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી. તો પછી ભારતના કેટલાક મુસ્લિમ સંગઠનોને યોગના નામે પેટમાં કેમ દુઃખે છે તે સમજાતું નથી. આવા મુસ્લિમ સંગઠનો હોય કે ખાલીઅમસ્તો વિરોધ કરતી કોંગ્રેસ કે પછી કમ્યુનિસ્ટ પાર્ટીના કહેવાતા સેક્યુલરિસ્ટ નેતાઓ હોય, સહુકોઇએ ગોગલ્સ તો બદલવાની જરૂર ખરી જ.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મૂલવશો તો સમજાશે કે સમજપૂર્વક યોગ કરવાથી તેમાં રતિભાર પણ ગેરલાભ નથી, ઊલ્ટાનું લાભ જ લાભ છે. આ હકીકત સહુકોઇએ લક્ષમાં રાખવી રહી.
•••
કેદીઓનો દેશઃ અમેરિકા
વિશ્વની વસ્તી આશરે ૬૦૦ કરોડ ગણવામાં આવે છે. આમાંથી પાંચ ટકા એટલે ૩૨ કરોડ લોકો અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા)માં વસવાટ કરે છે. વિશ્વના બધા જ રાષ્ટ્રોના બંદીખાનામાં આશરે એક કરોડ કેદીઓ હોવાનું મનાય છે. આમાંના ૨૩ લાખ (કુલ બંદીના લગભગ ૨૫ ટકા થયા ને?) તો માત્ર અમેરિકાની જેલોમાં સબડે છે. ૧૬ લાખ જેટલા ફેડરલ અને રાજ્યોના કેદખાનામાં જ્યારે સાતેક લાખ લોકલ કાઉન્ટીની જેલોમાં, ઇમિગ્રેશન કસ્ટડીમાં કે પછી ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. ૧૯૭૦ના દાયકાની સરખામણીએ જોઇએ તો અમેરિકાની જેલમાં બંધ કેદીઓની કુલ સંખ્યામાં સાત ગણો વધારો નોંધાયો છે. જ્યારે અન્ય દેશની જેલોમાં બંધ કેદીઓની સંખ્યા સાથે સરખામણી કરવામાં આવે તો અમેરિકામાં કેદીઓની સંખ્યા બ્રિટન કરતાં પાંચ ગણી, જર્મની કરતાં નવ ગણી અને જપાન કરતાં ૧૪ ગણી છે!
હવે જરા અલગ રીતે અમેરિકી કેદીઓના આંકડા જોઇએ. અમેરિકામાં પુખ્ત વયની દર ૩૫ વ્યક્તિએ એક વ્યક્તિ જેલમાં છે કે પેરોલ પર છે કે પછી પ્રોબેશન પર છે. સૌથી ચોંકાવનારા આંકડા તો એ છે કે ત્રીજા ભાગના આફ્રિકન-અમેરિકન પોતાના જીવનનો ઓછાવત્તો સમયગાળો જેલમાં વીતાવતા હોય છે. અને તેના કરતાં પણ વધુ શરમજનક (અને ચિંતાજનક) હકીકત એ છે કે અમેરિકામાં વસતાં દર નવ બ્લેક બાળકમાંથી એકના માતા કે પિતા બંદીવાન છે.
અમેરિકન સરકારને બંદીવાન દીઠ વર્ષે ૬૮,૦૦૦ ડોલરનો તોતીંગ ખર્ચ ઉઠાવવો પડે છે. વિશ્વના સૌથી તવંગર અને તાકાતવાન દેશની આ હાલત છે! ભારતના કે આફ્રિકાના સત્તાવાર આંકડા હું મેળવી શક્યો નથી. પરંતુ ભારતનું ન્યાયતંત્ર રેઢિયાળ છે. નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રવચનોમાં જે પ્રશ્નો પર પ્રકાશ પાડ્યો હતો એમાં ન્યાયતંત્રમાં ગોકળગાય ગતિએ ચાલતી કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ થતો હતો. વડા પ્રધાને આ પ્રશ્નના નિવારણ માટે હૈયાધારણ આપી હોવા છતાં તેમના ૧૫ માસના શાસનમાં ન્યાયતંત્રની કાર્યપદ્ધતિમાં ખાસ સુધારો થયાનું જણાતું નથી તેવું મારે આપ સહુ સુજ્ઞ વાચકોને ભારે હૈયે જણાવવું જ રહ્યું.
હું આ પ્રશ્નને જરા બીજી રીતે જોવા માગું છું. કાયદાપાલન, ગુનાખોરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તેમ જ બંદીવાનોની સંખ્યા જેવી બાબતો કંઇ કેટલીય રીતે સંકલિત સમસ્યા ગણી શકાય. ભારતમાં આર્થિક અને સામાજીક રીતે અસમતુલા તેમ જ અનેક રીતે સમસ્યાઓ હોવા છતાં પ્રમાણમાં અમેરિકા અને તેવા વિકસિત દેશોના પ્રમાણમાં ગુનાખોરી, હિંસાખોરીનું પ્રમાણ ઓછું છે તે હકીકત છે. આવું કેમ બની રહ્યું છે? તેનો પણ અભ્યાસ જરૂરી છે. મારી દૃષ્ટિએ આપણો સંસ્કારવારસો, આપણી સંસ્કૃતિ, ભાષા, કળા, પારંપરિક મૂલ્યો આમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આમાં પણ યોગની આરાધના ઉમેરાય તો સોનામાં સુગંધ ભળવા જેવું બની રહે.
•••
સદાબહાર મેગ્નાકાર્ટા
આજના વિશ્વમાં લોકશાહી અને કાયદો-વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં મેગ્નાકાર્ટાનું ખૂબ મહત્ત્વ છે. આજથી ૮૦૦ વર્ષ પૂર્વે ઈંગ્લેન્ડના રાજાએ ભયંકર યુદ્ધ છેડ્યું હતું. નવા કરવેરા લાદવાની અને તાત્કાલિક નાણાભંડોળ ઊભું કરવાની જરૂરત ઊભી થઈ ત્યારે મેગ્નાકાર્ટા નામના દસ્તાવેજ પર રાજાએ અત્યારના હિથ્રો એરપોર્ટ નજીક રનીમેડ ગામમાં તે વેળાના જમીનદારો અને શાહુકારો (જનતાના પ્રતિનિધિઓ) સમક્ષ હસ્તાક્ષર કર્યા હતા. રાજાએ જનસમુદાયની સંમતિ સાથે શાસન કરવાની પ્રણાલીને વધુ સ્વીકૃતિની મ્હોર મારી. કાળક્રમે આ મેગ્નાકાર્ટાનો ઉપયોગ મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા તેમ જ વિશ્વના પીડિત સમાજના અનેક મોવડીઓએ કર્યો છે.
ગાંધીજીને બ્રિટિશ સામ્રાજ્યના અધિકારીઓએ સૌપ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં અટકાયતમાં લીધા ત્યારે તેઓ તો ધારાશાસ્ત્રી હતા ને? આથી તેમણે પોતાના બચાવ માટે કાર્યવાહી કરી રહેલા વકીલોને સુચના આપી હતી કે તમે હેબિયસ કોપર્સ એક્ટ હેઠળ અરજી કરો કે મને કોર્ટમાં હાજર કરવામાં આવે.
કાળક્રમે દુનિયાભરમાં માનવાધિકારો માટે, વ્યક્તિસ્વાતંત્ર્ય માટે... મેગ્નાકાર્ટા દસ્તાવેજના આધારે ખૂબ આવકાર્ય કાર્યવાહી થઇ છે. આ એક્ટને, ગાંધીજી સાથે બનેલી ઘટનાને ભલે બાર દસકાઓ વીતી ગયા હોય, પરંતુ આજેય કોર્ટમાં તેનો ઉપયોગ થાય છે. આ એક્ટ તળે અરજી થાય એટલે જે તે વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસે આકાશપાતાળ એક કરવા પડે. આમાંથી, વાચક મિત્રો, આપણે બીજો પણ સંદેશો મેળવી શકીએ. શિક્ષણ કે સવિશેષ આર્થિક રીતે સાધનસંપન્ન વ્યક્તિ, જો ધારે તો, પોતાના વિશેષ અધિકારોનો સદુપયોગ સમાજની પ્રગતિ માટે અવશ્ય કરી શકે. (ક્રમશઃ)