રાજવી પરંપરા, ધર્મ અને ગરિમાનો ત્રિવેણીસંગમ

જીવંત પંથ - 27

સી.બી. પટેલ Tuesday 09th May 2023 16:14 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, મારા - તમારા સહિતનું બ્રિટન જ નહીં, સમગ્ર વિશ્વ કિંગ ચાર્લ્સ - તૃતીયની તાજપોશીનું સાક્ષી બન્યું. ભવ્યાતિભવ્ય શબ્દ પણ નાનો પડે તેવું શાનદાર - ભપકાદાર આયોજન. થેમ્સના કિનારે વસેલા આ મહાનગરમાં જાણે પ્રાચીન પરંપરા - ધર્મ - ગરિમાનો ત્રિવેણીસંગમ રચાયો હતો. દેશમાં 70 વર્ષ બાદ તાજપોશીનો સમારોહ યોજાયો
અને 130 વર્ષ બાદ કોઇ રાજાના શિરે તાજ મૂકાયો છે. રાજા - રાણી, રાજસત્તા, રાજપરંપરા... પૃથ્વી પર આ બધું ક્યારથી શરૂ થયું હશે?!
જ્યારથી મનુષ્ય સામૂહિક જીવતો હશે ત્યારથી આ પરંપરા અસ્તિત્વમાં આવી હોય તેવું બની શકે. અલગ અલગ વિચારધારા ધરાવતા લોકોના સમૂહમાં શિસ્ત જળવાય રહે તે માટે એક યા બીજા પ્રકારનું શાસન જરૂરી બન્યું હશે. આ માટે સ્થાનિક વસાહતમાંથી કોઇ બહાદુર કે તવંગરને સામંત બનાવાતો હશે. કાળક્રમે તે પોતાના પરાક્રમથી ઠકરાત ઉભી કરે. સમૂહને પરાક્રમી નેતૃત્વ પૂરું પાડવાની સાથોસાથ પોતાના શક્તિ-સામર્થ્ય અનુસાર પ્રદેશ વિસ્તારે. રાજા - મહારાજા કે સમ્રાટ તરીકે આગવી ઓળખ ઉભી કરે.
બ્રિટનમાં આપણે જોયું કે કેવો ગજબનો માહોલ સર્જાયો છે. એક તો, મનુષ્ય સ્વભાવ ઉત્સવપ્રિય છે, અને તેમાં ય આ તો રાજ્યાભિષેક પર્વ. આ પ્રસંગ પોમ્પ અને સેરિમની તરીકે ઓળખાય છે. આમાં શોભા હોય, ગરિમા હોય, નરબંકાઓની છાતીએ મેડલ ઝળકતા હોય અને ચહેરા પર હાસ્ય રમતું હોય. આ બધું નિહાળીને પ્રજા ઘેલી થતી રહી છે, અને થતી રહેશે તેમાં કોઇ મીનમેખ નથી.
રાજાશાહી પ્રતીકાત્મક, પણ પ્રભાવ યથાતથ્
સન 1953માં જ્યારે ક્વીન એલિઝાબેથનો રાજ્યાભિષેક થયો ત્યારે દુનિયાના મોટા ભાગના દેશોમાં સામ્યવાદ જોરમાં હતો. એક વર્ગ એવું માનતો હતો કે બ્રિટન પણ સામ્યવાદના મોજામાંથી મુક્ત રહી શકશે નહીં અને જોતજોતામાં રાજાશાહીનો અંત આવશે. આ વાતને આજે સાત દસકા વીતી ગયા છે, પણ બ્રિટનમાં રાજાશાહી જૈસે થે છે. બ્રિટનમાં જ નહીં, દુનિયાના 200થી વધુ દેશોમાંથી 40 દેશોમાં રાજાશાહી છે. મધ્ય પૂર્વના અરબ દેશો કે નોર્થ આફ્રિકાના દેશોની જ આ વાત નથી. યુરોપમાં ડેન્માર્ક, નોર્વે, સ્પેન, નેધરલેન્ડ અને બેલ્જીયમમાં પણ રાજાશાહી શાસનપ્રણાલી અસ્તિત્વમાં છે. અલબત્ત, આ બધા દેશોમાં રાજાશાહી ભલે હોય, પરંતુ દેશે દેશે તેની પ્રણાલી - રીતભાત બદલાય છે. જૈસા દેશ વૈસા વેશ.
લોકતંત્રના ચાર આધારસ્તંભ ગણાય છેઃ પહેલો સ્તંભ તે કાયદાના ઘડનાર એટલે કે સંસદગૃહ, બીજો સ્તંભ છે કાયદાનું પાલન કરાવનાર વહીવટી તંત્ર, ત્રીજો સ્તંભ છે ન્યાયતંત્ર અને ચોથો સ્તંભ છે સમાચાર માધ્યમો. બ્રિટનમાં રાજાશાહી છે, પરંતુ માત્ર નામપૂરતી છે. એમ પણ કહી શકાય કે પરંપરા નિભાવવા પૂરતી જ. બાકી આ દેશમાં લોકતંત્રના ચારેય આધારસ્તંભ સાંગોપાંગ જોવા મળે છે.
ગુજરાતીમાં રાજાશાહીના તોલમોલ દર્શાવતી એક નહીં, અનેક કહેવતો છે. જેમ કે ધણીનો કોઇ ધણી નહીં કે ધણી વગરની ધરતી નહીં. રાજાશાહી ભલે નામપૂરતી હોય કે દેશમાં ભલે લોકતંત્ર પ્રવર્તતું હોય, પણ રાજ્યાભિષેકના જલસા પાછળ થનારા ખર્ચનો આંકડો 100 મિલિયન પાઉન્ડ (આશરે 1000 કરોડ રૂપિયા)ને વટાવી જશે તેવો પ્રાથમિક અંદાજ છે. દુનિયાભરમાંથી 2200થી વધુ મહાનુભાવોને આ પ્રસંગ માટે ખાસ આમંત્રિત કરાયા હતા. આથી તામઝામમાં કોઇ કસર છોડવામાં આવી ન હોય તે સમજાય તેવું છે.
પરંપરા સાથે ભાવિ પેઢીને જોડવા પ્રયાસ
બ્રિટનમાં કિંગ ભલે નામપૂરતા જ હોય, પરંતુ તેમની તાજપોશી નિયમ - પરંપરા પ્રમાણે જ થઇ છે. તમામ વિધિમાં પારંપરિક મૂલ્યોની જાળવણી કરાઇ છે. આમ પણ બ્રિટન હંમેશા એક પરંપરાને માન આપનારો દેશ છે. એક જ ઉદાહરણ થકી આ વાતને સમજીએ તો રાજ્યાભિષેકની વિધિ માટે છેક યેરુશલેમથી એક ખાસ પ્રકારનું તેલ મંગાવવામાં આવ્યું હતું. જોકે સૈકાઓ જૂની આ પરંપરાના જતન છતાં રાજ્યાભિષેક વિધિને અર્વાચીન એટલે કે આધુનિક યુગને અનુરૂપ બનાવવામાં આવી હતી. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભાવિ પેઢીને શાહી પરંપરા સાથે જોડી શકાય. પરાપૂર્વથી ચાલી આવતી પરંપરામાં તેની શ્રદ્ધા જળવાય રહે. મૂળ ભલે પુરાતન હોય પણ તેની રજૂઆત ભાવિ પેઢીને રસ પડે તે રીતે કરાઇ હતી.
દુનિયાભરના દેશોમાંથી માનવંતા મહેમાનોને તેડાવવામાં આવ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમને ભોજનમાં શું પીરસાસશે તેના પર આખી દુનિયાની નજર હોવાની જ. આ મુદ્દે ખાસ્સો વિવાદ પણ થયો છે. વિવાદની આ કડવાશ વચ્ચે પણ મહેમાનોને શાહી ભોજમાં લિજ્જતદાર વાનગીઓ પીરસવામાં કોઇ કસર છોડવામાં આવી નહોતી. મહેમાનોને પીરસાયેલા જાતભાતના વ્યંજનોમાં એક પ્લેટ કોમન હતી જેનું નામ છે Quiche. કોરોનેશન સેરેમનીમાં સમય સાથે ભલે ઘણું બધું બદલાયું હોય, પણ ક્વિચ કે ક્વિશ નામના આ વ્યંજને શાહી ભોજમાં તેનું આગવું સ્થાન અવિરત જાળવ્યું છે. આ વ્યંજનને તમે એક ખાસ પ્રકારની પેસ્ટ્રી પણ કહી શકો, જેને શાહી પરિવારના ચીફ રોયલ શેફ માર્ક ફ્લેગનૈને બનાવી હતી. ખાસ પ્રકારની સામગ્રીમાંથી તૈયાર કરાયેલી Quicheને તાજપોશી સમારોહની ઓફિશ્યલ પાર્ટી ડિશ જાહેર કરાઇ હતી.
ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવાનો ઉમંગ
બ્રિટનના જ નહીં, વિશ્વના અન્ય દેશના લોકોમાં પણ રાજ્યાભિષેકના આ પ્રસંગ માટે અનેરો ઉમંગ-ઉત્સાહ જોવા મળતો હતો. સ્વાભાવિક છે કે લોકો વન્સ ઇન અ લાઇફટાઇમ મોમેન્ટના સાક્ષી બનવા માગતા હતા. ઘણા લોકોએ તો રાજ્યાભિષેક સમારોહ શરૂ થયો તેના કલાકો પહેલાં જ રાજમહેલ રોડ કહેવાય તેવા બકિંગહામ પેલેસ સામેના માર્ગ પર સહપરિવાર ડેરાતંબૂ તાણીને અડીંગો જમાવી દીધો હતો, જેથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકાય. આમાં માત્ર બ્રિટનના લોકો જ નહીં, અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશમાંથી આવેલા લોકો પણ સામેલ હતા. આમાં આપણા ભારતીયો પણ હશે જ તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
ઊડીને આંખે વળગતી ગેરહાજરી
તાજપોશી સમારોહમાં વિશ્વના મોટા ભાગના દેશોના મહાનુભાવોને આમંત્રણ અપાયું, તો બ્રિટનમાંથી વરિષ્ઠ રાજકીય નેતાઓથી માંડીને વિવિધ ક્ષેત્રના સેંકડો મહાનુભાવોને તાજપોશી સંબંધિત એક યા બીજા કાર્યક્રમમાં સવિશેષ આમંત્રિત કરાયા હતા. સ્વાભાવિક છે કે આ તમામે હાજરી આપીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જોકે આ બધાની વચ્ચે એક વ્યક્તિની ‘અનુપસ્થિતિ’ની બ્રિટિશ અખબારોમાં સવિશેષ નોંધ લેવાઇ છે. આ વ્યક્તિ છે જેકબ રિસ મોગ. એક જમાનામાં ટોરી પાર્ટીના દિગ્ગજ નેતા રહી ચૂકેલા જેકબ રિસને કોઇ કાર્યક્રમમાં આમંત્રણ નહોતું. સેંકડો - હજારો લોકોને બોલાવાયા અને જેકબ રિસને કેમ કોરાણે મૂકી દેવાયા? આ માટે એવું કારણ ચર્ચાય છે તેઓ ‘ડિસ્ગસ્ટીંગ’ (ધિક્કારપાત્ર) હોવાથી તેમને આમંત્રણ નહોતું. સાચું - ખોટું યજમાન જાણે, પણ એક આડ વાત કરું તો જેકબ રિસના પિતા વિલિયમ રિસ એક સમયે ‘ટાઇમ્સ’ના એડિટર રહી ચૂક્યા છે, અને મારા મિત્ર હતા.
મહારાણીના પગલે ચાલવાનો પડકાર
બ્રિટનમાં રંગેચંગે ઉજવાયેલા તાજપોશી સમારોહના ‘વરરાજા’ ચાર્લ્સ ખુદ હતા એટલે સ્વાભાવિક છે કે તેમના ભૂતકાળના પોપડા પણ ઉખડવાના જ. એક વર્ગમાં તેમની ગદ્ધાપચ્ચીસીની રંગરેલીયાની વાતો ચર્ચામાં છે. જોકે બહુમતી બ્રિટિશ પ્રજા કિંગ ચાર્લ્સ કે ક્વીન કેમિલાના ભૂતકાળને ખાસ મહત્ત્વ આપતી હોય તેવું જણાતું નથી. કોરોનેશન સેરેમની દરમિયાન તેમને પ્રજાએ આપેલો પ્રેમ આ વાતનો પુરાવો છે.
જોકે રાજવી દંપતીએ પણ યાદ રાખવું રહ્યું કે લોકોએ તેમનો ભૂતકાળ ભૂલીને હૃદય સિંહાસને બેસાડ્યા છે. નામદાર મહારાણીએ તેમનાં 70 વર્ષની શાસનકાળ દરમિયાન સમાજના મોભી તરીકે જે જનપ્રભાવ ઉભો કર્યો છે તે મામૂલી નથી. તેમણે મહારાણીના પગલે ચાલવાનું છે. આ રાજ દંપતીએ સમજી લેવું પડશે કે આ યુગમાં સિંહાસને બેઠેલાને નહીં, તેમના કામને, પ્રદાનને માન મળતું હોય છે. તેમણે સમાજની પ્રાથમિક્તા અને જરૂરતને સમજવી પડશે. તેમણે આધુનિક યુગમાં આગવું મહત્ત્વ ધરાવતા સામાજિક સમરસતા, પર્યાવરણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.
જીવનભરનું સંભારણું
વાચક મિત્રો, ભારતથી આફ્રિકા અને આફ્રિકાથી આ દેશમાં આવ્યાને મને 58 વર્ષનો ખાસ્સો સમય થઇ ગયો છે. આ સમય દરમિયાન નામદાર મહારાણીથી લઇને શાહી પરિવારના અન્ય સભ્યોને મળવાનો સોનેરી અવસર મને એક કરતાં વધુ વખત મળ્યો છે. સામેની વ્યક્તિને માનસન્માન - આદર આપવાના તેમના ગુણનો જોટો જડવો મુશ્કેલ છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. મને આજેય બરાબર યાદ છે આજના કિંગ અને તે વેળા પ્રિન્સ ચાર્લ્સની પ્રેસ્ટન મંદિરની મુલાકાત. ત્રીસેક વર્ષ પૂર્વે તેઓ પ્રેસ્ટન મંદિરની મુલાકાતે આવ્યા હતા તે સમયે મંદિરના ટ્રસ્ટીગણ સાથે મને પણ તેમની સાથે ઔપચારિક મુલાકાત કરવાનો મોકો મળ્યો હતો. અમારા સહુ માટે આ મુલાકાત આજીવન સંભારણું બની રહી છે.
બ્રિટનના લોકતંત્રમાં રાજાશાહીનું સ્થાન ભલે પ્રતીકાત્મક ગણાતું હોય, પરંતુ એ વાતનો ભાગ્યે કોઇ ઇન્કાર કરી શકશે કે યુકેની વિદેશ નીતિ હોય કે આર્થિક નીતિ શાહી પરિવાર તેને અનેક રીતે શક્તિ પ્રદાન કરે છે. બ્રિટનના અન્ય દેશો સાથેના સંબંધોને સુમેળભર્યા બનાવવામાં રાજવી પરિવારનું મૂલ્યવાન યોગદાન હોય છે. આ જ કારણ છે કે વિશ્વમાં બ્રિટન આજે ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાય છે.
ગઢિયા દંપતીનું રોયલ કનેક્શન
કિંગ ચાર્લ્સ બ્રિટનમાં લઘુમતી ધર્મોને વધુ સ્વીકૃતિ મળી રહે તે માટે પ્રતિબદ્ધ જણાય છે. આ માટે તેઓ આધુનિક યુગની જરૂરતોને ધ્યાનમાં રાખીને કાર્યરત છે. અનેક સેવાકાર્યો સાથે સંકળાયેલું પ્રિન્સેસ ટ્રસ્ટ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ નામાંકિત ટ્રસ્ટનું ચેરમેન પદ આપણા લોર્ડ જિતેશભાઇ ગઢિયા સંભાળી રહ્યા છે, તે માત્ર ગુજરાતી સમુદાય માટે જ નહીં, સમગ્ર ભારતીય અને એશિયન સમુદાય માટે ગૌરવની બાબત છે. સમગ્ર ભારતીય સમુદાયમાંથી શાહી પરિવાર સાથે જો કોઇ સૌથી ઘનિષ્ઠ નાતો ધરાવતું હોય તો તે છે જિતેશભાઇ અને તેમના પત્ની અંજુબહેન.
ભૂતકાળ ભૂલવામાં જ સહુનું ભલું
પ્રિન્સેસ માર્ગારેટનું પ્રેમપ્રકરણ, લેડી ડાયનાનું શાહી પરિવારમાં આગમન અને માર્ગઅકસ્માતમાં નિધન, પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાની રંગરેલિયા જેવા મુદ્દાઓ ભલે અલગ અલગ સમયે અખબારોની હેડલાઇનમાં ચમક્યા હોય, બ્રિટિશ પ્રજા આ બધી વાતો ભૂલી ચૂકી છે. તેઓ માને છે કે આ બધી ગઇકાલની વાતો છે, અને આમ પણ દુનિયામાં ક્યું ફેમિલી પરફેક્ટ હોય છે? દરેક પરિવારમાં નાનીમોટી એવી ઘટના બનતી જ રહેતી હોય છે કે જે કોઇને પસંદ ના પડે. દરેક પરિવારમાં આવા પાત્રો હોય જ છે. સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન કંઇ અમસ્તું થોડું કહ્યું છે? આમ છતાં ઘણા લોકો એવા હોય છે જેઓ (ભૂલી જવા યોગ્ય) જૂની વાતો વાગોળ્યા જ કરતા હોય છે. હંમેશા યાદ રાખો કે ભૂતકાળને ઘૂંટવાની જરૂર નથી. કિંગ ચાર્લ્સના જીવનમાંથી આપણે સહુ કોઇ આ વાત શીખી શકીએ છીએ. પ્રિન્સમાંથી કિંગ બનેલા ચાર્લ્સે તેમના જીવનને જે પ્રકારે કંડાર્યું છે તે જોતાં કહી શકાય કે તેઓ નામદાર મહારાણીના નકશેકદમ પર ચાલીને રાજપરિવારની આન-બાન-શાનને વધુ નિખારશે તે વાત નિઃશંક છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter