રાષ્ટ્રસમૂહની નેતાગીરીનું રૂપાંતરણ

જીવંત પંથ

સી. બી. પટેલ Wednesday 25th April 2018 07:11 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોમનવેલ્થ નેશન્સ એ અનેક રાષ્ટ્રો અને એકાદ-બે અપવાદ સિવાય પૂર્વ બ્રિટિશ કોલોનીના દેશોનું બનેલું સંગઠન છે. બ્રેક્ઝિટના પગલે પગલે ગ્રેટ બ્રિટને હવે વેપાર-ધંધા સહિતના દ્વિપક્ષીય સહયોગ માટે નવા મિત્રોની તલાશમાં રાષ્ટ્રસમૂહના દેશો પ્રત્યે નજર દોડાવી છે. સંભવ છે કે બ્રિટન અને રાષ્ટ્રસમૂહના, ખાસ કરીને આર્થિક વિકાસના પંથે આગેકૂચ કરી રહેલા દેશો સાથે સાંઠગાંઠ થાય તો બ્રેક્ઝિટથી સર્જાયેલી કચાશ ઘટી શકે.

ગયા સપ્તાહે લંડનમાં દર બે વર્ષે યોજાતી રાષ્ટ્રસમૂહના દેશોના વડાઓની પરિષદ રંગેચંગે પૂરી થઇ. સંગઠનના ૫૩ સભ્ય દેશોમાંથી માત્ર ત્રણ દેશોના વડાઓને નામદાર મહારાણી સાથે વ્યક્તિગત મુલાકાત માટે નોતરું મળ્યું હતું. તેમાંના એક હતા ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી. નામદાર મહારાણી, તેમના પુત્ર, પરિવારજનો, વડા પ્રધાન થેરેસા મે સહિતના મહાનુભાવોને આપણે નરેન્દ્રભાઇ પર ઓળઘોળ થયેલા આપણે જોયા. સામાન્ય સંજોગોમાં ભારતીય નેતૃત્વને ખાસ મહત્ત્વ નહીં આપનારા બ્રિટિશ અખબારોમાં પણ આ વાતની નોંધ લેવામાં આવી છે તે જ આ મુલાકાતનું અદકેરું મહત્ત્વ દર્શાવે છે.
કોમનવેલ્થ સમિટથી માંડીને બ્રિટન મુકામ દરમિયાન નરેન્દ્ર મોદીના નામના સિક્કા પડ્યા તેનું મુખ્ય કારણ છે ભારતની આર્થિક તાકાત અને મોદીજીનું પ્રભાવી વ્યક્તિત્વ. કોમનવેલ્થ દેશોના ૫૩ સભ્ય દેશોની કુલ વસ્તીના લગભગ ૫૫ ટકા વસ્તી એકલું ભારત ધરાવે છે. ૫૩ દેશોની કુલ વસ્તીનો આંકડો ૨૪૦ કરોડ કહેવાય, તેમાંથી ૧૨૫ કરોડ તો ભારતીય છે. માત્ર વસ્તીના આંકડામાં જ નહીં, ખરીદશક્તિની બાબતે પણ ભારતીયો આગળ છે. અર્થશાસ્ત્રીઓ જે તે દેશની ખરીદશક્તિનો અંદાજ મેળવવા માટે વસ્તીનો આંકડો, માથાદીઠ ખરીદી વગેરેના આંકડાના આધારે ત્રિરાશી માંડીને પરચેઝીંગ પાવર પેરિટી (પીપીપી)નો આંક મેળવતા હોય છે. આ આંકડા અનુસાર ભારતીય અર્થતંત્ર બ્રિટન કરતાં પણ મોટું અને તગડું બજાર ધરાવે છે એમ કહી શકાય.
બ્રિટિશ શાસકો ભારત પર ઓળઘોળ જોવા મળ્યા તેનું આ સિવાય બીજું પણ એક કારણ ખરું. જોકે આ વાત સમજવા માટે આપણે ૬૯ વર્ષ જૂના ઇતિહાસમાં ડૂબકી મારવી પડશે.
૧૯૪૯ના અરસામાં બ્રિટિશ કોમનવેલ્થ દેશોનું સંગઠન રચીને તેના સભ્યો નક્કી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે બ્રિટનના માંધાતાઓ માટે એક મૂંઝવણ એ ઉભી થઇ હતી કે ભારત ૧૯૫૦માં પ્રજાસત્તાક રાષ્ટ્ર બનવાનું હતું, અને ત્યાં સુધી ભારત ડોમિનિયન દેશ હતો. આમ તેને પ્રતીકાત્મક રીતે પણ બ્રિટિશ કોમનવેલ્થનું સભ્યપદ આપી શકાય તેમ નહોતું. વળી, વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પણ રાજાશાહી શાસનપ્રણાલિ પસંદ નહોતી અને બ્રિટિશ કોમનવેલ્થના વડા પદે કિંગ જ્યોર્જ-છઠ્ઠા હતા. આમ જો ભારત સંગઠનમાં જોડાય તો પરોક્ષ રીતે - એક અર્થમાં - બ્રિટિશ રાજાશાહીનું નેતૃત્વ સ્વીકાર્યું જ ગણાય.
નેહરુ ભલે રાજાશાહીનું નેતૃત્વ સ્વીકારવા ઇચ્છુક નહોતા, પણ બ્રિટિશ શાસકો ભારતને કોમનવેલ્થ દેશોના સંગઠનમાં સામેલ કરવા મક્કમ હતા. દીર્ઘદૃષ્ટી અને મુત્સદ્દીગીરીમાં માહેર બ્રિટિશ શાસકોએ આ જવાબદારી લોર્ડ માઉન્ટ બેટનને સોંપી. તેમને એક જ લાઇનની સુચના હતી કે ગમે તે થાય પણ ભારતને કોમનવેલ્થ સંગઠનમાં સામેલ થવા અને સંગઠનના વડા પદે બ્રિટિશ સમ્રાટ કે સામ્રાજ્ઞીનો સ્વીકાર કરવા માટે મનાવી લો. દિલ્હી-લંડન વચ્ચે લાંબો વિચાર-વિનિમય થયો. આખરે ભારત કોમનવેલ્થ દેશોના સંગઠનમાં જોડાવા રાજી થયું! ભારતને આ નિર્ણય માટે ‘સમજાવવામાં’, પંડિત નેહરુને ‘મનાવવામાં’ લેડી પામેલા માઉન્ટ બેટને પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી તે ઉલ્લેખનીય છે.
ખેર, આ પછી લંડનમાં બ્રિટીશ કોમનવેલ્થ પ્રાઇમ મિનિસ્ટર્સ કોન્ફરન્સ યોજાઇ. જેમાં ૨૮ એપ્રિલ ૧૯૪૯ના રોજ લંડન ડેકલેરેશન નામથી એક ઘોષણાપત્ર પ્રસિદ્ધ થયું હતું. આ ઘોષણાપત્ર આધુનિક કોમનવેલ્થના વિચારને સાકાર કરતું હતું. ભારતીય રાજદ્વારી વી. કે. કૃષ્ણ મેનન દ્વારા તૈયાર થયેલા આ ઘોષણાપત્રમાં બે જોગવાઇ મુખ્ય હતીઃ એક તો કોમનવેલ્થમાં ડોમિનિયન ન હોય તેવા - મતલબ કે પ્રજાસત્તાક અને રાજાશાહી ધરાવતા - દેશોને પણ સંગઠનમાં પણ પ્રવેશ અને સભ્યપદ આપવા. અને બીજું, બ્રિટિશ કોમનવેલ્થનું નામ બદલીને કોમનવેલ્થ ઓફ નેશન્સ કરવું. ડેકલેરેશનમાં કિંગ જ્યોર્જ-છઠ્ઠાને હેડ ઓફ કોમનવેલ્થ તરીકે જાહેર કરાયા હતા, અને તેમના નિધન બાદ નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીયને હોદ્દાની રુએ કોમનવેલ્થનું નેતૃત્વ સોંપાયું હતું.
ઘોષણાપત્રમાં જણાવાયું હતુંઃ ભારત સરકારે જાહેર કર્યું છે અને સંમતિ દર્શાવી છે કે ભારત કોમનવેલ્થ ઓફ નેશન્સમાં પૂર્ણ સમયના સભ્ય તરીકે જોડાશે તેમજ તેણે સમર્થન આપ્યું છે કે તે સ્વતંત્ર રાષ્ટ્રોના આ સંગઠનના વડા તરીકે કિંગને સ્વીકારે છે.
આમ પ્રજાસત્તાક ભારત કોમનવેલ્થ સંગઠનમાં જોડાયું. બ્રિટિશ શાસકોએ પોતાના હિતોને ધ્યાનમાં ભારતને સંગઠનમાં સામેલ કર્યું હતું. ભારતને પણ લાભ દેખાતો હતો. પરંતુ આજે ધીરે ધીરે સંગઠનમાં ભારતનું વર્ચસ વધી રહ્યું છે. બ્રિટનના યજમાનપદે ત્રણ દિવસની શીખર પરિષદ યોજાયા બાદ હવે આગામી સમિટ બે વર્ષ બાદ રવાન્ડામાં યોજાવાની છે.
નામદાર મહારાણીએ ઘરઆંગણે યોજાયેલી સમિટના પ્રારંભ પૂર્વે જ જાહેર કરી દીધું હતું કે હવે પોતે ૯૨ વર્ષ થયા છે અને પરદેશ પ્રવાસ કરવા આતુર નથી. મહારાણીની આ જાહેરાતના કારણે કેટલાય વખતથી એ સવાલ ચર્ચાઇ રહ્યો હતો કે તેઓ કોમનવેલ્થ સંગઠનથી દૂર થઇ રહ્યા છે તો પછી આ સંગઠનનું ભવિષ્ય શું?
ગુજરાતીમાં કહેવત છે કે જમણો હાથ ઉઠે તો મોં ભણી જ જાય. આવું જ માતા માટે કહેવાય છેઃ તેને કૂખે જણ્યા સંતાન પ્રત્યે કૂણી લાગણી રહેવાની જ. નામદાર મહારાણીનો પણ આ જ અભિગમ છે. પ્રિન્સ ચાર્લ્સ એક સમયે ખૂબ વગોવાઇ ગયા હતા. તેમના કરતૂતોથી મહારાણી પણ ઘણા નારાજ હતા તેમ કહેવાય છે. પરંતુ સમય સમયનું કામ કરે છે. સમય - સંજોગો બદલાયા એમ પ્રિન્સ ચાર્લ્સના વાણી-વર્તન-વ્યવહાર-ચાલ-ચલગત બધેબધું બદલાયું. આજે બ્રિટિશ પ્રજાજનો પ્રિન્સ ચાર્લ્સમાં ભાવિ સમ્રાટની ઝલક નિહાળી રહ્યા છે.
નામદાર મહારાણી તો કોમનવેલ્થ સંગઠનનું સુકાન છોડવા માટે સજ્જ થઇ ગયા હતા, પરંતુ તેમના માટે લાખ પાઉન્ડનો સવાલ એ હતો કે પ્રિન્સ ચાર્લ્સને તેમના વડા પદે બેસાડવા કેવી રીતે?
બે બાબત સ્પષ્ટ હતી કે સંગઠન સાથે જોડાયેલા તમામ ૫૩ દેશો અનેકવિધ મુદ્દે ભિન્નતા ધરાવે છે. આ રાષ્ટ્રો સર્વસંમતિથી પ્રિન્સ ચાર્લ્સને કોમનવેલ્થના વડા તરીકે સ્વીકારી લે તેવી શક્યતા ઓછી હતી. સાથે સાથે જ એ હકીકત છે કે ૫૩ દેશોમાં અન્ય વ્યક્તિની સર્વસંમતિ અશક્ય હતી. નામદાર મહારાણી ૧૯૫૩થી સંગઠનના વડા પદે બિરાજે છે, અને આ સમયમાં તેઓ તમામ દેશોનો વિશ્વાસ જીતીને આદરસત્કાર-માનપાન પામ્યા છે, પરંતુ પોતાના અનુગામી તરીકે વારસદારની પસંદગીના વિકલ્પો મર્યાદિત હતા.
નામદાર મહારાણીએ લગભગ સાડા છ દાયકાના નેતૃત્વ દરમિયાન ખૂબ પરિપકવતા સાથે તમામ દેશોને અને કોમનવેલ્થ દેશોને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. બીજી બધી રીતે જોઇએ તો બ્રિટન તગડો દેશ તો ખરોને?! આમ પ્રિન્સ ચાર્લ્સને ભવિષ્યમાં મહારાણી ગાદી સોંપે તો કોમનવેલ્થનું સુકાન સોંપવા વાત કેમ આગળ વધારવી તે પ્રશ્ન હતો. આથી જ છેલ્લા બે વર્ષમાં પ્રિન્સ ઓફ વેલ્સથી માંડીને પ્રિન્સ વિલિયમ એક યા બીજા સમયે ભારતની મુલાકાત લેતા રહ્યા છે. નરેન્દ્ર મોદીને મળતા રહ્યા છે, જેથી સમય આવ્યે ઘીના ઠામમાં જ ઘી ઢળશે તે નક્કી થઇ જાય.
બ્રિટિશ માનસ કેવું ચબરાક છે તેની એક ઝલક જૂઓ. ગયા ગુરુવારે કોમનવેલ્થ દેશોના તમામ નેતાઓ બકીંગહામ પેલેસમાં એકત્ર થયા હતા. બોલરૂમમાં યોજાયેલા સમારોહમાં ૫૩ દેશોના વડાઓ હાજર હતા અને માત્ર જાણકારો જ એ વાતે વાકેફ હતા કે મહારાણી શું બોલવાના છે.
ભવ્યાતિભવ્ય બોલરૂમમાં પ્રિન્સ ચાર્લ્સ સહિત રાજપરિવારના વરિષ્ઠ સભ્યો મહારાણીની બાજુમાં બેઠા હતા. નામદાર મહારાણીએ માનવંતા મહેમાનોનું સ્વાગત કરતાં વડા પ્રધાન થેરેસા મે સહિતના ડેલિગેટ્સને કહ્યું કેઃ કોમનવેલ્થ દેશોના વડા તરીકે આપ સહુની સેવા કરવાનો અવસર મળ્યો તે મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. આજે આ સંગઠનનો પ્રભાવ વિસ્તરી રહ્યો છે તે નિહાળીને સંતોષ અને ગર્વની લાગણી અનુભવું છું. હું અંતઃકરણપૂર્વક ઇચ્છું છું કે કોમનવેલ્થ આ જ પ્રકારે ભાવિ પેઢીઓને પણ સાતત્યપૂર્ણ સ્થિરતા પૂરી પાડતું રહે, અને મારા પિતાએ ૧૯૪૯માં હાથ ધરેલું આ મહત્ત્વપૂર્ણ કાર્ય એક દિવસ પ્રિન્સ ઓફ વેલ્સ આગળ ધપાવે. હું માનું છું કે સહિયારા પ્રયાસો અને ઘનિષ્ઠ પ્રવૃત્તિઓ થકી આપણે આપણી વિચારધારાને અનુસરતા લોકો માટે વધુ સુરક્ષિત, વધુ સમૃદ્ધ અને સશક્ત વિશ્વનું નિર્માણ કરી શકીશું, એક એવું વિશ્વ કે જ્યાં કોમનવેલ્થ લોકો માટે આશાનું કિરણ બની રહેશે. મહેલમાં વસતાં મહારાણી હોય કે ધૂળિયા ગામડાગામમાં વસતી માતા, હંમેશા પોતાના સંતાનને જ આગળ કરેને?! આમાં નવું કંઇ નથી, પરંતુ કોમનવેલ્થનું સુકાન પ્રિન્સ ઓફ વેલ્સના હાથમાં સોંપવાનો સંકેત આપતા પહેલાં પરદાં પાછળ ઘણું રંધાઇ ગયું હતું. ૫૩ દેશોના બનેલા સંગઠનની નેતાગીરીનું સરળતાથી, સહજતાથી હસ્તાંતરણ થઇ રહ્યું છે તે ઉજળા ભવિષ્યના એંધાણ છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter