રેફરન્ડમ, જનમત, મતમતાંતર, આક્ષેપબાજી... વિખવાદ

સી. બી. પટેલ Tuesday 15th March 2016 13:16 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો આજે આપણે આપણા અને આપણા સંતાનોના ભવિષ્ય સાથે સંકળાયેલા ગંભીર મુદ્દા વિશે કંઇક વિશેષ જાણીએ, સમજીએ અને વિચારીએ. બ્રિટને યુરોપિયન યુનિયન (ઇયુ)માં રહેવું જોઇએ કે નીકળી જવું જોઇએ તેનો જનમત આગામી ૨૩મી જૂને લેવામાં આવશે. વડા પ્રધાન ડેવિડ કેમરને ચાર સપ્તાહ પહેલાં આ રેફરન્ડમની ઘોષણા કરી હતી. આમ તો આ રેફરન્ડમ, જનમતને ત્રણેક મહિના બાકી છે, પણ એક - એક દિવસ જેમ જેમ આ તારીખની નજીક સરકતા જઇએ છીએ તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. નેતાઓના સામસામા નિવેદનોનું પ્રમાણ વધી રહ્યું છે. અને આ બધાના પરિણામે મારા-તમારા જેવા આમ આદમીની અવઢવ પણ વધી રહી છેઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઇએ કે નહીં?
સૂચિત જનમત ક્રમે ક્રમે વધુ સનસનાટીપૂર્ણ નિવેદનો જન્માવી રહ્યો હોવાથી આ સપ્તાહે કોલમમાં આપણા સહુની મૂંઝવણ કંઇક અંશે દૂર કરવા, ચિત્ર સ્પષ્ટ કરવા માટે પ્રયાસ કર્યો છે.
જસ્ટિસ સેક્રેટરી માઇકલ ગોવ એટલે વડા પ્રધાન ડેવિડ કેમરનના અંગત મિત્ર. ગોવ આજકાલ એક અત્યંત ગંભીર વિવાદમાં સપડાયા છે. નામદાર મહારાણીએ એક ખાનગી વાતચીત દરમિયાન એવો મત વ્યક્ત કર્યો હોવાનું બહાર આવ્યું છે કે બ્રિટનને યુરોપિયન યુનિયનમાં રહેવાની જરૂર નથી. તેમણે એવી લાગણી પણ વ્યક્ત કર્યાનું કહેવાય છે કે યુરોપિયન યુનિયન એક વેપાર-ધંધા અંગેનું સંગઠન હોય તો વાત અલગ છે, પણ આ સંગઠન તો યુરોપના દેશોના રાજકીય એકીકરણ બાબત કેટલાક કટુ પ્રશ્નો ઉભા કરે છે, જે બ્રિટનના હિતમાં નથી.
મહારાણીનો આ મત લોકોમાં ફરી રહ્યો છે. મને, તમને કે મહારાણીને કોઇને પણ કોઇ પણ મુદ્દે અંગત અભિપ્રાય આપવાનો, વિચાર રજૂ કરવાનો અધિકાર છે. મારા-તમારા વિચારો અને મહારાણીના વિચારો, અભિપ્રાયોમાં ફરક હોય તો તે બસ એટલો જ કે મારા-તમારા જેવાની વાતને ઘરના પણ ભાગ્યે જ કાને ધરતા હોય અને મહારાણીના શબ્દેશબ્દને લોકો પૂરી ગંભીરતાથી માપતા-તોલતા હોય છે. (કદાચ આથી જ) એક વણલખ્યો શિરસ્તો છે કે નામદાર મહારાણી કોઇ વિશેષ મહેમાન કે પ્રિવી કાઉન્સિલર સમક્ષ પોતાનું અંગત મંતવ્ય રજૂ કરે તો તે જાહેર જનતાની માહિતી માટે હોતું નથી. આમાં કોઇ જરા જેટલી પણ ચૂક સામ્રાજ્ઞીનું ઘોર અપમાન મનાય છે, બ્રિટિશ પરંપરાનું ઉલ્લંઘન ગણાય છે.
શરૂઆતમાં અહેવાલ આવ્યા કે માઇકલ ગોવે મહારાણીનો અભિપ્રાય કોઇને જણાવ્યો અને આમ વાત લોકોમાં ફરતી થઇ ગઇ. જોકે માઇકલ ગોવે આ મુદ્દે સ્પષ્ટ નનૈયો ભણ્યો છે. ટોરી પક્ષના કે બ્રિટને ઇયુ છોડી દેવાનો વિકલ્પ પસંદ કરવો જોઇએ તેવો મત ધરાવતા લોકો મહારાણીના અભિપ્રાયને ચર્ચાના ચાકડે ચઢાવી રહ્યા છે. વિરોધ પક્ષે માગણી કરી છે કે સરકારે આ મુદ્દે તપાસ પંચ નીમવું જોઇએ. બીજી તરફ, વડા પ્રધાન આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે માઇકલ ગોવે આ વાત પોતે વહેતી કરી નથી તેવો જે ખુલાસો કર્યો છે તે પૂરતો છે. નોંધપાત્ર છે કે કેમરન અને ગોવ અંગત મિત્રો હોવા છતાં જનમત મુદ્દે આમનેસામને છે.
આ ઉપરાંત બીજા પણ ગંભીર વિધાનો બહાર આવી રહ્યા છે. જેમ કે, વડા પ્રધાન કેમરન કહે છે કે બ્રિટનની અડધોઅડધ નિકાસ યુરોપિયન દેશોમાં જાય છે. તેમના દાવાને આંકડાઓ પણ સમર્થન આપે છે તે સાચું, પણ ઇયુના દેશો જે નિકાસ કરે છે તેના માત્ર ૬ ટકા જ બ્રિટનમાં આવે છે. આમ બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી નીકળી જાય તો તેને નવા બજારો શોધવા પડે. આ જ પ્રમાણે ઇયુમાંથી બહાર નીકળી જવાની તરફેણ કરતાં લોકો કહે છે કે યુરોપિયન યુનિયનમાં દરેક સહભાગી દેશ માથાદીઠ જે આર્થિક યોગદાન આપે છે તેમાં બ્રિટનનો હિસ્સો ખૂબ ઊંચો છે. જ્યારે આંકડાઓ સ્વયં સ્પષ્ટ કરે છે કે યુરોપિયન યુનિયનના સહભાગી દેશો દ્વારા જે યોગદાન આપવામાં આવે છે તેમાં માથાદીઠ ગણતરી માંડવામાં આવે તો બ્રિટન તેના નાગરિક દીઠ માત્ર ૯ ટકા યોગદાન આપે છે. તો પછી ઇયુના અન્ય દેશો માથાદીઠ કેટલું યોગદાન આપે છે? આ રહ્યા આંકડા...
ઇયુમાં સૌથી વધુ માથાદીઠ યોગદાન આયર્લેન્ડ (૩૪ ટકા) આપે છે. જ્યારે હોલેન્ડ ૩૧ ટકા, ઓસ્ટ્રીયા ૩૦, ડેન્માર્ક ૨૫, જર્મની ૨૪, સ્વીડન ૨૩ ટકા, ફિનલેન્ડ ૧૦ અને ફ્રાન્સ ૭ ટકા આપે છે. આમ, ઇયુમાં સૌથી વધુ આર્થિક યોગદાન બ્રિટનનું હોવાનો દાવો હળાહળ ખોટો છે.
કંઇક આવી જ વાત માઇગ્રેશન સંદર્ભે છે. યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવા ઇચ્છતા લોકોનો મત છે કે ગયા વર્ષે ૧૩ લાખ નિર્વાસિતો સીરિયા, ઇરાક સહિતના દેશોમાંથી ઇયુ દેશોમાં આવ્યા. જો બ્રિટન ઇયુમાં ન હોય તો તેનો ધસારો રોકી શકાયો હોત. આ બાબતમાં પણ નોંધપાત્ર એ છે કે અડધમાં રામ અને અડધમાં ગામ નહીં, પણ લગભગ ૨૦૧૫માં જે ૧૩ લાખ જેટલા નિર્વાસિતો ઇયુના દેશોમાં આવ્યા તેમાંથી ૮૦ ટકાને તો જર્મનીએ સ્વીકાર્યા છે. જ્યારે સ્વીડનમાં લગભગ સવા લાખને આશરો મળશે. બ્રિટન પોતે આગામી પાંચ વર્ષમાં ૨૦ હજાર નિર્વાસિતોને શરણાગતિ આપવા તૈયારી બતાવી છે. એક બીજી પણ અગત્યની વાત સ્પષ્ટ બની છે. જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કેલે હિંમતભેર નિર્વાસિતોને આવકાર્યા તેથી જર્મનીના પ્રાંતોમાં જે ચૂંટણીઓ થઇ રહી છે તેમાં એન્ટી ઇમિગ્રન્ટ બેકલેશ જોવા મળી રહ્યો છે. મતલબ કે લોકોમાં શરણાર્થી-વિરોધી જુવાળ જોવા મળી રહ્યો છે.
એક આડ વાત... બ્રિટનમાં આજકાલ તમે કોઇ પણ અખબાર ઉઘાડશો કે કોઇ ન્યૂસ ચેનલ પર આ રેફરન્ડમ સંબંધિત સમાચાર કે અહેવાલ વાંચશો કે નિહાળશો તો તમને વારંવાર Brexit શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળશે. મોટા ભાગના વાચકો જાણતા જ હશે, પણ જે થોડાક આ શબ્દથી પરિચિત ન હોય તેમને જણાવી દઉં કે Brexit શબ્દ British exitનું ટૂંકું સ્વરૂપ છે, યુરોપિયન યુનિયનમાંથી બ્રિટને નીકળી જવું જોઇએ તે મતના સમર્થનમાં આ શબ્દ વપરાય છે.
લંડનના મેયર બોરિસ જ્હોન્સન Brexit આંદોલનના એક મુખ્ય સમર્થક કહો તો સમર્થક અને નેતા કહો તો નેતા છે. તેઓ ભારપૂર્વક માને છે કે બ્રિટને ઇયુ સાથે છેડો ફાડવો જ જોઇએ. આ મુદ્દે તેમણે ગયા બુધવારે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. બોરિસ જ્હોન્સન, માઇકલ ગોવ, પ્રીતિ પટેલ વગેરે નેતાઓ વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે બહુ મિત્રતાપૂર્ણ નાતો ધરાવતા હોવા છતાં તમામે (ઇયુમાં બ્રિટનના સભ્યપદના મામલે) તેમની સામે મોરચો માંડ્યો છે. દુશ્મન કરે તેવું કામ સાથી નેતાઓ કરી રહ્યા હોવાથી પક્ષમાં સમસ્યા સર્જાઇ છે. જેમ કે, શુક્રવારે બોરિસ જ્હોન્સને એવું નિવેદન કર્યું છે કે માનનીય વડા પ્રધાન 'Merchant of gloom' છે. તેમના કહેવાનું તાત્પર્ય એ હતું કે બ્રિટન યુરોપિયન યુનિયનમાં સામેલ નહીં હોય તો આસમાન તૂટી પડશે તેવો નિરાશાવાદી અભિગમ ડેવિડ કેમરન ધરાવે છે.
એક બાજુ Brexit સમર્થક એવી માઇકલ ગોવ, બોરિસ જ્હોન્સન આણિ મંડળી એક યા બીજા પ્રકારે ડેવિડ કેમરન, રેફરન્ડમ લેવાની તેમની નીતિરીતિને નિશાન બનાવી રહી છે. તો સામી બાજુ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જ જોઇએ તેવો મત ધરાવતા વડા પ્રધાન અને તેમના સમર્થકો Brexitના સમર્થકોને નિશાન બનાવતા જણાય છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે પણ સ્વીકાર્યું છે જો તેઓ રેફરન્ડમ કેમ્પેઇનમાં વધુ સક્રિય બન્યા તો સરવાળે તેનાથી સમગ્ર ચર્ચામાં પ્રદૂષણ જ ઉમેરાશે.
બીબીસીએ એક આયોજન એવું કર્યું હતું કે ઇયુ રેફરન્ડમ મુદ્દે (પક્ષની) અંદર - બહાર જે જૂથ છે તેના વડાઓ કે વરિષ્ઠ નેતાઓ પોતપોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ૧૨ હજારથી વધુ દર્શકો સમાવવવાની ક્ષમતા ધરાવતા વેમ્બલી અરેનામાં જનરલ પબ્લિક સમક્ષ એક ઓપન ડિબેટ યોજવી જોઇએ. આ ખુલ્લી ચર્ચા થકી લોકોને બન્ને પક્ષકારોના વિચારો જાણવા-સમજવા મળશે. ઇયુમાં રહેવાના અને ઇયુને છોડવાના લાભાલાભ વિશે આમ આદમીને માહિતી મળવાની સાથોસાથ તેમના મનમાં આ મુદ્દે કોઇ અવઢવ હશે તો તે દૂર થશે અને તેઓ વધુ સમજદારી અને સભાનતાપૂર્વક મતદાન કરશે. આ ડિબેટ માટે બીબીસીએ કેટલીક તારીખો પણ સૂચવી હતી - ૧૯ મે, ૧૫ જૂન અથવા ૨૧ જૂન. આ ગ્રેટ ડિબેટનું સંચાલન ડેવિડ કિમ્બર્લી કરશે તેવું જાહેર થયું. ડિબેટમાં ઇયુમાં રહેવાના સમર્થક વડા પ્રધાન ડેવિડ કેમરન તથા તેમના ટેકેદારો અને સામા પક્ષે ઇયુ સાથ છેડો ફાડવાના મતના માઇકલ ગોવ, બોરિસ જ્હોન્સન અને તેમના ટેકેદારો પોતપોતાના વિચારો રજૂ કરશે તેવું નક્કી થયું હતું. જોકે શનિવારે મળતા છેલ્લા અહેવાલો મુજબ, વડા પ્રધાન સહિતના ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના સમર્થકો આ ડિબેટ ન યોજાય અથવા તો આટલા ઉચ્ચ સ્તરે ન યોજાય તે માટે કામે લાગ્યા છે.
ભેંસ ભાગોળે અને છાશ છાગોળે...
ઇયુ રેફરન્ડમ માટે હજુ ત્રણેક મહિના જેટલો સમય છે, પણ દેશમાં એવો માહોલ જામ્યો છે કે ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમની આપણી દેશી ઉક્તિ એકદમ બંધબેસતી લાગે. જે પ્રકારે નેતાઓ સામસામા નિવેદનો કરી રહ્યા છે તે દર્શાવે છે કે આ મુદ્દે ટોરી પક્ષમાં ભારે વિખવાદ જામ્યો છે. ખરેખર તો વડા પ્રધાનને - બંધારણીય દૃષ્ટિએ જોઇએ તો પણ - સૂચિત રેફરન્ડમની કોઇ જરૂર જ નહોતી. પરંતુ તેમણે પક્ષમાંના આંતરિક વિખવાદથી કેડો મૂકાવવા માટે રેફરન્ડમનું ગતકડું કર્યું. અને હવે બકરી કાઢતાં ઊંટ પેસી જાય તેવો ભય સેવાય રહ્યો છે.
વાચક મિત્રો, આપ સહુએ નોંધ્યુ હશે કે બ્રિટનમાંથી પ્રકાશિત લઘુમતી પ્રકાશનોમાં આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ ઇયુ રેફરન્ડમ અંગે સૌથી વધુ વિગતવાર અહેવાલો આપી રહ્યા છે. કારણ સ્પષ્ટ છે - સૂચિત રેફરન્ડમના પરિણામની દૂરોગામી અસરો માત્ર આપણા પૂરતી જ સીમિત નથી રહેવાની, આપણા સંતાનોના ભવિષ્યને પણ તે અસરકર્તા બનવાની છે. આ સંજોગોમાં સૂચિત રેફરન્ડમના તમામ પાસાઓ અંગે સર્વાંગ સંપૂર્ણ માહિતી મેળવવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઇએ કે તેની સાથે છેડો ફાડવો જોઇએ તે મુદ્દે મતદાન થાય તે પૂર્વે છેલ્લામાં છેલ્લી માહિતીથી, રાજકીય ઘટનાક્રમોથી, આંતરપ્રવાહોથી આપ સહુને માહિતગાર કરવા અમે પ્રયત્નશીલ છીએ. બ્રિટનવાસી ભારતીય સમુદાય લોકજુવાળમાં તણાઇને નહીં, પણ જવાબદારીપૂર્વક, સમજદારીપૂર્વક મતદાન કરે તેવા અમારા પ્રયાસ છે. આ પ્રયાસના ભાગરૂપે રેફરન્ડમ પૂર્વે અમે એકાદ-બે ચર્ચાસભાનું આયોજન પણ કરી રહ્યા છીએ.

•••

ભારતના એકીકરણનો સુખદ અનુભવ

માર્ચ ૧૯૪૭માં બ્રિટિશ પાર્લામેન્ટે ઇંડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કર્યો. ધર્મના ધોરણે પાકિસ્તાનને એક અલગ રાષ્ટ્ર બનાવવાનું નક્કી થયું. ભૂતકાળમાં ઇસ્ટ ઇંડિયા કંપની કે બ્રિટન સરકાર સાથે સંધિ કરીને પોતાની સાર્વભૌમ સત્તા બ્રિટિશ તાજને હવાલે કરનાર ૫૬૬ જેટલા રજવાડાના રાજા, મહારાજા, નવાબો, ભાયાતોને જણાવાયું કે હવે આવા કોઇ પણ પ્રકારના કોલ-કરારનો અંત આવશે. એટલું જ નહીં, તેમને એમ પણ જણાવાયું કે ભારત અને પાકિસ્તાન - બન્ને રાષ્ટ્રો સ્વતંત્રતા મેળવશે તે દિવસથી તેઓ પણ તેમની સાથે જોડાવાનો અથવા તો સ્વતંત્ર અસ્તિત્વ જાળવવાનો અધિકાર મેળવશે.
આમ તો કેટલાક મહિનાથી એવા સંકેત મળી જ રહ્યા હતા કે બ્રિટિશ સરકાર દેશ છોડતાં છોડતાં પણ કંઇક એવું ગતકડું કરવાની જ છે કે જેથી હિન્દુસ્તાન નાના નાના ટુકડાઓમાં વહેંચાઇ જાય. અંગ્રેજોની આ હિલચાલથી સુપેરે વાકેફ સરદાર વલ્લભભાઇ પટેલે સમગ્ર પરિસ્થિતનો કયાસ કાઢીને પૂર્વ તૈયારી કરી લીધી હતી. સરદાર સાહેબ સ્પષ્ટ જોઇ શક્યા હતા કે બ્રિટિશ શાસકો આ ધરતી પરથી વિદાય તો લઇ રહ્યા છે, પણ સામે હિન્દુસ્તાનના નક્શામાં ૫૬૬ વત્તા બે બાકોરાં કરતાં જવાના વેંતમાં છે. તેઓ ભલે હિન્દુસ્તાનને આઝાદ કરી રહ્યા હોય, પણ જો તેમની યોજના સફળ થઇ તો દેશ જેવું તો કંઇ રહેતું જ નથી. રજવાડા સ્વતંત્ર રહે તો સરવાળે આર્થિક, સામાજિક જ નહીં, સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો પણ સર્જાવાના છે. આથી તેમણે વિદાય લઇ રહેલા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનની મંજૂરી મેળવીને અનુભવી આઇસીએસ અધિકારી વી. પી. મેનનના વડપણ હેઠળ વચગાળાની સરકારમાં એક માળખું રચ્યું. સરદારે ખુદે ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. ભારત માતાની માળામાં રજવાડા રૂપી મણકાં એક પછી એક ઉમેરવાનું શરૂ કર્યું. જોકે જેમ જેમ દિવસો વીતી રહ્યા હતા, ભારતની આઝાદીનો દિવસ નજીક આવી રહ્યો હતો તેમ તેમ રજવાડાઓને એકતાંતણે બાંધવાનો પ્રશ્ન જટિલ બની રહ્યો હતો.
મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન માગનાર મોહમ્મદ અલી ઝીણાએ તેમના મિત્રો એવા જોધપુરના મહારાજા, વડોદરાના ગાયકવાડી શાસક શ્રીમંત પ્રતાપસિંહજી અને ભોપાલના નવાબને લેખિત બાંહેધરી આપી કે જો તમે પાકિસ્તાન સાથે સંધિથી જોડાશો તો તમારા રાજ્યો સંપૂર્ણ સ્વતંત્ર રહેશે અને તમે અગાઉની જેમ જ તમામ અધિકારો ભોગવી શકશો. તમારા આ અધિકારોમાં પાકિસ્તાન કોઇ પણ પ્રકારે હસ્તક્ષેપ નહીં કરે વગેરે વગેરે...
રાજા, વાજા ને વાંદરા ક્યારે બગડે તે કંઇ કહેવાય નહીં. આ કિસ્સામાં પણ આવું જ થયું. અત્યાર સુધી આઝાદીની ચળવળમાં યોગદાન આપતા રહેલા આ ત્રણેય રાજ્યના શાસકો ઝીણાની વાતોમાં આવી ગયા. પાકિસ્તાન સાથે જોડાવા માટે લગભગ સંમત થઇ ગયા. સરદાર આ સમયે દિલ્હીમાં હતા. રાતદિવસ આ જ કામમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેમને ઝીણાની આ લલચામણી ઓફરની જાણ થઇ અને તરત જ પોતાના સૂત્રોને કામે લગાડ્યા.
તે સમયે વડોદરામાં ગાયકવાડ સરકારના અતિ વિશ્વાસુઓમાં સ્થાન ધરાવતા મનુભાઇ મહેતા (સ્વ. જીવરાજ મહેતાના સસરા)નો સંપર્ક સાધ્યો. પત્ર પાઠવીને સાનમાં સમજાવ્યું કે ગાયકવાડના શાસકોને સમજાવો કે હિન્દુસ્તાનનો એક એક નાગરિક આઝાદી માટે દૃઢ નિશ્ચયી છે, થનગની રહ્યો છે. જરૂર પડ્યે તે પોતાના જાનની આહુતિ આપવા પણ તૈયાર છે. તમે જરા વિચારો કે આ જુસ્સો જોઇને વિશ્વની સૌથી મોટી મહાસત્તા પણ હિન્દુસ્તાનમાંથી ઉચાળાં ભરવા બિસ્તરાં-પોટલાં બાંધી રહી છે. તમે ભારત સાથે જોડાવ કે પાકિસ્તાન સાથે જોડાઇને સ્વતંત્ર રાજ કરો, પરંતુ નિર્ણય કરતાં પહેલાં બે પ્રશ્ન વિશે અવશ્ય વિચારજો. 

એક તો, મોહમ્મદ અલી ઝીણા પર કેટલો ભરોસો મૂકી શકાય? અને બીજું, ઝીણા તરફથી ભલે ક્યારેય કદાચ કરારભંગ ન થાય, પણ તમારા રાજ્યની પ્રજા તેમનો નિર્ણય સ્વીકારશે ખરી? તમને સહુને યાદ હશે જ ગાંધીજીના ‘હિન્દ છોડો’ના એક નારા સાથે લોકો રસ્તા પર નીકળી પડ્યા હતા અને આજે પરિણામ આપણી નજર સમક્ષ છે. આ વાતને હજુ ચાર વર્ષ માંડ થયા છે.

ટૂંકમાં, સરદાર સાહેબે સારી ભાષામાં, પણ એવી ચીમકી ઉચ્ચારી હતી કે તેમને પોતાના નિર્ણય પર ફેરવિચારણા કર્યા વગર છૂટકો ન રહે. આ ત્રણેય શાસકોને તેમના રાજકીય સલાહકારોએ પણ સમજાવ્યું કે સરદાર સાહેબની વાતમાં દમ તો છે જ. વગરવિચાર્યું કોઇ પણ પગલું ભારે પડી શકે છે. તમારું રાજ્ય સ્વતંત્ર રહેશે, પણ તમે સત્તા જ નહીં ભોગવી શકો તો ફાયદો શું? સરદાર જે સંધિ કરવા માગે છે તેમાં સંમતિ દર્શાવવામાં જ તમારું હિત છે. છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું. આ ત્રણેય રાજ્યોએ ‘લાંબા ગાળાનું હિત’ વિચારીને ભારત સાથે રહેવાનું નક્કી કર્યું.
સરદાર સાહેબે કઇ રીતે સામ, દામ, દંડ, ભેદની ચાણક્યનીતિથી રજવાડાંઓને ભારતમાં ભેળવ્યા હતા તેની રસપ્રદ વાતો 'Integration of the states of India', રાજમોહન ગાંધીના પુસ્તક 'Patel', દિનકર જોષીના પુસ્તક ‘મહામાનવ’, ‘સરદારશ્રીના પત્રોનો સંચય’ વગેરેમાં વાંચવા મળે છે.
પરંતુ આ બધી વાતોનો ઉલ્લેખ અહીં શા માટે કર્યો છે? કોઇકે આ દેશના શાસકોને સમજાવવું જોઇએ કે વેપાર-વણજના ઉદ્દેશથી રચાયેલા સંગઠનમાં દેશનું સામેલ થવું એક વાત છે, અને સ્વ-દેશના લક્ષ્યો, ઉદ્દેશો, હિતો સાથે બાંધછોડ કરીને વિવિધ દેશોના રાજકીય સંગઠનમાં જોડાવું બીજી વાત છે. જુદા જુદા દેશોના લક્ષ્યો, ઉદ્દેશો, હિતોને એક છત્ર તળે આણીને વિવિધ દેશોનો એક સમૂહ કે જૂથ રચવાનું આસાન નથી. દરેક દેશનો આગવો ઇતિહાસ હોય છે, સંસ્કૃતિ હોય છે, પરંપરા હોય છે તે દરેકે યાદ રાખવું રહ્યું.
આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે સમ્રાટ ચંદ્રગુપ્ત અને ચાણક્યે આદરેલા પ્રયાસોનું પરિણામ આજનું ભારત છે. આ ઇતિહાસ, પરંપરાને ભૂંસીને બ્રિટિશ સરકાર ભારતને વેરવિખેર કરી નાખવા ઉત્સુક હતી, પણ તેનો બદઇરાદો સાકાર થયો નહીં. કેમ?! ભારત પાસે નૈતિક શક્તિ ધરાવતા નેતાઓ હતા - મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નેહરુ, બાલ ગંગાધર ટિળક, જેવા નેતાઓની હાકલ માત્રથી એક-એક ભારતીય નાગરિક સ્વાતંત્ર્ય માટે પોતાના જીવનનું બલિદાન આપવા તત્પર હતો. અફસોસની વાત છે કે ઇયુમાં રહેવાના મુદ્દે બે ભાગમાં વહેંચાઇ ગયેલા યુરોપ કે બ્રિટન પાસે આજે આવો કોઇ સબળો નેતા નથી. (ક્રમશઃ)


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter