વડીલો સહિત સૌ વાચકમિત્રો, આપ સહુ ક્ષેમકુશળ હશો. આપણે જીવનમાં નાનામોટા કેટલાય સમાચાર અંગે વિચારવંત હોઇએ છીએ. વિચારવંત હોવું એ આવશ્યક છે, પણ તેનો વિચારવાયુ ન થઇ જાય તે બાબત સાવચેત રહો તેવી નમ્ર અરજ છે.
અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોમાં જાતજાતના સર્વે થતા રહે છે. આરોગ્ય, અર્થતંત્ર, પરિવાર, ખાણીપીણી, જીવનશૈલી, તમારી માન્યતા, કોઇ મુદ્દે તમારો પ્રતિભાવ વગેરે જાતજાતના અને ભાતભાતના વિષયો પર અભિપ્રાયો એકત્ર કરીને, તેનો અભ્યાસ કરીને, અહેવાલો તૈયાર થાય છે, અને પછી તેના પર ચર્ચા-વિચારણા ચાલતાં રહે છે.
ભારતની જ વાત કરીએ તો લોકોમાં હવે આશાવાદ જોરમાં જોવા મળે છે. લોકો ઉજળા ભાવિ માટે આશાવંત છે. હવે ભારતમાં અને ભારત બહાર વસતાં આપણા ભારતવંશીઓ, અને તેમાં પણ ખાસ તો ભારતનિવાસી લોકો વિદેશી સમાચાર માધ્યમોને વધારે પડતું મહત્ત્વ આપે છે એમ અવારનવાર જોઇ શકાય છે.
ટાઇમ મેગેઝિન કે પશ્ચિમના કોઇ સામયિક કે દૈનિકમાં ભારતના નેતાના ફોટો સાથે સારા-નરસા સમાચારો ચમકે ત્યારે ભારતના રાજકારણમાં વમળો સર્જાય છે, જેના છેડો છેક આમ આદમી સુધી પહોંચતા હોય છે. જેમ કે, તાજેતરમાં જગવિખ્યાત ન્યૂ યોર્ક ટાઇમ્સના પહેલા પાને જ દિલ્હીની કેજરીવાલ સરકાર સંચાલિત સ્માર્ટ સ્કૂલની ભારોભાર પ્રશંસા કરતો સચિત્ર અને વિગતવાર અહેવાલ પ્રકાશિત થયો છે. કેજરીવાલ સરકારની નેતાગીરી કોલર ઊંચા કરીને, ગળું ખોંખારીને આ મુદ્દે જશ ખાટવાની તૈયારીમાં હતી જ કે મુખ્ય વિપક્ષ ભાજપની નેતાગીરીએ તરત તેમના ઉત્સાહ પર પાણી ફેરવતાં કહ્યુંઃ આ જ ન્યૂ યોર્ક ટાઇમ્સના અંદરના પાન પર જૂઓ, તમારી સરકારની આકરી ટીકા કરતો અહેવાલ પ્રકાશિત થયો છે. મતલબ કે પહેલા પાને પ્રકાશિત તમારી સ્માર્ટ સ્કૂલની પ્રશંસા કરતો અહેવાલ પેઇડ રિપોર્ટ છે. મતલબ કે સમાચાર સ્વરૂપે પ્રકાશિત જાહેરખબર છે.
અરવિંદ કેજરીવાલની ‘આપ’ સરકારની ગંભીર ટીકા કરતાં ભાજપ પ્રવક્તાએ ‘આજ તક’ના હલ્લાબોલ કાર્યક્રમમાં એવો સવાલ ઉઠાવ્યો હતો કે એક અખબારના પહેલા પાને સરકારની કામગીરીના ભરપૂર વખાણ હોય અને થોડાક પાનના અંતરે પ્રકાશિત લેખમાં સરકારની કામગીરીના આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી હોય એવું કઇ રીતે બની શકે?! મતલબ કે નક્કી દાળમાં કંઇક કાળું છે.
સુજ્ઞ વાચક મિત્રો, બીજા પણ સર્વે થતા રહે છે. અમેરિકામાં પ્યૂ (PEW) રિસર્ચ નામે જાણીતી સંસ્થા છે. તેણે અલગ અલગ પ્રશ્નો વિશે લાંબા - ઊંડા સર્વે કર્યા બાદ તારવ્યું છે કે સર્વાંગી રીતે જોઇએ તો જીવનના અનેક ક્ષેત્રોમાં વધુ સંતોષજનક અને આશાસ્પદ ઘટનાઓ બની રહી છે. 1950માં બાળ મરણનું પ્રમાણ 1000 વ્યક્તિએ 30નું હતું, જે આંક હવે ઘટીને માત્ર 3 થઇ ગયો છે. કેન્સર સર્વાઇવલની વાત કરીએ તો 30-40 વર્ષ પૂર્વે કેન્સર એટલે (જીવન) કેન્સલ મનાતું હતું, પરંતુ હવે સમય બદલાયો છે. કેન્સરનું ઘણું આગોતરું નિદાન શક્ય બન્યું છે તેના કારણે બચી જવાના ચાન્સિસ 35થી 40 ટકા વધી ગયા છે. 2005માં કેન્સર અને હૃદયરોગના કારણે થતા મૃત્યુની ટકાવારી હવે ઘટવા લાગી છે. તપાસ અને નિદાનના આધુનિક સાધનો, દવામાં સતત સંશોધન, રોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ, આહારવિહારમાં બદલાવ, જીવન પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ તેમજ મજબૂત મનોબળ સહિતના કારણોસર કેન્સરનું નિદાન થયું હોય તેવા અડધોઅડધ કે વધુ દર્દીને સારું થઇ જાય છે. દર્દીનું સરેરાશ આયુષ્ય દસેક વર્ષ વધી જાય છે.
ચોરી, લૂંટફાટ, હિંસક હુમલાના સમાચારો વાંચીએ છીએ ત્યારે ઘણી વખત આપણે ચિંતિત બનીએ છીએ. 2018માં એક પુસ્તક પ્રકાશિત થયું હતું, નામ હતુંઃ The Perils of Perception. તેમાં જણાવાયું છે કે ઘણી વખત આપણે ધારી લઇએ છીએ કે બધું સારું છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે જેઓ માનતા હોય છે કે જીવનમાં બધું ખરાબ જ છે.
પરંતુ જો આપણે જરાક તટસ્થભાવે જોઇએ તો અહીં કે ભારતમાં અત્યારે માનવજાત માટે વધુ સુખ અને સલામતીના દિવસો પ્રવર્તી રહ્યા છે એમ કહી શકાય. અંગ્રેજીમાં કહેવાય છે કે Power of Positivity. ટૂંકમાં કહું તો, કોઇ બાબત પ્રત્યે માની લેવું, ધારી લેવું અથવા તો કોઇ કહે એટલે તેમની વાતને બ્રહ્મવાક્ય માની લેવું... આ બધું જ બિનજરૂરી છે, મનનો તણાવ - બોજ વધારનારું છે. સમય-સંજોગ ભલે કંઇ પણ હોય, આપણે તેના પ્રત્યે તટસ્થભાવ અભિગમ જાળવીને વિચારીએ તો મનની મૂંઝવણ ઘટી શકે છે.
અત્યારે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વાલીઓ માટે તેમના સંતાનોના ‘A’ લેવલના રિઝલ્ટ બહાર આવ્યા છે. એમ કહેવાય છે કે ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો પરિણામ થોડાક કડક આવ્યા છે. આથી ઘણા લોકોને ઉચ્ચ અભ્યાસની ઇચ્છા સાથે બાંધછોડ કરવી પડે તેવું બની શકે છે. (લગભગ) દરેકને ઉચ્ચ અભ્યાસની ઇચ્છા તો હોય જ છે ને?! અને આવી ઇચ્છા ધરાવનારનું બીજું અરમાન હોય છે ટોપમોસ્ટ શિક્ષણ સંસ્થાનમાં એડમિશન મેળવવાનું. તાજેતરમાં થયેલા એક અભ્યાસના તારણ અનુસાર, વિદ્યાર્થીઓમાં એકાઉન્ટન્સી, મેડિસિન વગેરેની ખૂબ ડિમાન્ડ છે. જ્યારે સૌથી માનવંતા પ્રોફેશનની વાત કરીએ તો મેડિસિન સૌથી ટોચના સ્થાને છે અને સૌથી નીચલા ક્રમે પત્રકારત્વ અને રાજકારણ છે.
ભણતરની વાત કરીએ તો, ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ કે તેના જેવી ટોચની યુનિવર્સિટીઓમાં એડમિશન ના મળે તો હિંમત હારવાની કે નાસીપાસ થઇ જવાની જરૂર નથી. તમે આસપાસની દુનિયામાં નજર કરશો તો વેપાર-ઉદ્યોગથી માંડીને વિજ્ઞાન અને સર્વીસ સેક્ટરમાં એવા કેટલાય મહાનુભાવો સફળતાના શિખરે પહોંચેલા જોવા મળશે જેમણે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ કે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણેલા નથી.
સાચી વાત તો એ છે કે તમે અભ્યાસ ક્યા શિક્ષણ સંસ્થાનમાં કર્યો છે તેના કરતાં વધુ મહત્ત્વનું તો એ છે કે તમે જિંદગીમાં શિક્ષણનો ટુલ (ઓજાર) તરીકે કેવો ઉપયોગ કરો છો. આ બાબત પર જ તમારી સર્વાંગ સંપૂર્ણ સફળતાનો આધાર હોય છે. આપણે સહુ જાણીએ છીએ કે દેશનું વડા પ્રધાન પદ સંભાળતા બોરિસ જ્હોન્સન બહુ નાલેશીજનક રીતે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડવાની તૈયારીમાં છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે તેઓ ઈટન સ્કૂલ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવા નામાંકિત શિક્ષણ સંસ્થાનોમાં ભણેલા છે. ઉચ્ચ સંસ્થાનમાં અભ્યાસ કર્યો એટલે જીવનની સફળતાની ખાતરી નથી. તેમણે વડા પ્રધાન તરીકે દેશની કેવી સફળ ‘સેવા’ કરી છે તેનું મૂલ્ય તો સમય જ આંકશે.
હવે બીજો કિસ્સો કહું. ત્રીસેક વર્ષ પૂર્વે માર્ગારેટ થેચરના અનુગામી તરીકે બ્રિટનનું સુકાન સંભાળનાર જ્હોન મેજર માત્ર ‘ઓ’ લેવલ સુધી ભણ્યા હતા. 1968માં મારો તેમની સાથે પરિચય થયો હતો. તેઓ બ્રિક્સટન બરોમાં કાઉન્સિલર હતા. સાવ ગરીબ પરિવારના સંતાન એવા આ નેતાએ સામાન્ય સ્કૂલમાં અભ્યાસમાં કર્યો હતો, પણ સમય સાથે પ્રગતિ કરતાં રહીને કાળક્રમે વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. એક સારા વડા પ્રધાન તરીકે બ્રિટનને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
પરિણામ થોડુંક કડક આવ્યું છે એટલે સ્વાભાવિક છે કે ઘણા લોકો ઇચ્છિત પરિણામથી વંચિત રહી ગયા હશે. જો તમને અપેક્ષિત રિઝલ્ટ મળ્યું હોય તો આનંદની વાત છે, પરંતુ જો આથી વિપરિત થયું હોય તો વિદ્યાર્થીએ, અને સવિશેષ તો માતા-પિતાએ નિરાશ થવાની જરૂર નથી. વાલીઓને તો ખાસ અરજ કરવાની કે નબળું પરિણામ આવ્યું એટલે તમારા સંતાનને પ્રેમ કે હૂંફ આપવામાં કચાશ ના કરતાં. દરેક લોકો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે તે જરૂરી નથી - પછી તે ‘A’ના રિઝલ્ટની વાત હોય કે, ઉચ્ચ શિક્ષણની. શ્રેષ્ઠ પરિણામ જ જીવનની સફળતાની સોનાની ચાવી નથી. સફળતાના શિખરે પહોંચવાના અનેક રસ્તા છે. કોઇ રસ્તો સીધોસટ હોય છે તો કોઇ રસ્તો વાયા વાયા નિયત મુકામે પહોંચાડતો હોય છે. સવાલ તો આખરે નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાનો જ છે ને?! નિરાલી પટેલનો જ દાખલો લો... તેને મેડિસિનમાં અભ્યાસ કરવો હતો. રસ્તો શોધ્યો, અને બલ્ગેરિયામાં એડમિશન લીધું છે. બલ્ગેરિયાની ડિગ્રી બ્રિટનમાં માન્ય છે. આમ અભ્યાસ ભલે ત્યાં કર્યો, પણ પ્રેક્ટિસ અહીં કરશે.
વાચક મિત્રો, મેં ઘણા કુટુંબોમાં એવું પણ જોયું છે કે બે સંતાનો હોય, અને એક અભ્યાસમાં તેજસ્વી હોય અને બીજું સંતાન નબળું હોય તો તેની સાથે ભેદભાવયુક્ત વર્તન થાય છે પરંતુ આવી ભૂલ ક્યારેય નહીં કરતા. આવો ભેદભાવ તેના માનસ પર ભારે નકારાત્મક અસર કરે છે. અભ્યાસમાં નબળા સંતાનને ‘ડલ’ ગણાવીને ઉતારી પાડવાનો અભિગમ તમારા અને તમારા સંતાન બન્ને માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. સંતાન અભ્યાસમાં સબળું હોય કે નબળું તેની સાથે પ્રેમ - આદર - સન્માન જરૂરી છે. બન્ને સંતાન પ્રત્યેનો તમારો સમાન અભિગમ બન્ને માટે સફળતાની કેડી કંડારશે.
શિક્ષણનું મહત્ત્વ સમજાવતું એક ગીત બાળપણમાં બહુ સાંભળ્યું હતું. આજે તો એ ગીત પૂરું યાદ નથી, પરંતુ જેટલું યાદ છે તેટલું ટાંકી રહ્યો છું.
વિદ્યાધન છે સાચું, જીવનમાં વિદ્યાધન છે સાચું,
બીજું બધુંએ કાચું, જીવનમાં વિદ્યાધન છે સાચું,
ગીતમાં બીજા પણ કંઇક આવા શબ્દો છે...
ખર્ચે ના ખૂટે, ચોરે ના લૂંટે.
માનવંતા વાચક મિત્રો, આપનામાંથી જો કોઇને આ ગીત વિશે માહિતી હોય તો લખી જણાવવા વિનંતી છે.
વિદ્યાપ્રાપ્ત વ્યક્તિ માટે એટલું જ કહેવું રહ્યું કે જો આની સાથે તેમનામાં વિવેક અને વિનમ્રતા ઉમેરાય તો સમજજો કે સોનામાં સુગંધ ભળી છે. (ક્રમશઃ)