વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે રવિવારે આ લખાઇ રહ્યું છે. વિજયાદશમી અને દશેરા ત્રીજી ઓક્ટોબરે હતા કે ચોથી ઓક્ટોબરે તેમાં અવઢવ અને વિવાદ હોવાનું સંભળાયું હતું. ચંદ્રની ગતિ અને સ્થિતિ આધારિત આપણું હિન્દુ કેલેન્ડર વિશ્વનું સૌથી પુરાતન હોવાથી અવારનવાર આવું બનતું રહે છે. આપણા જીવનમાં પણ આવું જોવા મળે જ છેને...
દરેકના જીવનમાં દરેક પળે, દરેક સ્થળે અને દરેક સ્તરે કંઇકને કંઇક અવઢવ રહેતી જ હોય છે. તેમાં આશાના કિરણ પણ હોય શકે અને આપત્તિનો અણસાર પણ જોઇ શકીએ. આજે મને આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ શું પીરસવું તેની અવઢવ છે. છેલ્લા પખવાડિયામાં ઘણું બધું જોયું છે, જાણ્યું છે, વાંચ્યું છે, વિચાર્યું છે, અને અનુભવ્યું પણ છે... આપ સહુ સમક્ષની મારી રજૂઆત સત્ય તથ્ય આધારિત હોય, સત્વશીલ હોય, શક્તિસંવર્ધક હોય, ઉપયોગી હોય અને સર્વ કોઇને સ્પર્શતી હોય તેવો મારો ઉદ્દેશ હોય છે. તેથી આવી અવઢવ થવી સ્વાભાવિક છે. આપ સહુ વડીલો અને માતૃશક્તિના આશીર્વાદ અને સુજ્ઞ વાચક મિત્રોની શુભકામનાથી હું સાચે જ વારંવારના પ્રવાસ છતાં તન અને મનનો સુખીયો છું. હું આને પરમ કૃપાળુ પરમાત્માની કૃપા સમજું છું.
અમેરિકા પ્રવાસ દરમિયાન બે દિવસ વોશિંગ્ટનમાં અને ત્રણ દિવસ ન્યૂ યોર્કમાં રહેવાનો મને અવસર સાંપડ્યો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં કેવા છવાઇ ગયા હતા તે આપે ચોથી ઓક્ટોબરના ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’માં વાંચ્યું હશે. પશ્ચિમી જગતના સમાચાર માધ્યમો પણ નિર્વિવાદપણે સ્વીકારે છે કે અમેરિકામાં કોઇ વિદેશી નેતા, અને તેમાં પણ જે વ્યક્તિ હજુ હમણાં સુધી (અમેરિકાની નજરે) વિવાદાસ્પદ હતી તેણે અમેરિકન-ભારતીય સમુદાય જ નહીં, અન્યોના દિલોદિમાગ પર પાડેલો પ્રભાવ નોંધપાત્ર છે. અનોખો છે.
મોદીસાહેબને બહુ નજીકથી નિહાળવાનો મને અવસર સાંપડ્યો છે. સાદામાં સાદા, સરળમાં સરળ પ્રશ્ન અંગે તેમની સૂઝ અને સમજ છે, રજૂઆત છે, તે મારી દૃષ્ટિએ અત્યંત સમયસરની અને વાજબી છે. નરેન્દ્ર મોદી તેમના પ્રારંભના જીવનમાં સંઘ પ્રચારક હતા. અત્યારે પણ ભારત વર્ષના ઉત્કર્ષ માટે - અર્થશાસ્ત્ર હોય કે આરોગ્ય, સમાજશાસ્ત્ર હોય કે સ્વચ્છતા, પડોશી દેશ સાથેના સંબંધ હોય કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ‘પ્રચારક’ તરીકે જ સક્રિય છે ને?! ગાંધીજી જેને સર્વાંગી, બુનિયાદી મુદ્દા ગણાવતા હતા તેવા મુદ્દાઓને નરેન્દ્ર મોદી પ્રારંભથી જ ઉઠાવતા રહ્યા છે.
મારા પ્રવાસની વાત કરું તો, બે ઘટનાનો ઉલ્લેખ કરવો જ રહ્યો. મેડિસન સ્કવેર ગાર્ડનની પાંખમાં પેન સ્ટેશન નામનું અંડરગ્રાઉન્ડ ટ્યુબસ્ટેશન છે. હું ત્યાંના ખાસ્સા લાંબા એસ્કેલેટર પર ગોઠવાઇને ઉપર ચઢી રહ્યો હતો. અને પગ લથડ્યો. હાથમાં બે ભારેખમ બેગ પણ હતી, એટલે સ્વાભાવિકપણે જ પાછળ ઝૂકી પડ્યો. સદનસીબે મારી પાછળ જ કદાવર બાંધાનો સંવેદનશીલ અમેરિકન યુવાન ઉભો હતો. તેણે લગભગ મને ઝીલી જ લીધો કહોને... એસ્કેલેટર પર પડો અને વાગે નહીં એવું તો બને નહીં, પણ સદનસીબે મને કોઇ ગંભીર ઇજા ન થઇ. મારો ભોળો ભગવાન, હંમેશની જેમ આ આપદા વેળા પણ, મને બચાવી લેવા હાજર હતો. આ વખતે તે અમેરિકન યુવાન સ્વરૂપે હાજર હતા. મેં મેડિસન સ્કવેર નજીકની હોટેલમાં જ રૂમ બુક કરાવી હતી. ચાર્જીસ વધુ જરૂર હતા, પણ નજીકની હોટેલમાં રૂમ બુક કરાવવાનું એક કારણ એ હતું કે ટ્રાન્સપોર્ટેશન-ટ્રાવેલિંગમાં સુગમતા રહે.
હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્યાતિભવ્ય સન્માન સમારંભમાં હાજરી આપીને હોટેલ પર પરત ફર્યો. સીધા રૂમમાં જતાં પહેલાં વિચાર્યું કે ચાલો, થોડીક વાર ફોરકોર્ટમાં બેસી લઉં. પેસેજની બન્ને બાજુ પાંચ-પાંચ, ચાર-ચાર ખુરશી સાથેના ટેબલ હારબંધ ગોઠવાયેલા હતા. મોટા ભાગના ટેબલ પર કોઇને કોઇ બેઠું હતું. મારી હંમેશની ટેવ મુજબ આમતેમ ડાફોળિયા મારી રહ્યો હતો ત્યાં મારી નજર વચ્ચેના એક ટબલ પર પડી જ્યાં, એક સજ્જન બેઠા હતા. હું ત્યાં બેસવા પહોંચ્યો તો શું જોયું? તેઓ ડાબી બાજુ ઝૂકી ગયા હતા, અને તેમના મોંના ડાબે ખૂણેથી લાળનો રેલો ઉતરી રહ્યો હતો. મને સમજાઇ ગયું કે મામલો કંઇક ગંભીર છે. તરત પહોંચ્યો હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર અને પેલા સજ્જનની હાલત વિશે વાત કરી. તરત સ્ટાફ કામે લાગ્યો. મને કહ્યું કે હવે તમે થોડીક વાર ત્યાં જ રહેજો, ડોક્ટરની ટીમ પણ આવશે, અને પોલીસ પણ આવશે. તમે સૌથી પહેલાં તે સજ્જનને જોયા છે એટલે તમે જે જોયું હોય તેની વિગતો આપવી પડશે.
પાંચ-સાત મિનિટમાં તો બે એમ્બ્યુલન્સ ટોં-ટોં કરતી આવી પહોંચી. તરત જ મેડિકલ સ્ટાફે તેમનું પરીક્ષણ કર્યું અને તેમને લઇને હોસ્પિટલે રવાના થઇ ગયા. મારા માટે તો આવ બલા, પકડ ગલા જેવી વાત થઇ હતી. મારે ત્યાં જ હાજર રહેવાનું હતું, પરંતુ મને એ વાતનો સંતોષ હતો કે ચાલો કોઇને સહેજસાજ મદદરૂપ તો બન્યો. બાદમાં મને જાણવા મળ્યું કે તે સજ્જન બિઝનેસ ટ્રીપ પર ન્યૂ યોર્ક આવ્યા હતા અને તે હોટેલમાં મુકામ હતો. સાંજે હળવાશ માણતા હતા અને હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવ્યો હતો. જોકે એકદમ સમયસર સારવાર મળી જતાં તેમનો જીવ બચી ગયો હતો.
મેં આ બધું જોયા પછી એક સંકલ્પ કર્યો છે કે હવે પછી જ્યારે પણ પ્રવાસ કરવાનો હોય, ખાસ કરીને નવા સ્થળે, ત્યારે સાથે વિશ્વાસપાત્ર વ્યક્તિ હોવી જ જોઇએ. કઇ ઘડીએ કઇ વ્યક્તિનો પગ કે હૃદય લથડી જાય, તે કંઇ કહેવાય નહીં.
આ ઘટનાક્રમમાંથી સહુકોઇએ પોતપોતાની જરૂરત અનુસાર બોધપાઠ લેવો રહ્યો. હું આજે હેમખેમ છું તેની પાછળ આપ સહુના આશીર્વાદ અને શુભકામનાઓ રહેલા હોવાનું મારું નમ્રપણે માનવું છે.
સરદાર સાહેબની શીખઃ
‘છોટે સરદાર’ની શીખ
ગયા શનિવારે અને રવિવારે ન્યૂ યોર્કની હોટેલમાં છ અલગ-અલગ મિત્રમંડળીઓ મળવા આવી હતી. આ તમામ આપણા બન્ને સાપ્તાહિકોના નિયમિત વાચકો પણ ખરા. ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના સહુ સાથીઓના પરિશ્રમનું આ પરિણામ છે. મળવા આવનારા મિત્રોમાં ફિજીથી માંડીને હવાઇ ટાપુ સુધીના વિવિધ દેશના, વિવિધ ધાર્મિક બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. તેમની સાથે ઘણા મુદ્દાઓ અંગે ચર્ચા થઇ. આ મિત્રોમાં એક લોસ એન્જલસથી હતા, બે શિકાગોથી આવ્યા હતા. આ મિત્રો એવા હતા, જેમને અવારનવાર એક યા બીજા દેશમાં, એક યા બીજા સમારંભોમાં મળવાનું બનતું રહ્યું છે.
લોસ એન્જલસના મિત્રે વાતવાતમાં નરેન્દ્ર મોદીને ‘છોટે સરદાર’ ગણાવ્યા. ભારતવર્ષના નાગરિકોને છેલ્લા કેટલાક વર્ષોથી સરદાર વલ્લભભાઇ પટેલની યાદ બહુ આવે છે તે વાતનો અણસાર અહીં અમેરિકામાં પણ મળ્યો. તેમણે કહ્યું કે મેડિસન સ્કવેર ગાર્ડન તો ૨૦ હજાર આમંત્રિતોથી ચિક્કાર ભરાયેલો હતો જ, પરંતુ બહાર પણ જ્યાં જ્યાં જાહેર સ્થળોએ જાયન્ટ ટીવી સ્ક્રીન ગોઠવાયા હતા, ત્યાં પણ એકાદ લાખ જેટલા લોકોએ મોદીવાણીનું રસપાન કર્યું હતું.
નરેન્દ્રભાઇ મોદીને તેમણે ‘છોટે સરદાર’ ગણાવતાં કહ્યું કે ગાંધીજી હોય, સરદાર પટેલ હોય કે નરેન્દ્ર મોદી - આ તમામ વચ્ચે સૌથી મોટું સામ્ય એ છે કે તેઓ પળ પળનો સદઉપયોગ કરવામાં કર્તવ્યનિષ્ઠ રહ્યા છે. નરેન્દ્ર મોદી કદી કોઇની ટીકાટીપ્પણમાં પડતા નથી. તેઓ સાંભળે છે બહુ, અને બોલે છે ઓછું. સામેની વ્યક્તિને સાંભળવા તેઓ હંમેશા તત્પર હોય છે. આવા નેતાઓ પોતાનો પરિવાર, અંગત હિત કે લાભાલાભની ગણતરીમાં રચ્યાપચ્યા રહેવાના બદલે પોતાની ફરજ પ્રત્યે વધુ જાગ્રત હોય છે. આવું મનોબળ ધરાવતી, વૈચારિક શક્તિ ધરાવતી અને શિસ્તબદ્ધ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જ સમાજને ઉર્ધ્વમાર્ગે દોરી શકતી હોય છે.
૩૧મી ઓક્ટોબરે સરદાર સાહેબની જયંતી દેશ-વિદેશમાં ઉજવાશે. ભારતના એકીકરણમાં તેમ જ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદાર સાહેબનું અનુદાન સહુ કોઇ સ્વીકારે છે. સાથે સાથે સહુ કોઇને યાદ છે કે બાપુના આદેશને માથે ચઢાવીને સરદાર સાહેબે વડા પ્રધાન પદ ન મળવા છતાં ખટપટ કરવામાં લગારેય સમય બરબાદ કર્યો નથી.
સરદાર સાહેબના નામે જે કોઇ સમારંભો યોજાઇ રહ્યા છે કે નાનીમોટી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેના આયોજકોએ પણ સરદારના જીવનમાંથી પાયાનો બોધપાઠ લેવા પ્રયાસ કરવો જોઇએ. વિચાર-વાણી-વર્તનમાં તેના અમલ માટે પ્રયાસ કરવો જોઇએ.
આજે બ્રિટનના અખબારોમાં વાંચ્યું કે ભાન ભૂલેલા ‘આઇસીસ’ (ISIS-ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા)ના રક્તપિપાસુ આતંકીએ બીજા એક બ્રિટિશ નાગરિકની કતલ કરી છે. દુખ અને અફસોસની વાત એ છે કે માન્ચેસ્ટરનો આ મિની કેબ ડ્રાઇવર મુસ્લિમ સમુદાયની મદદ માટે જ તે વિસ્તારમાં ગયો હતો. તે અર્થમાં એક બાજુ દુઃખ થાય છે તો બીજી બાજુ આવા આતંકી પરિબળો પર ધિક્કાર ઉપજે છે. મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાનમાં પણ જે હત્યા પર સંપૂર્ણ નિષેધ છે તે જ કૃત્ય આ આતંકવાદીઓ ઇસ્લામના ઓઠા તળે આચરી રહ્યા છે.
શું આ ખિલાફત છે?
ખિલાફત બાબતમાં આપણે સામાન્યપણે એટલું જ જાણીએ છીએ કે બ્રિટિશ સરકારે ૧૯૧૯માં જ્યારે ભારતમાં રોલેટ કાયદો અમલમાં મૂક્યો ત્યારે ગાંધીજીના આદેશથી દેશભરમાં તેનો વિરોધ થયો હતો. જલિયાંવાલા બાગનાં ક્રૂર હત્યાકાંડની પણ આપ સહુને યાદ હશે જ. ગાંધીજીએ બે અલી ભાઇઓનું સમર્થન મેળવવા માટે ખિલાફત પ્રશ્ને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. જાણકારોને ખબર છે કે તે વેળા ગાંધીજીનો આ નિર્ણય વિવાદાસ્પદ બન્યો હતો. ખેર, આખરે ખિલાફત શું છે તે સમજવા તાજેતરમાં સંશોધનનો પ્રયાસ કર્યો. આ મુદ્દે કેટલાક મુસ્લિમ મિત્રો સાથે પણ વિચાર-વિનિમય કર્યો.
ખિલાફત એટલે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના નિધન બાદ એ વેળાના વિશ્વમાં જ્યાં ઇસ્લામની આણ પ્રવર્તતી હતી તેના સર્વોચ્ચ શાસનનું નામ ખિલાફત. આઠમી સદીના ગાળામાં દમાસ્કસ (સીરિયા) અને નવમી સદીના ગાળામાં બગદાદ (ઇરાક) ઇસ્લામના મુખ્ય મથક હતા. કહેવાય છે કે ઇસ્લામના શરૂના આ સૈકાઓમાં આ નવો ધર્મ ખૂબ પ્રભાવશાળી રહ્યો અને વિજ્ઞાન-ટેક્નોલોજીમાં તેમ જ અન્ય પ્રકારે તે વેળાએ ખૂબ પ્રગતિ કરી હતી. કમનસીબે હઝરત સાહેબના નિધન બાદ પરિવારમાં જે કુસંપ-કંકાસ-કત્લેઆમ થયા અને તેના પરિણામે શિયા-સુન્નીના વિભાજન થયા તે પછી ઇસ્લામ વધુ અંતર્મુખી બની ગયો. વિજ્ઞાન તેમ જ નીતનવા વિચારોમાં ધ્યાન આપવાનું બંધ થયું.
ઇસવી સન ૧૫૧૬માં ઓટોમન સામ્રાજ્યે ટર્કીના ઇજીપ્ત પર કબ્જો મેળવ્યો અને ત્યારથી ટર્કીમાં ખિલાફત સ્થપાઇ. પ્રથમ વિશ્વ યુદ્ધ સુધી ટર્કી સ્થિત ખિલાફત ઇસ્લામિક દુનિયાનું સર્વોચ્ચ ધાર્મિક ઘટક હતું. ૧૯૨૪માં ટર્કીના વધુ ‘આધુનિક’ વિચારસરણી ધરાવતા સશક્ત શાસક કમાલ અતાતુર્કે ખિલાફતને નાબૂદ કરી. અત્યારે ખિલાફત, ઇસ્લામ વગેરેની વાતો કરીને ‘આઇસીસ’ જે પ્રકારે નિર્દોષોની કત્લેઆમ કરી રહ્યો છે, લોહીની નદીઓ વહાવી રહ્યો છે તેને મુસ્લિમ વિદ્વાનો પણ ઇસ્લામના પાયાના ઉપદેશ વિરુદ્ધ ગણે છે.
તાજેતરમાં ઇસ્લામિક જગતમાં ટોચના વિદ્વાનો અને ધર્મગુરુઓ સહિતના ૧૨૬ અગ્રણીઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જેમાં ન્યાય અને કાયદાશાસ્ત્ર બાબત ઇસ્લામની અને ખિલાફતની વિગતવાર સમજ અને દોરવણી આપવામાં આવી છે. ‘આઇસીસ’ સામે હવે અમેરિકાએ જંગ માંડ્યો છે તેમાં કોડીબંધ દેશો અને ખાસ કરીને અરબ સુન્ની દેશો પણ જોડાયા છે. ખિલાફતનો જે અર્થ ‘આઇસીસ’ કરે છે અને જે રીતે તે નિર્દોષોનો જાન લેવાય રહ્યો છે તે સાચા અર્થમાં પયગંબર સાહેબની શીખથી સાવ વિરુદ્ધ વર્તન થઇ રહ્યું છે. તે સહુ કોઇએ સમજવું રહ્યું. (ક્રમશઃ)