વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનું પ્રિય સમાચાર પત્ર ગુજરાત સમાચાર છે અને તે બદલ અમે સૌ સગર્વ આપના આભારી છીએ. હું અનુભવથી સુપેરે જાણું છું કે અમારો વાચક વર્ગ જાગ્રત હોવા ઉપરાંત પ્રગતિના માર્ગે પ્રયાણ કરવા હંમેશા આતુર છે. પ્રતિ સપ્તાહે સંખ્યાબંધ વાચકો સાથે મારો રૂબરૂ, પત્રો, ઇ-મેઇલ તેમજ ટેલિફોન દ્વારા સંપર્ક થતો રહે છે. આપ સહુ કૃપાવંત છો એ અમારું સદ્નસીબ છે.
આજે - સોમવારે - સવારે આદરણીય ચંદ્રકલાબહેનનો ફોન આવ્યો. તેઓ માંધાતા સમાજના એક અગ્રણી છે અને તે સંસ્થા વર્ષોથી બ્રિટનમાં, સવિશેષ લંડનમાં, ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સંસ્કારના માધ્યમથી બાળકો, મોટેરા, મહિલાઓ અને ખાસ તો વડીલો વચ્ચે ઉત્તમ સેવા કરે છે. તેમના સદ્ગત પતિ નારણભાઇ સાહેબ સાથે સારો પરિચય થયો હતો. તેઓ પૂર્વ આફ્રિકામાં ધારાશાસ્ત્રી હતા. અને હું જો ભૂલતો ન હોઉં તો તેમણે મેજિસ્ટ્રેટ તરીકે પણ સેવાઓ આપી હતી. ચંદ્રકલાબહેને આમ તો અમારી ગંભીર ક્ષતિ બદલ ધ્યાન દોર્યું, પરંતુ તેમની અંગૂલિનિર્દેશ કરવાની સ્ટાઇલ સાચે જ મને સ્પર્શી ગઇ. મને કહે કે ભાઇ, ગુજરાત સમાચારમાં અને એશિયન વોઇસમાં ગાંધીજયંતી ટાણે ગાંધીજી વિશે માહિતીસભર લેખનો અભાવ મને ખૂંચ્યો. ગાંધીજી, સરદાર સાહેબ વિશે અંગ્રેજીમાં એશિયન વોઇસમાં આપો. આમના વિશે વિચારપ્રેરક લેખો લખવાનું ચૂકવું ન જોઇએ. તમારા ઘણા વાચકો છે, જેમાં યુવા પેઢી પણ સારી સંખ્યામાં છે તે હું જાણું છું. અને આવા આપણા મહાન પુરુષોના જીવન અને કાર્ય વિશે સવિશેષ નવી પેઢીને માહિતી ખૂબ ઉપયોગી બની રહેશે.
માંધાતા સમાજ એ દક્ષિણ ગુજરાતના કાંઠા ગાળા વિસ્તારના વતનીઓ માટેની મોભાદાર સંસ્થા છે. દાંડીકૂચ વેળા તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામના દરેક તબક્કે કાંઠા ગાળાના ભાઇ-બહેનોએ સંગીન યોગદાન આપ્યું હતું અને સામ્રાજ્યવાદનો ઘોર સીતમ તેમણે સહન કર્યો હતો. આદરણીય ચંદ્રકલાબહેન આપનું સૂચન સ્વીકારીએ છીએ અને મારા પત્રકાર સાથીદારો સહિત સહુ કોઇ ભવિષ્યમાં વધુ સજાગ રહેશે તેવી બાંહેધરી આપું છું.
આવા તો જાતભાતના પ્રતિભાવો સુજ્ઞ વાચકો મને પાઠવતા રહે છે. થોડાક સમય પૂર્વે લંડનના લગભગ ૮૭ વર્ષના એક વડીલનો મને પત્ર આવ્યો. તેમના સંતાનોને વધુ આશાવાદી, ઉમંગી અને કાર્યદક્ષ બનાવવા માટે તેઓ ખૂબ આતુર હતા. અને તે પ્રમાણે કંઇક વાંચન રજૂ થાય તેવી તેમની માગણી હતી. મુરબ્બીના આદેશને અમે માથે ચઢાવીએ છીએ અને યથામતિ - યથાશક્તિ તે બાબત લક્ષમાં રાખવા પ્રયત્નશીલ છીએ.
બીજા એક વડીલનો પત્ર પણ આવ્યો હતો. જરા લાંબો હતો. તેમની પૌત્રીઓને કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરવો છે અને કોઇ સખાવતી મદદગાર બને એવી તેમની ઇચ્છા હતી. તેમણે આ માટે પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મેં આ વડીલને ફોન કરીને જણાવ્યું કે શક્ય હોય તો બન્ને દીકરીઓને કહો કે તેઓ જાતે જ પોતાના શિક્ષણ વિશે મને વધુ માહિતી લખી મોકલે. તેઓ શું ભણી છે, પરિણામ શું આવ્યું છે, આગળ ક્યો અભ્યાસ કરવા માગે છે. સાથોસાથ સૂચવ્યું કે શક્ય અને જરૂરી હોય તો તેઓ ફોન પર મારી સાથે વિચારવિનિમય કરે. વાચક મિત્રો, આવું જો કોઇ કાર્ય હોય, જરૂરતમંદની કંઇ સેવા કરવાનો અવસર હોય તો લખી જણાવવા સહુને નિમંત્રણ છે. અનેક વાચકો રૂબરૂ કે ફોન પર વાતો કરતા રહે છે.
તાજેતરમાં એક સામાજિક મેળાવડામાં વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે બેઠો હતો. મિત્રસમૂહમાં વાત નીકળી. બ્રિટનમાં બ્રેક્ઝિટના કારણે અર્થતંત્ર પર પડનારી અસરો સંદર્ભે અત્યંત અવઢવ પ્રવર્તે છે. મકાન-પ્રોપર્ટી કે ધીકતા ધંધા વેચવા માટે અત્યારે માહોલ સારો નથી. તેમાં પણ ખાસ કરીને જો કંપની ઉપર કે વ્યક્તિ ઉપર કરજનો બોજ વધુ હોય તો તેમને અનેક હાડમારીનો સામનો કરવો પડે છે. વાત તો સાચી. જોકે એ પણ એટલી જ સાચી વાત છે કે કોઇને ગેરલાભ થતો હોય તો તેનાથી કોઇને લાભ પણ થતો હોય છે. જો હાથમાં કેશ - રોકડ નાણાં હોય તો મૂડીરોકાણ માટે હાલ સારો મોકો પણ ગણી શકાય. બજારમાં મંદી હોય ત્યારે જેમની પાસે સારી મૂડી તૈયાર હોય તેમને રોકાણ માટે આકર્ષક તકો સાંપડે છે. ગયા સપ્તાહે બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ કેટલાક અગત્યના મુદ્દા તેમની પ્રેસ કોન્ફરન્સમાં ટાંક્યા હતા.
બ્રિટનના અર્થતંત્રના સારા-નરસા દિવસો જેમના શબ્દો પર ‘નિર્ભર’ છે તેવા કાર્નીસાહેબનું કહેવું છે કે દસ વર્ષના લાંબા અરસા બાદ બ્રિટનમાં વ્યાજદર વધ્યો છે. પા ટકાથી વધીને તે હવે અડધો ટકો થયો છે. માર્ક કાર્નીએ એક મજાનો મુદ્દો એ ટાંક્યો કે જો દેશનું અર્થકારણ કાર્યદક્ષ ના હોય અથવા તો પ્રોડક્ટિવિટી ફ્લેટ થઇ જાય એટલે કે ઉત્પાદક્તામાં કોઇ વધઘટ ના નોંધાય તો તે વલણ અસ્વીકાર્ય ગણવું જોઇએ.
કાર્નીસાહેબે અર્થશાસ્ત્રીની ભાષામાં વાત કરી છે, પણ મારી ભાષામાં, સાદા શબ્દોમાં કહું તો જૈસે થેની સ્થિતિ કાયમ માટે ન ચાલે - પછી તે વાત આર્થિક વિકાસની વાત હોય કે વ્યક્તિગત વિકાસની. You can't give up... અત્ર - તત્ર - સર્વત્ર જ્યાં વિકાસ એ જ વિકલ્પ હોય ત્યારે ચાલશે, થઇ રહેશે, એવી માનસિક્તા ધરાવતી વ્યક્તિને પાછળ મૂકીને સમય હંમેશા આગળ નીકળી જતો હોય છે.
મેં નોંધ્યું છે કે અમુક લોકોની, ખાસ કરીને કેટલીક ભારતીય ટીવી ચેનલો જોતાં અથવા તો અમુક પ્રકારના જ અખબારો વાંચતા લોકોની માનસિક્તામાં નકારાત્મક વલણ વધુ જોવા મળે છે. આનું કારણ એ છે કે ટીવી હોય કે એવાં અખબાર આ લોકો પોતાના મનમાં ઠાંસી ઠાંસીને વેરઝેર, ઇર્ષ્યા, પ્રપંચ, કાવાદાવા, શંકા-કુશંકા, હિંસા, હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપ જેવા અવગુણો ભરતા રહે છે. આ માનસિક પ્રદૂષણનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ પ્રેમ, દયા, સંબંધોમાં ઉષ્મા, પરોપકાર જેવી લાગણીનું પ્રમાણ ઘટતું જાય છે. મસ્તકના દરવાજા કસમયે બંધ થતા જાય છે. આ લોકો વિનાકારણ અજંપો અને અસુખ અનુભવે છે કેમ કે મન સતત અશાંત રહેતું હોય છે. અન્ન તેવો ઓડકાર અને વિચાર તેવો આચાર. નકારાત્મક માનસિક્તા ધરાવનાર વ્યક્તિ હંમેશા સામેની વ્યક્તિના વિચાર-વાણી-વર્તનને શંકાની નજરે જ નિહાળશે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે શું વાંચીએ છીએ, શું જોઇએ છીએ, શું વિચારીએ છીએ? અને તેમાંથી શું પચાવીએ છીએ તેના પર આપણું માનસિક સંતુલન અવલંબિત છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.
આંકડાઓની માયાજાળ ખરેખર અટપટી હોય છે - પછી તે બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વડા કાર્ની કરતા હોય કે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના વડા ઉર્જિતભાઇ પટેલ કરતા હોય. ભલભલા તેમાં ગૂંચવાય જતા હોય છે. આવકજાવક, સ્થાવર-જંગમ અસ્ક્યામતો કે વેપાર-વણજની વાતોનું એક આગવું મહત્ત્વ હોવા છતાં હકીકત એ છે કે રાતોરાત આંબા પાકતા નથી. કોઇ પણ વેપાર-ધંધો હોય, કોઇ પણ દેશનું અર્થતંત્ર હોય કે પછી વ્યક્તિના સર્વગ્રાહી વિકાસની વાત હોય, રાતોરાત કંઇ ઉગી નીકળતું નથી. ચોક્કસ દિશા તરફનો સાતત્યપૂર્ણ પ્રવાસ જ નિશ્ચિત લક્ષ્ય હાંસલ કરવામાં ઉપયોગી સાબિત થતો હોય છે.
મહેલના પડદાની ભીતરમાં (કે પાછળ!)
સામ્રાજ્ઞી એલિઝાબેથ અને તેમના પતિ ડ્યુક ઓફ એડિનબરાની ઉંમર કેટલી તે કહેવાની જરૂર ખરી? બન્ને જીવનના નવ દસકા વટાવી ચૂક્યા છે, પરંતુ આજેય લગભગ કડેધડે છે. જાહેરજીવનમાં એક યા બીજા પ્રકારે સતત સક્રિય છે. તાજેતરમાં તેમના જીવન વિશે એક રસપ્રદ માહિતી બહાર આવી છે. ડ્યુક ઓફ એડિનબરા છેલ્લા કેટલાક મહિનાથી બકિંગહામ પેલેસ કે વિન્ડસર કાસલમાં નામદાર મહારાણી સાથે રહેતા નથી. આના બદલે તેઓ સેન્ડ્રીંગહામ કાસલના વિશાળ સંકુલમાં મહેલની બાજુમાં આવેલા સરસ મજાના નાના શા કોટેજમાં જઇ વસ્યા છે. રખે માની લેતા કે ડ્યુક ઓફ એડિનબરા અને મહારાણી વચ્ચે ખટરાગ થયો છે. આરોગ્ય અને આયુષ્ય સંદર્ભે રોયલ દંપતિએ આવો નિર્ણય કર્યાનું મનાય છે.
૯૭ વર્ષના ડ્યુક ઓફ એડિનબરા હવે પ્રકૃતિની ગોદમાં વધુમાં વધુ સમય વીતાવે છે. હંમેશા કુદરત સાથે તાદાતમ્ય સાધવા પ્રયત્નશીલ રહે છે. ક્યારેક નાનકડા બાગમાં બેસે છે તો ક્યારેક ભૂતકાળના સંસ્મરણો વાગોળે છે. ક્યારેક જૂના ફોટોગ્રાફ્સ તથા ડોક્યુમેન્ટરી ફિલ્મો નિહાળીને યાદ તરોતાજા કરી લે છે. સંગીત સાંભળવાનો શોખ પણ ખરો. આમ તેઓ એક પ્રકારે સંપૂર્ણતયા નિવૃત્તિ સમયને ગૌરવશીલ રીતે વીતાવી રહ્યા છે. એ તો આપણે સહુ જાણીએ જ છીએ કે ગયા વર્ષે જ તેમણે જાહેર કરી દીધું હતું કે તેઓ હવે જાહેર સમારંભોમાં હાજરી આપવા ઇચ્છુક નથી. માત્રને માત્ર વયને નજરમાં રાખીને તેમણે આ જાહેરાત કરી હતી, અન્યથા તન-મનથી તો આજે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
બ્રિટન સહિતના કોમનવેલ્થ દેશોમાં દર વર્ષે ૧૨ નવેમ્બરે રિમેમ્બરન્સ ડે મનાવાય છે. દેશ માટે પોતાનો જાન ન્યોછાવર કરનારા જવાનોને આ દિવસે પુષ્પાંજલિ અર્પવામાં આવે છે. છેલ્લા ૬૫ વર્ષથી નામદાર મહારાણી શહીદ સ્મારક પર જઇને પુષ્પાંજલિ અર્પણ કરતા રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે જાહેરાત કરી છે કે આ વર્ષે પ્રિન્સ ચાર્લ્સ શહીદોને અંજલિ અર્પશે.
પ્રવૃત્તિમય જીવનમાંથી નિવૃત્તિમય જીવન તરફની આગેકૂચમાં કંઇ ખોટું નથી. આમાં કંઇ નાનમ નથી. આ બધું સહજ છે અને સાવચેતીભર્યા નિર્ણયને સહુ કોઇ સ્વીકારે છે. પ્રવૃત્તિમય નિવૃત્તિ ૯૨ વર્ષના મહારાણી અમલમાં મૂકી રહ્યા છે. સહેજસાજ કાર્યભાર ઘટાડીને ડ્યુક ઓફ એડિનબરા નિવૃત્તિ ભોગવવા માગતા હોય તો તેમાં કશું અજૂગતું નથી.
વાચક મિત્રો, એક બીજી વાત પણ આપ સહુ જાણતા જ હશો. છેલ્લા કેટલાય દસકાથી આ દંપતીનો શયનખંડ અલગ અલગ છે. બકિંગહામ પેલેસ હોય કે વિન્ડસર કાસલ હોય કે બાર્લમોર કાસલ તેમના આગવા શયનખંડ છે. આ એક જીવન ઘટમાળ છે. નવુંસવું દામ્પત્યજીવન શરૂ કર્યું હોય ત્યારે એક પ્રકારની જીવનશૈલી હોય. કાળક્રમે સંતાનનો જન્મ થાય, સંતાનોને ત્યાં પણ પારણું બંધાય, અને સમયાંતરે તેમના પણ સંતાનોને રમાડવાનો અવસર સાંપડે તેનાથી વિશેષ જીવનમાં શું જોઇએ? ડ્યુક ઓફ એડિનબરા અને નામદાર મહારાણીએ જીવનની આ જાહોજલાલી જોઇ ચૂક્યા છે ત્યારે જાહેર જીવનમાંથી ક્રમશઃ નિવૃત્તિનો વિચાર કવેળાનો તો નથી જ. પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ પણ જીવનનો એક ભાગ જ છે.
એક બીજી પણ વાત જણાવતાં હું મારી કલમને અટકાવી શકતો નથી. નિવૃત્તિ પછી - ૬૦, ૬૫ કે ૭૦થી વધુ વયના કેટલાક પુરુષો કે સ્ત્રીઓ સક્રિય જીવનમાં પાછા ફરતા હોવાના પણ અહેવાલો છે. અલબત્ત આના કારણ અલગ અલગ હોય છે. કોઇને ફરી કામ કરવું છે એટલે પ્રવૃત્તિ સ્વીકારે છે તો કોઇ સેવાકીય પ્રવૃત્તિ માટે, કોઇ પોતાના સંતાનોના ઉછેર માટે સમય ફાળવે છે તો કોઇ પોતાના શોખને સંતોષવા માટે પોતાના મનગમતા ક્ષેત્રે સક્રિય થાય છે. કેટલાક વળી એવા પણ હોય છે કે જેઓ પોતાના જ્ઞાન, અનુભવનો અન્યને લાભ આપવા માટે માર્ગદર્શક તરીકે જવાબદારી સંભાળે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ શક્ય છે. નિવૃત્તિ એટલે સક્રિય જીવનનો અંત નથી. સત્કાર્ય કરવું છે તેના માટે એક-બે નહીં, અનેક વિકલ્પો છે.
મને એક પ્રસંગ યાદ આવે છે. આજથી પચ્ચીસેક વર્ષ પૂર્વે હું મુંબઇની મુલાકાતે ગયો હતો. જાણીતા લેખક હરકિસનભાઇ મહેતાએ કેટલાક પત્રકારો અને મિત્રોનો મિલન સમારંભ યોજીને મને મળવા બોલાવ્યો હતો. તે વેળા એક જાણીતા ગુજરાતી લેખિકા અમેરિકાના પ્રવાસેથી પરત આવ્યા હતા. તેમણે ત્યાં જે જોયું-જાણ્યું તે વિશે એક અગ્રણી ગુજરાતી મેગેઝિનમાં લેખ લખ્યો હતો. જેમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે સંતાનો પોતાના માતાપિતાને અમેરિકા તો બોલાવે છે, પરંતુ તેનો ખરો હેતુ અલગ જ હોય છે. તેઓ માબાપને અમેરિકા બોલાવીને ઘરકામ, સંતાનઉછેરના કામમાં જોતરી દે છે. તેઓ માબાપને જાણે વૈતરું કરવા જ બોલાવે છે. આ લેખિકા બહેને એવું પણ લખી નાખ્યું કે નર્યો સ્વાર્થ સાધવા તેઓ માબાપને બોલાવે છે અને આમ માબાપના સંતાન માટેના પ્રેમનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે.
વાચક મિત્રો, તે વખતે તો મારા સંતાનો પરણ્યા પણ નહોતા કે મને ગ્રાન્ડ ચિલ્ડ્રનના અદભૂત પ્રેમનો અનોખો અનુભવ પણ નહોતો, પરંતુ મેં તે લેખિકાને સવિનય જણાવ્યું હતું કે સિક્કાની એક જ બાજુને નજરમાં રાખીને વિદેશવાસી ભારતીયો માટે તમે લખ્યું છે તે યોગ્ય ન ગણાય. તમારે માબાપના પણ વિચારો, અપેક્ષાઓ, સ્વાનુભાવો જાણવાની પણ જરૂર હતી. મારી તર્કબદ્ધ દલીલો સાથે બાદમાં તેઓ પણ સંમત થયા હતા.
આજે હું કે મારા પરિવારના વડીલો કે આપ સુજ્ઞ વાચકોમાંથી પણ કેટલાય સંતાનોના સંતાનો કે તેમના પણ સંતાનો સાથે પારિવારિક જીવન ગુજારતા હશે. અથવા તો તેમને પ્રસંગોપાત મળતા રહેતા હશે અને સક્રિય સંપર્ક જાળવતા હશે. તમે જ કહો આમાં કેટલો મહામૂલો આનંદ માણો છો? ક્યારેય તમે વૈતરું કરતાં હોવાની લાગણી અનુભવી છે?
ખરેખર તો સંતાનો કે તેમના સંતાનો કે તેમના પણ સંતાનો સાથે સમય વીતાવવો એ તો એક પ્રકારે આપણો આપણી જ જાત પરનો ઉપકાર છે. કઈ રીતે? આનાથી એકલતા, અજંપો, અસુખ, બેચેની જેવી તકલીફોથી બચી શકાય છે. આપણે કોઇને ઉપયોગી નથી રહ્યા તેવી નકારાત્મક ભાવના મનમાંથી દૂર થાય છે. સંતાનોને શું મળે છે તેના કરતાં આપણને શું મળે છે તેનો વિચાર કરશો તો આવા અવસરયુક્ત જીવનનું મહત્ત્વ સમજાશે. આમાં સ્વાર્થની ક્યાંય વાત જ નથી, આવા લાગણીભર્યા સંબંધો આજીવન અન્યોન્ય માટે ઉપકારક બની રહે છે. હા, આવા સંબંધોમાં સંતાનો સ્વાર્થ સાધી લીધા બાદ માબાપોને કેરીના ચૂસાઇ ગયેલા ગોટલાની જેમ ફેંકી દેતા હોય તો તે નીંદનીય છે.
નામદાર મહારાણી કે ડ્યુક ઓફ એડિનબરા ભલે સક્રિય જાહેર જીવનથી ધીમે ધીમે દૂર થઇ રહ્યા હોય, પરંતુ તેઓ ચોથી પેઢીના સંતાનો સાથે આજે પણ એટલા જ લાગણીથી સંકળાયેલા છે તે આપણે સહુ જાણીએ છીએ. આ પ્રકારની જીવનશૈલી દ્વારા તેઓ બહુ જ સુક્ષ્મ રીતે પરંપરાનું જતન કરવાની સાથોસાથ પદની પ્રતિષ્ઠાના જતનનો પણ પ્રયાસ કરી રહ્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
પ્રેમ ઉષ્માનું અદભૂત પ્રાગટ્ય
સુજ્ઞ વાચકો, બહુ સભાનતાપૂર્વક અને પૂરી જવાબદારી સાથે એક રજૂઆત કરવાની છૂટ લઉં છું. આપ જીવનના જે તબક્કે હો, આપ સર્વે બિનઉપયોગી છો તેમ માની લેવાની જરૂર નથી. હું જરા બીજી રીતે મારા વિચારો રજૂ કરું છું. આજકાલ દુનિયામાં હિજાબ પહેરેલી એક મોડેલ ખૂબ નામના મેળવી રહી છે. તેણે એક પત્રકારને પોતાની કથા જણાવી છે તે મને સ્પર્શી ગઇ હોવાથી આપની સમક્ષ તે રજૂ કરી રહ્યો છું.
હલીમા એડન છ વર્ષની હતી ત્યારે કેન્યાના નાઇરોબી નજીકના કકુમા વિસ્તારમાં આવેલી રાહત છાવણીમાં તેની સોમાલી માતા અને નાના ભાઇ સાથે કંગાળ હાલતમાં રહેતી હતી. વાચક મિત્રો, આપ સહુ જાણતા હશો કે કેન્યામાં, ખાસ તો સોમાલિયાના સરહદી વિસ્તારો (લગભગ છેક મોમ્બાસા સુધી) આતંકવાદ રક્તપાત વહાવી રહ્યો છે. લાખો સોમાલી પ્રમાણમાં વધુ સુરક્ષિત સ્થળે હિજરત કરી ગયા છે. આ હલીમા આજે દુનિયાની પહેલી હિજાબી મોડેલ છે. તેને ક્યા કારણથી આવી ઇચ્છા થઇ તેણે એક બહુ સરસ વાત કરી છે.
હલીમા કહે છે કે અમે રાહત કેમ્પમાં રહેતા ત્યારે કોઇ પરદેશી મહેમાન અમને મળવા આવ્યા હતું. તેઓ કોઇ સેલિબ્રિટિ હતા કે પછી યુનોના કોઇ પ્રતિનિધિ હતા એ તો મને યાદ નથી, પરંતુ મને એટલી ખબર છે કે હું મારી માતાની સોડમાં લપાઇ ગઇ હતી અને છુપાઇને તેમને જોયા કરતી હતી. તે લોકો નજીક આવ્યા અને અમને ‘હાય’ કર્યું. દુભાષિયાની મદદથી સંવાદનો પ્રયાસ કર્યો. અમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે ક્યાંથી આવ્યા છો? કેટલા વખતથી અહીં રહો છો? મુશ્કેલી કેવી પડે છે? આ બધા પ્રશ્નોમાં તેમની અનુકંપા છલકતી હતી. અમારા દર્દમાં તેઓ પરોક્ષ રીતે ભાગીદાર બની રહ્યા હતા, આત્મીયતા દાખવી રહ્યા હતા. આ બધું મેં જોયું, તે સમયે મારી ઉંમર છ વર્ષની હતી. આ અનુકંપાભર્યો ઘટનાક્રમ મારા દિમાગ પર અંકિત થઇ ગયો અને વર્ષોના વહેવા સાથે મારા મનમાં પણ એ નિર્ધાર દૃઢ થતો ગયો કે જીવનમાં કંઇક હાંસલ કરવું છે, કંઇક સિદ્ધિ હાંસલ કરવી છે. Today I am proud of who I am... આજે હું જે કંઇ છું તેનું મને ગૌરવ છે.
આજે ૨૦ વર્ષની હલીમા અમેરિકાના મિનેસોટા રાજ્યની ક્લાઉડ સ્પેસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મિસ મિનિસોટા બ્યુટી કોન્ટેસ્ટ જીતી ચૂકી છે અને હવે મિસ યુએસ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાની છે. વાચક મિત્રો, આપને જાણવામાં રસ પડશે કે દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં સોમાલી હિજરતીઓ મિનેસોટા રાજ્યના મિનિયાપોલીસમાં આશરો લઇ રહ્યા છે.
હમ ભી કુછ કમ નહીં
પ્રત્યેક જીવજંતુ કે પશુપ્રાણી, ભૂચર-જળચર સર્વત્ર ભક્ષણ-રક્ષણ-સંવનન અને સંભોગના જીવનક્રમમાં સદાસર્વદા પરોવાયેલા રહે છે. માત્ર માનવને વિશેષ બુદ્ધિ કે શક્તિ પ્રાપ્ત થઇ છે એ હકીકત સ્વીકારવી જ રહી. આપણે સહુ, દરેકેદરેક વ્યક્તિ જીવનના કોઇ પણ તબક્કામાં વિચરતા હોઇએ તો પણ કંઇક કરવા આપણે સવિશેષ સમર્થ છીએ એમ સ્વીકારવામાં લેશમાત્ર અહંકાર નથી.
આપણે બધા લોકો નાની કે મોટી બાબતમાં અન્યોને કંઇક ઉપયોગી, પ્રેરણાદાયી અને સુખ-શાંતિ-સમૃદ્ધિ વધારે તેવું સમર્પણ કરવા શક્તિમાન છીએ જ તેવું જાણવું જોઇએ, સમજવું જોઇએ અને પોતાના મનમાં તેનું સતત સ્મરણ રહેવું જોઇએ. આપણે સહુ પોતીકી રીતે અલગ અલગ પ્રકારે સામર્થ્ય ધરાવીએ છીએ. પરમાત્માએ આપણને સાવ અમસ્તા તો પૃથ્વી પર નથી જ મોકલ્યા... (ક્રમશઃ)