વડીલો સહિત સહુ વાચક મિત્રો, સેમ્યુઅલ જ્હોન્સન એટલે અંગ્રેજી ભાષાના પ્રખર ભાષાશાસ્ત્રી. આપણે ત્યાં જેમ પાણિની મુનિએ વ્યાકરણ રચ્યું કે સવાયા ગુજરાતી સાબિત થયેલા અંગ્રેજ કિન્લાક ફાર્બસે (તેમજ નર્મદે) ગુજરાતી ભાષાને શું શાં પૈસા ચારના દાયરામાંથી બહાર કાઢવાનું અદભૂત કાર્ય કર્યું તેમ સેમ્યુઅલ જ્હોન્સને ૧૭૫૫માં ‘ગ્રેટ ઇંગ્લીશ ડિક્શનરી’ની રચના કરી હતી. શબ્દ નાનો હોય કે મોટો, બાળક આપોઆપ જ તેને ઉચ્ચારતું હોય છેને?! મા... મા... એમ બોલતાં તેને શીખવવું પડતું નથી. સમયના વહેવા સાથે આ બાળક વયસ્ક બને છે અને સમય તથા સંજોગો સાથે સમન્વય સાધતા સાધતા શબ્દસૃષ્ટિને આત્મસાત કરતું જાય છે.
સમસ્ત જીવસૃષ્ટિમાં મનુષ્ય અને અન્ય પ્રાણીઓને અલગ પાડતો સૌથી મોટો કોઇ તફાવત હોય તો તે છે આપણી ભાષા, તેને વ્યક્ત કરવાની આપણી ક્ષમતા અને તેને સારાનરસા અર્થમાં સમજવાની આપણી મનોસ્થિતિ. શબ્દ કે ભાષા સાવ નિર્દોષ પણ ન હોય શકે કે સાવ શેતાનીવૃતિના પણ ન હોય. તે તો માત્ર માહિતી રજૂ કરે. ક્યારેક મનોરંજન પૂરું પાડે ને ક્યારેક કોઇને અકળામણ પણ કરાવે. ક્યારેક સમન્વયની સાંકળ રચે ને ક્યારેક સંબંધના સેતુને ધરમૂળથી હચમચાવી નાખે. અને આ જ શબ્દ (કે શબ્દો) ભલભલા આબરૂદાર માનવીની શાખને ધૂળમાં પણ રગદોળી નાખે. શબ્દની આ તાકાત છે.
ક્યો શબ્દ ક્યારે, ક્યા અર્થમાં, ક્યા સંદર્ભમાં વપરાય છે અને તેની આગળ-પાછળ બીજા શબ્દો ક્યા અર્થમાં વપરાય છે કે સમજાય છે તેના ઉપર જ માનવસંબંધનો - સબળો કે નબળો - પાયો રચાતો હોય છે. આપણે એક સાધારણ દૃષ્ટાંત થકી આ વાત સમજીએ.
મારે આપ સહુ - માનવંતા વાચકો - પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. આ માટેનો સરળ શબ્દ છે - આભાર. અંગ્રેજીમાં કહું તો થેન્ક યુ. આ શબ્દ હું બોલીશ કે લખીશ ત્યારે સહુ કોઇ તેને પોતપોતાના દૃષ્ટિકોણથી મૂલવશે. આ મૂલવણીમાં આપણી અન્યોન્ય માટેની લાગણી, ભાવ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. જેમ કે...
... જે લોકો મારા સ્વભાવ, લાગણીથી વાકેફ હશે તેઓ માનશે કે સી.બી. ક્યારેય વાચકોનો ગુણ ભૂલતાં નથી હોં, જૂઓ આજે તેમણે ફરી આભારની લાગણી વ્યક્ત કરી.
... જેમની લાગણી ક્યારેક મારાથી દુભાઇ હશે ત્યારે તે માનશે કે - ઠીક છે, મારા ભઇ... આવું (વાચકોને) રાજી રાખવા લખવું પડે, બાકી તેમનો સ્વભાવ કેવો છે એ મારાથી વધુ સારી રીતે કોણ જાણવાનું હતું!
... જેમને મારી સાથે મત-ભેદ કે મન-ભેદ હશે તેમને વળી એમ જ લાગશે કે આ બધો તો સી.બી.નો દેખાડો છે, આવું બોલીબોલીને વાચકોને બટર મારતા રહે છે, બાકી એ ક્યાં કોઇ દી’ લોકોનો ઉપકાર સ્વીકારે એવા છે. મેં તેમના માટે આટઆટલું કર્યું છે તોય ક્યાં કોઇ કદર છે?
વાચક મિત્રો, ત્રણ અક્ષરના શબ્દ ‘આભાર’ને કેટકેટલા પ્રકારે મૂલવી શકાય છે. જોયુંને? જ્યારે આ જ શબ્દ લખાય છે ત્યારે તેને યથાતથ્ સ્વરૂપમાં જ સમજવામાં આવે છે. તેની સાથે મારી ગમેતેટલી લાગણી, પ્રેમ, ઉપકારવશતા જોડાયેલા હશે, વાંચનાર વ્યક્તિ તે શબ્દની આગળ-પાછળના શબ્દોનું અનુસંધાન જોડીને તેને પોતાની રીતે મૂલવશે.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શબ્દ ઉચ્ચારાય છે ત્યારે તેની સાથે લાગણી જોડાયેલી હોય છે. કોઇ શબ્દને કટાક્ષમાં પણ ઉચ્ચારી શકાય છે અને એ જ શબ્દને પ્રેમમાં પલાળીને પણ બોલી શકાય છે. બોલાયેલા શબ્દો સાથે જોડાયેલા લાગણીના રંગોને ભલે નરી આંખે નિહાળી ન શકાય, પણ અનુભવી શકાય છે અવશ્ય.
જ્યારે લખાયેલો શબ્દ સીધો જ મર્મસ્થાને સ્પર્શતો હોય છે - જો તેને યોગ્ય પરિપ્રેક્ષ્ય, સંદર્ભ સાથે લખવામાં આવ્યો હોય તો. મારા વ્હાલા વાચક મિત્રો, હું કંઇ નથી તો મોટા ગજાનો સાહિત્યકાર કે નથી તો શબ્દભંડોળનો સ્વામી. આથી આવું બધું વાંચીને તમે કદાચ પૂછશો કે માળું, આજે આ સી.બી.ને થઇ શું ગયું છે? વાત બહુ સાદીસીધી છે. મનેય એક કાવ્ય વાંચીને કાળજે શબ્દોના ઘા વાગ્યા છે. અને મારે આજે તેની જ વાત કરવી છે.
વીતેલા સપ્તાહે, ૨૮ જાન્યુઆરીએ, ઇ-મેઇલમાં એક કાવ્ય મળ્યુંઃ ‘સારું થયું આઝાદ થઇ ગયા...’ આના બે દિવસ પૂર્વે જ ભારતે ૬૭મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો હતો તેથી ભારત, સ્વતંત્રતાસંગ્રામ, દેશના ભાગલા, પ્રજાસત્તાક રાષ્ટ્રની રચના સહિતના મુદ્દાઓ માનસપટ પર છવાયેલા હતા. રચનાનું પહેલું વાક્ય વાંચતા તો લાગ્યું કે કોઇ રચયિતાએ દેશના પ્રજાસત્તાક પર્વની વધામણી આપી લાગે છે. પરંતુ જેમ આગળ વાંચતો ગયો તેમ તેમ આ રચયિતાની સર્જક્તા કહો કે તેનો (વક્ર) દૃષ્ટિકોણ કહો કે આંતરપીડા કહો કે પછી આંતરખોજ કહો... પણ કાવ્ય પૂરું કરતાં સુધીમાં દિલમાં શરમનો શેરડો પડી ગયો. આ રચના વાંચ્યા પછી જવલ્લે જ કોઇ ભારતીય ભાઇ કે બહેન આપણી માનસિક્તા પર, આપણી વર્તણૂક ઉપર શરમના શેરડા નહીં અનુભવે. ગંદકીની વાત હોય, ભ્રષ્ટાચારની હોય કે અન્ય પ્રકારની નીતિરીતિની વાત હોય, બધાનો આમાં ઉલ્લેખ છે. કાવ્ય બે-ત્રણ વાર વાંચી ગયો. અને લાગ્યું કે ભલે તેમાં દેશની પ્રવર્તમાન સ્થિતિ વિશે આક્રોશ વ્યક્ત થયો હોય, પણ વાત સોળ આના સાચી છે એ તો સ્વીકારવું જ રહ્યું. અને આથી જ - ભારતની કડવી હકીકત રજૂ કરતી આ રચના આપની સમક્ષ પણ સાદર કરી રહ્યો છું.
સારું થયું આઝાદ થઇ ગયા
સારું થયું આઝાદ થઇ ગયા
એ ગોરા સાલ્લા રસ્તા પર થુંકવા દેતા નો’તા.
રસ્તા પાણીથી ધોતા હતા
આપણે કેટલા નસીબવાળા ગમે ત્યાં થૂંકી શકયા ગુટખા ખાઈ
સારું થયું. આઝાદ થઇ ગયા
તે અંગ્રેજો ગધેડા અનાજમાં ભેળસેળ કરવા દેતા નો’તા.
મૂરખા રેસોનમાં સારું અનાજ આપતા
કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ દવા અનાજમાં બેફામ ભેળસેળ કરવા મુકત થયા
સારું થયું આઝાદ થયા
એ મૂરખ અંગ્રેજો શિક્ષણનો વેપાર કરવા દેતા નો’તા
સારું ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મફત આપતા હતા
હવે શિક્ષણનો વેપાર કરી યુવાનોની જિંદગી બરબાદ કરવા ભાગ્યશાળી બન્યા
સારું થયું આપણે આઝાદ થયા.
એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકોને ભીખ માગવા દેતા નો’તા
દરિદ્રો આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા
હવે બાળકોનું અપહરણ કરી અપંગ બનાવી ભીખ મગાવી ઉદાર આપણે થયા
સારું થયું આઝાદ આપણે થયા.
એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નો’તા
ગધેડા લાંચ લેનારને લાતો મારી કાઢી મૂકતા હતા
હવે આપણે લાંચિયાની સમૃદ્ધિમાં સહભાગી થવા સક્ષમ થયા
સારું થયું આઝાદ થયા.
(ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ લખાયેલી કવિતા)
આ ઇ-મેઇલ પાઠવનાર વર્ષોજૂના મિત્ર, ગુજરાત સમાચારના શુભેચ્છક અને સમાજસેવક એવા ભાઇશ્રી કાંતિ નાગડાને આ રચના બદલ અભિનંદન આપતો રિપ્લાય પણ ઠપકારી દીધો. પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ તમે કરેલી રચના ખરેખર અફલાતુન છે તેવો ઉમળકો પણ વ્યક્ત કર્યો. રચના કાંતિભાઇની હોવાનું માનવાને મારા માટે કારણ પણ હતું, પરંતુ તે વાત પછી. પહેલા તેમના પ્રતિભાવની વાત કરું. થોડીક વારમાં તેમનો ફોન આવ્યોઃ ‘અરે સી.બી., આ રચના મારી નથી... આ તો કોઇએ મને મોકલી ને મેં તમને ફોરવર્ડ કરી એટલું જ. તેમાં રજૂ થયેલી વાત એક ભારતીય તરીકે પસંદ પડે તેવી ન હોવા છતાં સમજવા જેવી તો છે જ, અને આથી જ મને થયું કે લાવો તમને મોકલું...’
આપ સહુ વાચક મિત્રોમાંથી કેટલાક કાંતિભાઇના નામથી પરિચિત હશે. ટૂંકમાં કહું તો, કાંતિભાઇ એટલે ભારતીય સમુદાયના - બહુમુખી પ્રતિભા ધરાવતા - મિત્ર. (અને વિગતવાર લખું તો, તેમણે કરેલા કામનો પરિચય આપવા આ પાન પણ નાનું પડે એમ છે!) સંગત કોમ્યુનિટી સેન્ટરના સંચાલક કાંતિભાઇ એટલે નાના-મોટા પ્રશ્નોમાં ઘેરાયેલા ભારતીયને શક્ય તમામ મદદ કરી છૂટવા હંમેશા તત્પર સેવાભાવી. વર્ષોથી આ સંસ્થા ચલાવતા કાંતિભાઇ સાચા અર્થમાં હજારોના ઉપકારક બન્યા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે કાંતિભાઇ ૧૯૬૬માં યુગાન્ડાથી સ્વખર્ચે ઇંગ્લેન્ડ આવ્યા. અહીં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કર્યો. ૧૯૬૮માં ટીચર્સ ટ્રેઈનિંગની ડિગ્રી મેળવી ને પાછા કંપાલા જઇ પહોંચ્યા. ત્યાંની સીટી હાઈસ્કૂલમાં શાળામાં શિક્ષક જોડાયા અને શિક્ષણ ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરીને આગવી નામના હાંસલ કરી. ૧૯૭૨માં હકાલપટ્ટીમાં બ્રિટન પરત થયા. આ તો તેમની એક ઓળખ થઇ. હવે તેમની બીજી ઓળખ.
કાંતિભાઇ સારા વાર્તાલેખક, કવિ અને લેખક પણ ખરા. ત્રીસેક વર્ષ પૂર્વે તેમણે ગુજરાત સમાચારમાં થોડોક સમય કોલમ પણ લખી હતી. અખાના ચાબખાની જેમ તેમની તેજાબી કલમનું નિશાન મોટા ભાગે સામાજિક કુરિવાજો, કુપાત્રો અને એવા શોષણખોરો હોય. આથી જ બંદાએ માની લીધું કે ‘સારું થયું આઝાદ થઇ ગયા...’ રચના તેમની જ હોવી જોઇએ.
નામઠામ વગરની રચનાને પોતાના નામે ચઢાવી દેવાની લાલચથી બહુ જૂજ લોકો બચી શકતા હોય છે. અરે, પ્રકાશક-તંત્રી તરીકે અમને તો એવા પણ અનુભવો થયા છે કે આવી નામઠામ વગરની રચના પોતાના નામે ચઢાવીને છાપવા માટે મોકલી આપે અને હકીકત બહાર આવે તે પહેલાં તો વ્યક્તિએ આવી રચના પોતાના નામે છપાવીને સસ્તી લોકપ્રિયતા પણ મેળવી લીધી હોય. કાંતિભાઇને તેમની નિખાલસતા માટે અભિનંદન આપવા રહ્યા.
આ રચના ભારતની નકારાત્મક છાપ રજૂ કરતી હોવા છતાં રજૂ કરી છે તેનું કારણ એટલું જ છે કે જે સમાજ પોતાની ખામીઓ, પોતાની નિર્બળતાને તટસ્થભાવે નિહાળી ન શકે કે તેના પ્રત્યે આંખમિંચામણા કરે તે સમાજનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવળ હોય શકે નહીં. આ કવિતા મનના છાના ખૂણે સતત આંટાફેરા કરતી હતી. ત્યાં જ ૩૦ જાન્યુઆરીએ ગાંધીબાપુનો નિર્વાણ દિન આવ્યો. ભારતમાં અને ભારત બહાર વસતા ભારતીય સમુદાય દ્વારા આ દિવસને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. મને સ્હેજેય વિચાર આવી ગયો કે રચયિતાની મહેરબાની કે તેમણે દેશની ‘આવી’ આઝાદી માટે નથી તો ગાંધીબાપુને જવાબદાર ઠેરવ્યા કે નથી તો વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા.
બાકી તેમણે ઇચ્છ્યું હોત તો ગાંધીબાપુને આઝાદી જંગના સર્વમાન્ય નેતા હોવાથી નિશાન બનાવી શક્યા હોત. જ્યારે સ્વચ્છતા માટે, સ્વદેશી માટે, રાષ્ટ્રભક્તિ માટે, ભ્રષ્ટાચારમુક્ત ભારત માટે, મહિલા કે બાળકોનું શોષણ અટકાવવા માટે ધૂણી ધખાવીને બેઠેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇને ‘ફેશનના ભાગરૂપે’ નિશાન બનાવી શક્યા હોત. અત્યારે ભારતમાં મુદ્દો કંઇ પણ હોય, આંગળી નરેન્દ્રભાઇ સામે જ ચીંધવાની ફેશન ચાલે છે ને! આથી સર્જકની મહેરબાની કે તેમણે ભારતની વર્તમાન સ્થિતિ માટે ગાંધીબાપુ કે નરેન્દ્રભાઇને દોષિત ગણાવ્યા નથી.
શહીદ દિનની પૂર્વ સંધ્યાએ, ૨૯ જાન્યુઆરીએ, લોર્ડ પ્રો. ભીખુભાઇ પારેખ સાથે મારી બેઠક હતી. લોર્ડ ભીખુભાઇ, લોર્ડ નવનીત ધોળકીયા જેવા ઊંચા ગજાના વિદ્વાનો સાથે વાતચીત કરવાનો મોકો અવારનવાર મળતો રહે છે. અને આવી મુલાકાતોમાંથી ઘણું જાણવા જેવું, સમજવા જેવું ઉપયોગી ભાથું પણ મળતું હોય છે. ભીખુભાઇસાહેબે એક નાની પુસ્તિકા મને આપી. કવરપેજ પર નજર ફેરવી તો પુસ્તકના કેન્દ્રમાં હતા - મહાદેવભાઇ દેસાઇ. ગાંધીબાપુનો આત્મા.
અમદાવાદ સ્થિત યુવા પ્રોફેસર રિઝવાન કાદરીએ આ સંશોધનાત્મક પુસ્તક લખીને સાચા અર્થમાં મહાન કાર્ય કર્યું છે એમ કહું તો તેમાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. રિઝવાનભાઇ ઊંડું સંશોધન કરીને ગાંધીજી, સરદાર પટેલ અને તેમના જેવા ભારત માતાના અનેક સપૂતોના અજાણ દસ્તાવેજો કે વણજાહેર માહિતી શોધી લાવવા માટે જાણીતા છે. રિઝવાનભાઇએ તાજેતરમાં નવી દિલ્હી સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીમાં ખાંખાંખોળા કરીને એક દસ્તાવેજ શોધી કાઢ્યો છે. ગુજરાતીમાં ગાંધીજીને વાંચવા સરળ નથી. આથી સાથે સાથે તેમણે અંગ્રેજી ભાષાંતર પણ કર્યું છે. રિઝવાનભાઇએ તેમના પુસ્તકમાં રજૂ કરેલી વાત કંઇક આવી છે.
કોચરબ આશ્રમની સ્થાપના થઇ ૧૯૧૫માં. તે સમયે બે યુવાનો અલપઝલપ ગાંધીજીને મળવા આવ્યા હતા. આમાંના એક મહાદેવભાઇ દેસાઇ અને બીજા નરહરીભાઇ પરીખ. મહાદેવભાઇ તે સમયે કો-ઓપરેટિવ બેન્કમાં સારા વેતન સાથે ઉચ્ચ હોદ્દો સંભાળતા હતા. સમય વીત્યે મહાદેવભાઇ ગાંધીરંગે રંગાયા અને સ્વેચ્છાએ બધું છોડીને ગાંધીજીની સેવામાં સમર્પિત થઇ ગયા. બસ ત્યારથી જાણે ગાંધીજીનો પડછાયો બની રહ્યા. તે છેક ૧૫ ઓગસ્ટ, ૧૯૪૨ના પ્રભાતે દેહ છોડ્યો ત્યાં સુધી.
ક્વીટ ઇંડિયા મૂવમેન્ટ - હિંદ છોડો ચળવળનો પ્રારંભ થયો ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ. સ્થળ હતું મુંબઇનું ગોવાલિયા ટેન્ક મેદાન. ચળવળને પ્રારંભ પૂર્વે જ કચડી નાખવા માટે ગાંધીજી સહિત કોંગ્રેસના ટોચના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ગોવાલિયા ટેન્ક વિસ્તારમાં બ્રિટિશ લશ્કરી જવાનોની લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચકલું પણ ફરકી ન શકે તેવો પહેરો હતો, પરંતુ લોકોનો જુસ્સો ચરમસીમાએ હતો.
‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા લાગી રહ્યા હતા. આ સમયે ઉષા મહેતા નામની એક હિંમતવાન સુકલકડી ગુજરાતી યુવતી લશ્કરી જવાનોની નજર ચૂકવીને દોડી ગઇ અને મણીભુવન ઉપર તિરંગો ફરકાવી દીધો. લોકોએ હર્ષોલ્લાસથી યુવતીના સાહસને વધાવી લીધું અને જાણે ચળવળમાં ચેતનાનો સંચાર થયો. આઝાદી બાદ આ મેદાનને ઓગસ્ટ ક્રાંતિ મેદાન નામકરણ થયું છે.
(૧૯૮૨માં લોર્ડ ભીખુભાઇ પારેખ વડોદરાની પ્રખ્યાત એમ. એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળતા હતા ત્યારે વાઇસ ચાન્સેલરના સત્તાવાર નિવાસસ્થાન ધનવંતરી બંગલોમાં મને - ભીખુભાઇ અને ડો. જયશ્રીબેન મહેતા સાથે - ઉષાબહેનને મળવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. ઉષાબહેને ૮ ઓગસ્ટ, ૨૦૦૦ના રોજ ૮૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.)
ગાંધીજીએ સ્વહસ્તે ૧૬ પાનની ગુજરાતીમાં ટૂંકી ને ટચ નોંધ લખી છે. શિર્ષક છેઃ ‘મહાદેવના સ્મરણો’. ગાંધીજી માનતા હતા કે વયના કારણે, ઉંમરના કારણે પોતાનું અવસાન થશે ત્યારે અંજલિ કે સ્મરણો લખવાની જવાબદારી મહાદેવ દેસાઇ ઉઠાવશે. જોકે આ પુસ્તકમાં ગાંધીજીએ જાતે લખ્યું છે તેમ આમ થવાના બદલે મારે તેની શ્રદ્ધાંજલિ લખવી પડે છે તે પણ વિધિની બલિહારી જ છેને.
ભારત છોડો ચળવળનો પ્રારંભ થતાંજ ગાંધીજી અને તેમના સાથીદારો મહાદેવભાઇ દેસાઇ, સરોજિનીદેવી, સુશીલા નાયર વગેરેને અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા. ચળવળે વેગ પકડ્યો હોવાથી તમામને પૂના નજીક આવેલા આગાખાનના મોટા મહેલમાં બંદીવાન બનાવીને રાખવામાં આવ્યા હતા. ગાંધીજી આ સ્થળને ‘જેલમંદિર’ તરીકે ઓળખાવતા હતા.
૧૫ ઓગસ્ટની સવારે સુશીલાબહેન ગાંધીજીને તેલમાલીશ કરી રહ્યા ત્યારે એકાએક કસ્તુરબાનો ચિત્કાર સંભળાયોઃ સુશીલા, જલ્દી આવો... મહાદેવને કંઇક થઇ ગયું છે.
સુશીલાબહેન, ગાંધીજી, કર્નલ ભંડારી, જેલ હોસ્પિટલના સિવિલ સર્જન કર્નલ શાહ... બધા દોડી ગયા. અને થોડીક જ મિનિટમાં મહાદેવભાઇનો જીવ દેહ છોડી ગયો. ગાંધીજીએ આ માટે લખ્યું છેઃ ‘જ્યારે યમનું તેડું આવ્યું હોય ત્યારે ડોક્ટર શું કરી શકે?’
અમદાવાદના યુવા અધ્યાપક અને સંશોધક રિઝવાનભાઇ કાદરીનો મંગળવારે સંપર્ક કર્યો. ગણતરીના કલાકમાં તો આ તરવરિયા સંશોધકે તેમની ‘મહાત્માનો આત્મા’ પુસ્તિકાની પીડીએફ મોકલી આપી. (બાય ધ વે, આ પુસ્તિકાનું વિમોચન મહાદેવભાઇના દીકરા કરતાં ગાંધીકથા માટે વધુ જાણીતા બનેલા શ્રી નારાયણભાઇ દેસાઇએ હોસ્પિટલની પથારીએથી કર્યું હતું.) ખરેખર બહુ આનંદ થયો - રિઝવાનભાઇના ક્વીક રિસ્પોન્સથી અને તેમની સ-રસ પુસ્તિકાથી. હજુ તો તેના પર સરસરતી નજર ફેરવી છે. આગામી અંકોમાં ગાંધીજીએ સ્વહસ્તે લખેલા મહાદેવભાઇના સંસ્મરણો અને તેનું અંગ્રેજી ભાષાંતર પ્રસ્તુત કરવા અમારા પ્રયાસ છે.
શહીદ દિનના રોજ ટેવીસ્ટોક સ્કવેરમાં યોજાયેલા કાર્યક્રમમાં અંજલિ આપીને ઘરે પરત ફર્યો. શનિવારે બપોરથી રવિવાર સાંજ સુધી ગાંધીજી, ભારત અને પે’લી કવિતા ‘સારું થયું આઝાદ થઇ ગયા...’ જાણે મને ઘેરી વળ્યા હતા. મનમાં એક વાત સહજ ઉઠી. મોહનદાસ કરમચંદ ગાંધી નામના યુવા બેરિસ્ટર ૯ જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ સાઉથ આફ્રિકાથી કાયમ માટે ભારત પરત ફરે છે અને ત્યારથી માંડીને ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ - જીવનના અંતિમ શ્વાસ સુધી સતત માદરે વતન માટે સતત સક્રિય રહે છે. આ સમયમાં આપણે ભારતમાં કેવી અદભૂત ક્રાંતિ જોઇ શક્યા. કેવું મોટું પરિવર્તન થયું. સાચે જ અકલ્પ્ય લાગે છે. ગાંધીજીએ બ્યુગલ વગાડ્યું આઝાદી જંગનું. તે પહેલાં ઇંડિયન નેશનલ કોંગ્રેસની કામગીરી વાર્ષિક અધિવેશનો કે ઠરાવો કે પિટિશન પૂરતી જ સીમિત હતી. તે વેળા ભારતીય સમાજમાં ગરીબ કે અછતવાળા વર્ગ, દલિત સમુદાય, આદિવાસી પ્રજાજનો કે સ્ત્રીઓનું સ્થાન શું હતું?
ગાંધીજીએ આપણા સમાજના નબળા વર્ગને નવજીવન આપ્યું. ચેતનાનો સંચાર કર્યો. જેમણે ‘ગાંધી’ ફિલ્મમાં (બીજે તો આવી ઘટના ક્યાં જોવા મળવાની?) ધરાસણા સત્યાગ્રહનો ઘટનાક્રમ નિહાળ્યો હશે તેમને યાદ હશે કે સફેદ સાડી અને ખભ્ભા પર ભૂરો પટ્ટો પહેરેલી બહેનો મીઠાની એક મુઠી હાથમાં ઉપાડવા જાય અને સૈનિકો તેમના પર લાઠીની ઝડી વરસાવે. છતાં આપણી બહેનોના મોંમાંથી ઊંહકારો સુદ્ધાં ન નીકળે. આવા તો હજારો, લાખો સ્વાતંત્ર્યસેનાનીઓએ અંગ્રેજ શાસકોના જુલ્મ સહ્યા છે, પોતાના જીવનનું બલિદાન આપ્યું છે ત્યારે આપણને આઝાદી મળી છે.
પરંતુ અત્યારે શું સ્થિતિ છે? આપણામાંથી કોઇને નાગરિક ધર્મની પડી છે? રાષ્ટ્રધર્મ તો પછીની વાત છે. નાગરિક ધર્મનું પાલન કરવામાં પણ આપણે કેટલા નીચા સ્તરે ઉતરી ગયા છીએ. આથી જ આજે દસકાઓ બાદ પણ ગાંધીજીના આદર્શ જીવન માટેના ૧૧ વ્રતો એટલા જ મૂલ્યવાન જણાય છે.
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું,
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,
કોઇ અડે ના અભડાવું,
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ
અને સર્વધર્મ સરખા ગણવા,
આ ૧૧ વ્રતોને સમજી દ્રઢપણે આચરવા.
આ વ્રતોનું ગાંધીજીએ જીવનપર્યંત પાલન કર્યું હતું. આપણે કદાચ આ બધા નિયમોને આચરણમાં ન મૂકી શકીએ, પરંતુ વણજોઇતું નવ સંઘરવું, ચોરી ન કરવી, જાતે મહેનત, સર્વધર્મ સમભાવ, નિર્ભયતા, સ્વદેશી અપનાવવું વગેરે જેવા વ્રતોને તો અમલમાં મૂકી શકીએને?
ગાંધીજી લંડનમાં રહ્યા અને બેરિસ્ટર બન્યા એટલું જ નહીં, તેમને ભગવદ્ ગીતાનું સાચું જ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત બીજા અમર ગ્રંથો રામાયણ, મહાભારત વગેરેમાં સમાયેલા અગાધ જ્ઞાનનો પણ પરિચય મેળવ્યો.
આપણા ધર્મગુરુઓ, ધર્મપ્રચારકો, ધર્મપ્રવર્તકો... મારા જેવા પત્રકારો સહુ કોઇ નાગરિક ધર્મ શું હોવો જોઇએ તેની પોતપોતાની રીતે વાતો કરે છે, છતાં ભારતમાં અને ભારત બહાર વસતા ભારતીયોમાં તેના અમલમાં ઊણા ઉતરતા જોવા મળે છે. કારણ? અન્યને ઉપદેશ આપવામાં સહુ કોઇ શૂરાપૂરા છે, પણ આચરણના નામે મીંડુ જોવા મળે છે. આપણા હિન્દુ ધર્મની જ વાત કરું. આપણા ધર્મનું અધ્યાત્મ ઉચ્ચ પ્રકારનું છે, પરંતુ આચરણમાં કેટલું જોવા મળે છે? આમાં દોષ ધર્મ કે તેની પરંપરાનો નથી. આપણી કહેવાતી ધાર્મિક્તા નર્યો આડંબર છે, ઢોંગ છે. મોટાથી નાના સુધી સહુ કોઇ તેમાં જ રાચે છે.
કાવ્યમાં ભારતનું અને ભારતવાસીઓનું વરવું સ્વરૂપ રજૂ થયું છે તેના મૂળમાં શું છે? મનોદશા નીચલા સ્તરે ઉતરી ગઇ છે. મારે શું? અને મારું શું? એવી માનસિક્તાથી લોકો પીડાઇ રહ્યા છે. જ્યાં સુધી સાચા અર્થમાં દરેક વ્યક્તિ ‘મારી શું ફરજ છે?’, ‘મારી શું જવાબદારી છે?’ તેનો વિચાર નહીં કરે અને દેશના સામાજિક-આર્થિક ઉત્થાન માટે પોતાનાથી શક્ય તમામ યોગદાન આપવા પ્રતિબદ્ધ નહીં બને ત્યાં સુધી આપણે ‘બિચારા’ જ રહીશું.
(ક્રમશઃ)