વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણા સહુના માનવંતા કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયાના અહેવાલ આજકાલ ચર્ચાની એરણે ચઢ્યા છે. સારવાર થઇ શરૂ થઇ ગઇ છે, ત્યારે આપણે સહુ તેમના નિરામય સ્વાસ્થ્ય માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ.
કિંગ ચાર્લ્સની બીમારીનું નિદાન થયું છે તે ઘટનામાં સૌથી નોંધનીય બાબત એ છે કે કિંગ લગભગ આદર્શ કહી શકાય તેવી જીવનશૈલી જીવી રહ્યા છે. તેઓ ભોજનમાં ઓર્ગેનિક ફૂડ આરોગે છે, અને માંસ-મદિરાનું પણ ઓછું સેવન કરે છે. સહુ કોઇના મનમાં એ સવાલ રમી રહ્યો છે કે હેલ્ધી જીવનશૈલી છતાં કિંગને કેન્સર જેવી બીમારીનું નિદાન થયું છે. આમ થવાનું કારણ શું?
વાચકમિત્રો, સાચું કહું તો આ બધું તબીબી નિષ્ણાતોએ વિચારવાનું છે. મને તો એટલું સમજાયું છે કે એક યા બીજા પ્રકારે કેન્સર કે તેના જેવી બીમારી આવે છે ત્યારે જે તે વ્યક્તિએ કે તેના પરિવારજનોએ બહુ વિચાર-વ્યાધિ કરવાની જરૂર નથી. પરમાત્માએ આપણને અદભૂત માનવશરીર આપ્યું છે. આધુનિક વિજ્ઞાને અઢળક શોધસંશોધન કર્યા છે, પણ હજુ સુધી આપણે આ મહામૂલી શરીરરચનાને, તેની કાર્યરચનાને સંપૂર્ણપણે સમજી શક્યા નથી તે પણ હકીકત છે. આ કે બીજા પ્રકારની તકલીફ વેળા એક જ બાબતનો અમલ કરવો જોઇએ અને તે છે સારવાર કરનાર તબીબની સુચનાનો અમલ.
વીતેલા પખવાડિયે હું ભારતપ્રવાસે હતો તે પૂર્વે લંડનમાં એક સમવયસ્ક વ્યક્તિની આવી જ બીમારીનો કિસ્સો મારા ધ્યાને આવ્યો હતો. એ સજ્જનને વર્ષોપૂર્વે ડીઓડીનર (સ્ટમક) અલ્સરથી હેરાન થતા હતા. કેટલાક વર્ષ ઝેન્ટેક્સ જેવી ગોળી પણ લેવી પડી હતી. કાળક્રમે દવાએ અસર કરી, અને તેઓ રોગમુક્ત થયા. છેલ્લા 20 વર્ષથી તેઓ હેમખેમ હતા. પરંતુ ગયા નવેમ્બરમાં તેમને એક યા બીજા કારણસર તકલીફ થઇ. ભોજન પછી બે-ત્રણ વખત થોડી ઉલ્ટી થઇ. ડોક્ટર પાસે પહોંચ્યા તો તેમણે જરૂરી તપાસ કરીને પરિવારને સુચવ્યું કે વડીલને કેન્સરની શક્યતા તો નથી ને તેની પણ આપણે તપાસ કરાવી લઇએ. તેમણે કન્સલ્ટન્ટને જરૂરી મેડિકલ ટેસ્ટ માટે સજેસ્ટ કરતો પત્ર લખ્યો.
આની સાથે સાથે જ તેમણે દર્દીને એવું પણ સૂચવ્યું હતું કે જરૂરી ટેસ્ટ થાય તે દરમિયાન તમે પણ તમારી ખાણીપીણી પર નજર રાખો. શું ખાધા પછી સ્ટમકમાં તકલીફ થાય છે તેની નોંધ કરો. આટલું કરશો તો મોટા ભાગે તમારી તકલીફનું કારણ ખબર પડી જશે. ખરેખર આવું જ થયું. અમુક વસ્તુ ખાવાથી તકલીફ થતી હોવાનું જાણ્યા બાદ તે ખાવાનું બંધ કર્યું ને બધું સરખું થઇ ગયું. ડોક્ટરે કહ્યું કે હવે ચિંતાની કોઇ વાત નથી, ખાવાપીવામાં આટલું ધ્યાન રાખશો તો કોઇ મુશ્કેલી નહીં થાય. આ દરમિયાન ડોક્ટરે સંભવિત કેન્સરની તપાસ માટે કન્સલ્ટન્ટને જરૂરી ટેસ્ટની ભલામણ કરતો પત્ર ઘરે પહોંચ્યો અને પરિવારમાં દેકારો થઇ ગયો. સાચી હકીકત સમજાઇ ત્યારે બધાના જીવ હેઠા બેઠાં. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઘણી વખત આપણે કાગનો વાઘ કરી નાંખતા હોઇએ છીએ, નાનીઅમથી વાતને મોટું રૂપ આપી દઇએ છીએ. વાતનું વતેસર કરી નાંખીએ છીએ.
વાતના વતેસરનો ઉલ્લેખ નીકળ્યો છે ત્યારે હું મારા નાનપણનો એક કિસ્સો ટાંક્યા વગર રહી શકતો નથી. હું દસેક વર્ષનો હોઇશ. અમારા ફળિયામાં ડાહીમા નામે એક બા હતા. મોટી વયના, અને ભારેખમ શરીર. તેમનું જીવન લગભગ પથારીવશ. જોકે માયાળુ બહુ. પથારીમાં પડ્યાં પડ્યાં પણ અમારા પર વ્હાલભરી નજર રાખે. એક વખત તેમના પતિદેવ એવા રેવાકાકાએ અમને - ફળિયામાં રમતાં છોકરાંવને - કહ્યું કે બજારમાં જઇને જરા વૈદ્યરાજને કહેજો કે ડાહીમાની તબિયત આજકાલ વધુ નરમગરમ રહે છે તો આવતાજતાં ઘરે આંટો મારતા જાય ને તપાસતા જાય.
રેવાકાકાએ કહ્યું હતું તો અમને, પણ આ વાત બાજુના મંદિરમાં જ પડ્યાપાથર્યા રહેતા ડાહ્યાભાઇ નામના યુવાનને કાને પડી. ડાહ્યાભાઇ એટલે એવો યુવાન જે દિવસરાત જોયા વગર સહુ કોઇને મદદરૂપ હંમેશા તૈયાર રહેતો. રેવાકાકાના મોઢે ડાહીમાની બીમારીની વાત કાને પડી કે ‘ઉત્સાહી જીવડો’ નામે ડાહ્યાભાઇ કામે લાગી ગયો. અમે કોઇ વૈદ્યરાજને સંદેશ પહોંચાડીએ તે પહેલાં તો એ બજારમાં તેમના દવાખાને પહોંચી ગયો. ‘ડાહીમા ગંભીર બીમાર છે...’ તેવો સંદેશો પહોંચાડીને વૈદ્યરાજને કહ્યું કે રેવાકાકાએ તમને તાબડતોબ તેડાવ્યા છે. વાત અહીં પૂરી નથી થતી.
(દોઢ)ડાહ્યોભાઇ મંદિરે પાછા ફરતાં રસ્તામાં સાજખાંપણવાળાને પણ કહેતો આવ્યો કે હવે અમારા ડાહીમા પરધામ જવાની તૈયારીમાં છે તો આઠ ફૂટ લાંબા બે વાંસ અને દોઢ-દોઢ ફૂટના દસેક ટુકડા રેવાકાકાને ઘરે પહોંચાડી દેજો. વૈદ્યરાજ પહોંચે તે પહેલાં તો નનામીવાળો અંતિમક્રિયાનો સામાન લઇને રેવાકાકાના ઘરે જઇ પહોંચ્યો. ઘરે સાજખાંપણનો સામાન આવી પહોંચેલો જોઇને પહેલાં તો રેવાકાકા બઘવાઇ જ ગયા, પણ સાચી વાત જાણ્યા તેમના ચહેરા પર રાતોપીળો રંગ છવાઇ ગયો. મોંમાંથી અપશબ્દોનો જાણે ધોધ વહ્યો. છેવટે આસપડોશના લોકોએ રેવાકાકાને ટાઢા પાડ્યા.
વાચક મિત્રો, કહેવાનું તાત્પર્ય એટલું જ ઓડનું ચોડ થઇ ગયું હતું, અને તેના મૂળમાં હતી ગેરસમજ. થોડાને ઘણું વધુ સમજી લેવાની ભૂલ. આપણે ઘણી વખત વાતનું વતેસર કરી નાંખીએ છીએ. 70 વર્ષની વયે પ્રમાણમાં ઘણું સારું સ્વાસ્થ્ય ધરાવતા કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું છે અને ટ્રીટમેન્ટ ચાલુ છે તે જાણીને - આપણી વચ્ચે હરતુંફરતું - એક પ્રેરણાદાયી ઉદાહરણ યાદ આવે છે.
ગુજરાત સમાચારના માનવંતા વાચકો બ્રેન્ટ બરોના મેયર હર્ષદભાઇ પટેલના નામથી બહુ સારી રીતે પરિચિત છે. હર્ષદભાઇ બેરિસ્ટર તરીકે પણ આપણા સમાજમાં આગવી નામના ધરાવે છે. પાંચેક વર્ષ પૂર્વે તેમને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું. બીમારી થોડી વધુ ગંભીર જણાતાં ડોક્ટરોએ સર્જરીની ભલામણ કરી. આ દરમિયાન હર્ષદભાઇ સાથે ફોન પર વાત થઇ તો તેમણે બીમારીની, સર્જરીની સલાહની વાત કરી. સાથે સાથે જ કહ્યું કે આવતા સપ્તાહે તો સર્જરી છે, પણ એકાદ મહિનામાં બધું ઠીકઠાક થઇ જતાં ફરી મળીશું. તમારી સાથે સમાજસેવા સહિતના કેટલાક મુદ્દે ચર્ચા કરવી છે. આ હર્ષદભાઇનો જુસ્સો.
સર્જરી બાદ હવે હર્ષદભાઇની તબિયત ઘણી સારી છે. બે-ચાર નહીં, અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ગુજરાત સમાચાર દ્વારા 30મી ઓક્ટોબરે સરદાર નિર્વાણદિને યોજાયેલા સ્મરણાંજલિ કાર્યક્રમમાં હાજરી આપીને રસપ્રદ વક્તવ્ય પણ આપ્યું હતું.
વાચક મિત્રો, કહેવાનું તાત્પર્ય એટલું જ કે રોગ તો થાય. તેની યોગ્ય સારવાર કરાવો, સાથે સાથે જ મનોબળ મજબૂત રાખો. મહેરબાની કરીને નિરર્થક વિચારવાયુના ચકરાવે ચઢો નહીં. આ વિશેના બોધપાઠ જેવું એક દૃષ્ટાંત મને ટાંકવાનું મન થાય છે.
આપ સહુ જાણો છો તેમ છેલ્લા 50 વર્ષથી હું ડાયાબિટિસને મારો ‘કાયમી મિત્ર’ ગણીને તેની કાળજી લઉં છું, અને તે મારી તબિયતની કાળજી રાખે છે. હું સેન્ટ્રલ લંડનમાં હોક્સ્ટનમાં રહેતો હતો ત્યારે - સ્વાસ્થ્ય સંભાળ માટેના મારા હકારાત્મક અભિગમને ધ્યાનમાં રાખીને - ડોક્ટરે મને એક કામગીરી સોંપી હતી. આ કામ હતું દર્દીઓ સામે લવારા કરવાનું. ખેર, આ તો જરા હસવાની વાત થઇ, પણ હકીકત એ છે કે ડાયાબિટિસના એક દર્દી તરીકે મેં ખાણીપીણીથી માંડીને જીવનશૈલી બાબતે જે પ્રકારે તન-મનના આરોગ્યની કાળજી લીધી હતી તેનાથી ડોક્ટરો બહુ પ્રભાવિત હતા. આથી થોડા થોડા સમયના અંતરે ખાસ તેડાવતા અને ડાયાબિટિસના દર્દીઓ સાથે મારી બેઠક યોજતા હતા. બેઠકનો એક ઉદ્દેશ હોયઃ મારે પાંચ-દસ-પંદર દર્દીઓના જૂથ સાથે વાતચીત કરવાની અને પાંચ પાંચ દસકાથી ડાયાબિટિસ હોવા છતાં હું કઇ રીતે શરીરને સાચવી રહ્યો છું તેની વાત કરવાની. હકારાત્મક વાતો થકી તેમને સમજાવવાનું ડાયાબિટિસ હોવા છતાં કઇ રીતે શરીરને ટનાટન રાખી શકાય છે.
આ દર્દીઓ સાથે વાતચીત થતી - વિચારોની આપલે થતી ત્યારે સમજાતું કે તેમના મનમાં બીમારી સંદર્ભે કેવો નકારાત્મક અભિગમ પ્રવર્તે છે. ડાયાબિટિસ ભલે જીવનશૈલી સંબંધિત બીમારી ગણાતી હોય, પણ ચોક્કસપણે તે સામાન્ય તકલીફ નથી જ. જો તમે આરોગ્યની પૂરતી કાળજી ના લો તો ડાયાબિટિસના પગલે પગલે બીજી શારીરિક તકલીફો ઘર કરી જતી હોય છે, પણ જો આ જ ડાયાબિટિસને થોડીક વિશેષ કાળજી લઇને સાચવી લો તો તે ખરા અર્થમાં ‘મિત્ર’ સાબિત થાય છે. મારી જેમ જ સ્તો.
શરીર છે તો સમયના વહેવા સાથે નાનીમોટી સમસ્યાઓ પણ આવવાની, આવવાની અને આવવાની જ. તમે તેનો સામનો કઇ રીતે કરો છો તેના પર તમારા સ્વાસ્થ્યનો આધાર છે. શારીરિક-માનસિક આધિ-વ્યાધિ-ઉપાધિ વખતે તમારા જીપીને કન્સલ્ટ કરો. તેમની સલાહને અનુસરો. પરમાત્મામાં પૂરતો વિશ્વાસ રાખો, અને જીવન પ્રત્યે હંમેશા હકારાત્મક અભિગમ જાળવો. આટલું ટ્રાય કરી જૂઓ... ગેરેન્ટી સાથે કહું છું સહુ સારાં વાનાં થઇ જ રહેશે. અસ્તુ. (ક્રમશઃ)