મને એક વખત ગુજરાતમાં પાણીની કટોકટી અનુભવી રહેલા ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતા સેમિનાર માટે અમદાવાદમાં હાજરી આપવાની તક સાંપડી હતી. આ સંદર્ભે ચર્ચામાં ઓછો વરસાદ, પાણીની તંગી તેમજ તે સમયે નહિ મળી રહેલાં નર્મદાના નીર જેવી સ્રોતોની ગેરહાજરીના કારણે સર્જાતા પડકારો સહિતના મુદ્દાઓનો સમાવેશ થયો હતો.
સેમિનાર દરમિયાન મને રુબિન ડેવિડ અને જ્યુઈશ કોમ્યુનિટીના અન્ય સભ્યો સાથે મુલાકાતની તક પણ મળી હતી, જેઓએ આ જ પ્રકારના પડકારોનો સામનો કરવામાં ઈઝરાયેલના અનુભવોની જાણકારી આપી હતી. રુબિનનો જન્મ અમદાવાદમાં બેને ઈઝરાયેલ જ્યુઈશ પરિવારમાં થયો હતો. તેઓ અમદાવાદમાં હવે કમલા નેહરુ ઝૂઓલોજિકલ ગાર્ડન નામે પ્રસિદ્ધ કાંકરિયા ઝૂ અને ચાચા નેહરુ બાલવાટિકાના સ્થાપક હતા.
માત્ર 8,630 સ્ક્વેર માઈલ્સનું ક્ષેત્રફળ ધરાવતા અને 14 મે 1948ના દિવસે અસ્તિત્વમાં આવેલા નાનકડા દેશ ઈઝરાયેલે તેના પ્રારંભિક વર્ષોમાં આ નોંધપાત્ર અવરોધો પર કેવી રીતે વિજય હાંસલ કર્યો તે જાણવાનું ખરેખર અદ્ભૂત રહ્યું હતું. તેમના નવતર અભિગમો અને ઉપાયો શોધવાની કુશળતાએ જળકટોકટીના નિવારણ માટે મૂલ્યવાન બોધપાઠ પૂરા પાડ્યા હતા.
પેલેસ્ટાઈનને અલગ યહૂદી અને આરબ રાજ્યોમાં વિભાજિત કરવાના યુનાઈટેડ નેશન્સના પ્લાનને સુસંગત જ્યુઈશ એજન્સીના વડા ડેવિડ બેન-ગુરિયને ઈઝરાયેલ સ્ટેટની સ્થાપનાની જાહેરાત કરી હતી. તે સમયે ઈઝરાયેલ હસ્તક આવેલી મોટા ભાગની જમીનો બંજર કે બિનફળદ્રૂપ હતી, સ્રોતો મર્યાદિત હતા. તેની વસ્તીમાં આશરે 650,000 લોકો યહૂદી હતા જ્યારે તે વિસ્તારમાં આરબોની બહુમતી હતી.
યહૂદી લોકો 2000 કરતા વધુ વર્ષથી દેશવિહોણા ડાયસ્પોરા તરીકે રહેતા તેમજ અવારનવાર ભેદભાવ અને હકાલપટ્ટીનો શિકાર બનતા રહેતા હતા. મધ્યકાલીન યુરોપમાં સમગ્ર જ્યુઈશ સમુદાયોને રાજાઓ કે સરકારો દ્વારા વારંવાર હાંકી કઢાતા હતા. ઈંગ્લેન્ડમાં કિંગ એડવર્ડ પ્રથમે 1290માં એડિક્ટ ઓફ એક્સપલ્ઝન – હકાલપટ્ટીનું ફરમાન જારી નકરીને યહૂદીઓને દેશ છોડવાની ફરજ પાડી હતી. આ ઉપરાંત, સ્પેનિશ ઈન્ક્વિઝિશન દરમિયાન 1492માં સ્પેન તથા અન્ય દેશોમાં પણ આ પ્રકારની હકાલપટ્ટીઓ થઈ હતી.
યુરોપ અને વિશ્વમાં અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા રહેવા સાથે વતનભૂમિ અથવા સલામત મૂળિયાં વિના પણ યહૂદી લોકોએ તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ જાળવી રાખી હતી. તેમની દૃઢતા અને ધીરજે 20મી સદીમાં ઈઝરાયેલની ભૂમિમાં પરત ફરવાનો પાયો નાખ્યો હતો અને 1948માં ઈઝરાયેલ રાષ્ટ્રની સ્થાપનાનું ફળ મળ્યું હતું. આજે ઈઝરાયેલની 74 ટકા વસ્તી જ્યુઈશ છે અને દેશનું અભૂતપૂર્વ રૂપાંતર થયું છે. ડ્રિપ ઈરિગેશન (ટપક સિંચાઈ), ડિસેલિનેશન અને અત્યાધુનિક ખેતપદ્ધતિઓ જેવી નવતર ટેક્નિક્સ થકી ઈઝરાયેલે તેની એક સમયની ખડકાળ અને બંજર ભૂમિને ફળદ્રૂપ ફાર્મલેન્ડમાં ફેરવી નાખી છે તેમજ જળ સંચાલન અને કૃષિ ટેકનોલોજીમાં ગ્લોબલ લીડર તરીકે સ્થાન હાંસલ કર્યું છે. એગ્રીકલ્ચર ઉપરાંત, ઈઝરાયેલ હવે ફૂલતીફાલતી IT ઈન્ડસ્ટ્રી, વિશ્વપ્રસિદ્ધ ડિફેન્સ સેક્ટર અને 55,000 ડોલરથી વધુ માથાદીઠ આવક સાથે ઉચ્ચ વિકસિત રાષ્ટ્રની નામના ધરાવે છે.
અમદાવાદના સેમિનાર દરમિયાન, જળસંચાલનના ઈઝરાયેલના નવતર અભિગમોથી જ નહિ, જ્યુઈશ લોકો અને જ્યુઈશ ડાયસ્પોરાના ઈતિહાસ વિશે જાણીને હું ભારે પ્રભાવિત થયો હતો. મને એ પણ જાણવા મળ્યું કે 17મી અને 18મી સદીઓના ગાળામાં જ્યુઈશ વિદ્વાનો અને ચિંતકોએ જ્યુઈશ વતનના વિચારને આકાર આપવાની શરૂઆત કરી હતી જે પાછળથી ઝાયોનિઝમ તરીકે બહાર આવ્યો હતો.
હું લિંકન્સ ઈન ખાતે વિદ્યાર્થી તરીકે લંડન આવ્યો ત્યારથી મને જ્યુઈશ કોમ્યુનિટી વિશે વધુ જાણવા મળ્યું હતું. જૂન 1967માં ઈઝરાયેલ અને તેના પડોશી દેશો વચ્ચે છ દિવસીય યુદ્ધ દરમિયાન, બ્રિટિશ પ્રેસમાં ઘણું કવરેજ આવતું હતું જેના થકી, જ્યુઈશ લોકો અને તેમના ઈતિહાસમાં મારો રસ વધ્યો હતો. મને તે સમયે યહૂદી વિદ્યાર્થીને મળવા-જાણવાની તક પણ મળી હતી અને અમારી વાતચીતના પરિણામે, મને જ્યુઈશ કોમ્યુનિટી સમક્ષના રાજકીય અને સામાજિક સ્તરે અનોખા પડકારો વિશે સમજ પ્રાપ્ત થઈ હતી. ઐતિહાસિક રીતે, યહૂદીઓ અબ્રાહમિક ધર્મપરંપરાનો હિસ્સો હતા, જિસસ ક્રાઈસ્ટનો જન્મ યહૂદી પરિવારમાં થયો હતો અને મોહમ્મદ પયગમ્બર પણ આ જ અબ્રાહમિક વંશમાંથી ઉતરી આવ્યા હોવાનું મનાય છે.
યહૂદી લોકોની સંખ્યા ઓછી હોવાં છતાં, તેમણે જે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે તે મને સૌથી વધુ પ્રભાવિત કરી ગયેલ છે. નોબેલ પારિતોષિક વિજેતાઓમાં યહૂદીઓની સંખ્યા નોંધપાત્ર છે અને સાયન્સ, સાહિત્ય અને શાંતિ સહિતના ક્ષેત્રોમાં તેમનું યોગદાન વ્યાપક રહ્યું છે. ભારતમાં 1971ની બાંગલાદેશ મુક્તિયુદ્ધના ચાવીરૂપ નેતા લેફ્ટનન્ટ જનરલ જે.એફ. આર. જેકોબ જેવી વિભૂતિઓ તેમજ શૈક્ષણિક અને સિનેમા ક્ષેત્રોમાં જ્યુઈશ યોગદાન ઉડીને આંખે વળગે તેવું છે.
જ્યુઈશ ડાયસ્પોરા અને IJA (હવે BIJA)ની સ્થાપના
ભારતીય અને ગુજરાતી સમુદાયો જેવા અન્ય ડાયસ્પોરાની માફક જ જ્યુઈશ ડાયસ્પોરાએ પણ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરેલી છે. સાયન્સ, બિઝનેસ, પોલિટિક્સ, આર્ટ્સ અને માનવતાવાદી કાર્યોમાં તેમની સિદ્ધિઓ તેમના લચીલાપન અને વૈશ્વિક કોમ્યુનિટીને તેમના યોગદાનના પુરાવારુપ છે. તેમની સફળતા મને અન્ય વધુ એક નાની પરંતુ, નોંધપાત્રપણે શિષ્ટ અને ગુણવાન કોમ્યુનિટીના આપણા ઝોરોસ્ટ્રીન મિત્રોની યાદ અપાવે છે.
વર્ષ 1982માં મને વર્ષો સુધી ન્યૂ લાઈફ માટે કોલમિસ્ટ રહેલા અને લેસ્ટરના સાંસદ ગ્રેવિલે જેનર થકી કેટલાક જ્યુઈશ મિત્રોને મળવાની તક સાંપડી હતી. પ્રાણલાલ શેઠ, અનિલ પોટા, અર્જુનલાલ શર્મા તથા અન્ય વ્યક્તિઓ સાથે મળી અમે ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે ખાસ કરીને, તેમની જીવનપદ્ધતિ, સંસ્કૃતિ અને પરંપરાઓ સહિતની બાબતોમાં ઘણી સમાનતાઓ હોવાં વિશે ચર્ચા કરતા હતા. આના પરિણામે, બંને કોમ્યુનિટીઓ વચ્ચે ગાઢ સંબંધ વિકસાવી શકાય તે હેતુસર સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપવાનો વિચાર સ્ફૂર્યો હતો. ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે મિત્રતા સાધવાના હેતુસર જ્યુઈશ નેતાઓના સપોર્ટ સાથે 1996માં ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશન (IJA)ની સ્થાપના કરવામાં આવી હતી. માઈક વ્હાઈન MBE અને જ્હોન લેવી ઘણા વર્ષો સુધી તેની સાથે સંકળાયેલા રહ્યા અને તે પછી ઝાકી કૂપર અને ડો. પીટર એસ ચઢ્ઢાએ સહાધ્યક્ષો તરીકે કામગીરી સંભાળી હતી. અનિલ રાજાણી અને અન્યો પણ BIJAના ઉદ્દેશ સાથે સમર્પિત છે અને તેના મિશનને આગળ ધપાવવા અથાક મહેનત કરી રહ્યા છે.
મને પણ IJAની સ્થાપનામાં નાનોસરખો ફાળો આપવાની તક મળી હતી. રસપ્રદ બાબત એ છે કે છેક 1947થી ભારતીય જર્નાલિસ્ટ્સનું પ્રતિનિધિત્વ કરતી અન્ય અલગ સંસ્થા ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન દ્વારા IJAનામનો ઉપયોગ થતો રહ્યો છે. આથી, સંસ્થાનું નામ બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશન (BIJA) રાખવામાં આવ્યું તેમજ સામાજિક, સાંસ્કૃતિક અને બંને કોમ્યુનિટીઓને એકબીજા પાસેથી શીખવા મળે અને પ્રગતિના પંથે આગળ વધવામાં મદદ મળે તેવા સહકારના અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઈનિશિયેટિવ ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે સહભાગી પડકારો અને મૂલ્યોના સ્વીકાર અને સંબંધોને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.
એક બાબતને ધ્યાનમાં રાખવી આવશ્યક છે કે જ્યુઈશ કોમ્યુનિટીએ હોલોકાસ્ટ-જાતિસંહાર અને ડાયસ્પોરા હોવાના વર્તમાન અનુભવ સહિત અનોખા પડકારોનો સામનો કર્યો છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં 1960 અને 1970ના દાયકાઓ દરમિયાન ડઝન્સ જ્યુઈશ સાંસદો હતા અને 1980ના દાયકા સુધીમાં એવો પણ સમય આવ્યો જ્યારે અલગ અલગ રાજકીય પક્ષોમાં થઈને ત્રણથી ચાર કેબિનેટ મિનિસ્ટર્સ પણ રહ્યા છે. આ બાબત કોમ્યુનિટીની કુશળતા કે હોંશિયારી તેમજ બ્રિટિશ સમાજને તેના યોગદાનનું પ્રતિબિંબ છે. આજે પણ લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જિતેશ ગઢીઆ, રીના રેન્જર OBE, અમીત જોગીઆ MBE, અમ્રિત એસ. માન, અનિલ રાજાણી, ડો. પીટર ચઢ્ઢા, અલ્પેશ પટેલ, કપિલ દૂદકીઆ અને અન્ય બ્રિટિશ ભારતીયો પણ ભારતીય અને જ્યુઈશ સિદ્ધિઓની વિરાસત અભૂતપૂર્વ, મજબૂત બની રહે તેની ચોકસાઈ સાથે તેમની સંબંધિત કોમ્યુનિટીઓ માટે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. BIJAની સ્થાપના પણ કોમ્યુનિટીઓ કેવી રીતે અરસપરસ સપોર્ટ કરવા આગળ આવે અને એકબીજા પાસેથી શીખી શકે તેનું લાક્ષણિક ઉદાહરણ છે. તે વિષમ સંજોગો અને પરિસ્થિતિઓમાંથી પાર ઉતરવાના અને અર્થસભર વિરાસતો રચવાના વિલક્ષણ ઈતિહાસોમાં સહભાગી બની રહેલી ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે પ્રગાઢ અને ટકાઉ સંબંધોને હાઈલાઈટ કરે છે.