વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવમાત્ર પાંચમાં પૂછાવાની પળોજણમાં ઓછાવત્તા અંશે સતત પરોવાયેલો હોય છે. સંપત્તિ, સત્તા, સુકિર્તિની ઝંખના જાણે જન્મ સાથે જ જોડાયેલા રહે છે. સ્વભાવના બીજા બે લક્ષણો પણ આમાં ઉમેરી શકાય - સંતતિ અને વિષય વાસના. આ વિષય વાસના શબ્દ કેટલાકને ગુજરાત સમાચાર જેવા પારિવારિક અને સમાજપરસ્ત સમાચારપત્રમાં કદાચ ન જચે, પણ અંતે ઓ’લા કીમિયાગર, સર્જનહારે આ બધા જ પરિબળોને શરૂઆતથી જ જીવમાત્રમાં આરોપ્યા છે. અરે, મનુષ્ય શું, વનસ્પતિ, ફળફુલ પણ વધુ આકર્ષક બનવા માટે કેવા રૂપરંગ ધારણ કરે છે કે સુગંધ કેળવે છે.
હમણાં એક નેચર સાયન્સ મેગેઝિનમાં સુંદર લેખ વાંચ્યો. મોટા ભાગના દરેક ફુલમાં એકદમ અંદરના ભાગે - વધતાઓછા અંશે - રસ ઝરતો હોય છે. પછી તે ગુલાબ હોય, મોગરો હોય કે ધતુરાનું ફુલ. કોઇ પક્ષી કે ભ્રમર ફુલોની પાંખડીઓ વચ્ચે સંકોરાયેલા આ રસને ચૂસે તે આવશ્યક હોય છે. પણ આ માટે કુદરતે વ્યવસ્થા કેવી કરી છે? સાડા છ સેન્ટીમીટરનું કદ ધરાવતા એક પક્ષીને સાડા સાત સેન્ટીમીટરની જીભ આપી છે. મિત્રો, કદાચ કોઇને આ વાંચીને વિચાર પણ આવશે કે પક્ષીનું કદ અને જીભની લંબાઇ લખવામાં ઉલટસૂલટ થઇ ગઇ હોય તેવું લાગે છે, તો જરા સ્પષ્ટતા કરી દઉં કે આંકડા એકદમ યોગ્ય જગ્યાએ જ લખાયા છે. તમે કુદરતની કમાલ તો જૂઓ. ટચુકડું પક્ષી ફૂલોમાંથી રસ ચૂસી શકે તે માટે તેને શરીર કરતાં પણ લાંબી જીભ આપી છે. કુદરતે જીભને રોલ કરીને તેના મુખમાં ગોઠવી દીધી છે! પક્ષી જીભનો લપકારો મારે અને ફૂલમાંથી રસ ચૂસી લે. આ પણ એક પ્રકારે વાસના (પુંકેસર - સ્ત્રીકેસર!) જ છે ને... કુદરતે સવિશેષ કારણસર, પ્રજનન પ્રવૃત્તિના પાયાની જરૂરત તરીકે, આ લક્ષણો, વૃત્તિઓનું સર્જન કરેલું છે. પણ આપણે જરા પાછા ફરીએ...
સંતોષ માટેના સરનામા આપણે સહુ શોધતા ફરીએ છીએ. સંપૂર્ણ સંતોષનું સરનામું દુર્લભ છે, પણ મારા પોતીકા અનુભવોમાંથી કેટલાક સુપાત્રોની વાત કરવાનું આજે મને મન થયું છે.
૧૩ વર્ષની ઉંમરે ભાદરણની ટી. બી. હાઇસ્કૂલના ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારની વાત છે. દરવાજી ભાગોળ પાસે નિવાસસ્થાન. ભણવાનું પૂરું થાય એટલે એકાદ-બે મિત્રો ખુલ્લાં ખેતરો કે કેડીઓ ખૂંદવા નીકળી પડીએ. રેલવે સ્ટેશન તરફ જઇએ. શાંતિ આશ્રમ તરફ ફંટાઇએ. રાજા તલાવડી પાસે થોડોક પોરો ખાવા બેસીએ. આસપાસમાં નજર દોડાવીએ. ક્યાંક શંખાવટીના કે ડોડીના ફૂલ કે બોર મળી જાય તો ક્યારેક નસીબ મીઠોમધૂરો સાથ આપે તો આંબા પાસે કાચી, છતાં ખટમીઠી કેરી પણ મળી જાય. (ખમીસમાં મીઠા-મરચાંની પડીકી તો હોય જ) બેઠક જમાવીએ અને મિજબાની માણીએ.
આપણા વતનમાં મોસમનો મિજાજ થોડો કંઇ બ્રિટન જેવો હોય છે?! ત્યાં તો દિવસો સારા જ હોય છે ને! આમાં પણ જો શનિ-રવિની રજાનો મેળ પડી જાય એટલે જાણે સોનામાં સુગંધ ભળે. નવરાશ જ નવરાશ હોય. ત્યારે રેડિયો પણ નહોતો, ટીવી પણ નહોતું અને મોબાઈલ કે સોશ્યલ મીડિયા નામની બલાની તો કોઇને કલ્પના પણ નહોતી.
રાજા તલાવડીથી થોડાક આગળ જઇએ એટલે આવે બદરખાનો વડ. બોરસદ અને ભાદરણ વિસ્તારનું કદાચ આ સૌથી મોટું વટવૃક્ષ હશે. કબીરવડની જેમ આ વડલાની વડવાઇઓ પણ ચોમેર ફેલાયેલી જોવા મળે. વડલાનું મૂળ થડીયું શોધવામાં પણ તમે ફાંફે ચઢી જાવ. જમીનમાં ચારેબાજુ ફરી ફેલાયેલી વડવાઇઓ વચ્ચે જઇ બેસો તો આજના એરકંડીશનને પણ તમે ભૂલી જાવ તેવી તાજગીનો અનુભવ થાય. એકદમ ઠંડા ઠંડા કુલ કુલ... વડલો હોય એટલે ટેટા તો ચારેબાજુ પથરાયેલા હોય જ. મસ્તમજાના ટેટા શોધવાના... અને ખાવાના. (બાય ધ વે ઈંગ્લેન્ડમાં આકરો ઉનાળો વરતાય છે. જરા સાવચેત રહેવું સાથે પાણીની બોટલ રાખવી)
આ વડલા નજીક જ ગોઠવાયેલી નાની શી પરબ અમારી જ નહીં, સહુ કોઇ વટેમાર્ગુની તરસ છીપાવે. ગંગાબા નામના એક વૃદ્ધાં બેઠાં હોય. છીંકણી રંગના શેલામાં સજ્જ બા દરેકને પ્રેમથી માટીની કુલડી ભરી ભરીને પાણી પીવડાવે. ગંગાબાની પરબમાં તમને કાયમ ત્રણ-ચાર માટલાં હારબંધ પડેલા જોવા મળે. પાણી ઠંડુ થતું જાય તેમ વારાફરતી માટલા ખાલી થતાં જાય અને વળી પાછા ભરાતા જાય. દરેક માટલા પર તમને પાણીની બારીક પરત જોવા મળે. ક્યારેક અમને હળવેકથી કહે પણ ખરાંઃ માટલું ઝરે નહીં તો પાણી ઠંડુ ન થાય. આ ગંગાબા ફિઝિક્સ-કેમિસ્ટ્રીના અમારા પહેલા શિક્ષક! ગંગાબા કોઠે શેરડો પડે તેવું ઠં...ડુ પાણી પીવડાવે પણ કાણો પૈસોય ન લે.
એક બપોરે અમે - વિનોદભાઇ, પન્નાલાલ સહિત ૩-૪ મિત્રોએ પરબ પર અડીંગો જમાવ્યો હતો. ત્યાં એક માસ્તર સાહેબ આવ્યા. પાણી પીધું. અને પછી ગંગાબાને પૂછ્યુંઃ માડી, તમે રોજ આ સેવા કરવા બેસો છો તે કારણ શું? સાહેબનો સવાલ તો ખરેખર લાખ રૂપિયાનો હતો. ગંગાબાનું ઘર અડધો માઇલ છેટે અને કૂવો પા માઇલ દૂર. ઘરેથી બેડું લઇને આવે, કૂવામાંથી પાણી સારી લાવે ને રોજ માટલાં ભરે. દરરોજ સવારે નિયત સમયે આવી જવાનું, અને સાંજ સુધી બેઠાં બેઠાં સહુને પાણી પીવડાવવાનું. ગંગાબા જેવા વડીલ માતા માટે આ કામ કેટલું કઠિન હશે તે આજે સમજાય છે.
ખેર, ગંગાબાએ તળપદી ભાષામાં આપેલો જવાબનો સાર અહીં સાદા શબ્દોમાં રજૂ કરું છુંઃ આટલામાં જ રહું છું તે આવી જાઉં છું... મને થયું કે ઉભા મારગે ચાલ્યા જતા માણસને તરસ લાગે તો શું? નજીકમાં ક્યાંય પિયાવો તો છે નહીં... એટલે અહીં બેસું છું ને પાણી પીવડાવું છું. સાચું કઉંને તો ભઇ, બહુ સંતોષ મળે છે...
વાચક મિત્રો, આ છે સંતોષની સર્વોત્તમ વ્યાખ્યા. સેવા પરમો ધર્મ. આ ગંગાબા મારા પહેલા ગુરુ. હું આશા રાખું છું કે આવા ગુરુઓનું યથોચિત્ત તર્પણ કરવામાં મેં કચાશ નહીં રાખી હોય.
ચાલો ભાદરણથી કરનાળી જઇએ... કરનાળીના પુસ્તકાલયમાં પંડ્યાજી નામે લાયબ્રેરિયન હતા. કરનાળી પ્રાથમિક શાળાની બરાબર સામે આજે પણ એક સરસ મજાનું (ખાલી - સહેજ ખખડધજ) મકાન ઊભું છે. બસ એ જ પુસ્તકાલય. પેટલાદના કોઇ વણિક દાતાના સહયોગથી આ પુસ્તકાલય સાકાર થયું હોવાનું દિવાલ પર લાગેલી તક્તી પરથી જાણવા મળે છે. આમ તો, અગાઉ આ જ કોલમમાં પંડ્યાસાહેબ વિશે ઉલ્લેખ કરી ચૂક્યો છું, પરંતુ આજે સંદર્ભ પણ બીજો છે, અને વાત પણ અલગ.
પતિ-પત્ની પુસ્તકાલય સાથે જ જોડાયેલી બે નાની ઓરડીમાં વસે. એક ઓરડી એટલે લિવિંગ રૂમ-કમ-કિચન અને બીજી નાનકડી ઓરડી તેમનો બેડરૂમ. આમ ગ્રંથપાલ, પણ પંડ્યાજી દર રવિવારે સવારે સંસ્કૃતના ક્લાસ લે. જેમને રસ હોય તે પહોંચી જાય. જઇને પલાંઠી મારીને બેસી જવાનું. છોકરાંઓની સંખ્યામાં ભલે વધઘટ થાય, પણ કોણે ક્યારથી શરૂ કર્યું છે, કોણ ક્યા પાઠ સુધી પહોંચ્યું છે ને કોણ ક્યાં અટવાય છે એ બધું જ તેમને ખબર હોય. હું, ભાનુ(બેન), અમરિશ સહિતના આઠ-નવ વર્ષનાં ૫-૭ ટેણિયામેણિયાં દર રવિવારે સંસ્કૃત શીખવા અચૂક જઇએ. (હાલી નીકળ્યા હતા મોટા પંડિત થવા...) એવું નહીં કહેતાં હોં બાપલ્યા... શિવ સ્તુતિમાં આવતા મહિમ્ન પારંતીના પ્રારંભિક શ્લોકોનું પઠન અમે પંડ્યાજી પાસે જ શીખ્યા હતા. પંડ્યાજીનું આખું નામ નર્મદાશંકર પંડ્યા. લોકમાતા નર્મદા જેવું જ નિર્મળ વ્યક્તિ.
અમે બધા ઘરે જઇને સંસ્કૃતમાં શું નવું શીખી આવ્યા તેની વાતો કરીએ. કંઇક નવું શીખ્યાનો આનંદ દરેક બાળક માટે આહલાદક હોય છે, અમે પણ આમાંથી બાકાત નહોતા. ક્યારેક ભાંગીતૂટી સંસ્કૃતમાં ફેંકંફેંકી (વાતચીત) પણ કરી લેતા. આમાં ક્યાં કંઇ પંડિતાઇની જરૂરત હતી?! વાક્યમાં એવમ્ ને જાવમ્ ને આવમ્ કે એવું કંઇ જોડી દેવાનું... શબ્દના છેવાડે ‘મ્’ જોડી દો એટલે થઇ ગયું સંસ્કૃત... ખરુંને!
પંડ્યાજી પાસે શું શીખી આવ્યો તેની બધી વાતો કમળાબાને કરું. તેઓ જાણીને રાજીપો વ્યક્ત કરે. આમાં ગુરુપૂર્ણિમાનો દિવસ આવ્યો. તે દિવસોમાં અમારી સ્થિતિ એકંદરે સારી હતી. એક વાપરેલા કવરમાં કમળાબાએ પાંચ રૂપિયાની નોટ મૂકીને કવરનું પડીકું વાળ્યું. મને કહે, ‘બચુ, આ લે... ભણવાનું પૂરું થાય એટલે માસ્તરજી જે આસન પર બેસે છે તેની નીચે ધીમેથી સરકાવી દેજે. જોજે ભૂલતો નહીં...’ અમે ગ્રંથાલયે પહોંચ્યા. નિયમાનુસાર પંડ્યાજીએ સંસ્કૃતના પાઠ લીધા. વર્ગ પૂરો થયે બધા ઉભા થયા ને નિયમાનુસાર બધા એક પછી એક પંડ્યાજી પાસે માથું ઝૂકાવવા લાગ્યા. હું પંડ્યાજીને પગે લાગ્યો ને હળવેકથી આસન નીચે કવર સરકાવી દીધું. પંડ્યાજીની આંખે થોડીક તકલીફ એટલે સીધું તો તેમને કંઇ દેખાયું નહીં, પણ મેં કંઇ મૂક્યાનું તેમની નજરે ચઢ્યું. હું કવર મૂકીને જેવો દોડતો દરવાજે પહોંચ્યો કે તેમણે બૂમ પાડી, ‘એ...ય ચંદ્રકાંત આ શું છે?’ હાથમાં કવર હતું.
‘બાએ આપ્યું છે તમારા માટે...આજ ગુરુપૂર્ણિમા છે ને એટલે...’ ચડ્ડીધારી ચંદ્રકાંત માટે તો બીજું બોલવા જેવું ક્યાં કંઇ હતું જ? પરંતુ આછેરી દાઢી ધરાવતા અને દેખાવે ઋષિ જેવા પંડ્યાજીએ થોડામાં ઘણું કહી દીધું. ‘આ...લે, સાચવીને પાછું લઇ જા ને બાને પાછું આપી દેજે. હું મારું જ્ઞાન વેંચતો નથી. બાને કહેજે કે હું દક્ષિણા સ્વીકારતો નથી. આ તો સમય છે એટલે (સંસ્કૃત શીખવવાની) સેવા કરું છું, મને તમારા માટે કંઇક કર્યાનો સંતોષ મળે છે.
આ સંતોષની બીજી વ્યાખ્યા...
૧૯૭૩માં ચિઝિકના ઇડનસોર રોડ પર અમારી પાસે મોટો સ્ટોર હતો. ત્રણ શોપ ભેગી કરીને બનાવેલો આ સ્ટોર કસ્ટમરની અવરજવરથી બહુ ધમધમતો હતો. અમારા સ્ટોર પાસેના રોડ પર સ્વીપર તરીકે બાબુ મિયાં પટેલ કામ કરે. ગૌરવર્ણના બાબુભાઇ ભરૂચ જિલ્લાના વતની. તેઓ ઇડનસોર રોડ વિસ્તારની સફાઇ એવી સરસ કરે કે વાત ન પૂછો... તે વેળા રંગદ્વેષના ભારે વરવા સ્વરૂપ જોવા મળતા હતા. પાસે જ આવેલા કાઉન્સિલ એસ્ટેટના ૪૦૦ ઘરની સામે જ જૂનિયર સ્કૂલ. સ્કૂલ હોય એટલે છોકરાંવ તો હોય જ, અને છોકરાંવ હોય એટલે ધીંગામસ્તી પણ હોય. પરંતુ છોકરાંવની ટોળકીમાંથી કેટલાક ખરેખર તોફાની બારકસ હતા. અમને તો તે વેળા બાબુભાઇનું નામ પણ ખબર નહીં, પરંતુ છોકરાંવ તેમને બહુ પજવે.
એક વખત હજુ તો બાબુભાઇએ રોડ વાળ્યો જ હતો ત્યાં છોકરાંવ આવ્યાને કચરો નાખીને ટીખળ કર્યું. બાબુભાઇએ તો આંખ આડા કાન કર્યા, પણ મેં આ જોયું ને મોટેથી બૂમ પાડીઃ આટલો સરસ રસ્તો સાફ કર્યો છે ને તમે બગાડો છો? આપણા વિસ્તારના આ બેસ્ટ સ્વીપર છે ને તમે તેને હેરાન કરો છો..? છોકરાંઓ તો જાય નાઠાં. તે દિવસથી બાબુભાઇને શાંતિ તો થઇ જ ગઇ, પરંતુ પોતાના છોકરાંવના કરતૂતોની તેમના મા-બાપને પણ ખબર પડી હશે ને તેમણે છોકરાંવને સમજાવ્યા હશે કે ગમેતેમ પણ તેઓ બાબુભાઇને માનભેર બોલાવતા થઇ ગયા. કારણ?
બાબુભાઇ નોકરી નહોતા કરતા. માત્ર સફાઇ કામદાર નહોતા. તેઓ પોતાના કામને, ફરજને એક અવસર તરીકે મૂલવતા હતા. આ પછી તો અમારો પરિચય વધ્યો. એક વખત તેમણે કહ્યું હતું, ‘કામ તો કરવાનું જ છે, પરંતુ સારું કામ કરીએ તો આત્મસંતોષ મળે. કાઉન્સિલ પગાર આપે છે, રહેવા માટે ઘર આપે છે, તો પછી આપણે કામ પણ સંતોષજનક રીતે જ કરવું જોઇએને?
વાચક મિત્રો, ચાલો આગળ વધીએ...
૧૯૯૪ની વાત છે. હરેકૃષ્ણ ટેમ્પલ બચાવો આંદોલન જોરશોરથી ચાલતું હતું. ભારત બહાર કોઇ પણ શહેર કે નગરમાં વિરોધ સરઘસમાં સૌથી મોટી સંખ્યામાં - હિન્દુઓ - (સંપ્રદાય કે નાતજાતના ભેદભાવ વગર) એકત્ર થયા હતા. તેમની માગણી એક જ હતીઃ વોટફર્ડ નજીક આવેલું હરેકૃષ્ણ મંદિર ખુલ્લું રહેવું જોઇએ. ૧૪ માર્ચ, ૧૯૯૪ના રોજ સેન્ટ્રલ લંડનના ધોરી માર્ગો પર ૩૫ હજારથી વધુની વિક્રમજનક સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં, જે મંદિરને બંધ કરી દેવા માટે લંડન હાઇ કોર્ટ, અપીલ કોર્ટ, હાઉસ ઓફ લોર્ડસ અને ત્યાર બાદ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સે ફરમાવેલા આદેશ સામેની અપીલ પણ ફગાવી દીધી હતી તે મંદિર અત્યારે પણ ખૂલ્લું છે. આપની પાસે ગુજરાત સમાચાર કે ન્યૂ લાઇફ (અત્યારના એશિયન વોઇસનું પૂરોગામી)ના જૂના અંકો હોય તો જોઇ લેજો. અબાલવૃદ્ધો વ્હીલચેરમાં, સ્ટ્રેચરમાં, લાકડીના ટેકે ચાલતાં ચાલતાં હોલ્બોર્નથી પાર્લામેન્ટ સુધી બે માઇલ ચાલ્યા હતા. એક તબક્કે એકસાથે હજારો ભાઇબહેનોએ પાર્લામેન્ટ સામેના મેદાન પર સૂઇ જઇને વાહનવ્યવહાર થંભાવી દીધો હતો. આ હકીકત છે.
આ આંદોલન, ચળવળ વિશે તો કેટલાય લોકો જાણતા હશે, પણ તે વેળા મને જે ત્રણેક સુપાત્રોને મળવાનો અવસર સાંપડ્યો હતો તે પાત્રો વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. આમાંના એક ભાઇ હતા સીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે ધીકતી કમાણી કરે તે સ્વાભાવિક છે, પરંતુ પરિવારના નિર્વાહ પૂરતા ૭૦૦૦ પાઉન્ડ રાખીને બાકીની તમામ આવક ઇસ્કોનમાં સમર્પિત કરી દે.
બીજા એક ભાઇ પણ વણિક જ્ઞાતિના હતા. જીવનસંગિની પટેલ. ફાર્મસીમાં વેપાર ધમધમતો હતો, પણ જરૂરત પૂરતી જ રકમ રાખીને બાકીની તમામ રકમ મંદિર સેવામાં સમર્પિત કરી દેતા હતા. નાણાં કમાવા એક વાત છે, અને તેનો સદ્ઉપયોગ કરવો તે બીજી, અઘરી વાત છે. આવા બધા ઊંચા ગજાના માનવીઓ, પરિવારોની તેમના સંતોષની વ્યાખ્યા કઇ? વધુ લખવાની જરૂર ખરી?!
ત્રણેક વર્ષ પૂર્વે હું વિમાનમાં ભારતપ્રવાસે જઇ રહ્યો હતો. એક લોહાણા દંપતી માદરે વતન - સૌરાષ્ટ્રમાં તેમના ગામ જઇ રહ્યું હતું. મુંબઇ એરપોર્ટ પર થોડાક કલાકનો હોલ્ટ હતો. એક જ ફ્લાઇટના સાથી પ્રવાસી એટલે બેઠા બેઠાં વાતોએ વળગ્યા. જાણવા મળ્યું કે ભાઇ એક વેળા ધીકતો વેપાર ધરાવતા હતા. તેમના પાર્ટનર તરીકે વણિક જ્ઞાતિના એક ભાઇ હતા. શાહ તેમની અટક. કુદરતનું કરવું તે શાહનું યુવા વયે અવસાન થયું. લોહાણા ભાઇના દિલમાં જગદીશ વસ્યા. પોતાના સંતાનો તો અન્ય વ્યવસાયમાં ઠરીઠામ થઇ ગયા હતા આથી તેમણે ધીકતો ધંધો સ્વર્ગસ્થ ભાગીદારના પુત્રના નામે કરી દીધો. દંપતીએ વતનમાં આર્થિક અનુદાન આપીને દવાખાનાનું નિર્માણ કરાવ્યું હતું. દર વર્ષે ત્રણેક મહિના દંપતી વતન જાય છે અને દવાખાના સહિતના સેવાકાર્યોમાં શક્ય તેટલા મદદરૂપ થાય છે......
વાચક મિત્રો, સ્થળસંકોચની મર્યાદાના કારણે મને અહીં જ અટકવા જણાવાયું છે. જીવનમાં સોના જેવો સંતોષ પામનારા લોકોની વાત તો આપણે કરી, અસંતોષની વાત આવતા સપ્તાહે. પરંતુ હા, વિદાય પૂર્વે એક નાની વાત.
છેલ્લા સપ્તાહમાં નાનામોટા અનેક બનાવો બની ગયા. રવિવારે સવારે હું વોક લેવા ગયો હતો ત્યારે મનમાં કંઇક અજંપો વર્તાતો હતો. મારા માટે તો લાખ દુઃખો કી એક દવા એટલે ગીત. મનમાં એક પછી એક ત્રણેક ગીતો રમતા-ફરતા થયા. જે આપની સમક્ષ પણ રજૂ કરી રહ્યો છું. સમય મળ્યે સાંભળી લેજો... તનમનમાં કોઇ પણ પ્રકારનો બોજો વર્તાતો હશે ને તો હળવાફૂલ થઇ જશો...
• ફિલ્મઃ મિસ ઇંડિયા (૧૯૫૭)
માલિકને હાથ કાહે કો દો દિયે,
તું કામ કરે પેટ ભરે જબ તક જીયે...
• ફિલ્મઃ દશેરા (૧૯૫૬)
દૂસરો કા દુઃખડા દૂર કરનેવાલે
તેરે દુઃખ દૂર કરેંગે રામ...
• ફિલ્મઃ દિલ અપના ઔર પ્રીત પરાઇ (૧૯૬૦)
અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ,
યે મંઝિલે હૈ કૌન સી, ના વો સમજ શકે ના હમ...
(ક્રમશઃ)