વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે મેં સંતોષ અને અસંતોષ મુદ્દે કેટલાક વિચારો વ્યક્ત કર્યા હતા. જેમ સંપૂર્ણ અહિંસા કે સંપૂર્ણ સિદ્ધિ કે પછી અન્ય કોઇ બાબત સંપૂર્ણપણે લગભગ અશક્ય છે, કંઇક તેવું જ સંતોષ કે અસંતોષ વિશે પણ કહી શકાય. સંપૂર્ણ અહિંસાનો વિચારમાત્ર અશક્ય અને અવાસ્તવિક છે. તમારા પરિવારજન ઉપર કોઇ હુમલો કરે તો તેવા સંજોગોમાં માત્ર શાંતિમંત્રના પાઠનું રટણ કરવું યોગ્ય ગણાય ખરું? મહાત્મા ગાંધીને સહુ કોઇ અહિંસાના પરમ સાધક તરીકે ઓળખે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર રાજ્ય ઉપર પાકિસ્તાન પ્રેરિત તાયફાવાળાઓએ હુમલો કર્યો ત્યારે આ જ અહિંસાના પૂજારીએ પ્રાર્થનાસભાને સંબોધતાં સશસ્ત્ર હુમલાઓ સામેના પ્રતિકારને સ્વીકાર્ય ગણ્યો હતો. બીજી બાબત પણ બહુ સ્પષ્ટ છે. આપ સહુ સંમત થશો જ કે સંપૂર્ણ સંતોષ કે વધારે પડતો સંતોષ વાજબી પણ નથી... અને આવકાર્ય પણ નથી.
‘આ તો ચાલશે... ચાલો, થઇ રહેશે... જેવી ભગવાનની મરજી... એ તો એમ જ ચાલે... કશો વાંધો નહીં...’ વગેરે વગેરે જેવા ઉદ્ગારો સંતોષ કરતાં પ્રમાદ વધુ દર્શાવતા હોય છે. આ પૃથ્વી પર આદિ માનવે તેની અવિરત યાત્રા શરૂ કરી ત્યારે સંતોષમાં જ રચ્યોપચ્યો હોત તો? આજનું વિજ્ઞાન ઉત્ક્રાંતિના નિયમને પૂરક છે અથવા તો જેમ અધ્યાત્મ અને વિજ્ઞાનનો અતૂટ સંબંધ છે એમ ઉત્ક્રાંતિ, વિજ્ઞાન અને માનવવિકાસ એક દિશામાં અને લગભગ સમાન રીતે જ પ્રયાણ કરતા હોય છે.
અસંતોષની ઓળખ ઘણી. સંતોષના સરનામા કરતાં પણ અસંતોષના લક્ષણો આપણને ચારેબાજુ હંમેશા જોવા મળે છે. જો માનવીને પોતાના ઘાટ, રૂપરંગ પ્રત્યે અસંતોષ ન હોત તો આ કોસ્મેટિક સર્જરી કે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝે અબજો રૂપિયાનું કાઠું કાઢ્યું હોત ખરું? એશિયન ટીવી ચેનલોમાં, સવિશેષ સિરિયલોમાં, આપણે દરેક પાત્રને કેવા બનીઠનીને અને અદભૂત કહી શકાય તેવા વેશપરિધાનમાં જોઇએ છીએ? આપણે જાણતા પણ હોઇએ છીએ કે આમાંનું મોટા ભાગનું કાલ્પનિક છે, અવાસ્તવિક છે, પરંતુ તેમ છતાં વિવિધ રીતે તે જોવાની મજા પણ આવે છે. કોઇ પણ ફિલ્મ જૂઓ ને... ગરીબ બતાવે, સિતમ બતાવે, પ્રેમ પણ બતાવે અને વિયોગ પણ બતાવે... દરેકેદરેકમાં અતિશ્યોક્તિ હોવા છતાં આપણે ત્રણેક કલાક કે જે તે પળ માટે તેમાં ગુલતાન બની જઇએ છીએને?! ગયા સપ્તાહે સંતોષની તો ઘણી વાતો કરી... ચાલો, આજે અસંતોષ પર જરા વધુ ધ્યાન આપીએ.
ભારતીય સનાતન સંસ્કૃતિમાં માનવજીવનના ૧૬ સંસ્કાર ગણાય છેઃ
(૧) ગર્ભાધાન સંસ્કાર (૨) પુંસવન સંસ્કાર (૩) સીમંતોન્ન્યન સંસ્કાર (૪) જાતકર્મ સંસ્કાર (૫) નામકરણ સંસ્કાર (૬) નિષ્ક્રમણ સંસ્કાર (૭) અન્નપ્રાશન સંસ્કાર (૮) વપન (ચૂડાકર્મ) સંસ્કાર (૯) કર્ણવેધ સંસ્કાર (૧૦) વેદારંભ સંસ્કાર (૧૧) ઉપનયન સંસ્કાર (૧૨) કેશાન્ત સંસ્કાર (૧૩) સમાવર્તન સંસ્કાર (૧૪) વિવાહ સંસ્કાર (૧૫) વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર અને (૧૬) અગ્નિ સંસ્કાર.
આ દરેક સંસ્કાર ઓછાવત્તા અંશે ઉજવવા કે માણવા માટે સહુ કોઇ પ્રવૃત્તિમય હોય છે. જે તે સંસ્કાર વધુ દૈદિપ્યમાન બને, વધુ દિવ્ય બને, જોનારા આશ્ચર્યથી મોંમાં આંગળી નાખી જાય તેવું બધું વિચારવાની વૃત્તિ એક રીતે અસંતોષ કે આશંકાની દ્યોતક હોવા છતાં તે સંતોષની સીમા આપોઆપ દૂર જ હડસેલે છેને?
બાળઉછેર, કેળવણી, શિક્ષણ, નોકરી-વ્યવસાય, નિવૃત્તિ, અરે... અંતિમ યાત્રા પણ વધુ સંતોષજનક બનાવવાની મહેચ્છા આપણે ઊંડે ઊંડે સેવીએ જ છીએને? કોઇ કહે કે સંતોષ એ સોને મઢેલો શેતાન છે તો એ કદાચ અંતિમવાદી વલણ ગણી શકાય. નામી-અનામી, શઠ-લોભી-ધુતારા કે પછી આતંકવાદી એક ભ્રામક સંતોષ પ્રતિ દોટ મૂકતા હોય છે, જે અંતે તો સહુ કોઇના માટે (અરે... પોતાના માટે પણ) સંતાપ અને પીડાદાયક આપનાર બની રહે છે.
આ વિષય ઉપર કેટલાક નામી-અનામી પાત્રો સહિત ભવિષ્યમાં વધુ વિગતવાર રજૂઆત કરવાની ઇચ્છા છે. આથી આ બાબતે આજે આપણે મુદત પાડીએ કેમ કે ‘જીવંત પંથ’ લેખમાળામાં સાંપ્રત જીવનના પ્રશ્નને પૂરતું પ્રાધાન્ય આપવાની આપણી ફરજ છે.
લંગડી લોકશાહી
બ્રિટનમાં સમરના અંતે અને પાનખરની શરૂઆતમાં વિવિધ રાજકીય પક્ષોના વાર્ષિક અધિવેશનની સિઝન આવતી હોય છે. ગયા સપ્તાહે UKIPનું અધિવેશન બોર્નમથ ખાતે મળી ગયું. નવા નેતા તરીકે એક મહિલાએ સુકાન સંભાળ્યું છે. તેમના મતે, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન એક પ્રેરણાદાયી પાત્ર છે. બ્રિટન સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ફરી એક વાર વિશ્વમાં ડંકો વગાડી શકે તે માટે યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી છૂટા પડવાની ઝૂંબેશના હાર્દમાં UKIPની નીતિ રહી હતી. ૨૩ જૂનના જનમતના પરિણામના પ્રતિસાદમાં પક્ષના ભૂતપૂર્વ નેતા નાઇજેલ ફરાજે ઘોષણા કરતા કહ્યું હતું કે ‘આજનો દિવસ આપણો સ્વાતંત્ર્ય દિન છે’. ચાલો, તુંડે તુંડે મર્તિભિન્ના...
આ સપ્તાહે લિબ-ડેમનું અધિવેશન યોજાઇ રહ્યું છે. અગાઉના લિબરલ પક્ષ અને ડેમોક્રેટિક પક્ષના સમન્વયથી આ પક્ષ બન્યો. વાચક મિત્રો, આ વિશે થોડીક પૂર્વભૂમિકા જાણવામાં આપ સહુને રસ પડશે. ૧૯મી સદીમાં બ્રિટનમાં લોકશાહી અવશ્ય હતી, પણ જરા અલગ પ્રકારની. તે વેળા મુખ્યત્વે લિબરલ અને વ્હીગ - એમ બે મુખ્ય પક્ષો વારાફરતી સરકાર બનાવતા હતા.
લેબર પક્ષની સ્થાપના તો ૧૯૦૦માં થઇ. તેના સ્થાપકોમાં એક ગરવા ગુજરાતી પણ હતા. તેમનું નામ શ્યામજી કૃષ્ણવર્મા. તેમણે પક્ષના ભંડોળમાં - તે વેળા - ૧૦૦૦ પાઉન્ડ આપ્યા હતા. આજના હિસાબે ગણો તો સ્હેજેય લાખ પાઉન્ડ થાય. આ વિશે કોઇ વાચક મિત્ર વધુ જાણવા ઇચ્છતા હોય તો તે ગુજરાત સમાચારના કટારલેખક અને રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાનો સંપર્ક સાધી શકે છે. તેમણે આ ગરવા ગુજરાતી વિશે ખૂબ સંશોધન કર્યું છે, અને તેમના જીવનકવન વિશે ઘણુંબધું લખ્યું છે. શ્યામજી કૃષ્ણવર્માએ દેશ માટે આપેલા યોગદાનની કદરના પ્રતીક રૂપે તેમના માદરે વતન કચ્છના માંડવીમાં (લંડન સ્થિત) ‘ઇંડિયા હાઉસ’ની રેપ્લિકાનું પણ નિર્માણ થયું છે. નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન સાકાર થયેલા આ પ્રોજેક્ટના પાયામાં શ્રી વિષ્ણુભાઇનો વિચાર રહેલો છે.
કદાચ કોઇ વાચક મિત્રને એવો વિચાર પણ આવશે કે શ્યામજી કૃષ્ણવર્મા પાસે આટલા બધા નાણાં આવ્યા કેવી રીતે? તો મિત્રો એ પણ જાણી લો કે, તેઓ મોટા ગજાના ધારાશાસ્ત્રી હતા, અર્થશાસ્ત્રી હતા, ભારત અને લંડનના શેરબજારમાં મૂડીરોકાણ કરવામાં તેમની ગજબની કૂનેહ હતી. જીવનસાથી ભાનુમતી સાથે બ્રિટન સ્થળાંતર કરતાં અગાઉ રાજસ્થાનના બિકાનેર ઉપરાંત અન્ય રાજ્યોના દિવાન તરીકે ફરજ બજાવતા હતા. શ્યામજી કૃષ્ણવર્મા ઇમિગ્રન્ટ તરીકે રોટલા ફાંસવા બ્રિટન નહોતા આવ્યા. ઇંડિયન નેશનલ કોંગ્રેસ ભારતમાં દર વર્ષે અધિવેશન યોજતી હતી. અને દર વખતે નામદાર મહારાણી વિક્ટોરિયા પ્રતિ વફાદારી વ્યક્ત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરતી હતી. આ ઠરાવમાં બહુ બહુ તો હોમ રુલ - આંશિક સ્વતંત્રતાની માગણી કરતી સૂફિયાણી વાતો હોય. બસ એટલું જ.
શ્યામજી કૃષ્ણવર્માને સ્પષ્ટ થયું કે હિન્દુસ્તાનની સંપૂર્ણ આઝાદી કાજે તો બ્રિટન જઇને જ જંગ આદરવો પડશે. ગુજરાતીઓ રાજકારણથી અલિપ્ત રહેતા હોય છે કે ગુજરાતી પ્રારંભે જ શૂરા હોય છે એવી તમામ માન્યતાઓનો તેમણે ધરમૂળથી છેદ ઉડાડ્યો. શ્યામજી કૃષ્ણવર્મા અને તેમના પત્ની ઉમદા અને મહાન હેતુ માટે બ્રિટન આવ્યા હતા. ૧૮૯૦ના અરસામાં તેમનું આ દેશમાં આગમન થયું. ઉત્તર લંડનના હાઇગેટમાં મકાન ખરીદીને તેને નામ આપ્યું ઇંડિયા હાઉસ. આજે આ મકાનની કિંમત અઢીથી ત્રણ મિલિયન પાઉન્ડ ગણી શકાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ આ ઐતિહાસિક ઇંડિયા હાઉસની મુલાકાત લીધી હતી. આ ઇમારતને સાચા અર્થમાં બ્રિટનનું પહેલું ઇંડિયા હાઉસ ગણી શકાય. વીર સાવરકરથી માંડીને સ્વાતંત્ર્ય જંગના કેટલાય શૂરવીરો અહીં મૂકામ કરી ચૂક્યા છે. મોહનદાસ કરમચંદ ગાંધી પણ ગયા હતા. વડા પ્રધાન મોદીએ આ સ્થળની મુલાકાત લીધી ત્યારે મને પણ અહીં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો હતો.
શ્યામજી કૃષ્ણવર્માનું લેબર પાર્ટીની સ્થાપનામાં પણ મહત્ત્વનું યોગદાન છે. સમગ્ર કાર્યવાહીમાં તેઓ ગળાડૂબ સક્રિય હતા. તેમણે બ્રિટનની ધરતી પરથી ‘ઇંડિયન ઓપિનિયન’ નામનું એક સમાચારપત્ર પણ શરૂ કર્યું હતું. શુદ્ધ અંગ્રેજીમાં - ક્વીન્સ અંગ્રેજીમાં - પ્રકાશિત થતા આ સામિયકમાં તેઓ ભલભલા સામ્રાજ્યવાદી બ્રિટિશરને પણ હચમચાવી નાખે તેવા લેખો લખતા હતા. ખેર, આ લેબર પક્ષ અત્યારે લગભગ મરણપથારીએ પડ્યો છે. એક વર્ષ પૂર્વે જેરેમી કોર્બિન આ પક્ષના નેતા પદે ચૂંટાયા હતા.
કોર્બિન એટલે મારા એક સમયના મિત્ર એમ મારે સ્વીકારવું જ રહ્યું. ૧૯૮૩થી ૮૬ના અરસામાં એન્ટી-નાઝી લીગ નામે રંગદ્વેષીઓ સામેનું આંદોલન ખૂબ વ્યાપક બન્યું હતું. તેમાં ગુજરાત સમાચાર અને ન્યૂ લાઇફ (આજનું એશિયન વોઇસ) ખભેખભા મિલાવીને કામ કરતા હતા. હેકની, હેરિંગે, ન્યુહામ, લેમ્બથ, સધર્ક, કેમડન, બ્રેન્ટ, હેરો, હન્સલો કે બાર્નેટ સહિતની કેટલીય કાઉન્સિલના સિવિક સેન્ટરોમાં અમે વિશેષાંકો લોન્ચ કર્યા હતા. વિદ્યા આનંદ, જેરેમી કોર્બિન, રેગ ફિશન, કેન લિવિંગસ્ટન જેવા દિગ્ગજ સાંસદોથી માંડીને લોકલ કાઉન્સિલરો સહિતના નેતાઓનો અમને સાથ સાંપડ્યો હતો. જેરેમી કોર્બિન તો કેટલીય વખત કર્મયોગ હાઉસની મુલાકાતે પણ આવી ચૂક્યા છે.
લેબર પક્ષના નેતાની ચૂંટણી વેળા હેરો લેઝર સેન્ટરમાં ચારેય ઉમેદવારોની એક સભા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસે સ્થાનિક સંસ્થાઓના સહયોગમાં યોજી હતી. કમનસીબે લોકશાહીમાં કેટલીક વખત ડેમોક્રસીના બદલે મોબોક્રસી થઇ જાય છે. લોકશાહીના બદલે ટોળાશાહી. આમેય સાધારણ માનવી - પછી તે સ્ત્રી હોય કે પુરુષ - રોજિંદા જીવનમાં પોતીકા જીવનના કે અંગત પરિચિતના જીવનના નાના-મોટા પ્રશ્નોમાં એવા પરોવાયેલા હોય છે કે તેઓ રાજકારણમાં બહુ ઓછા સક્રિય થઇ શકે છે. એમ માનવાને પણ કારણ છે કે કાર્યવિશેષ કે વધુ અંતિમવાદી વિચારધારા ધરાવતા લોકો જ રાજકારણમાં વધુ સામેલ થતા હશે કે સક્રિય બનતા હશે.
ખેર, પક્ષના નેતા બન્યા બાદ જેરેમી કોર્બિને, મારા મતે, લેબર પક્ષનો કચ્ચરઘાણ કાઢ્યો છે. તેમની લોકશાહીની વ્યાખ્યા દુર્ભાગ્યે જરા જુદી લાગે છે. કોઇ પણ રાજકીય પક્ષ કે કોઇ પણ નેતાગીરીને અંતિમવાદી વલણ થકી સત્તાના સૂત્રો હાથવગા થાય તો પણ તે સારું પરિણામ નથી જ આપતું. ઊલ્ટાનું આવું વલણ ખૂબ ગંભીર કે ચિંતાજનક હોય છે એ વાતના અઢળક પુરાવા ઇતિહાસમાં મળી રહે છે. અત્યારે તો શું, પણ આવતા ૨૦-૨૫ વર્ષમાં પણ લેબર પક્ષ અગાઉની જેમ બૃહદ સમાજનું સમર્થન નહીં મેળવી શકે તો સત્તાવિમુખ જ રહેશે એ નક્કી છે. એક બાબત દીવા જેવી સ્પષ્ટ છે કે રાજકીય પક્ષ હોય કે સામાજીક સંસ્થા, તમારી દૃષ્ટિ કે નીતિરીતિના પરિણામે સત્તા હાંસલ કરવી અને જવાબદારીપૂર્વક સત્તા અખત્યાર કરવી તે પાયાની બાબત છે.
વિરોધ કરવા ખાતર વિરોધ કરવાથી વળે શું? તેના અવશેષોમાં પણ વિરોધના નામે રાખ જ હોય ને? જ્યારે દેશમાં, સંસ્થામાં કે સમાજમાં મજબૂત વિરોધ પક્ષની ગેરહાજરી વર્તાતી હોય ત્યારે કહેવાતી લોકશાહી ખંડિત જ બની રહેતી હોય છે. તે સાચી લોકશાહી બની જ ન શકે. પ્રતિકાર વિના લોકશાહી માર્ગે પ્રયાણ શક્ય જ નથી. આવી લોકશાહી બોદી, પોલી કે શક્તિવિહિન બની રહે છે. આવો નબળો વિરોધ પક્ષ ધરાવતી લોકશાહી લંગડી જ કહેવાયને?! તે અર્થમાં જોઇએ તો, વડા પ્રધાન થેરેસા મે કે તેમનો સરકારી પક્ષ ભલે પોતાની રીતે સિદ્ધાંત પરસ્ત અને સેવાલક્ષી હોય તો પણ સામેથી પડકાર ન હોય તો સરકાર - કોઇ નબળી પળે - એકહથ્થુ અને સરમુખત્યાર પણ બની
શકે છે. લેબર પક્ષનું વાર્ષિક અધિવેશન આગામી સપ્તાહે યોજાઇ રહ્યું છે ત્યારે મને ભૂતકાળ યાદ આવી રહ્યો છે.
એક સમયે સંગત કોમ્યુનિટી સેન્ટરના શ્રી કાંતિભાઇ નાગડા સાથે હું ચારેય પક્ષના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપવાને ફરજ ગણતો હતો. તે વેળા અમે માતૃભાષા, ઇમિગ્રેશન, રંગદ્વેષ જેવા મુદ્દાઓ અંગે જોરશોરથી ઝૂંબેશ ચલાવતા હતા. આમાં નવનીત ધોળકિયા, પ્રાણલાલ શેઠ, પ્રો. ભીખુભાઇ પારેખ કે એવા કેટલાય દિગ્ગજ મિત્રોનો સહયોગ સાંપડતો હતો.
જોકે વાત આગળ વધારતા પૂર્વે લેબર પક્ષના ઇતિહાસ પર પણ ઉપરછલ્લી નજર ફેરવી લઇએ.
ઇસ્વી સન ૧૯૦૦માં સ્થાપના.
અન્ય પક્ષોના સહયોગ સાથે સરકારમાં સામેલગીરી ૧૯૩૦-૩૫ના ગાળામાં.
૧૯૪૫માં બીજા વિશ્વ યુદ્ધના અંતે યોજાયેલી ચૂંટણી વેળા યુદ્ધવિજેતા તરીકે લોકપ્રસિદ્ધિના શીખરે બિરાજતા કન્ઝર્વેટિવ પક્ષના ઉમેદવાદ વિન્સ્ટન ચર્ચિલને લેબર પાર્ટીના ઉમેદવારે હરાવ્યા. આ જ્વલંત વિજય મેળવનાર લેબર નેતા હતા ક્લેમેન્ટ એટલી.
૧૯૪૫ના આ ચૂંટણી ઢંઢેરાનું ડ્રાફ્ટીંગ કર્યું હતું લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રો. હેરોલ્ડ લાસ્કીએ. તેમણે આ ઐતિહાસિક ઢંઢેરામાં સ્પષ્ટ કર્યું હતું કે લેબર સત્તા પર આવશે તો સત્વરે હિન્દુસ્તાનને આઝાદી આપશે. બ્રિટિશ પ્રજાએ બહુ સમજીવિચારીને મતદાન કર્યું હતું. ક્લેમેન્ટ એટલીએ પણ તેમના શબ્દો મહદ્ અંશે પાળ્યા. તે જ સમયગાળામાં નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) તેમજ અન્ય સોશ્યલ વેલ્ફેર યોજનાઓ અમલી બની.
વાચક મિત્રો, લેબર પાર્ટીની સ્થાપનાની વાતો ચાલી રહી છે ત્યારે બીજી કેટલીક બાબતો પણ આપે જાણવા જેવી છે. ૧૯મી સદીમાં કામદારોનું ભારે શોષણ થતું હતું. મૂડીવાદી કંપનીઓનો વહીવટી તંત્ર પર ભારે પ્રભાવ હતો. આ કંપનીઓ દ્વારા શ્રમિકો પર એટલા જુલ્મ થતા હતા કે તેને અટકાવવાના ઉપાય તરીકે લેબર પક્ષની સ્થાપના થઇ હતી. લેબર એટલે શ્રમિકોનો પક્ષ. જોકે સમય સાથે લેબરની વિચારસરણી પણ બદલાઇ. જે પક્ષની સ્થાપનાના કેન્દ્રમાં કામદારોના કલ્યાણની વાત હતી, જેના પાયામાં કામદારો માટે સમાન નીતિનો, સ્વાભિમાનનો ઉદ્દેશ રહેલો હતો તેની વિચારસરણીમાં ૧૯૭૫ સુધીમાં આસમાન-જમીનનો ફરક આવી ગયો હતો.
બ્રિટનમાં આજે કેટલાક યુનિયનો ખૂબ જ શક્તિશાળી હોવાથી નામચીન છે. જેમ કે, લંડન ટ્રાન્સપોર્ટ યુનિયન. જોકે તે સમયે મજદૂર સંગઠનોની જ બોલબાલા હતી. તેમનું ધાર્યું જ થતું હતું. કોઇ પણ કામદાર સંગઠન માટે હડતાળ એક અગત્યનું સાધન હોય છે, પરંતુ દૂધી કાપવા માટે તો તલવારનો ઉપયોગ ન જ કરાયને?! કોઇ પણ વસ્તુનો અતિરેક કે અંતિમવાદી વલણ પ્રજાને ન જ ગમે. આવા અતિરેકના માઠાં પરિણામો અચૂકપણે ભોગવવા જ પડતા હોય છે. પ્રજા આવા વલણને હંમેશા જાકારો આપતી હોય છે. આવી જ નીતિરીતિના કારણે લેબર પક્ષની પ્રતિષ્ઠા પણ ૧૯૭૫થી ૮૦ના અરસામાં તળિયે જઇ બેઠી હતી. તત્કાલીન વડા પ્રધાન ‘આયર્ન લેડી’ માર્ગરેટ થેચરે માથાભારે થઇ ગયેલા મજૂર મહાજનોને નાથવા અર્થતંત્રને અંકુશમુક્ત બનાવ્યું. આજે તેના સારા પરિણામ જોવા મળી રહ્યા છે.
વાચક મિત્રો, વાતો તો ઘણી બધી કરવી છે, પણ જગ્યાનો અભાવ વર્તાય રહ્યો છે. નવરાત્રિ વિશેષ પુરવણી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જમ્મુ-કાશ્મીરના ઉરીમાં લશ્કરી છાવણી પર આતંકી હુમલો સહિતના વિશેષ અહેવાલોને સ્થાન આપવા માટે આ સપ્તાહે અહીં અટક્યા વગર આરો નથી. લેબર પક્ષની વાત આવતા સપ્તાહે ફરી વાત આગળ વધારશું... (ક્રમશઃ)