વડીલો સહિત સહુ વાચક મિત્રો, દેશના અને દુનિયાના રાજકારણમાં ત્રણ સપ્તાહ આંટાફેરા કર્યા બાદ ચાલોને આજે જરા અંતરમનમાં આંટો મારીએ. મારી વાત કરું તો નાનપણથી જ મને ભજન સાંભળવાનું બહુ જ ગમ્યું છે. ઘર-મહોલ્લામાં ભજન હોય કે ગામના મંદિરે ભજનમંડળીનો કાર્યક્રમ હોય, ભજન સાંભળવાનો અવસર હું ભાગ્યે જ ચૂકતો. માતા કમળાબા અને (પહેલાં સંસારી અને પછી સંન્યાસી) પિતા બાબુભાઇનો ધર્મ-અધ્યાત્મનો વારસો મળ્યો હોય કે બીજા કોઇ પરમ તત્ત્વની કૃપા હોય, ભજનનું મને બહુ જ આકર્ષણ રહ્યું છે.
આ તો મારી પસંદની - માન્યતાની વાત થઇ, પરંતુ એ પણ હકીકત છે કે આપણા ભજનો - ગીતો - કવિતાઓ... આ બધું શબ્દસર્જન આપણી સંસ્કૃતિને સર્જે છે ને શબ્દોમાં સાચવે છે. આ આપણો સંસ્કારવારસો છે, પરંપરા છે, અને ગુજરાતીની અસ્મિતા છે. આમ પણ ગદ્ય કરતાં પદ્ય વધુ સ-ચોટ હોય છે, અને તેથી જ તે વધુ અસરકારક હોય છે. સીધું જ મર્મસ્થાને સ્પર્શતું હોય છે. 2000 શબ્દોનો લેખ આપણા દિલોદિમાગ પર અસર કરે છે તેની સરખામણીએ 200 શબ્દોની કવિતા કે ગઝલ વધુ ચોટદાર અસર નિપજાવતી હોય છે તે આપણામાંથી મોટા ભાગનાએ એક યા બીજા પ્રસંગે અનુભવ્યું હશે. લેખક દિલોદિમાગથી વિચારીને તેમના શબ્દોને કાગળ પર ઉતારે છે જ્યારે કવિ કે શાયર અંતરસ્ફૂર્ણાના આધારે શબ્દોને કાગળ પર વાચા આપે છે. ગદ્યમાં શબ્દસંખ્યા વિપુલ, જ્યારે પદ્યમાં શબ્દો ઓછાને છંદ-લયના તાલમેળ સાથે લાગણી વધુ છલકતી હોય છે.
લ્યો ને જૂનાગઢના જિલ્લાના તાલાળાના છોરું એવા નરસૈયાના મુઠ્ઠીઊંચેરા સર્જનની જ વાત કરીએ. નરસિંહ મહેતાએ એક પદમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ...ની વાત કરી છે તો બીજામાં તેમણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ...નું વર્ણન કરતાં લખ્યું છે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, તેજમાં તત્ત્વ તું... ગણતરીના શબ્દોમાં તેમણે કેવું ઊંડું અને સનાતન સત્ય એવું તત્વજ્ઞાન રજૂ કર્યું છે. સૌરાષ્ટ્રમાં નરસિંહ મહેતા હતા તો દક્ષિણ ગુજરાતમાં નર્મદ હતા. નરબંકા નર્મદે તે જમાનામાં પત્રકારત્વ ક્ષેત્રે એમની રીતે ક્રાંતિકારી અભિગમ સાથે સર્જન કર્યું હતું, જેના પગલે તેમને અંગત જીવનમાં ઘણો ભોગ પણ આપવો પડ્યો હતો. લેખક તરીકે પોતાના વિચારો વ્યક્ત કરવાની વાત હોય કે પત્રકાર તરીકેની ફરજ બજાવવાની વાત હોય, તેમની કલમ ક્યારેય અટકી નહોતી. તેમણે સર્વસ્વ ગુમાવ્યું, ગામવટે થયા, પણ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરવાનું ક્યારેય ચૂક્યા નહોતા.
વાત વિચારોની અભિવ્યક્તિની ચાલે છે તો આપણા ભારતની પણ વાત કરી જ લઉં. આજકાલ દેશમાં એક મુદ્દો બહુ ચર્ચાસ્પદ બન્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરનાર વ્યક્તિને નિશાન બનાવીને તેના પર (શાબ્દિક) સીતમ ગુજારવામાં આવે છે. સોશ્યલ મીડિયાની ભાષામાં કહું તો તેને બહુ ટ્રોલ કરવામાં આવે છે. આ કેટલું સાચું અને કેટલું ખોટું તેની કોઇ પણ જાતની ચર્ચામાં પડ્યા વગર હું એક હકીકતનો ઉલ્લેખ કરવાનું યોગ્ય માગું છું.
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ દેશના બંધારણમાં પહેલો સુધારો - પ્રેસ (ઓબ્જેક્શનલ મેટર) 1951માં રજૂ કર્યો. પણ તેનું કારણ શું હતું? જાણીતા યુવા કવિ અને ગીતકાર મજરુહ સુલતાનપુરીએ તેમની એક રચનામાં નેહરુજીની ટીકા કરી હતી. નેહરુજીને આ વાત ચચરી ગઇ. તેમણે બંધારણમાં સુધારો કર્યો એટલું જ નહીં, કાયદામાં કરેલા સુધારા અનુસાર મજરુહસા’બને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યા હતા.
પણ આજની આપણી વાત અલગ છે, અને આપણી ચર્ચાનો મુદ્દો પણ અલગ છે એટલે નિયમ પ્રમાણે મૂળ વાત સાથે ફરી તંતુ સાધીએ. વાચક મિત્રો, આજકાલ કારમાં જેમ પેટ્રોલ અને ઇલેક્ટ્રિક એમ બન્ને પ્રકારે ચાલતું હાઇબ્રિડ મોડેલ આવે છે તેમ મેં પણ હેડિંગને હાઇબ્રિડ બનાવ્યું છે. આપ સહુએ હેડિંગ તો વાંચ્યું જ હશેઃ સંસારીનું સુખ સાચું રે, મોહન પ્યારા... અસલમાં આ ભજનની પંક્તિ કંઇક આવી છેઃ સંસારીનું સુખ કાચું રે, પરણીને રંડાવું પાછું... નાનપણમાં આ ભજન બહુ સાંભળ્યું, અને તેને ગાયું-ગણગણ્યું પણ ખરું.
વર્ષોના વહેવા સાથે દરેક માણસની સૂઝ-સમજણ ખીલતી હોય છે. મેં વિચાર્યું, ભલા માણસ, પરણવાની વાત સાથે રંડાપાની વાતને જોડવાની જરૂર જ ક્યાં છે?! પરણવા વિશે મનમાં જરા પણ અવઢવ હોય તો થોડોક સમય ખમી જાવ. પરણવું હોય તો પરણો ને ના પરણવું હોય તો ના પરણો. તમારું જીવન છે અને તમને યોગ્ય લાગે તે નિર્ણય કરો. અને મેં ભજનને, જીવન પ્રત્યેના મારા દૃષ્ટિકોણથી, હાઇબ્રિડ - મોડિફાઇ કર્યું.
વાચક મિત્રો, આવાં જ એક બીજાં ભજનના (મગજને ગોટે ચઢાવે તેવા) શબ્દો છે - આ સંસાર અસાર છે ભાઇ, કોઇ નહીં સંગાથી રે... આ ભજન પણ નાનપણમાં સાંભળ્યું હતું. સંસારને અસાર ગણાવવાની વાત સહુ કોઇને ભૂલભૂલામણીમાં લઇ જાય તેવી છે. જીવન દરમિયાન જો આપણામાં સારપ હશે તો સંસારમાં પણ સારપ જ રહેશે તેવું મારું માનવું છે. આપ સારા તો જગ સારા. જાણીતી ઉક્તિ છેને જેવું કરો તેવું પામો. બસ, આ જ સિદ્ધાંત સહુ કોઇના જીવનને લાગુ પડે છે.
આ તર્કને જ આપણે જરા આગળ લઇ જઇએ. કોઇ પણ પ્રકારનો સંબંધ - શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશ અનુસાર - સહયોગની લેતીદેતી જ ગણી શકાય. તમે કે હું જે કંઇ કર્મ કરીએ છીએ તે આખરે તો એક પ્રકારે સેવા જ છે. માતાપિતા - ભાઇભાંડુ - જીવનસાથી - પુત્રપુત્રી કે પછી અન્ય કોઇની, કોઇ પણ પ્રકારે સેવા કે સહયોગ આખરે તો લેતીદેતીનો સંબંધ છે. લેવડદેવડનો સંબંધ છે.
અને જાતભાતના સંબંધોમાં પણ ટોચના સ્થાને છે મૈત્રીભાવ. ચાર અક્ષરના આ શબ્દનું મૂલ્ય સમજવું હોય તો ઉપર રજૂ કરેલું જૈન મુનિ ચિત્રભાનુ મહારાજની આ વિખ્યાત રચના ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે...’ વાંચી લો. સંબંધમાં જેમ મૈત્રીભાવ સર્વોચ્ચ છે એમ વિશ્વાસઘાતમાં પણ સૌથી મોખરે આવે છે મિત્રદ્રોહ. આપણા વેદ હોય કે પૌરાણિક ગ્રંથો પણ મિત્રદ્રોહને ઘોર અપરાધ ગણાવે છે. મોટામાં મોટું પાપ ગણે છે.
મૈત્રીભાવ તો પરસ્પર વિશ્વાસ છે, પરસ્પર શ્રદ્ધા છે. મૈત્રીભાવ શબ્દ પોતીકું મૂલ્ય ધરાવે છે, તે આપણા માંહ્લલાને જેટલો સ્પર્શે છે તેટલો જ આપણા વાણી-વર્તનને લાગુ પડે છે. મૈત્રીના મૂલ્યોનો ઢોલનગારા વગાડીને ઢંઢેરો પીટવાની જરૂર નથી, તેની લાગણી તો વ્યક્તિએ જાતે જ અનુભવવાની છે, મિત્રને તેનો અનુભવ કરાવવાનો છે.
આપણે વાત કરતા હતા સંબંધની... તાજેતરમાં ‘ટાઇમ્સ’ની સપ્લીમેન્ટમાં બ્રિટનના વરિષ્ઠ રાજકીય નેતા માઇકલ ગોવનો એક બહુ જ લાગણીસભર ઈન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. રાજનેતા અને લાગણીસભર?! શબ્દો વાંચીને તમે ભલે આશ્ચર્ય અનુભવો, પણ ગોવસાહેબી વાત, તેમણે લેખમાં ઉઠાવેલો મુદ્દો વાંચીને તમે પણ જરૂર લાગણીભીના થઇ જશો.
પણ પહેલા જરા માઇકલ ગોવની વાત. તેઓ સરકારના સિનિયર મિનિસ્ટર છે. લીઝ ટ્રસ સરકારમાં જરૂર તેમને બેક બેન્ચ પર બેસાડી દેવાયા હતા, પરંતુ આ સિવાયના સમયમાં 2010થી તેમણે સરકારમાં મોભાદાર સ્થાન મેળવ્યું છે. આ તો માઇકલ ગોવના વર્તમાનકાળની વાત થઇ. આપણે તેમના બાળપણમાં ડોકિયું કરીએ.
તેઓ માત્ર નવજાત શિશુ હતા ત્યારે તેમના માતાએ તેમને અનાથાશ્રમના સહારે છોડી દીધા હતા. માસુમના હોઠ પરનું માતાનું દૂધ સુકાયું પણ નહોતું. ચાર મહિનાના તેમને એક દંપતીએ દત્તક લીધા, અને તેમનો બહુ લાલનપાલન સાથે જતનપૂર્વક ઉછેર કર્યો. તો બીજી તરફ, માઇકલ ગોવે પણ સંબંધ નિભાવી જાણ્યો.
‘વ્હેન યુ આર એડોપ્ટેડ’ નામનું મથાળું ધરાવતા આ લેખમાં માઇકલ ગોવ જણાવે છે કે જ્યારે કોઇ દંપતી તમને દત્તક લઇને તમારો ઉછેર કરે છે ત્યારે તમારી મોટામાં મોટી ફરજ એ બની જાય છે કે તમારા વાણીવર્તનના કારણે (પાલક) માતાપિતાને ક્યારેય એવું ન લાગવું જોઇએ કે તેમણે ભૂલભરેલો નિર્ણય કર્યો છે.
આ લેખમાં રિપોર્ટરે માઇકલ ગોવને સવાલ કર્યો છે કે શું તમે ક્યારેય તમારા સાચા માતાને શોધવાનો પ્રયાસ ના કર્યો? સવાલ બહુ અણિયાળો હતો, પણ માઇકલનો સીધો ને સોંસરો ઉતરી જાય તેવો જવાબ જાણવા જેવો છે. તેમણે કહ્યુંઃ ના, મેં ક્યારેય તેમને શોધવાનો પ્રયત્ન નથી કર્યો. હું તેમને શોધવાનો પ્રયત્ન કરું તો મારા (પાલક) માતાપિતાને શું લાગે? તેમને તો એમ જ લાગેને કે હું જીવનમાં કંઇક ખૂટતું હોવાનું અનુભવું છું તેથી મારા (જન્મદાતા) માતાને શોધી રહ્યો છું. મારા માટે તો આ જ (પાલક માતાપિતા) મારા સાચા માતાપિતા છે. મેં ક્યારેય મારા માતાપિતાને શોધવાનો પ્રયાસ કર્યો નથી અને આવો પ્રયાસ કરવાનો પણ નથી.
સાચો સંબંધ કોને કહેવાય તે સમજવા માટે માઇકલ ગોવની વાત ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે, અને તેનો હાર્દ સમજવા જેવો છે. લોહીનો નાતો હોય તેની સાથે જ મજબૂત સંબંધ હોય તેવું જરૂરી નથી.
એક પરિવારની લાડકી દીકરી માતાપિતાના ભરપૂર લાડકોડમાં ઉછર્યા બાદ પરણીને સાસરે જાય છે. ઘર બદલાય છે, અને નવું ઘર મંડાય છે. સાસુ-સસરા માતાપિતા બને છે. વાચક મિત્રો, જરાક કલ્પના કરજો. આ એડજસ્ટમેન્ટ નાનુંસૂનું નથી. જીવનનો કક્કો નવેસરથી ઘૂંટવો પડે છે. સમાજની નજરે તે પુત્રવધૂ છે તો લાગણીશીલ લોકો એમ કહે છે કે ઘરમાં દીકરી આવી છે. તમે પુત્રવધૂ કહો કે દીકરી, તેની ફરજો છે એમ તેની પણ અપેક્ષાઓ પણ હોય છે. સાસુ-સસરા અને પતિ આટલું સમજી લે તો ઘરમાં નવા સભ્યના આગમન છતાં સંબંધ ક્યારેય સ્ટ્રેસફુલ બનશે જ નહીં.
સિક્કાની બીજી બાજુ જોઇએ તો, કોઇ માતાપિતા પોતાના વ્હાલસોયા દીકરાને પરણાવે છે, ઘરમાં પુત્રવધૂને લાવે છે તો તેમની પણ અપેક્ષાઓ હોય છે. પુત્રવધૂને તેઓ તેમના મુખેથી કહે કે ના કહે, પણ મનમાં તો ભાવ હોય જ છે કે અમારી મોંઘેરી જણસ, અમારો લાડકડો દીકરો હવે તને સોંપ્યો છે. તમે બન્ને ખૂબ સુખીસંપન્ન થાવ, પરંતુ અમારા પ્રત્યે પણ પ્રેમભાવ રાખજો. આ કિસ્સામાં ઘરમાં પ્રવેશી રહેલી ‘નવી વ્યક્તિ’ પોતાની ફરજ અને સામેવાળાની અપેક્ષાઓ સમજી લે તો સાસુ-વહુના સંબંધમાં ક્યારેય ટેન્શન સર્જાવાનું જ નથી.
વાચક મિત્રો, સંબંધ સાથે સમજણ જોડાયેલી હોય છે. બન્ને પક્ષે સમજણ હોય તો જ સંબંધ બનતો હોય છે, ટકતો હોય છે અને વર્ષોના વીતવા સાથે મજબૂત બનતો હોય છે. કોઇ પણ સંબંધના ટકવામાં હંમેશા સમજણ જ કેન્દ્રસ્થાને હોય છે. જ્યારે ગેરસમજ સર્જાય છે ત્યારે સમજણનો સેતુ તૂટી જાય છે ત્યારે શંકાકુશંકાની ભરતી આવે છે ને વિશ્વાસમાં ઓટ આવે છે.
બાય ધ વે, વાત ભજનની અને તેની સાથે સંકળાયેલા જીવનસંદેશની ચાલી રહી છે ત્યારે કહેવું રહ્યું આજે પણ અમારા જીવનમાં ભજનનું એટલું જ મહત્ત્વ રહ્યું છે. વાચક મિત્રો, મને અમારા નિત્યક્રમની વાત કરી જ લેવા દો. અમે દરરોજ દિવસના અંતે ઘરસભા યોજીએ છીએ, અને તેમાં ‘આશ્રમ ભજનાવલિ’માંથી કોઇ ભક્તિગીત કે ‘ગીતાધ્વનિ’ પુસ્તકમાંથી કોઇ શ્લોકનું પઠન કરીએ છીએ. ખરેખર એટલી શાંતિ મળે છે કે તન અને મન બન્ને હળવા થઇ જાય છે. (ક્રમશઃ)
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
- મુનિ શ્રી ચિત્રભાનુ
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
મૈત્રીભાવનું...
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે
મૈત્રીભાવનું...
દીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
મૈત્રીભાવનું...
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તો ય સમતા ચિત્ત ધરું
મૈત્રીભાવનું...
ધર્મસ્થાનકની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે