વડીલો સહિત સૌ વાચકમિત્રો, શાસન એટલે કે શાસક સર્વ ક્ષેત્રોને સ્પર્શે છે એ અનાદિ કાળથી ચાલતું આવ્યું છે. સામંતશાહી હોય - રાજાશાહી હોય - સરમુખત્યારશાહી હોય કે લોકશાહી હોય, અંતે તો આ તમામ શાસન પદ્ધતિને સાંકળતો શબ્દ છે - સત્તા.
કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં હામ હારી ગયેલા અને ગાત્રો શિથિલ થઇ ગયા છે તેવા ભક્ત અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે જે અદભૂત સલાહ-સૂચન આપ્યાં તે ગીતા સંદેશ. આપણા Asian Voiceના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તાને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં શ્રી રિશી સુનાકે એક અંગત વાત કહી હતી. તેમના સસરા અને આઇટી જાયન્ટ ઇન્ફોસિસના સ્થાપક ચેરમેન શ્રી નારાયણ મૂર્તિએ સરળ શબ્દોમાં રિશીને જણાવ્યું હતું કે સત્તા માટે સ્પર્ધામાં ઉતરવું એ યોગ્ય છે. સંપત્તિ એ અન્ય પ્રકારની શક્તિ હોવા છતાં જીવનના દરેક ક્ષેત્રને તો સત્તા - શાસન જ સ્પર્શે છે.
જન્માષ્ટમીના પવિત્ર પર્વે વોટફર્ડ નજીક આવેલા હરે કૃષ્ણ મંદિર શ્રી ભક્તિ વેદાંત મેનોર ખાતે પોતાના ઉદ્બોદન વેળા રિશી સુનાકે વડા પ્રધાન પદ માટે પોતાની ઉમેદવારી તેમજ સંભવિત પરિણામો સંદર્ભે ઐતિહાસિક વિધાન કર્યું હતું. તેમણે પત્રકારોને સ્પષ્ટ કહ્યું હતું કે ટોરી મતદારોના બહુમતી આંકડા કોની તરફેણમાં જાય છે તે બહુ મહત્ત્વનું નથી, પણ પોતે લોકશાહીની રીતરસમને માથે ચઢાવીને શ્રીમતી લીઝ ટ્રસ સાથેની સ્પર્ધામાંથી ખસી જવાના નથી તે હકીકત છે.
રિશી સુનાક શક્તિસભર, શક્તિશાળી અને શૂરવીર છે. તે બાબત આ વિધાન સ્પષ્ટ કરે છે. બ્રિટનના રાજકારણમાં રિશી સુનાક એવો મરદ માણસ છે કે જે પોતાની પરંપરા, ધર્મ, મૂલ્યો એ બધાની ખૂબ માનવંતી રીતે ઘોષણા કરવામાં લગારેય ભીતિ રાખતો નથી. મારા મતે, રિશી સુનાક એકાગ્રતાપૂર્વક, સર્વ પાસાનું સમીકરણ સાધીને જે મક્કમ નિર્ણય કરે છે તેને વળગી રહેવામાં કે તેના માટે પરિશ્રમ ઉઠાવવામાં લગારેય કચાશ રાખતા નથી. ચૂંટણી સ્પર્ધાના નાજુક તબક્કામાં આ વિચારો - વલણો - ઉચ્ચારો તેમની પરિપકવતાના દર્શન કરાવે છે. પરિણામ અંગે તેમને પણ પરવા નથી, અને મને પણ પરવા નથી. ડગલું ભર્યું તો ના હઠવું, ના હઠવું એવો તેમનો નિર્ધાર છે તે જ ઉજળા ભવિષ્યની એંધાણી છે. સુજ્ઞ વાચકો, ગીતા સંદેશને યાદ કરનાર રિશી સુનાક પેલો મંત્ર પણ જાણે છેઃ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્... અર્થાત્ તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, તેના ફળોનો નથી.
આ જ કારણસર અમે રિશી સુનાકનો પરાજય નિશ્ચિત માનતા કે તેમને વડા પ્રધાન પદના જંગમાં રંગદ્વેષ નડી જશે તેવી આશંકા દર્શાવતા કેટલાક વાચકોના પત્રો કે અભિપ્રાયોને પ્રકાશિત કરવાનું મુનાસિબ માન્યું નથી. આમ પણ પાંચમી સપ્ટેમ્બર અને તે પછી બધું પિષ્ટપેષણ થવાનું જ છે.
મારા માનવંતા વાચક મિત્રો, આપણી બ્રિટિશ લોકશાહીના લેખાજોખાં પણ કરી જ લઇએ - ઉપરછલ્લી રીતે - તે મને યોગ્ય જણાય છે.
ઓલિવર ક્રોમવેલે વિપ્લવ કર્યો તે વાતને આશરે 400 વર્ષ થયા. એકહથ્થુ સત્તા વિરુદ્ધ તે વેળાએ પ્રચંડ અને હિંસક જંગ ખેલાયો હતો. શાસકની પણ હત્યા કરવામાં આવી. ત્યાર બાદ ઇંગ્લેન્ડમાં અને બ્રિટનમાં લોકશાહીનું આધુનિકીકરણ થતું રહ્યું હોવાનું આપણે જોઇ શકીએ છીએ.
1920ના ગાળા સુધી બ્રિટનમાં વ્હિપ પાર્ટી તરીકે જાણીતા પક્ષનું બાદમાં કન્ઝર્વેટિવ પાર્ટી તરીકે રૂપાંતરણ થયું. આગલા સૈકામાં વ્હીપ અને લિબરલ પાર્ટી જ મુખ્ય શાસક પક્ષો રહ્યા છે. સમયચક્ર પર નજર ફેરવશો તો જણાશે કે આ બન્ને પક્ષોની સરખામણીએ લેબર પાર્ટીની સ્થાપના તો હજુ હમણાં જ થઇ કહેવાય.
1900ની સાલમાં લેબર પાર્ટીની સ્થાપના થઇ, અને તેના સ્થાપકોમાં એક આપણા ગુજરાતી હતા - શ્યામજી કૃષ્ણવર્મા. આ કચ્છીમાડુંએ આજથી 122 વર્ષ પૂર્વે - પક્ષની સ્થાપનામાં - 1000 પાઉન્ડનું અનુદાન આપ્યું હતું. (આજના હિસાબે તે રકમ કેટલી થાય તેનો આંકડો માંડી લેજો.) ગઇ 20મી સદીના બીજા અને ત્રીજા દાયકા સુધી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ અને લિબરલ વચ્ચે સીધી સ્પર્ધા હતી. બીજા વિશ્વયુદ્ધની પૂર્વ સંધ્યાએ તેમાં ક્રાંતિકારી ફેરફારો થયા. સારી ભાષામાં કહીએ તો આવનજાવન થયું.
બીજા વિશ્વયુદ્ધ બાદ 1945ની ચૂંટણીમાં લેબર પાર્ટીને સંપૂર્ણ અને જંગી બહુમતી સાંપડી હતી. સમાજવાદી વલણ એટલે કંઇ ડાબેરી અર્થકારણ ન ગણી શકાય. પરંતુ જરૂરતમંદોને યોગ્ય સ્રોત - સહાય ફાળવવાનું શરૂ થયું. આના જ ભાગરૂપે 1948માં નેશનલ હેલ્થ સર્વીસ (વૈશ્વિક સ્તરે સંભવિત સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવા)ના મંડાણ થયા.
આ દેશના કેટલાક રાજકારણીઓ અને સમાચાર માધ્યમો છાશવારે ગાણું ગાયા કરે છે કે બ્રિટનમાં વિશ્વની 900 વર્ષ કરતાં પણ સૌથી પુરાણી લોકશાહી છે. રાજકારણમાં બધું જ ચાલે. ખરુંને?! આ તો કહેનારાઓએ કહ્યું, અને માનનારાઓએ માન્યું.
જોકે હકીકત એ છે કે ઉત્તર એટલાન્ટિકમાં આવેલો અને માત્ર સાડા ચાર લાખની વસ્તી ધરાવતો એક આઇસલેન્ડ દેશ હજાર વર્ષથી એક વ્યક્તિ - એક મતના આધારે સરકાર રચતો આવ્યો છે. બ્રિટનમાં અગાઉ લગભગ 1911 સુધી - તે વખતની પાર્લામેન્ટમાં શાસક પોતાના મળતિયાઓની નિમણૂંક કરતા હતા.
સન 1066માં ફ્રાન્સનો ઉમરાવ ડ્યુક ઓફ નોર્મન્ડી કેટલીક નાવમાં મુઠ્ઠીભર સૈનિકો સાથે આવી ચઢ્યો અને ઈંગ્લેન્ડના દક્ષિણ છેડે આવેલા એક નાના બંદરે આક્રમણ કર્યું. વિજય મેળવ્યો. પોતાની સાથે આવેલા સૈનિકો, સરદારો અને શ્રીમંતોને ઈલ્કાબો સહિત જમીનોની જંગી લ્હાણી કરવામાં આવી. તેણે પોતાના સલાહકારોની સમિતિ રચી, અને આ સમિતિના સભ્યો જ પાછળથી પાર્લામેન્ટના મેમ્બર બન્યા. છેક ઓલિવર ક્રોમવેલ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો.
આજના બ્રિટનમાં - છેલ્લા સો વર્ષથી કોન્સ્ટીટ્યુશનલ મોનાર્કી છે. રાણી કે રાજા આમ તો શોભાનું જ સ્થાન છે. પરંતુ તેનોય ફાયદો તો છે જને?! વાચક મિત્રો, જાણવા જેવું છે કે 1920 સુધી તો બ્રિટનમાં રાજકીય પક્ષોના નેતા પદે ઉમરાવો, લેન્ડેડ જેન્ટ્રી (જમીનદારો) વગેરેમાંથી જ કોઇ નિમાતા હતા કે પસંદગી થતી હતી. ચૂંટણી પ્રથા તો 1911 પછી શરૂ થઇ. 1930 અરસા બાદ વેપાર-ઉદ્યોગના મોવડીઓ, વ્યવસાયીઓ અને મુખ્યત્વે ધારાશાસ્ત્રીઓ રાજકારણમાં નેતૃત્વ લેતા આવ્યા છે.
પાંચમી સપ્ટેમ્બરે જે કંઇ પરિણામ આવશે, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદે ચૂંટાશે તે વ્યક્તિ વડા પ્રધાન પદે બિરાજશે. મારા નમ્ર મતે પ્રમાણે તો, રિશી સુનાક ચૂંટાઇ આવે તેવી સંભાવના વધુ છે. ખેર, તેઓ ચૂંટાય કે ના ચૂંટાય, આ માડીજાયાએ ઇતિહાસમાં નવી રેખા આંકી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
વાત બ્રિટનના લોકતંત્રની ચાલી રહી છે તો ચાલો, વિશ્વયુદ્ધ પછીના બ્રિટનના વડા પ્રધાનની નામાવલી ઉપર સરસતી નજર ફેરવી જ લઇએ.
1939થી 1945 સુધી વિન્સટન ચર્ચિલે દેશની શાસનધુરા સંભાળી.
1945માં ચૂંટણીમાં વિન્સટન ચર્ચિલને જાકારો મળ્યો. ક્લેમેન્ટ એટલીના નેતૃત્વ સરકાર રચાઇ. લેબરને જંગી બહુમતી મળી. લિબરલ પક્ષનો રકાસ થયો.
1950-51માં લેબર સરકારને જાકારો મળ્યો અને કન્ઝર્વેટિવ પાર્ટીને ફરી જીત મળી. દેશની શાસનધૂરા સંભાળી. ફરી એક વખત વિન્સટન ચર્ચિલ વડા પ્રધાન બન્યા. ચર્ચિલ પછી કન્ઝર્વેટિવ્સના જ હેરોલ્ડ મેકમિલને સરકાર રચી. તેમના પછી લોર્ડ હ્યુમ સત્તા પર આવ્યા.
1964માં લેબર પાર્ટીએ હાઉસ ઓફ કોમન્સમાં માત્ર 3 બેઠકની સરસાઇ સાથે વિજય મેળવ્યો. થોડાક મહિના પછી હેરોલ્ડ વિલ્સને ફરી ચૂંટણી જાહેર કરી. ચૂંટણી પરિણામોમાં લેબર પાર્ટીને વર્કિંગ મેજોરિટી મળી અને તેમણે ફરી એક વખત સત્તા સંભાળી.
એડવર્ડ હિથની કન્ઝર્વેટિવ પાર્ટી સામે લેબર પાર્ટીનો પરાજય થયો. આ વાત છે 1970ની. ત્યાર બાદ ફરી વિલ્સન વડા પ્રધાન બન્યા.
1976માં વિલ્સનના સ્થાને જેમ્સ કલાહાન અને 1979માં ‘આયર્ન લેડી’ માર્ગારેટ થેચરે દેશનું નેતૃત્વ કર્યું. દેશના પહેલાં મહિલા વડા પ્રધાન બનવાનું બહુમાન મેળવનાર મિસિસ થેચર બ્રિટનને આર્થિક પ્રગતિના પંથે દોરી ગયા. તેમની નીતિરીતિ અને ક્રાંતિકારી નિર્ણયોના પગલે દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું. એક સમયે યુરોપના સૌથી નબળા આર્થિક દેશ તરીકે ‘સિકમેન ઓફ યુરોપ’ ઓળખાતા બ્રિટનની શકલ-સુરત બદલાઇ. દેશ આર્થિક સશક્ત બન્યો.
‘આયર્ન લેડી’ની વિદાય બાદ જ્હોન મેજરે (1992-1997) દેશને બળકટ નેતૃત્વ પૂરું પાડ્યું. આ પછી ટોની બ્લેર (1997-2007) આવ્યા. બ્લેર ગયા ને ગોર્ડન બ્રાઉન (2007-2010) આવ્યા. 2010માં ડેવિડ કેમરન (2010-2016)એ દેશની શાસનધૂરા સંભાળી. કેમરને 2015માં સ્પષ્ટ બહુમતીના અભાવે કેમરને લીબરલ પાર્ટી સાથે સમજૂતી સાધીને સરકાર રચી હતી. તેમની વિદાય પછી થેરેસા મે (2016-2019) આવ્યાં. મે ગયા અને 2019માં વડા પ્રધાન પદે આવ્યા બોરિસ જ્હોન્સન. અને હવે ‘BoJo’ની વિદાયનું પણ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
આ દેશના લોકતંત્રમાં અનેક વડા પ્રધાન આવ્યા અને ગયા, પણ ડેવિડ કેમરને તેમના શાસનકાળ આપેલું મૂલ્યવાન યોગદાન ઉલ્લેખવું જ રહ્યું. 2010 અને 2016 વચ્ચે તેમણે પાર્લામેન્ટની ચૂંટણી સમયે ઉમેદવારોની પસંદગીમાં તેમણે ટોરી પાર્ટીમાં બિનગોર વ્યક્તિઓને પણ નોંધનીય પ્રતિનિધિત્વ આપ્યું. તેમના આ સુંદર યોગદાનના પરિણામે જ આજે આપણે રિશી સુનાકને વડા પ્રધાન પદની સ્પર્ધામાં ઉભેલા જોઇ શકીએ છીએ.
વાચક મિત્રો, અત્યારે તો કલમને વિરામ આપું છું, પરંતુ ચૂંટણી બાદ ફરી એક વખત આ મુદ્દે વાત માંડીશું. (ક્રમશઃ)