વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શરદપૂર્ણિમાના શુભ દિવસે આપ સમક્ષ બંદા હાજર છે. શિર્ષકમાં લખવાનું મન થયું હતું કે સત્યવાન સરદાર પણ પછી ભારતીય સંસ્કૃતિના જે ધ્રુવતારકો કહેવાય તેવા સત્યવાન હરિશ્ચંદ્ર અને રાણી તારામતી યાદ આવ્યા. હરિશ્ચંદ્રની તોલે તો કોને મૂકી શકાય? તે જ પ્રમાણે સતી સાવિત્રી પણ એવું જ પાવક નામ આપણા સંસ્કારોની સાક્ષી પૂરે છે. આ અને આવા આપણા દિવ્ય આત્માના જીવનચરિત્ર વિશે આપ સહુ વાચકોને એક નમ્ર વિનંતી કરવાનું મન થયું છે. આજકાલ દરેકના ઘરે, કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા સુલભ છે. કમસે કમ આપના સંતાનો તો તેનો ઉપયોગ કરતા જ હશે. આપ જાતે કે આપના પરિવારજનો ગુગલ પર આ અને આવા જ પૂણ્યાત્માઓના નામ શોધશો. આપના દિલદિમાગમાં જે નામ ઝણઝણે તેને સંબંધિત માહિતી વાંચશો કે વંચાવશો. હું માનું છું કે મનની આ ‘કસરત’ સર્વપ્રકારે હિતકારી બની રહેશે.
સરદાર એટલે કોણ? સામાન્ય રીતે વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલને સહુ ભારતીયો ‘સરદાર’ના હુલામણા નામે ઓળખે છે. તેઓ માત્ર ગુજરાતી નથી. ૧૯૮૫-૮૬માં અમે લંડનમાં કે. કે. સિંહ, (ભારતના) આઇ. કે. ગુજરાલ, સુશીલ કુમાર મુનીજી જેવા મહાનુભાવોના સહયોગથી પંજાબ યુનિટી ફોરમ નામની સંસ્થા ચલાવતા હતા. આતંકવાદનો તે નાજુક સમયગાળો હતો. ઇલિંગ સાઉથોલમાં અમે સભાનું આયોજન કર્યું હતું. મેં સહુને સરદારના નામે સંબોધન કર્યું. આજે પણ મને યાદ છે કે તે વેળા એસ. એસ. મૈરપુરી નામના એક ઊંચા, કદાવર શીખ વડીલે ઉભા થઇને મને કહ્યું હતુંઃ અમે સાચા અર્થમાં સરદાર નથી. સરદાર તો એક માત્ર વલ્લભભાઇ પટેલ હતા...
શનિવારે ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની ૧૪૦મી જન્મજયંતી દેશવિદેશમાં ઉજવવામાં આવશે. આઝાદી પછીના અત્યંત કટોકટીભર્યા પ્રારંભિક અરસામાં, હિંસા અને તનાવના માહોલ વચ્ચે, સ્વતંત્ર ભારતની નાવને લોકતંત્રના કિનારે હેમખેમ પહોંચાડવા માટે સરદાર સાહેબે પોતાના જીવનની આહુતિ આપી દીધી તેમ કહું તો પણ લગારેય અતિશ્યોક્તિ નથી.
સરદાર સાહેબનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ના રોજ નડિયાદમાં. તેમની ચિરવિદાય ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ મુંબઇમાં. બરાબર ૭૫ વર્ષ અને ૪૫ દિવસના આયુષ્યમાં સરદાર સાહેબે મા ભારતની સેવામાં સર્વસ્વ હોમી દીધું હતું એમ લગભગ સહુ કોઇ માને છે.
મારા નાનકડા પુસ્તકાલયમાં સરદાર પટેલ વિશે ડઝનેક પુસ્તકો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભાષામાં છે. સરદાર પટેલે આત્મકથા લખી નહોતી. આમેય સરદાર સાહેબનું પોતાનું કહેવાય તેવું લેખનકાર્ય બંધારણીય દસ્તાવેજો સિવાય ભાગ્યે જ ક્યાંય જોવા-વાંચવા મળે છે. અત્યારના સંશોધકો માટે, લેખકો માટે, સવિશેષ જ્ઞાનપિપાસુઓ માટે આ ખૂબ અફસોસજનક બિના છે. આ સંદર્ભે, વાચક મિત્રો, હું આપ સહુને એક ખાસ વિનંતી કરવા માંગું છું. આપ સહુ પોતપોતાની રીતે, ગુજરાતી, અંગ્રેજી, સ્વાહિલી હિન્દી કે પછી અન્ય જે કોઇ પણ ભાષામાં સરળતાથી લખી શકો તેમાં પોતીકી વાત, પોતીકી નજરે જોયેલી આ અલબેલી દુનિયાની વાત, વિચારમંથન જરૂર કંડારો. આપની નજરે સાવ સામાન્ય જણાતી કોઇ વાત, ઘટના કે પ્રસંગ આપના સંતાનો કે તેમના પણ સંતાનોને ખૂબ ઉપકારક નિવડી શકે છે.
ગાંધીજયંતીના રોજ એક સન્નારીએ સ્વહસ્તાક્ષરે લખેલા સાડા ત્રણ પાન મને પહોંચાડ્યા હતા. પોતીકી અંગત વાત ન કરતાં તેમણે દેશવિદેશના સામાન્ય પ્રશ્નો અને સમાજ વિશે પોતાના વિચારોને તેમણે શબ્દદેહ આપ્યો હતો. મેં તેમને કાર્યાલયમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. તેઓ આવ્યાં પણ ખરાં, અને અમે વિવિધ વિષયો પર લગભગ કલાક - દોઢ કલાક ગોષ્ઠી કરી હતી. તેઓ તો ગૃહિણી છે. તેમનાં બન્ને સંતાનો પણ આયુષ્યની ચાળીસી વટાવી ગયા છે. આ બહેન લેખક કે પત્રકાર નહોતાં છતાં તેમણે પોતાના વિચારોને વાચા આપી. શબ્દદેહ આપ્યો. કંઇક નવું જાણવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું લખી મોકલ્યું. આ વાંચીને મને થયું કે આપ સહુને ફરી યાદ અપાવું કે કલમ ચલાવો, કલમ ચલાવવામાં કંજૂસાઇ નહીં કરતાં. હા, લખાણમાં હકારાત્મક દૃષ્ટિકોણ અને બીજા લોકોને કંઇક આપવાનું વલણ નજર સમક્ષ રાખશો તો સહુનું કલ્યાણ થશે.
વાચક મિત્રો, મારી તકલીફ જ આ છે. વાત આડા પાટે ફંટાતા વાર નથી લાગતી. કારણ? તમારા પ્રત્યેનો મારો ભક્તિભાવ. મારે આપ સહુ સમક્ષ એટલું બધું સાદર કરવું છે કે મસ્તક, જીભ અને આંગળી વચ્ચે કદીક ખેંચતાણ ઊભી થાય છે. ભક્તિભાવની વાત કરીએ છીએ તો સરદારશ્રીને પ્રિય એવા ત્રણ ભજનોની પ્રારંભિક પંક્તિઓ પણ ટાંકી જ દઉં.
૧) ભક્તિ કરવી તો ના ડરવું, દૂરીજન લોકથી રે...
૨) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ....
૩) મારી નાડ તમારે હાથ....
સરદાર સાહેબ પરમાત્મામાં માનતા હતા, અંધશ્રદ્ધામાં નહીં. બાળપણમાં કદાચ તેમના કોઇ ગુરુ હોઇ શકે. તે જમાનામાં ગ્રામ્યજીવનમાં આવું બનતું હતું. પરંતુ પ્લીડર કે બેરિસ્ટર બન્યા પછી સરદાર જવલ્લે જ મંદિરે ગયા છે. હા, સોરઠી ભોમકા પર આવેલા સોમનાથ મંદિર સાથેનો તેમનો નાતો ચિરકાળ સુધી તેમનું સ્મરણ કરાવતો રહેશે.
‘મારી નાડ તમારે હાથ...’ ભજનનો ઉલ્લેખ કર્યો છે તો તેની પણ જરા વિગતે વાત કરી જ લઉં. આપણા સાહિત્યના મુઠ્ઠીઊંચેરા સેવક કે રખેવાળ ગણી શકાય તેવા ગુણવંતભાઇ શાહે સુંદર હકીકત લખી છે. જીવનના છેલ્લા દિવસોમાં સરદાર સાહેબ કેશવરામ રચિત આ ભજન વારંવાર ગણગણતા હતા. તેમાં એક પંક્તિ આવે છે...
પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે!
સરદાર સાહેબ પોતાના આરોગ્યની ફરિયાદ કરે તેવા નહોતા. જરા યાદ છેને બાળપણમાં તેમને બગલમાં ગુમડું થયું હતું ત્યારે તેમણે જાતે જ ધગધગતો તવેથો ચાંપી દઇને ઉપચાર કર્યો હતો. પરંતુ ૩૧ ઓક્ટોબર, ૧૯૫૦થી ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ સુધીના ૪૫ દિવસો... શારીરિક અસ્વસ્થતા હોવા છતાં સરદાર સાહેબ ચીન તેમ જ જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત સરકાર - અને ખાસ તો વડા પ્રધાન પંડિતજીના અભિગમથી પરેશાન હતા. સરદાર વિશે જો ખરેખર જાણવું હોય તો ભારત સરકારે પ્રસિદ્ધ કરેલા તેમના પત્રવ્યવહાર પર નજર ફેરવવા જેવી છે.
ઓક્ટોબર ૧૯૫૦ સુધીમાં ભારતના ૫૬૨ રજવાડાં ભારતીય સમવાય તંત્રમાં સામેલ થઇ ગયા હતા. અરે, હૈદરાબાદનું ટેંટું બહુ ગરબડ કરતું હતું તેને પણ સરદાર સાહેબે વશમાં કરી લીધું હતું. જૂનાગઢ, માણાવદર, બાંટવાના હાકેમો પાકિસ્તાન પલાયન થઇ ગયા હતા. મિત્રો, વી. પી. મેનનનું પુસ્તક Integration of the states of India તેમ જ દિનકર જોશીનું ‘સરદારશ્રીનું જીવનચરિત્ર’ ખરેખર વાંચવા જેવું છે. આપણે સહુ જાણીએ છીએ કે ભારતના અત્યારના સાંપ્રત રાજકારણમાં સહુથી વિશેષ સરદારશ્રીને યાદ કરવામાં આવે છે. કારણ શું?
તેઓ બુદ્ધિપ્રતિભામાં તેજસ્વી હતા, સત્વશીલ રાજકારણના જ્ઞાતા હતા. સરદારશ્રીએ જાતે ભલે બહુ ઓછું લખ્યું હોય, પણ તેમના વિશે જે પુષ્કળ લખાયું છે તેમાં કોઇએ એવો આક્ષેપ નથી કર્યો કે તેઓ જૂઠાબોલા હતા કે બેમોઢાળી વાતો કરતા હતા કે સ્ત્રી પ્રત્યે સન્માન-આદર ધરાવતા નહોતા. અરે, જમીન, જાયદાદ કે મિલકતની પણ લેશમાત્ર પરવા નહોતી. તેમને જે જવાબદારી સોંપવામાં આવી હતી તેને તેમણે પૂરી નિષ્ઠા, લગન સાથે પાર પાડી હતી - પોતાને અન્યાય થઇ રહ્યો હોવાનું જાણવા છતાં!
આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાનની પસંદગી કરતી વેળા ૧૬માંથી ૧૩ કોંગ્રેસ પ્રાદેશિક કમિટીએ સરદાર સાહેબના નામની ભલામણ કરી હતી, આમ છતાં તેમણે ગાંધીજીના ‘સુચન’ને માથે ચઢાવીને પં. જવાહરલાલ નેહરુ માટે વડા પ્રધાન પદનો રસ્તો ખૂલ્લો કરી દીધો હતો. એટલું જ નહીં, તેમના જ હાથ નીચે નાયબ વડા પ્રધાન પદ અને ગૃહ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો. અખંડ ભારતના સર્જનને સરદારશ્રીની કાયમી ભેટ જ ગણવી રહીને?
જય સરદાર...
•••
આવક-જાવકનું અનુસંધાન
સોમવારે બ્રિટિશ પાર્લામેન્ટના ઉપલા ગૃહ - હાઉસ ઓફ લોર્ડસમાં કન્ઝર્વેટિવ સરકારને શિકસ્ત મળી. કારણ? ફેમિલી ક્રેડિટની રકમમાં નાણા પ્રધાન જ્યોર્જ ઓસ્બોર્ને એવો કાપ મૂક્યો કે દેશના ૪૦ લાખ પરિવારોને કુલ આવકમાં વાર્ષિક લગભગ ૧૦૦૦થી ૧૨૦૦ પાઉન્ડનો ફટકો પડે. આ લાભાર્થી નાગરિકો સહુથી ઓછી આવક ધરાવતા વર્ગના છે. આથી અમુક અંશે સરકારી મદદ ઉપર નિર્ભર હોય છે તે સમજાય તેવું છે. ઓસ્બોર્નની દલીલ છે કે દેશના અર્થતંત્રમાં આવક-જાવકનાં પલ્લાં સમતોલ રાખવા માટે કરકસરના પગલાં જરૂરી છે. આ પગલાંથી સરકારી તિજોરીની ચાર બિલિયન પાઉન્ડ કે તેથી વધુની રકમ બચશે. ટોરી પક્ષના કેટલાક સાંસદો પણ આ ઘટાડાને અન્યાયી, વિભાજક અને મૂડીવાદનું અસ્વીકાર્ય પગલું ગણે છે. વ્યક્તિ, પરિવાર કે વેપારી પેઢીની જેમ કોઇ પણ દેશને આવક-જાવકનાં પલ્લાં સરખાં રાખવા માટે ઉલાળ-ધરાળનો ખ્યાલ રાખવો જ પડે તે સમજાય તેવું છે. ખર્ચનો બોજ ઘટાડવા માટે અમુક હદ સુધી આ પ્રકારના પગલાં યોગ્ય પણ ગણાય, પરંતુ હદથી વધુ કઠોર પગલાંને તો હઠાગ્રહ જ ગણવો રહ્યો. આપણા ઓસ્બોર્ન સાહેબ કંઇક આવા જ રસ્તે આગળ વધી રહ્યા જણાય છે.
વેપાર-ઉદ્યોગ કે રહેઠાણના વિકાસ માટે કરજ લેવું અમુક હદ સુધી યોગ્ય ગણાય જ છેને? લેબર સરકારે પાંચ વર્ષમાં - ૧૯૯૯થી ૨૦૦૪ સુધીમાં આડેધડ ખર્ચા કરીને સરકારી તિજોરીને તળિયાઝાટક કરી નાખી હોવાનું ઘણાં લોકો કહે છે. જોકે આવું કહેનારાઓએ બ્રિટનમાં તે સમયગાળામાં થયેલા નવસર્જન પર પણ નજર નાખવી રહી. આ જ અરસામાં દેશમાં હોસ્પિટલો, શાળા-કોલેજો, માર્ગનિર્માણ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ક્ષેત્રે જે કંઇ મૂડીરોકાણ થયું છે તે લાંબા ગાળાનું હોવાની વાત ભૂલવી જોઇએ નહીં.
છેલ્લા પાંચ વર્ષમાં યુતિ સરકારે સરકારી ખર્ચમાં લાગુ કરેલી શિસ્ત જરૂરી હોવા છતાં જ્યારે પરિસ્થિતિ અતિશય પીડાજનક બની જતી હોય ત્યારે પોતાના પક્ષના જ સાંસદો બળવો કરે તેમાં નવાઇ શું?
•••
આફ્રિકા-ભારત સંબંધો
સોમવારથી ભારતના પાટનગર નવી દિલ્હીમાં ચોથી ભારત-આફ્રિકા શિખર પરિષદનો પ્રારંભ થયો છે. જેમાં આફ્રિકા ખંડના ૫૪ દેશના વિદેશ પ્રધાનોથી માંડીને ટોચના મહાનુભાવો જોડાયા છે. આ પરિષદમાં ભારત અને આફ્રિકા વચ્ચેના આર્થિક વિકાસને કઇ રીતે વેગ આપવો અને આતંકવાદની માથું ઊંચકી રહેલી સમસ્યાને કઇ રીતે નાથવી તે મુદ્દે સહુ કોઇ વિચારોનું આદાનપ્રદાન કરી રહ્યા છે. આ શિખર પરિષદના સંદર્ભમાં કેટલીક આંકડાકીય હકીકતો પર નજર ફેરવવા જેવી છે.
છેલ્લા વીસેક વર્ષમાં ચીન આફ્રિકામાં મોટા પાયે પગપેસારો કરી રહ્યું છે. ચીન દ્વારા આફ્રિકન દેશોમાં અંદાજે ૨૦૦ બિલિયન પાઉન્ડથી વધુનું મૂડીરોકાણ થયું છે. આફ્રિકા અને ચીન વચ્ચેની આયાત-નિકાસનો આંકડો ૨૦૦ બિલિયન ડોલરે પહોંચયો છે. જ્યારે ભારત સાથેના વેપાર-વણજના સંબંધો માત્ર ૩૫-૪૦ બિલિયન ડોલર પૂરતા સીમિત છે. ભારત સરકાર તરફથી આફ્રિકન દેશોમાં બહુ નજીવું મૂડીરોકાણ થયું છે. હા, ભારતીય કંપનીઓએ છેલ્લા વીસેક વર્ષમાં ૧૭ બિલિયન ડોલર જેટલું રોકાણ અવશ્ય કર્યું છે. આંકડાઓ સ્વયં સ્પષ્ટ કરે
છે કે આફ્રિકન દેશોમાં મૂડીરોકાણમાં ચીન ઘણું આગળ છે.
એક બીજી પણ હકીકત નોંધનીય છે. છેલ્લા દોઢસો વર્ષમાં લાખો ભારતીય વસાહતીઓએ આફ્રિકાને પોતીકું ઘર બનાવ્યું છે. તે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને આર્થિક વિકાસમાં પણ નોંધનીય યોગદાન આપ્યું છે. અહીં ભારતીય વંશજો, ખાસ કરીને ગુજરાતી શાહસોદાગરોએ પૂર્વ - મધ્ય - દક્ષિણ - પશ્ચિમ આફ્રિકામાં કાઠું કાઢ્યું છે તેનું મહત્ત્વ પશ્ચિમી દેશોના આર્થિક જાણકારો પણ ખૂબ સારી રીતે જાણે છે.
બીજી પણ એક ઘટના ચીન માટે સંતાપભરી બની રહી છે. ચીનનું જબ્બર મૂડીરોકાણ, હજારો ચીનાઓનું આગમન, કંઇકેટલાય દેશોમાં વિવાદનું કારણ બની ચૂક્યા છે. આ તબક્કે કાચબા અને સસલાની વાર્તા તો હું નથી માંડતો પણ ભારત-આફ્રિકા આર્થિક સંબંધોમાં આશાનું ઉજળું કિરણ અવશ્ય જણાય છે.
•••
આરોગ્ય સુખાકારીની ચાવી સાચવીએ...
વાચક મિત્રો, બે સપ્તાહ પૂર્વે મેં આ જ કોલમમાં મારા બ્લડ ટેસ્ટની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેમ કેટલીક વસ્તુના ઉત્પાદન સાથે આડ-પેદાશ પણ તૈયાર થતી હોય છે, અને તેનું મૂલ્ય પણ મૂળ ઉત્પાદન જેટલું જ ઉપજતું હોય છે તેના જેવું જ કંઇક આ વાતમાં પણ બન્યું છે. ખરેખર તો બ્લડ ટેસ્ટનો ઉલ્લેખ મુખ્ય વિષયવસ્તુની સાથે આડ-વાત તરીકે થયો હતો, પરંતુ કેટલાક વાચક મિત્રોને તેમાં પણ રસ પડ્યો છે. મારા માનવંતા વાચક મિત્રોની ઊલટતપાસ અમુક સમયે મને ભારે અવઢવમાં મૂકી દે છે. હું કેવી રીતે મારા ‘કાયમી મિત્ર’ની દેખભાળ રાખું છું...થી માંડીને બ્લડ સુગરનું પ્રમાણ કેટલું રહે છે? બ્લડ પ્રેશર કેટલું છે? કઇ કઇ દવાઓ લ્યો છો? આ અને આવા અનેક પ્રશ્નો છૂટીછવાઇ મુલાકાતોમાં પૂછાતા રહે છે. (કદાચ આ બધાને મનમાં થતું હશે... આ ઉંમરે તો માણસ ખખડી જતો હોય છે ત્યારે આ ડોસો આટલી રઝળપાટ કરે છે તો કઇ ચક્કીનો લોટ ખાય છે?)
મિત્રો, આપને પ્રશ્નો પૂછવાનો પૂરો હક છે તેની ના નહીં, પણ મારું બેટું મને મનમાં એવો સંકોચ થયા કરે છે કે હું તે ક્યાં વળી બોલિવૂડનો શાહરુખ ખાન કે હોલિવૂડનો ટોમ ક્રૂઝ છું કે મારી લાઇફસ્ટાઇલની વાતો જાણવામાં આપને રસ પડે? આમ છતાં આપના પ્રશ્નોના જવાબ આપવા પ્રયાસ કરું છું. માત્ર એક જ કારણસર કે આપને મારા આરાધ્ય દેવ પછીના આત્મીયજન ગણતો આવ્યો છું. જો મારી આરોગ્ય સંબંધિત માહિતીમાંથી આપ સહુને કંઇક જાણવા-સમજવા મળતું હોય તો તે જણાવવાને હું મારી ફરજ સમજું છું. ટીવી પ્રેઝન્ટર ધ્રુવ ગઢવી કે અન્યોએ જેમ જણાવ્યું છે તેમ ડાયાબીટીસ ભીતિ નિવારણ અભિયાન ઉપયોગી બન્યું છે તેમ સંભવ છે કે આ માહિતી પણ આપને ઓછાવત્તા અંશે ઉપયોગી કે મદદરૂપ બને. આટલી સ્પષ્ટતા સાથે આગળ વધીએ.
બ્લડ ટેસ્ટ બાદ જીપીએ મારી સાથે એક બેઠક યોજી હતી. અગાઉ જ્યારે બ્લડ સુગરનું પ્રમાણ નહોતું જળવાતું ત્યારે દર ત્રણ મહિને, પછી છ મહિને અને ત્યારબાદ વર્ષે એક વાર મને બોલાવે છે. બ્લડ ટેસ્ટ થયો હોય તેનો લેખિત રિપોર્ટ પણ આપે. જો પેશન્ટ પોતાના જીપીને રિકવેસ્ટ કરે તો NHS આ પ્રકારનો રિપોર્ટ આપતી હોય છે. ૧૩ ઓક્ટોબરે જીપીની સામે બેઠો હતો ત્યારે તેમના હાથમાં પણ આવો જ રિપોર્ટ હતો. બ્લડ સુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ, વેઇટ એન્ડ ડાયેટ, એક્સરસાઇઝ, કિડની, આંખો, પગ દરેક પાસાં નોર્મલ હતા. પરમાત્માની કૃપા, પરિવાર તથા સાથીમંડળનો ઉષ્માપૂર્ણ સાથ, અને આપ સહુના આશીર્વાદથી બંદા ટનાટન છે. એક જ બાબતમાં ડોક્ટરે મને ઠપકાર્યો.
મારી ઉંમર અને ડાયાબિટિસ સાથેની મારી ૩૬ વર્ષ જૂની દોસ્તી જોતાં મારું HBA1C ૫૮ કે તેથી ઓછું હોવું જોઇએ. ૩૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ તે ૫૯ હતું તે વેળા ડોક્ટર ખૂબ ખુશ હતા. મને શાબાશી પણ આપી હતી. પરંતુ... ૯ ઓક્ટોબર, ૨૦૧૫ના HBA1Cનો આંકડો ૬૮ ઉપર જઇ પહોંચ્યો હતો. ડોક્ટરે સલાહ આપી હતીઃ ખોરાકમાં વધુ સંયમ રાખો અને હલનચલન કે ચાલવામાં કે યોગમાં વધારો કરો. સીબી, ગયા વર્ષે તમારો HBA1C નો આંકડો ૫૯ પર હતો તેને ઘટાડીને આવતા વર્ષ સુધીમાં ૫૮ પર લઇ જવાનો છે... (મતલબ કે મારું એક વર્ષ તો પાક્કું થઇ ગયું.) બીજી બધી વાતમાં બહુ સારું છે. જીપીના શબ્દોમાં કહું તો બધું ‘નોર્મલ’ છે. મિત્રો, આ માટે દવા કઇ લઉં છે તે જણાવતો નથી. જણાવવું જરૂરી પણ લાગતું નથી કારણ કે દવાનો ડોઝ વ્યક્તિની વય, શારીરિક-માનસિક સ્થિતિ, સ્વાસ્થ્ય સહિત અનેક બાબત પર આધારિત હોય છે.
વાચક મિત્રો, સાચે જ મારે બહુ જ લાંબુ જીવવું છે. એક જાણીતી ટીવી ચેનલનો પત્રકાર તાજેતરમાં બીજી વખત મારી મુલાકાત લેવા આવ્યો હતો. આ વખતે તેણે મને પૂછ્યું હતુંઃ નિવૃત્તિની વયે પણ તમે આટલી દોડધામ કરો છો... સરેરાશ ૧૦-૧૨ કલાક કામ કરો છો... શા માટે?
મારો જવાબ એ જ... જૂનો ને જાણીતો હતોઃ ‘સાહેબ, મેં જન્મ લીધો ત્યારે જ વિધાતા સાથે વણલખ્યો કરાર કર્યો હતો - લાંબામાં લાંબુ આયુષ્ય ભોગવવા પ્રયાસ કરીશ, સારામાં સારું આરોગ્ય જાળવવા સદા સક્રિય રહીશ અને સદા સર્વદા સત્કાર્યમાં પ્રવૃત્ત રહીશ.’ વાચક મિત્રો, અત્યાર સુધી તો હું આ એગ્રીમેન્ટનું પાલન કરવામાં સફળ રહ્યો છું, અને - પરમાત્માની કૃપા, સ્વજનોની શુભકામનાઓ અને આપ સહુના આશીર્વાદથી - ભવિષ્યમાં પણ સફળ જ રહેવા દ્રઢ નિશ્ચય સહિત પ્રયત્નશીલ રહીશ. (ક્રમશઃ)
•••