વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત 2081માં આપણી આ પ્રથમ મુલાકાત છે. આપ સહુ માનવંતા વાચક છો, ગ્રાહક છો, કૃપાવંત છો. આપ સહુનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વીતેલા વર્ષમાં કહો કે છેલ્લા થોડાક વર્ષોમાં ‘જીવંત પંથ’ની અનિશ્ચિતતા બદલ ક્ષમા માગું છું. સાચું કહું તો મનેય મન તો બહુ જ હોય છે કે આપ સહુ સમક્ષ રૂ-બ-રૂ થાઉં, થોડોક વિચારવિનિમય થાય, થોડીક દુઃખની ને ઘણીબધી સુખની વાતો કરીએ. એકમેકને મળી હૈયે આનંદ હિલોળા લે. પરંતુ સમયનો અભાવ નડી જાય છે. ખેર, આ જ તો જીવન છે ને... આપણું ઇચ્છયું બધું શક્ય બને તે જરૂરી નથી.
આપણે સહુ ઉજળા ભવિષ્ય તરફની યાત્રા ચાલુ રાખવા બડભાગી થયા તે ઇશ્વરકૃપા ગણવી રહી. છેલ્લા થોડાક વર્ષોથી, ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશવિદેશમાં ભારતીય સમાજ, સનાતન ધર્મના મૂલ્યો - વિચાર વધુ સ્વીકાર્ય બન્યા છે, તેને આચારવિચારમાં લાગુ થતાં જોઇ શકાય છે. આ મહિનાની શરૂઆતમાં અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં એક કરતાં વધુ રીતે સનાતન ધર્મની હિન્દુ - જૈન - શીખ - બૌદ્ધ ધર્મની વિચારસરણી ઉપસી આવતી જોવા મળી છે. પ્રમુખપદની ચૂંટણીમાં વિજયથી વિમુખ રહેલા કમલા હેરિસનાં માતુશ્રી તામિલનાડુનાં વતની છે અને પ્રમુખપદની ચૂંટણી પહેલાં મોસાળમાં કમલા હેરિસના વિજયની મનોકામના સાથે હોમહવન-કથાપૂજા-સપ્તાહ-પારાયણ વગેરે યોજાયા હતાં. તેના ઘણા બધા ફોટોગ્રાફ પણ દેશવિદેશના અખબારોમાં છપાયાં હતાં.
જીવનમાં જીત કે વિજય એ જ એકમાત્ર પ્રાર્થના કે આશાવાદનું પ્રમાણ કે પરિણામ નથી. આના કરતાં પણ વિશેષ મહત્ત્વના છે જીત કે વિજય માટે થયેલા પ્રયાસો. ઘણી વખત કોણ હાર્યું અને કોણ જીત્યુની ચર્ચા વેળા જે તે વ્યક્તિએ કરેલા પ્રયાસોની - અથાક પરિશ્રમની વાત કોરાણે મૂકાઇ જતી જોવા મળે છે. આ જૂઓને કમલા હેરિસના કિસ્સામાં પણ એવું જ છે ને. તેઓ હારી ગયાં તેની ચર્ચા બધે ચાલે છે, પણ ક્યા સંજોગોમાં અને કેટલા વિલંબથી તેમણે ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું અને પ્રચાર માટે મર્યાદિત સમય છતાં ટ્રમ્પ સામે તેમણે કેવો પડકાર ઉભો કર્યો હતો તેની ભાગ્યે જ કોઇ ચર્ચા કરતું જણાય છે.
અમેરિકામાં પણ જ્યોતિષનું તૂત બહુ ચાલે છે... પોતાની આગાહી ક્યારેય ખોટી પડી નથી તેવો ગાઇવગાડીને ઢોલ પીટતા એક ‘ભવિષ્યવેતા’એ કહ્યું હતું કે કમલા હેરિસનો વિજય પાક્કો છે. પણ જીતી ગયા ડોનાલ્ડભાઇ. આમાં કચાશ કમલાની નથી, કચાશ છે જ્યોતિષ શાસ્ત્રમાં આંધળો ભરોસો ધરાવનારાઓની. પૃથ્વી તેની ધરી પર ચોવીસેય કલાક ફરતી રહે છે અને એલન મસ્કે તરતાં મૂકેલા 6000 કરતાં વધુ સેટેલાઇટ પણ અંતરીક્ષમાં ભ્રમણ કરતાં રહે છે. એક બાબત કુદરતી છે અને તો બીજી કૃત્રિમ.
શાસ્ત્ર હોય કે તેનો જાણકાર વિદ્વાન, શ્રદ્ધા જરૂર હોવી જોઇએ, અને આ શ્રદ્ધા ક્યારેય અંધશ્રદ્ધા ન બનવી જોઇએ. શ્રદ્ધાના બળે તો ઘણા લોકો આખું જીવન તરી જતા હોય છે. આ તકે મારા પ્રિય ભજનની બે પંક્તિ ટાંક્યા વગર રહી શકતો નથી.
શ્રદ્ધા નથી જીવનમાં, સાધન શાને કરે છે,
પ્રીતિ નથી પ્રીતમમાં, પ્રેમી બને છે શાને...
આ ભજનના રચયિતા છે સ્વામી કૃપાલાનંદજી. મારું સ્પષ્ટ અને દ્રઢપણે માનવું છે કે શ્રદ્ધાની તાકાતના જોરે હિમાલય જેવા વિરાટ અવરોધને પણ ઓળંગવો શક્ય છે. અસંભવને પણ સંભવ કરી દેખાડવાની તેનામાં તાકાત છે. હા, શ્રદ્ધા રાખનાર પણ સ્વસ્થ અને સમર્પિત હોવો ઘટે.
અમેરિકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીના ઓછાયે આપણે એક યા બીજી રીતે સનાતન સંસ્કૃતિની ઝાંખી નિહાળી. નવી આકાર લઇ રહેલી સરકારમાં પણ એક યા બીજી રીતે સનાતન ધર્મ સ્પષ્ટપણે ઝળકતો જોવા મળે છે. ખરુંને?!
ગયા ગુરુવારે વેમ્બલી સ્ટેડીયમમાં અદ્ભૂત કહી શકાય તેવો પ્રસંગ નીરખ્યો. વેમ્બલી સ્ટેડીયમ એક પ્રકારે ફૂટબોલનું કાશી કહેવાય. હિન્દુ ધર્મપરંપરામાં જેમ કાશીનું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ ફૂટબોલની રમતમાં વેમ્બલીનું છે. ત્યાં ફૂટબોલ એસોસિએશનના ભાગરૂપે ફેઇથ એન્ડ ફૂટબોલ નામની પ્રવૃત્તિ ચાલે છે. ખ્રિસ્તી, યહુદી, ઇસ્લામ, શીખ અને તે જ પ્રમાણે હિન્દુઓને પણ તેમના મુખ્ય પ્રસંગોએ ખાસ આમંત્રિત કરાય છે. આ યાદગાર ઇવેન્ટનો રિપોર્ટ આપને ‘ગુજરાત સમાચાર’માં અન્યત્ર વાંચવા મળશે.
સનાતન સંસ્કૃતિક સંગીન અને શક્તિસભર વિચાર છે, અદભૂત સ્વસર્જિત આયોજન છે. એવું સર્જન કે જેનો આદી કે અંત આપણે જાણતા જ નથી. કેટલાક અન્ય ધર્મની સરખામણીએ આ તેની વિશેષતા ગણી શકાય.
કેટલીક વખત આપણા દિલોદિમાગમાં ખોટા ગૂંચવાડા ઉભા કરાય છે. આ ઊંચ છે, અને આ નીચ છે. કહેવાતા ‘વિદ્વાનો’ આવો મત રજૂ કરે છે ત્યારે મનુસ્મૃતિને ટાંકે છે તો જરૂર, પણ પોતીકો મત રજૂ કરતી વેળા તેમાં તથ્ય કે હકીકત પર અંગત ગમા-અણગમાનું આવરણ ચડાવવાનું ચૂકતાં નથી.
હમણાં ભાઇશ્રી રમેશ તન્નાનો એક કાર્યક્રમ નિહાળ્યો. જેમાં તેમણે ભારતીય સંસ્કૃતિના પાયારૂપ ચારેય વેદોનો ગુજરાતી ભાષામાં અનુવાદ રજૂ કરનાર આચાર્ય દયાળજી મુનિનો ઉલ્લેખ કર્યો છે. ટંકારામાં સામાન્ય વર્ગના દરજી પરિવારના માવજીભાઇ પરમારને જન્મેલા આ મુઠ્ઠીઊંચેરા માણસે સાહિત્ય ક્ષેત્રે જે વિદ્વતાભર્યું ખેડાણ કર્યું છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. ડિસેમ્બર 1934માં જન્મેલા આ વિદ્વાને વીતેલા સપ્તાહે 14 નવેમ્બરે આપણી વચ્ચેથી વિદાય તો લીધી છે, પરંતુ આપણને ચારેય વેદોના સરળ-સહજ ગુજરાતી અનુવાદનો મૂલ્યવાન વારસો આપતા ગયા છે.
ઘણી વખત આપણે નરી આંખે જોયેલા નજારાથી પૂર્વગ્રહયુક્ત કલ્પના કરી લેતા હોઇએ છીએ. કોઇ ભગવા ધારણ કરી લેતો તેને સંત માની લઇએ છીએ (પછી ભલેને તે અંદરથી ધૂર્ત-લફંગો હોય) અને કોઇ કપાળે ટાલાંટપકાં કરી લે તો તેને ધાર્મિક માની લઇએ છીએ ને કોઇ એક સંપ્રદાયના મંદિરે જનારને આપણે જે તે સંપ્રદાયનો અનુયાયી માની લઇએ છીએ, પછી ભલે ખરેખર એવું ના પણ હોય. આવી બધી વાતો કરીએ છીએ ત્યારે આપણે નરસિંહ મહેતાનું જાણીતું ભજન ભૂલી જઇએ છીએ. સનાતન માન્યતાના પાયામાં એક ઈશ્વર અનેક નામ.
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે...
બ્રિટનમાં છેલ્લા 50 વર્ષ દરમિયાન સનાતન ધર્મના લોકોમાં અન્યોન્ય પ્રત્યેના અભિગમમાં ખાસ્સો બદલાવ જોવા મળે છે. ઊંચનીચના ભેદ ઘટ્યા છે, જૈન-જૈનેતરો વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ છે, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચેના સંબંધોમાં વધુ સમાનતા અને સ્વીકાર્યતા જોઇ શકાય છે જે ખરેખર આવકાર્ય છે. અલબત્ત, મારો અભિગમ તો પહેલેથી જ સ્પષ્ટ રહ્યો છેઃ સર્વજન સમભાવ. અને મારો આ અભિગમ આજકાલનો નથી, સમજણો થયો ત્યારથી છે. અને આ જ વાત આપ સહુના પ્રિય ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceમાં પ્રતિબિંબિત થાય છે.
આ તબક્કે હું ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી (નિવૃત્ત) અને મુઠ્ઠીઊંચેરા અભ્યાસુ લેખક ભાગ્યેશ જ્હા સાહેબે કનુ પટેલના સહયોગમાં લખેલા અભ્યાસુ પુસ્તક ‘ચરોતરના પાટીદારોની ગૌરવ ગાથા’માં મારા વિશે ઉદારમને ટાંકેલા શબ્દો લખ્યા વગર રહી શકતો નથી. તેમણે લખ્યું છેઃ ‘સી.બી. પોતાના ગુજરાત સમાચાર અને અંગ્રેજી સાપ્તાહિક એશિયન વોઇસ બન્ને મારફતે લોકજાગૃતિ કરે અને પ્રશ્ન ઉકેલવા મથે. સી.બી. પોતે ભારતીય સમસ્યાઓને ઈંગ્લેન્ડમાં લાવવાના વિરોધી છે. તેઓ નાતજાત, કોમવાદ, ધર્મભેદના વિરોધી છે.’ (પૃષ્ઠ 122)
જ્હાસાહેબ અને કનુભાઇનો આભાર કે તેમણે મારા વ્યક્તિગત અભિગમની સાથોસાથ મારા-તમારા-સહુના પ્રિય સાપ્તાહિકોના વૈચારિક અભિગમની પણ નોંધ લીધી છે. એક પ્રકાશક-તંત્રી તરીકે મારા માટે આનાથી મોટું બહુમાન શું હોઇ શકે?
પ...ણ મારામાં આ અભિગમ વિકસ્યો કઇ રીતે? 1948ની વાત છે. નડિયાદના સંતરામ મંદિર પાસે ટાવરની બાજુમાં નવું સિનેમા ગોપાલ ટોકિઝ બન્યું હતું. કરમસદમાં રહેતાં નટુભાઇ ભાઇલાલભાઇ પટેલ (નટુમામા) મને આ થિયેટરમાં ‘સત્યવાન હરિશ્ચંદ્ર’ ફિલ્મ જોવા લઇ ગયા હતા. તેઓ મારા સગા મામા ભોગીલાલ ઉમેદલાલ પટેલના સાળા થાય.
‘સત્યવાન હરિશ્ચંદ્ર’ ફિલ્મના બન્ને મુખ્ય પાત્રો હરિશ્ચંદ્ર અને તારામતી મને બરાબર છે. મારો ચહેરોમહોરો ભલે બદલાઇ ગયા હોય, પણ અંતરમન પર અંકાયેલી યાદો આજેય તેવી જ તરોતાજા છે. ફિલ્મમાં સત્યવતી એક ગીત ગણગણે છે, જેના શબ્દો હતાઃ
જગતનિયંતાની વિશ્વ વાડી,
આ માનવપુષ્પે ખીલી રહી,
માનવમાત્ર પ્રભુના બાળક,
કોઇ ઊંચ નહીં, કોઇ નીચ નહીં.
સનાતન ધર્મની વાત ચાલી રહી છે ત્યારે એક બાબતનો ખાસ ઉલ્લેખ કરવો જ રહ્યો. હવે અહીંના સમાજમાં - ભારત ભૂમિ બહાર પણ - સનાતન ધર્મને વિશેષ આદર-સત્કાર-માન મળી રહ્યા છે. પશ્ચિમી દેશ હોય કે મધ્ય પૂર્વના દેશો, સનાતન ધર્મનો ધ્વજ ગૌરવભેર લહેરાઇ રહ્યો છે. આનો સૌથી મોટો પુરાવો છે અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર. ઇસ્લામપૂજક યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં શેખ શાસકોના ઉદાર સહકાર અને સંમતિ સાથે સાકાર થયેલા આ મંદિર થકી અફાટ રણ મધ્યે પણ સનાતન ધર્મની ધજા લહેરાઇ રહી છે તેનાથી મોટું ગૌરવ આપણા માટે શું હોઇ શકે?
સનાતન ધર્મની ધજાને વધુ ઊંચી લહેરાવતા બે ભવ્ય પ્રસંગો તાજેતરમાં ગુજરાતના આંગણે યોજાઇ ગયા. ગાંધીનગરની આગવી ઓળખ બની રહેલા અક્ષરધામમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે નિલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું. તો વડતાલધામમાં પ.પૂ. આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજીની નિશ્રામાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો. થોડાક મહિના પૂર્વે વડતાલધામના કોઠારીસ્વામી પૂ. ડો. સંતવલ્લભ સ્વામી લંડન પધાર્યા હતા અને અમારા નિવાસસ્થાને પધરામણી કરીને ઉદારમને આશીર્વચન આપ્યા હતા.
સંતસ્વામીએ લખેલો લેખ ગુજરાત સમાચારના તા. 14 સપ્ટેમ્બર 2024ના અંકમાં અક્ષરશઃ પ્રકાશિત થયો હતો, જે આપ સહુએ વાંચ્યો જ હશે. દ્વિશતાબ્દી મહોત્સવનું જે ધામધૂમથી આયોજન થયું તેને નિહાળીને ઘણા લોકો કહે છે કે વડતાલધામનું પુનરોત્થાન થયું છે, અને આના મૂળમાં છે પૂ. ડો. સંતવલ્લભસ્વામી સહિતના વરિષ્ઠ સંતગણની જહેમત. કેટલાય વાચકોએ મારું એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું કે સમગ્ર આયોજનમાં જાણીતા શિક્ષણવિદ્ પ્રો. ડો. બળવંતભાઇ જાનીનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.
બીએપીએસ હોય - વડતાલધામ હોય કે પ.પૂ. પ્રભુપાદ સ્થાપિત ઇસ્કોન હોય કે અન્ય કોઇ ધર્મસંસ્થાન હોય, આ બધા બહુવંશીય - બહુસાંસ્કૃતિક સનાતન ધર્મના સંદેશવાહકો છે તેનો કોણ ઇન્કાર કરી શકશે?
વાચક મિત્રો, વાત માત્ર સનાતન ધર્મ સ્થાનોના પ્રસાર પૂરતી જ સીમિત નથી. વિશ્વ સમસ્તમાં વિવિધ વ્યવસાયોથી માંડીને ટોચના સ્થાનોએ સનાતન ધર્મીઓ કે સનાતન ધર્મના મૂલ્યોને અનુસરનારાની સ્વીકૃતિ અને સંખ્યા વધી રહી છે. બ્રિટનના વડાપ્રધાન પદે રિશી સુનાકની પસંદગી આનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. આગામી દિવસોમાં અમેરિકાનું ઉપપ્રમુખ પદ સંભાળનાર વાન્સ ધર્મે ખ્રિસ્તી છે, પણ જાહેરમાં કહે છે કે ભારતીય પત્ની ઉષા થકી તેમને હિન્દુ મૂલ્યોનો પરિચય થયો છે અને હિન્દુ ધર્મ પ્રત્યે તેઓ વિશેષ આદર ધરાવે છે. મહત્ત્વપૂર્ણ સ્થાનો પર કોઇ પણ જાતના હિચકિચાટ - વાંધાવિરોધ વગર આપણા લોકોની પસંદગી કરાય છે. શા માટે? જવાબ છે આપણા સનાતન મૂલ્યો.
સનાતન સંસ્કૃતિના મૂળમાં અનેક પરિબળો સમાયેલા છે, અને બહુ જ જાણીતા બે મંત્રમાં તેની ઝલક જોવા મળશે. મંત્ર વાંચતા સમજાશે કે શાંતિમંત્રમાં સનાતન ધર્મસંસ્કૃતિ માત્ર માનવજાતનું જ નહીં, સમસ્ત સૃષ્ટિનું કલ્યાણનું - શાંતિ ઇચ્છે છે.
ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:,
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥
અર્થાત્, હે ઈશ્વર, શાંતિ થાવ, ત્રિભુવનમાં, જળમાં, સ્થળમાં અને આકાશમાં, અંતરિક્ષ, અગ્નિ, પવનમાં, ઔષધિ, વન, ઉપવન, સકળ વિશ્વ દેવો, બ્રહ્મમાં શાંતિ હો, સર્વને શાંતિ પ્રાપ્ત થાવ, શાંતિ અને શાંતિ પ્રાપ્ત થાવ. ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
બીજો પાવક મંત્ર છે... સહ નાવવતુ.
ॐ सह नाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्वि नावधीतमस्तु
मा विद्विषावहै।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
અમારા સહુનું રક્ષણ થાય,
અમારા સહુનું પાલનપોષણ થાય
અમે સહુ સાથે મળીને સહકારથી ઊર્જાસભર કાર્ય કરીએ
અમારા સહુની બુદ્ધિ તેજસ્વી બની રહે
અમારા સહુ વચ્ચે કોઈ પ્રકારે દ્વેષભાવ ન રહે
હે પ્રભુ, અમારામાં, પ્રકૃતિમાં અને દિવ્ય બળોમાં શાંતિ પ્રવર્તી રહે.
વાચક મિત્રો, સંવત 2081ના પ્રથમ ‘જીવંત પંથ’ના અંતે એટલું જ કહીશ કે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ગુજરાત સમાચાર - Asian Voice અવિરત આગેકૂચ કરી રહ્યા છે તે વાતનો મને અત્યંત આનંદ છે. આપ સૌના આશીર્વાદ છે. આગામી થોડાક સપ્તાહોમાં જ આપણે 2025નું સ્વાગત કરીશું. નવું વિક્રમ સંવત આપણા સહુના માટે શુભદાયક - સુખદાયક - સમૃદ્ધિદાયક બની રહે તેવી અભ્યર્થના સહ... (ક્રમશઃ)