વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ સુવિદિત છો કે મને હિન્દુ હોવાનું સદાસર્વદા ગૌરવ રહ્યું છે. સનાતન ધર્મની મારી સમજમાં હિન્દુ, જૈન, શીખો અને બૌદ્ધ - એમ ચારેય ધર્મપ્રણાલિનો મહદ અંશે સમાવેશ થાય છે. ચારેય ધર્મસંસ્કારમાં ૐ તથા અન્ય પરંપરાઓ સૈકાઓથી વિદ્યમાન છે તેનો કોણ ભલા ઇન્કાર કરી શકશે?! હા, અધ્યાત્મની ફિલસૂફીમાં અમુક પ્રકારનો તફાવત અવશ્ય જોઇ શકાય છે. પરંતુ આના એકથી વધુ કારણ હોય શકે. એક કારણ એવું પણ ખરું કે સનાતન હિન્દુ ધર્મનો ઉદભવ તો યુગો યુગોથી થયો છે. આઠ-દસ હજાર વર્ષથી સંગીન સ્વરૂપ આપણે જોઇ શકીએ છીએ. કાળક્રમે લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે બૌદ્ધ અને જૈન ધર્મ ઉદભવ્યા કે ૫૫૦ વર્ષ પૂર્વ શીખ ધર્મ પણ સ્થપાયો. આપણો જૂનાગઢી નરસૈંયો કહે છે તેમ - નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય... તેના જેવી આ વાતો છે. હિન્દુ મંદિરો, હિન્દુ સંસ્થાઓ, હિન્દુ સંગઠનો, પ્રસંગો, ઉત્સવો, મહોત્સવો કે તે બધામાં શક્ય બને તેટલા સામેલ થવામાં, શીશ નમાવવામાં સાચે જ મને ખૂબ ખૂબ પ્રાપ્ત થાય છે. જોકે શનિવારે (૫ નવેમ્બરે) લાભપાંચમના સપરમા પર્વે અનેકગણો લાભ મને પ્રાપ્ત થયો.
‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત ‘શ્રી સનાતન હિન્દુ મંદિર નિર્મિત ભવ્ય કોમ્યુનિટી હોલનું વિધિવત્ ઉદ્ઘાટન’ સમાચાર આપ સહુએ વાંચ્યા જ હશે. આ કોમ્યુનિટી હોલ અનેકવિધ અદ્યતન સુવિધાથી સજ્જ હોવાની જાણકારી સાથે આપ સહુએ ભવ્ય ધાર્મિક આયોજનો કરતી વલ્લભનિધિ-યુકે સંસ્થાના હોદ્દેદારોના નામો પણ વાંચ્યા હશે. આ મહાનુભાવોના નામ અને કામથી તો આપણે અને આપણો સમાજ બહુ સારી રીતે પરિચિત છે જ તેથી પુનરોક્તિ ટાળી રહ્યો છું.
શનિવારે મને આ ઉજવણીમાં સામેલ થવાનું સદભાગ્ય સાંપડતા ધન્ય ધન્ય થઇ ગયો. આ ઉંમરે જોશભેર હરીફરી શકાય છે અને એક યા બીજા પ્રકારે નાનામોટા ધાર્મિક-સામાજિક મેળાવડામાં હાજરી આપી શકાય છે તેના પરિણામે જીવન જીવવાનું જે જોશ પ્રાપ્ત થાય છે તે ખરેખર અમૂલ્ય છે. અને આ બધામાં આપ સહુના પ્રેમ-માન-સન્માનની લાગણી ઉમેરાય, એટલે મારા માટે તો જાણે સોનામાં સુગંધ ભળી. મારા તન-મનની બેટરી ફુલ રિચાર્જ થઇ જાય. જોકે વલ્લભનિધિ-યુકેના કોમ્યુનિટી હોલના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ખરેખર હૃદયસ્પર્શી બની રહ્યો. આ પ્રસંગ મને અતીતની સફરે લઇ ગયો. ચાલોને... આપની સમક્ષ પણ તેની હાઇલાઇટ્સ રજૂ કરી જ દઉં...
વૈષ્ણવ સંપ્રદાયમાં લોટી મહોત્સવનું આગવું મહત્ત્વ રહ્યું છે. બ્રિટનની ધરતી પર પહેલી વખત ધામધૂમથી લોટી મહોત્સવ ઉજવાયો ૧૯૭૫-૭૬માં. સેન્ટ્રલ લંડનમાં કિંગ્સક્રોસ વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં આ ધાર્મિક ઉત્સવનું આયોજન થયું હતું. ઋષિતુલ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી (હા, ભ’ઇ હા... સોલા ભાગવત વિદ્યાપીઠ વાળા જ) મુખ્ય આચાર્યપદે હતા તો યજમાનપદે હતા પ. પૂ. શાંતાબા મૂળજીભાઇ પટેલ.
કરમસદના વતની શાંતાબાનો પરિવાર યુગાન્ડાના મ્બાલેમાં જઇ વસ્યો હતો. સમયાંતરે સરમુખત્યાર ઇદી અમીને પોત પ્રકાશ્યું અને ભારતીયોની હકાલપટ્ટીનો આદેશ આપ્યો. આપણા હજારો - લાખો ભાઇભાંડુઓએ રાતોરાત આફ્રિકામાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. તેમાં પૂ. શાંતાબાનો પરિવાર પણ સામેલ. સંતાનો સાથે લંડન આવીને સ્થાયી થયા. સુખી-સમૃદ્ધ થયા.
૧૯૭૨-૭૩માં યુગાન્ડાથી બ્રિટન આવીને વસેલાં ભારતીયોમાંથી મોટા ભાગના દોરીલોટો લઇને આવ્યા હતા. તે વેળા આ દેશમાં વેપાર-ધંધામાં સક્રિય ગુજરાતીઓની સંખ્યા નહીંવત્ હતી. અમારા પરિવાર પાસે પાંચેક શોપ હતી અને આ બંદો ફૂલટાઇમ શોપકીપર હતો. દિવસ દરમિયાન વ્યાવસાયાર્થે અમારી શોપની મુલાકાતે આવતા ન્યૂઝ ડિસ્ટ્રીબ્યૂટર્સ, કન્ફેશનરીના વિક્રેતાઓ, ટોબેકો ડિલર્સથી માંડીને સહુ કોઇ લગભગ એકાંતરા ખબર લાવતા કે ‘આગળ વધુ એક શોપ એશિયને લીધી છે...’.
વાચક મિત્રો, નવો પ્રતિસ્પર્ધી ઉભો થયાનું જાણીને કોઇ પણ વેપારીના પેટમાં ચિંતાનું તેલ રેડાય, પણ સાચું કહું તો આવા સમાચાર જાણીને મને હરખ થતો. કોઇને પણ સવાલ થવો સ્વાભાવિક છે કે સી.બી., આવું ઊંધું કેમ? તો હું એટલું જ કહી શકું કે આ ‘એશિયન’ એટલે મોટા ભાગે આપણા ભારતીય, અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી જ હોય. આપણા ‘ભાઇભાંડુ’નો પરિવાર સુખીસમૃદ્ધ થઇ રહ્યો હોવાનું જાણીને ક્યા ભારતીયને આનંદ ન થાય?! ભલે બ્રિટનમાં વસતો હોઉં, પણ ભારતીય તો ખરો જ ને...
યુગાન્ડાથી ૨૮ હજાર જેટલા ભારતીયો અહીં આવીને વસ્યા હતા. બેથી ત્રણ વર્ષમાં જ તેમણે મહાનગર લંડનના શહેરી વિસ્તારોમાં પાંચેક હજારથી વધુ નાનીમોટી શોપ ખરીદી. તેનું રિનોવેશન કર્યું. મોટા ભાગે તો ગ્રોસરી શોપનો ઓપ આપ્યો. અને વેપારવણજના વિકાસ સાથે સમગ્ર વિસ્તારને પણ નવી ઓળખ, નવું સ્વરૂપ આપ્યું. મિત્રો, ભારતીયોની પ્રગતિથી માત્ર મને જ રાજીપો હતો એવું નહોતું, બ્રિટિશ શાસકો પણ ભારતીયોની ઉન્નતિથી ખુશ ખુશ હતા.
મને યાદ છે કે ૧૯૭૮માં લેસ્ટર સિટી કાઉન્સિલના લીડર હતા રેવરન્ડ કેન મિડલ્ટન. તેમણે મને રૂબરૂમાં કહ્યું હતું જે તે વેળાના ગુજરાત સમાચાર અને ન્યૂ લાઇફ (એશિયન વોઇસનું પૂરોગામી)માં લખ્યું હતું કે ‘અમારો બેલગ્રેવ રોડ, લફબરો રોડ કે નાર્બરો રોડ લગભગ મૃતઃપ્રાય હતા. ઔદ્યોગિક ક્રાંતિના વળતા પાણીમાં લેસ્ટરની જાહોજલાલી ઝાંખી પડી રહી હતી. આ સમયે યુગાન્ડા તેમજ આફ્રિકાના કેન્યા, ટાન્ઝાનિયા જેવા દેશોમાંથી અહીં આવીને વસેલા ભારતીય સમુદાયની રાતદિવસની જહેમતે સમગ્ર વિસ્તારની સિકલ બદલી નાખી છે. લેસ્ટર હોય કે માંચેસ્ટર, બર્મિંગહામ હોય કે લીડ્સ, કે પછી લંડન હોય કે આસપાસના નાનામોટા નગરો... સાહસિક એશિયન સમુદાયે આ દેશની સ્થાનિક પ્રજાનો વિશ્વાસ જીત્યો, આગવી નામના મેળવી, પ્રતિષ્ઠા પણ હાંસલ કરી.’ ૧૯૮૦ના ગાળામાં બ્રિટિશ રાજકારણીઓ તો શું શાહી પરિવાર પણ સ્વીકારતો થઇ ગયો હતો કે ગઇકાલના શરણાર્થીઓ આજે આ દેશના વિકાસમાં અનેકવિધ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહ્યા છે.
વાચક મિત્રો, ઘણી બધી વાતો કરવાનું મન તો થાય છે, પણ રસ્તો લાંબો છે ને સમય ટૂંકો છે. પાછા વળ્યા વગર છૂટકો નથી. તો ચાલો... આપણી વાત ચાલતી હતી ૧૯૭૫-૭૬માં યોજાયેલા લોટી મહોત્સવની.
શાસ્ત્રીદાદા સાથે અમારો દસકાઓ જૂનો સંબંધ. તેઓ નડિયાદની માંકડા પોળમાં રહેતા હતા. જ્યારે મારા મામા ભોગીલાલભાઇ નડિયાદની જ ચોક્સી પોળમાં રહેતા હતા. આમ પૂ. દાદા સાથે ૫૦ના દસકાથી જ પરિચય હતો. આ લોટી મહોત્સવ દરમિયાન પ. પૂ. કાશીબાનો પરિચય થયો. તેઓ ધર્મજના વતની હતા અને મ્બાલેથી લંડન આવીને વસ્યા હતા. બન્ને એકબીજાના પરિચિત હતા. એક સમયે ચિઝિક વિસ્તારમાં અમારી ત્રણેક શોપ હતી, તેમાં ૪૪૬ ચિઝિક રોડની સામે આવેલી ન્યુઝ એજન્ટ શોપ કાશીબાના પુત્ર રમણભાઇ અને તેમના પરિવારની માલિકીની હતી. અમે દાદાજીને પધરામણી માટે તેડાવ્યા હતા. આ સમયે શાંતાબા, કાશીબા સહિત તેમના પુત્રો પણ ખાસ હાજર રહ્યા હતા. દાદાજીના આશીર્વચન બાદ ઔપચારિક વાતચીત ચાલી હતી તે દરમિયાન મુદ્દો ઉખળ્યો કે આખા લંડનમાં વૈષ્ણવ સંપ્રદાયનું કોઇ મંદિર નથી.
આ મુદ્દો છૂટોછવાયો તો અવારનવાર, એક યા બીજા પ્રસંગે ચર્ચાતો રહેતો હતો, પરંતુ આજે તો દાદાજીની હાજરીમાં ચર્ચા ચાલી હતી ને! વાચક મિત્રો, સત્પુરુષોનું સાંનિધ્ય, તેમના આશીર્વચન અને તેમની પ્રેરણાનો પ્રભાવ જ કંઇક અલગ હોય છે. ધર્મપ્રેમીઓની લાગણી જાણીને પૂ. કૃષ્ણશંકરદાદાએ તરત જ પહેલ કરતાં કહ્યું કે ચાલો, વલ્લભનિધિ મંદિર માટે હું જ શુભ શરૂઆત કરું છું... અને આમ વલ્લભનિધિ-યુકેનું વિચારબીજ રોપાયું. (આજે આ સંસ્થા બ્રિટનમાં વૈષ્ણવ સંપ્રદાયની જ નહીં, સનાતન હિન્દુ પરંપરાના વટવૃક્ષ સમાન બની રહી છે.)
થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરું તો... ૧૯૭૮-૭૯માં વલ્લભનિધિ-યુકે દ્વારા ઇસ્ટ લંડનમાં લેટનસ્ટોન વિસ્તારમાં વ્હીપ્સક્રોસ ખાતે શ્રીનાથજી સનાતન મંદિરનો શુભારંભ થયો. તે વેળા મંદિરના હોદ્દેદારોમાં રમણભાઇ પટેલ, રતિલાલ જોબનપુત્રા, બાલમુકુંદ પરીખ, નલીનકાંત પંડ્યા, જેવા કંઇકેટલાય ધર્મપ્રેમીઓ સંસ્થાની સેવામાં સમર્પિતભાવથી સક્રિય હતા અને ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા હતા.
પરમ પૂજ્ય ઇંદિરાબેટીજીની ઉપસ્થિતિમાં વ્હીપ્સક્રોસમાં વલ્લભનિધિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઇ. તે વેળા દારે-સલામથી લંડન આવેલા જેઠાલાલ કલ્યાણજી નાકર અને તેમના પરિવારે ૧૦ હજાર પાઉન્ડની માતબર જંગી સખાવત આપી હતી. આજના મૂલ્યે ગણવા જાવ તો આંકડો દોઢેક લાખ પાઉન્ડ કરતાં પણ વધી જાય. વાતને આગળ વધારું તે પહેલાં એ પણ ઉલ્લેખ કરી જ દઉં કે જેઠાલાલ સાહેબના પુત્રો જશવંતભાઇ અને રજનીભાઇ આજે પણ અવારનવાર મળતા જ રહે છે. જશવંતભાઇએ તો કમાલ કરી છે.
વર્ષોપૂર્વે તેઓ યુગાન્ડાથી દારે-સલામની શાળામાં અભ્યાસ કરવા આવેલા સુશીલાબહેન સાથે જશવંતભાઈનો પરિચય થયો. ઓળખાણ મિત્રતામાં પરિણમી. અને મિત્રતા પ્રેમમાં. મોટા ભાગના ટીનેજર્સ સંબંધોનું આયુષ્ય અલ્પ જોવા મળતું હોય છે, પરંતુ આ પ્રેમસંબંધ ફૂટકળિયા મોતી જેવો નહીં, પણ હીરા જેવો નક્કર હતો. સમયના વહેવા સાથે જશવંતભાઇ અને સુશીલાબહેન લગ્નબંધને બંધાયા. આજે આ વાતને પાંચેક દાયકા વીતી ગયા છે, પણ તેમના જીવનમાં પ્રેમનો હીરો આજે પણ ઝળાહળાં થઇ રહ્યો છે. વાચક મિત્રો, તમે કદાચ કહેશો કે સીબી, તમે તો ભ’ઇ જશવંતભાઇ વિશે કંઇ બહુ જાણો છો ને... તમારી વાત તો સાચી. સતત સંપર્કના લીધે તો આ બધી વાતોથી માહિતગાર હતો જ, પરંતુ જશવંતભાઇ (કદાચ પહેલો) એવો ભાયડો છે કે જેણે એક સચિત્ર પુસ્તિકા (An affiar to remember) લખીને જીવનસાથી સુશીલાબહેન પ્રત્યેનો અખૂટ પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમાં દંપતીના જીવનની ઘણી બધી વાતો છે.
ચાલો, પાછા વલ્લભનિધિ-યુકે મંદિરે પહોંચીએ... વ્હીપ્સક્રોસમાં વલ્લભનિધિ મંદિરનું નિર્માણ થયું તેના વર્ષોપૂર્વેથી આદરણીય રસિકાબહેન પટેલ વૈષ્ણવ સંપ્રદાયમાં સક્રિય. વલ્લભનિધિ-યુકે બન્યું તેમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત જોડાયા અને ઇસ્ટ લંડન મંદિરની તો સંપૂર્ણ જવાબદારી છેલ્લા ૩૯ વર્ષથી સંભાળી રહ્યા છે. સાચે જ ઇલિંગ રોડ પર આવેલા સનાતન મંદિરની સ્થાપના અને સફળતામાં વ્હીપ્સક્રોસના ધર્મપ્રેમીઓનું સમર્થન અને તેમનું આર્થિક પીઠબળ ખૂબ પાયાનું અનુદાન છે.
૧૯૮૫માં મને પણ વલ્લભનિધિ-યુકેના ટ્રસ્ટી મંડળમાં જોડાવાનું આમંત્રણ મળ્યું, અને જોડાયો પણ ખરો. અન્ય કાર્યોના દબાણથી દસેક વર્ષ બાદ રાજીનામું આપ્યું. બ્રિટનના આસમાનમાં હિન્દુ ધર્મની ધજા ફરકાવી રહેલી સંસ્થાના પ્રચાર-પ્રસારમાં જોડાવાનું કોઇ પણ હિન્દુ માટે ગૌરવપ્રદ જ હોય તે નિશંક છે. તે વેળા રમણભાઇ, રતીલાલ જોબનપુત્રા, શાંતુભાઇ રુપારેલ, એન. ટી. પંડ્યાજી તેમજ અન્ય હોદ્દેદારોએ સંસ્થાના વિકાસ માટે દિવસ-રાત એક કર્યા હતા એમ કહું તો પણ ખોટું નથી.
આ દરમિયાન ધર્મપ્રેમી ભારતીયોમાં વેમ્બલીમાં પણ મંદિરનું નિર્માણ થવું જોઇએ તેવી લાગણીસભર માગણી ઉઠી. યોગ્ય સ્થળની તપાસ શરૂ થઇ. ઇલિંગ રોડ પર મોકાની જગ્યાએ બ્રેન્ટ કાઉન્સિલના જૂના ટીચર્સ ટ્રેનિંગ સેન્ટરની જગ્યા અમને મળી. જગ્યા બહુ વિશાળ, સરસ અને મોકાની હોવાનું અમને લાગ્યું. ૧૯૯૦ની આસપાસનો આ સમય હતો. ખરીદીની દસ્તાવેજી કામગીરી પૂર્ણ કરી.
પૂજ્ય રામબાપાએ પ્રાણલાલ શેઠ તેમજ અન્ય ધર્મપ્રેમીઓની મદદથી એક સનાતન હિન્દુ ટ્રસ્ટ રચ્યું હતું. સંસ્થામાં દોઢ-બે લાખ પાઉન્ડનું જંગી ભંડોળ પણ હતું. પૂ. રામબાપા સહિતના ધર્માનુરાગી ટ્રસ્ટીઓએ સંસ્થાનું ભંડોળ મંદિર નિર્માણ માટે ફાળવવાનો નિર્ણય કર્યો. તેમની લાગણી કંઇક આવી હતીઃ તમે વેમ્બલીમાં વલ્લભનિધિ મંદિરનું નિર્માણકાર્ય કરી રહ્યા છો તેમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપ અનુદાન પણ સ્વીકારો તેવી અમારી ઇચ્છા છે. કેવી ઉદ્દાત ભાવના!
મંદિર નિર્માણની કામગીરી તો સરસ રીતે શરૂ થઇ હતી, પરંતુ સારા કામમાં સો વિઘ્ન આવે. ખરુંને? આમાં પણ એવું જ થયું. સમસ્યાની વણઝાર ખૂટતી નહોતી. જોકે ૧૯૯૫ પછી - આજે ઇલિંગ રોડ પર જોવા મળતા - સનાતન મંદિરની સ્થાપના માટેના ચક્રો ગતિમાન બન્યા. લગભગ પાંચ મિલિયન પાઉન્ડના ખર્ચે ભવ્ય મંદિર અને કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન હાથ ધરાયું. આ મંદિરના નિર્માણમાં તે વેળા સ્હેજસાજ સેવા કરવાનો મને પણ અવસર મળ્યો તેને હું મારા વડીલોનું પૂણ્ય અને મારું સદભાગ્ય સમજું છું.
ખેર, સંક્ષિપ્તમાં કહું તો વલ્લભનિધિ સંસ્થાને અનેકવિધ સમસ્યાઓ અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. જોકે આ સમસ્યાઓ કે સંઘર્ષો કરતાં પણ વધુ તકલીફ અને પીડાદાયક બાબત તો એ હતી કે આપણા જ સમાજના એક કહેવાતા નેતા લાંબાલચક અને આક્રોશભર્યા પત્રો લખી સતત વિવાદ ચગાવતા રહેતા હતા. આવા લોકોના (બદ)ઇરાદા આડે તો આપણે હાથ કેમ દઇ શકીએ? પરંતુ સહુ કોઇએ પોતપોતાના સ્તરે મહેનત ચાલુ રાખી અને મહેનતનું મીઠું ફળ આપણી નજર સમક્ષ છે. સમયાંતરે
ડો. હરિશભાઇ રુઘાણી વલ્લભનિધિ સંસ્થાના ચેરમેન બન્યા. નાનીમોટી તકલીફો પણ સર્જાઇ. ડો. રુઘાણીના નિધન બાદ આ સંસ્થાની નાવનું સુકાન વહીવટમાં કાબેલ અને વિનમ્રતાને વરેલા નરેન્દ્રભાઇ ઠકરારે સંભાળ્યું. તેમણે નવા ટ્રસ્ટી મંડળના સહયોગમાં સંસ્થાને વધુ મજબૂત બનાવી. સહુ કોઇએ શાંતચિત્તે સહિયારા પ્રયાસો કર્યા. વિવાદો ટાળીને ચોટલી બાંધીને કામ કર્યું. અને નરેન્દ્રભાઇના સક્ષમ નેતૃત્વના પરિણામે પાંચેક વર્ષ પૂર્વે ભવ્ય અને નયનરમ્ય મંદિરનું નિર્માણકાર્ય સંપન્ન થયું.
શનિવારે, લાભપાંચમના સપરમા પર્વે મંદિર સંકુલમાં કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન થયું. ભજનકીર્તનનો સુંદર કાર્યક્રમ થયો. અગ્રણીઓથી માંડીને ભારતીય સમુદાયના અદનામાં અદના આદમીની ઉપસ્થિત ઊડીને આંખે વળગતી હતી.
હું આ પ્રસંગે હાજરી આપીને ટ્યુબમાં પૂ. શાન્તાબા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યો હતો. મારી આદતથી વિપરિત નિયત સમય કરતાં થોડોક મોડો અવશ્ય હતો, પરંતુ ચિંતા કે ક્ષોભના બદલે આનંદવિભોર હતો. આ ભગીરથ કાર્યમાં મને પણ સામેલ કરવા બદલ હું પરમ કૃપાળુ પરમાત્માનો અંતઃકરણપૂર્વક આભાર માની રહ્યો હતો. સનાતન હિન્દુ ધર્મના દરેક અનુયાયી માટે રામસેતુના નિર્માણ સમાન આ મંદિરના નિર્માણમાં મેં પણ પે’લી ખિસકોલી જેટલું અનુદાન આપ્યું હોવાની વાત યાદ આવે છે ત્યારે હૈયું ગદગદ થઇ જાય છે. નામી-અનામી અનેક લોકોએ આ મંદિરના નિર્માણ માટે આર્થિકથી માંડીને અનેક પ્રકારે નાનો-મોટો સહયોગ આપ્યો છે તે સહુ કોઇનો આપણે પાડ માનવો રહ્યો.
મારે આ પ્રસંગે બીજી પણ ઘણી રજૂઆતો કરવી હતી, પરંતુ મારા સાથીદાર પૂરપાટ ઝડપે દોડી રહેલી મારી કલમ-એક્સપ્રેસ સામે લાલ બત્તી હલાવી રહ્યા છે, એટલે અટક્યા વગર છૂટકો નથી, પરંતુ થોડીક સંકલિત વાતો કરીને.
લગભગ એક જ અરસામાં પ્રેસ્ટન અને ઇલિંગ રોડ મંદિરનું નિર્માણકાર્ય હાથ ધરાયું હતું, પરંતુ પ્રેસ્ટન મંદિરનું નિર્માણ સડસડાટ ચાલ્યું અને બે-ત્રણ વર્ષમાં તે પૂરું પણ થઇ ગયું. અત્યારે આ મંદિર ધાર્મિક-સામાજિક-સાંસ્કૃતિક-સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે.
હું એમ પણ જાણું છું કે જે તે સંપ્રદાયના મંદિરોના સંચાલન કે તેના વહીવટમાં કોઇને કોઇ ગુરુ હાજરાહાજુર રહેતા હોવાથી અમુક પ્રકારની સરળતા સર્જાતી હોય છે. જ્યારે સનાતન મંદિરમાં દર વર્ષે કે એકાંતરા વર્ષે કે પાંચ વર્ષે વહીવટી સમિતિના હોદ્દેદારોની ચૂંટણી થતી હોય છે. આવી સમિતિમાં નાનામોટા મતભેદો, પ્રશ્નો ઉભા થતા રહે છે તે એક પ્રકારે મર્યાદા ગણી શકાય. પરંતુ મને લાગે છે કે વાદવિવાદ, વિચારભેદ એ બધું હિન્દુ ધર્મની આગવી શક્તિ છે, પરંપરા છે. આ વાત ફરી ક્યારેક માંડશું. કલમ-એક્સપ્રેસ અંત ભણી આગેકૂચ કરી રહી છે ત્યારે એટલું જ કહીશ કે નૈઋત્ય લંડનના ભવ્ય સનાતન મંદિર તેમજ હોલ સહિતની અન્ય સગવડ-સુવિધાઓના નિર્માણકાર્ય માટે તન-મન-ધનથી સહયોગ આપનાર સહુ કોઇનો તેમજ સમગ્ર આયોજનમાં જે પરિવારે સૌથી વધુ આર્થિક અનુદાન આપ્યું છે તે રમણભાઇ ગોકળભાઇ પરિવારનો આપણે સહુએ આભાર માનવો રહ્યો.
•••
પ્રવીણકાકા, વાયદો કેમનો પૂરો કરું?
રાજકોટનિવાસી આદરણીય પ્રવીણકાકા મણિયારના નિધનના સમાચાર જાણીને આંચકો અનુભવ્યો. આ અંગેના સમાચાર તો આપ ગુજરાત સમાચારના આ અંકમાં અન્યત્ર વાંચશો જ, પરંતુ મારે તો તેમની સાથેના અંતરંગ સંબંધની યાદ તાજી કરવી છે. અબાલવૃદ્ધ સહુ કોઇ માટે ‘પ્રવીણકાકા’ એટલે અત્યંત આદરભર્યું વ્યક્તિત્વ. આમાં હું પણ ખરો. શિક્ષણવિદ્ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોવડી - વગેરે તેમની જાણીતી ઓળખ, પણ મારા મતે તેઓ ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિના પ્રચારક-પ્રસારક હતા. અમારી બન્ને વચ્ચે ઉંમરમાં માત્ર બે’ક વર્ષનો ફરક, છતાં વર્ષોથી નાના ભાઇ તરીકે તેઓ મારી ખૂબ કાળજી રાખતા.
વાત બે દસકા પૂર્વેની છે, પણ દિલોદિમાગમાં હજુ ગઇકાલની ઘટના જેટલી જ તાજી છે. પોરબંદર-જામનગર વચ્ચેનું ભાટિયા ગામ વાવાઝોડામાં તહસનહસ થઇ ગયું હતું. સહુ કોઇ અસરગ્રસ્તોની સહાય માટે શક્ય પ્રયાસ કરી રહ્યા હતા. સેવા ઇન્ટરનેશનલે હમવતનીઓની સેવા માટે તે જમાનામાં એકાદ લાખ પાઉન્ડ જેટલું જંગી ભંડોળ એકત્ર કર્યું. આખા ગામનું પુનર્વસન કર્યું. નાતજાતના કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર, સહુ કોઇ માટે આવાસ સહિતની સુવિધાઓનું નિર્માણ થયું.
આ ગામના લોકાર્પણ માટે ગુજરાતના તત્કાલીન ગવર્નરની સાથોસાથ મને પણ રિબન કટિંગનો મહામૂલો અવસર સાંપડ્યો હતો. કાર્યક્રમ નમતી સાંજે હતો. કાર્યક્રમ તો રંગેચંગે સંપન્ન થયો, પણ મારી મુશ્કેલી એ હતી કે બીજા દિવસે મળસ્કે લંડન પરત ફરવા અમદાવાદથી મારી ફ્લાઇટ હતી. ભાટિયા અને અમદાવાદ વચ્ચે અંતર પણ વધુ, અને તે સમયે રસ્તા પણ આજના જેટલા સારા નહીં. અમદાવાદ કઇ રીતે પહોંચવું તેની મથામણમાં હતો.
‘સર્વમિત્ર’ પ્રવીણકાકા મારી મૂંઝવણ પારખી ગયા. ગવર્નરસાહેબનું હેલિકોપ્ટર રાત્રે ૧૦ વાગ્યે ગાંધીનગર માટે ટેઇકઓફ કરવાનું હતું. ગવર્નરસાહેબને વિનંતી કરીને તેમની સાથે હેલિકોપ્ટરમાં બેસાડી દઇને મને ગાંધીનગર પહોંચાડી દીધો. હું પ્રવીણકાકાને ‘સર્વમિત્ર’ ગણાવું છું તેનું કારણ જ આ છે. તેમને તકલીફની ખબર પડવી જોઇએ, તમારી મદદે પહોંચી જ જાય. સદા હસતા રહેવાનું, અને સહુનો ઉત્સાહ વધારતા રહેવાનું. નમ્ર અને સાલસ વ્યક્તિત્વ, પરંતુ જરૂર પડ્યે કડકાઇ પણ દાખવી જાણે.
ગયા રવિવારે, ૬ નવેમ્બરે ફોન આવ્યો. ‘શું સીબી, ક્રિકેટ જોવા આવવાના છો?’ તેમનો પ્રશ્ન રાજકોટમાં રમાનારી ભારત-ઇંગ્લેન્ડ પહેલી ટેસ્ટ મેચ સંદર્ભે હતો. મારો નકાર સાંભળીને તરત જ પૂછ્યુંઃ ઘણો ટાઇમ થ્યો, આ બાજુ આવવાનો ક્યારે પ્રોગ્રામ છે?
જાન્યુઆરીમાં ગુજરાત આવવાનું વિચારી રહ્યો છું એવો જવાબ આપ્યો કે તરત જ બોલ્યા, ‘ગમેત્યારે આવો, આ વખતે બે દિવસ તો મારે ત્યાં જ રોકાવાનું છે... આ વખતે કોઇ ગલ્લાંતલ્લાં નહીં ચાલે...’ પ્રેમભર્યો આગ્રહ જ એવો કે ગમેતેવાને લાગણીથી ભીંજવી દે. મારો જવાબ હતોઃ ‘જરૂર વડીલ, આ વખતે તો વચન આપું છું... રાજકોટમાં મુકામ પાક્કો.’
કાકા તો ગયા. શું થાય? ઇશ્વરેચ્છા સામે કોઇનું શું ચાલવાનું હતું?
ભારતીય સંસ્કારવારસાની સેવામાં હર પળે પ્રતિબદ્ધ એવા પ્રવીણકાકા અને તેમનો પ્રેમ મારા જેવા અનેકાનેક માટે આજીવન સંભારણું બની રહેશે. વડીલને દૂરદૂરથી મારા જય જિનેન્દ્ર... વેલડન કાકા... (ક્રમશઃ)