વડીલો સહિત સહુ વાચક મિત્રો, આવતા વર્ષે ભારતને આઝાદી મળ્યાને ૭૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ભારત ભૂમિમાં વસતાં દેશબાંધવો - ભગિનીઓ તેમજ વ્યાપક સંખ્યામાં વિદેશમાં વસી રહેલા ભારતીયવંશજો આ ઐતિહાસિક અવસરની યથાયોગ્ય ઉજવણીના આયોજનમાં પ્રવૃત્ત થયા છે. આપ સહુનાં લાડીલા ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ પણ આ પ્રસંગની ઉજવણી માટે કેટલાક મહિનાઓથી સુવ્યવસ્થિત આયોજન કરી રહ્યા છે. યોગાનુયોગ આપના આ અખબારોને પણ આવતા વર્ષે ૪૫ વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ પ્રસંગે એક વિશેષાંક પ્રકાશિત કરવાનું આયોજન થયું છે, જે ભારતના ભવ્ય ભૂતકાળ, વર્તમાન અને અત્યંત આશાસ્પદ ભવિષ્યની ઝાંખી રજૂ કરતા વિદ્વાન લેખકોના અભ્યાસ અને સંશોધનપૂર્ણ લેખોથી વાંચનસમૃદ્ધ હશે. વિશેષાંકમાં બ્રિટનમાં વસતાં ગુજરાતીઓના અનુદાનને ઐતિહાસિક તથા વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આલેખવાનું આયોજન થઇ રહ્યું છે.
અખંડ ભારતના શિલ્પી સરદાર
આવતા સોમવારે સરદારશ્રીનો ૧૪૧મો જન્મદિન દેશભરમાં ઉજવાશે. આ પ્રસંગે આપણા સમુદાય દ્વારા હરખભેર, ઉત્સાહભેર સરદાર સ્મૃતિ વંદનાના કાર્યક્રમો યોજાયા છે. દેશની આઝાદીના સાત દસકા બાદ પણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓને યાદ કરવામાં આવે છે ત્યારે ગાંધીજી પછી બીજા સ્થાને સરદારસાહેબને સૌથી વધુ અને ગૌરવભેર યાદ કરવામાં આવે છે. ૭૦ વર્ષ પૂર્વે ૧૯૪૬માં સરદાર સાહેબને વાઇસરોય લોર્ડ વેવેલની કારોબારી સમિતિમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતના આંતરિક પ્રશ્નો અને સવિશેષ તો ૫૬૨ રજવાડાંઓના ભારતમાં વિલીનીકરણના કુટિલ પ્રશ્નના ઉકેલની જવાબદારી સરદારશ્રી ઉઠાવે તેમ સહુ કોઇ ઇચ્છતા હતા. લોર્ડ માઉન્ટ બેટન હિન્દુસ્તાનના છેલ્લા વાઇસરોય તરીકે ૧૯૪૭માં ભારત જઇ પહોંચ્યા. ગાંધીજી કોંગ્રેસના ચાર આની સભ્ય ન હોવા છતાં ભારતમાં તેમના પોતાના નૈતિક પ્રભાવથી સર્વસંમત નેતા તરીકે ઉભર્યા હતા. લોર્ડ માઉન્ટ બેટને જોયું કે ગાંધીજીની સાથે જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ ભારતની આઝાદી માટે ભારે પરિશ્રમ તેમજ જવાબદારી ઉઠાવી રહ્યા છે અને આ ત્રિપુટિ નવા પ્રગતિશીલ રાષ્ટ્રની સ્થાપનાનું સ્વપ્ન સાકાર કરશે જ. સરદાર સાહેબ અને લોર્ડ માઉન્ટ બેટન વચ્ચે કોણ જાણે કેમ પણ બહુ વિશ્વાસપાત્ર સંબંધો હતા. લોર્ડ માઉન્ટ બેટન બ્રિટિશ શાહી પરિવારના સભ્ય હતા અને વાઇસરોય તરીકે તેમની વરણી બ્રિટિશ સામ્રાજ્ય ભારતમાંથી વિદાય લઇ રહ્યું હતું તેવા નાજુક તબક્કે થઇ હતી.
ભારત ભલે બ્રિટિશ તાજમાંથી છૂટું પડી રહ્યું હોય, પરંતુ બ્રિટન સાથે તેના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ મજબૂત બનાવવાની જવાબદારી સાથે તેમને મોકલવામાં આવ્યા હતા. સરદારે ભારતના રજવાડાઓનાં એકીકરણમાં એક અવર્ણનીય કાર્યસિદ્ધિ હાંસલ કરી હતી એ તો હકીકત છે, પણ ૧૯૪૬ના ઓક્ટોબરથી ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેમણે જીવનપર્યંત ભારતના અનેક ગૂંચવાડા ઉકેલવા માટે ભારે પરિશ્રમ ઉઠાવવો પડ્યો હતો. તેમની તબિયત નાજુક બનતી જતી હતી. આ સમયમાં સરદાર ઉપર હૈદરાબાદ, કાશ્મીર, કરોડો લોકોના સ્થળાંતરથી સર્જાયેલી સમસ્યા, ગૃહ મંત્રાલયની કામગીરી સંબંધિત જવાબદારીનો બોજ ખડકાયો હતો. લોખંડી પુરુષ હોવા છતાં સરદાર આખરે તો કાળા માથાના માનવી જ હતાને?! આ બધા પ્રશ્નોના સંતોષજનક ઉકેલમાં સરદારશ્રીએ જે પ્રકારે સંતાપ વેઠ્યો, અથાક પરિશ્રમ ઉઠાવ્યો તે અંગેની કેટલીક માહિતી આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ રજૂ કરવાની ઇચ્છા હોવા છતાં આજે સ્થળસંકોચના કારણે તે સંભવ બને તેમ નથી. ભવિષ્યમાં આ મુદ્દે જરૂર વિગતવાર રજૂઆત કરીશ.
આ સપ્તાહના ‘એશિયન વોઇસ’માં સરદારસાહેબના પ્રદાન વિશે ડો. હરિ દેસાઇની કસાયેલી કલમે લખાયેલો રસપ્રદ લેખ પ્રસિદ્ધ થયો છે, જે વાંચી જવા આપ સહુને મારો ભારપૂર્વક આગ્રહ છે. સરદારસાહેબે આપણને સહુને, ભારત વર્ષને જ નહીં, સમગ્ર વિશ્વને અખંડ ભારતનું નજરાણું આપ્યું છે. આ વાત ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આગામી જન્મજયંતીના અવસરે સરદારસાહેબને સ્મરીને વિરમું છું.
યાદ કરો એ ગ્રનવીક હડતાળને...
ભારતમાં જન્મેલા એન્ગલો-ઇંડિયન મિ. વોર્ડે બ્રિટનમાં ગ્રનવીક લેબોરેટરી સ્થાપી હતી, જેમાં મોટા પાયે ફોટો ડેવલપિંગનું કામકાજ થતું હતું. આ કંપનીમાં સેંકડો કર્મચારીઓ કામ કરતા હતા, જેમાં ગુજરાતી બહેનોની સંખ્યા સવિશેષ હતી. આ અંકમાં અન્યત્ર આપને આ અંગેનો અહેવાલ વાંચવા મળશે. આ દેશમાં વસતાં ભારતીય સમુદાયનો ઇતિહાસ લખાશે ત્યારે આપણી આ વિરાંગનાઓ અને વીરોની નોંધ તેમાં હોવી જ ઘટે. શક્ય હોય તો સહુને આ પ્રદર્શન નિહાળવાનો ભાવપૂર્વક કરું છું.
કરે કોઇ ને ભોગવે કોઇ
બ્રિટને યુરોપિયન યુનિયન (ઇયુ)માં રહેવું કે નહીં તે વિશે ૨૩ જૂને રેફરન્ડમ લેવાનું નક્કી કર્યું હતું તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરને. તેમનો ઇરાદો સારો હતો કે ખરાબ એ તો હું કહી શકું નહીં, પણ આ રેફરન્ડમ યોજીને તેઓ તેમના અનુગામી થેરેસા મે માટે આફતનું પોટલું છોડતા ગયા છે એટલું નક્કી. ગયા સપ્તાહે યુરોપિયન યુનિયનના સભ્ય દેશોની શિખર પરિષદ બ્રસેલ્સમાં યોજાઇ હતી. આ બેઠકમાં હાજર અન્ય ૨૭ દેશોએ બ્રિટન સાથે ઓરમાન મા જેવું વર્તન કર્યાના અહેવાલ સાંપડે છે. બ્રેક્ઝિટના પગલે બ્રિટને અન્ય દેશો સાથે વેપારસંબંધો વ્યવસ્થિત કરવા જ પડશે. આયાત-નિકાસ એ કંઇ સરળ બાબત તો નથી જ. તેમાં ડ્યુટી, પેટન્ટ્સ ઉપરાંત આધુનિક વિશ્વના અર્થતંત્રના કંઇ કેટલાય પરિમાણોને ધ્યાનમાં રાખીને કોલકરાર કરવા પડે છે.
કેમરન સાહેબ કરવા ગયા કંસાર અને થઇ ગઇ થૂલી. આમાં ને આમાં તેમને ઘરે બેસવાનો વારો આવ્યો. બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી છૂટાછેડા માટે થનગનતા પરિબળો પણ અત્યારે પારાવાર પસ્તાતા હશે. બ્રેક્ઝિટના પગલે પગલે વિદેશી ચલણ, ફુગાવો, મોંઘવારી તેમજ રહેઠાણ તથા કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવ અને આ બધા પ્રશ્નો હલ કરવા માટે થેરેસા મે હિંમતપૂર્વક કાર્ય આટોપી રહ્યા છે. જોકે એક વાત સહુ કોઇએ યાદ રાખવી રહીઃ સબળાનો સાળો બનવા સહુ કોઇ તૈયાર હોય, નબળાના બનેવી બનવા કોઇ તૈયાર હોતું નથી.
બ્રિટિશ પાર્લામેન્ટમાં દિવાળી
બુધવારે બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના ઉપક્રમે દિવાળી પર્વ ઉજવાશે. તેમાં વડા પ્રધાન તરીકે થેરેસા મે પણ પધારશે. આ ભવ્ય આયોજનમાં મુખ્ય સ્પોન્સર તરીકે કર્મયોગ ફાઉન્ડેશનને અવસર સાંપડ્યો છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ-હિલેરી ક્લિન્ટનનો મુકાબલો
અમેરિકામાં ૮ નવેમ્બરના રોજ રાષ્ટ્રપ્રમુખ માટે ચૂંટણી યોજાશે. કેસિનો કિંગ તરીકે જાણીતા અને ગરબડ-ગોટાળા માટે કંઇક અંશે બદનામ એવા ડોનાલ્ડ ટ્રમ્પના મુકાબલે અમેરિકી મતદારોનો ઝોક હિલેરી ક્લિન્ટન તરફ તરફ વધારે છે. આ બે પ્રતિદ્વંદીઓમાંથી જે કોઇ વિજેતા થશે તે ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ પદે શપથ લેશે. અમેરિકી બંધારણના ઘડવૈયાઓએ આજથી સવા બસ્સો વર્ષ પૂર્વે ખૂબ વિચારણા કરીને આ ચૂંટણી, સત્તાસોંપણીની કાર્યવાહીનું વિગતવાર આયોજન કર્યું છે.
ન કરે નારાયણ કરે અને મનસ્વી તથા ઉદ્ધતાઇપૂર્ણ વર્તન માટે બદનામ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી જાય તો શું થશે? અમેરિકા વિશ્વની એકમાત્ર મહાસત્તા છે. અમેરિકાને ફ્લુ થાય તો આખા વિશ્વને છીંકાછીંક થઇ જાય તે સંદર્ભમાં જોવામાં આવે તો આર્થિક, સામાજિક, વ્યાવસાયિક, સંરક્ષણ ક્ષેત્રે કાવો માહોલ સર્જાશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ લેખમાળા અંતર્ગત ૧૨ નવેમ્બરના અંકમાં આ મુદ્દે કંઇક વિશેષ રજૂઆત કરવાનો મારો ઇરાદો છે.
•••
સેવાકાર્યોના દીવડામાં દાનનું ઘી પૂરીને સમાજને અજવાળતાં તારલાં
આજે સોમવારે વિશ્વના સૌથી વધુ ધનાઢય બિલ ગેટ્સ તેમના જીવનસાથી મેલિન્ડા ગેટ્સ સાથે ત્રણ દિવસના પ્રવાસે લંડન આવી પહોંચ્યા છે. તેમણે ૮૦ બિલિયન ડોલરની અંગત અસ્ક્યામતમાંથી ૯૦ ટકા હિસ્સો આરોગ્ય, શિક્ષણ, સામાજિક ઉન્નતિ માટે ફાળવ્યો છે. સદભાગ્યે ગેટ્સ દંપતીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે બહુ માન છે. પેરિસમાં ગયા વર્ષે યોજાયેલી વર્લ્ડ ક્લાયમેટ કોન્ફરન્સમાં આ બન્ને મહાનુભાવો મળ્યા હતા. જોકે આ પૂર્વે અને પછી પણ બન્ને વચ્ચે ઔપચારિક મુલાકાતો થતી જ રહી છે.
અલબત્ત, અત્યારે મુખ્ય બાબત એટલી જ કહી શકું કે બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડાએ માનવસેવા કાજે સખાવતનું હિમાલય જેવડું કામ કર્યું કર્યું. ગેટ્સ દંપતીએ પોતાની અધધધ સંપત્તિનું દાન કરીને સમાજને સેવાનો નવો રાહ ચીંધ્યો છે. તેમણે દુનિયાના અતિ સાધનસંપન્ન આગેવાનોને દાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ગ્લોબલ ઇન્વેસ્ટર વોરન બફેટ, ફેસબુકવાળા માર્ક ઝુકરબર્ગ, હંગેરીયન-અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ સહિતના ધનાઢયોએ ગેટ્સ દંપતીના સેવાકીય અભિગમથી પ્રેરાઇને કરોડો ડોલરનું દાન કર્યું છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ જ પ્રમાણે ભારતીય દાતાઓની યાદી કરવામાં આવે તો વિપ્રોના અઝીમ પ્રેમજી, વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલ, એચસીએલ સ્થાપક શિવ નાદર, ટાટા જૂથના રતન ટાટા, રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી વગેરેના નામ લખવા જ પડે. આ ભારતીય અબજોપતિઓ હોંશભેર પોતિકી કમાણી સમાજસેવા માટે ફાળવી રહ્યા છે.
વિદેશમાં વસતાં ભારતીય સમુદાયની વાત કરીએ તો જેઓ આર્થિક પ્રગતિમાં મોખરે છે તેઓ મહદઅંશે સખાવતી કાર્યોમાં પણ જરાય પાછળ નથી. તેઓ પણ હોંશભેર દાનની ગંગા વહાવી રહ્યા છે. બ્રિટનમાં તો આપણા સમાજના ધનાઢયો વર્ષોથી કંઇકેટલાય સત્કાર્યોમાં ઉદાર સહાય-સખાવત આપતા રહ્યા છે. સમાજસેવાના કાર્યોમાં વિદેશવાસી ભારતીયોના યોગદાનની વાત હોય અને નાનજી કાલિદાસ મહેતા પરિવાર, માધવાણી પરિવાર, મેઘજી પેથરાજ શાહ પરિવાર જેવા પૂર્વ આફ્રિકાના શ્રીમંતોનો ઉલ્લેખ ન કરીએ તો યાદી અધૂરી જ રહે. આજની પેઢીની વાત કરીએ તો આ દેશમાં ઉછરેલા અને આગળ વધેલા વેમેડ ગ્રૂપના વિજયભાઇ અને ભીખુભાઇ પટેલ લાખો પાઉન્ડની સખાવત કરતા રહ્યા છે. આ પટેલબંધુઓએ સમાજસેવાના એક યા બીજા કાર્યોમાં ૧૦ મિલિયન પાઉન્ડથી વધારે રકમની સખાવત કરી છે.
તાજેતરમાં દાનવીર દાતાઓની નામાવલી ધરાવતો એક દળદાર ગ્રંથ મારા હાથમાં આવ્યો છે. તેમાંથી સોનલ સચદેવ-પટેલનો ઉલ્લેખ કરવો જ રહ્યો. સોનલબહેન એટલે રમેશભાઇ સચદેવ અને પ્રતિભાબહેનના પુત્રી. સોનલબહેને જીએમએસપી ફાઉન્ડેશન સ્થાપ્યું છે, જેના નેજામાં મહિલાઓ-દીકરીઓના ઉત્થાન માટે ખૂબ નોંધપાત્ર કામ થઇ રહ્યું છે. સચદેવ પરિવારે આ ઉપરાંત પણ અન્ય સેવાકાર્યો માટે અઢળક સખાવત કરી છે, જેનો કુલ આંકડો ૮ મિલિયન પાઉન્ડ સુધી પહોંચે છે.
આ જ પ્રમાણે અમેરિકામાં ગુરુરાજ દેશપાંડેએ ૨૦૦૧માં મેસેચ્યુસેટ્સ સ્થિત જગવિખ્યાત ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યુટ એમઆઇટીને શૈક્ષણિક કાર્યો માટે ૨૦ મિલિયન ડોલર આપ્યા છે. આ જ રીતે ૭૦ના દસકામાં મુંબઈથી અમેરિકા જઇને વસેલા વિજય ગોરડિયા અને પત્ની મેરીએ તેમના ફાઉન્ડેશન થકી ખૂબ જંગી રકમ સખાવત માટે ફાળવી છે.
યાદી તો હજુ ઘણી લાંબી થાય તેમ છે, પરંતુ અફસોસ... તમામનો નામોલ્લેખ કરવો શક્ય નથી. જગતભરના ધનાઢયોને સમાજસેવા માટે પોતાની સંપત્તિના કોથળા ખૂલ્લા મૂકવા માટે પ્રેરનાર બિલ ગેટ્સે એક બહુ સરસ વાત કરી છે. તેનો સાર કંઇક એવો છે કે નાણા કે સંપત્તિનું જ દાન થઇ શકે તેવું નથી. આર્થિક બાબતમાં અછત ધરાવતા લોકો સમયનું દાન કરીને પણ સમાજસેવા કરી શકે છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. તમારો ઇરાદો ઉમદા હોય તો કોઇ પણ પ્રકારે સેવા કરી શકો છો.
બિલ ગેટ્સની આ વાત સંદર્ભે મને વિજયભાઇ અને ભીખુભાઇ પટેલના માતા પૂ. શાંતાબાનો સેવાકીય અભિગમ યાદ આવી રહ્યો છે. વાચક મિત્રો, આપ સહુને યાદ હશે જ કે ‘ગુજરાત સમાચાર’નો ગયા વર્ષનો દિપોત્સવી અંક પૂ. શાંતાબાને અર્પણ કરવામાં આવ્યો હતો. પૂ. શાંતાબા જ્યારે કેન્યાના એલ્ડોરેટમાં વસતા હતા ત્યારે નાની વયે વૈધવ્ય આવ્યું. ત્રણ નાના સંતાનોને ઉછેરવાની જવાબદારી તેમના શિરે હતી.
પરંતુ તેઓ હિંમત ન હાર્યા. આવક ઉભી કરવા માટે એક બાલ મંદિર શરૂ કર્યું. પરિવારના નિભાવની મોટી જવાબદારી સામે આટલી ટૂંકી આવક છતાં કોઇને કોઇ પ્રકારે તેઓ સત્કાર્યો માટે અચૂકપણે નાણા ફાળવતા હતા. મોરના ઈંડા ચીતરવા ન પડે તે ન્યાયે આજે તેમના દીકરાઓ, પરિવારજનો દાનની ગંગા વહાવી રહ્યા છે.
દિપોત્સવીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ. આ પર્વે આપણે સહુ લક્ષ્મીજીનું પૂજનઅર્ચન કરીએ છીએ. આ સંપત્તિમાંથી થોડોક હિસ્સો સમાજ હિતાર્થે પણ વાપરીએ, અન્યના જીવનમાં ઉજાસ પાથરીએ. પરમાત્મા સહુ કોઇને પોતપોતાની ક્ષમતા અનુસાર ધનદાન, સમયદાન, સેવાદાન કે પછી અન્ય પ્રકારે દાન કરવા માટે પ્રોત્સાહિત કરે તેવી શુભકામનાઓ સહ, આપ સહુ વાચક મિત્રોને દિવાળી પર્વની શુભકામનાઓ...
દીપોત્સવી પર્વના વધામણા
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, આપ સહુ, લાખો, વાચકોના ઉષ્માભર્યા સાથસહકાર તેમજ વિજ્ઞાપનદાતાઓ, સમર્થકો, પરિવારજનો, શુભચિંતકો, લેખકો, કવિઓ, કલાકારો તેમજ કાર્યાલયના સબળ સાથીઓના સહયોગના પરિણામે આપની આ પ્રકાશન સંસ્થા મક્કમ પગલે આગળ વધી રહી છે. આ દીપોત્સવીના મંગળ પર્વે આપ સહુને તેમજ આપના પરિવારજનોને દીપોત્સવ અને નૂતન વર્ષ આનંદદાયક, શાંતિમય, સમૃદ્ધ નીવડે તેવી અમારી પ્રભુપ્રાર્થના છે.
પ્રતિ વર્ષ દીપોત્સવી અંક અમારા સુજ્ઞ વાચકોને ધનતેરસ સુધીમાં સાદર કરવાની અમારી પરંપરા રહી છે. આ વર્ષે દીપોત્સવી અંક થોડાક દિવસ મોડો પડે તેવા સંજોગો ઉભા થયા છે. દીવાળી પહેલાં અમે કોઇ અંક બંધ રાખતા નથી. ગયા સપ્તાહે બે વિશેષાંક આપની સેવામાં સાદર કર્યા છે, સાથે સાથે જ ફ્લુ જેવી સિઝનના કારણસર અમારા અથાક પ્રયાસ છતાં આપને દીપોત્સવી અંક સંભવિત મોડો મળે તો તે માટે હું સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું અને આપની ક્ષમાયાચના વાંચ્છું છું. આપ સહુ મને-અમને દરગુજર કરશો તેવી પ્રાર્થના સહ...