સમય, શક્તિ, સાધન, સંભવ, સૂઝ - સપ્રમાણ સમન્વય એટલે જીવન સાફલ્ય

સી. બી. પટેલ Tuesday 20th December 2016 12:25 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહનો અંક આપના હાથમાં પહોંચશે ત્યારે આપણે સહુ નૂતન વર્ષના વધામણા કરવા માટે થનગનતા હોઇશું. આગામી વર્ષ સ્વતંત્ર ભારતનું ૭૦મું વર્ષ હશે. સાથે સાથે જ આપણે યુગપુરુષ મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી તરફ પણ પ્રયાણ કરી રહ્યા છીએ. વીતેલા વર્ષમાં મને દેશવિદેશમાં ૩૦૦થી પણ જાહેર કાર્યક્રમો માણવાનો, આપ સહુને મળવાનો અને વ્યક્તિગત વિકાસયાત્રાને વધુ વેગ આપવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. ગ્રીસના પાટનગર એથેન્સમાં લેડી સંધ્યાબહેન પોપટ તેમજ લોર્ડ ડોલર પોપટના પરિવારે યોજેલ પૂ. મોરારિબાપુની રામકથામાં વિવિધ પ્રકારનું માનસિક અને આધ્યાત્મિક પોષણ મેળવ્યું. વેસ્ટ ઇંડિઝના જમૈકામાં સિગ્મા ફાર્માસ્યુટિકલના સર્વેસર્વા ભરત શાહ અને તેમના પરિવાર આયોજિત એક સપ્તાહના પરિસંવાદમાં હાજરી આપવા પણ હું નસીબવંતો બન્યો.
આપણા સહુના આયુષ્ય અને આરોગ્ય સાથે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ઘનિષ્ઠ નાતો છે એમ કહેવામાં જરાકેય અતિશ્યોક્તિ નથી. સિગ્મા ફાર્માસ્યુટિક્લ દ્વારા દર વર્ષે યોજાતા આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેતા સેંકડો ફાર્મસિસ્ટ તેમજ આરોગ્ય સેવા સંકલિત મહાનુભાવો સાથેના વિચાર-વિનિમયમાંથી મને ખૂબ જાણવા-સમજવા મળતું હોવાનું મારું માનવું છે.
બ્રિટન હોય, ભારત હોય કે વિશ્વનો અન્ય કોઇ પણ દેશ, વિવિધ પ્રકારના પરિવર્તન અવિરત ચાલ્યા જ રહે છે. પરિવર્તન સૃષ્ટિનો અફર નિયમ છે. સમય સાથે તાલ મિલાવવા આપણે પણ આ પરિવર્તનને અનુસરવું જ રહ્યું. હું આ વાત સહેતુક કરી રહ્યો છું. મારા આ સંદર્ભના મૂળમાં સંતાનોની સમસ્યા છે. સંતાન મારું હોય કે તમારું - સહુ કોઇએ તેની સમસ્યા, મૂંઝવણ, ગૂંચવણ કે વ્યથાથી વાકેફથી થવું જ રહ્યું. અને જો અન્યોન્યના જીવનમાં સુખ-શાંતિ ઇચ્છતા હોઇએ તો હકારાત્મક અભિગમ સાથે તેનો ઉકેલ પણ શોધવો જ રહ્યો.
જે લોકો એવા ખ્યાલમાં રાચે છે કે સંતાનો થકી સમસ્યા છે તે સહુને એટલું જ યાદ અપાવવું રહ્યું કે સંતાનોને પણ વડીલો થકી એક યા બીજા પ્રકારે નાનામોટા સંતાપ ઉદ્ભવી શકે છે. ફરક બસ એટલો હોય છે આપણે (વડીલ તરીકે) અભિપ્રાય આપતી વેળા યુવા પેઢીના અભિપ્રાય - સૂચનો - વિચારોને છોકરરમત ગણાવીને ફગાવી દેવાનો ‘વીટો’ - વિશેષાધિકાર વાપરતા ખચકાતા નથી. અને ભૂલેચૂકેય જો યુવા પેઢી આપણી વાતનો વિરોધ કરે છે તો તેને બળવાખોરી, નાદાનિયતમાં ખપાવી દઇએ છીએ.
સંબંધ હોય, લગ્નજીવન હોય, વેપાર-વ્યવસાય હોય, આરોગ્ય હોય કે પછી સાંપ્રત જીવનની નાનીમોટી કોઇ પણ બાબત... દરેકમાં પરિવર્તન અનિવાર્ય છે. પરિવર્તનના ચક્રને ફરતું કોઇ અટકાવી શક્યું નથી, અને કોઇ અટકાવી પણ શકવાનું નથી. પરિવર્તનના પરિણામસ્વરૂપ ક્યારેક સમસ્યા કે મૂંઝવણ પણ સર્જાતા હોય છે, જેને આપણે સહજ ગણવા રહ્યા.
જરા તમારા દિલ પર હાથ મૂકીને જવાબ આપજોઃ આપણા સંતાનો આ દેશની ધરતી પર વસતાં હોય કે ભારતમાં, પરંતુ પચાસ-સાઠ વર્ષ પૂર્વે આપણે જે માહોલ, જીવનશૈલીમાં ઉછર્યા છીએ તેવી જ આશા-અપેક્ષા તેમની પાસેથી રાખવાની ઇચ્છા વાજબી ગણાય ખરી? જ્ઞાતિ, જાતિ, ધર્મ, ગોળ, નોકરી-વ્યવસાય ઇત્યાદીમાં બાબતોમાં જો આપણે રૂઢિચુસ્ત વલણ દાખવીએ તો સંતાનો પ્રત્યેની આપણી સદભાવના અંતે તો એક પ્રકારનો સીતમ જ બની રહે એ વાતનો સહુ કોઇએ ખ્યાલ રાખવો રહ્યો.
લ્યોને... તાજેતરના જ એક ઘટનાક્રમની વાત કરું. એક પરિવારના વડીલે હૈયાબળાપો ઠાલવતા કહ્યું કે તેમનો પુત્ર લગભગ ૪૫ વર્ષની વય સુધી અપરિણીત રહ્યા બાદ હવે ઘર વસાવવા માંગે છે, પણ પરંપરાગત લગ્નબંધને બંધાઇને નહીં. સ્વતંત્ર વ્યવસાય ધરાવતી મહિલા સાથે લિવ-ઇન-રિલેશનશિપથી રહેવા માગે છે. છોકરો ડાહ્યો કે પૂછ્યું કે અગાઉથી જાણ કરી!
આ વ્યથા વ્યક્ત કરનાર વડીલ અત્યાર સુધી બ્રિટનમાં વસવાટ કરીને ખાધેપીધે સુખી થયાનો હરખ વ્યક્ત કરતા હતા, પરંતુ જ્યારથી દીકરાની વાત સાંભળી છે ત્યારથી તેમને આ દેશ અને પશ્ચિમી સંસ્કૃતિ કડવા વખ જેવા લાગી રહ્યા છે. તેમને લાગે છે કે આપણી યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઇને ભારતીય પરંપરા-સંસ્કૃતિનું નખ્ખોદ કાઢી રહી છે વગેરે વગેરે.
વડીલનો હૈયાબળાપો કેટલો યોગ્ય છે કે અયોગ્ય છે તેની ચર્ચામાં પડ્યા વગર હું કેટલાક આંકડાઓ ટાંકવા માગું છું. આ દેશમાં લગભગ ૪૦ ટકા લગ્નવયસ્ક યુવકો સિંગલ રહે છે. યુવતીઓમાં આ પ્રમાણ ૩૭ ટકા નોંધાયું છે. ગોરા સમાજમાં લગ્ન વગર એક છત નીચે રહેવાનું સાવ જ સહજ અને સ્વીકૃત ગણાય છે. આપણા સમાજના ચોક્કસ આંકડા તો ખબર નથી, પણ એક યા બીજા કારણસર આપણા સમાજના અનેક યુવક કે યુવતીઓ પણ લગ્ન કરવા ઇચ્છતા નથી કે લગ્ન કરવા તૈયાર નથી. ‘પશ્ચિમી સંસ્કૃતિ ધરાવતા’ બ્રિટનની વાત છોડો, ભારતમાં પણ આ અભિગમ સહજ બની રહ્યો છે. હું આ બધી વાતો કરીને વડીલના રૂઢિવાદનો વિરોધ નથી કરતો કે યુવકના વલણનું સમર્થન નથી કરતો, પરંતુ - કોઇને ગમે કે નહીં - હકીકત તો આ જ છે. લોકલાજના માર્યા ‘આવા સંબંધો’ પ્રત્યે લગારેય સૂગ રાખવાની જરૂર જણાતી નથી. મનગમતા પાત્ર સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવાના યુવતીના (કે યુવકના) નિર્ણયથી ભારતીય સંસ્કૃતિ પર કોઇ પ્રલય આવી જવાનો નથી. સૈકાઓ પુરાણી ભારતીય પરંપરા કે સંસ્કૃતિના મૂળિયા એટલા નબળા નથી કે તે (યુવા પેઢીના) આવા નિર્ણયોથી હચમચી જાય.
વડીલો અને યુવા પેઢી વચ્ચેના વિચારભેદને જનરેશન ગેપ તરીકે પણ ખપાવવામાં આવે છે. જોકે આ મુદ્દે યુવા પેઢી પર દોષારોપણ કરતાં પૂર્વે એ પણ વિચારવું રહ્યું કે મોટેરાઓ તેમની ફરજ પ્રત્યે જાગ્રત છે કે નહીં. સંતાનો પાસેથી આપણે જે અપેક્ષા રાખીએ છીએ તેને પણ મર્યાદા તો હોવી જોઇએને? આખરે તો યુવા પેઢીને પણ પોતાનો મારગ પોતાની રીતે પસંદ કરવાનો અધિકાર છે એ તો સ્વીકારવું જ પડેને?!

અતીતના આયનામાં ડોકિયું

વીતેલા વર્ષની સિમાચિહનરૂપ તવારિખની વિગતવાર રજૂઆત તો આપને આપના પ્રિય સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના આ કે આવતા સપ્તાહના અંકોમાં વાંચવા મળશે જ, પરંતુ કેટલીક બાબતોનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો મને જરૂરી જણાય છે.
• બ્રિટને ૨૩ જૂનના રેફરન્ડમમાં યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે ફારગતિનો ચુકાદો જાહેર કર્યો. બિચારા ડેવિડ કેમરન. તેમની દયામય વિદાય.
(બોધપાઠઃ આગેકૂચ માટે આત્મવિશ્વાસ સારો છે, પણ અતિશય આત્મવિશ્વાસ ડૂબાડે. આંધળુકિયા સાહસ ટાળો. હાથમાં આવેલી સોનેરી તકનો ઉપયોગ કરી જાણો.)
• થનગનતા થેરેસા મેનું વડા પ્રધાન પદે આશ્ચર્યજનક આગમન.
(બોધપાઠઃ ક્યારે, ક્યા સ્વરૂપે તમારા દરવાજે તક ટકોરા મારશે તે કોઇ નથી જાણતું. હંમેશા સાબદા રહો.)
• વ્યક્તિગત જીવન હોય કે દેશ, છૂટા-છેડા બહુ પીડાદાયક હોય છે. બ્રેક્ઝિટે ફરી વખત પુરવાર કર્યું.
(બોધપાઠઃ સમસ્યા ગમે તેવી જટિલ કેમ ન હોય, છેડો ફાડવાનો નિર્ણય ટાળો. સમાધાનકારી વલણ અપનાવશો તો બન્ને પક્ષ લાભમાં રહેશે.)
• લફબરોના સાંસદ શ્રીમતી નિકી મોર્ગન કેમરન સરકારમાં શિક્ષણ પ્રધાન હતાં. થેરેસા મેએ તેમને ઘરે બેસાડ્યા. ખૂબ સક્ષમ અને સ્વસ્થ, પણ નવરાધૂપ બેઠેલાં નિકીબહેને થેરેસા મેના ૯૭૦ પાઉન્ડના ટ્રાઉઝરનો મુદ્દો ચગાવીને બળતું પકડ્યું છે.
(બોધપાઠઃ નવરો બેઠો નખ્ખોદ વાળે તેવું વલણ ટાળો. એક તક ગુમાવી તો શું થઇ ગયું, તમારા મનપસંદ ક્ષેત્રે હાથ અજમાવો.)
• એક વેળાના ડેવિડ કેમરન તેમજ બોરિસ જ્હોન્સનના મિત્ર માઇકલ ગોવને બ્રેક્ઝિટ રેફરન્ડમના ત્રણ દિવસ પૂર્વે ભાંગરો વાટવાનું ભારે પડ્યું. એક સમયે દેશના રાજકારણમાં ગાજતા-ગરજતા ગોવ આજકાલ રાજકીય તખતેથી ‘ગૂમ’ જણાય છે!
(બોધપાઠઃ બોલતાં પહેલાં કે નિર્ણય લેતા પહેલાં બે વખત વિચાર કરો. બોલાયેલો શબ્દ અને છૂટેલું તીર, ક્યારેય પાછા વાળી શકાતા નથી.)
• બોરિસ જ્હોન્સન પણ કંઇ ઓછાબોલા તો નથી જ તે યાદ કરાવવાની જરૂર ખરી? યમનમાં સાઉદી અરેબિયાની દરમિયાનગીરી અને રક્તપાત વિશે મુત્સદ્દીગીરી કોરાણે મૂકીને કેટલાક વાજબી કહેવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા. ટેન્શન એવું વધ્યું કે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટને હસ્તક્ષેપ કરવો પડ્યો. એક સમયે લંડનના ‘ફર્સ્ટ સિટીઝન’ એવા બોરિસ જ્હોન્સનના ગળામાં કસીને ડોગ કોલર બાંધી દેવાયો છે.
(બોધપાઠઃ બોલે તેના બોર વેચાય તે સાચું, પણ સમય-સંજોગ-સ્થળનું ભાન રાખીને બોલો તો જ. જાહેર જીવનમાં સક્રિય લોકોએ તો આ વાત અચૂક યાદ રાખવી જોઇએ. ટીકા કરો, પણ મર્યાદા જાળવો.)
• લૂઇસ હેમિલ્ટન એટલે કાર-રેસિંગની દુનિયાનો બેતાજ બાદશાહ. એકથી વધુ વખત ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપ જીતનાર રેસર. રેસિંગ ટ્રેકમાં તે જે ટીમનું પ્રતિનિધિત્વ કરે છે તે મર્સિડિઝ કંપનીના પ્રવક્તાથી જીભ કચરાઇ ગઇ કે તેમના આદેશને હેમિલ્ટને અવગણ્યા છે. હેમિલ્ટનનું ફટક્યું. તેણે જાહેરમાં આક્રોશ ઠાલવ્યો કે આ નિવેદને મારું માનભંગ કર્યું છે.
(બોધપાઠઃ મન, મોતી ને કાચ કંઇ અમસ્તા નાજુક નથી ગણાતા. વ્યક્તિએ જેમ જેમ મોટી સફળતા મળતી જાય તેમ તેમ અહંને નાનો કરતા જવો જોઇએ. સફળતાને ઉજવી જાણો છો તો ટીકાને પણ પચાવી જાણો.)
આ ‘માનભંગ’ના કે બ્રિટનના રાજકીય ભૂકંપોના કિસ્સાને એટલા માટે યાદ કરવા રહ્યા કે જેથી આપણે તેમાંથી કંઇક શીખીએ, સમજીએ. ભવિષ્યમાં સાવચેત રહીએ. ભૂલ આપણી હોય કે અન્યની, તેમાંથી બોધપાઠ લેવાને જ તો શાણપણ કહે છે.
તક, અવસર કાયમ મળતાં નથી
બ્રિટનમાં ભારતીય ગુજરાતી સમાજમાંથી લગભગ ૮૭ ટકા લોકો પોતીકી માલિકીના નિવાસ-સ્થાન ધરાવે છે - પછી તે ફ્લેટ પણ હોય શકે છે કે સ્વતંત્ર મકાન પણ હોય શકે. બ્રિટનમાં વસતાં ઇમિગ્રન્ટ્સની આવાસની માલિકીના મામલે ટકાવારી કાઢો તો ગુજરાતી સમુદાય તેમાં પહેલા સ્થાને આવે. ટચુકડા દેશમાં આ સિદ્ધિ નાનીસૂની નથી. આમેય વિશ્વના કોઇ દેશમાં જમીનનો પાક થતો નથી! આજે વિશ્વભરમાં ખેતીલાયક કે રહેવાલાયક જમીન સતત ઘટી રહી છે તેનું કારણ જ એ છે કે જમીન ઉગાડી શકાતી નથી.
જો જમીન અતિશય ખર્ચાળ બને તો તેના પર થતા મકાન કે ઇમારત પણ મોંઘા જ બનવાના તે સમજાય તેવું છે. આ દેશમાં, અને સવિશેષ તો મહાનગરોમાં, હજારો નવા ફ્લેટનું નિર્માણ થઇ રહ્યું છે. છતાં રહેવાલાયક મકાનોની અછત માથાના દુખાવારૂપ સમસ્યા બની રહી છે. પરિણામે ખૂણેખાંચરે કાર્ડબોર્ડ પર કે અન્ય રીતે રાતવાસો કરતાં બેઘર લોકોની સંખ્યા સતત વધતી રહી છે.
સમસ્યા છે તો કેટલીક શક્યતા પણ છે. ટેસ્કો ગ્રૂપે આ માટે હજારો શોપ્સ અને સેંકડો કાર પાર્કિંગ સ્પેસમાં આયોજન હાથ ધર્યું છે. પોતીકી મિલકતને નવું સ્વરૂપ આપવામાં ફાયદો જ ફાયદો છે.

•••

પ્રિન્ટ મીડિયાનો બદલાતો ચહેરો...

આપ સહુના સહયોગ થકી મારી ઘણી ઇચ્છાઓ, અપેક્ષાઓ, આશાઓ સાકાર થઇ છે તે બદલ હું મારી જાતને નસીબવંતી માનું છું. મારા આ જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞમાં આપ સહુ સુજ્ઞ વાચકો, ગ્રાહકો, સમર્થકો, લેખકો, કવિઓ, વિતરકો તેમજ મારા સાથીદારો મને ખૂબ સહયોગ આપી રહ્યા છે. પરમ કૃપાળુ પરમાત્માના અઢળક આશીર્વાદ અને પરિવારજનોના સહકાર વગર આ શક્ય નથી. પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશતાં પૂર્વે મેં ભારત, ટાન્ઝાનિયા અને બ્રિટનમાં નાનીમોટી ૧૪ પ્રકારની નોકરી કે વેપારધંધાનો અનુભવ મેળવ્યો હતો. અત્યારે પ્રિન્ટ મીડિયા માટે પડકારજનક માહોલ પ્રવર્તે છે. જોકે પહેલા આવું નહોતું તેવું માની લેવાની જરૂર નથી.
તાજેતરમાં એક અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૦૫માં બ્રિટનના પ્રિન્ટ મીડિયા (વર્તમાન પત્રો, સામયિકો ઇત્યાદિ)ની કુલ આવક હતી ૪.૫ બિલિયન પાઉન્ડ. જે ૧૦ વર્ષ બાદ ઘટીને અડધાથી પણ સહેજ ઓછી થઇ છે. બ્રિટનના નેશનલ કે લોકલ અખબારોના વેચાણમાં ૩૫થી ૫૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. પાણીમાં રહીએ એટલે નિર્દોષ માછલાંથી માંડીને કાચબા, મગર કે ખતરનાક શાર્ક હોવાનું જોખમ તો ખરું જ ને? સદભાગ્યે આપ સહુએ અમારા પર એટલી બધી કૃપા વરસાવી છે કે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સહિતના પ્રકાશનો ધરાવતી એશિયન બિઝનેસ પબ્લિકેશન લિમિટેડ ખૂબ જ સંગીન સ્થિતિમાં છે.
અમે નક્કર આંકડાકીય માહિતીના આધારે આગામી ત્રણ-પાંચ વર્ષનું ફોરકાસ્ટ તૈયાર કર્યું છે. જે અનુસાર ત્યાં સુધી (અને ત્યાર બાદ પણ) વૈવિધ્યપૂર્ણ વાંચનસામગ્રી રજૂ કરવાથી માંડીને સર્વ ક્ષેત્રોને આવરી લેતી સેવા પૂરી પાડવા અમે પ્રતિબદ્ધ છીએ. આ બાબતની સ્પષ્ટતા કરીને હું આપ સહુને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપની જરૂરત સંતોષવી તે અમારું ધ્યેય હતું, છે અને રહેશે. વર્ષ દરમિયાન વિવિધ વિષયોને આવરી લેતાં વિશેષાંકો, સત્વશીલ વાચનસામગ્રી, જ્ઞાનમાં ઉમેરો કરતાં તથા સાંપ્રત પ્રવાહથી વાકેફ રાખતા સમાચારો અને લેખો વગેરે યથામતિ યથાશક્તિ પ્રકાશિત કરવા અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. સમાજના છડીદાર કે ચોકીદાર એ માત્ર ઠાલા શબ્દો નથી. અમે તેના શબ્દશઃ પાલન માટે પ્રતિબદ્ધ છીએ. વાચકોનું, સવિશેષ નારીશક્તિનું શોષણ કરતાં, તેની લાચારીનો ગેરલાભ ઉઠાવવાની તાકમાં રહેતા જંતરમંતર કરનારાઓ, દોરા-ધાગા કરનારા ઢોંગી ધુતારાઓની જાહેરખબરો નકારીને એબીપીએલ ગ્રૂપ પ્રતિ સપ્તાહે ૧૫૦૦થી ૨૦૦૦ પાઉન્ડની આવક જતી કરે છે. કોઇ પણ વ્યાવસાયિક એકમ માટે આ નાનીસૂની રકમ નથી. આપ સહુ સુજ્ઞજનોનો અત્યાર સુધી મળતો રહ્યો છે તેવો જ ઉષ્માભર્યો સાથસહકાર ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી અપેક્ષા અસ્થાને નથી.

•••

વિદાય લેતાં લેતાં...

વયના વધવા સાથે વડીલોને તન-મનની અનેક નાનીમોટી વ્યાધિ હેરાન-પરેશાન કરતી રહે છે. આમાં એકલતાથી માંડીને ડિમેન્શિયાનો સમાવેશ થાય છે. આવી આધિવ્યાધિનો જિંદગીના એક ભાગરૂપે સ્વીકાર કર્યે જ છૂટકો. આ તકલીફો આજે છે, અને પહેલાં નહોતી તેવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. હું મારી જાતને વારંવાર કહેતો રહું છું કે Don't get old, dear, that's the thing... અલ્યા જુવાન ડોસા, બૂઢ્ઢો છું એમ માની લેવાની જરૂર જ નથી. આ સંદર્ભે કેટલાક મંતવ્યો કે નીરિક્ષણો રજૂ કરવાની આપ સહુની રજા લઉં છું. શક્ય હોય તો રજાના દિવસોમાં આ અંગે વિચારજો. થોડુંક ચિંતન કરજો. અને ભૂલચૂક જણાય તો ક્ષમા આપશો.
• જીવનને અસરકારક બનાવવું હોય તો છીછરા થવાનું બંધ કરો.
• જગતને નવીનતામાં રસ છે. સતત વિચારીએ તો નવા સદવિચારો અવશ્ય પ્રાપ્ત થાય છે.
• લોકો હંમેશા નવીનતા તરફ આકર્ષાય છે.
• દરેક ક્ષેત્રે એકની એક પદ્ધતિ કે ચીજથી લોકો કંટાળતા હોય છે. આપણું પ્રિય પાત્ર હંમેશા એક જ ડિઝાઇન કે કલરના વસ્ત્રો પરિધાન કરતા રહે તો આપણી લાગણી કેવી હોય?
• ખોરાકમાં પણ સાત્વિક્તા, સ્વાદ અને સત્વ સાથે વૈવિધ્ય આવશ્યક છે.
• બીજાની લીટી નાની કરવાના બદલે પોતાની કામગીરી વધુ સારી રીતે, ઉત્તમ અને નવીન પ્રકારે કરીએ તો?
• બધા કરતાં જૂદું વિચારીએ તો નીતનવીન તક કે અવસર પ્રાપ્ત થતા રહે છે. Think out of the box. પૂર્વનિર્ધારિત ચોકઠામાંથી બહાર નીકળીને કંઇક નવીન વિચારો.
• સફળતા મેળવવી હોય તો જે કંઇ કરો છે તે જરા જુદી રીતે કરો. રોજેરોજ કરીએ છીએ તેવું જ કરતાં રહીશું તો રોજેરોજ જે કંઇ મેળવીએ છીએ તેમાં કંઇ ઉમેરો નહીં થાય.
વર્ષ દરમિયાન ક્યાંક સાંભળેલી, ક્યાંક જોયેલી, ક્યાંક જાણેલી અને ક્યાંક વાંચેલી વાતોના સારરૂપે થયેલી આ રજૂઆત દ્વારા એટલું જ સમજાવવાનો ઉદ્દેશ છે કે રોદણાં રોવાની જરૂર નથી. મારા રોદણાંમાં તમને શું રસ હોય? જો આ લેખ દ્વારા આપને જીવન જીવવા માટે કંઇક વધુ મનોબળ પ્રાપ્ત થાય તો ભયો ભયો. હંમેશા કંઇક નવીન સંકલ્પ સિદ્ધ કરવાનો મારો વિનમ્ર પ્રયાસ રહ્યો છે. આપ સહુને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર... આપણે સહુ તન અને મનના તગડા રહીએ... (ક્રમશઃ)

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter