વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવનમાં દરેક સ્તરે, એક યા બીજા પ્રકારે આપણને વિચારોનું અમૃત પ્રાપ્ત થતું રહેતું હોય છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આજે વર્ષ 2025માં જે વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું તેના મૂળ 1992ની એક ઘટનામાં રહેલા છે. વોટફર્ડ હરેકૃષ્ણ મંદિર બચાવો આંદોલન કટોકટીના તબક્કે પહોંચ્યું હતું. બ્રિટિશ સરકાર કે હર્ટસ્મિયર કાઉન્સિલ મંદિર ચાલુ રાખવાના મુદ્દે રતિભાર પણ નમતું જોખવાના મૂડમાં નહોતા. આ સમયે આપના પ્રિય સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને New Life (આજના Asian Voiceનું પૂરોગામી)ના વાંચકો પત્રોના માધ્યમથી પ્રચંડ સમર્થન આપીને અમારા સાથીમંડળને ઉપકૃત કરતા હતા.
આવો જ એક પત્ર ઓક્સફર્ડમાં આવેલી બેલિયોન કોલેજમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા અલ્પેશ પટેલ નામના તરવરિયા યુવાને લખ્યો હતો. ભાઇ અલ્પેશે તર્કબદ્ધ અને મુદ્દાસર રજૂઆત સાથેનો પત્ર પાઠવીને એવી લાગણી વ્યક્ત કરી હતી કે હરેકૃષ્ણ મંદિર બંધ તો ના જ થવું જોઇએ. અમે પત્ર પૂરેપૂરો છાપ્યો હતો. તે વેળા ‘ટાઇમ્સ’ના એડિટર તરીકે વિલિયમ રિસ મોગ કાર્યભાર સંભાળતા હતા.
યોગાનુયોગ તે વેળા અમે કેટલાક મિત્રો હરેકૃષ્ણ મંદિર બચાવોની માગના સમર્થનમાં પાર્લામેન્ટ નજીક એક પક્ષના કાર્યાલય પાસે 24 કલાકના ધરણાં પણ બેઠા હતા. આ સમયે મારું ધ્યાન પડ્યું કે મોગ સાહેબ ત્યાંથી પસાર થઇ રહ્યા છે અને તરત જ મેં તેમને રોક્યા. મેં તેમના હાથમાં New Lifeની કોપી સાથે મારો પરિચય આપ્યો. તેમણે કહ્યુંઃ લીવ ઇટ ટુ મી... અમે તો તેમને હરેકૃષ્ણ મંદિર ચળવળ વિશે સમજાવ્યું જ, પરંતુ તેમણેય New Lifeમાં આ અંગે વિગતે વાંચ્યું. અને પછી ટાઇમ્સમાં આ મુદ્દે માહિતીસભર આર્ટિકલ પ્રકાશિત કરીને આપણી મંદિર ચળવળને વાજબી ઠેરવી હતી.
કાળક્રમે અનેકના સહયોગથી આંદોલન સફળ થયું, અને મંદિરને તાળાં મારવાના સરકારી આદેશને બદલવામાં આવ્યો. આજે આ વાત અકલ્પ્ય લાગે છે, પણ હકીકત એ છે કે મંદિર ખુલ્લું છે. ગત જન્માષ્ટમી પર્વે અહીં 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને રંગેચંગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો.
મંદિર આંદોલન વેળા કોલેજના માસ્ટર્સ કોર્ષમાં અભ્યાસ કરતા તેજીલા તોખાર જેવા યુવાન અલ્પેશ પટેલે પોતાની સૂઝબૂઝ - કૂનેહકૌશલ્યથી પોતાના ક્ષેત્રમાં આગવી નામના મેળવી છે. આજે તો ઓબીઇના પ્રતિષ્ઠિત ખિતાબથી સન્માનિત અલ્પેશભાઇ બેરિસ્ટરમાંથી હેજ ફંડ મેનેજર બન્યા છે. 18 પુસ્તકો લખી ચૂકેલા અલ્પેશ પટેલ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં બિઝનેસ સેક્શનમાં વિઝિટિંગ ફેલો તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. તો સિટી હિન્દુ કાઉન્સિલ અને ઇંડિયા લીગ સહિતના જાણીતી સંસ્થાઓની પ્રવૃત્તિમાં પણ રચ્યાપચ્યા રહે છે. તેમના જીવનસાથી એકતા (મહાજન) એક વેળા 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં કાર્યરત કેબિનેટ ઓફિસમાં મેનેજરના ઉચ્ચ હોદ્દા પર કાર્યભાર સંભાળતા હતા.
દંપતીને રેયાન નામે અગ્યારેક વર્ષનો મીઠડો દીકરો (જૂઓ તસવીર) છે. તાજેતરમાં તેઓ ચેલ્સીમાં આવેલા નેશનલ આર્મી મ્યુઝિયમની મુલાકાતે ગયા તો સૈનિકોએ રેયાનને ઊંચકી લીધો હતો. સૈનિકો દ્વારા રેયાન પર આટલું વહાલ વરસાવવાનું કારણ એ હતું કે અલ્પેશભાઇનો બ્રિટિશ સેના સાથે પણ પેઢીજૂનો નાતો છે. તેમના દાદા અને પરદાદા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવા આપી ચૂક્યા છે. અલ્પેશભાઇ માને છે કે સહુ કોઇએ આ અને આવા આર્મી મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લેવી જોઇએ, અહીં એવી અનેક સ્મૃતિઓ પ્રદર્શિત થઇ છે જે આપણને વિશ્વ યુદ્ધોમાં ભારતીયોના પ્રદાનની યોગદાનની યાદ તાજી કરાવી દે છે.
અલ્પેશભાઇ દસકાઓથી દર સપ્તાહે Asian Voiceમાં બે કોલમ લખે છેઃ એક છે ‘પોલિટિકલ સ્કેચબુક’ તો બીજી કોલમનું નામ છે ‘ફાઇનાન્સિયલ રિડર’. બન્નેના વિષયવસ્તુ અલગ છે, જરૂર વાંચજો, મજા આવશે.
જાતિવાદ નામના એક સિક્કાની બે બાજુ
વાચક મિત્રો, આપણા દેશની આઝાદીને આઠ દસકા પૂરાં થવા આવ્યા છે, પણ અફસોસ સાથે કહેવું પડે છે આજેય આપણા સમાજમાં ક્યાંકને ક્યાંક દલિતો સાથે છૂતાછૂતની - જાતિવાદની ઘટનાઓ બનતી રહે છે. જોકે આવી ઘટનાઓની સમાંતરે જ સમાજમાં ક્યાંકને ક્યાંક એવા ઉજળા પ્રસંગ પણ બનતાં રહે છે કે આપણને કાળાડિબાંગ વાદળની કોરે આશાનું ઉજળું કિરણ ચળકતું નજરે ચઢે.
વીતેલા સપ્તાહે ગુજરાત સમાચારમાં પાન 15 પર આપે ‘જાતિવાદની પરાકાષ્ઠાઃ દલિત વકીલને વરઘોડો ન કાઢવા ધમકી’ સમાચાર વાંચ્યા હશે. પાલનપુર જિલ્લાના ગાદલવાડા ગામનો કિસ્સો એવો છે કે એક દલિત વકીલ મુકેશ પરેચાએ લગ્નનો વરઘોડો કાઢવાનું નક્કી કરતાં ધાકધમકી શરૂ થઇ ગઇઃ ‘ઘોડી કાઢશો તો ઠીક નહીં રહે...’ વાતાવરણમાં એટલી તંગદિલી છવાઇ કે 200 જવાનોના સુરક્ષા સાથે વરઘોડો નીકળ્યો તો ય કાંકરીચાળો તો થયો જ. પ્રસંગ તો પાર પડી ગયો. ઊંચી જાતિના લોકોની નીચી માનસિકતા જોઇને મેં ખરેખર બહુ જ ત્રાસ અનુભવ્યો.
બધે જ આવું નથી. ભાદરણના વતની અને ગાંધીરંગે રંગાયેલા પટેલ અગ્રણી અંબુભાઈ હરીભાઈ અને લીલાબેનના દીકરી લક્ષ્મીબહેને એક હરિજન સાથે ઘરસંસાર માંડવાનું નક્કી કર્યું તો તેમણે રાજીખુશીથી સંમતિ આપી એટલું જ નહીં, સ્નેહીસ્વજનોમાં કંકોતરી વહેંચીને રંગેચંગે 1967માં તેમનો
સંસાર વસાવી દીધો હતો. (પૂરક માહિતી માટે સાભાર સ્વીકારઃ પ્રો. ચંદ્રકાન્તભાઇ પટેલ)
ચરોતરની આ જ કસદાર ભૂમિમાં આવેલા બીજા એક ગામનું નામ છે નરસંડા. અમદાવાદના યુવા પત્રકાર-લેખક ભાઇશ્રી રમેશ તન્નાની ‘નવી સવાર’ નામની યુટ્યુબ ચેનલમાં જોયેલો પ્રસંગ અહીં ટાંકી રહ્યો છું.
તાજેતરમાં ‘નવી સવાર’ના ‘દલિત મહિલા સરપંચની નેતાગીરી’ નામના એપિસોડમાં નરસંડાના મહિલા સરપંચ કપિલાબહેન વાઘેલાની પ્રેરક કહાણી રજૂ થઇ છે. નરસંડા એટલે નડિયાદ જિલ્લાના ખેડા તાલુકામાં આવેલું નાનકડું, અને રૂપકડું ગામ. ગામની વસ્તીમાં સવર્ણોની બહુમતી, પણ સરપંચપદે કપિલાબહેન બિરાજે છે. કપિલાબહેન આઠ ચોપડી ભણ્યા છે, પણ તેમની કૂનેહ-આવડત કાબિલેતારિફ છે. તેમની વાતો સાંભળો તો દરેક સમસ્યાનું સમાધાન શોધવાનો આત્મવિશ્વાસ છલકતો દેખાય. તેમને સરપંચ તરીકેની જવાબદારી સંભાળવામાં ગામઆખાનો સહકાર મળી રહ્યો છે, જ્ઞાતિ-જાતિના કોઇ પણ જાતના અવરોધ વગર. એક તરફ, પાલનપુરના ગાદલવાડાની દલિત વરરાજાની ઘટના છે તો બીજી તરફ, એક દલિત મહિલા નેતાના સબળ અને સફળ નેતૃત્વની કહાણી છે. વાચક મિત્રો, ગાંધીબાપુના સપનાની આઝાદી તો આ છે...
વાત આઝાદીની નીકળી છે ત્યારે આ જ નરસંડા ગામ સાથે સંકળાયેલો 104 વર્ષ જૂનો પ્રસંગ પણ ટાંકવો જ રહ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામ લડત વેળા આ ગામના લોકોએ ખૂબ શૌર્ય અને સક્રિયતા દાખવ્યા હતા. ‘ચરોતર સર્વસંગ્રહ’ અને ભારતના સ્વાતંત્ર્યના ઇતિહાસમાં પણ આ પ્રસંગ કંડારાયેલો છે.
આ ઘટના 1921ની છે. અમદાવાદમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સત્યાગ્રહ અને અસહકાર આંદોલન જોશભેર ચાલી રહ્યું હતું. આ દરિમયાન હિંસક તોફાનો ફાટી નીકળ્યા. એવું મનાય છે કે અમુક કોમને ઉશ્કેરવામાં આવી હતી. ગોરા અફસરોને નિશાન બનાવીને હુમલા થઇ રહ્યા હતા. અમદાવાદના કમિશનર અને પોલીસવડા બન્ને હોદ્દા પર અંગ્રેજ અમલદારો ફરજ બજાવતા હતા. સ્થિતિ કાબૂ બહાર જઇ રહી હોવાનું લાગતાં તેમણે મુંબઇના ગવર્નરનો સંપર્ક સાધીને અંગ્રેજ સૈનિકોની વધુ કુમક તાબડતોબ મોકલવા કહ્યું. મુંબઇ સેન્ટ્રલથી સૈનિકો રવાના થયા. આ સાથે જ મુંબઇ સેન્ટ્રલની ટેલિગ્રામ ઓફિસથી અમદાવાદ તાર થયો કે શૂટ એટ સાઇટના (તોફાનીઓને દેખો ત્યાં ઠાર કરોના) ઓર્ડર સાથે કુમક રવાના થઇ ગઇ છે.
આ ટેલિગ્રામ ભારત ભૂમિના એક પનોતા પુત્રના હાથમાં આવ્યો. તેણે પળનોય વિલંબ કર્યા વગર ‘સંબંધિતો’નો સંપર્ક કરીને અંગ્રેજોના બદઇરાદા અંગે સાબદા કર્યા. તખતો ગોઠવાઇ ગયો. અને ચરોતર ભૂમિમાં જ આવેલા ઉત્તરસંડા અને નરસંડા વચ્ચે મોટા કુંભનાથ મહાદેવ મંદિરથી લગોલગ પસાર થતાં બોમ્બે-અમદાવાદ રેલવે લાઇનના પાટા ઉખાડીને નરસંડાના કૂવામાં નાંખી દીધા. પરિણામે ગોરા સૈનિકો સમયસર અમદાવાદ પહોંચી શક્યા નહીં. એક નરસંહાર થતો અટકી ગયો. બીજી બાજુ તોફાનો પણ કાબૂમાં આવી ગયા હતા.
કહેવાની જરૂર નથી કે અંગ્રેજ શાસકોએ પછી નરસંડા અને આસપાસના વિસ્તારના લોકો પર કેવા જુલમ ગુજાર્યો હતો. કેટલાયને આકરી સજા ફરમાવી હતી. આ નરસંડા છે. આ નરસંડાના લોકો એક દલિત દીકરીને સરપંચપદ સોંપે તેમાં શી નવાઇ?!
વહાલાની વસમી વિદાય
‘ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ’ના પ્રકાશક-તંત્રી હોવાના નાતે અનેક સંસ્થાઓ સાથે સાઠ દસકા જૂનો નાતો હોવાથી વિશાળ મિત્રમંડળ ધરાવું છું તેને મારું સદભાગ્ય સમજું છું. જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એક યા બીજા સમયે ચિરપરિચિતો સ્વર્ગે સિધાવ્યાના સમાચાર છે ત્યારે મન ગ્લાનિ અનુભવે છે, દિલોદિમાગ પર જાણે શોકનું આવરણ છવાઇ જાય છે. જગતનિયંતાના નિર્ણય સામે આપણે બીજું તો શું કરી શકવાના? પરમાત્માનું નામ લઇ મહામૃત્યુંજયનો મંત્ર જપી લઉં છું. કોઇ સ્વજનના ફ્યુનરલમાં ઉપસ્થિત રહેવાનું જવલ્લે જ બને છે - પહેલું કારણ તો વય અને બીજું કારણ છે વ્યવસાયિક વ્યસ્તતા. અંતરમનથી ઇચ્છા હોવા છતાં ઘણા સ્થળે પહોંચી શકાતું નથી. હા, સ્વર્ગસ્થની સ્મૃતિમાં યોજાતા ભજન કે પ્રાર્થનાસભામાં અવારનવાર હાજરી આપતો હોઉં છું.
સાચે જ આપણો બ્રિટિશ ગુજરાતી સમાજ ઘણો સમરસ છે. અહીં જવલ્લે જ ક્યાંય જ્ઞાતિ-ગોળ-સમાજ-ધર્મનો બાધ જોવા મળે છે. આપણી વચ્ચેથી વિદાય લઇ ગયેલા સ્વજનની સ્મૃતિમાં પરિવારજનો ભજન-પ્રાર્થના યોજે છે તે આવશ્યક અને ઉપકારક છે. આ નિમિત્તે નિકટના સ્વજનો સ્વર્ગસ્થને યાદ કરીને તેમની સફળતા-સિદ્ધિ-સંઘર્ષને વાગોળે છે ત્યારે ખરા અર્થમાં જીવનમૂલ્ય સમજાતું હોય છે. પરમાત્માની આરાધનાનો આ અવસર મારા - તમારા - આપણા સહુ માટે અંતરમનમાં ડોકિયું કરવાનો મોકો આપે છે તો સમૂહ પ્રાર્થનાનું બળ આપણને વધુ આશાવંત પણ બનાવતું હોય છે.
તાજેતરમાં શ્રી રજનીભાઇ નાકરની સ્મૃતિમાં પ્રાર્થનાસભા યોજાઇ હતી. સામાન્ય રીતે આવા સમયે હું મારા વક્તવ્યમાં સ્વર્ગસ્થના સત્કાર્યો, તેની સખાવત, સમયદાન, પરિવારનો સંઘર્ષ વગેરેને યાદ કરું છું. સાથે સાથે જ વ્યક્તિએ જીવનકાળ દરમિયાન અનુભવેલા નાનામોટા પ્રશ્નો - મુશ્કેલીઓનો કઇ રીતે સામનો કર્યો હતો, તેનો કેવો ઉકેલ શોધ્યો હતો તેનું સ્મરણ કરતો હોઉં છું.
આમ જૂઓ તો રજનીભાઇ સાથે મારો પરિચય દસકાઓ જૂનો એમ કહી શકાય. તેમના મોટાભાઇ જશવંતભાઇ છેક દારે-સલામથી મારા મિત્ર. તેમના પિતાશ્રી જેઠાલાલ કલ્યાણજીભાઇ નાકરની દારે-સલામના મુખ્ય બજાર એવા મોરોગોરો રોડ પર પેઢી ધમધમતી હતી.
સન 1978માં પ.પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી (સોલા ભાગવત વિદ્યાપીઠ વાળા)ના આશીર્વાદ સાથે ઇસ્ટ લંડનમાં વલ્લભનિધિ મંદિરનું નિર્માણકાર્ય હાથ ધરાયું. તે સમયે આ સત્કાર્યમાં જેઠાલાલ કલ્યાણજી નાકરે 10 હજાર પાઉન્ડનું જંગી અનુદાન આપ્યું હતું. આ વાત સાડા ચાર દસકા પહેલાની છે. અને આજની તારીખે આંકડો માંડો તો દાનની રકમ 10થી 12 ગણી થાય.
સત્કાર્યનું સ્મરણ અત્યંત આવશ્યક છે. (ક્રમશઃ)