વડીલો સહિત સહુ વાચક મિત્રો, હેપ્પી ન્યૂ યર... ઇસુના નૂતન વર્ષ ૨૦૧૫નો પ્રારંભ થઇ ચૂક્યો છે. નૂતન વર્ષનો આરંભ હોય કે આપણી વર્ષગાંઠ, આવા સીમાચિહ્ન રૂપ દિવસ આવે ત્યારે લગભગ દરેક વ્યક્તિના મનમાં કેટલાક સવાલો ઉઠતા હોય છેઃ આપણે ક્યાં જવા નીકળ્યા છીએ? ક્યાં પહોંચ્યા છીએ? નિર્ધારિત મુકામે હેમખેમ પહોંચશું કે કેમ? ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું કરવું? કે પછી શું ન કરવું..? કેટલા બધા પ્રશ્નો... ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જે જિંદગીના આવા વળાંક પર વિચારવંત નહીં બનતી હોય. દિમાગનું દહીં કરવાનો ઇજારો કંઇ બૌદ્ધિકો કે વિદ્વાનોનો તો નથી જને?! અદનામાં અદનો આદમી પણ રોજબરોજની પળોજણ દરમિયાન ચોખંભે આવીને ઉભો રહેતો હોય છે. સીધા જવું? ડાબે જવું? જમણે જવું? કે પછી યુ-ટર્ન લેવો?
દીપોત્સવ કે ઇસુના નવા વર્ષના દિવસોમાં મનોપટલ પર આવા પ્રશ્નો વધુ ઉભરે છે. આ બધી ભેજામારી કે ભાંજગડમાં જ નવા વર્ષે ‘કંઇક નવું’ કરવાનો વિચાર મનમાં રમતો થાય છે. અને તેમાંથી જન્મે છે ન્યૂ યર રિઝોલ્યુશન.
કેટલાક વર્ષોથી નૂતન વર્ષના આરંભે સંકલ્પો કરવાનું ચલણ વધ્યું છે. લોકો અવનવા સંકલ્પો કરે છે. જોકે આમાંથી કેટલા સંકલ્પો ખરેખર ટકે છે કે પછી કેટલા આરંભે શૂરા જેવા નીવડે છે તે અલગ ચર્ચાનો વિષય છે. અરે, બીજાની વાત શા માટે, ચાલો... મારો જ અનુભવ કહું.
વર્ષોપૂર્વે મને ધુમ્રપાન કરવાની ટેવ હતી. (ભલા માણસ... જરા ધીરજ ધરો... હું ય જાણું છું કે ટેવ તો આજેય છે, પણ જરા જુદા પ્રકારે! આગળ વાંચો, સમજાઇ જશે...) રોજની લગભગ પચ્ચીસેક સિગારેટ ફૂંકી નાંખતો. હું પણ જાણું કે આ ટેવ સારી તો નથી જ, પણ આદત સે મજબૂર... ધુમ્રપાન તન-મન અને ધન માટે પણ નુકસાનકારક હોવાનું જાણવા છતાં મારા વટ કે અહંને પોષતી (તેમજ અપજશભરી) આ કુટેવ છૂટતી નહોતી. એક નહીં, અનેક વખત સંકલ્પ કર્યા - ‘બસ, આજથી તો બંધ જ...’ કેટલીય વાર સિગારેટનું પેકેટ પણ ડસ્ટબીનમાં ફેંકી દીધું. પણ થોડાક કલાકો થાય કે બહુ બહુ તો બીજા દિવસની સવાર થતાં સુધીમાં તો તલપે માથું ઊંચક્યું જ હોય. સંકલ્પના પાયા ડગમગવા લાગે. આપણે સહુ જાણીએ છીએ કે નબળા મનને બ્હાનાનો દુકાળ ક્યારેય નડતો નથી. આજે સિગારેટ નથી પીધી ને એટલે પેટમાં ગેસ જેવું લાગે છે... ગઇકાલે આખો દિવસ સિગારેટ ન પીધીને એટલે જ આજે પેટ સાફ નથી આવ્યું, આજે મનને કંઇક બહુ સૂનું સૂનું લાગે છે... સિગારેટ નથી પીધીને તેનું જ આ પરિણામ.... આમ કપોળ કલ્પનાના ઘોડા દોડાવી દોડાવીને ‘ધોળી’ને બે આંગળી વચ્ચે પકડી લેતો. તેને તો ચેતાવું, સાથે સંકલ્પની પણ હોળી કરતો. સિગારેટ પીધા પછી વળી પાછો વિચાર આવે કે આ કુટેવ તો છે જ... પણ તેની લગન છૂટે નહીં. શું થાય?
આ લત સમૂળગી છોડવાનું અશક્ય જણાતાં છેવટે મેં નવો ઉપાય અજમાવ્યો - ‘હવન’નો. સિગારેટ ફૂંકવાની ખરી, પીવાની નહીં! મતલબ કે તેને મોંમાં લઇને કસ લેવાનો પણ ધુમાડી ફેંફસામાં નહીં ઉતારવાની, હવામાં જ ઉડાડી દેવાની. ખરેખર, છેલ્લા ૧૫-૨૦ વર્ષથી આ જ કરું છું. ફેંફસા વાટે શરીરમાં પ્રદૂષણ ફેલાવતી ધુમાડીનો કસ અંદર ઉતારવાનો જ નહીં. અને ‘હવન’ પણ મર્યાદામાં જ કરવાનો! દિવસની પાંચથી (વધુમાં વધુ) સાત સિગારેટ. અને તે પણ અડધી જ પીવાની. વાચક મિત્રો, (કુ)ટેવ ન જ છૂટી એટલે નછૂટકે આ વચલો મારગ કાઢ્યો છે. અત્યાર સુધી તો મારા ફેંફસા ક્લીયર છે એવું ડોક્ટરોનું કહેવું છે. હું મારું આ ઉદાહરણ ટાંકીને તમને કોઇ બોધપાઠ આપવા નથી માગતો, પણ એટલું અવશ્ય કહીશ કે વચલો મારગ શોધવાના બદલે શક્ય હોય ત્યાં સુધી કુટેવને સંપૂર્ણ તિલાંજલિ આપો. પણ...
...ટેવ-કુટેવની વાત ચાલે જ છે તો એક જોક પણ કહી જ દઉં. પતિ મહાશયને રોજેરોજ દારૂ ઢીંચવાની લત લાગી ગઇ હતી. મોડી રાત સુધી દારૂ ઢીંચે ને પીધા પછી ટુન થઇને પરિવારને હેરાન-પરેશાન કરે. એક દિવસ પતિ મહાશય સવારના ડાઇનીંગ ટેબલ પર બેઠાં બેઠાં ચાની ચુસ્કી સાથે આગલી રાતે ઢીંચેલા દારૂના હેંગઓવરમાંથી બહાર નીકળવા મથતાં હતાં ત્યાં શ્રીમતીજી હાથમાં છાપું લઇને આવ્યાં અને બોલ્યાંઃ જૂઓ, આ લેખ વાંચો... દારૂ પીવાથી શરીરને કેટલું નુકસાન થાય છે તે લખ્યું છે. વાંચશો તો સમજાશે દારૂ કેવી ખાનાખરાબી સર્જે છે. આ વાંચીને તમેય (દારૂ પીવાનું) બંધ કરી દેશો. પતિ મહાશયે એક ભારેખમ નજર છાપા સામે નાંખી અને બોલ્યા કે ‘કાલથી બંધ, પ્રોમિસ!’ શ્રીમતીજી તો હરખઘેલાં થઇ ગયાં. બે હાથ જોડીને ઉપરવાળાનો આભાર માન્યો. પણ તેમનો આનંદ પૂરા ૨૪ કલાક પણ ન ટક્યો. કેમ કે બીજા દિવસે સવારે જોયું તો પતિ મહાશયે છાપું જ બંધ કરાવી દીધું હતું.
વાચક મિત્રો, વાત હસતાં હસતાં કરી છે, પણ તેમાં ગંભીર સંદેશ છુપાયેલો છે. આપણા સુખ-શાંતિ-સ્વાથ્યની સહુથી વધુ ફિકર આપણા સ્વજનને હોય છે. જેમના હૈયે આપણું હિત વસ્યું હોય તે સ્વ-જન. આથી જ... તમારી કોઇ પણ આદત, ટેવ છોડવા, બદલવા માટે પરિવારજનો ટકોર કરે ત્યારે તેને કાને ધરજો. તેની વાતને હંસીમજાકમાં કે ઉપેક્ષા દાખવીને ઉડાવી દેવાના બદલે તેના પ્રત્યે ગંભીરતાથી વિચારજો. તેનો અવળો અર્થ ના કરશો. તમને સમજાશે કે તમારી કોઇ ચોક્કસ ટેવ કે આદત છોડવાનું પરિવારના હિતમાં હોય કે ન હોય, તમારા હિતમાં તો અવશ્ય હશે જ. કુટેવ છોડવાનો પહેલો લાભ તમને મળતો હશે.
વાચક મિત્રો, નૂતન વર્ષના પ્રારંભે અમે પણ સંકલ્પ કર્યો છે. અમે એટલે જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞ સાથે સંકળાયેલા આપના પ્રિય સાપ્તાહિકે. ૨૦ ડિસેમ્બર, ૨૦૧૪ના અંકના ‘જીવંત પંથ’માં એબીપીએલ ગ્રૂપના તમામ વિભાગોની વિચારમંથન બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. તેના પરિપાકરૂપે તંત્રીમંડળે સંકલ્પ કર્યો છે - આપને કંઇક વધુ, અવનવું વાંચન આપવાનો નિર્ધાર કર્યો છે.
રજાના આ વીતેલા દિવસોમાં મેં સાત મહાનુભાવોને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છાઓ આપવા માટે ફોન કર્યા હતા. આમાંથી પાંચનો સહેજસાજ પરિચય ખરો, પણ બે સાવ નવા. બન્ને ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના નિયમિત વાચકો અને ગ્રાહકો. આપ સહુનો પ્રેમ, સદભાવ હંમેશા મને મીઠી મૂંઝવણમાં મૂકતો રહ્યો છે કે મારા માટેના આટલા પ્રેમ, સદભાવનું કારણ શું? મને આ પ્રશ્ન કેમ ઉદભવ્યો તેનો જવાબ તમને આગળ મળી રહેશે.
અરવિંદભાઇ નામના એક ભાઈને ફોન કર્યો. બાય ધ વે, એક આડ વાત કરી દઉં તો... આ બધાને ફોન કર્યો ત્યારે અભિવાદનમાં જુદા જુદા શબ્દો વાપર્યા હતા. કોઇને કેમ છો? કહ્યું હતું તો કોઇને શું નવાજૂની છે? એમ પૂછ્યું હતું. કોઇને વળી એમ પૂછયું હતું - શું નવીન ચાલે છે? હા, કોઇને હાય કે હેલ્લો તો નહોતું જ કર્યું. આ બે શબ્દો મને હંમેશા ઉપરછલ્લા અને ઔપચારિક લાગ્યા છે. ઘી વગરની સૂકી રોટલી ખાતાં હોઇએ એવું લાગે. મને સામેની વ્યક્તિ સાથે વાતચીતના પ્રારંભ માટે સૌથી વધુ ઉષ્માસભર શબ્દો લાગ્યા હોય તો તે છેઃ ‘કેમ છો?’ હાય-હેલ્લો જેવા સૂકા શબ્દોની સામે ઘી લગાડેલી ગરમાગરમ રોટલી જેવા! હેલ્લો બોલવામાં સામેની વ્યક્તિ પર હલ્લો કરતાં હોય તેવું લાગે છે તો ‘કેમ છો?’ શબ્દોમાં તરત જ સામેની વ્યક્તિ સાથે સંબંધનો સેતુ રચાય જાય છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને પણ કદાચ કોઇએ આ બે શબ્દોનું મહત્ત્વ સમજાવ્યું હશે. આથી જ તો તેમણે આપણા નરેન્દ્રભાઇને ‘કેમ છો... પ્રાઇમ મિનિસ્ટર?’ કહીને આવકાર્યા હતા ને...
મારેય કોઇ મહાનુભાવ પર ‘હલ્લો’ નહોતો કરવો, પણ તેમની સાથે વાતચીતનો દોર સાધીને કંઇક જાણવું હતું, સમજવું હતું. આપણા સાપ્તાહિકો વિશેની તેમની આશા-અપેક્ષાઓ સમજવી હતી. મેં તેમની વાતો સાંભળી, અને સદભાવ સાથેના આ સર્વે દરમિયાન તેમના જે કંઇ ભાવ-પ્રતિભાવ જાણવા મળ્યા તેની વિગતવાર નોંધ બનાવી છે. આ નોંધના આધારે અમે સહુ અમારી શક્તિ, મતિ અનુસાર કંઇક નવું, કંઇક વધુ ઉપયોગી, વધુ સત્વશીલ, વધુ હિતકારી વાંચન રજૂ કરવા પ્રયત્ન કરશું. આ અમારો દૃઢ સંકલ્પ છે.
ધતિંગ નામે ધર્મપરિવર્તન
વાચક મિત્રો, આપ સહુએ મને એક યા બીજા પ્રસંગે અગત્યના મુદ્દાઓ, પ્રશ્નોની ચર્ચાવિચારણા, ચિંતન કરવા સુવર્ણ અવસર આપ્યો છે. તાજેતરમાં બહુ ગાજેલા ધર્મપરિવર્તનનો મુદ્દો જ લોને... એક મિત્ર મળી ગયા અને હૈયું ઠાલવતાં બોલ્યાંઃ આધુનિક યુગની અધોગતિમાં વટાળ પ્રવૃત્તિનું બહુ મોટું યોગદાન છે. ખ્રિસ્તી અને મુસ્લિમ, બન્ને સમુદાય સૈકાઓથી વિધર્મીને પોતાનામાં ભેળવી દેવા સતત પ્રયત્નશીલ જોવા મળે છે તેમાં ક્યાં કંઇ નવું છે?
ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજીના બહુ જાણીતા પુસ્તક ‘અધોગતિના મૂળમાં’ જણાવાયું છે તે અનુસાર વટાળ પ્રવૃત્તિના મૂળમાં વર્ણવ્યવસ્થા છે તો સાથેસાથે અહં પણ છે. તમે સારા, અમે પણ સારાની વાત કરતો અહો રૂપં, અહો ધ્વનિ પણ સમસ્યાના મૂળમાં ખરો. સગવડીયું મૌન રાખવું, અને ક્ષેત્ર સંન્યાસ લેવો તે પણ ધર્મપરિવર્તન સાથે સંકળાયેલું એક અગત્યનું પાસું છે. ભીરુતા, ઓશિયાળાપણું, લઘુતાગ્રંથી કે ગુરુતાગ્રંથીનો અતિરેક થાય તો સમાજ વિભાજીત થાય જ ને? આવા પરિવારોના ભલા-ભોળા-સરળ માનવીઓને વટલાવવા માટે તકસાધુઓ મોકાની રાહમાં ટાંપીને જ બેઠા હોય છે. આવા ધુતારા તકસાધુઓ સમાજસેવાના નામે કે બની બેઠેલા ગુરુ-મહાત્માના નામે કે પછી ઇમિગ્રેશન કે અન્ય કોઇ ક્ષેત્રના નિષ્ણાતોના સ્વાંગમાં લોકોને છેતરતા રહ્યા છે, અને છેતરતા રહેશે.
પણ સૈકાઓથી આપણા સમાજમાં ઊંડી જડ ઘાલી ગયેલી આ બીમારીનું ઓસડ શું? પંચામૃત. દૂધ-દહીં-મધ-ઘી અને સાકરનું નહીં, પણ જ્ઞાન, માહિતી, આત્મશ્રદ્ધા, વિશ્વાસ અને નીડરતાનું પંચામૃત. આ પાંચ પરિબળોનો સમન્વય જ આપણા સમાજને વટાળ પ્રવૃત્તિની બીમારીમાંથી બેઠો કરી શકશે.
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી...
આ શબ્દો વાંચીને કંઇ યાદ આવે છે? જૂનાગઢના પાદરે ગિરિવર ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં દરરોજ સ્નાન કરવા જતો પાતળા બાંધાનો નાગર કેટલો વિદ્વાન હતો? તેણે દુનિયાની કોઇ યુનિવર્સિટીમાંથી એમબીએ નથી કર્યું, છતાં જૂઓ... તેણે જીવન જીવવાની જે જડીબુટ્ટી આપી છે તે પ્રવર્તમાન સમયમાં પણ અકસીર જણાય છેને?
વાચક મિત્રો, અમારા સંકલ્પની વાતનો દોર ફરી સાંધુ તો... આપ સહુ કદાચ પૂછવા માગતા હશો કે સી.બી., તમારો સંકલ્પ સાચો, પણ ‘ગુજરાત સમાચાર’માં નવું શું કરવાના છો? તો મારો જવાબ છે - બાપુ, એ તો મને પણ ખબર નથી. હા, એટલું અવશ્ય કહી શકું કે આપની સેવામાં કંઇક વધુ સારું તત્વ ઉમેરવા અમારું તંત્રીમંડળ આતુર છે. આપના વિચારો, સૂઝાવો, મંતવ્યો, અભિપ્રાયો... સારું-નરસું જે કંઇ હોય તે અમને વિનાસંકોચ લખી જણાવશો. અમે આપની અપેક્ષામાં ખરા ઉતરવા માટે અમારી ક્ષમતા અનુસાર પ્રયત્નશીલ છીએ, અને રહેશું.
‘સંકુચિત’ દષ્ટિકોણ
કોલમ અંત ભણી આગળ વધી રહી છે ત્યારે બીજી પણ બે-ત્રણ વાતોનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. ‘સન્ડે ટાઇમ્સ’ના ૨૧ ડિસેમ્બર, ૨૦૧૪ના મેગેઝીનમાં વીતેલા વર્ષનું સરવૈયું રજૂ થયું છે. નાના-મોટા અનેક ઘટનાપ્રસંગોનો ઉલ્લેખ છે, પણ સાચું કહું તો તેના પર નજર ફેરવતાં પહેલી છાપ એવી ઉપસે છે કે પશ્ચિમી દેશોની નજર સમક્ષ સુએઝ કેનાલની પૂર્વની દુનિયા ઉપસતી નથી.
એક જ ઉદાહરણ ટાંકીને મારી વાત સમજાવું. ભારતમાં ૨૦૧૪માં અભૂતપૂર્વ કહી શકાય તેવી લોકસભા ચૂંટણીઓ સંપન્ન થઇ. ૫૫ કરોડ નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભારતની આઝાદી બાદ દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનાર કોંગ્રેસને કારમો પરાજય આપ્યો. આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલા પક્ષ - ભાજપના નેતાને વડા પ્રધાન પદે બેસાડ્યા. આજે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ઇતિહાસ સર્જી રહ્યા છે, વિશ્વભરમાં તેની નોંધ લેવાઇ રહી છે, પણ ‘સન્ડે ટાઇમ્સ’માં તેનો ક્યાંય ઉલ્લેખ દેખાતો નથી! ખેર, જૈસી જીસકી સોચ... આપણે તો આપણું કામ કરતા રહેશું.
શનિવારે, ૨૦ ડિસેમ્બરે ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ દ્વારા પણ તેનો સાપ્તાહિક વિશેષાંક પ્રકાશિત થયો હતો. તેમાં આરબ દેશોની કથળેલી સ્થિતનો ચિતાર રજૂ થયો છે. ટ્યુનિશ્યા સિવાય બધા જ આરબ દેશો લગભગ સંપૂર્ણપણે સરમુખત્યારો હસ્તક છે. અને દરેક સ્થળે લગભગ એક જ કરુણ કથની જોવા મળે છે - આંતરિક અંધાધૂંધી, શિયા-સુન્ની રક્તપાત, નિર્દોષોની કત્લેઆમ, પ્રજા પર જોરજુલ્મ... ઇન્ડોનેશિયા અને કંઇક અંશે મલેશિયા ઉપરાંત ભારત સિવાયના દેશોમાં મુસ્લિમોના હાથે જ મુસ્લિમોનું નિકંદન નીકળી રહ્યું છે. રાજકીય નેતાઓ, સંરક્ષણ નિષ્ણાતો, સમાજશાસ્ત્રીઓ આ સ્થિતિથી ચિંતિત છે. આનો ઉપાય શું? હવે મારે આ લેખમાં વધુ દર્દભરી દાસ્તાન કહેવી નથી. માણસાઇ પણ આપણા સહુમાં ભરી પડી જ છે. બધું હમેશા માટે ખરાબ નથી. કદરૂપું નથી. સારા માણસો, સારી ભાવના ઠેર ઠેર છે, પણ કાં તો તેને આપણે જોઇ શકતા નથી કે તેને પારખી શકતા નથી. લ્યોને... મારી જ વાત કરું.
અરવિંદભાઇને ફોન કર્યો. જાતભાતના વિષયો પર વાતચીત કરી. વાત પૂર્ણાહુતિ તરફ આગળ વધી જ હતી કે અરવિંદભાઇએ મને કહ્યું, ‘સી.બી., જરા એક મિનિટ હોલ્ડ કરજો... મારા પત્ની તમને મોટા ભાઇ સમાન ગણે છે ને તમારી સાથે વાત કરવા માગે છે.’ મેં સાનંદાશ્ચર્ય અનુભવ્યું. એક બહેન કે જેમને હું જિંદગીમાં કદી મળ્યો પણ નથી તેમણે કહ્યું, ‘ભાઇ, તમે મારા હસબન્ડ સાથે વાત કરતા હતા તેના પરથી જાણ્યું કે તમે આવતા પખવાડિયે ઇંડિયા જવાના છો. પરંતુ તમે જ્યાં પણ જાવ, કોઇ મિત્ર કે પરિચિતને અવશ્ય સાથે રાખજો.’ તેમની ચેતવણીસૂચક સલાહના જવાબમાં મારો પ્રશ્ન હતો, ‘...પણ કેમ? હું તો એકલો ફરવા ટેવાયેલો છું.’ આના જવાબમાં બહેને લાગણીભીના અવાજે કહ્યું, ‘જૂઓ... ગયા સપ્ટેમ્બરમાં તમે યુએસ ગયા હતા અને ત્યાં શું થયું હતું તે અમને બરાબર યાદ છે...’ બહેનની વાતમાં ચેતતા નર સદા સુખીની વાત પડઘાતી હતી તે સાચું, પણ આ તેમની લાગણી શું દર્શાવે છે? આવી અપરિચિત કહેવાય તેવી વ્યક્તિ મારા માટે સદભાવ ધરાવે છે તે આ દુનિયામાં સારપ ટકી રહી છે તેની નિશાની નથી? જેમને પ્રત્યક્ષ મળ્યો નથી, તેમને મારા પ્રત્યે આવો સદભાવ, આટલી સરસ ભાવના! આને તો પરમ કૃપાળુ પરમાત્માની કૃપા જ ગણવી રહી.
એક બીજો અહેવાલ પણ બહુ ધ્યાનપૂર્વક વાંચ્યો. હું અગાઉ આ જ કોલમમાં કહી ચૂક્યો છું તે પ્રમાણે નિવૃત્તિને આરે આવીને ઉભેલી વ્યક્તિ દાયકાઓ સુધી સતત કામ કામ ને કામ કર્યા કરે છે. એક લેખકે તો વળી લખ્યું છે કે બધા ગધેડાની જેમ કામ કરી રહ્યા છે. સુશ્રી ઇંડિયા નાઇટ નામના અંગ્રેજ લેખિકાનું કહેવું છે કે માણસના જીવને જંપ નથી, બે ઘડી પગ વાળીને બેસી શકતો નથી.
અરે, જે પામ્યો છે તેનો ઉપભોગ કરી શકતો નથી. તેમનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે માણસ મેળવે છે ઘણું બધું, પણ તેને માણી શકતો નથી.
તમને એક બીજી હકીકત જણાવું. વિશ્વની કુલ વસ્તી છે અંદાજે ૭૦૦ કરોડ. આમાં ભારતની વસ્તી ૧૨૫ કરોડ. આર્થિક કે અન્ય પરિમાણોમાં સરેરાશ ભારતવાસી અમેરિકા જેવા સાધનસંપન્ન દેશની સરખામણીએ પાછળ હશે. હું અહીં ‘પાછળ હશે’ એમ કહું છું, પછાત નથી કહેતો. કેમ? વાંચો આગળ...
ભારતની સરખામણીએ અમેરિકાની જેલોમાં સાત ગણા વધુ કેદી બંધ છે. આટલા જ વધુ પાગલખાના છે. માનસિક નબળાઇનું આટલું મોટું પ્રમાણ ધરાવતા દેશમાં સાઇકિયાટ્રિસ્ટની સંખ્યા વધુ હોય તેમાં નવાઇ શી? ભારત-અમેરિકાના ગુનાખોરીના અને વસ્તીના પ્રમાણની સરખામણી કરો તો તેમાં પણ આસમાન-જમીનનો ફરક જોવા મળશે. બળાત્કારના ગુના હોય કે બંદૂકથી ઠાર મારવાની ઘટના... બધા મોરચે અમેરિકા, ભારત કરતાં, ‘આગળ’ છે. આ દૃષ્ટિએ તમે અમેરિકાને બત્રીસ (અપ)લક્ષણું કહી શકો.
વાચક મિત્રો, હું અમેરિકા અને ભારતની સરખામણી કરીને કોઇ દેશને ઊંચો કે નીચો સાબિત કરવા નથી માગતો, પણ એ દર્શાવવા માગું છું કે આર્થિક સમૃદ્ધિ જ સર્વસ્વ નથી. બૌદ્ધિક સંપદા, સમજદારી જ સાચા સુખનાં દ્યોતક છે. નરસિંહ મહેતાના પદને ફરી એક વખત યાદ કરી લઇએ... જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ... આ પદ વાંચીએ, માણીએ અને તેના અર્થને જીવનમાં ઉતારીએ તો અવશ્ય સાચું સુખ પ્રાપ્ત થાય.
સંકટ સમયે સદભાવના, સહયોગ, સામર્થ્યનો ત્રિવેણીસંગમ
આજના જીવંત પંથમાં એક અન્ય ઘટના વિશે રજૂઆત કરવાનું મારું મન રોકી શકતો નથી. આપણે સહુ ઉચ્ચ ભાવનાઓ સાથે જ્યારે કોઇ અગત્યના પ્રસંગનું આયોજન કરીએ, જ્યારે તેની સંપૂર્ણપણે તૈયારી કરી હોય અને દુર્ભાગ્યે કોઇ ભયંકર પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરવું, શું થઇ શકે?
ગયા શનિવારે (૨૭ ડિસેમ્બર) લંડનની બહાર કન્ટ્રીસાઇડના રમણીય સ્થળે કચ્છી વેપારી મનુભાઇ રામજી ગાજપરિયા અને કાંતાબહેનની દીકરી હેમાના લગ્ન આનંદ લાખાણી સાથે નિરધાર્યા હતા. એક પેલેસ જેવા મહાલયના ઉદ્યાનમાં સુંદર શમિયાણો બાંધવામાં આવ્યો હતો. ત્યાં મનુભાઇએ પોતે સુંદર સજાવટ કરી હતી. અંદાજે ૪૦૦ મહેમાનો-મહાનુભાવો સ્થળ પર હાજર હતા. અચાનક શમિયાણાના એક ખૂણામાં આગ ભભૂકી ઉઠી અને જોતજોતાંમાં તો આગથી ઘણોબધો વિસ્તાર લપેટાઇ ગયો. સદભાગ્યે લગ્નમંડપ સુધી આગ પહોંચી ન હતી. ઉપસ્થિતોમાં હાહકાર મચી ગયો. આવું અણધાર્યું બન્યું તેથી સહુ ચિંતાતુર બની ગયા. આવી ઘટના બને ત્યારે આપણે કેવા લાચાર બની જઇએ છીએ?
મારા પરિવારમાં ૧૭ દીકરીના લગ્ન મંડાણા છે, પાંચ દીકરીઓના અમે કન્યાદાન દીધાં છે. શ્રી મનુભાઇના આ પ્રસંગ વિશે લખાવું છું ત્યારે મારા શરીર પર રુંવાડા પણ ખડા થઇ જાય છે, હજી પણ એ દૃશ્ય આંખ સામેથી હટતું નથી.
મનુભાઇ તેમજ લાખાણી પરિવારના સૌ સદસ્યો, સગા-સંબંધીઅો તેમજ કચ્છી લેવા પટેલ સમાજના સૌ ભાઇ બહેનોએ આ અણધાર્યા વિષમ સંજોગો વચ્ચે શાંતચિત્તે લગ્નપ્રસંગ આટોપ્યો. પરમાત્માની કૃપા ગણો તો કોઇને પણ ઇજા ન થઇ. તમામ લોકોએ પ્રસંગની ગરિમા સાચવી. અને નજીકના હોલમાં જ શાસ્ત્રોક્ત વિધિથી નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા.
સવારના હિન્દુ વિધી પ્રમાણે લગ્ન, ત્યાર બાદ બપોરે રજીસ્ટ્રી લગ્ન અને સાંજે રીસેપ્શનમાં લીબ ડેમ અગ્રણી અને લોર્ડ નવનિત ધોળકીયા સહિત સૌ મહાનુભાવોએ ખૂબ જ આનંદપૂર્વક આ લગ્નોત્સવને માણ્યો.
આ ઘટના અંગેનો અજંપો મારા મનમાં ભમી રહ્યો હતો, તેને હું નિવારી શક્યો નહીં. મેં ભારતીય વિદ્યાભવનના ડો. નંદકુમારને ફોન કર્યો અને મારા મનની વ્યથા કહી. તેમણે મને રામાયણમાંથી શ્લોક મોકલ્યો છે.
अनिर्वेदः च दाक्ष्यं च मनसः च अपराजयम्
कार्यसिद्धिकराणि आहुः
અર્થાત, કોઇપણ કારણે હતાશ થવું નહીં. પોતાનું કર્તવ્ય નિભાવવામાં કટિબદ્ધ રહેવું અને ગમે તેવી મુશ્કેલીઓનાં પડકાર સામે નિરાશ થવું નહીં. આ જ ગુણો વ્યક્તિને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે વિજય અપાવે છે.
લગ્ન ટાણે આવી અનિચ્છનીય ઘટના ઘટવાથી સહુના મનમાં ચિંતા વર્તાતી હતી. પરંતુ વર-કન્યા, બંને પક્ષના પરિવારજનોએ આ કસોટીભર્યા સમયે શાંતિથી પ્રસંગ પાર પાડ્યો તે માટે આત્મિયજનોને મારા હૃદયપૂર્વક અભિનંદન. અત્યંત આપત્તીજનક સંજોગોમાં પણ સૌએ જે અનન્ય પ્રેમ દર્શાવી સાથ સહકાર આપ્યો તે બદલ શ્રી મનુભાઇ અને પરિવાર સૌનો આભાર માને છે. મનુભાઈ અને તેમના પરિવારજનોના પુણ્યકાર્યને પરમાત્માએ લક્ષ્યમાં લીધાં અને બધા જ સહિસલામત રહ્યાં. (ક્રમશઃ)
જ્યાં લગી આત્મા તત્વ
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી
શું થયું ઘેર રહી દાન દીધે ?
શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
શું થયું વાળ લુંચન કીધે ?
શું થયું તપ ને તીરથ કીધા થકી,
શું થયું માળ ગ્રહી નામ લીધે ?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
શું થયું ગંગાજલ પાન કીધે ?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે,
શું થયું રાગ ને રંગ માણ્યે ?
શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ આણ્યે ?
એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
- નરસિંહ મહેતા