વડીલો સહિત સહુ વાચક મિત્રો, નિયમાનુસાર આજે સોમવારે આ કોલમનું શબ્દાવતરણ થઇ રહ્યું છે. આપના લાડકડા અખબારનો વર્ષ ૨૦૧૮નો છેલ્લો અંક આવતીકાલે પ્રિન્ટીંગ પ્રેસમાં જઇ રહ્યો હશે ત્યારે બીજી તરફ ૯૯ વર્ષનાં સુશ્રી જોયસ રેનોલ્ડ્સ આયુષ્યની સદી ફટકારવાની ઉજવણી કરી રહ્યા હશે. ૧૦૦મા જન્મદિવસની ઉજવણીની બધી તૈયારીઓ કદાચ તેમણે જાતે જ કરી હોય તો પણ નવાઇ નહીં! વાચક મિત્રો, કદાચ આપ કહેશો કે ૯૯ વર્ષનાં ‘માજી’ તે કંઇ થોડાં તેમના એકસોમા જન્મદિવસની તૈયારી જાતે કરી શકે? આ ઉંમરે તો ૯૯ ટકા વ્યક્તિઓ પરાધીન, પથારીવશ જીવન જીવતી જ હોય.
પણ મિત્રો, જોયસબહેનની વાત જુદી છે. તેઓ બાકીના એક ટકામાં આવે છે. આજે પણ તેઓ કડેધડે છે. તન-મનથી ટકોરાબંધ સ્વાસ્થ્ય ધરાવે છે. અને જીવન પ્રત્યે ઉત્સાહભર્યો અભિગમ ધરાવે છે. માન્યામાં ન આવતું હોય તો આ પાન પર પ્રકાશિત તસવીર પર એક નજર ફેરવી લો... આ વયે પણ તેમના ચહેરા પર કેવી સુખાનુભૂતિ છલકે છે. આજે જોયસ રેનોલ્ડ્સનો સહેતુક, ખાસ કારણસર ઉલ્લેખ કરી રહ્યો છું. વાતના મૂળિયાં મારી તાજેતરની, એક વડીલ સાથેની મુલાકાત સુધી પહોંચે છે.
થોડાક સપ્તાહ પૂર્વે મારે લંડનના હેરો વિસ્તારમાં એક સમારંભમાં હાજરી આપવા જવાનું બન્યું હતું. અહીં ૬૮ વર્ષના એક પરિચિત સજ્જન મળી ગયા. તેમની સાથેનો વ્યક્તિગત પરિચય જોતાં એટલું તો નિઃશંકપણે કહી શકું કે સર્વપ્રકારે સુખી કહેવાય એવું તેમનું જીવનધોરણ છે. આરોગ્ય સારું છે, ખાધેપીધે સુખી છે, સંતાનો ઠરીઠામ થઇ ગયા છે. બે-ત્રણ સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલા છે અને તેના કામકાજ માટે સારો એવો સમય ફાળવે છે. ટૂંકમાં કહી શકાય કે નિવૃતિમાં સરવાળે પ્રવૃત્તિમય જીવન જીવે છે. એક વ્યક્તિને જીવનમાં આથી વધુ જોઇએ શું?! લાંબા સમયે મળ્યા હતા એટલે અલકમલકની વાતો ચાલતી હતી. દરમિયાન મને વાતવાતમાં કહ્યું કે સી.બી., તમને બ્યાંસીમું ચાલે છે, ને છતાંય આટલા આઘાપાછા થાવ છો... મારા કરતાં ૧૪ વર્ષ મોટા હોવા છતાં આટલું સક્રિય જીવન જીવો છો એ બહુ સારું કહેવાય હોં... બાકી હું તો ભગવાનના તેડાંની રાહ જોઇ રહ્યો છું.
મેં તેમને કહ્યું કે વડીલ, આમ તમે કહો છો કે તમે મારાથી નાના છો અને બીજી તરફ જીવન પ્રત્યેના મારા અભિગમથી બિલકુલ વિપરિત વાત કરી રહ્યા છો... આવું કેમ? તો મને કહે કે જિંદગીમાં બધું જીવી લીધું. હવે બાકી શું રહ્યું છે? મારો (જીવન જીવવાનો) કોઇ હેતુ જ રહ્યો નથી. અને જીવન જીવવાનો જો કોઇ હેતુ જ બાકી ન રહ્યો હોય તો પછી જીવીને કરવાનું શું?
જીવન પ્રત્યે આવો નિરસ અભિગમ?! વાચક મિત્રો, સાચું કહું તો મને તો બહુ જ નવાઇ લાગી. કોઇ વ્યક્તિ પરમાત્માએ આપેલી માનવદેહની આ અમૂલ્ય ભેટ પ્રત્યે આટલી ઉદાસીનતા કઇ રીતે દાખવી શકે? હું તો માનું છું કે આવી મહામૂલી ભેટ સામે ઉપેક્ષાવૃતિ દાખવીને આપણે પરમાત્મા, કુદરતનો અપરાધ કરી રહ્યા છીએ. જેમ કોઇ ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે જન્મ લેવાનું આપણા હાથમાં નથી તેમ અમુક-તમુક દિવસે કે સમયે આ પૃથ્વી પરથી અંતિમ વિદાય લેવાનું નક્કી કરવાનો પણ આપણને અધિકાર નથી.
આપણે બીજું તો શું કરી શકીએ? પરંતુ મેં પેલા વડીલને એટલું જ કહ્યું કે તમને કદાચ પેલું ગુજરાતી ગીત યાદ હશે કે ‘તમે મારા દેવના દીધેલ છો...’ બસ, આપણે આ ગીતની પહેલી પંક્તિ યાદ રાખીએ તો પણ ઘણું છે. આ પછી મેં વાતને હળવી કરવા વડીલને મારા ગંગાફોઇ-કમ-ગંગાબાનો એક પ્રસંગ કહી સંભળાવ્યો.
મારા ગંગાફોઇ બાળકોમાં અદકું માનપાન ધરાવે. અમને બધાને વાર્તા અને ગીતો સંભળાવે, દેશી રમતો રમાડે, તોફાન કરાવે અને ધમાચકડીમાં પણ સાથ આપે એટલે બાળકોને બહુ વ્હાલા. ‘તમે મારા દેવના દીધેલ છો...’ ગીત ગાતી વેળા એક પંક્તિ કાયમ તેમાં ઉમેરી દેતાં કે ‘આવ્યા છો તો સખણાં થઇને રે’જો...’ ભણતર નહોતું ચઢ્યું ત્યાં સુધી તો હું એમ જ સમજતો હતો કે આ પંક્તિ પણ મૂળ ગીતનો હિસ્સો જ છે. પણ ખરેખર એવું નહોતું. વયના વધવા સાથે હું ભાદરણથી વડોદરે ભણવા ગયો. એક વખત ગંગાફોઇ કે જેઓ સમયના વહેવા સાથે ‘ગંગાફોઇ’માંથી ‘ગંગાબા’ થઇ ગયા હતા. તેમને મળવાનું બન્યું. વાતમાંથી વાત નીકળી. આ ગીતનો ઉલ્લેખ થયો અને મેં તેમને પૂછયું કે ગંગાબા, તમે બહુ ગાતા તે તમે મારા દેવના દીધેલ છો... ગીતમાં સખણાં રે’જો વાળી તો પંક્તિ તો છે જ નહીં. તો મને ક્યે કે ’લ્યા તારે ક્યાં ગીત ફેંદવાની જરૂર હતી, મુને પૂછયું હોત તો હું જ કઇ દેત... ગંગાબાનું કહેવું હતું કે આ પંક્તિ તો તેમણે જીવનના તારવણ રૂપે ઉમેરી હતી. જીવનમાં સુખી થવું હોય તો સખણાં રહેવું, આડાઅવળાં ડાફોળિયા મારવાનું ટાળવું.
ગંગાબાની વાત તો સો ટચના સોના જેવી સાચી છે. ગંગાબા નાની વયે વિધવા થયા હતા. જીવનની અનેક તડકીછાંયડી જોઇ ચૂકેલા ગંગાબા ભણ્યા’તા ઓછું, પણ ગણ્યા’તા વધુ. જીવનનું ભાથું એટલું સમૃદ્ધ કે તેઓ જ્યાં વસતાં તે મોટી ખડકીમાં બહુ માનપાન. તેમના ડહાપણ - સૂઝબૂઝ - વિવેકબુદ્ધિથી સહુ કોઇ ભારે પ્રભાવિત. નાનીમોટી કોઇ પણ મુશ્કેલી હોય તેમની પાસે ઉકેલ મળી રહે.
ખેર, આપણે મૂળ વાત પર પાછા ફરીએ. આપણી વાતના નાયક ૬૮ વર્ષના વડીલે તેમની આખી જિંદગી એટલી સરસ રીતે વીતાવી છે કે તેમને ‘સખણાં રહીને જીવવા’ માટે કહેવાનો તો સવાલ જ નહોતો, પરંતુ મારું તેમને એટલું જ કહેવું હતું કે તમારો જિંદગીનો અનુભવ લોકોના, પરિવારજનોની સુખાકારી માટે કામે લગાવોને... સમાજ માટે હજુ વધુ સક્રિય બનો. વધુ સમય ફાળવો. તમારા અનુભવનો લાભ લોકોને આપીને તેમનું પણ ભલું કરો, અને તમારું પણ.
આપણી ગુજરાતીમાં કહેવાયું જ છે ને ઘરડાં ગાડાં વાળે. અનુભવ આગળ ગમેતેવા જોશ-જુસ્સો પાણી ભરતા હોય છે - પછી લંડન હોય કે લખનઉ, અમદાવાદ હોય કે અમેરિકા. જો આવું ન હોત તો જો બિદેન નામના રાજનેતા અમેરિકાના અખબારોમાં છવાયા ન હોત. બિલ ક્લિન્ટનના પ્રમુખપદ દરમિયાન જો બિદેને અમેરિકાનું ઉપપ્રમુખ પદ સંભાળ્યું હતું અને તેમની સૂઝબૂઝ, કાર્યપદ્ધતિ, વિચક્ષણતાથી હોદ્દાને દીપાવ્યો હતો. આજે તેઓ ૭૬ વર્ષના છે, પરંતુ તેમની જ્વલંત રાજકીય કારકિર્દીને નજરમાં રાખીને ડેમોક્રેટિક પાર્ટી ચાર વર્ષ બાદ યોજાનારી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં તેમને ઉતારવાનું વિચારી રહી છે. ‘માથાફરેલા’ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ હજુ બીજા બે વર્ષ વિશ્વના સૌથી સમૃદ્ધ, સૌથી શક્તિશાળી દેશનું સુકાન સંભાળવાના છે, પણ ડેમોક્રેટિક પાર્ટીએ અત્યારથી જ પ્રમુખપદની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.
ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે બિદેનના નામની વિચારણા ચાલતી હોવાના અહેવાલો વહેતાં થતાં જ એક વર્ગમાંથી કચવાટ શરૂ થઇ ગયો છે. તેમનું કહેવું છે કે બિદેન અત્યારે જ ૭૬ વર્ષના છે અને ચૂંટણી સમયે તો તેઓ ૭૮ના થઇ ગયા હશે. તેઓ ક્યાંથી મજબૂત ટક્કર આપી શકવાના? પ્રમુખ પદે ચૂંટાઇ જાય તો પણ પ્રમુખપદે તેઓ પાંચ વર્ષ અસરકારક ફરજ બજાવી શકશે કે કેમ તે પણ પક્ષની નેતાગીરીએ વિચારવું જોઇએ વગેરે વગેરે...
આ મુદ્દે એક અમેરિકન પત્રકાર સાથે એમ જ ચર્ચા થઇ તો મેં તેમને આપણા માનનીય મોરારજીભાઇ દેસાઇનું ઉદાહરણ આપ્યું. આ અનાવિલ ભાયડાએ ૧૯૭૭માં દેશનું વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે તેમની ઉંમર ૮૧ વર્ષ હતી. તેમણે પોતાની વહીવટી સૂઝબૂઝ અને કુનેહથી એવી અસરકારક ફરજ નિભાવી કે લોકો આજેય તેમના શાસનકાળને સુવર્ણકાળ ગણાવે છે. મોરારજીભાઇ પૂરા ૯૯ વર્ષ જીવ્યા હતા અને જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરામય તંદુરસ્તી જાળવી હતી. આથી બિદેનની સંભવિત પસંદગી સામે ઉંમરના મામલે વિરોધ કરવાનું મને તો યોગ્ય જણાતું નથી.
મોરારજીભાઇના ઉમદા વ્યક્તિત્વનો એક કિસ્સો આજે પણ મને યાદ છે. આ કિસ્સો ૧૯૭૯માં ઇન્દિરા ગાંધીના અંગત સચિવ તરીકે દસકાઓ સુધી કાર્યભાર સંભાળનારા આર. કે ધવને મને કહ્યો હતો. આ સમયે હું ભારતના પ્રવાસ દરમિયાન દિલ્હી ગયો હતો. દેશમાં મોરારજી દેસાઇ સરકારનું શાસન હતું, અને કટોકટીના ઘા તાજા હોવાથી લોકો એક પ્રકારે ઇન્દિરા ગાંધીને ધુત્કારતા હતા તેમ કહું તો પણ ખોટું નથી. કટોકટી દરમિયાન તેમની સરકારે લોકો પર જુલમ જ એવા ગુજાર્યા હતા.
દિલ્હી પ્રવાસ દરમિયાન - એક પત્રકાર જીવ હોવાના નાતે - મને ઇન્દિરા ગાંધીને મળવાની ઇચ્છા થઇ. મેં કોંગ્રેસના નેતાઓ થકી આર. કે. ધવનનો સંપર્ક કર્યો. મારો પરિચય આપ્યો. અને મુલાકાત માટે સમય માગ્યો. તરત જ એપોઇન્ટમેન્ટ પણ મળી ગઇ. કેમ કે ચૂંટણીમાં કારમા પરાજય બાદ ઇન્દિરા ગાંધી પાસે પણ સમય જ સમય હતો. મુલાકાતીઓના ટોળા ભૂતકાળ બન્યા હતા.
બીજા દિવસે નિયત સમયે પહોંચ્યો. ધવનને મળ્યો. ઇન્દિરા ગાંધી જેવા નેતાઓના સચિવ પણ કેટલા સજાગ હોય છે તેનો જાત અનુભવ મને અહીં થયો. આમાં પણ ધવન એટલે જાણે એકસો સચિવને ભાંગીને બનાવેલા એક તેજતર્રાર સચિવ. ધવન મને ‘મેડમ’ પાસે દોરી ગયા. મેં ઇન્દિરાજીને મારો પરિચય આપ્યો અને અલઝલપ વાતો દરમિયાન મેં હળવેકથી ઉમેર્યું પણ ખરું કે મેં અમારા સાપ્તાહિક ન્યૂ લાઇફ (‘એશિયન વોઇસ’નું પૂરોગામી)માં આપના કટોકટી કાળની આકરા શબ્દોમાં ટીકા કરી હતી તેથી મને તો શંકા હતી કે આપ મુલાકાત માટે સમય ફાળવશો કે કેમ.
ઇન્દિરાજીએ તરત જ ઉમેર્યું કે અરે... ના, ના, એ તો તમારું (અખબારોનું) કામ છે, પરંતુ ધવને મારું ધ્યાન દોર્યું છે તેમ ચૂંટણી પરિણામો પછી તમે તંત્રીલેખમાં એવી નોંધ પણ કરી હતી કે ચૂંટણીમાં કોંગ્રેસનો ભલે પરાજય થયો, પરંતુ જે કોઇ શાસકો દેશની શાસનધૂરા સંભાળે તેમણે ઇન્દિરા ગાંધી કે તેના સાથી નેતાઓ પ્રત્યે રાજકીય દ્વેષભાવથી પ્રેરાઇને કોઇ અઘટિત કાર્યવાહી કરવાનો અભિગમ ટાળવો જોઇએ. ઇન્દિરા ગાંધી સહિતની નેતાગીરીએ ભારત વર્ષની સેવા પણ કરી છે તે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું. તમારા અખબારનો આ અભિગમ મને બહુ ગમ્યો...
વાચક મિત્રો, ઇન્દિરાજી સાથે મુલાકાત માટે ૧૫ મિનિટનો સમય નિયત થયો હતો, પરંતુ અમારી મુલાકાત લગભગ ૪૦ મિનિટ ચાલી હતી. આ મુલાકાત વેળા ધવને મને મોરારજીભાઇ દેસાઇના ઉમદા વ્યક્તિત્વનો કિસ્સો જણાવ્યો હતો. નેતાઓમાં એક સામાન્ય શિરસ્તો હોય છે કે શાસક-વિપક્ષ ચૂંટણી વખતે ગમેતેવો જોરદાર જંગ લડે, પરંતુ પરિણામ જાહેર થયા બાદ પરાજિત થયેલા ઉમેદવાર ખેલદિલી દાખવીને વિજેતા ઉમેદવારને અભિનંદન પણ આપતા હોય છે. વડા પ્રધાન પદે બિરાજનાર નેતા માટે કંઇક એવો શિરસ્તો છે કે વિદાય લેનાર વડા પ્રધાન તેના અનુગામીને મળવા તેમના નિવાસસ્થાને ઔપચારિક મુલાકાતે જતા હોય છે અને દેશની શાસનધૂરા સંભાળવા બદલ અભિનંદન આપતા હોય છે.
૧૯૭૭ની ચૂંટણી વેળાની વાત છે. ઇન્દિરા ગાંધીના પરાજય બાદ ધવને નવનિયુક્ત વડા પ્રધાન મોરારજીભાઇ દેસાઇના સચિવને ફોન કરીને પૂછયું કે મેડમ આપને અભિનંદન આપવા માટે રુબરુ મુલાકાતે આવવા માગે છે તો ક્યો સમય અનુકૂળ છે? મોરારજીભાઇએ તરત જ સ્ત્રીદાક્ષણ્ય દાખવતા કહ્યું કે તેઓ એક મહિલા છે અને પંડિત નેહરુના દીકરી છે. તેઓ મને મળવા આવે તે બરાબર ન કહેવાય. તેમને કહેજો કે હું તેમને મળવા આવીશ. અને મોરારજીભાઇ ખરેખર તેમને મળવા જઇ પહોંચ્યા હતા. આ હતો મોરારજીભાઇનો શિષ્ટાચાર, સ્ત્રીઓ પ્રત્યેનો સન્માનભાવ. ઉલ્લેખનીય છે કે આ જ ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઇને કટોકટીકાળ દરમિયાન દિલ્હીની તિહાર જેલની કાળકોટડીમાં ધકેલી દીધા હતા.
ખેર, આપણે આગળ વધીએ - જીવન પ્રત્યે ઉદાસીન વલણ ધરાવતા વડીલની વાત સાથે. આપણું આયુષ્ય લંબાવવા કે ટૂંકાવવાનો અધિકાર ભલે આપણને ન હોય, પરંતુ આરોગ્યની સંભાળ લેવાનું તો જે તે વ્યક્તિના હાથમાં જ હોય છે. તબીબી વિજ્ઞાન કહે છે કે યોગ્ય આહાર, વિહાર અને હકારાત્મક મનોસૃષ્ટિ વ્યક્તિના સર્વાંગી સ્વસ્થ આરોગ્યને ઓપ આપે છે.
આપ સહુએ આ સાથેનો જોયસ રેનોલ્ડ્સનો ફોટોગ્રાફ નિહાળ્યો ને... તેઓ આજે આયુષ્યની સદી ફટકારવાના આરે છે, પણ ચહેરા પર ક્યાંય વય વધ્યાનો ભાર વર્તાય છે? તમને જરા કે ય લાગે છે કે તેઓ આ ફાની દુનિયાને છોડી જવા માટે બિસ્તરા-પોટલા બાંધીને તૈયાર બેઠાં છે? કેમ્બ્રિજમાં રહેતા જોયસબહેન યુરોપ અને આફ્રિકાને આવરી લેતા એક પુરાતત્વીય અભિયાનનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને એપિગ્રાફીના (શીલાલેખની ભાષા સંબંધિત) શોધ-સંશોધનમાં પ્રશંસનીય પ્રદાન બદલ ૨૦૧૭માં બ્રિટિશ એકેડેમી દ્વારા કેન્યોન મેડલથી સન્માનિત થઇ ચૂક્યાં છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ મહિલા છે.
તાજેતરમાં પ્રકાશિત એક મુલાકાતમાં જોયસ રેનોલ્ડ્સે જણાવ્યું છે એમ તેઓ રાત્રે ૯.૩૦ વાગ્યા આસપાસ સૂઇ જાય છે અને સવારે ૭.૩૦ વાગ્યે ઉઠી જાય છે. બ્રેડ-જામના બ્રેકફાસ્ટ સાથે તેમનો દિવસ શરૂ થાય છે અને પછી બપોરના ૪.૩૦ વાગ્યા સુધી સતત નીતનવા કામમાં રચ્યાપચ્યા રહે છે. વાંચન, ચિંતન, લેખન, પુરાતત્વના વિદ્યાર્થીઓ સાથે ચર્ચાવિચારણા, નિષ્ણાતો સાથે મિલન-મુલાકાત બધું એક પછી એક ચાલ્યા કરે. સુશ્રી જોયસ સતત કંઇકને કંઇક નવું વિચારતા રહેવામાં માને છે. તેઓ ખૂબ ચાલે છે. આર્કિયોલોજિસ્ટ તરીકેની તેમની કામગીરી અન્ય દેશોમાં પણ વિસ્તરેલી છે. સુશ્રી જોયસ કહે છે કે મારું કામ ખૂબ જ રોમાંચક છે.
જોયસ રેનોલ્ડ્સની વાત ચાલે છે ત્યારે મારી નજર સમક્ષ એક પ્રકાંડ પંડિત અને સાચા અર્થમાં બ્રાહ્મણ એવા કે.કા. શાસ્ત્રીજીનો ચહેરો તરવરી રહ્યો છે. એક વખત અમદાવાદ મુલાકાત વેળા મને શાસ્ત્રીજીને મળવાનો મોકો મળ્યો હતો. ત્યારે તેઓ ૯૪ વર્ષના હતા. અમદાવાદના વરિષ્ઠ પત્રકાર દંપતી હરિભાઇ દેસાઇ અને ટીનાબહેન મને શાસ્ત્રીજીની મુલાકાતે લઇ ગયા હતા. એક વિસ્તારમાં પુત્રીના સુંદર મજાના બંગલોના નાનકડા આઉટહાઉસમાં તેમનો મુકામ. અમે પહોંચ્યા ત્યારે તેઓ ખુલ્લા વરંડામાં પંડિતજીને શોભે તેવી ગાદી-તકિયો અને આગળ મેજ ધરાવતી બેઠક પર બિરાજમાન હતા. તેમની પાછળ એક મોટો મઢેલો ફોટોગ્રાફ હતો, જેમાં એક રસ્તો દર્શાવાયો હતો અને તેની બન્ને બાજુ વૃક્ષો હતા. આ વૃક્ષ પર બોર્ડ જેવી લખાણની જગ્યા હતી. જેમાં તેમણે એ વાતની નોંધ કરી હતી કે વર્ષ દરમિયાન ક્યા વિષયનું પુસ્તક લખવાનું છે. આ પ્રકારે ૪-૫ વર્ષના પુસ્તકનું આગોતરું આયોજન તેમાં ટપકાવેલું હતું.
મને આશ્ચર્યથી તે ફોટોગ્રાફ નિહાળતો જોઇને શાસ્ત્રીજીએ કહ્યું હતું કે પટેલ, આ યાદી જોઇને મને એ વાતનો અહેસાસ થાય છે કે મારે હજુ નવું શું કરવાનું છે. તમને ભલે કોઇ પ્રશ્ન ન પૂછ્યછો પણ એક યુવાન પત્રકારે મનેછ્ય પૂછયું હતું કે શાસ્ત્રીજી તમે આ પુસ્તકોની યાદી તો લખી છે, પરંતુ આટલું બધું કામ પૂરું થાય ત્યાં સુધી તમે જીવશો ખરો? આ પ્રશ્નના જવાબમાં મેં કહ્યું હતું કે દોસ્ત, તારી તો મને ખબર નથી, પરંતુ હું તો જરૂર જીવતો હોઇશ તેમાં બેમત નથી. આટલું કહીને શાસ્ત્રીજી મુક્ત મને હસી પડ્યા હતા.
વાચક મિત્રો, શાસ્ત્રીજીનો જીવન પ્રત્યેનો આ અભિગમ હતો. સતત હકારાત્મક અભિગમ જ વ્યક્તિને નિરામય જીવનનું પોષણ પૂરું પાડતી હોય છે. જોયસ રેનોલ્ડ્સ પણ આવી જ વિચારસરણી ધરાવે છે. નકારાત્મક્તાને ટાળો અને હકારાત્મક્તાને અપનાવો. જીવનને ભરપૂર જીવી લો. સતત સક્રિય રહો. આટલું કરશો તો તમે જિંદગી જીતી ગયા સમજો.
સુશ્રી જોયસને કોઇ સંતાન નથી. તેમને એ વાતનો કોઇ અફસોસ પણ નથી. તેમણે લગ્ન પણ નથી કર્યા. તો શું તેમને મનગમતું પાત્ર જ ન મળ્યું? ના, એવું તો નહોતું. જોયસ કહે છે કે ભૂતકાળમાં કેટલાય પુરુષ મિત્રો હતા. કેટલાક એવા પણ હતા જેમની સાથે ઘરસંસાર વસાવવાનું મને ગમ્યું હોત. આવી ઇચ્છા પણ હતી, પરંતુ સંજોગવશાત્ કંઇ મેળ ન પડ્યો. જોકે મને તે વાતનો અફસોસ નથી. મને મારી જિંદગીથી ભરપૂર સંતોષ છે, આનંદ છે. હું આ ઉંમરે પણ કામમાં વ્યસ્ત રહું છું કેમ કે મને તે કરવાનું ગમે છે. હાલમાં પોટરી અને ચીજવસ્તુઓ પર આલેખિત પ્રાચીન લિપિ પર મારું લેખનકાર્ય ચાલી રહ્યું છે.
કહેવાનો મતલબ એ છે કે જોયસબહેન આ આયખાની સદીના ઉંબરે પહોંચી ગયા છે તો પણ જિંદગી પ્રત્યે રતિભાર પણ નકારાત્મક્તા ધરાવતા નથી. એક અમેરિકી પ્રોફેસરે તો પુસ્તક લખીને એવો વિચાર વહેતો મૂક્યો છે કે બુઢાપો કરજ ચૂકવવાનો અવસર છે. સંતાનો કે યુવા પેઢી પરિવારના વડીલો પ્રત્યે કરજ ચૂકવે એવી સામાન્ય અપેક્ષા તો સહુ કોઇ રાખે છે તો વડીલની પણ ફરજ છે કે તે પોતાના અનુભવ, ઉમદા વિચારો, મૂલ્યોની વાત પરિવારની યુવા પેઢી સુધી પહોંચાડે.
અલબત્ત, આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિ તેના પોતાના જીવન પ્રત્યે ઉમંગ-ઉલ્લાસભર્યો, હકારાત્મક અભિગમ ધરાવતી હોય. સાચું કહું તો મને તો આજ સુધી એ જ સમજાયું નથી કે કોઇ પણ વ્યક્તિએ શા માટે જીવન પ્રત્યે નકારાત્મક કે ઉદાસીન વલણ અપનાવવું જોઇએ. આ ધરતી પર અવતર્યા છો તો જિંદગીની મજા માણો. આજનો લ્હાવો લીજીયે, કાલ કોણે દીઠી છે. અમારા પારિવારિક મિત્ર રમેશભાઇ કણસાગરા તો હંમેશા કહેતા રહે છે કે (ધરતી પર) આવ્યા છો તો ખાઇપીને જલસા કરોને ભાઇ... બસ, જિંદગી પ્રત્યે આ જ અભિગમ હોવો જોઇએ. જે વ્યક્તિ જીવનને માણી શકે છે તે જ સાચું જીવી જાણે છે એમ કહેવામાં કશું ખોટું નથી.
આપ સહુ વાચકોને ક્રિસમસ પર્વની હાર્દિક શુભકામનાઓ અને નવા વર્ષના આગોતરા સાલ મુબારક... હેમખેમ રહેશો, આશીર્વાદ આપતા રહેજો, બાપલ્યા.(ક્રમશઃ)