વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં હવે શાળા-કોલેજોમાં નવા વર્ષના સત્રો શરૂ થઇ ગયા છે. લાખો કોડભર્યા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ઉજ્જવળ કારકિર્દીની આશા સાથે ઉમંગ-ઉલ્લાસભેર પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા છે. માતા-પિતા પણ સંતાનોની સિદ્ધિ માટે અવશ્ય ગૌરવ અનુભવતા હશે તેમાં બેમત નથી. હું અગાઉ આ જ કોલમમાં લખી ચૂક્યો છું કે વિદ્યાર્થી - જો ચોક્કસ લક્ષ્ય સાથે લગનપૂર્વક મહેનત કરે તો તે શ્રેષ્ઠ અવશ્ય બની શકે, પણ સર્વશ્રેષ્ઠ કે નંબર વન તો બહુ જૂજ વીરલા જ બનતા હોય છે.
તો શું બીજા બધા ઠોઠ? તેમની શૈક્ષણિક સજ્જતા-ક્ષમતાને ઉણી ઉતરતી સમજવાની? ના... દરેક વ્યક્તિની લાક્ષણિક્તા, સજ્જતા-ક્ષમતા અલગ અલગ હોય છે તેમ દરેક વિદ્યાર્થીની સજ્જતા-ક્ષમતા પણ અલગ અલગ જ હોવાની. તુંડે તુંડે મતિર્ભિન્ના જેવી જ આ વાત છે. કોઇ એક વ્યક્તિ સર્વોચ્ચ સ્થાને પહોંચે છે અને બીજા નથી પહોંચતા તો તેની પાછળ એક નહીં, અનેક કારણો જવાબદાર હોય છે. જોકે આ બધા છતાં બ્રિટનમાં વસતો ગુજરાતી સમુદાય સફળતાના પંથે હરણફાળ ભરી રહ્યો છે કેમ કે આપણામાં તીવ્ર જ્ઞાન પિપાસા છે. આપણા બ્રિટિશ ગુજરાતી સમુદાયે અલ્પ સંખ્યામાં હોવા છતાં મોટું કાઠું કાઢ્યું છે. અરે, હાઉસ ઓફ લોર્ડસમાં પણ આ વાતની નોંધ લેવાઇ ચૂકી છે. આપણે સહુ જાણીએ છીએ કે સિટી ઓફ લંડન કે કેનેરી વોર્ફ એટલે આંતરરાષ્ટ્રીય આર્થિક ગતિવિધિનું મુખ્ય મથક. અહીં બહુરાષ્ટ્રીય કંપનીઓ જ નહીં, બેન્કો, વીમા કંપનીઓ, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ, ઇન્સ્યોરન્સ એજન્સીઓ, પેન્શન ફંડ્સ, કરન્સી ટ્રેડનું કામકાજ કરતી ટોચની કંપનીઓ ધમધમે છે. તેમની કામગીરીના જગતભરમાં ડંકા વાગે છે. આ જગવિખ્યાત સંસ્થાનોમાં કામ કરતાં સુશિક્ષિત, કાબેલિયત ધરાવતા લોકોમાં ૨૭ ટકા ભારતવંશીઓ છે. અને આ ૨૭ ટકા ભારતીયોમાં અડધાથી વધુ ગુજરાતીઓ છે! આ બાબત આપણા સહુ માટે ગૌરવપ્રદ છે. આ એવા લોકો છે જેમનો દરમાયો રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધુ છે. અને આજે દુનિયામાં નાણાંની કિંમત કોણ નથી જાણતું?
ગુજરાતીઓની સફળતાના મૂળમાં છે તેમની શિક્ષણ માટેની ઝંખના. આપણા ગુજરાતી સમાજે - અન્ય ઇમિગ્રન્ટ્સની સરખામણીએ શિક્ષણનું વિશેષ મહત્ત્વ જાણ્યું - સમજ્યું છે તેનું આ પરિણામ છે. આપણે આફ્રિકા, એડનથી, ભારતથી અત્રે આવ્યા. ઈંગ્લેન્ડ આગમનવેળા મોટા ભાગના દોરી-લોટો લઇને આવ્યો હતો. આજે આમાંથી ઘણા લોકો - પોતે જે ક્ષેત્રે કાર્યરત છે તેમાં - ટોચના સ્થાને બીરાજે છે. શિક્ષણ થકી જ આ શક્ય બન્યું છે ને. વિકાસના વર્તુળમાં બહાર નીકળવા કેળવણી આવશ્યક છે.
શિક્ષણ, તાલીમ માણસનું વ્યક્તિત્વ ઘડે છે, તેને શ્રેષ્ઠ આકાર આપે છે તે વાત સાથે ભાગ્યે જ કોઇ અસંમત થશે. શિક્ષણ થકી સમજદારી આવતી હોય છે અને સમજદારી હોય તો જ સંસ્કાર-વારસાનું જતન થતું હોય છે. અહીં જન્મેલી ત્રીજી - ચોથી પેઢીએ શિક્ષણનું મહત્ત્વ સમજ્યું અને પોતાના સંતાનોને પણ તેનું મહત્ત્વ સમજાવ્યું તેના પરિણામે જ આજે આ દેશમાં ભારતીય સંસ્કાર-વારસો અકબંધ છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
તાજેતરમાં આપના ‘ગુજરાત સમાચાર’ (અંક ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮) સહિત દુનિયાભરના અખબારોમાં એક જાહેરખબરની સમાચારસ્વરૂપે નોંધ લેવામાં આવી હતી. આ જાહેરખબરમાં જણાવાયું છે કે એક ભારતીય મલ્ટીમિલિયોનેર જુદી જુદી કેટેગરીમાં ૧૨ વ્યક્તિના સ્ટાફની ભરતી કરવા માગે છે. જેમાં પર્સનલ મેઇડ, બટલર, દક્ષિણ ભારતીય વાનગીઓ બનાવવામાં નિષ્ણાત શેફ અને ત્રણ ફૂટમેનથી માંડીને શોફરનો સમાવેશ થાય છે. કોઇ પણ વ્યક્તિ આટલા મોટા સ્ટાફની યાદી વાંચીને એવું માનવા પ્રેરાય કે આ ભારતીય ધનાઢયનો પરિવાર કદાચ હવાફેર માટે અહીં મુકામ કરવાનો હશે. પરંતુ ના. આ સ્ટાફ આખા પરિવાર માટે નહીં, માત્ર એક વ્યક્તિ માટે છે. કોણ છે આ વ્યક્તિ? ધનાઢયની પુત્રી. યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રુઝમાં એડમિશન લઇને અહીં ભણવા આવી રહેલી દીકરીની સેવાચાકરી માટે આ લોકોની જરૂર છે. વાત અહીં પૂરી નથી થતી. ભારતીય ધનાઢયે સ્કોટલેન્ડમાં ભણવા આવી રહેલી દીકરી માટે બે મિલિયન પાઉન્ડમાં આઠ બેડરૂમનું ભવ્ય મેન્શન પણ ખરીદયું છે.
આ અહેવાલમાં ધનાઢયનું નામ તો જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આપણે અભિનંદન અવશ્ય આપવા રહ્યા કે તેમણે સંતાનની શૈક્ષણિક સુવિધા માટે કેટકેટલું પૂર્વ આયોજન કર્યું છે. તેઓ પુત્રી માટે ૧૨ - ૧૨ માણસનો કાફલો રાખવા માગે છે તેની પાછળ તેમની ઊંડી અને આવકાર્ય દૃષ્ટિ હશે તેમ મારું માનવું છે કેમ કે દીકરી પરદેશમાં ભલે રહે, પરંતુ સાથોસાથ તેઓ એમ પણ ઇચ્છે છે કે તેને વિવિધ પ્રકારે સંસ્કૃતિ અને પારિવારિક માહોલનો લાભ પણ મળતો રહે.
મહાત્મા ગાંધીએ ‘ઇંડિયન ઓપિનિયન’માં આજથી ૧૧૫ વર્ષ પૂર્વે એક સુંદર મજાનો લેખ લખ્યો હતો. સ્વાનુભવની વાત હતી. સંપૂર્ણ નિખાલસતા સાથે લખેલી આ વાત સહુ કોઇ માટે બોધપાઠ રૂપ છે. ગાંધીજીએ આ લેખમાં પોતાના શિક્ષણ, અને સવિશેષ કારકિર્દી વિશે લખ્યું હતુંઃ
શિક્ષણ સાધારણ કહેવાય. બેરિસ્ટર બન્યો, પરંતુ સ્વીકારું છું કે રાજકોટ અને મુંબઇમાં પ્રેક્ટિસ જામી નહોતી. આ પછી દક્ષિણ આફ્રિકા ગયો. આ ગાળામાં રોજબરોજના જીવનમાંથી પદાર્થપાઠ મેળવવા મેં પ્રયાસ કર્યો. વિચાર-ચિંતન થકી વિવેક-ડહાપણ વગેરેના જ્ઞાનસંચય દ્વારા મને જુદી જ કેળવણી પ્રાપ્ત થઇ. અને પરિણામે ડરબન અને પ્રિટોરિયામાં એટર્ની તરીકે સારી એવી પ્રેક્ટિસ કરી શક્યો હતો.
ગાંધીજીએ સ્પષ્ટ લખ્યું છેઃ શાળા-કોલેજમાં અપાતા શિક્ષણને જ સર્વસ્વ માની લેવાની જરૂર નથી. કહેવાતા ઓછું ભણેલા કે ઊંચું ભણેલા પણ જીવનયાત્રા દરમિયાન જો પ્રયત્નશીલ રહે તો અવશ્ય વધુ યોગ્યતા પ્રાપ્ત કરી શકે તેમ હોય છે.
વાચક મિત્રો, આ મુદ્દાને જરાક બીજી રીતે રજૂ કરવા ખૂબ વિનમ્રતાપૂર્વક પ્રયાસ કરું છું. જે સંતાનો ટોચના માર્કસ કે ગ્રેડ્સ ના લાવતા હોય તેમના વાલીઓએ સંતાપ કરવાની કે અફસોસ કરવાની કે પછી સતત ટીક ટીક કરતા રહેવાની જરૂર નથી. આપણી આસપાસની દુનિયામાં નજર ફેરવશો તો હકીકત જાણવા મળશે કે - આજના કે ભૂતકાળના - વિવિધ ક્ષેત્રે કંઇકેટલાય મહાનુભાવો એવા છે જેઓ પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ક્યારેય ટોચના સ્થાને રહ્યા જ નથી.
તમને એકદમ તાજું ઉદાહરણ આપું. વિશ્વના સૌથી મોટા ઓનલાઇન સ્ટોર અલીબાબા ડોટકોમના સર્વેસર્વા જેક માએ વીતેલા સોમવારે - ૧૦ સપ્ટેમ્બરે જન્મદિને જાહેર કર્યું છે તેમ આવતા વર્ષે તેઓ અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેનપદેથી નિવૃત્તિ લેશે. ૫૪ વર્ષના જેક માએ આ સાથે જ પોતાના અનુગામી તરીકે કંપનીના સીઈઓ ડેનિયલ ઝેંગના નામની જાહેરાત કરી છે. અલીબાબા ડોટકોમ કંપની સ્થાપી તે પૂર્વે જેક મા ઈંગ્લિશ ટીચર હતા, અને નિવૃત્તિ પછી તેઓ ફરી આ જ ક્ષેત્રે સક્રિય થવા માગે છે. ૧૯૯૯માં મિત્રો પાસેથી ૬૦ હજાર ડોલર ઉછીના લઇને અલીબાબા ડોટકોમનો પ્રારંભ કરનાર જેક મા આજે ૩૯.૯ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ચીનના સૌથી નંબર વન અને એશિયાના બીજા નંબરના સૌથી મોટા ધનાઢય છે. આ થઈ જેક મા વિશે આજની વાત.
હવે જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ. શું જેક મા શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ટોપર વિદ્યાર્થી હતા? ના... તેઓ એક ડેલિગેશન સાથે અંગ્રેજી ભાષાના દુભાષિયા તરીકે અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે ઇન્ટરનેટ થકી થયેલી ક્રાંતિ નિહાળી. ચીનમાં આ ક્ષેત્રે વિકાસની ભરપૂર તક હોવાનું સમજાયું. સ્વદેશ પરત ફર્યા. અને મિત્રોની આર્થિક સહાય અને માત્ર ચાર જણાના સ્ટાફ સાથે કંપની શરૂ કરી. મોટા ભાગના કિસ્સામાં બને છે તેમ બહુમતી સ્વજનો-પરિચિતો માનતા હતા કે જેક મા દુઃસાહસ કરી રહ્યા છે. તેમનું આ બિઝનેસ વેન્ચર સફળ થવાનું નથી. આજે પરિણામ આપણી સામે છે. ચાર માણસોના સ્ટાફથી શરૂ થયેલી કંપનીમાં ૬૬ હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.
વાચક મિત્રો, અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એક વિચાર, એક દૂરંદેશીભર્યો નિર્ણય અને તેના અમલનું સાહસ વ્યક્તિને કેવી ઊંચાઇએ પહોંચાડી દે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જેક મા છે. જેક મા બનવા માટે ઝળહળતી શૈક્ષણિક કારકિર્દીની નહીં, કોઠાસૂઝની જરૂર હોય છે.
બ્રિટનની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સદૈવ સક્રિય સંસ્થાન ભારતીય વિદ્યા ભવનના ડાયરેક્ટર અને સંસ્કૃત ભાષાના વિદ્વાન ડો. નંદ કુમારે મારી વિનંતી સ્વીકારીને મા સરસ્વતીની સાધનાના બે શ્રેષ્ઠ શ્લોક તેના ઇંગ્લિશ અને ગુજરાતી ભાવાનુવાદ સાથે મોકલી આપ્યા છે, જે આ સાથેના બોક્સમાં રજૂ કર્યા છે.
આ શ્લોકના માધ્યમથી હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જ્ઞાન એ માત્ર માહિતી નથી, પરંતુ જો જ્ઞાનગંગા સાથે વિવેક, નમ્રતા અને જાગ્રતિનો સંગમ રચાય તો સ્વમાનની ભાવના આપોઆપ ઉમેરાય છે. મા સરસ્વતીને આપણે સહુ પ્રાર્થના કરીએ કે આપણા પોતાના પર અને આપણા સંતાનો પર તેમની કૃપા સદૈવ વરસતી રહે. આપણે સહુ વધુ જ્ઞાન પ્રાપ્ત કરીએ, જ્ઞાન થકી વધુ ચેતના પ્રાપ્ત થાય, અને (તેના પરિણામે આપણા) વિચાર, વાણી, વર્તન વધુ સમૃદ્ધ અને પરિપકવ બને...
•••
આચાર્ય મણિભાઇ પટેલઃ એક મહામૂલું માનવરત્ન
આપણે શિક્ષણ ક્ષેત્ર સંદર્ભે વિચાર-વિનિમય કરી રહ્યા છીએ ત્યારે મને આચાર્ય મણિભાઇ પટેલનું નામ ખાસ સાંભરે છે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરને લગોલગ આવેલી દલાલ વિઠ્ઠલદાસ સોમચંદ વ્યાયામ શાળા આઠ દસકાથી પાયાની તાલીમ આપી રહી છે. શાળામાં જે શિક્ષકો હતા તે તમામ પુરાણીબંધુઓ - અંબુભાઇ અને છોટુભાઇની સીધી નજર તળે તૈયાર થયેલા. ગાંધીવિચારથી પ્રભાવિત. વ્યાયામ શિક્ષણ, અને સવિશેષ તો બાળ કેળવણીને સમર્પિત.
બાય ધ વે... પુરાણીબંધુઓથી પ્રભાવિત વ્યાયામ શિક્ષકોમાં એક અંબુભાઇ પટેલ પણ ખરા. તેમના એક પુત્ર રાજુભાઇ હાલ પૂર્વ લંડનમાં વસે છે. મોરના ઈંડા તે કંઇ ચીતરવા પડે? રાજુભાઇ લંડનમાં ભલે વસે, પરંતુ અહીં રહ્યે રહ્યે વતનમાં સમાજસેવાની મશાલ પ્રજવલ્લિત રાખી છે. સેવાકીય પ્રવૃત્તિમાં રાજુભાઇ અને તેમના મિત્રો - બાલુભાઇ (સેફડેલવાળા) ડો. પિયુષભાઇ, રમણિકભાઇ મહેતા વગેરેએ ખાસ્સી નામના મેળવી છે. આ મિત્રવર્તુળ દર વર્ષે ભારતમાં આરોગ્ય અને શિક્ષણ માટે અઢળક આર્થિક યોગદાન એકત્ર કરી આપે છે.
વ્યાયામ શાળાની વાત સાથે ફરી તંતુ સાધીએ... ૧૯૪૯નો સમય છે. ૧૨ વર્ષની મારી ઉંમર. હું પણ આ વ્યાયામ શાળામાં જતો. કોઇએ કહ્યું કે ચરોતરના કંઇકેટલાય વ્યાયામવીરો રાજપીપળા, દાંડી, કરાડી વગેરે સ્થળોએ આ પ્રવૃત્તિમાં પરોવાયેલા છે. આમાંથી એક નામ મને યાદ રહી ગયું મણિભાઇ પટેલ અલિંદ્રાવાળા. આ વિરલ વિભૂતિના બ્રિટન આગમન વેળા હું તેમને મળવાનો, તેમના દર્શનનો, તેમની સાથે વિચારોના આદાનપ્રદાનની સોનેરી તક ચૂકી ગયો હતો તે વાતનો વસવસો આજે પણ મને છે. આચાર્ય મણિભાઇ પટેલ સ્મારક સમિતિના મંત્રી મુરબ્બી મગનભાઇ બી. કરાડિયાએ ૨૦ ઓગસ્ટ ૧૯૮૮ના રોજ પશ્ચિમ ઇંગ્લેન્ડના ચેલ્ટનહામથી લાગણીભર્યા પત્ર આ પુસ્તક મોકલ્યું હતું. આ સ્મૃતિ ગ્રંથમાં પ્રકાશિત લેખો હું અવારનવાર વાંચતો રહું છું. કુલ ૨૭૬ પાનનું આ પુસ્તક ભરપૂર માનસિક પોષણ પૂરું પાડતું હોવાનો મારો અનુભવ છે, અને તેથી જ મણિભાઇને ન મળી શક્યાનો રંજ રહી ગયો છે.
જોકે મણિભાઇને મળવાનો અવસર ચૂકી ગયાનો આ બીજો પ્રસંગ હતો. ૧૯૪૯માં આચાર્ય મણિભાઇનું નામ સાંભળ્યું હતું. તેમના કામથી બહુ પ્રભાવિત થયો હતો. વર્ષો વહ્યાં. ૧૯૫૪માં હું વડોદરા કોલેજમાં દાખલ થયો. સહાધ્યાયી અને મિત્ર એવા મુકુંદ વ્યાસ સાથે સમાન વિચારસરણીના કારણે મારે સારું બને. બે દિવસની રજા આવતી હતી. મેં સૂચવ્યુંઃ ચાલો, શનિ-રવિની રજામાં દાંડી યાત્રાએ જઇએ. દાંડી કૂચનું ઐતિહાસિક મહત્ત્વ તો આપણે સહુ જાણીએ જ છીએ. આથી તે પણ તૈયાર થઇ ગયો. અમે વડોદરાથી ટ્રેનમાં નવસારી પહોંચ્યા. નવસારીથી આટ, મટવાડ, દાંડી, કરાડી વગેરે સ્થળોની મુલાકાત લીધી. જે માર્ગ પર ગાંધીજી અને તેમના સાથીદારોએ પદયાત્રા કરી હતી તેના પર ચાલીને ખરેખર અમે બહુ ભાવવિભોર થઇ હતા. આખું દાંડી ફરી વળ્યા. અમે કરાડીની રાષ્ટ્રીય શાળા, વ્યાયામ શાળા વગેરેની મુલાકાતે પહોંચ્યા, પણ અમારા માટે કમનસીબ બાબત એ હતી કે અમે અંદર જઇ ન શક્યા કે મણિભાઇ જેવા રાષ્ટ્રભક્ત ઋષિના દર્શન ન કરી શક્યા.
વાચક મિત્રો, મારા સાથીદારો સ્થળસંકોચ તરફ આંગળી ચિંધામણ કરે છે, પરંતુ આચાર્ય મણિભાઇ નામના વ્યક્તિવિશેષનો એકદમ વિગતવાર નહીં તો પણ આછેરો પરિચય તો મેળવી લઇએ.
• વતનઃ અલિન્દ્રા, જિલ્લોઃ ખેડા • જન્મઃ ૧ ઓક્ટોબર ૧૯૦૫ • પ્રાથમિક શિક્ષણઃ અલિન્દ્રામાં • માધ્યમિક શિક્ષણઃ નડિયાદમાં.
મહાત્મા ગાંધીએ ૧૯૨૧ અસહકાર ચળવળના મંડાણ કર્યા હતા. ગાંધીજીની હાકલના પગલે ૧૬ વર્ષની વયે અલીન્દ્રાનો દીકરો હાલી નીકળ્યો અને સરકારી શાળા છોડીને અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં શરૂ થયેલી રાષ્ટ્રીય શાળામાં જોડાઇ ગયો હતો. ૧૯૨૪માં વિનિત (મેટ્રિક સમકક્ષ પરીક્ષા) પાસ કરી. વિદ્યાર્થી તરીકે કારકિર્દી તેજસ્વી હતી. આથી વિદ્યાપીઠમાં જ શરૂ થયેલી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા. ૧૯૨૮માં સ્નાતક થયા. ત્યાં સુધીમાં તો સંપૂર્ણપણે ગાંધી રંગે રંગાઇ ગયા હતા. વ્યાયામ પ્રવૃત્તિ પ્રિય હતી. કરાડી રાષ્ટ્રીય શાળામાં આચાર્યપદે નિમણૂક મેળવી. એક તરફ શાળાનું સુપેરે સંચાલન સંભાળ્યું તો બીજી તરફ સામાજિક બદીઓને નેસ્તનાબૂદ કરવા પણ કમર કસી. કરાડી-જલાલપોરના કાંઠા વિસ્તારમાં મદ્યપાનના દૂષણને નાથવા પિકેટિંગ ચળવળ શરૂ કરી. લોકોને આ બદીમાંથી બહાર આવવા સમજાવ્યા. ૧૯૩૦માં નમક સત્યાગ્રહમાં જોડાયા. પકડાયા. સામ્રાજ્યવાદી સરકારે એક વર્ષની સજા ફટકારી. પરંતુ સામ્રાજ્યવાદ સામે ઝૂકે તે મણિભાઇ નહીં! બ્રિટિશ સરકાર સામે જાણે જંગ છેડ્યો હતો. ૧૯૩૨માં ઓર્ડિનન્સના ભંગ બદલ ફરી કાનૂની કાર્યવાહી થઇ. બે વર્ષ કેદની સજા થઇ.
૧૯૩૫માં ફરી કરાડી રાષ્ટ્રીય શાળાનું સુકાન સંભાળ્યું. સરદાર વલ્લભભાઇ પટેલ તે સમયે આ શાળાના પ્રમુખસ્થાને હતા. ૧૯૪૨માં કરેંગે યા મરેંગેનો સંઘર્ષ શરૂ થયો. કાંઠા વિસ્તારમાં ચળવળનું સુકાન મણિભાઇએ સંભાળ્યું. સ્વાતંત્ર્ય સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો. સત્તાના મદમાં છકી ગયેલી પોલીસે સ્વાતંત્ર્ય સેનાનીઓથી માંડીને આમ નાગરિક પર જોરજુલમ અને દમન ગુજારવામાં કોઇ કસર છોડી નહોતી. સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવો માહોલ પ્રવર્તતો હતો. રોષે ભરાયેલા લોકોએ એકસંપ કરીને ૨૧ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ મટવાડની પોલીસ ચોકી જીવલેણ હુમલો કર્યો. પોલીસે ટોળાંને વિખેરવા કરેલા ગોળીબારમાં ત્રણ વ્યક્તિ શહીદ થઇ અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા. આ ધાંધલધમાલમાં બે પોલીસ પણ માર્યા ગયા હતા.
તારીખ આજની ૧૭ સપ્ટેમ્બર જ, પણ વર્ષ છે ૧૯૪૨નું. સમગ્ર કરાડી ગામ ઉપરાંત આટ, ધામણ, અમલસાડ... બધેબધા વિસ્તારોમાં સામ્રાજ્યવાદી શાસન પુષ્કળ સક્રિય બન્યું હતું. પોલીસે સ્વાતંત્ર્ય સેનાનીઓને ઝબ્બે કરવા કમર કસી હતી. પોલીસ કોઇ પણ સંજોગોમાં છોડશે નહીં તે વાતનો ખ્યાલ આવી જતા મણિભાઇએ અન્ય સાથીદારો સાથે ભૂગર્ભ પ્રવૃતિ શરૂ દીધી હતી. તેમણે પોલીસ નજરથી બચતા રહીને ભૂગર્ભ ચળવળનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. જોકે ૧૯૪૩માં દેલવાડાની સીમમાંથી પોલીસે તેમને ઝડપી લીધા. ફરી કાળ કોટડીમાં સળિયા પાછળ ધકેલી દેવાયા. કેસ ચાલ્યો. નિર્દોષ ઠર્યાં.
જેલમુક્તિ બાદ ફરી એક વખત તેમણે રાષ્ટ્રીય શાળાનું સુકાન સંભાળ્યું. વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ ન આપ્યું, પરંતુ તેમનામાં રાષ્ટ્રભાવના કેળવી. શરીર સૌષ્ઠવના પાઠ ભણાવ્યા. મણિભાઇ આ જ પ્રવૃત્તિ કરતા કરતા નિવૃત્ત થયા.
મણિભાઇના જીવનકવનથી તેમના વિદ્યાર્થીઓ બહુ જ પ્રભાવિત હતા. દુનિયાના વિવિધ દેશોમાં ફેલાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના વિશ્વપ્રવાસનું આયોજન કર્યું. મણિભાઇ ન્યૂઝીલેન્ડ, અમેરિકા, બ્રિટન, કેન્યા, મોઝામ્બિક, રહોડેશિયા અને સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં વસતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મુલાકાતે જઇ પહોંચ્યા. તેમની સાથે સંસ્મરણો તાજા કર્યા. મેં આ લેખમાં અગાઉ મણિભાઇ સાથે મુલાકાતની તક ચૂકી ગયાની જે વાત કરી છે તે આ જ સમયગાળો.
આજે અલિન્દ્રાના કંઇકેટલાય સજન્નો-સન્નારીઓ બ્રિટનની ધરતી પર વસે છે. આ સહુને એટલો જ હાર્દિક અનુરોધ કરવાનો કે આપણા સમાજના રત્નસમાન મણિભાઇ શનાભાઇ પટેલ વિશે વધુમાં વધુ માહિતી મેળવો. વાંચો. વિચારો. અને તેમના જીવનકવનમાંથી શક્ય બને તેટલો સાર ગ્રહણ કરો. ભારતમાતાના આ પનોતા પુત્રનું ઋણ અદા કરવાનો આ જ શ્રેષ્ઠ માર્ગ છે.
(ક્રમશઃ)
•••
या कुन्देन्दु - तुषार - हार - धवला , या शुभ्र - वस्त्रान्विता ,
या वीणा - वरदण्ड - मण्डितकरा , या श्वेत - पद्मासना I
या ब्रह्म - अच्युत - शंकर - प्रभृतिभिर् - देवैः सदा वन्दिता ,
सा मां पातु सरस्वती भगवती निःशेष -जाड्यापहा II
May such Devi Sarasvati, the bestower of knowledge (wisdom) (bless and protect us); the one who is pure white in complexion like the kunda flowers, the moon and dew drops; the one who is clad in a pure white saree; the one whose two hands are placed on the auspicious instrument - veena; the one who is seated on a white lotus; the one who is all the time respected and saluted by Bramha, Vishnu, Maheshwara and other Gods and the one who is capable of completely removing our ignorance, lethargy and other illnesses - may such Devi Sarasvati bless us and protect us.
અર્થઃ સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર કરજો અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને.
न चोरहार्यं न च राजहार्यं
न भ्रातृभाज्यम् न च भारकारी I
व्ययेकृते वर्धत एव नित्यं
विद्याधनं सर्वधनप्रधानम् II
The greatest wealth and the most invaluable wealth ever one can possess is the wealth of wisdom- Saraswati. The reason being;
This wealth of Vidyaa(Saraswati) no thief can steal, no King(Govt) can claim tax on this, no brother or sister can claim share of this saying it is one's paternal property, it is never a burden unlike other wealths, and most importantly this is the only wealth which keeps on increasing as you share with others! Hence our sages declare that the wealth of Vidyaa-Saraswatee is the greatest wealth of all.
અર્થઃ ન કોઈ ચોર ચોરી શકે ન કોઇ રાજા ઝુંટવી શકે ભાઈઓમાં વહેંચાય નહી અને વજન બિલકુલ થાય નહી રોજ જો ખર્ચાય તો એમાં થાય વૃદ્ધિ એટલે બધાજ ધનમાં વિદ્યાધન સૌથી શ્રેષ્ઠ અને કિંમતી ગણાય છે.