સારું સારું જ સાથે રાખો, બાકી બધું જાય કચરામાં...

જીવંત પંથ - 2 (ક્રમાંક-49)

- સી.બી. પટેલ Tuesday 04th February 2025 11:53 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે વિશ્વસમસ્તમાં વસતાં ભારતીયોએ 76મું પ્રજાસત્તાક પર્વ રંગેચંગે ઉજવ્યું. સાથે સાથે જ તીર્થસ્થાન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાખો - કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી પણ લગાવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજીથી લઇને લોકહૈયામાં બિરાજતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મહાકુંભના કારણે આખી દુનિયાની જેમના પર નજર છે એવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક યા બીજા સમયે ટીવી પરદે ચમકતા રહ્યા અને ભૂતકાળની વાતો કરતાં કરતાં વર્તમાન સાથે અનુસંધાન જોડીને સારા ભવિષ્યનો પ્રચંડ આશાવાદ પણ વ્યક્ત રહ્યા. 2047નું વર્ષ હવે બહુ દૂર નથી અને વિકસિત રાષ્ટ્ર તરીકે ભારત સુખી-સંપન્ન દેશ તરીકેની પૂર્વ ઓળખ ફરી મેળવશે તેવી શ્રદ્ધા પણ અસ્થાને નથી.
મારા સુજ્ઞ વાચકો, આપણા સહુનો અનુભવ છે કે રોજબરોજના જીવનમાં સીધી કે આડકતરી રીતે સેંકડો વાતો સાંભળતા હોઇએ છીએ, અનેક ઘટનાઓ નિહાળતા હોઇએ છીએ અને જાતભાતના અઢળક અનુભવો પણ કરતાં હોઇએ છીએ. આ બધું ઓછાવત્તા અંશે, એક યા બીજા પ્રકારે આપણા માનસપટ પર છાપ અંકિત થઇ જતું હોય છે. તેનો લાભ પણ છે ને ગેરલાભ પણ છે. આ સારું પણ છે, અને ખતરારૂપ પણ છે.
મિત્રો, ખૂબ વિચારપૂર્વક આ અંકમાં પાન 26 ઉપર ‘ઇલા! સ્મરે છે અહીં એક વેળા’ ગુજરાતી ભાષાની એક યાદગાર કૃતિ રજૂ કરી છે. ચં.ચી.ના ટૂંકાક્ષરી નામે જાણીતા આપણી ભાષાના દિગ્ગજ સર્જક-સાહિત્યકાર ચંદ્રવદન ચીમનલાલ મહેતાની કલમે લખાયેલી ‘ઇલા કાવ્યો’ નામની શ્રેણીની આ કૃતિ છે. આ રચનામાં કથાવસ્તુનું એટલું સુંદર નિરુપણ રજૂ થયું છે કે તમારા હૃદયચક્ષુ સમક્ષ એક સિપાઇ માતાની લાગણી - વેદના - સંવેદના, યુદ્ધમાં તેના પતિ અને પુત્રના બલિદાન સહિતનું સમગ્ર ચિત્ર તાદૃશ ચિત્ર રજૂ થઇ જશે.
મિત્રો, મારું સદભાગ્ય છે કે હું વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતો વિદ્યાર્થી હતો ત્યારે - 1955-56ના અરસામાં - ચં.ચી. સાહેબ યુનિવર્સિટીના નાટ્ય વિભાગના વડા તરીકે જવાબદારી સંભાળતા હતા અને અમે લોકો દાદાભાઇ નવરોજી હોસ્ટેલમાં નિયમિતપણે મળતા થતા હતા અને અલકમલકની વાતોના પટારા ખુલતા હતા.
સમયાંતરે હું આફ્રિકા અને પછી લંડનમાં સ્થાયી થયો, પણ ચં.ચી. સાહેબ સાથે સંપર્ક સેતુ જળવાયો હતો. તેઓ ભારતીય વિદ્યા ભવનના આમંત્રણથી લંડન પધાર્યા હતા ત્યારે ગુજરાત સમાચારના ઉપક્રમે ચિઝિક કાર્યાલયમાં તેમનો સન્માન સમારોહ યોજ્યો હતો. ગુજરાતી ભાષાના આ દિગ્ગજ સાહિત્યકારને વધાવવા માટે 70-80 મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભવનના નટુભાઇ સી. પટેલ, પ્રીતમ પંડ્યા, સર જે.કે. ગોહિલ, મનુભાઇ માધવાણી, રતિલાલ ચંદેરિયા, શાન્તુભાઈ રૂપારેલીયા, આઈ.કે. પટેલ, કાંતિભાઈ બી. પટેલ, પંકજ વોરા વગેરે સહિતના આપણા સમાજરત્નોનો સમાવેશ થતો હતો.
ચં.ચી. સાહેબને આ કોલમના લખવૈયા માટે (અરે, ભ’ઇ મારા માટે જ સ્તો...) સવિશેષ માન હતું કેમ કે તેમનો એક સમયનો વિદ્યાર્થી દરિયાપારના દેશમાં વસવાટ છતાં (‘ગુજરાત સમાચાર’ના માધ્યમથી) માતૃભાષાની સેવા કરી રહ્યો હતો. તો મને પણ આપણી ભાષાના આ સર્જક માટે ખાસ આદર રહ્યો છે. ચં.ચી. સાહેબે નેવું વર્ષનું આયુષ્ય ભોગવ્યું, પરંતુ તેમનું સ્વાસ્થ્ય છેવટ સુધી લગભગ ચુસ્તદુરસ્ત હતું.
મારા મતે ‘ઇલા! સ્મરે છે...’ એક અદ્ભૂત કાવ્ય છે. આ શબ્દસર્જન વાંચવા ખાસ ભલામણ છે એટલું જ નહીં, તેના અંગે ઊંડો વિચાર પણ કરજો. જરા કલ્પના તો કરો કે એક સ્ત્રી કે જેણે યુદ્ધમાં પોતાનો પતિ ગુમાવ્યો છે છતાં ગામને જરૂર પડે છે ત્યારે રાડ પડ્યે રજપૂત છૂપે નહીં એ ન્યાયે પોતાના એકમાત્ર સંતાન એવા કુળદીપકને હાકલ કરતાં કહે છે...
'બચ્ચા ઊઠો!' એમ સિપાઈ માતા
બોલી ય ડંકા રણના સુણાતાં;
‘ને ભાઈ! યુદ્ધે મુજની તું ચિંતા
સહેજે ન; તારે શિર છે નિયંતા.
આ પછી જ્યારે સેના નાયક પુત્રની વીરગતિના સમાચાર લઇને આવે છે તે વેળાનું બયાન જૂઓ...
ત્યાં સૈન્યનો નાયક બોલ બોલ્યો,
એણે જ પહેલો જયભેદ ખોલ્યો:
‘કલ્યાણ હીરો રણમાં હણાયો,
પહેલો ધસ્યો એ જય તો ગણાયો.’

કલ્યાણ-માતા હતી હર્ષઘેલી,
એણે સુણી’તી જય-વાત પ્હેલી;
એ હર્ષને શોક અપાર ટાળ્યો,
કલ્યાણ પંથે નિજ પંથ વાળ્યો.
 આને કહેવાય ‘સિપાઈ માતા’. પુત્ર વીરગતિ પામ્યો છે, માહોલ શોકાતુર છે, પણ માતાને આનંદ એ વાતે છે કે પુત્રે દેશ કાજે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું છે. માતા શોકની વાત નથી કરતી, પણ પુત્રના બલિદાનને અંતઃકરણપૂર્વક વધાવી લે છે. જુવાનજોધ પુત્ર અકાળે મોટા ગામતરે ઉપડી જાય તો શોક કઇ માતા શોકાતુર ન હોય?! પણ આ માતાએ અંગત શોકને કોરાણે મૂકીને તેની અને તેના પુત્રની દેશ કાજેની જવાબદારીને વિશેષ મહત્ત્વ આપ્યું છે. સારી બાબતને સ્મરણપટ પર સાચવવાનું પસંદ કર્યું છે.
સુજ્ઞ વાચક મિત્રો, વિજ્ઞાન પણ આવું જ કરવા કહે છે, અને મનોવિજ્ઞાનીઓ પણ અનેક અભ્યાસો બાદ આ જ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. સેન્ટ્રલ લંડન વિસ્તારમાં આવેલી યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન (UCL)ના ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલા એક લેક્ચરમાં હું હાજરી આપવા ગયો હતો. તેના નિષ્ણાતોનું પણ આ જ કહેવું હતું કે કોમ્પ્યુટર અને આપણા મગજની કામગીરી મહદ્ અંશે સામ્યતા ધરાવે છે. જેમ જેમ કોમ્પ્યુટરમાં કચરો ભરાતો જાય છે (એટલે કે બિનજરૂરી ફાઇલ્સની સંખ્યા વધતી જાય છે) તેમ તેમ તેની સ્પીડ ઓછી થતી જાય છે તેવું જ મગજનું છે. કોમ્પ્યુટર પાસેથી સ્પીડમાં કામ લેવા માટે જેમ નિયમિત અંતરે તેના મગજસમાન હાર્ડ ડિસ્કને ક્લિન કરતી રહેવી જરૂરી છે એમ જ મગજ પાસેથી સારું કામ લેવા માટે તેમાંથી ‘કચરા’ની સાફસફાઇ થતી રહે તે આવશ્યક છે.
મગજમાંનો કચરો એટલે નકારાત્મક વિચારો, અન્ય પ્રત્યે રાગ - દ્વેષ કે દુર્ભાવનાની લાગણી, દુઃખદાયી યાદો વગેરે, વગેરે. કોમ્પ્યુટર વાપનારા જાણતા હશે કે તેની હાર્ડડિસ્કને ક્લીન કરો કે તેની સ્પીડ કેવી વધી જાય છે. આવું જ મગજનું છે. નકામા વિચારોને કાઢીને જૂઓ... તરત જ ખબર પડી જશે કે કેવું સડસડાટ દોડે છે.
મગજને હલ્કુફૂલ્કું રાખવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર જેવી બીમારીથી બચી શકશો. કઇ રીતે? જરા વિગતે સમજીએ... આપણે સમયાંતરે વ્હોટ્સએપમાંથી નકામા મેસેજ-ફોટો-વીડિયો Delete કરતાં રહીએ છીએ અને સારા-યાદગાર પ્રસંગોના ફોટો-વીડિયો Save કરીને સમયાંતરે સ્વજનોને Share કરતાં રહીએ છીએ બસ એવું જ આ છે. તમારું મગજ નકારાત્મક વિચારોથી મુક્ત હશે તો તમે વધુ સોશિયલ બનશો - લાગણી Share કરતાં થશો. મન હળવું થશે ને પરિવારજનો સાથેનું બોન્ડીંગ વધુ મજબૂત બનશે. તમારી એકલતા - અતડાપણું દૂર થતાં તમે સ્વજનોની લાગણીની હૂંફ - ઉષ્મા અનુભવશો. સગાંસ્નેહી સાથે મિલન-મુલાકાત વધતાં સંપર્ક સેતુ મજબૂત બનશે. સરવાળે આ બધું તમને ખુશમિજાજ રાખશે. સારી અને સુખદ યાદોનો ખજાનો તમને વયના વધવા સાથે (વગરનોતર્યે) આવી પડતી બીમારીઓને તમારાથી જોજનો દૂર રાખશે.
વાચક મિત્રો, આપણા તન-મનની સદાબહાર સ્વસ્થતાનું રહસ્ય આપણી મનોસ્થિતમાં છૂપાયેલું છે. જો મનોસ્થિતિ સ્વસ્થ હશે તો... મન ચંગા તો કથરોટ મેં ગંગા. આ તબક્કે મને ભારતના એક સમયના માનનીય વડાપ્રધાન શ્રી મોરારજીભાઇ દેસાઇ સાથેની મુલાકાત યાદ આવે છે. 1977માં સ્વતંત્ર ભારતમાં અદભૂત ક્રાંતિ થઇ. પહેલી વખત બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે મોરારજીભાઇ દેસાઇએ સત્તાના સૂત્રો સંભાળ્યા. મને યાદ છે ત્યાં સુધી આ સમયે તેમની ઉંમર 81 વર્ષ હતી, પણ તેમની સ્ફૂર્તિ જુવાનિયાને શરમાવે તેવી હતી. તેમના બ્રિટન પ્રવાસ વેળા તેમની મુલાકાત લેવાનું સદભાગ્ય મને સાંપડ્યું હતું. નિયત સમયે હાઇકમિશનરના રેસિડેન્સ 9 કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન પહોંચી ગયો.
શિસ્તબદ્ધ જીવન જીવતા મોરારજીભાઇ તેમના આકરા સ્વભાવ માટે પણ એટલા જ જાણીતા હતા. મુલાકાત દરમિયાન એક પછી એક સવાલ-જવાબ ચાલતા રહ્યા. મેં તેમને પૂછયું તમને આ વયે પણ આટલા ચેતનવંતા જોઇને સહુને નવાઇ લાગે છે તો સાહેબ, મને આપના જીવનનો એક પ્રસંગ એવો કહો કે જેણે આપનામાં પ્રચંડ આત્મવિશ્વાસ જગાવ્યો હોય, કંઇક કરી છૂટવાની પ્રેરણા પૂરી પાડી હોય. તેઓ હસી પડ્યા, અને સામું પૂછયુંઃ જાણવું જ છે?! વાત એમ છે કે હું વલસાડની શાળામાં ભણતો હતો ત્યારે અત્યારની જેમ જ સૂકલકડી હતો. કોઇ પણ કાર્ય હાથમાં લેતા પૂર્વે જ વિચાર આવે કે તે પાર પાડી શકીશ કે કેમ? આ દરમિયાન શાળામાં ઊંચા કૂદકાની સ્પર્ધા યોજાઇ અને તેમાં મેં પહેલો નંબર મેળવ્યો. આ સાથે જ મનમાં આત્મવિશ્વાસનું બીજ રોપાઇ ગયું કે હું પણ કંઇક કરી શકું છું, લક્ષ્ય પ્રાપ્ત કરી શકું છું, અને જૂઓ આ શ્રદ્ધા - આત્મબળ - વિશ્વાસના જોરે આજે આ સ્થાને પહોંચ્યો છું.
વાચક મિત્રો, મોરારજીભાઇએ અનેક પ્રશ્નો-આફતોનો સામનો કરેલો છે. મોટા ગજાના માણસ હતા, પણ યાદ શું રાખ્યું? મારા જેવા એક ‘સામાન્ય માણસ’ની પણ વાત કરી લઉં. ડિસેમ્બર 1954માં હું વડોદરાની સિક્સ્થ બોમ્બે બટાલિયન એનસીસીનો તરવરિયો કેડેટ હતો. પાલનપુર પોલીસ ગ્રાઉન્ડમાં બે સપ્તાહનો અમારો કેમ્પ હતો. તે વેળા દરેક કેડેટને રાઇફલ શૂટિંગનો અનુભવ મળી રહે તે માટે પોઇન્ટ 303 રાઇફલ વડે શૂટિંગ કરાવાતું હતું, મને પણ આ ચાન્સ મળ્યો.
ત્રણ સપ્તાહ પછી એનસીસીના હેડ મેજર પ્રહલાદસિંહે મને બોલાવ્યો ને કહ્યું કે તારું શૂટિંગ સરસ છે, 700 કેડેટ્સમાં તારું સ્થાન અવ્વલ છે. તારે તો રાઇફલ શૂટિંગમાં વડોદરાને રિપ્રેઝન્ટ કરવું જોઇએ. અને મને આ મોકો પણ મળ્યો. વધુ પ્રેક્ટિસ પણ અપાઈ. તે વેળાના મુંબઇ સ્ટેટમાં ઓલ ઇંડિયા અલ રોબર્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી, મેં વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ‘બેસ્ટ શોટ’નું ટાઇટલ જીતી લાવ્યો હતો.
અને આપના આ ગગાને પોતાની જાતનો પરિચય થઇ ગયો. મને મારી ઓળખનું મહત્ત્વ સમજાયું. સમયના વહેવા સાથે હું પણ કંઇક કરી શકું એમ છું તેવો આત્મવિશ્વાસ કેળવાયો. મારી કારકીર્દિ પણ આપની સમક્ષ છે, અને મારા તન-મનના સ્વાસ્થ્ય વિશે તો આપ સહુ જાણો જ છો. તન-મનનું આરોગ્ય જાળવે તેવી સારી જીવનશૈલી - પૌષ્ટિક ભોજન - ખુશહાલ જીવન અને જીવન પ્રત્યે હંમેશા સકારાત્મક અભિગમ. આ બધાનો સરવાળો એટલે મારું આજનું આરોગ્ય. વયના વધવા સાથે સાથે જ તન, મન મજબૂત છે. પણ ઇરાદા બુલંદ છે. ભૂતકાળના સારા સંસ્મરણો આજે પણ દિલોદિમાગમાં છવાયેલા છે, અને તેની યાદ જ મારી બેટરીને હંમેશા ચાર્જ કરતી રહે છે.
વાચક મિત્રો, સ્મરણની વાત નીકળી જ છે તો મને એ વાત પણ આપ સહુને યાદ કરાવવા જ દો. આપનું પ્રિય ગુજરાત સમાચાર આગામી પાંચમી મેના રોજ 53 વર્ષની ઝળહળતી પ્રકાશનયાત્રા પૂર્ણ કરીને 54મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા ‘સોનેરી સ્મરણયાત્રા’ વિશેષાંક પ્રકાશિત કરવા તૈયારી ચાલી રહી છે. મારા સાથી-સમર્થકો કામે લાગ્યા છે. આપ સહુના સાથ-સહકાર-આશીર્વાદ-શુભેચ્છા મળી રહેશે તો સોનામાં સુગંધ ભળશે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter