વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિદાય લઇ રહેલા ઇસ્વી સન 2024ના છેલ્લા સપ્તાહમાં ‘જીવંત પંથ’ સાથે સેવક આપની સેવામાં હાજર છે. ક્રાંતિકારી લેખક-પત્રકાર નર્મદની સુપ્રસિદ્ધ રચના ‘જય જય ગરવી ગુજરાત...’ની પંક્તિઓ આ થોડામાં ઘણું કહી જાય છેઃ
શુભ શુકન દીસે,
મધ્યાહન શોભશે,
વીતી ગઇ છે રાત...
અંત ભણી આગળ વધી રહેલું વર્ષ વિશ્વનિવાસી ભારતવાસીઓ માટે, સનાતનીઓ માટે અને ગુજરાત સમાચાર માટે પણ શુકનવંતુ નીવડ્યું છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. અનેક પરિમાણો સૂચવે છે કે આવતીકાલ આપણી છે, અને આજના કરતાં વધુ ઉજળી પણ. ભારતવાસીઓ હોય કે ગુજરાત સમાચાર સાપ્તાહિકના વાચકો હોય, સહુ કોઇ ઉજળા ભાવિના અધિકારી છે અને પરમ કૃપાળુ પરમાત્મા તેને સાનુકૂળ વાતાવરણ સર્જી રહ્યા હોવાની વાતે મને તો રતિભારેય અંદેશો નથી.
ગયા બુધવારે ‘સુરોત્તમ’ પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચાર જાણીને આંચકો અનુભવ્યો. સૌપ્રથમ સમાચાર આપ્યા વિનુભાઇ વડગામાએ. વિનુભાઇ અને શકુબહેનને વર્ષોથી જાણું. વિનુભાઇના ઘરે કેટકેટલા મહાનુભાવોને - વીરલાઓને મળવાનો મોકો મળ્યો છે. પુરુષોત્તમ ઉપાધ્યાય હોય, ‘લિટલ માસ્ટર’ સુનિલ ગાવસ્કર હોય કે કોકિલકંઠી લતા મંગેશકર હોય... દિગ્ગજો વડગામા દંપતીની ભાવસભર મહેમાનગતિ માણી ચૂક્યા છે. વિનુભાઇએ ખબર આપ્યા કે પુરુષોત્તભાઇનો જીવનસૂર વિલાયો છે... અને જાણે મનમાં એક સવાલ ઉઠ્યો કે ફરી ક્યારેય આવો સુરિલો-મધૂરો-ઘેઘૂર અવાજ સાંભળવા મળશે ખરો? અને ત્રયંમ્બક યજામહે...ના શ્લોક સાથે તેમના જીવન-કાર્યને શબ્દાંજલિ અર્પી.
પુરુષોત્તમભાઇ ગીત-સંગીતના ચાહકો માટે ‘સુરોત્તમ’ હતા, પણ તેમના સંપર્કમાં રહેલા લોકોને પૂછશો તો કહેશો કે તેઓ ‘ઉત્તમોત્તમ’ વ્યક્તિ પણ હતા. તેમના કદકાઠી નાના હતા, પણ વ્યક્તિત્વ બુલંદ હતું. મારો તેમની સાથે જૂનો નાતો. કહો કે લગભગ સાડા પાંચ દસકા જૂનો.
ઉત્તરસંડાના દીકરી ઉષાબહેન અને તેમના પતિ એવા મંદિર રેસ્ટોરાંવાળા રમેશભાઇ પટેલે 1968માં મારો તેમની સાથે પહેલો પરિચય કરાવ્યો હતો. કરમસદના વતની એવા રમેશભાઇએ નવકલા સંગીત સંસ્થાના માધ્યમથી ભારતીય ગીતસંગીત કળાની અનોખી સેવા કરી છે. આ દંપતીના નિવાસસ્થાને આવેલા પુરુષોત્તમભાઇ સાથે મારો પહેલો પરિચય થયો હતો. પુરુષોત્તમભાઇએ તેમના સૂરના કામણ પાથરીને સહુકોઇને વશીભૂત કરી દીધા હતા. આ પછીના સમયમાં અલપઝલપ મળવાનું બનતું.
પરંતુ 1986માં હું ભારતપ્રવાસે ગયો હતો. મુંબઇમાં ગ્રાન્ટ રોડ પર રહેતા પરમ મિત્ર મનુભાઇ દોશીની દીકરીના લગ્નપ્રસંગે હાજરી આપવાની હતી. આ સમયની એક આડ વાત કરું તો... તે વેળા હું ભારતીય અખબારોમાં ચમકી ગયો હતો, અને તે પણ ખોટા કારણસર! અગ્રગણ્ય જન્મભૂમિ જૂથના અખબારો અને ટાઇમ્સ ઓફ ઇંડિયાના પહેલા પાને હું ચમકી ગયો હતો. લંડનનિવાસી બે વિઘ્નસંતોષીએ મારા વિરુદ્ધ ભારત સરકારની કાનભંભેરણી કરેલી તે ભારત પહોંચતા જ કસ્ટડીભેગો કરી દેવાયો હતો. હું મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગેજ કલેક્ટ કરીને એક્ઝિટ ગેટ તરફ આગળ વધી રહ્યો હતો કે તરત સશસ્ત્ર જવાનો મને ઘેરીને સાઇડમાં લઇ ગયા. બધું એટલી ઝડપથી બન્યું કે મને કંઇ સમજાયું જ નહીં. પણ પછી જાણ થઇ કે મને તો ‘ભારતવિરોધી અને ખાલિસ્તાનસમર્થક’(!) હોવાના આરોપસર અટકાયતમાં લેવાયો છે. મને નવ કલાક સુધી (ગેરકાયદે) અટકાયતમાં રખાયો. છેવટે સત્તાવાળાઓને ભાન થયું કે ‘કોઇકે’ તેમને મારા નામે બેવકૂફ બનાવ્યા છે. અને મારી મુક્તિ શક્ય બની. ખેર મૂળ પર વાત પાછા ફરીએ...
એક દિવસ ગ્રાન્ટ રોડની પેલે પાર ચાલતાં ચાલતાં ભારતીય વિદ્યાભવનના વડા મથકે પહોંચ્યો. ખબર પડી કે અંદર મુખ્ય હોલમાં તો પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતસંગીતનો જલ્સો ચાલે છે. ટિકિટ લઇને હોલમાં પ્રવેશી દૂરના ભાગ્યે જગ્યા મળી ત્યાં બેસી ગયો. પણ પુરુષોત્તમભાઇનું ગાયન ચાલું જ હતું, પણ તેમની ઝીણી નજરે મને જોઇ લીધો હતો. ગીત પૂરું થયું કે તરત જ મને નજીક બોલાવ્યો, સહુ સભાજનોને મારો પરિચય આપ્યો એટલું જ નહીં, મારું પ્રિય ગીત ‘તારી આંખનો અફિણી, તારા બોલનો બંધાણી...’ ગાઇ સંભળાવ્યું. વાચક મિત્રો, આવા હતા પુરુષોત્તમભાઇ.
લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છેઃ
ગુજરાતી ભાષાને સુગમ સંગીત થકી વિશ્વભરમાં જીવંત રાખનારા સુપ્રસિદ્ધ સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઊંડો આઘાત અનુભવું છું. કલા જગત માટે આ એક પૂરી ન શકાય તેવી ખોટ છે. તેમના મધુર અવાજમાં સ્વરાંકન સંગીત રચનાઓ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ૐ શાંતિ.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇના શબ્દોમાં આ અંજલિ વાંચી ત્યારે મને તેમની એક વિશેષતા માટે માન થઇ ગયું. આટલા વિશાળ દેશનું સુકાન સંભાળવાની જવાબદારી છતાં ક્યારેય સમય ચૂકતાં નથી. પછી વાત હરખ વ્યક્ત કરવાની હોય કે સાંત્વના પાઠવવાની. વર્ષોપૂર્વેની વાત છે. અહીં લંડનમાં મારા માતુશ્રી 93 વર્ષની વયે પરમ ધામ સિધાવ્યાં હતા. નરેન્દ્ર મોદી 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા અને આખા રાજ્યની કાયાપલટના કામે લાગ્યા હતા. દિવસરાતના અતિશય વ્યસ્ત શિડ્યુલ છતાં તેમણે વ્યક્તિગત ફોન કરીને મને સાંત્વના આપી હતી. સાથે સાથે જ મને એમ પણ કહ્યું હતું કે (તેમના માતુશ્રી) હિરાબાને પણ જણાવ્યું છે કે સી.બી.ના બા સ્વર્ગે સિધાવ્યા છે.
નરેન્દ્રભાઇની બીજી પણ એક વાત કરું તો... તેમનું સૌજન્ય-શાલિનતા એટલે કહેવું પડે. તાજેતરમાં આપ સહુ ટીવી પર જોયું જ હશે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગ્રેટેસ્ટ શો મેન રાજ કપૂરની 100મી જન્મજયંતીની ઉજવણી માટે આમંત્રણ આપવા કપૂર પરિવારના સભ્યો વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વડાપ્રધાનનું નિવાસસ્થાન ભવ્ય છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ, પણ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે તેઓ બહુ સાદગીપૂર્ણ જીવન જીવે છે. કુદરતી માહોલ વચ્ચે જીવવાનું વિશેષ પસંદ છે. દરરોજ સવારે તેઓ લીલાછમ ગાર્ડનમાં વોક લેવાનું તેમને પસંદ છે. આ સમયે તેઓ ઝાડ-છોડને સ્પર્શ પણ કરે છે અને તેમની સાથે વાતો પણ કરે છે. સંકુલમાં ફરતાં મોર અને ગાય પર વ્હાલ વરસાવતી તેમની તસવીરો તો જગજાહેર છે. આમ વતનથી દૂર રહેવા છતાં ભર્યોભાદર્યો સંસાર ધરાવે છે! દરેક માહોલ - દરેક સ્થિતિમાં સાનુકૂળ થઇને રહેવું એ તેમની નરેન્દ્રભાઇની આગવી વિશેષતા છે.
1996ની વાત છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખ અને હું નરેન્દ્રભાઇને મળવા માટે દિલ્હી ગયા હતા. સંબંધ તો જૂનો હતો, અને જીવંત સંપર્ક પણ ખરો. 1995માં કેશુભાઇ પટેલે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો ખજૂરાહોકાંડ તાજો હતો. ભાજપના મોવડીમંડળે નરેન્દ્રભાઇને ગુજરાત ‘બહાર’ કરીને ઉત્તર ભારતની જવાબદારી સોંપી હતી. તે સમયે નરેન્દ્રભાઇ સંઘના કાર્યાલય ઝંડેવાલા બિલ્ડીંગમાં રહેતા હતા. હું અને ભૂપતભાઇ તેમને મળવા પહોંચ્યા તો શું જોયું?
બિલ્ડીંગના બીજા માળે લગભગ 8 x 12 ફૂટના રૂમમાં તેમનો મુકામ હતો. નાનું ટેબલ-ખુરશી, પાણીનો માટીનો કુંજો ને પાણી પીવા માટે ટમલર. સૂવા માટે જમીન પર ગાદલું પાથરેલું હતું. આ જ તેમની ઓફિસ. હું અને ભૂપતભાઇ લાંબો સમય તેમની સાથે બેઠાં, ઘણી બધી વાતો કરી, પણ તેમના મોઢેથી અસુખ કે ફરિયાદનો એક હરફ સુદ્ધાં નથી નીકળ્યો.
બોલવું ઓછું અને સાંભળવું વધુ, એ પણ નરેન્દ્રભાઇની એક વિશેષતા છે. પરંતુ સંઘ પરિવાર દ્વારા તેમને ઉત્તરાખંડ પ્રદેશમાં સોંપાયેલી જવાબદારીની વાત કરી, અને કઇ રીતે તેઓ કામ કરી રહ્યા છે ને ભાજપનું ભાવિ કઇ રીતે ઉજળું છે તે બધી વાતો કરી. લંડનમાં વસતાં મિત્રોને હરખભેર યાદ કર્યા અને સહુના ખબરઅંતર પૂછ્યછયા. ગુજરાત અને ભારતમાં વિકાસની કેવી ઉજળી તકો છે તેની પણ વાતો કરી. આજે દેશના વિકાસનો નકશો બદલાયો છે, બદલાઇ રહ્યો છે, ભારત કરવટ બદલી રહ્યું છે તેના મૂળમાં આ વિઝન છે. આંબા રાતોરાત નથી ઉગતાં... આજે દેશને નરેન્દ્ર મોદી જેવા મુઠ્ઠીઊંચેરા નેતા મળ્યા છે તો નરેન્દ્ર મોદીને પણ બહુસાંસ્કૃતિક - બહુભાષી ભારતની તાસીર ને તસવીર બદલવાનો પડકારજનક અવસર મળ્યો છે અને નરેન્દ્રભાઇએ આ પડકાર - અવસર સુપેરે ઝીલી જાણ્યો છે.
વાચક મિત્રો, ‘ગુજરાત સમાચાર’ની પણ આ જ નીતિ રહી છે. તેણે દરેક અવસર - દરેક પડકાર ઝીલ્યા છે, તેને ઓળંગીને આગેકૂચ કરી છે. આપનું પ્રિય સાપ્તાહિક આગામી મે મહિનામાં સ્થાપનાના 53 વર્ષ પૂરાં કરીને 54મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ પ્રસંગને યાદગાર બનાવવા અમે ‘સોનેરી સ્મરણયાત્રા’ વિશેષાંક પ્રકાશિત કરવા આયોજન કર્યું છે. ‘ગુજરાત સમાચાર’ને આ પ્રકાશન યાત્રા દરમિયાન ઘણું પરિવર્તન પણ થયું છે, અને આ યાત્રા દરમિયાન આપના જેવા વાચકો ઉપરાંત આમ આદમીથી લઇને ખાસ આદમીનો સાથસહકાર મળ્યો છે. આપ સહુનો પ્રેમ - ઉષ્માપૂર્ણ સાથસહકાર જ મને ધબકતો રાખે છે એમ કહું તો પણ ખોટું નથી. હું દર સપ્તાહે કેટલાય પ્રસંગોમાં હાજરી આપું છું, લોકોને રૂબરૂ મળું છું, ફોન પર વાતો કરું છું, ઝૂમ ઇવેન્ટમાં હાજરી આપું છું. આપનો ઉત્સાહ જ મને સમાજ સાથે જોડાયેલો રાખે છે. આપની સાથેનો નાતો વર્ષોથી અકબંધ છે, અને અકબંધ જ રહેવાનો છે તેમાં મને લગારેય શંકા નથી. હું તો એક મંત્રમાં અપાર આસ્થા ધરાવું છે, આ શ્લોક જ મારો જીવનમંત્ર છે એમ કહું તો પણ ખોટું નથી. અને આપ સહુ પણ આ મંત્ર જાણો જ છો.
મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ્
જન્મમૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મ બંધને
આ શ્લોકે મને શીખવ્યું છે કે જન્મ - મૃત્યુ, જરા (આયુષ્ય - આરોગ્ય) - વ્યાધિ, બધું આપણા કર્મનું ફળ છે.
જે આપણે આપીએ છીએ તે જ આપણે પામીએ છીએ. આજે બસ આટલું જ... અસ્તુ. (ક્રમશઃ)