હતાશાનું મૂળઃ હેતુ વિનાનું જીવન

સી. બી. પટેલ Tuesday 19th January 2016 15:05 EST
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં જીવંત લોકશાહી છે અને વાસ્તવમાં અસરકારક વેલ્ફેર સિસ્ટમ પણ આપણે અનુભવીએ છીએ. બ્રિટન વિશ્વમાં આર્થિક રીતે ભલે સૌથી ધનાઢય રાષ્ટ્ર ન હોય, પરંતુ આ દેશની ધરતી પર વસતી કોઇ પણ વ્યક્તિને સાવ ભૂખ્યા પેટે પડી રહેવાની મજબૂરી તો નથી જ. છેલ્લા કેટલાક આંકડાઓ અનુસાર, બ્રિટનમાં ખાસ કરીને લંડન જેવા મોટામસ મહાનગરમાં ૧૬ હજાર જેટલા ઘરવિહોણાં વસે છે. ઠંડી હોય કે ગરમી, ટાઢ હોય કે તડકો આ લોકો ખૂણેખાંચરે પડ્યાપાથર્યા રહે છે. ઉપર આસમાન અને નીચે ધરતી. હાથ લાગ્યું તે ખાઇને પેટ ભરી લે. આમાંના કેટલાક ભીખ પણ માગતા હોય છે, પરંતુ બધા જ ભીખારી હોય છે તેવું પણ નથી. આવા બેઘર, નિરાશ્રિતોને સરકારી તંત્ર દ્વારા કંઇને કંઇ ભથ્થું મળી રહે છે. જેમાંથી કમસે કમ પેટનો ખાડો તો પૂરી જ શકાય.
ખેર, આ તો બહારની વ્યક્તિની વાત થઇ. ઓછાવત્તા અમુક અંશે આપણા પરિચિતોમાં પણ અવારનવાર આવી કફોડી હાલત વાળી કોઇને કોઇ વ્યક્તિને નિહાળીને આપણે ખૂબ દુઃખ પામીએ છીએ. આ લોકોને કાં તો કોઇ કામકાજ કરવામાં રસ નથી હોતો અથવા તો કેટલાક વળી કોઇ પણ જાતની જવાબદારી ઉઠાવવા જ તૈયાર હોતા નથી. આવી વ્યક્તિ આવા વિષમ સંજોગોમાં સપડાઇને એવા દુષ્ચક્રમાં અટવાઇ જાય છે કે સમય વીતવા સાથે તેમને આવું જીવન તેને કોઠે પડી જાય છે. કોઇ વખત આપણને એવા પણ કિસ્સા જોવા મળે છે જેની જીવનગાડી સરસ રીતે ચાલતી હોય, નોકરી-ધંધામાં ઠરીઠામ થઇ ગયા હોય અને કોઇ વ્યસનની બંધાણી બની જાય. અતિશય દારૂનું સેવન, નશીલા પદાર્થોનું સેવન કે કેસિનોમાં જઇને જુગાર રમવાની લતે ચઢી ગયેલા પાત્રો વિશે પણ આપણને અવારનવાર જાણવા મળે છે. મનમાં આવી વ્યક્તિ પ્રત્યે સદભાવ હોવા છતાં આપણે તેમના માટે વાસ્તવમાં કશું જ ન કરી શકવાની મજબૂરી પણ અનુભવતા હોઇએ છીએ.
બ્રિટનમાં ભારતીય સમાજનું સ્થાન ખૂબ માનભર્યું છે. આપે તાજેતરમાં બ્રિટનની જેલમાં કેદ વિદેશીઓના આંકડા વાંચ્યા હશે. અત્રેની જેલમાં બંધ ૮૩,૦૦૦ કેદીઓમાં ભારતીયોની સંખ્યા ૫૮૦ જેટલી જ છે. આમાં હિન્દુ, જૈન, શીખ... તમામ ભારતીય સમુદાયો આવી ગયા. કેદીઓની આટલી ઓછી સંખ્યા ભારતીય સમાજ માટે ખરેખર ખૂબ ગૌરવની વાત ગણાય. આ દેશના સત્તાધિશો અને સ્થાનિક નાગરિકો પણ સ્વીકારે છે કે ભારતીય-બ્રિટિશ નાગરિક એ અર્થમાં કાયદો-કાનૂન અને સ્વસ્થ જીવનશૈલીને અનુરૂપ જીવન જીવી રહ્યો છે તે આવકાર્ય છે. આ વાત તો આપણે સહુ આનંદ સાથે સ્વીકારીએ છીએ, પરંતુ કોઇ કારણસર વ્યક્તિ દૂષણના વિષચક્રમાં અટવાઇ ગઇ હોય, વ્યસનના અતિરેકના કારણે પારાવાર દુઃખ, સંકોચ, શરમ કે ગ્લાનિના કારણે હતાશાની ગર્તામાં સરી પડે છે ત્યારે આવી વ્યક્તિ તેના સગાંસંબંધીઓ કે પરિચિતો માટે પણ કંઇક ચિંતાનો વિષય બનતો હોય છે. આજે હું આ ગંભીર સમસ્યા વિશે વધુ વિગતે લખવાના બદલે મારા જીવનમાં ઘટેલા એક પ્રસંગના ઉલ્લેખ સાથે રજૂઆત કરવાનું મને વધુ યોગ્ય જણાય છે.
દોઢેક વર્ષ પૂર્વેની વાત છે. પૂર્વનિર્ધારિત આયોજન અનુસાર એક કાર્યક્રમમમાં હાજરી આપવા જઇ રહ્યો હતો. લંડનના એમ્બેકમેન્ટ ટ્યુબ સ્ટેશનની બહાર નીકળ્યો. આગળનો પ્રવાસ બસમાં કરવાનો હતો. બસ સ્ટોેપે જઇને ઉભો રહ્યો. મારા હાથમાં ‘ગુજરાત સમાચાર’ની નકલ હતી. બસ ક્યાંય નજરે પડતી નહોતી એટલે માનવસહજ સ્વભાવથી આસપાસના માહોલ પર આંખો ફેરવી રહ્યો હતો. ક્યાંક કોઇ કપલ તો ક્યાંક કોઇ પરિવાર. ક્યાંક ટીનેજર્સનું ગ્રૂપ તો ક્યાંક શોપિંગ માટે નીકળેલા સિનિયર સિટિઝન નજરે પડતા હતા.
મારી નજર ફરતા ફરતા ફૂટપાથના એક ખૂણામાં જઇ પહોંચી. લઘરવઘર હાલતમાં બેઠેલો મધ્યમ વયનો એક આદમી હાથના ઇશારાથી મને પાસે બોલાવી રહ્યો હતો. મનમાં સહજભાવે એક અવઢવ થઇ કે તેની પાસે જવું કે નહીં કેમ કે તેના દીદાર જ એવા મેલાઘેલા હતા કે ત્યાં જતા સ્હેજેય ખચકાટ થાય. તેને વળી મારું શું કામ હશે? ભીખારી હશે? પૈસા જોઇતાં હશે? કે પછી પાગલ હશે? કંઇ જોખમ જેવું તો નથીને?! પળભરમાં તો કેટલાય વિચારો વીજળીની જેમ ઝબકી ગયા.
પરંતુ હું તેની પાસે ગયો. આશરે ચાળીસેક વર્ષની વય. વીંખરાયેલા વાળ. કેટલાય દિવસથી સ્નાન પણ ન કર્યું હોય તેવો વેશ. તેણે મારા હાથમાંના ‘ગુજરાત સમાચાર’ તરફ ઇશારો કર્યો. થોડાક ભાંગ્યાતૂટ્યા શબ્દો સાથે બોલવાનું શરૂ કર્યું ને હું આશ્ચર્યચકિત થઇ ગયો. તે ગુજરાતીમાં બોલતો હતો. તે ભાયડો ગુજરાતી હતો! મને લાગ્યું કે તેને કંઇક કહેવું છે અને હું ઝૂકી ગયો.
તેની સાથે વાત માંડતા જ જણાયું કે બહુ રસપ્રદ વ્યક્તિત્વ છે. સમયને મેં સાધી લીધો. મેં કાર્યક્રમ બદલી નાખ્યો. ઘર ભણી પરત ફરવાનું નક્કી કર્યું, તે ભાઇને લઇને. આ ભાઇને હવે પછીના સંવાદ દરમિયાન આપણે રામરખ્ખાના ઉપનામથી ઓળખશું. રામરક્ષા શબ્દના તળપદી અપભ્રંશ એવા આ શબ્દનો મૂળ અર્થ છે રામની કૃપાથી થતું રક્ષણ. સમાજમાં જેનું કોઇ નથી હોતું તેનું રક્ષણ આખરે પરમેશ્વર જ કરતો હોય છે. ખરુંને?
અમે ટ્યુબ અને બસની જર્ની કરીને કર્મયોગ હાઉસ પહોંચ્યા. અમે સાથે બેસીને પ્રવાસ કર્યો હતો - હું ટાઇ-સૂટબૂટમાં સજ્જ ને કંગાળ રામરખ્ખા લગભગ લઘરવઘર. તેના શરીરમાંથી બદબૂ આવે. સહપ્રવાસીઓ પણ નવાઇની નજરે અમારી તરફ નિહાળતા હતા, પરંતુ મને કંઇ ફરક પડતો નહોતો.
કોઇનું આમંત્રણ સ્વીકાર્યા પછી ગેરહાજર રહેવાનું હોય તો ફોન કરવા જેટલું સૌજન્ય તો આપણે દાખવવું જ જોઇએ એમ હું માનું. આથી રસ્તામાંથી જ કાર્યક્રમના યજમાનને ફોન કર્યો. તેમને જણાવી દીધું કે કેટલાક અનિવાર્ય કારણોસર કાર્યક્રમમાં હાજરી આપવાનું શક્ય નથી. માફ કરશો... હું વધારે કંઇ ફોડ પાડી શકું એમ નહોતો, પરંતુ આયોજકો પણ મારી મુશ્કેલી સમજ્યા હશે એટલે તેમણે સહજતાથી મારી વાત સ્વીકારી લીધી.
રામરખ્ખાને ઓફિસમાં બેસાડ્યા અને વાતોએ વળગ્યા. પાણી આપ્યું. ચા બનાવી આપી અને નાસ્તો પણ પીરસ્યો. માણસનું પેટ ઠરે છે ત્યારે તેનું મોં ખૂલતું હોય છે. વાત કંઇક આવી હતી...
આપણો આ ગુજરાતી ભાયડો દશેક વર્ષ પૂર્વે બ્રિટનમાં આવ્યો હતો. સમયવીત્યે કાયદેસર કાર્યવાહી કરીને અહીંનું નાગરિકત્વ મેળવ્યું હતું. જોબ પણ સારી હતી અને ઠરીઠામ થયે પત્નીને પણ ગુજરાતથી અહીં તેડાવી લીધી હતી. ઘરસંસાર સરસ રીતે ગબડ્યે જતો હતો. સંગ તેવો રંગ - કહેવત જેવું જ આ ભાઇના જીવનમાં બન્યું. મિત્રો સાથે શરૂ થયેલી ડ્રિન્ક્સ પાર્ટીની મોજમજા સમયના વહેવા સાથે વ્યસન બનીને તેના ગળે વળગી. આ વ્યસન પણ એવી બલા છે જે તેની સાથે બીજા દુર્ગુણોનેય આંગળીએ ઝાલીને લેતી આવે છે. આ બધા દુર્ગુણોએ મળીને રામરખ્ખાને જ નહીં, તેના સમગ્ર જીવનને એવો તે ભરડો લીધો કે બધું તબાહ થઇ ગયું. પહેલાં નોકરી ગઇ. છતાં સાન ઠેકાણે ન આવી. ગુસ્સો, ઝઘડો ઘર ઘાલી ગયાં, પત્નીએ બહુ સમજાવ્યો, પણ ભાઇ ન માન્યા. આખરે પત્નીએ પણ સાથ છોડ્યો. ત્યારે પણ આંખ ન ઉઘડી. ત્રાસીને પત્ની જેવું સૌથી નજીકનું સ્વજન પણ સાથ છોડી ગયું હોય ત્યારે સગાં તે વળી શું સાથ આપવાનાં? સહુ કોઇએ લગભગ તેને હડધૂત કર્યો હતો. અને દુર્દશા શરૂ થઇ. રામરખ્ખા રસ્તા પર આવી ગયો.
વાતવાતમાં તેણે સિગારેટ પીવાની તલપ લાગ્યાની વાત કરી. હું તેને ઓફિસ બહાર લઇ ગયો. સામાન્ય રીતે હું કોઇની હાજરીમાં ‘હવન’ કરતો નથી, પણ તે દિવસે મેં પણ તેની સાથે ચેતાવી. ધુમાડા કાઢીને બન્ને પાછા અંદર ગયા અને વાતનો દોર ફરી સાંધ્યો.
મેં એક નાનકડો પ્રયોગ કર્યો. તે ભાઇ દશેક વર્ષથી જ બ્રિટનમાં વસ્યા હોવાથી માતૃભાષા ગુજરાતી સાથેનો તેમનો નાતો જળવાયો હતો. તેઓ ગુજરાતી વાંચી શકતા હતા. ‘સારા દિવસો’ દરમિયાન તેઓ ગુજરાત સમાચાર વાંચતા હતા. (આથી જ તો બસસ્ટેન્ડ પર મારા હાથમાં ‘ગુજરાત સમાચાર’ જોઇને તેમની આંખો ચમકી હતી.)
આવા નિરાધાર, નિરાશ્રિત લોકોને નિહાળીને મોટા ભાગના લોકો પહેલી નજરે તો એવું જ માની લેતા હોય છે કે આ લોકો તો સાવ છેલ્લા પાટલે બેસનારા હોય છે. પરંતુ વાસ્તવિક્તા અલગ છે. ખરેખર તો આવા લોકોને ન તો કોઇ સાંભળનાર હોય છે, ન તો કોઇ સમજનાર હોય છે અને ન તો ખોટા રસ્તે દોડી રહેલી તેમની ગાડીને સાચી દિશા ચીંધનાર કોઇ હોય છે. અન્યથા આ લોકો પણ હોય છે તો કાળા માથાના જ માનવીને? જીવનમાં જે પ્રકારે હું કે તમે ભૂલો કરતા રહીએ છીએ તે જ પ્રકારે રામરખ્ખા જેવા લોકો પણ ભૂલ કરતા હોય છે - ફરક બસ એટલો હોય છે તમને કે મને માર્ગ ચીંધનારું કોઇ મળી ગયું હોય છે અને તેમને સાંભળવા - સમજવા જેટલી સમજ ઈશ્વરે આપણને આપેલી હોય છે. તેથી ખોટા રસ્તે આગળ વધતા અટકી જઇએ છીએ. આ લોકોને અટકાવનારું કોઇ હોતું નથી. અને તેઓ ખોટા રસ્તે થોડાક વધુ આગળ વધી ગયા હોય છે.
રામરખ્ખા સાથે મેં કલાક - દોઢ કલાક વાતો કરી. આ પછી વાતચીત દરમિયાન મેં તેમને ભજન કહો તો ભજન, ગીત કહો તો ગીત, છંદ કહો તો છંદ અને પ્રેરણાનું અદભૂત રસાયણ કહો તો તેમ, પણ એક રચના સંભળાવી. તેની એક એક કડીનો, એક એક પંક્તિનો, અરે... એક એક શબ્દનો અર્થ સમજાવવા પ્રયાસ કર્યો. આ કૃતિ હતી ‘હતાશને...’ કાયાવરોહણવાળા સ્વામીશ્રી કૃપાલાનંદજીની આ કૃતિ પાંચેક દસકાથી મારી ડાયરીમાં સંઘરાયેલી છે. ના તો હું પૂ. મોરારીબાપુ કે પૂ. ભાઇશ્રી રમેશભાઇ જેવો ધર્મોપદેશક. મારાથી સમજાવી શકાય તેવી ભાષામાં, તેવા શબ્દોમાં મેં તેને આ કૃતિનો મરમ સમજાવ્યો. મારા શબ્દો ભલે આઘાપાછા હશે, પણ લાગણી સો ટચના સોના જેવી શુદ્ધ હતી તેથી ઓછા શબ્દોમાં પણ હું તેને ઘણું સમજાવી શક્યો.
વાચક મિત્ર, આજે મને લાગે છે કે આનું એક કારણ કદાચ એ પણ હશે કે હું પણ એક તબક્કે ઓછાવત્તા આવા જ ગાળામાંથી પસાર થયો હતો. હતાશાએ ચોમેરથી મારા જીવનને ઘેરો નાખ્યો હતો. વાત આડા રસ્તે જવાનો ભય હોવા છતાં જરાક માંડીને વાત કરું...
એંશીના દસકાની વાત છે. તે સમયે મારી જીવનશૈલી ભારે તનાવભરી બની ગઇ હતી. મારે એક સાથે ઘણું બધું હાંસલ કરવું હતું અને આ માટે - શબ્દશઃ કહું તો - તનતોડ મહેનત કરી રહ્યો હતો. મારા લક્ષ્યો હાંસલ કરવા માટે ખરા અર્થમાં દિવસ-રાત એક કરી રહ્યો હતો. દરેક વખતે સફળતા હાંસલ થાય જ એવું તે કંઇ જરૂરી નથી જ. ઘણી વખત નિષ્ફળતા પણ સાંપડતી હતી અને ખાવાપીવાનું ભાન ભૂલીને ફરી બમણા જોર-જુસ્સા સાથે મચી પડતો હતો. કારમી મહેનત છતાં લક્ષ્ય હાંસલ ન થાય ત્યારે તેની અસર શરીર પર વર્તાય જ હોં... મારી સાથે પણ આવું જ બન્યું. હતાશા, તનાવની અસર મારા ચ્હેરા-મ્હોરા પર પણ વર્તાતી હતી. સમય વર્ત્યે હું સાબદો થયો અને ભ્રામક સફળતા માટેની આંધળી દોટ અટકાવી.
તે સમયે આ જીવનસંઘર્ષની મારા શરીર પર કેવી અસર જોવા મળતી હતી? એક વાચક મિત્રે બે વર્ષ પૂર્વે - ૨૦૧૪માં યાદ અપાવ્યું હતું. તેણે મને ‘ગુજરાત સમાચાર’માં વર્ષ ૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલની ફોટો કોપી મોકલી હતી, જેમાં મારી તસવીર પણ હતી. પ્રસંગ હતો પ્રથમ વિશ્વ ગુજરાતી પરિષદનો. તે વાચક મિત્રે કમેન્ટ કરતા કહ્યું હતું કે તે સમયનો તમારો ફોટો જૂઓ અને અત્યારના તમારો ચહેરો જૂઓ. ત્યારે માથા પર વાળ ભલે વધારે હતા, પણ ચહેરો નિસ્તેજ હતો. અરે, ચહેરો જ નહીં... આખું શરીર કંતાઇ ગયેલું જોવા મળે છે, અને આજે મસ્તક-એ-મેદાન ભલે સફાચટ દેખાતું હોય, પણ ચહેરા પર રોનક છે. અને સ્ફૂર્તિ જુવાનિયા જેવી છે. અત્યારે તમે વધુ તંદુરસ્ત, વધુ સ્વસ્થ અને વધુ તેજસ્વી લાગો છો.
ભલા માણસ, તમે જ કહો ક્યા માણસને પોતાની પ્રશંસા ન ગમે?! આ બંદો પણ ફૂલાઇને ફાળકો થઇ ગયો હતો (હા, એટલા બધો નહીં કે કોઇ ટાંકણી મારીને પંકચર પાડી દે...). તેમની વાત તો સાચી જ હતી. મેં પણ તેમની વાત માથે ચઢાવતા કહ્યું હતું કે તે સમયે હું સ્વસર્જીત વિટંબણામાં ઘેરાઇ ગયો હતો. વ્યાવસાયિક અને અન્ય પ્રકારની - ઉલમાંથી ચૂલમાં પાડે તેવી - ઉપાધિઓ સાથે અને માથે લઇને ફરતો હતો. ભાગંભાગ તો એવી કરતો હતો કે અજાણતાં જ જિંદગીનો ભાગાકાર થઇ રહ્યો હતો, પરંતુ સ્વજનોએ ચેતવ્યો અને સમય વર્ત્યે સાવધાન થયો. સમય-સંજોગનો સમજીવિચારીને એવો તે સમન્વય કર્યો કે હવે જિંદગીનો સહજ રીતે સરવાળો થતો રહે છે.
મેં રામરખ્ખાને પણ આ બધી વાતો માંડીને કરી અને ‘હતાશને...’ કૃતિ સંભળાવી ઉમેર્યું કે જિંદગીને જીવવાલાયક બનાવવી તે આપણા જ હાથની વાત છે. આથી હતાશા, નિરાશાને કોરાણે મૂકો અને નિરાશાના કાળાડિબાંગ વાદળોની કોરે દેખાઇ રહેલા આશાના કિરણ પર નજર માંડો. તમે બધું જ હાંસલ કરી શકવા સક્ષમ છો, બસ, હૈયૈ હામ હોવી જોઇએ.
જીવનથી હામ હારી ચૂકેલા માણસને આપણે તેમની મુશ્કેલી સાંભળવા માટે સમય અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત સિવાય બીજું તો શું આપી શકીએ? અને મેં આ જ કર્યું. વાચક મિત્રો, આજે આ બધું એટલા માટે લખી રહ્યો છું કેમ કે આપણામાંથી મોટા ભાગના જીવનમાં ઠરીઠામ થઇ ગયા છે, સુખી છે, પરંતુ કેટલાક એવા પણ છે જેમની ગાડી જીવનમાર્ગેથી ખડી પડી છે. ક્યારેક વિચાર કરજો કે છેલ્લા આઠ-દશ વર્ષમાં કેટલાય યુવક-યુવતીઓ એવા પણ હશે જેઓ સ્ટુડન્ટ વિઝા લઇને અત્રે ભણવા
આવ્યા હશે. વતનમાં ભારે દેવું કરીને અહીંની કોલેજોની ફી ભરી હશે. આવ્યા હશે ત્યારે આશા લઇને આવ્યા હશે કે ભણતાં ભણતાં કામ કરીને બે પૈસા કમાઇ લેશું, પણ એડમિશન લીધા પછી ખબર પડી હશે કે કોલેજ તો ફ્રોડ છે.  છેવટે આગળ ખાઇ ને પાછળ કૂવા જેવી કફોડી હાલત થઇ જાય. આમાંથી કોઇક ખોટા માર્ગે પણ ભટકી ગયા હશે. કોઇક વળી એવું પણ હશે કે અભ્યાસમાં કંઇ ઉકાળ્યું નહીં હોય અને અહીંની સિટિઝનશિપ ધરાવતા યુવક કે યુવતીને શોધીને તેની સાથે ઘરસંસાર માંડી દીધો હશે. (જેથી બ્રિટનમાં જ સ્થાયી થઇ શકાય.) સમયના વીતવા સાથે આવા પાત્રોમાં જિંદગીનો વિરોધાભાસ, પહેલાં મતભેદ અને પછી મનભેદ બનીને ઉભરતો હોય છે. આવા સગવડિયાં લગ્નો લાંબુ ટકતા નથી. આવા પાત્રોનું બેકગ્રાઉન્ડ, શિક્ષણ, અપેક્ષા, અરમાન એટલા વિરોધાભાસી હોય છે કે એક તબક્કે મૈત્રીભાવના કે વાસના કે બ્રિટનમાં ઇમિગ્રેશન મેળવવાની મધલાળ જેવા કારણસર મંડાયેલો ઘરસંસાર છેવટે લગ્નવિચ્છેદમાં પરિણમે છે. આપણા સમાજમાં આવા કિસ્સાઓનું પ્રમાણ બહુ ઝડપભેર વધી રહ્યું છે. આપણી સામાજિક સંસ્થાઓ, સંસ્થાના વડીલો કે ધાર્મિક સંસ્થાનો આ દિશામાં તપાસ કરે તો ઘણી ચોંકાવનારી બાબતો જાણવા મળે તેમ છે.

આવા સંજોગોનો ભોગ બનેલી કેટલીક વ્યક્તિઓને અકારણ-સકારણ પીડા સતાવતી હોય છે. કોઇને કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય, સાચી હકીકત કોઇને સમજાવી પણ ન શકાય તેવા સંજોગોનો ભોગ બનેલાઓ ક્યારેક એક કે બીજા વ્યસનના વિષચક્રમાં એવા તે સપડાય જાય છે કે વાત ન પૂછો. રામરખ્ખા જેવી વ્યક્તિ સાથે જ્યારે આપણે પહેલ કરીને મોકળા મને વાત કરીએ ત્યારે આપણને, સમાજને હકીકતનો ખ્યાલ આવે ત્યાં સુધીમાં તો આવી વ્યક્તિના જીવનથી માંડીને તેના પરિવારના ફનાફાતિયા થઇ ગયા હોય છે.
રામરખ્ખા સાથે મેં શાબ્દિક સંધિ કરી. મેં કહ્યું કે તમારે હવે જીવનમાં આગળ શું કરવું જોઇએ તે અંગે મારે કોઇ સલાહ તો આપવી નથી, પણ હું જે આ કૃતિ સંભળાવી રહ્યો છું તેનો ભાવાર્થ સમજો ને હૃદયસ્થ કરો. હું તમને આ કૃતિની એક નકલ પણ આપી રહ્યો છું તેને વારંવાર વાંચજો અને તેના વિશે વિચારજો. તમને ઇચ્છા થાય તો તમારી શૂન્યમનસ્ક મનોવૃતિને હકારાત્મક્તાની દિશામાં દોરી જજો. તમે હતાશાથી નિચોવાઇને ભયથી ઘેરાઇ ગયા છો એટલું જ, અન્યથા તમને કંઇ કરતા કંઇ નથી. તમે પ્રયાસ કરો તો હાલની બેહાલ જિંદગીમાંથી અવશ્ય બહાર આવી શકો તેમ છો.
વાચક મિત્રો, આપણા સમાજમાં એવા તો કેટલાય યુવક-યુવતીઓ હશે કે જેઓ ભારે આપતિમાં ઘેરાયેલા હશે, અને આમાંના કેટલાક જિંદગીથી હાર સ્વીકારી લઇને દારૂ-જુગાર-ડ્રગ્સના રવાડે ચડી ગયા હશે. જિંદગીથી હારેલા, થાકેલા આવા લોકો ભલે વ્યસન કે કુટેવો થકી ક્ષણિક રાહત મેળવી લેતા હોય, પણ બાકી જીવનનું શું? સમગ્ર જીવનશૈલીનું શું? કાયમી ધોરણે આ પ્રકારે જીવન જીવવું શક્ય જ નથી. હેતુ વગરનું જીવન જ ઊંડી હતાશાના મૂળમાં હોય છે એમ માનસશાસ્ત્રીઓ પણ સ્વીકારે છે.
હું કે તમે... ભલે આપણે કોઇને સુધારવા નથી નીકળ્યા, પણ કોઇ દુઃખી, પીડિત પાત્ર વિશે જાણીએ તો તેને ધુત્કારવા કે તેની સમક્ષ સલાહના પોટલાં છોડવાના બદલે સમજદારી દાખવીને વાસ્તવિક દિશા તરફ અંગૂલિનિર્દેશ તો કરી શકીએને? આ પણ આંગળી ચીંધ્યાનું પૂણ્ય જ છે. આનાથી જે તે વ્યક્તિના જીવનમાં કોઇ ફેર પડે કે નહીં, તેને કોઇ ફાયદો થાય કે ન થાય, પરંતુ હું કે તમે, એક સામાન્ય વ્યક્તિ તરીકે કંઇક નૈતિક ફરજ બજાવ્યાનો સંતોષ અવશ્ય માણી શકીશું.
મિત્રો, નવા વર્ષની શરૂઆત છે ત્યારે આવો આપણે સહુ સંકલ્પ કરીએ... મુશ્કેલીમાં ઘેરાયેલા પરિચિત કે અપરિચિત સમક્ષ આપણે અવશ્ય મદદનો હાથ લંબાવશું. આપણે આ લોકોને બીજી કંઇ મદદ કરી શકીએ કે ન કરી શકીએ, આપણે તેમને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ચીંધી શકીએ કે નહીં, પણ તેમની વ્યથાકથા સાંભળીને તેમને દિલનો બોજ હળવો કરવાનો અવસર અવશ્ય પૂરો પાડશું. પરમકૃપાળુ પરમાત્મા કૃપા વરસાવે કે ન વરસાવે, તમે અંતરમન પર આનંદનો અભિષેક અવશ્ય અનુભવશો. (ક્રમશઃ)

•••

હતાશને
(મંદાક્રાન્તા)
આઘેથી તું તિમિરદલને દેખતાં હામ છોડી-
શાને બેઠો રુદન કરતો મસ્તકે હાથ ઠોકી ?
ઊભો થા ! ને પથ પર પડ્યા શુષ્ક બે કાષ્ઠ ખોળી
એમાંથી તું મથનબલથી સુપ્ત ઢંઢોળ જ્યોતિ

તારા ભાલે અકલ લિપિમાં લેખ કોયે ન કોર્યા,
એ તો કર્મે ગત સમય તેં તેજ-અંધાર ઢોળ્યાં;
ભૂતે ભાળી નયન થકવે નિર્બલો ભાગ્ય જોતાં,
ત્યારે પેલા નર સબલ તો કાર્યમાં મગ્ન રે’તાં.

થાકે વૃદ્ધો શિથિલ સઘળાં ગાત્ર જેનાં થયાં તે,
તારાં ગાત્રો, નવયુવક ઓ ! શક્તિ-શૌર્યે ભર્યાં છે;
થાકે જેનું હૃદય નબળું ઉદ્યમી તો ન થાકે,
એ તો આગે ચરણ ધરતો ધ્યેયમાં ધ્યાન રાખે.

સાથીહીણા ડગ નવ ભરે અન્ધ કે પંગુઓ જ,
તારે નેત્રો, પગ સબલ બે, આત્મશક્તિ અમોઘ;
તોયે શાને સ્વબલ વિસરી આમ બેઠો? ચકોર!
ઉત્સાહીને કઠિન ન કશું, કાર્યમાં ચિત્ત જોડ.

નીચી આંખે ચરણતલના કંટકો શેં નિહાળે?
ના જોતા ઘા સમર-રમતા શૂર તો કોઈ કાળે;
વીરોને તો અચલ ડગલાં ધારવાં એ જ છાજે
શસ્ત્રો છાંડી રણ પર હરે માતની કૂખ લાજે.

ઊંચી ડોકે સ્થિર નયનથી શક્તિનો સાર ફીણી,
લોકો સામે અડગ મનથી તેં પ્રતિજ્ઞા કરી’તી;
કે, ના છોડું વિકટ પથ આ, ના કરું પ્રાણ પ્રીતિ,
તેનું આજે સ્મરણ કર તું, ત્યાગ આ તુચ્છ ભીતિ.

આદર્શોનું જતન કરતાં વૈભવોમાં જ લોક,
કષ્ટોમાં તો સકલ જનમાં ધીર ને વીર કોક;
ઝંઝાવાતે તરુવર નમે, અદ્રિ રે’તો અડોલ,
દુઃખે એવા અણનમ રહે ભીષ્મના ભદ્ર બોલ.

આશાકેરા અજયગઢના મસ્તકે રોપવાને,
હાથે ઝાલી વિજયધ્વજ ને ચાલ, આગે પ્રવાસે;
ઊભો રે’છે ભય મલકતો કાયરોના જ માર્ગે,
નિર્ભીતોથી ભય ભયધરી નાસતો, ના ખડો રે.’
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter