હાશ, હવે મોટી હેરાનગતિ તો ગઇ...

સી. બી. પટેલ Tuesday 22nd December 2015 15:46 EST
 
બ્રિયોની ગોર્ડન - જેન ગોર્ડન 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુને એક સપ્તાહના વિરામ બાદ ફરી મળી રહ્યો છું, પણ ભરોસો રાખજો બાપલ્યા... ગુલ્લી મારીને ક્યાંય જલ્સા કરવા તો નહોતો જ ગયો. આપણે સહુએ સાથે મળીને ચલાવેલી ચળવળની ફળશ્રુતિ સ્વરૂપ શરૂ થયેલી લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટમાં બેસીને બંદા ગુજરાત પહોંચ્યા હતા. અને અમદાવાદ પહોંચ્યા બાદ એક સાથી પ્રવાસીનો સૌથી સાંભળેલો પહેલો પ્રતિસાદ એટલે મથાળામાં ટાંકેલા શબ્દો.
લંડનથી રવાના થયેલી પહેલી ફ્લાઇટમાં યુવાન અને તરવરિયા કોર્પોરેટ સોલિસીટર ભાઇશ્રી મનોજ લાડવા તેમ જ લગભગ ભરપૂર વિમાનમાં હું પણ જોડાઇ શક્યો તેને મારું સદભાગ્ય સમજું છું. અમે પોતીકા પૈસે પ્રવાસ કર્યો હતો, પણ ખર્ચો વસૂલ થઇ ગયો હોં... લંડન એરપોર્ટ પર વિમાનના કેટલાક પ્રવાસીઓ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો. બુધવારે સવારે ૬.૪૫ વાગ્યે ફ્લાઇટે સમયસર અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડીંગ કર્યું.
ગુજરાત સરકારના સિવિલ એવિએશન વિભાગના રાજ્યપ્રધાન જસાભાઇ બારડ, એનઆરઆઇ વિભાગના પ્રધાન પ્રદીપસિંહજી જાડેજા, નવનિયુક્ત મેયરશ્રી ગૌતમભાઇ શાહ, તેમના સહયોગી ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન સુતરિયા, એર ઇંડિયા, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના અધિકારીઓ વગેરે હરખભેર અમારું સ્વાગત કરવા આવ્યા હતા.
આ બધામાં સૌથી મોખરે હતા સીધી ફ્લાઇટ માટેની ચળવળના ભારતીય સુકાની વરિષ્ઠ પત્રકાર ભૂપતરાય પારેખ. બાપલ્યા, સીધી ફ્લાઇટનો આ જંગ એકલા હાથે નથી જીતાયો હોં.... ભારત અને બ્રિટનમાં આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા માટે અમે ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટની રચના કરી હતી. બ્રિટનમાં આ કમિટીમાં લોર્ડ અને એમપીઓ સહિતના દિગ્ગજ રાજકારણીઓ હતા તો ભારતમાં આ કમિટીનું સુકાન સંભાળ્યું હતું ભાજપના રાજ્યસભાના સભ્ય તથા ચીફ વ્હીપ શ્રી મનસુખભાઇ માંડવિયાએ. ભારતમાં આ કમિટીના કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી મારા વર્ષોજૂના મિત્ર ભૂપતરાય પારેખે સંભાળી હતી.
સૌથી પહેલાં અમે બહાર નીકળ્યા. કસ્ટમ અને ઇમિગ્રેશનની ખાસ કંઇ પળોજણ નહોતી. મહાનુભાવો અમને ઉમળકાભેર આવકારી રહ્યા હતા અને ખબરઅંતર પૂછી રહ્યા હતા ત્યાં તો ફ્લાઇટના સહપ્રવાસીઓ એવા અન્ય મુસાફરોનું આગમન શરૂ થયું. લંડનમાં જ જોયું હતું કે પાંચ-સાત પ્રવાસીઓ બાળકો સાથે મુસાફરી કરી રહ્યા હતા. કેટલાક વડીલો પણ હતા.
અમદાવાદ એરપોર્ટની લોન્જમાં સહુને મળી રહ્યો હતો ત્યારે જોયું કે આશરે ૪૫ વર્ષની એક મહિલા તેમના ત્રણ સંતાનો અને એક દાદાને લઇને ડિપાર્ચર ગેટ તરફ આગળ વધી રહી છે. મારી આદત પ્રમાણે સાત વર્ષથી માંડીને ૧૪ વર્ષની વયના બાળકો સાથે વાતોએ વળગ્યો. બાળકોને વ્હાલ કર્યું. બહેને લાગલું જ કહ્યુંઃ ‘સી.બી.ભાઇ, બાળકો સાથે આજે પહેલીવાર શાંતિથી પ્રવાસ થઇ શક્યો. ડાયરેક્ટ ફ્લાઇટથી આટલો ફરક પડે. આટલા કલાકના પ્રવાસ પછી પણ બાળકો ફ્રેશ છે. ફ્લાઇટ સળંગ હોવાથી તેઓ પૂરતી ઊંઘ લઇ શક્યા છે... અધવચ્ચે ક્યાંય સામાન બદલવાની કે ફ્લાઇટ કે ટર્મિનલ ચેઇન્જ કરવાની માથાકુટ નહોતીને... હાશ, હવે મોટી હેરાનગતિ તો ગઇ...’
ફ્લાઇટ બદલવાની પળોજણમાંથી બચી ગયેલા દાદાજીએ ઉમેર્યું, ‘એક તો ઇંડિયામાં એન્ટર થતાં જ (મતલબ કે દિલ્હી કે મુંબઇ એરપોર્ટ પર) ફ્લાઇટ બદલવાની અને વળી પાછું ત્યાં હેન્ડ લગેજથી માંડીને બીજો બધો સામાન સ્કેન કરાવવાનો. કસ્ટમ વાળા બધું ફંફોસે અને ઇચ્છા પડે તે માગી પણ લે, આ બધી ઝંઝટ પતાવીને બીજા ટર્મિનલ પહોંચવા માટે દોડધામ કરવાની. ભલે કોચમાં જવાનું હોય, પણ શારીરિક કષ્ટ તો ખરું જ ને? આમાં બાળકોથી માંડીને અમારા જેવા મોટી ઉંમરના સહુ કોઇને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હતી. આ બધી પળોજણ એક સાથે ગઇ. સીધી ફ્લાઇટ માટે મોદીસાહેબનો આભાર.... આ તમે આંદોલન ચલાવ્યું તે બહુ સારું કર્યું હોં...’ કંઇક આવા જ પ્રતિભાવ અમદાવાદ-લંડનના વળતા પ્રવાસમાં પણ સાંભળવા મળ્યા હતા.
રવિવારે બીઆઇએમાં યોજાયેલા વાર્તાલાપ દરમિયાન મળેલા કેટલાક સન્નારી અને સજ્જનોએ મને પૂછ્યું કે સી.બી. બે દા’ડામાં દોડાદોડ ભારત જઇને પાછા આવી ગ્યા તે થાક નથી લાગતો! એક ભાઇએ વળી ઉમેર્યું કે ૪૪ કલાક ભારતમાં રહ્યા ને ૨૮ કલાક વિમાનમાં રહ્યા. કંટાળો ન આવે?
મેં કહ્યું કે આપના જેવા વાચકો અને આત્મીયજનોની સુવિધાઓ માટે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના હજારો વાચકોએ આંદોલન શરૂ કર્યું હતું તેનું સુંદર પરિણામ જોઇ શક્યો છું ત્યારે થાક શાનો લાગે?
વાચક મિત્રો, ભલી લાગણી અને પ્રેમ માટે આપ સહુનો હું વિશેષ આભાર માનું છું. સવિશેષ તો માનનીય વડા પ્રધાન મોદીસાહેબે આપણી આ જટિલ સમસ્યાનો માર્ગ કાઢ્યો તે આવકારદાયક છે. સંગ સંગ ભેરૂ, સર થાય મેરુ.

•••

વસમી વિદાય, ઉત્તમ વ્યવહાર

વાચક મિત્રો, આ એક મારી અંગત, પારિવારિક ઘટનાને આપ સહુ સમક્ષ રજૂ કરવાનો હેતુ એ છે કે જીવનમાં હકારાત્મક અને રચનાત્મક વલણ અપનાવવામાં આવે તો ગમેતેવા સંતાપભર્યા સમયસંજોગ પણ વધુ હિતકારી નીવડી શકે છે તે દર્શાવવાનો છે. ૧૧ મહિના પહેલાં હું ભારતમાં હતો. ૧૩ જાન્યુઆરીએ વડોદરામાં મારા બાળસખા અશ્વિનભાઇ સંઘવીના નિવાસસ્થાને નિયમાનુસાર ભોજન કર્યું. મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેની સાથેની આ છેલ્લી મુલાકાત હશે. હું લંડન પરત આવ્યો. તે સહપરિવાર સમેતશીખરજીની યાત્રાએ ગયા. તીર્થાટનેથી સુખરૂપ પરત ફર્યા. અચાનક સ્ટ્રોક આવ્યો. અને ટૂંકી બીમારી બાદ અરિહંતશરણ થયા. ૧૯૪૯થી ૨૦૧૪ - લાગલગાટ ૬૫ વર્ષ અમારી નિકટની મિત્રતા. એકમેકના સુખદુઃખના સાથી.
આ વેળા તેમના જીવનસાથી ચંદ્રિકાબહેનને મળવા જઇ રહ્યો હતો ત્યારે મનમાં કંઇક પ્રશ્નોના ઘોડા દોડતા હતા. જેમને મળ્યા વગર વડોદરાની મુલાકાત અધૂરી રહેતી તે અશ્વિન વગરનું ઘર કેવું લાગશે? હું ઘરે પહોંચીશ ત્યારે વાતાવરણ કેવું હશે? એક જિગરજાન મિત્રની વિદાય માટે ક્યા શબ્દોને
સાંત્વના આપી શકીશ? એક નહીં, અનેક પ્રશ્નો મને મૂંઝવતા હતા.
હું વડોદરામાં ચંદ્રિકાબહેનના નિવાસે પહોંચ્યો તો તેમણે ‘જય જિનેન્દ્ર’ કહીને આવકાર્યો. હું જઇને બેઠો. આ બહેને સાચા અર્થમાં જૈન ધર્મનું અધ્યાત્મ જીવનમાં અપનાવ્યું છે. તેમના વાણી કે વર્તનમાં લગારેય દુઃખ કે ફરિયાદ નહોતા. બહુ સહજ રીતે પરિવારજનોના ખબરઅંતરની આપલે કરી. વાતચીત ચાલતી હતી ત્યાં જ રમેશભાઇ શાહ આવ્યા. તેમના મોટા ભાઇ અરવિંદભાઇ ટી. શાહ મારા વર્ષોજૂના મિત્ર. જોકે રમેશભાઇને વર્ષોના લાંબા અંતર બાદ મળવાનું બન્યું હતું. રમેશભાઇએ ચંદ્રિકાબહેન સાથે વ્હીલચેરથી માંડીને અન્ય સાધનોની વાતચીત કરી. વાતવાતમાં જાણવા મળ્યું કે ચંદ્રિકાબહેને અન્ય સ્વજનોના સહયોગથી સમાજના જરૂરતમંદ લોકોને આ પ્રકારની સાધનસહાય વિનામૂલ્યે પૂરી પાડવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે.
મારે અમદાવાદ જઇને રિટર્ન ફ્લાઇટ માટે એરપોર્ટ પહોંચવાનું હોવાથી નમસ્કાર કરીને તેમની વિદાય લીધી. જોકે કાર અને વિમાનમાં પ્રવાસ દરમિયાન મનમાં સતત વિચાર ઘુમરાતો રહ્યો કે ચંદ્રિકાબહેનનું વલણ કેટલું આવકારદાયી અને સ્વસ્થ છે. ભાઇ અશ્વિન ગયો. કસમયની વિદાય છતાં તે માટે કોઇ કચવાટ નહીં. જે બનવાકાળ છે, બની ગયું છે તેની કોઇ ફરિયાદ નહીં. અને હવે પોતાની શક્તિ, સામર્થ્યને અન્યોની સેવામાં સાદર કરી રહ્યા છે.
વાચક મિત્રો, આવા તો કેટલાય સુપાત્રો આપણે જીવનમાં જોઇ શકીએ છીએ. આથી જ તો માનવજીવન સુવાસભર્યું બની રહે છે. ચંદ્રિકાબહેનને હું કાયમ સાધ્વી કહીને સંબોધતો રહ્યો છું. તેમને મેં સાચા અર્થમાં જૈન ધર્મના કર્મકાંડમાં રચ્યાપચ્યા નિહાળ્યા છે, પણ તેમનું અંતરમન સાચા અર્થમાં સાધ્વી શબ્દને ચરિતાર્થ કરે છે તેવું હું માનું છું. આ ઘડીએ મને પૂજ્ય ચિત્રભાનુ મહારાજ સાહેબનું જગવિખ્યાત સ્તવન યાદ આવી રહ્યું છે...
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુઝ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે...
‘સાધ્વી’ ચંદ્રિકાબહેને જાણે આ પંક્તિને જીવનસૂત્ર તરીકે અપનાવી લીધી છે.

•••

જીવનના નવા અધ્યાયનો આરંભ

આજે મારે આ કોલમમાં ૩૫ વર્ષની યુવતી બ્રિયોની ગોર્ડન અને તેની માતા જેન ગોર્ડનની વાત કરવી છે. બ્રિયોની મેરિડ છે. તેને બે વર્ષનો દીકરો છે એડી. બ્રિયોનીની માતા જેન ગોર્ડનની ઉંમર તો જાણવા મળતી નથી, પણ તેની વય ૬૦ વર્ષ આસપાસ હોવાનું સંભવ છે. ચાઇલ્ડમાઇન્ડીંગ તેની મુખ્ય પ્રવૃત્તિ. સ્વાભાવિક છે. પોતાના દોહિત્ર એડીનું જ લાલનપાલન કરતી હશે. જેન તેના પતિથી અલગ થઇ ગઇ છે. હવે સમવયસ્ક પાત્ર શોધવા પ્રયત્નશીલ છે, પણ ક્યાંય મનમેળ થતો નથી. આથી તાજેતરમાં માતા જેને દીકરી બ્રિયોનીને જ સીધું પૂછી લીધુંઃ How to flirt? (તું કેવી રીતે ફ્લર્ટ કરે છે?) માતાએ સીધો પ્રશ્ન પૂછ્યો તો દીકરીએ પણ સીધો જવાબ આપ્યોઃ ગુગલ પર સર્ચ કરી લે.
વાચક મિત્રો, સાચી વાત તો એ છે કે આપણે સહુ પ્રેમના ભૂખ્યા છીએ. જેમની જીવનગાડી પાટા પર ચાલે છે તેમને કંઇ વાંધો નથી, પણ જેમની જીવનગાડી પાટા પરથી ઉતરી ગઇ છે, તેમની આગવી સમસ્યા છે. મને મનમાં થાય છે કે આપણા સમાજમાં પણ કેટલીક વ્યક્તિઓના જીવનમાં - પછી તે સ્ત્રી હોય કે પુરુષ - એક યા બીજા કારણસર આવી સમસ્યા ઉદભવતી જ હોય છે ને. લગ્ન થાય અને મનમેળ જળવાય રહે તો સુખશાંતિના માર્ગે જીવનરથ પૂરપાટ દોડ્યા કરે, પણ વિચારભેદના કારણે સંસાર પડી ભાંગે ત્યારે પળોજણ થતી હોય છે. કેટલીક વખત બન્ને પાત્ર ભેગા તો રહેતા હોય છે, પણ જીવન ભયાનક્તા ભર્યું હોય. ભારતીય સમાજમાં આવું વિશેષ જોવા મળતું હોય છે, પરંતુ પશ્ચિમી સમાજની વાત અલગ છે. ભારતીય સમાજ કરતાં આ પશ્ચિમી ગોરો સમાજ વધુ ખુલ્લો હોય છે, અને ખેલદિલ પણ. આ રજાના દિવસોમાં વિચાર કરજો કે જ્યારે જીવનસાથીએ - અને તેમાં પણ ખાસ કરીને પતિએ - જીવનમાંથી અણધારી વિદાય લઇ લીધી હોય અને પ્રૌઢાવસ્થા સુધી બીજા કોઈ મિત્ર કે જીવનસાથીના સંગાથનું સદભાગ્ય ન સાંપડ્યું હોય કે પછી સંતાનો ‘પાંખો આવતા ઊડી ગયા હોય’ તે વ્યક્તિનું જીવન કેવું વ્યતીત થતું હશે? જેનું કોઇ સાથીસંગાથી નથી તેવી વ્યક્તિની ખેવના આપણે કઇ રીતે કરી શકીએ? જો આવું કંઇ થઇ શકે, કોઇના જીવનમાં સુખની ખુશ્બુ ઉમેરવામાં નિમિત્ત બની શકીએ તો ભયો ભયો... આવા અવસરને ઇશ્વરની ભેટ સમજીને ફરજ નિભાવજો.

•••

ક્રિસમસની ઉજવણી અને એકલતાની સમસ્યા 

આ અંકનું ન્યૂઝ સ્ટેન્ડ પર આગમન થશે તે દરમિયાન વિશ્વભરમાં ભગવાન ઇસુ ખ્રિસ્તના ક્રિસમસ પર્વની ઉજવણીનો માહોલ જામ્યો હશે. સમસ્ત વિશ્વના લોકો શ્રદ્ધાપૂર્વક અને હોંશભેર તેની રંગેચંગે ઉજવણીમાં સામેલ થયા હશે. બ્રિટન જેવા સાધનસંપન્ન દેશમાં પણ વયોવૃદ્ધો અને મોટી ઉંમરના વડીલો કે જેમને સિનિયર સિટીઝન જેવું રૂપાળું નામ મળ્યું છે તેમના માટે ક્રિસમસનો આ તહેવાર સૌથી મોટી સમસ્યારૂપ બની રહે છે. તેમના માટે આ દિવસો એટલે એકલતાનું આક્રમણ. આનું કરવું શું?
આ સમસ્યાના નિવારણ માટે સરકારી તંત્ર અમુક અંશે પ્રયત્ન કરે જ છે, પણ સ્વાભાવિક છે કે તે એકલા હાથે બધે તો ન જ પહોંચી વળે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ આ સમસ્યા અંગે જાગૃત જોવા મળે છે. આવી સંસ્થાઓ અને કેટલાક મંદિરો પણ પોતપોતાની ક્ષમતા અનુસાર આ બાબતે એક યા બીજા પ્રકારે આયોજન કરતા હશે કે કરી શકે છે. આપણે પણ આપણી રીતે આ સમસ્યાને હળવી કરવા કંઇક અંશે પ્રદાન આપી શકીએ. આપણે આસપાસમાં રહેતા બધા વડીલોને આપણા ઘરે જમવા તો ન બોલાવી શકીએ, પણ તેમને મળવા તો જઇ શકીએને? શક્ય હોય તો તેમને આપણે ત્યાં આમંત્રીને ચા-પાણી કરાવી શકીએ. પ્રેમ પ્રકટ કરવાની પ્રવૃત્તિ નાની હોય કે મોટી, સામેની વ્યક્તિ લાગણીની હૂંફ તો અવશ્ય અનુભવતી હોય છે.
તહેવારના આ દિવસોની ઉજવણીમાં માત્ર આપણા પુત્ર-પૂત્રવધુ કે દીકરી-જમાઇ કે તેના સંતાનો સાથે જ રચ્યાપચ્યા રહેવાના બદલે એકલતા અનુભવતા આસપાસના વડીલોને પણ તેમાં સામેલ કરવાનો પ્રયોગ કરવા જેવો છે હોં... ટ્રાય કરી જોજો, મજા પડી જશે. વડીલના ચહેરા પરનો આનંદ નિહાળીને તમે ભાવવિભોર થઇ જશો, તે મારી ગેરન્ટી. અનુકંપા, સંવેદન, માનવતા, માણસાઈ હજુ મરી પરવાર્યાં નથી હોં!

•••

અમેરિકામાં ચૂંટણીજંગ જામ્યો છે

અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી તો આવતા વર્ષે યોજાવાની છે, પણ ચૂંટણીનો માહોલ અત્યારથી જ જામી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે, બન્ને મુખ્ય પક્ષો - ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવારોમાં અત્યારે સૌથી આગળ ડેમોક્રેટીક પાર્ટીના હિલેરી ક્લિન્ટન છે. રિપબ્લિક પાર્ટીમાં પણ પ્રમુખ પદની દાવેદારી નોંધાવવા માટે આમ તો નવ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. રિપબ્લિક પક્ષની અંદરના જ પ્રતિસ્પર્ધીઓની વાત કરીએ તો તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને વજનદાર હસ્તી ગણી શકાય. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોપર્ટી બિલિયોનેર છે. ચઢતીપઢતીનો તેમને પૂરા અનુભવ છે. અત્યારે ભલે તેઓ પાંચ-સાત બિલિયન ડોલરની અસ્ક્યામત ધરાવતા હોય, પણ ૧૨-૧૫ વર્ષ પૂર્વે તેઓ નાદારીના આરે પહોંચી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પત્નીઓ બદલવામાં પણ પાછી પાની નથી કરી. અત્યારે તેઓ છઠ્ઠી પત્ની સાથે ચૂંટણીજંગમાં ઉતર્યા છે.
અમેરિકાથી મળી રહેલા સમાચાર અનુસાર, ચૂંટણી પૂરી થશે ત્યાં સુધીમાં પ્રમુખ પદ પાછળ ઓછામાં આછા ૫૦૦૦ મિલિયન ડોલરનો ધુમાડો થઇ ગયો હશે. અમેરિકા આર્થિક બાબતમાં તગડો દેશ છે. વિશ્વની ૭૦૦ કરોડની વસ્તીમાંથી અમેરિકામાં ફક્ત ૩૨ કરોડ લોકો વસે છે, પણ વિશ્વના કુલ ઉત્પાદનમાંથી લગભગ ૨૫ ટકાનો વપરાશ અમેરિકામાં થાય છે. અમેરિકા માત્ર લશ્કરી દૃષ્ટિએ જ સુપરપાવર દેશ નથી, પરંતુ અન્ય બાબતોમાં પણ તે વિશ્વ પર મોટો પ્રભાવ ધરાવે છે.
આ અમેરિકા અમુક અંશે કેટલાકને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. આર્થિક બાબતમાં તગડું અમેરિકા એક રીતે સંવેદનશીલ પણ છે. વિશ્વમાં કુદરતી હોનારત હોય કે માનવવિકાસની વાત હોય, અમેરિકા તેની અફાટ સંપત્તિમાંથી નોંધપાત્ર અનુદાન આપતું રહ્યું છે.
અમેરિકામાં અત્યારે લગભગ ૨૫થી ૩૦ લાખ મુસ્લિમો વસે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બોસ્નીયા, મધ્ય પૂર્વના અનેક દેશોના મુસ્લિમોને અમેરિકાએ ખુલ્લા હાથે આવકાર્યા છે. આમ છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી, અમેરિકામાં જ જન્મેલા કે ઉછરેલા ભાનભૂલેલા રક્તપિપાસુઓ પોતાને ઇસ્લામ ધર્મના અનુયાયી ગણાવીને નિર્દોષ નાગરિકોનું રક્ત વહાવી રહ્યા છે.
આવો માનવસંહાર નિહાળીને અમેરિકા ચિંતિત બને તો તેમાં નવાઇ શું? પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે અંતિમવાદી કહેવાય તેવું વલણ લઇને એવી લાગણી વ્યક્ત કરી છે કે કોઇ મુસ્લિમને અમેરિકામાં ઇમિગ્રન્ટ તરીકે તો શું, ટુરિસ્ટ તરીકે પણ પ્રવેશ આપવો જોઇએ નહીં. આ વલણ અમાનવીય લાગે તેવું ભલે જણાતું હોય, પણ હકીકત એ છે કે રિપબ્લિક પાર્ટીના સમર્થકોમાંથી ૨૫ ટકા મતદારો ડોનાલ્ડ ટ્રમ્પના આ અભિપ્રાયને ટેકો આપી રહ્યા છે. અત્યંત પીડાજનક અને હૃદયદ્રાવક પરિસ્થિતિ હોવા છતાં કોને શું કહી શકાય?
કેટલાક વર્ષો પહેલાં એક પુસ્તક પ્રસિદ્ધ થયું હતુંઃ The Clash of Civilization. આ પુસ્તકમાં ઇસ્લામધર્મીઓ અને ખ્રિસ્તીધર્મીઓ વચ્ચે વૈશ્વિક સ્તરે સંભવિત સંઘર્ષ કે યુદ્ધની શક્યતા વિશે વાત થઇ હતી.
ભારતવર્ષનો ઇતિહાસ જ્વલંત છે અને પ્રેરણાદાયી છે. વિવિધ ધર્મો અને સંસ્કૃતિનો તેમાં અદભૂત રીતે સમન્વય થયો છે. તાજેતરમાં લંડનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીસની ચર્ચાસભામાં આ મુદ્દે વિચારવિનિમય થયો હતો. આ ક્ષેત્રે ભારતનો ઇતિહાસ, અને તેનો વર્તમાન જ નહીં, ભવિષ્ય પણ ખૂબ ગૌરવપ્રદ જણાય છે. (ક્રમશઃ)

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter