હૃદયમેં જ્ઞાન દે, ચિત્તમેં ધ્યાન દે

સી. બી. પટેલ Wednesday 14th October 2015 06:26 EDT
 
જ્હોન બર્ન્સ
અંબાજી માતા
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સોમવતી અમાસના શુભ દિવસે આ કોલમ કંડારાઇ રહી છે. આવતીકાલથી નવલી નવરાત્રિનો શુભારંભ થશે. સનાતન સંસ્કૃતિમાં દૈવી આરાધના એ અત્યંત પ્રાથમિક્તા ગણાય છે તો ચાલો... સહુ પ્રથમ માતાજીની સ્તુતિ કરીએ.
રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે
વંશમેં વૃદ્ધિ દે બાંકબાની.
હૃદયમેં જ્ઞાન દે, ચિત્તમેં ધ્યાન દે,
અભય વરદાન દે, શંભુરાની.
દુ:ખકો દૂર કર, સુખ ભરપૂર કર,
આશ સંપૂર્ણ કર, દાસ જાની.
સ્વજન સોં હિત દે, કુટુમ્બમેં પ્રીત દે,
જંગમેં જીત દે, મા ભવાની...
આ સુપ્રસિદ્ધ દોહામાં તેના રચયિતા ચંદ બારોટે તમામ માનવસહજ અપેક્ષાઓને સમાવી લીધી છે. જીવન પણ આખરે તો એક જંગ જ છે. જીત માત્ર યુદ્ધ કે હિંસાને સ્પર્શતી બાબત નથી. સતત પ્રગતિના પંથે પ્રયાણ કરતા રહીએ અને તન, મન અને ધનના સુખ સાથે સાથે જ સાચા અર્થમાં મનની શાંતિ પ્રાપ્ત કરીએ તેનાથી વધુ અદકું સુખ બીજું કોઇ હોય શકે નહીં. મારા માટે તો સુખના સરનામા અનેક છે.
સોમવારે ફોન પર આપણા અમદાવાદ કાર્યાલયના બ્યૂરો ચીફ શ્રી નીલેશ પરમાર સાથે ‘જીવંત પંથ’ની રચના થાય છે. આ લેખમાળા એક સહયોગી અભિયાન છે. આજે મંગળવારે નિયમ પ્રમાણે, પ્રૂફરિડિંગ અને જરૂરી મઠારવાની પ્રક્રિયા થતી હોય છે. આજે મંગળવારે પવિત્ર નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે ત્યારે તો ચાલો એક નાનકડી સ્તુતિનું સ્મરણ કરી લઇએઃ
મંગળ તારું નામ, કલ્યાણી કહીએ (૨)
નામ નિરંતર લેતાં, (૨) ભવસાગર તરીએ...
ઓમ જયો જયો મા જગદંબે....
ગયા શુક્રવારે ડોક્ટરની લોકલ સર્જરીમાં બ્લડ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ હતી. બહાર નીકળ્યો કે એક સજ્જન મળી ગયા. અમે બધા જ ઉતાવળમાં હતા એટલે ઝડપભેર આગળ વધી રહ્યા હતા. પણ આ સજ્જને ‘હેલ્લો સી.બી...’ કહીને મને અટકાવ્યો. મારી સાથે શેકહેન્ડ કરીને પોતાની ઓળખ ‘ગુજરાત સમાચાર’ના એક સંતુષ્ટ લવાજમી ગ્રાહક તરીકે આપી. તેમની મુખાકૃતિ પરનો આનંદ જ દર્શાવતો હતો કે તેઓ બટર તો નથી જ મારતા. મેં ખરેખર ધન્યતા અનુભવી. તમે જ કહો... પોતાના માનસસંતાન જેવા પ્રકાશનોના વખાણ સાંભળીને ક્યા પ્રકાશક - તંત્રીને આનંદ કે ગૌરવ ન થાય? સજ્જનનું નામ પણ પૂછ્યું હતું, પણ મારું વ્હાલું આ ડિમેન્શિયાનું ચક્કર શરૂ થયું હોય કે ગમેતેમ પણ અત્યારે ખરા ટાંકણે જ નામ યાદ આવતું નથી. હા, આ ભાઇ જામનગર પંથકના વતની હતા એટલું અવશ્ય યાદ આવે છે.
આ જ પ્રમાણે ગયા બુધવારે યુસ્ટન ઓવર ગ્રાઉન્ડ સ્ટેશને ટ્રેનની રાહ જોતાં જોતાં પ્લેટફોર્મ પર લેફ્ટ-રાઇટ... લેફ્ટ-રાઇટ... કરી રહ્યો હતો. ત્યાં જ એક ભાઇ આવી ચઢ્યા. લાગલું જ પૂછ્યુંઃ ‘તમે સી.બીને? તમને ફોટામાં જોયા છે એટલે ચ્હેરો વર્તાઇ ગયો. ‘ગુજરાત સમાચાર’ વાંચવાની બહુ મજા આવે છે. બહુ સારું કામ કરો છો...’ કોઇ આવું કહે તો આપણને આનંદ પણ થાય અને શેર લોહી પણ ચઢે જ, ચઢે.
એક અન્ય પ્રસંગ પણ ટાંકી જ લઉં. સપ્ટેમ્બર-૧૯૭૮ની વાત છે. ઇલિંગ રોડ પર જૂના બીઆઇએના મકાનમાં મહાત્મા ગાંધી ફાઉન્ડેશનમાં પ્રતિ માસે યોજાતી પ્રાર્થના સભામાં હું નિયમિત હાજરી આપતો હતો. એક દિવસ પ્રાર્થનામાંથી બહાર નીકળતો હતો અને એક વડીલ મળી ગયા. નામે હીરાભાઇ શાહ. આ સિદ્ધ શિક્ષકની ગુજરાતી ભાષા ઉપર, સવિશેષ વ્યાકરણ ઉપર ભારે પકડ. આટલું મારી જાણમાં હતું. બંદાએ ‘ગુજરાત સમાચાર’ની નકલ શાહ સાહેબને સાદર કરી. અનુકૂળતાએ વાંચવા માટે અનુરોધ કર્યો. થોડાક મહિના પછી ફરી એ જ વિસ્તારમાં વડીલ સાથે ભેટો થઇ ગયો. મેં અમસ્તું જ પૂછ્યુંઃ ‘સાહેબ, પેપર મંગાવો છો? કેવું લાગે છે?’ વણિક હોવા છતાં એક ઘા ને બે કટકા જેવી ભાષામાં સીધું ને સટ કહ્યુંઃ ના, પેપર મંગાવતો નથી. મંગાવવા જેવું કંઇ લાગતું પણ નથી.
મારી હાલત તો કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ. જોકે આટલું બોલ્યા પછી તેમના ચહેરા પર થોડાક સંકોચના ભાવ દેખાયા. તેમને ભૂતકાળમાં એવા પણ તંત્રીઓ મળી ગયા હતા જે તીસમારખાં હતા જ્યારે હું તો હંમેશનો વિદ્યાર્થી-તંત્રી હતો (અને આજે પણ છું). મેં તેમને સવિનય કહ્યું કે આપે પ્રામાણિક મંતવ્ય આપ્યું છે તે માટે અત્યંત આભારી છું, પણ કૃપા કરીને થોડોક સમય ફાળવો, હું આપને નિરાંતે મળીને સમજવા માંગું છું કે આમાં ખૂટે છે શું? આપ કહો તો હું આપની ફુરસદે આપના ઘરે મળવા આવું, અને સમજવા પ્રયાસ કરું કે ગુજરાત સમાચાર કેવું હોવું જોઇએ. હું ખરેખર ઇચ્છું છું કે આપના જેવા વાચકો અમારા સાપ્તાહિકના ગ્રાહક-વાંચક બને.
હીરાભાઇને મારા શબ્દોની સચ્ચાઇ સ્પર્શી ગઇ હોય કે બીજું ગમે તે કારણ હોય. મારા આગ્રહને માન આપીને તેમના ઘરે બોલાવ્યો. તેમના પત્ની શાંતાબ્હેને મસાલેદાર ચા સાથે નાસ્તો કરાવ્યો. હીરાભાઇ સોફા પર બેઠા, પણ બંદાએ તો કારપેટ પર જ અડીંગો જમાવ્યો. ચેલા તો ગુરુના ચરણમાં જ શોભેને! તેઓ બોલતા જાય અને હું નોંધ ટપકાવતો જાઉં. આમ કરતાં કરતાં ૫૩ મુદ્દા થયા. આમાંના મોટા ભાગના સૂચનો વ્યાકરણ સંબંધિત હતા. આમાં વાંચનવૈવિધ્યમાં વધારો કરવાની પણ વાત હતી. નિખાલસતા મારો મુદ્રાલેખ છે. મેં બહુ નમ્રભાવે પણ સ્પષ્ટપણે કહ્યું કે તમારા તમામ સૂચનો માથે ચઢાવું છું, તમે કહો છો કે આ બધું કરવું જોઇએ તે પણ સાચું, પરંતુ બધા જ સૂચનોનો અમલ કરવાની મારી ક્ષમતા નથી... સાથે સાથે મેં એમ પણ કહ્યું કે આપની પાસે (અમને) આપવા જેવું ઘણુંબધું છે. અમને આમાંથી થોડુંક આપી શકો ખરા?
તેઓ સંમત થયા અને ‘ગુજરાત સમાચાર’ માટે તેમણે ત્રણ મુદ્દે મૂલ્યવાન યોગદાન આપ્યું.
પહેલું - વ્યાકરણ. અત્યારે પણ ‘ગુજરાત સમાચાર’માં વ્યાકરણની ભૂલો તો થતી હશે, પણ ત્યારે પ્રમાણ ઘણું વધુ હતું. તેઓ મદદ કરવા તૈયાર થયા. દર સપ્તાહે એક દિવસ તેઓ કાર્યાલયે આવે અને બે-ત્રણ કલાક બેસીને તૈયાર થયેલી તમામ ગુજરાતી મેટર જોઇ લે. જરૂરી સુધારાવધારા સૂચવે. અમે તેને અનુસરીએ અને ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લઇએ.
બીજું - સુભાષિત. હીરાભાઇસાહેબે ‘ગુજરાત સમાચાર’ને સુભાષિતથી સજાવ્યું. તેમણે સાપ્તાહિકમાં સુભાષિતનું સોનેરી સોપાન શરૂ કર્યું. દરેકના જીવન માટે પ્રેરણાસ્રોત બની રહે તેવા ૧૦૦ ચૂંટાયેલા સુભાષિતોનું સમયના વહેવા સાથે ‘શાંતિ શતક’ નામથી સંપાદન પણ પ્રકાશિત થયું.
ત્રીજું - ચિલ્ડ્રન્સ કોર્નર. તેમણે હીરાકાકા નામને કેન્દ્રમાં રાખી Dimond Uncle નામથી બાળકોનો ખાસ વિભાગ શરૂ કર્યો. બાળકોને જલ્સો પડી જાય તેવી રંગબેરંગી માહિતી આમાં રજૂ થતી. તે સમયખંડ એવો હતો જેમાં મોટા ભાગના ગુજરાતી માતા-પિતા તેમના સંતાનોને માતૃભાષા સાથે જોડાયેલા રાખવા તત્પર હતા.
હીરાભાઇસાહેબનો ‘ગુજરાત સમાચાર’ સાથે લાંબો નાતો રહ્યો. કાળક્રમે વય વધતાં તેઓ નિવૃત્ત થયા. જોકે અરિહંતશરણ થયા ત્યાં સુધી આપણા સાપ્તાહિક સાથે સંપર્ક જાળવ્યો. ‘ગુજરાત સમાચાર’ માટેની તેમની પ્રારંભિક ‘ફરિયાદ, અસંતોષ, નારાજગી’ દૂર કરવામાં મહદ્ અંશે સફળ રહ્યા છીએ તેનો અમને આનંદ છે.
વાચક મિત્રો, હીરાભાઇસાહેબનું આ ઉદાહરણ ટાંકવા પાછળનું કારણ શું છે? અત્યારે ‘ગુજરાત સમાચાર’ કે ‘એશિયન વોઇસ’ સમયના વહેવા સાથે વધુ સત્વશીલ, શક્તિસભર તેમજ સક્રિયતાજનક બન્યા છે. આમ છતાં જો આપને પણ ક્યાંય - વાંચનસામગ્રીના સંદર્ભમાં - એવું લાગતું હોય કે અમે ન કરવા જેવા કામ કરી રહ્યા છીએ કે કરવા જેવા કામ નથી કરતાં તો આપ અમને જણાવી શકો છો. સાચે જ અમે આપના અત્યંત આભારી થઇશું.

•••

‘ઉપકારક સમસ્યા’

સમસ્યા તે વળી ક્યારેય ઉપકારક બની શકે?! લાભકારક બની શકે?! મને ખબર છે કે તમે ના જ કહેવાના છો, છતાં પ્રશ્ન પૂછ્યો છે. આદત સે મજબૂર... અગાઉ ‘જીવંત પંથ’માં લખ્યું હતું કે હવે ગમેત્યાં હરતોફરતો હોઉં પણ હું ‘અજ્ઞાત’ ન રહી શકું. લોકોની નજરે ચઢું, ચઢું ને ચઢું જ. જોકે મને આનો કોઇ વાંધો પણ નથી, પણ ક્યારેક આ વાત બહુ લાભકારક પણ સાબિત થતી હોય છે.
હું લંડનના હિથ્રોથી ભારત જવા રવાના થયો. ૨૮ નવેમ્બર ૧૯૮૬ના રોજ મુંબઇ એરપોર્ટ પર મારી ફ્લાઇટે લેન્ડીંગ કર્યું. લગેજ કલેક્ટ કર્યો. અને ઇમિગ્રેશન કાઉન્ટર પર ફોર્માલિટી પતાવીને બે-ત્રણ ડગલાં માંડ આગળ વધ્યો હોઇશ કે ૨૦-૨૫ બંદૂકધારી જવાનોએ મને ઘેરી લીધો. તમારી સાથે આવું બને તો પહેલો વિચાર શું આવે? આ લોકોની કોઇ ગેરસમજ થઇ લાગે છે. મેં પણ તમારા જેવું જ વિચાર્યું. મેં તેના અધિકારીને મારી ઓળખાણ આપી, પાસપોર્ટ દર્શાવ્યો. ઓફિશ્યલ ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કર્યા. પરંતુ મારી ઓળખ પાક્કી થઇ જતાં તો ઊલ્ટાની તેમની કડકાઇ વધી. મારી માન્યતા મારો ભ્રમ હતી - તે લોકોને જે વ્યક્તિની ‘તલાશ’ હતી તે સી. બી. પટેલ હું જ હતો. તેમણે મને ડિટેઇન કરી લીધો.
સાચી વાત એ હતી કે લંડનના એક પ્રપંચી પરિબળે આપેલી ગેરમાર્ગે દોરનારી માહિતીના આધારે મારી સામે અટકાયતી પગલાં લેવાયા હતા. (જોકે આ વાતની મને થોડાક સમય પછી ખબર પડી હતી.) તેમને અપાયેલી (ખોટી) માહિતી પ્રમાણે તેમની કાર્યવાહી ‘સાચી’ હતી. હું પણ જાણતો હતો કે સાચને ક્યારેય આંચ આવતી નથી, પરંતુ મારા મનમાં પહેલો પ્રશ્ન એ હતો કે મારી અટકાયતનું કારણ શું? જે રીતે ધડાધડ કાર્યવાહી થતી તે જોઇને મને મનમાં ખૂબ ચિંતા થઈ. આ લોકો કોઇ સ્વજનનો સંપર્ક સાધવા દેવા તૈયાર ન હતા.
પરંતુ, ઇશ્વર હંમેશા સત્યને સાથ આપતા હોય છે. મને ખબર નહોતી પણ આ બધો તમાશો વિનોદિનીબહેન સામાણી નામના એક પરિચિત બહેન નિહાળી રહ્યા હતા. તેમણે તરત જ તેમના બ્રિટનવાસી પતિનો સંપર્ક કર્યો. આ ઘટનાની જાણ કરી. તેમણે કાર્યાલયનો સંપર્ક કરીને મારા પરિવારને આ ઘટના અંગે જાણ કરી કે સી.બી.ને મુંબઇ એરપોર્ટ પર ડિટેઇન કરવામાં આવ્યા છે. મારા પત્નીએ તરત જ ભારતીય હાઇ કમિશનરને ફોન કરીને આ બધું શું ચાલી રહ્યું છે તેની જાણકારી માગી. લંડન-મુંબઇ-દિલ્હી વચ્ચે ફોનના દોરડાં ધણધણ્યાં. થોડીક મિનિટમાં તો લંડનવાસી પ્રપંચી પરિબળના કૌભાંડનો પર્દાફાશ થયો અને હું અટકાયતમાંથી આઝાદ હતો.
લંડનનું પ્રપંચી પરિબળ તેની જાતે જ ખુલ્લું પડી ગયું. લોકોને સમજાયું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. આ વિશે બાદમાં મેં બદનક્ષી માટે કરેલા કેસમાં મારી જીત થઈ. મોટી રકમનું વળતર મળ્યું જે મેં ચેરિટીમાં પહોંચતું કર્યું.
અરે, વાચક મિત્રો, તમે કદાચ કહેશો કે આ તો જાતે થે જપાન, પહુંચ ગયે ચીન વાળી વાત થઇ. ખેર, આવું તો ચાલ્યા કરે... લખતાં લખતાં વિચાર આવ્યો કે તમને આ કિસ્સા વિશે જણાવું - બે વાત તો અવશ્ય જાણવા-સમજવા મળશે જ. એક, તો સાચા હો ત્યારે ક્યારેય ગભરાવું નહીં. ઇશ્વર તમારી જ પડખે જ ઉભો હશે. અને બીજું, પ્રતિસ્પર્ધી ગમે તેવો અણગમતો હોય - ખોટા દાવપેચ અજમાવવા નહીં, જાતે જ ભેરવાઇ જવાય.

•••

પહેલું સુખ તે જાતે નર્યાની મિસાલઃ ૯૩ વર્ષનો યુવાન

આપ સહુ કદાચ મથાળું વાંચીને લમણું કૂટશો કે જૂઓ... આ સી.બી. પણ ઝીંકે રાખે છે ને... વાત યુવાનની કરવા માગે છે, પણ જૂઓને આંકડા ઉલટસુલટ કરી નાખ્યા છે. યુવાન ૩૯ વર્ષનો હોય, ૯૩નો થોડો હોય!
વાચક મિત્રો, ન જ હોય... કોઇ યુવાન ૯૩ વર્ષનો ન જ હોય. પણ જ્હોન બર્ન્સનો કિસ્સો વાંચશો તો સમજાશે કે મેં કેમ તેને યુવાન કહ્યો છે. આ જ્હોન બર્ન્સ નામના ભાયડાએ વય વધવા સાથે વ્યક્તિની - શારીરિક અને માનસિક - સક્રિયતા ઘટતી હોય છે તેવી સામાન્ય માન્યતાનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો છે. ખરેખર.
મેસેન્જર બોય તરીકે કામ કરતા જ્હોન બર્ન્સે ૧૯૩૬માં ૧૪ વર્ષની વયે પહેલો મેસેજ ડિલિવર કર્યો હતો. આ વાતને આજે ૮૦ વર્ષ થઇ ગયા છે, પરંતુ જ્હોન આજે ય તે કંપનીમાં કામ કરે છે! આઠ દસકા સુધી એક જ કંપનીમાં જોબ. જ્હોન શાળાકીય અભ્યાસ પૂરો કર્યો ને વીકના ૧૪ શિલિંગના પગારે એડિનબરાની લો ફર્મ વિલ્સન ટેરિસ (આજની ટીસી યંગ વિલ્સન ટેરિસ)માં જોબ મળી. આ સમયના ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે લક્ઝુરિયસ જ્હાજ ક્વીન મેરીએ એટલાન્ટિકની તેની પહેલી સફર પૂરી કરી હતી. સરમુખત્યાર એડોલ્ફ હિટલરના અધ્યક્ષપદે બર્લિન ઓલિમ્પિક યોજાઇ હતી અને બિલી બટલીને સ્કેગનેસમાં પહેલો હોલિડે પાર્ક શરૂ કર્યો હતો. 

પરંતુ જ્હોન બર્ન્સની તંદુરસ્તીનું રહસ્ય શું છે? દિવસમાં બે બાઉલ પોરિજ - એક સવારે અને એક રાત્રે. આ ઉપરાંત ઓફિસ અને કોર્ટ ઓફ સેશનના ઊંચા દાદરની ચઢઉતર કરવાની રોજિંદી ટેવનું પણ પોતાની ફિટનેસમાં મહત્ત્વનું યોગદાન ગણાવે છે. 

જ્હોન બર્ન્સની સદાબહાર સ્વસ્થ જીવનશૈલીમાંથી આપણે સહુએ ઘણું શીખવા જેવું છે, પરંતુ સહુ વાચકોને આની સાથોસાથ એક ખાસ વિનંતી પણ કરવાની. મોટી વયે શક્ય તેટલી વધુ સક્રિયતા આવકારદાયક હોવા છતાં દરેકે યાદ રાખવું રહ્યું કે આનો અમલ પોતાની શારીરિક ક્ષમતા, તાસીરને ધ્યાનમાં રાખીને કરવો. દરેક વ્યક્તિના સ્વાસ્થ્યની એક સીમા હોય છે. આ સીમા ઓળંગીને ક્યારેય ખેંચાઇ ન જવું. આમાં વાતનું વતેસર થઇ શકે છે. થાક લાગે તો થોડી વાર બેસી જાવ, આડા પડખે થાવ... અને તબિયત ટનાટન લાગે તો મનગમતું કામ કરતા રહેવું. પરિશ્રમ પરમાત્માને પણ પ્રિય છે તે સાચું, પણ વિવેકભાન તો વ્યક્તિએ જાળવવું જ રહ્યું.

જ્હોન બર્ન્સ આજે ૯૩ વર્ષની વયે પણ કડેધડે છે, અને ૧૦૦ વર્ષની ઉંમરેય કામ કરતા રહેવા માગે છે. પહેલાં ઓફિસ મેસેન્જર, પછી કેશિયર અને હવે લિગલ મેસેન્જર તરીકે કાર્યરત જ્હોન બર્ન્સ કહે છે કે મારે રિટાયર થવું જ નથી. તેમની સ્ફૂર્તિ એવી છે કે જ્હોન લાંબી લાંબી ડાફ ભરીને ચાલે છે ત્યારે ૧૯ વર્ષની સહયોગી રેબેકા મેકએવનને તેમની સાથે રહેવા માટે લગભગ દોડવું પડે છે. રેબેકા કહે છે કે તેઓ તંદુરસ્ત જીવનશૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

•••

મહાત્મા ગાંધીજીની મેનેજમેન્ટમાં આગવી સ્ટાઇલ

વિશ્વભરની ટોચની બિઝનેસ સ્કૂલોમાં ટાઇમ મેનેજમેન્ટના પાઠને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. કોઇ પણ કંપનીની પ્રગતિના પાયામાં મેનેજર્સનું વિઝન રહેલું હોય છે અને આ વિઝનના અસરકારક અમલ માટે જરૂરી છે ટાઇમ મેનેજમેન્ટ. કંપનીને પ્રગતિના પંથે દોરી જવી હોય તો યોગ્ય નિર્ણયનો યોગ્ય સમયે અમલ થવો જરૂરી જ નહીં, અનિવાર્ય છે. આમાં ચૂક થયે ગમેતેવી મસમોટી કંપનીનો પાયો નબળો જ પડવાનો. વર્ષેદહાડે તોતિંગ ફી વસૂલતી બિઝનેસ સ્કૂલો ટાઇમ મેનેજમેન્ટના પાઠ ભણાવી શકે, પણ આખરે તો સમયનો સદુપયોગ કરવો કે દુરુપયોગ તેનો આધાર વ્યક્તિની વિચારસરણી પર જ હોય છે. સમયને રેતી જેવો અમસ્તો નથી કહ્યો. તમે રેતીને ગમેતેટલી ચુસ્ત મુઠ્ઠીમાં બંધ કરશો તો પણ તે સરતી જ રહેવાની. સમયનું પણ આવું જ છે. આથી જ દરેકે સમયનો સદઉપયોગ કરવો રહ્યો. અને જ્યારે સમયના સદઉપયોગની વાત આવે એટલે મોહનદાસ કરમચંદ ગાંધીને યાદ કરવા જ પડે. ટાઇમ મેનેજમેન્ટમાં કોઇ તેમનો મુકાબલો કરી શકે નહીં.
ગાંધી જયંતી પર્વે ગયા મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં મેં ૫૦૦ જેટલા ગાંધી-ભક્તો સમક્ષ આવી મનોભાવના વ્યક્ત કરી હતી. મોહનદાસ કરમચંદ ગાંધી એ મારા તમારા જેવા સામાન્ય માનવી કરતાં લગારેય આગળ ન હતા. દેખાવમાં પણ નહીં, શિક્ષણમાં પણ નહીં કે વાકચાતુર્યમાં પણ નહીં... જેને સામાન્ય માનવીની નજર ‘તેજસ્વીતા’ તરીકે ઓળખાવે છે એવું પણ કંઇ તેમનામાં નહોતું. પરંતુ તેમણે મનોરથ, મનોબળ, દૃઢ સંકલ્પ, કર્તવ્યપરાયણતા જેવા અભિગમ જીવનમાં અપનાવ્યા અને દેશને આઝાદીના પંથે દોરી ગયા, અમરત્વ પામ્યા.
ગાંધી જયંતીના આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડો. જગદીશ દવેએ મને ‘મેનેજમેન્ટનું મહત્ત્વ’ નામનું પુસ્તક પ્રેમથી ભેટ આપ્યું. આ પુસ્તકનો ઉપયોગ તેમણે પોતાના સંભાષણમાં કર્યો હતો. પરેશ પરમાર લિખિત આ પુસ્તક ૨૦૧૧માં પ્રસિદ્ધ થયું છે અને ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ ડો. જગદીશ દવેને ભેટમાં મળ્યું હતું. આમ તેમના માટે આ પુસ્તક મહામૂલું હોવા છતાં તેમણે ઉદારતાપૂર્વક મને ભેટ આપી દીધું. તેમની ઉદારતાને સો-સો સલામ...
આજે તો પુસ્તક વિશે બહુ વિગતવાર લખવાનું સંભવ નથી, પરંતુ ‘ગાંધીજી અને મેનેજમેન્ટ શા માટે?’ અંતર્ગત રજૂ થયેલા ૨૬ મુદ્દાઓ અત્રે રજૂ કરી રહ્યો છું. આપ કૃપા કરીને તે વાંચશો, વિચારશો અને શક્ય તેટલા અમલમાં પણ મૂકશો. સમય સામેનો જંગ જીતવા માટેની આ રામબાણ જડીબુટ્ટી છે.
(૧) પ્રેરણા અને ઉત્સાહ (૨) સમય પાલન (૩) શિસ્ત પાલન (૪) પરખશક્તિ (૫) નેતૃત્વ (૬) કાર્યક્ષેત્રનું જ્ઞાન અને અનુભવ (૭) વિનમ્રતા (૮) શ્રેષ્ઠતા (૯) વિનોદ વૃત્તિ (૧૦) સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ (૧૧) પુરુષાર્થ - દ્રઢ ઈચ્છાશક્તિ (૧૨) ચારિત્ર્ય (૧૩) વિશ્વસનિયતા (૧૪) જવાબદારી (૧૫) કરકસર (૧૬) સતર્કતા (૧૭) પ્રવાસ (૧૮) કમ્યુનિકેશન (૧૯) આધ્યાત્મિક્તા (૨૦) આરોગ્ય (૨૧) સ્વીકારભાવ (૨૨) પારદર્શિતા (૨૩) લક્ષ્ય (૨૪) નીડરતા (૨૫) સંવેદના - મમત્વ (૨૬) નવીનતા - પ્રયોગશીલતા
આ ૨૬ મુદ્દાની સાથે સાથે ગાંધીજીના ૧૧ વ્રતો પણ જાણવા જેવા છે...
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું,
બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઇ અડે ના અભડાવું,
અભય સ્વદેશી, સ્વાદત્યાગને, સર્વધર્મ સરખા ગણવા,
આ ૧૧ વ્રતોને સમજી નમ્રપણે દૃઢ આચરવા.

•••

બ્રિટનમાં માથાના દુઃખાવારૂપ હાઉસિંગ સમસ્યા

બ્રિટનમાં હાઉસિંગ એક સાચે જ ગંભીર સમસ્યા છે. બ્રિટિશ સરકાર માટે અને સમાજશાસ્ત્રીઓ માટે હાઉસિંગનો પ્રશ્ન માથાનો દુખાવો બન્યું છે. વસ્તીમાં સહેજસાજ વધારો થયો છે, પણ હાઉસિંગ શોર્ટેજનું તે મુખ્ય કારણ નથી. ચાલો, જરા વાત આંકડા સાથે કરીએ. લંડનની વસ્તીનો આંકડો ૭૦ લાખ પર પહોંચે છે. આમાં બૃહદ લંડનમાં વસતાં આપણા ૪ લાખથી વધુ ગુજરાતીઓ પણ ગણી લો. બ્રિટનની કુલ વસ્તી  ૬ કરોડ ૩૦ લાખ, છેલ્લા ૧૫ વર્ષમાં સેંકડો, અરે હજારો પેટ્રોલ સ્ટેશન બંધ થયા, પબને તાળાં લાગ્યાં, અને ક્યાંક ક્યાંક તો જૂના મકાનો તૂટીને હજારોની સંખ્યામાં નાના-મોટા ફ્લેટ્સ બન્યા છે, ને બની રહ્યા છે.
મેયર ઓફ લંડનના આંકડાઓ અનુસાર, છેલ્લા ૯ વર્ષમાં દર સાલ ૪૫ હજાર નવા આવાસ (ફ્લેટ્સ)નું નિર્માણ થયું છે તો પણ માગ એટલી બધી વધી છે કે ન પૂછો વાત. હવે બ્રિટિશ સરકાર પ્રતિવર્ષે બે લાખ રહેઠાણ બાંધવા દ્રઢનિશ્ચયી બની છે. એક સમય હતો જ્યારે ઉંમરલાયક જુવાનિયાઓ અગાઉ પરિવારથી અલગ થઇને સ્વતંત્ર રહેવાની ઇચ્છા રાખતા હતા. અત્યારે તેઓ ૨૫-૩૦ વર્ષની વય થવા છતાં માતા-પિતા સાથે રહેવા મજબૂર થાય છે. કારણ એક નહીં અનેક છે. મકાનના ભાવ વધી ગયા છે, અને હજુ પણ સતત વધી રહ્યા છે. મકાનની શોર્ટેજ છે. મોર્ગેજ લેવાનું અઘરું બન્યું છે. મકાન ખરીદી માટે જરૂરી ડિપોઝીટ આપવી મુશ્કેલ બની છે... વાત અહીં પૂરી નથી થતી, બીજા પણ કારણ છે. ૨૦ વર્ષ અગાઉ ડિવોર્સનું જે પ્રમાણ હતું એ તો એ લગભગ યથાવત્ રહ્યું છે, પણ સિંગલ રહેવાનું ચલણ વધી ગયું છે. આ જ પ્રમાણે સારી કમાણી, આવકના કારણે સ્વતંત્ર રહેવાની આકાંક્ષા વધી રહી છે. આથી લંડન અને અન્ય શહેરોમાં હજારો નવા રહેઠાણો બની રહ્યાં હોવા છતાં તેનો પુરવઠો અપૂરતો જ રહે છે.
એક બીજું પણ ખાસ જાણી લઇએ. એશિયન સમુદાયમાં, ખાસ કરીને ગુજરાતીઓ વધુ સાધનસંપન્ન છે. તેઓ વધારાની આવકનું પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પછી તે રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય, કોમર્શિયલ પ્રોપર્ટી હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય કે વેરહાઉસ જેવું હોય. જોકે આપણા લોકો સવિશેષ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં વધુ રસ લઇ રહ્યા છે. તેમાં પણ બાય ટુ લેટનું ચલણ વધુ છે. ભાડે આપવા માટેની પ્રોપર્ટી ખરીદવા માટે બેન્ક કાયદેસર લોન પણ આપતી હોય છે. આપણા પરિવારોએ આ સુવિધાનો ભરપૂર લાભ ઉઠાવીને આ ક્ષેત્રે ખાસ્સું કાઠું કાઢ્યું છે.
પ્રોપર્ટીની કિંમત વધવાનું એક કારણ એ પણ છે કે જમીનની અછત. દુનિયામાં વસ્તીવધારા સાથે બધી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધી રહ્યું છે, પણ જમીન એક એવી ‘ચીજ’ છે જેનું ઉત્પાદન શક્ય નથી. આથી જ દરેક દેશમાં જમીન વધુને વધુ મોંઘી બની રહી હોવાથી પ્રોપર્ટીના ભાવ રોકેટઝડપે વધી રહ્યા છે. આ જ વિષય પર આ સપ્તાહના એશિયન વોઇસમાં ‘સ્ક્રુટેટર’ કોલમમાં આ મુદ્દે વિશેષ છણાવટ સાથે રસપ્રદ માહિતી રજૂ કરી છે.
દિલ્હી - મુંબઇ વચ્ચે જપાનના સહયોગથી જે કોરિડોર બની રહ્યો છે તે માટે અમદાવાદ સહિત બીજા શહેરોમાં પણ ઝપાટાભેર કામકાજ ચાલી રહ્યું છે. જપાને કહ્યું છે કે યોજના જે પ્રમાણે આગળ વધી રહી છે તે જોતાં લાગે છે કે તે પૂરી થતાં કોરિડોર આસપાસના વિસ્તારમાં ૨૦ નાનાંમોટાં નગરો આકાર લઇ ચૂક્યા હશે.
વાચક મિત્રો, અંતમાં એટલું જ કહેવાનું કે રૂપિયો રૂપિયાને ખેંચતો હોય છે, પાઉન્ડ પાઉન્ડને ખેંચતો હોય છે. One can never become rich by working for money. Put your money to work. મતલબ કે કામ કરીને તમે ધનિક થઇ શકો નહીં. (આ માટે) તમારા નાણાંને કામે લગાડો. ચાલો, ધનતેરસ હવે હાથવગે છે! (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter