‘આપણું આરોગ્ય, આપણા હાથમાં’ ખાસ કરીને તો અત્યારે...

જીવંત પંથ - 2 (ક્રમાંક-14)

સી.બી. પટેલ Wednesday 21st September 2022 04:39 EDT
 
 

વડીલો સહિત સૌ વાચકમિત્રો, નામદાર મહારાણીને હમણાં જ ભારે હૃદયે વિદાય આપીને આપની સેવામાં હાજર થયો છું. સાચું કહું તો મનમાં સંતાપ શમતો નથી. એક ઉમદા - પ્રજાવત્સલ રાજવીની ચિરવિદાયે - આપ સહુની જેમ જ મને પણ - અંદરથી હચમચાવી નાંખ્યો છે એમ કહું તો તેમાં અતિશ્યોક્તિ નથી. નામદાર મહારાણી આજે ભલે આપણી વચ્ચે સદેહે ના હોય, પરંતુ તેમના મૂલ્યો, જીવનસંદેશ શાશ્વત છે. કર્તવ્યપરાયણતા, પરિવારપ્રેમ, દૂરંદેશીપણું... કેટકેટલું તેમના જીવનમાંથી શીખવાનું છે. જોકે આજે મારે વાત કરવી છે તેમના સ્વાસ્થ્યની.
લીઝ ટ્રસ વડા પ્રધાન પદે વરાયા પછી મહારાણીને મળવા ગયેલાં તે તસવીર યાદ છે?! (ના, હોય તો ‘ગુજરાત સમાચાર’ના અંક 10 સપ્ટેમ્બરનો કવરફોટો જોઇ લેજો...) 96 વર્ષની વયે પણ મહારાણીના ચહેરા પર એ જ સ્વસ્થતા છલકતી હતી, જે પચાસ વર્ષ પૂર્વેના ફોટોમાં જોવા મળે છે.
આવી સ્વસ્થતા રાતોરાત નથી આવતી, કે તેને લાખો પાઉન્ડ ખર્ચીને ય મેળવી શકાતી નથી. આવી સ્વસ્થતાના મૂળમાં હોય છે સ્વાસ્થ્યની યોગ્ય સારસંભાળ અને જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ. સહુકોઇએ મહારાણીના નિરામય સ્વાસ્થ્યમાંથી શીખ લેવી રહી. ખાસ કરીને પ્રવર્તમાન સંજોગોમાં. આ સંજોગો ક્યા તે જાણવા - સમજવા વીતેલા પખવાડિયાના ઘટનાક્રમમાં ડોકિયું કરવું જરૂરી છે.
શ્રીમતી લીઝબહેન ટ્રસે બ્રિટનના વડા પ્રધાન તરીકે શાસનધુરા સંભાળી (?) તેના બીજા જ દિવસે ઘોષણા કરી છે કે ગેસ અને ઇલેક્ટ્રિકના છાપરે ચઢી રહેલા ભાવવધારાને અટકાવવા સરકાર રાહતના પગલાં લઇ રહી છે અને બે વર્ષમાં તેનો અંદાજિત ખર્ચ 150 બિલિયન પાઉન્ડ આવશે. કોના બાપની દિવાળી?!
આટલા બધા નાણાં સરકાર પાસે છે નહીં. સરકાર સામાન્ય સમયમાં પણ દર વર્ષે લોન કે બોન્ડ થકી અંદાજે 50 બિલિયન પાઉન્ડ નાણાંબજારમાંથી ઉછીનાપાછીના લેતી જ હોય છે. તો આ 150 બિલિયન પાઉન્ડ આવશે ક્યાંથી? સરકારે મૂડીબજાર ભણી નજર તો દોડાવી છે, પણ દેણદારો અત્યારથી જ ધિરાણ પર વધુ વ્યાજ માંગી રહ્યા છે. તેમને અંદાજ આવી ગયો છે કે આર્થિક રાહત આપવાનો જે સિલસિલો શરૂ થયો છે તેનાથી આખરે તો અર્થતંત્ર પર જ બોજ વધવાનો છે. પરિણામે, ગ્લોબલ કરન્સી માર્કેટમાં પાઉન્ડ સતત ગગડી રહ્યો છે. બ્રિટનમાં ભલે લાંબા ગાળે આર્થિક સલામતી હોય પરંતુ દેશવિદેશના રોકાણકારો મોંઘવારી, ફૂગાવો જેવા પરિબળોને ધ્યાને લઇને વધુ વ્યાજ માંગી રહ્યા છે તે વરવી વાસ્તવિક્તા છે.
અને લીઝબહેન તો સત્તા સંભાળતા જ દલા તરવાડીની ભૂમિકામાં આવી ગયા છે. વાડી રે વાડી, રીંગણા લઉં બે-ચાર... રાષ્ટ્રજોગ પ્રથમ ઉદ્બોધનમાં જ તેમણે જાતભાતની જાહેરાતો કરી નાંખી છે. હું આમ કરીશ... ને હું તેમ કરીશ. પરંતુ મિલિયન પાઉન્ડનો સવાલ એ છે કે આ માટેના નાણાં આવશે ક્યાંથી? ચિતરવાનું તો બહુ સહેલું હોય છે... બાપલ્યા, તેનો અમલ કરી જાણે એ જ શાણપણ સાથે શૂરવીર.
વચનોની હારમાળામાં તેમણે NHS મુદ્દે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે પેન્ડેમિકના કારણસર, વિવિધ રોગચાળાના કારણસર દર્દીઓને NHSમાં ડોક્ટર્સની એપોઇન્ટમેન્ટ મળતી નથી અને આ મામલે તેઓ તાત્કાલિક માર્ગ શોધી કાઢવા માટે તેઓ કટિબદ્ધ છે. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા!
વાચક મિત્રો, ટાઈમ્સ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ જેવા અખબારો અને ઈકોનોમિક્સ જેવા મેગેઝિનનો લવાજમી ગ્રાહક છું. ઓક્ટોબરની 22 તારીખથી લાગુ થાય તેમ આ ત્રણેયના લવાજમોમાં 15થી 22 ટકાનો વધારો જાહેર થઇ ગયો છે. પેપર મંગાવવા હોય તો ખિસ્સું ઢીલું કરવું પડે. ગુજરાત સમાચાર - Asian Voiceના પ્રિન્ટરે તેના બિલમાં ગત વર્ષમાં બે વખત વધારો કરી નાંખ્યો છે. બ્રિટનમાં ન્યૂઝપ્રિન્ટની આયાત થાય છે. પેપર સપ્લાયરનો પણ પરિપત્ર આવી ગયો છે કે નવેમ્બરથી ભાવવધારા માટે તૈયાર રહેજો. એટલું જ નહીં, આની સાથે સાથે જ જણાવી દીધું છે કે પાઉન્ડ નબળો પડશે અને મોંઘવારી વધશે તો જાન્યુઆરીમાં ભાવવધારાનો બીજો રાઉન્ડ આવી શકે છે.
રોયલ મેઇલ આપના ઘરે આપના પ્રિય સાપ્તાહિકો ગુજરાત સમાચાર - Asian Voice પહોંચાડે છે. જરા તેના સ્ટેમ્પ પર તો નજર નાખજો. અત્યારે કેટલો ખર્ચો આવે છે? અને રોયલ મેઇલના માંધાતાઓએ આગામી દિવસોમાં 17 ટકાનો વધારો ઝીંકવાની વાત કરી છે. બાપલ્યા, આ બધી વાતો વાંચીને રખે માની લેતાં કે હું રોદણાં રડી રહ્યો છું... (આ મારો સ્વભાવ પણ નથી) હું તો આપને કડવી હકીકતથી માહિતગાર કરી રહ્યો છું. ગુજરાત સમાચાર - Asian Voice જ્ઞાનયજ્ઞ - સેવાયજ્ઞને સમર્પિત છે, અને ભવિષ્યમાં પણ રહે તે માટે અમે - મેનેજમેન્ટ અને સહુ સાથીદારો કમર કસી રહ્યા છીએ. પણ ચાલો, NHSની વધુ વાત કરું.
NHSમાંથી જીપી - આપણા ફેમિલી ડોક્ટર્સની હિજરત શરૂ થઇ ગઇ છે. બ્રિટનમાં પૂરતાં ડોક્ટર્સ તૈયાર નથી. NHSમાં એક લાખથી વધુ ડોક્ટર્સ ફરજ બજાવે છે, જેમાંથી 35થી 40 ટકા ડોક્ટર્સ વિદેશથી આવેલા છે.
દેશ માનનીય વડા પ્રધાન લીઝબહેન સાચ્ચે જ ખાંડ ખાય છે, દિવાસ્વપ્નોમાં રાચે છે. માત્ર આર્થિક છૂટછાટો આપી દેવાથી કે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી દેવામાત્રથી ફૂગાવો વધતો કે પાઉન્ડ ઘટતો અટકી જવાનો નથી. થોડાક દિવસો પહેલાં રિશી સુનાકે આર્થિક રાહતો આપવાના મામલે જે સાવચેતીનો સૂર ઉચ્ચાર્યો હતો એને તેઓ અવગણી રહ્યાં હોય તેવું લાગે છે. ખેર, લીઝબહેન એમનું કામ કરે, આપણે આપણું કામ કરીએ...
આજની કોલમનું શિર્ષક છે તેની મારે વિશેષ વાત કરવી છે. મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર કંઠસ્થ કરી નાંખવાથી તેનો સાર - ઉપદેશ આપણા જીવનમાં ઉતરી જતો નથી. આ ગ્રંથમાં સમાયેલા મૂલ્યવાન જીવનસંદેશનો લાભ લેવો હોય તો તેના શ્લોકોના અર્થને સમજીને તેના સારને જીવનમાં ઉતારવો પડે, અપનાવવા માટે કટિબદ્ધ બનીએ તો જ આપણે સક્ષમ - સુખી બની શકીએ. આપણું આરોગ્ય આપણા હાથમાં - આ સૂત્ર તો આપણે અનેક વખત સાંભળી ચૂક્યા છીએ, પણ આપણે કર્યું શું? આપણે જીવનમાં ખરેખર તેનો અમલ કર્યો ખરો?
વાચક મિત્રો, આજે મને આ મુદ્દે મારી જ વાત કરવાની ઇચ્છા છે. જોકે વાત માંડતા પહેલાં હું આપ સહુને ખાસ વિનંતી કરું છું કે અહીં રજૂ કરેલો જાતઅનુભવ વ્યક્તિગત છે. તેમાંથી કોઇ સુચન ઉપયોગી દેખાય તો તેને લક્ષમાં લેતાં પહેલાં તમારા ડોક્ટરને અચૂક પૂછી લેજો. કંઇક ઊંધુ વેતરાશે અને જો તમે મને લિગલ નોટિસ ફટકારી દેશો તો હું કામે લાગી જઇશ. આરોગ્ય જેવો ગંભીર અને નાજુક વિષય ચર્ચી રહ્યા છીએ ત્યારે થોડીક હળવાશ પણ જરૂરી છે. આ વાતમાં મહદ્અંશે જાતઅનુભવ છે - અને આપવડાઇ માનો તો આપવડાઇ - પરંતુ હું બહુ નમ્રતાપૂર્વક માનું છું કે આમાં કંઇક મર્મ છે, કંઇક સંદેશ છે. મેં કરેલી ભૂલમાંથી બીજાને કંઇક શીખવા - સમજવા મળતું હોય તો તેમાં ખોટું શું છે?! ઉપયોગી જણાય તો અમલમાં મૂકજો, નહીં તો હરિ... હરિ.
મારા આત્મિયજનો, બ્રિટનમાં હું ૩૦ વર્ષની વયે આવ્યો. એકવડું, પણ કસાયેલું શરીર. કોઇ રોગ નહોતો (કે પછી મને ખબર નહોતી). આવતાંની સાથે જ કમાવાનું શરૂ થયું. મારી જ ભૂલ કે મેં મારા આરોગ્યની સદંતર ઉપેક્ષા કરી. સાચ્ચે જ અત્યારે જે કંઇ વાતો કરી રહ્યો છું એ તો રાંડ્યા પછીનું ડહાપણ છે. દોઢ વર્ષમાં તો મારી ગાડી ફૂલસ્પીડે દોડવા લાગી. ફ્રન્ટિયર મેઇલ જ કહોને. નજરમાં બે જ વાત હતી - ઝડપભેર આગળ નીકળી જવાની પ્રબળ ઝંખના અને નક્કર આર્થિક સદ્ધરતા. ખાવાપીવાના કોઇ ઠેકાણા નહીં. ગાડીમાં જ કોક કે પેપ્સીના કેન રાખ્યા હોય, સાથે ક્રિસ્પ કે પિનટ્સના પેકેટ્સ હોય. પેટ ભૂખની યાદ અપાવે ત્યારે આ ખાઇ લેવાનું. (એ વાતની અક્કલ તો વર્ષોપછી આવી કે સુગર અને સોલ્ટનું આ કોમ્બિનેશન તો શરીર માટે બહુ ખરાબ હતું.) આનાથી પેટ તો ભરાઇ જતું, પણ આમાં પોષણ ક્યાં?
આડઅસર શરૂ થઇ. સ્ટમક અલ્સર આવ્યું. ડોક્ટરને મળ્યો. દવાના ડોઝ શરૂ થયા. એસિડ કન્ટ્રોલમાં લેવા માટે ડોક્ટરે ઝેન્ટેક શરૂ કરી. રોજની બે ગોળી. રાહત તો થઇ, પરંતુ દવા એ કાયમી ઉપચાર નથી જને? ’69માં ‘કાયમી મિત્ર’ ડાયાબિટીસે શરીરમાં પગપેસારો કર્યો. પછીના પંદરેક વર્ષમાં થોડીક હૃદયની પણ તકલીફ રહી. સ્ટેન્ટ મૂકવું પડ્યું. આ બધું ક્યાં જઇને અટકશે તે સમજાતું નહોતું. આ સમયે એક કહેવત યાદ આવી. કાદવમાં પગ લપસી જાય અને પડી જાવ એ તો સમજ્યા, પણ તેમાં આળોટવાની જરૂર નથી. કાદવમાંથી ઉભા થાવ અને આગળ વધો. મનમાં સતત ચાલતું હતું કે હવે આ બધું અટકે તો સારું.
દરમિયાન કેટલાક મિત્રોએ સહાનુભૂતિ દાખવીને શારીરિક આધિ-વ્યાધિમાંથી બહાર નીકળવાના રસ્તા ચીંધ્યા. ’83માં એક નાનકડી સેવાનો અમને અવસર સાંપડ્યો. રાજીવ ગુડકા નામના એક બહેન લ્યુકેમિયા કેન્સરથી પીડાતા હતા. હિંમતભાઇ રાડિયાએ ચેરિટી ફંડીંગ માટે અમારો સંપર્ક કર્યો. એન્થની નોરાન બોનમેરો ટ્રસ્ટને સારી રકમ ભેટ આપવી છે. બિડું ઝડપ્યું. આપણા સમાજના સજ્જનો - સન્નારીઓ - અનેક સંસ્થાઓએ ઉદારમને સહાય કરી અને અમે સંસ્થાને 25 હજાર પાઉન્ડની સહાય કરવામાં નિમિત્ત બન્યા. મિત્રો, આજના સમયમાં આ રકમ ભલે નાની લાગે, પણ તે સમયે આનું મૂલ્ય કેટલું હશે તેનો હિસાબ માંડી લેજો. આ જ હિંમતભાઇ થકી ડો. મેકહાર્ડી - યંગ નામના ડાયાબિટીસ કન્સલ્ટન્ટનો સંપર્ક થયો. તેઓ સેન્ટ્રલ મિડલસેક્સમાં નવું યુનિટ શરૂ કરવા માટે ફંડરેઇઝીંગ થાય તેવું ઇચ્છતા હતા. હિંમતભાઇએ રસ્તો દેખાડ્યો અને રામસેતુના નિર્માણમાં મદદરૂપ થયેલી ખિસકોલીની જેમ અમે પણ શક્ય યોગદાન આપ્યું.
ડો. યંગ સાથેનો સંપર્ક સ્વાભાવિકપણે જ ઘનિષ્ઠ બન્યો હતો. એક દિવસ તેમણે મને બેસાડ્યો. મારો ચહેરો જોઇને બોલ્યાઃ સી.બી., તું ભલે કંઇ બોલતો નથી, પણ તને શરીરમાં કંઇક તકલીફ જરૂર છે. મેં ડાયાબિટીસની વાત કરી, સ્ટમક અલ્સર હમણાં શાંત હોવાનું કહ્યું. હું શું ખાઉં છું? શું પીઉં છું? આલ્કોહોલ લઉં છું કે નહીં? કેટલો લઉં છું? કેટલો રેસ્ટ કરું છું? જાતભાતના સવાલ પૂછ્યા. અને પછી કહ્યું કોઇ પણ શરીરને સારું રાખવાનો એક જ ઉપાય છેઃ સમતોલ આહાર, સમયસર આહાર.
આ પછી તેમણે મને એક કીમિયો બતાવ્યો. આજે ઘરે ગયા પછી શું જમે છે? શું પીએ છે? તે બધું જ લખી લેજે. સુગર લેવલ પણ ચેક કરવાનું, દિવસમાં ચાર વખત. સૌથી પહેલાં મોર્નિંગમાં, લંચ પહેલાં અને લંચ પછી અને સાંજે જમ્યા પહેલાં. ચારેય વખતનું સુગર લેવલ નોંધતા રહેવાનું. દરરોજ નિયમિત નોંધ કરવાની, આ પછી બધું લઇને આવતા અઠવાડિયે મળવા આવજે.
સ્વાસ્થ્યમાં અપડાઉનના કારણે શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ ઘટી હોવાથી બંદો આમ પણ આરોગ્ય માટે જાગ્રત થઇ ગયો હતો. ખરેખર મારે આરોગ્ય સુધારવું હતું. સંકલ્પ કર્યો કે પરમાત્માએ આટલા મૂલ્યવાન શરીર સાથે આ ધરતી પર મોકલ્યો છે તો મારી પણ ફરજ બને છે કે તન-મનથી તબિયત સાચવું. દીર્ઘાયુ જ નહીં, સ્વાસ્થાયુ ભોગવવું ને સતત સત્કર્મ કરતા રહેવું. ભોળેનાથ શિવજી સાથે મારું વણલખ્યું એગ્રીમેન્ટ છે. તેમણે મને કહ્યું છે કે નીતિમત્તા જાળવીશ તો તારો વાળ પણ વાંકો નહીં થાય. (વાચક મિત્રો, કદાચ કોઇ કહેશે કે લ્યા સી.બી. તમારા માથે તો વાળ જ ક્યાં છે?! આ લોકોને તો મારે એટલું જ કહેવાનું કે જથ્થાબંધ વાળ ભલે ન હોય, પણ છૂટાછવાયા તો છે ને!)
કદાચ શિવજીએ જ ડો. મેકહાર્ડી, ડો. યંગને મોકલ્યા હશે. ભલું થજો ડો. યંગનું કે તેમણે સી.બી. જેવા મૂરખ માનવીને કંઇક સાચો રસ્તો ચીંધ્યો. મારું સ્વાસ્થ્ય સુધારવાનું સત્કાર્ય કર્યું. આજે દિવસમાં ચાર વખત ઇન્સ્યુલિન જરૂર લઉં છું, પણ આ સિવાય કોઇ તકલીફ નથી.
આ બધી મારી અને મારા સ્વાસ્થ્યની વાત થઇ, તમારે તમારી શારીરિક સજ્જતા - સ્વસ્થતા ધ્યાને લઇને તબિયત સંભાળી લેવાની. જરૂર પડ્યે તમારા જીપી કે ફાર્માસિસ્ટનો સંપર્ક કરો. જે કંઇ કરો એ તેમની સલાહ લઇને કરો તે જરૂરી છે.
 તાજેતરમાં જ મને જૂના જીપીનો ફોન આવ્યો. તેમનું કહેવું હતું કે સી.બી. તમે બહુ જાગ્રત દર્દી હતા. વાચક મિત્રો, આપણું સ્વાસ્થ્ય નિરામય રાખવું હોય તો માત્ર જાગ્રત જ નહીં, આજ્ઞાંકિત દર્દી બનવું પણ આવશ્યક છે. ડોક્ટરની શિખામણ ઝાંપા સુધી એવો અભિગમ ના ચાલે.
તાજેતરમાં નવનાત વણિક ભવન સંકુલમાં જ્યોત્સનાબહેન શાહ લિખિત બે પુસ્તકો ‘તમારા વિના’ અને ‘જીવન એક, સૂર અનેક’ના વિમોચનનો શાનદાર સમારોહ યોજાયો હતો, જેમાં હાજરી આપવાનો મને પણ અવસર સાંપડ્યો. 400થી વધુ સગાં-સ્નેહી-મિત્રો પધાર્યા હતા. એક નવો જ અનુભવ રહ્યો. આ અંગેનો વિગતવાર અહેવાલ તો આપને આ જ અંકમાં અન્યત્ર વાંચવા મળશે, પણ મારે બીજી જ વાત કરવી છે.
કાર્યક્રમ દરમિયાન દસેક વડીલો - પરિચિતોએ સામેથી કહ્યું કે સી.બી. તમારી તબિયત બહુ સરસ લાગે છે. 86મું ચાલતું હોય તેવું લાગતું નથી. સાચું કહું તો ઊંડે ઊંડે પરમ આનંદ થયો. સ્વાસ્થ્ય સાચવવા માટે આટલા વર્ષો કરેલી મહેનત લાગી છે ખરી. ડોસો સાવ ખખડી ગયો નથી... મોઢે - માથે કોઇ ખાસ ગોબા પણ પડ્યા જણાતા નથી. હા, વાળે લગભગ વિદાય લઇ લીધી છે. ભલું થયું ભાંગી જંજાળ... ધૂપેલ ઓછું વપરાય છે.
બનવાકાળ આ જ અરસામાં મારા જૂના ફોટો હાથમાં આવી ગયા. તેમાં 1983-84નો ફોટો પણ હતો. તેમાં વાળ તો લાંબા હતા, પણ ચહેરો કંતાઇ ગયેલો દેખાતો હતો. તે વખતે, તે ઉંમરે ચહેરા પર થકાવટની અસર વર્તાતી હતી, જે આજે - આ ઉંમરેય નથી! ચેતતા અને જીવંત નર સદા સુખી તે મારો જીવનમંત્ર છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. આમાં NHSનું યોગદાન ખરું, પણ મેડિકલ કન્સલ્ટેશન પૂરતું. તેઓ તો તપાસે, ટેસ્ટ કરે, અને દવા પ્રિસ્ક્રાઇબ કરે. તેમના સલાહ-સૂચનને અનુસર્યો, અને બાકી મારી રીતે આરોગ્યની સંભાળ લીધી.
મારા જાત અનુભવ પરથી હું આપ સહુને એટલું જ કહી શકું કે સક્રિય રહો. મતલબ કે હલનચલન કરતા રહો. મનોબળ હકારાત્મક રાખો. જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ હશે તો અડધો જંગ જીતી જશો સમજી લો. આપણું તો નક્કી છે - લાંબુ જીવવું છે, અંતિમ શ્વાસ સુધી સ્વસ્થ જીવવું છે. આરોગ્ય સાથ આપશે તો બીજા 25 વર્ષ જીવવું છે. આશીર્વાદ આપજો. અને આપ સહુને હાથ જોડીને એટલો જ અનુરોધ કરું છું કે આપના નિરામય સ્વાસ્થ્યની જાતે જ સંભાળ લો. અત્યારે જે સમય-સંજોગ પ્રવર્તે છે તેમાં NHS પાસે તમારા સ્વાસ્થ્યની સંપૂર્ણ સંભાળ માટે અપેક્ષા રાખવી અસ્થાને છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter