‘ઉલમાંથી ચૂલમાં’ ટાળવાની કવાયત

Tuesday 11th December 2018 14:28 EST
 
 
વડીલો સહિત સહુ વાચક મિત્રો, બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ રાજકારણ પહેલી વખત આજના જેવી ગંભીર કટોકટીમાં સલવાણું છે. હાઉસ ઓફ કોમન્સમાં બ્રેક્ઝિટ બાબત થેરેસા મે સરકારે રજૂ કરેલા પ્રસ્તાવો ઉપર લાંબી લચ ચર્ચા થઇ રહી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે ઉપલબ્ધ માહિતી અનુસાર (છેલ્લી ઘડીના ફેરફાર ન થાય તો...જોકે સોમવારે બપોરે ૩-૩૦ વાગ્યે વડા પ્રધાને પાર્લામેન્ટમાં આશ્ચર્યજનક ઘોષણા કરી કે મતદાન મુલત્વી રાખ્યું છે.) મંગળવારે રાત્રે પ્રસ્તાવો વિશે મતદાન થશે. (તે વેળા આપનું અખબાર ‘ગુજરાત સમાચાર’ તો પ્રિન્ટર પાસે પહોંચી ગયું હશે.) મંગળવારના આ પ્રસ્તાવ અંગે એવી અમંગળ આગાહી થઇ રહી છે કે થેરેસા મે સરકારનો પરાજય નક્કી છે. ટોરી પક્ષના અસંતુષ્ટો અને લેબર પક્ષના તકવાદી વલણથી એમ થવું ચોક્કસ મનાય છે. તો એ પછી શું?
એક, એ સંભાવના ખરી કે થેરેસા મે આવતા ગુરુવારે - ૧૩ ડિસેમ્બરના રોજ વિધિવત્ યુરોપિયન યુનિયનના મોવડીઓ સમક્ષ પોતાની રજૂ પરિસ્થિતિ રજૂ કરે અને કેટલાક મુદ્દે યુરોપિયન યુનિયન છૂટછાટ માટે આપવા તૈયાર થાય.
બીજું, જો એમ ન થાય તો યુરોપિયન યુનિયન સાથે કોઇ પણ પ્રકારની સાંઠગાંઠ વગર યુનાઇટેડ કિંગ્ડમ છેડો ફાડે. જોકે આમાં તો બકરું કાઢતાં ઊંટ પેસી જાય તેટલી બધી ખતરાજનક સ્થિતિ સર્જાવાનો ભય સ્પષ્ટ દેખાય છે. આર્થિક ક્ષેત્ર ઉપરાંત સામાજિક રીતે દેશમાં ભારે વિભાજન થઇ શકે.
ત્રીજું, બ્રિટિશ સરકાર સમય વર્ત્યે સાવધાન થાય અને ‘પીપલ્સ વોટ’ નામે લોકોના હોઠે અને હૈયે ચઢી ગયેલું બનેલું નવું રેફરન્ડમ સ્વીકારે. અલબત્ત, ટોરી પક્ષના યુરોસ્કેપ્ટિક જૂથને તે લગારેય સ્વીકાર્ય નહીં હોય. નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજાયેલા રેફરન્ડમાં યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાનો લેવાયેલો નિર્ણય શબ્દશઃ અમલી બને તેવો તેમનો આગ્રહ (કહો કે દુરાગ્રહ) છે.
ચોથું, થેરેસા મે સરકાર સામે પાર્લામેન્ટમાં અવિશ્વાસ દરખાસ્ત પસાર થાય અને દેશમાં નવેસરથી ચૂંટણીઓ યોજાય. જોકે - વાચક મિત્રો, આપ સહુ જાણો છો તેમ - સત્તાનો સિમેન્ટ બહુ શક્તિશાળી હોય છે. આ રીતની ચૂંટણી યોજાય તો લેબર પક્ષને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા હોવાથી હઠે ચઢેલા યુરોસ્કેપ્ટિક ટોરી સાંસદો પણ માથું ખંજવાળી રહ્યા છે. ક્યા કરે ઓર ક્યા ન કરે?
બ્રેક્ઝિટ મુદ્દે માત્ર બ્રિટનની સામે જ ગંભીર પ્રશ્ન છે તેવું નથી. ૨૭ દેશોના બનેલા યુરોપિયન યુનિયનમાં, ખાસ કરીને મોટા વજનદાર રાષ્ટ્રો માટે, પણ સંગઠનમાં ભંગાણને ગંભીર સમસ્યા તરીકે નિહાળવામાં આવે છે. સંગઠનમાં આયર્લેન્ડ, હોલેન્ડ, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ, એસ્ટોનિયા, લેટવિયા અને લિથુઆનિયા જેવા આઠ દેશોના જૂથને ‘ન્યૂ હેન્શીયાટિક લીગ’ તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસ પર નજર ફેરવશો તો જણાશે કે આ આઠ દેશો અગાઉ પણ યુરોપના સમૂળગા એકીકરણ બાબત ચિંતિત જોવા મળ્યા છે. ફ્રાન્સ અને જર્મનીના જોડાણને આ આઠેય દેશો હંમેશા શંકાશીલ નજરે જોતાં આવ્યા છે. અત્યારના યુરોપિયન યુનિયનના કુલ પ્રજાજનોમાં આ ‘ન્યૂ હેન્શીયાટિક લીગ’ દેશોની વસ્તી ૧૦ ટકા પણ નથી. તેનો અર્થ એમ થયો કે જો યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન અલગ થાય તો આ આઠેય દેશોમાં ચેઇન રિએક્શન - એકમેક સાથે સંકળાયેલા, કડીરૂપ પ્રત્યાઘાતોની હારમાળા સર્જાઇ શકે છે.
એક મહત્ત્વની બાબત એ પણ છે કે બ્રિટન યુરોપિયન યુનિયનમાં રહે કે ન રહે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (NATO)નું લશ્કરી જોડાણ યુરોપિયન યુનિયનના મોટા ભાગના દેશોને આવરી લે છે અને બન્ને વિશ્વયુદ્ધ દરમિયાન અને ત્યારબાદ NATOની સંગઠિત શક્તિએ સામ્યવાદના વિસ્તરણને પડકાર્યો છે. સાથે સાથે જ ફ્રાન્સ, જર્મની, ઇટલી, પોલેન્ડ જેવા દેશો યુરોપના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બ્રિટનનો સાથ અને સહયોગ સ્વીકારે છે. એટલું જ નહીં, તેને માનભેર નજરે નિહાળવામાં આવે છે.
મંગળવારે મોડી રાત્રે ઇયુ પ્રસ્તાવ પર મતદાન વેળા જે થાય તે ખરું, પણ એક હકીકત સ્પષ્ટ છે કે બ્રિટિશ સમાચાર માધ્યમોમાં વડા પ્રધાન થેરેસા મે સામે હાલના તબક્કે જે આક્રોશભર્યો અભિગમ અપનાવાયો છે, જે પ્રકારે તેમની સામે તું-તા થઇ રહ્યું છે તેવું તાજેતરના ઇતિહાસમાં તો ક્યારેય જોવા મળ્યું નથી.
ધાર્મિક પરિવર્તનનો આવકાર્ય અભિગમ
કોઇ પણ ધર્મપ્રણાલિ વર્ષોના વીતવા સાથે અને અનુભવોના આધારે પરિવર્તન પામતી હોય છે. અલબત્ત, ધર્મની મૂળ શીખ અને વ્યાખ્યામાં તો ખાસ બાંધછોડ થઇ શકે નહીં, પરંતુ તેની સાથે સંકળાયેલી પરંપરા - પ્રણાલિમાં સમયાનુસાર ફેરફાર યોગ્ય જણાયો છે અને સહજ રીતે એમ થતું આવ્યું છે. આજે વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મને સૌથી પુરાતન, વ્યાપક રીતે અનુસરવામાં આવતી ધર્મપ્રણાલિ તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મ એટલે શું? આ બહુ જટિલ પ્રશ્ન છે. તેની અમુક ચોક્કસ વ્યાખ્યા કરવાનું કોઇના પણ માટે લગભગ અશક્ય છે. વેદ અને ઉપનિષદમાંથી ઉદ્ભવેલા શ્રદ્ધાના એક ઝરણાને કાળક્રમે, આઠ-દસ હજાર વર્ષોનું વ્હાણું વીત્યા બાદ આજે આપણે આધુનિક રૂપમાં નિહાળીએ છીએ. હિન્દુ ધર્મ વિશે વિચારતાં પુરાણોની પરંપરા મહદ્ અંશે નજર સમક્ષ તરી આવે તે સહજ છે, પરંતુ સહિષ્ણુતા, સર્વધર્મ સન્માન, પર્યાવરણ પ્રત્યે સજાગતા અને માણસાઇ તેમજ માનવતા સનાતન ધર્મના મુખ્ય લક્ષણ ગણી શકાય. (આ વિચાર-વિનિમયમાં મેં સમજીવિચારીને જૈન, બુદ્ધિષ્ટ કે શીખ ધર્મને ચર્ચામાં અલગ રીતે સામેલ નથી કર્યા કે તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું નથી.)
ખ્રિસ્તી ધર્મના ઉદ્ભવને ૨૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. પ્રારંભના ૧૪૦૦-૧૫૦૦ વર્ષ આ ધર્મના ઉપાસકોનો મુખ્ય ગ્રંથ હતો ઓલ્ડ ટેસ્ટામેન્ટ. (જુનો કરાર) જર્મનીમાં સોળમી સદીમાં પ્રોટેસ્ટંટ રેફર્મેશન નામનું આંદોલન શરૂ થયું અને તેના પરિણામે અગાઉ જે સંપ્રદાયમાં બધા જ કેથલિક હતા તેમાં પ્રોટેસ્ટંટ પંથ ઉમેરાયો. આજે પ્રોટેસ્ટંટ પંથના પણ અનેકવિધ ફાંટાઓ છે. જોકે તે બધા માટે મુખ્યત્વે ન્યૂ ટેસ્ટામેન્ટ (નવો કરાર) એ સર્વમાન્ય ધર્મગ્રંથની માન્યતા ધરાવે છે. આજના યુગમાં ખ્રિસ્તી ધર્મની સાદી સમજ એટલે સેવા, પ્રેમ, સંવેદના, કરુણા અને માનવતા એમ કહી શકાય. પરંતુ એક વાત તો સ્વીકારવી જ પડે કે બૃહદ ખ્રિસ્તી ધર્મની પાયાની શીખ અને અનુસરણ સાચે જ ખ્રિસ્તી ધર્મને વધુ સ્વીકાર્ય અને માનવંતો બનાવે છે.
ઇસ્લામની સ્થાપના હઝરત મહમૂદ પયગંબર સાહેબે આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે કરી. ઇસ્લામમાં પણ મતમતાંતર ઘણા છે. એક મુસ્લિમ મિત્રના જણાવ્યા પ્રમાણે ઇસ્લામના અનુયાયીઓમાં શિયા અને સુન્ની સહિત ૭૨ અલગ અલગ સંપ્રદાય કે ફાંટા પ્રવર્તે છે. જોકે સૌથી દુઃખદ બાબત તો એ છે કે શિયા, અહમદિયા, ઇસ્માઇલી ખોજી, વહોરા કે તેવા કેટલાય ઇસ્લામને સર્વોપરી સ્વીકારતા હોવા છતાં આ સંપ્રદાયો પ્રત્યેના સુન્નીઓના વ્યવહારમાં ઓછા-વત્તા અંશે અસહિષ્ણુતા, આક્રમકતા અને અસંતોષ જોઇ શકાય છે.
એક બીજું પણ ચિત્ર સ્પષ્ટ તરી આવે છે. ભારતમાં ૧૩૦ કરોડની કુલ વસ્તીમાં લગભગ ૨૨ કરોડ ઇસ્લામના ઉપાસકો હોવાનું જાણવા મળે છે. પરંતુ ભારતીય મુસ્લિમ કંઇકેટલીય બાબતમાં અન્ય દેશોના અરે, પાકિસ્તાન જેવા પડોશના સ્વધર્મી દેશો કરતાં પણ અલગ માનસ ધરાવતા હોવાનું મનાય છે.
બ્રિટનના જાજરમાન અને વિશ્વાસપાત્ર સમાચાર માધ્યમોમાં આજકાલ ઇસ્લામના નવા પ્રવાહ વિશે રજૂઆત થઇ રહી છે. નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં માંચેસ્ટર નજીક આવેલા બ્લેકબર્ન નગરમાં ઇસ્લામના ઉપાસકોએ એક નવું જ અને આવકાર્ય કહેવાય તેવું અભિયાન શરૂ કર્યું છે. બ્રિટનના આમ સમાજની સરેરાશ વય મિડિયન- ૪૦ વર્ષ છે, તેની સામે બ્રિટિશ મુસ્લિમ સમાજ ‘યુવાન’ છે એમ કહી શકાય. બ્રિટિશ મુસ્લિમ સમાજમાં આ વય ૨૫ વર્ષ છે. અને જ્યાં યુવાનો હોય ત્યાં નવો દૃષ્ટિકોણ પણ હોવાનો, અને (તેના પગલે) પરિવર્તન પણ આવવાનું જ. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. યુવા મુસ્લિમોની આ પેઢીએ બ્લેકબર્નમાં પોતાની પ્રાર્થના પદ્ધતિમાં કે અલ્લાહની બંદગીમાં કંઇક સવિશેષ સમજદારી દાખવીને અભિનવ માર્ગ અપનાવ્યો છે. કઇ રીતે?!
બ્લેકબર્નના આ મુસ્લિમ યુવાનો દરરોજ બપોરે એક વાગ્યે અલ્લાહની ઇબાદત માટે એકત્ર તો થાય છે, પરંતુ મસ્જિદમાં નહીં. આ લોકો બંદગી માટે - એક કેમિસ્ટ શોપ ઉપર - ખરીદવામાં આવેલા સાદગીપૂર્ણ ઓરડામાં એકત્ર થાય છે અને પરવરદિગારની ઉપાસના કરે છે. મોહમ્મદ લોર્ગાત નામનો એક યુવાન કહે છે કે અહીં આવનારા કોઇને તમે ક્યા ધર્મ કે પંથના છો તે ક્યારેય પૂછાતું નથી. અમારા દરવાજા સહુ કોઇ માટે ખુલ્લા છે. અહીં સહુ કોઇને આવકાર મળે છે, અને ચા-પાણી પણ મળે છે.
અલ્લાહની બંદગીના આ સ્થળે હારુન સિદ્દાત નામના ૩૨ વર્ષના ઇમામ સેવા આપે છે. તેમણે મિત્રો અને પરિવારજનોની સહાયથી આ સ્થળ ખરીદ્યું છે. અહીં સાંપ્રત જીવનની સંસ્કૃતિ અને વિવિધતાને લક્ષમાં રાખીને નવી પેઢીને બંદગીમાં સામેલ થવા માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
મોહમ્મદ અને હારુન પણ એ જ અલ્લાહની ઇબાદત કરે છે, બંદગી કરે છે જેની ઇબાદત-બંદગી તેમના માતાપિતા અને વડવાઓ સદીઓથી કરતાં રહ્યાં છે, પરંતુ આ પેઢી ધર્મપ્રણાલિ પ્રત્યે, ધાર્મિક પરંપરા પ્રત્યે કંઇક જુદો જ અભિગમ ધરાવે છે. એમ પણ કહી શકાય કે ઈંગ્લેન્ડની ધરતી પર નવો બ્રિટિશ ઇસ્લામ ઉદ્ભવી રહ્યો છે.
આ બંદગી સ્થળની એક નોંધપાત્ર બાબત એ પણ છે કે અહીં આવનાર વ્યક્તિની જીવનશૈલી સંબંધિત અંગત બાબતોને બિલ્કુલ મહત્ત્વ અપાતું નથી. વ્યક્તિ પોતાના જીવનમાં કોઇ ચોક્કસ મુદ્દા કે બાબત પ્રત્યે ગમા-અણગમા ધરાવતો હોય શકે છે, દરેકને વ્યક્તિગત પસંદ-નાપસંદ હોય શકે છે, પરંતુ અહીં અલ્લાહની નજરમાં સહુ કોઇ એક છે.
મુસ્લિમ બિરાદરીની યુવા પેઢીમાં ધર્મ પ્રત્યે બદલાઇ રહેલા અભિગમ સંદર્ભે પ્રતિભાવ જાણવા બ્લેકબર્નમાં વસતાં મિત્રોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે શ્રી મોહમ્મદ લોર્ગાત અને હારુન સિદ્દાત બન્ને ગુજરાતી ભાષી મુસ્લિમ પરિવારના સભ્યો છે.
ઇસ્લામ એ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ધર્મ પ્રણાલી છે. ઇસ્લામના અનુયાયીઓની સંખ્યા ૧૪૦ કરોડ હોવાનો પ્રાથમિક અંદાજ છે. અને સ્વેચ્છાથી તેના જ અનુભવે સમયના પરિવર્તનને લક્ષમાં લઇને નવી કેડી કંડારી રહ્યા છે તેને કેટલાયે આવકારે છે.
(ક્રમશઃ)

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter