વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં આપણે સહુએ બેન્ક હોલીડે માણ્યો. ચૂંટણીની ઝૂંબેશ, પરિણામો અને તેની પળોજણ પણ પિછાણી. આ ઉપરાંત દરેકને નાની-મોટી કાંઈને કાંઈ સમસ્યા હોવાની જ. આપણી સમસ્યા કે પ્રશ્નો ઉકેલવા તો આપણે જ સમય કાઢવો પડે ને... શું કરવાનું છે? શું કર્યું? ક્યાં શું બાકી રહ્યું? જેવા પોતાને કે પોતાના પરિવારને પજવતા સદાબહાર પ્રશ્નોની હારમાળા હાજર જ હોય. ક્યાંક વળી અન્યની નાની-મોટી ‘જફાબાજી’ પણ આપણો સમય તાણી જાય. પરમાત્માએ શું જીવન બનાવ્યું છે!
થોડાક વખત પહેલાં કેટલાક મિત્રો સાથે ખુલ્લા મને વાર્તાલાપ કરવાનો અવસર સાંપડ્યો. આ વિશ્વ... તેમાં બહુ જ સૂક્ષ્મ કહેવાય તેવી પૃથ્વી... ૭૦ ટકા પાણી ને ૩૦ ટકા જમીન... તેમાં વળી ક્યાં ભારત ને ક્યાં બ્રિટન... ગમે ત્યાં આપણે રહીએ, સહરાના અફાટ રણની રેતીના એક કણ જેટલી પણ આપણી હસ્તી કે ઔકાત ખરી?!
ખ્રિસ્તી ધર્મની જેમ હિન્દુ ધર્મમાં, અને અન્ય ધર્મોમાં પણ, વિશ્વની ઉત્પતિ વિશે જાતજાતના મતમતાંતર પ્રવર્તે છે. મતમતાંતર હોવા સહજ પણ છે. પરંતુ જે બાબતે આપણી પાસે કોઇ નક્કર પુરાવો નથી, જેમાં માત્ર કલ્પનાની પાંખે જ વિચારી શકાય એમ હોય તેમાં બીજું શું થઇ શકે? ખ્રિસ્તી ધર્મમાં ક્રિએટીવિટીનો સિદ્ધાંત પાયાનો ગણાય છે. કોઇ દૈવીતત્વે સૃષ્ટિનું સર્જન કર્યું. નાના-મોટા અસંખ્ય જીવજંતુઓ ધરતી પર ફરતા થયાં અને પછી તો એકમાંથી અનેકની હારમાળા ચાલી.
દોઢસો-બસો વર્ષ પૂર્વે પશ્ચિમી જગતમાં, ખ્રિસ્તી સમુદાયમાં ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ બાયોલોજીકલ ઇવોલ્યુશન, જૈવિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતના મુદ્દે ભારે ઉહાપોહ મચ્યો હતો. મારા દીકરા સહિત સંખ્યાબંધ જુવાનિયાઓ સાથે અવારનવાર આ વિષય પર (વિરોધાભાસી) વિચારવિનિમયનો મને મોકો મળે છે.
પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે આ બધું શું છે? શા માટે છે? સદભાગ્યે આ વિષયને સંકલિત એક પુસ્તક હમણાં પ્રકાશિત થયું છે. તેનું નામ છેઃ Vital Questions: Why is the life the way it is? નીક લેન નામના એક ટોચના બાયોકેમિસ્ટે આ પુસ્તક લખ્યું છે. તેઓ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વિદ્વાન છે અને આ પુસ્તકમાં તેમણે વિજ્ઞાનના સહારે કંઇકેટલાય પ્રશ્નોના સંભવિત ખુલાસા કર્યા છે એમ કહી શકાય.
માનવજીવનની રચના કેવી રીતે થઇ? જન્મ, વાસના અને મૃત્યુ તેમ જ અન્ય સંકલિત બાબતોનો સંબંધ કેવો? આવા ભારેખમ સવાલોના જવાબ તેના જેવા જ ભારેખમ - ૩૬૦ પાનના દળદાર પુસ્તકમાં આપવામાં આવ્યા છે. તેનું મૂલ્ય છે ૨૫ પાઉન્ડ.
વજનમાં, કિંમતમાં અને દિમાગને પણ પચાવવામાં ભારે પડે એવા આ પ્રકારના પુસ્તક કોઇક વાર ખરીદું છું ત્યારે થોડાંક પાન વાંચતા જ થાકી જાઉં છું. અલબત્ત, આ થાક વાંચનનો નથી હોતો, પણ તેમાં રજૂ થયેલા વિચારોને ખરા અર્થમાં સમજવાનો અને તેને દિમાગમાં ઉતારવાની કવાયતનો હોય છે. એક તો, વિષય અઘરો હોય, અને તેમાં વળી પંડિત જેવા વિદ્વાન લેખકે વાળમાં કાણું પાડવા જેવી બારીકાઇથી વિશ્લેષણ કર્યું હોય. એકાદો પણ શબ્દ ચૂકીએ એટલે બધું માથા પરથી જાય.
ક્યારેક કોઇ પુસ્તક સળંગ વાંચી ન શકાય અને છતાં પણ પુસ્તકમાં રજૂ થયેલી વાત-વિચાર જાણવાના કુતૂહલનો કીડો જપવાનું નામ ન લે ત્યારે હું વચલો રસ્તો (શોર્ટ કટ નહીં હો... જિંદગીમાં મેં જે કંઇ મેળવવા ઇચ્છ્યું છે, મેળવ્યું છે તેના માટે મેં ક્યારેય આ રસ્તો નથી અપનાવ્યો.) કાઢું છું. કોઇક વિશ્વસનીય પ્રકાશનમાં આ પુસ્તકનો રિવ્યુ પ્રકાશિત થયો હોય તો તે એકદમ કાળજીપૂર્વક વાંચીને પુસ્તક અને તેમાં રજૂ થયેલા વિચારનો કંઇક આછોપાતળો ખ્યાલ મેળવવા પ્રયાસ કરું છું.
વિજ્ઞાનીઓએ અનેક સંશોધન બાદ પુરવાર કર્યું છે કે પૃથ્વીનો ગોળો, પ્લેનેટ, એ લગભગ ૪.૫ બિલિયન વર્ષ પૂર્વે આપોઆપ અવકાશમાં અવતર્યો હતો. કેટલાક તેને બિગ બેન્ગ થિયરી તરીકે પણ ઓળખાવે છે. આ માન્યતા અનુસાર બ્રહ્માંડમાં સમાન ગુણો ધરાવતા બે અણુઓની ટક્કરથી પ્રચંડ વિસ્ફોટ થયો અને તેમાંથી પૃથ્વીનો જન્મ થયો.
પૃથ્વીનો ગોળો બ્રહ્માંડમાં તરતો થયો તેના પ્રથમ બે બિલિયન વર્ષ સુધી તો પૃથ્વી પર બહુ સીધું, સાદું, સરળ ‘જીવન’ હતું. બેક્ટેરિયા અને આર્ચિયા (Archaea) નામના બે સીંગલ સેલ (એકકોષીય જીવો) કહેવાય તેવા જીવાણુઓ, મેટાબોલિક કેમિસ્ટ્રીના નિયમ અનુસાર, જોવામાં આવ્યા. આમ રસાયણશાસ્ત્ર, કેમિસ્ટ્રી, સાચા અર્થમાં જીવનસૃષ્ટિના પાયામાં છે એવું કહી શકાય. બે અંશ હાઇડ્રોજન અને એક અંશ ઓક્સિજન એટલે પાણી થાય. આ H2Oનો નિયમ પરિવારનું નાનકડું બાળક પણ જાણતું હશે.
વાચક મિત્રો, આ બધું કહીને આપને હું વિચારવાયુના ચકરાવે ચઢાવવા નથી માગતો. હું આવી કલ્પના પણ ન કરી શકું. ‘પણ બાપલ્યા, જરાક એ તો કહે કે જીવનના કોઇ પણ ક્ષેત્રમાં આપણે વધુ જાણીએ, ખૂબ જાણીએ, વિચારીએ કે વ્યાધિ કરીએ, પણ પછી શું?’
આપણા શાસ્ત્રોએ માત્ર ચાર શબ્દોમાં એક સીધોસાદો, પણ સરળ માર્ગ આપણને ચીંધ્યો છે - સા વિદ્યા યા વિમુક્ત્યે... જે મુક્તિ અપાવે તે વિદ્યા. આ વિદ્યા એટલે જ્ઞાન, નોલેજનો એક સરળ અર્થ.
હમણાં આ ફરજીયાત રજાઓ દરમિયાન મેં બીજું પણ એક પુસ્તક વાંચ્યું. તેનો વિષય માનસશાસ્ત્ર હતો. પુસ્તક વાંચી સાદો ને ઉપયોગી પાઠ એ ભણ્યો કે મગજને પણ જરાક નવરાશ જોઇએ છે. જોકે બહુ વિચાર પણ કર્યા કરવાની જરૂર પણ નથી. ઘણી વખત વ્યક્તિ સહેતુક, પણ એક પદ્ધતિસર, વિચારવમળમાં ઊંડા ઉતરવાના બદલે કિનારે બેસી જાય અને શાંતિપૂર્વક ફક્ત માંહ્યલા સાથે સંપર્ક સાધે તો તે કદાચ વધુ ફળદાયી સાબિત થાય.
આપણને સહુને અનુભવ છે કે કમ્પ્યુટર કે સર્વરમાં જે તે ડેટા બરાબર સેવ થાય કે રેકોર્ડ થાય તે માટે અમુક ક્ષણો રાહ જોવી પડતી હોય છે. બસ, તેના જેવી જ કંઇક આ વાત છે. આથી જ મેં વર્ષોથી એક નિયમ કર્યો છે - જાણવું, વિચારવું અને સાથોસાથ વાગોળવું. મગજની મેમરીમાં ડેટા સ્ટોર કરવાનો આ માર્ગ ક્યા મહાનુભાવે ચીંધ્યો એ તો યાદ નથી, પણ આજે બહુ શાંતિ અનુભવું છું. ઉંઘવાની કોઇ ગોળી નહીં, ઊંઘમાં કોઇ ખલેલ નહીં. આંખો મીંચાઇ નથી કે સવાર પડી નથી. અપચો પણ નહીં કે બંધકોષની તકલીફ પણ નહીં. શાંત જીવનજળ પર એ...યને આપણી નાવડી સરરરર કરતી ચાલી જાય છે.
વાચક મિત્રો, ચાલો આજે જરા ‘ઘર ઘર’ રમીએ... આપણે સવાર સવારમાં ઘરના ફેમિલી રૂમમાં પ્રવેશીએ. પરિવારના અન્ય સભ્યને મળીએ અને સામાન્યતઃ ઇષ્ટદેવનું નામ લઇએ કે ગુડ મોર્નિંગ કહીએ. અને પછી અચાનક જ આપણે ‘તું છુપી હૈ કહાં...’ ગીત લલકારીએ તો?! ઘરના સભ્યો જોતાં જ રહી જાયને? ઘડી - બે ઘડી, આપણો ચહેરો જોઇને, વિચારે અને પછી તરત પૂછેઃ ‘સવાર સવારમાં આ શું માંડ્યું છે?’
રવિવારે સવારે મેં પણ આવું જ કર્યું. મને પણ આવો જ પ્રશ્ન પૂછાયો, અલબત્ત હસતાં હસતાં. મેં કહ્યું કે આજે તો અનાસક્ત યોગ કરવો છે. આપણે કહ્યું કંઇક ને તેઓ સમજ્યા કંઇક! તરત સામું પૂછાયુંઃ ‘કોના આશક બનતા બનતા રહી ગયા?’ (મેં ‘અનાસક્ત’ કહ્યું હતું ને તેઓ સમજ્યા હતા અન-આશક.)
પણ મારે બહુ ચિંતાનું કારણ નહોતું. પરિવારજનોને લાગ્યું કે કંઇક નવાજૂની તો છે, પણ સાથોસાથ તેમને એટલો વિશ્વાસ પણ ખરો કે ‘આ રૂપિયો’ ક્યાંય ચાલવાનો નથી! (એટલે ખોવાઇ જવાની બીક રાખવાને કોઇ કારણ નથી!)
ખેર, આશક શબ્દ સાંભળીને મેં આપણા મોટા ગજાના સર્જકો ગની દહીંવાલા, આદીલ મન્સુરી, સૈફ પાલનપુરી, શુન્ય પાલનપુરીને યાદ કરીને પળભરમાં કોઇ રચના ઘડી નાખવા ભારે ફાંફાં માર્યા, પણ હું કંઇ ઓછો શીઘ્ર કવિ છું કે આશકને નજરમાં રાખીને પળભરમાં ગઝલ રચી નાંખુ કે કવિતા ઠપકારી દઉં કે એકાદું હાઇકુ (સ્કૂલમાં ભણ્યા છોને? જરા યાદ કરો જોઉં... આ જાપાનીઝ કાવ્યકણિકાનું બંધારણ કેટલા શબ્દોનું હોય છે?) રચી નાખું!
વાચક મિત્રો, હું ભલે કોઇ સાહિત્ય રચનાને આકાર આપવામાં ફાવ્યો નહીં, પણ આપ સહુ આ કોલમ સાથે રજૂ થયેલી સદાબહાર ગીતરચના ‘તું છુપી હૈ કહાં...’ અવશ્ય વાંચજો. ૧૯૫૯માં ‘નવરંગ’ ફિલ્મમાં રજૂ થયેલા અને દિગ્ગજ સંગીતકાર સી. રામચંદ્રે સંગીતબદ્ધ કરેલા આ ગીતને મન્ના ડે અને આશા ભોસલેનો અવાજ મળ્યો છે.
સી. રામચંદ્ર એટલે રામચંદ્ર નારહર ચિતલકર. આ મહાન સંગીતકાર ૩૮ વર્ષ પૂર્વે લંડન આવ્યા હતા ત્યારે તેમની યજમાનગતિ કરવાનો સોનેરી અવસર મને મળ્યો હતો. સર્વશ્રી અનિલભાઇ દવે, ભાનુભાઇ પંડ્યા, શનાભાઇ પટેલ ,ગીતાબહેન પટેલ વગેરે મિત્રો સાથે મળીને અમે ‘ગુજરાત સમાચાર - ન્યૂ લાઇફ મ્યુઝિકલ ઇવનિંગ’ના બેનરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજ્યા હતા. બેટરસી ટાઉન હોલ, ગ્રીનફર્ડ એસેમ્બલી હોલ, સહિત આઠેક સ્થળે યોજાયેલી આ સંગીતમય સંધ્યામાં રામચંદ્રજીએ સંગીતની રસલ્હાણ પીરસીને લોકોના દિલ જીતી લીધા હતા.
સી. રામચંદ્ર બહુ રંગીલો માણસ. મધરાત વીતી ગઇ હોય, બોટલમાંનું પીણું અડધોઅડધ ખાલી થઇ ગયું હોય ત્યારે તેઓ ખીલે. આ સમયે તેમની પાસે ફિલ્મસંગીતથી માંડીને અનેકવિધ પ્રકારની જે સંગીતરચનાઓ સાંભળવા મળે તેનો જોટો જડવો મુશ્કેલ છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી, નથી ને નથી જ.
‘નવરંગ’માં સુંદર અભિનેત્રી સંધ્યા પર ફિલ્માવાયેલા આ ગીતને નાના કે મોટા પરદે નિહાળવાની તો મજા છે જ, પરંતુ તેના શબ્દો પણ એવા શક્તિશાળી છે કે માત્ર ગીત સાંભળશો તો પણ દિલ તરબતર થઇ જશે. ‘તું છુપી હૈ કહાં...’ શબ્દો પ્રિયતમની ખોજને પણ લાગુ પડે છે અને એક વિચારની તલાશને પણ લાગુ પડે છે. આ શબ્દોને પ્રિય વ્યક્તિની બાબત કે તેના થકી કોઈએક વિચાર, દૃષ્ટિ કે અવનવી મનોસૃષ્ટિને પણ કદાચ નજર સમક્ષ રાખી શકાય.... ઈષ્ટદેવની આરાધના પણ થઈ શકે.
ફિલ્મઃ નવરંગ (૧૯૫૯)
ગીતઃ તુ છુપી હૈ કહાં
સંગીતઃ રામચંદ્ર નારહર ચિતલકર
ગાયકઃ આશા ભોંસલે, મન્ના ડે
તુ છુપી હૈ કહાં, મેં તડપતા યહાં
તેરે બિન ફીકા ફીકા હૈ દિલ કા જહાં
છુપી હૈ કહાં મેં તડપતા યહાં
તુ ગયી ઊડ ગયા રંગ જને કહાં
તેરે બિન ફીકા ફીકા હૈ દિલ કા જહાં
છુપી હૈ કહાં મેં તડપતા યહાં
દિલ કી મહેફિલ મેં જબ ના મુજે તુમ મિલે
સાસ લેતી હું આ કે ઈસ સુનસાન મેં
ઈન બહારો મેં જબ ના તુજે પા સકી
ઈન બહાર મેં જબ ના તુજે પા સકી
તો તડપતી હું આ કે ઈસ વિરાન મેં
તેરે બિન ફીકા ફીકા હૈ દિલ કહ જહાં
છુપી હૈ કહાં મેં તડપતા યહાં
યે નજરે દિવાની તું ખોયી ખોયી
તેરે રંગીન સપનો કે રંગો મે
ઉમંગો મેં જબ તુ ના તુઝે પા સકી
ઉમંગો મેં જબ તુ ના તુઝે પા સકી
ઢૂંઢતી હૂં મેં ગમ કી તરંગો મેં
તે બિન ફીકા ફીકા હૈ દિલ કા જહાં
છુપી હૈ કહાં મેં તડપતા યહાં
તુ છુપી હૈ કહાં
છુપી હૈ કહાં
છુપી હૈ કહાં
મેં છુપી હું પિયા તેરી પલકન મેં
તેરી ધડકન મેં, તેરી હર સાંસ મેં,
તેરી હર આશ મેં
મેં છુપી હું કહાં મેરા યે રાઝ સૂન
દર્દ કે હાથો ગમ સે ભરા સાઝ સૂન
મેરે રોતે હુયે દિલ કી આવાઝ સૂન
જબ તલક તેરા મેરા ના હોગા મિલન
મેં જમીન આસમાન કો હિલાતી રહૂંગી
આખરી આસ તક આખરી સાંસ તક
ખુદ તડપુંગી ઔર તડપાતી રહુંગી
યે કૌન ઘૂંઘરું ઝમકા
યે કૌન ચાંદ ચમકા
યે ધરતી પે આસમાન આ ગયા પૂનમ કા
યે કૌન ફૂલ મહકા
યૈ કોન પંછી ચહકા
મહેફિલ મેં કૈસી ખુશ્બુ ઊડી દિલ જો મેરા બહેકા
લો તન મેં જાન આયી, હોંઠો પે તાન આયી
મેરી ચકોરી ચાંદની મેં કર કે સ્નાન આયી
બિછડા વો મીત આયા, જીવન કા ગીત આયા
દો આતમાઓ કે મિલન કા દિન પુનિત આયા
સુરત હૈં મેરે સપનોં કી તુ સોહની
જમુના તુ હી હૈ તુ હી મેરી મોહિની
તેરે બિન ફીકા ફીકા હૈ દિલ કા જહાં
છુપી હૈ કહાં મેં તડપતા યહાં
તુ છુપી હૈ કહાં
છુપી હૈ કહાં
છુપી હૈ કહાં
અ... બ... ક... ડ... માટે ઉઠાવો કલમ....
ચૂંટણી ટાણે એક જાહેરાત થઇ હતી કે ગુજરાતી, પંજાબી જેવી લઘુમતી ભાષાઓને અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવશે. આ અગત્યના મુદ્દા ઉપર આપણી સંસ્થાઓના આગેવાનો અને સવિશેષ તો જેઓ ગુજરાતી ભાષા માટે ભેખધારી હોવાનો દાવો કરે છે તેઓ કોણ જાણે કેમ હાથ વાળીને શાંત બેસી રહ્યા છે તે સમજાતું નથી.
ગુજરાતી ભાષાનું મહત્ત્વ કેમરનની આ સરકારમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન અને મિનિસ્ટર ઓફ વીમેન એન્ડ ઇક્વાલિટીને જણાવવા માટે અમે ચૂંટણીઝૂંબેશ વેળાએ જ, સવિશેષ, નિકીબહેન (નિકી મોર્ગન)ના મતવિસ્તાર લફબરોમાં સંદેશો પહોંચાડ્યો હતો. બોલે તેના બોર વેચાય. ગુજરાતી ભાષા અને ગુજરાતની અસ્મિતાનું હિત જેમના હૈયે વસ્યું હોય તે સહુએ તાત્કાલિક ધોરણે પોતપોતાના વિસ્તારના એમપીને શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતી ભાષાને યથાવત્ રાખવા અને શક્ય હોય તો વધુ મહત્ત્વનું સ્થાન મળે તે માટે આગ્રહભર્યો પત્ર લખવો જ જોઇએ. આપ સહુ આ પ્રમાણે કરો જ તેવો અનુરોધ છે. આ પત્રની એક નકલ ‘ગુજરાત સમાચાર’ને પણ મોકલી આપજો. અમે આ પત્રો એકત્ર કરીને નિકીબહેનને પહોંચાડશું.
આ તબક્કે ગુજરાતી ભાષાની ઉપયોગિતા વિશે સંક્ષિપ્તમાં જણાવવું જરૂરી ગણું છું. ૧૮૪૨માં રિચાર્ડ ફ્રાન્સીસ બર્ટન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ પડતો મૂકીને ઇંડિયન સિવિલ સર્વિસમાં જોડાયા હતા. તે જમાનામાં હજારો અંગ્રેજો ભારત પહોંચીને કામ કરવાને કારકિર્દીનો સોનેરી અવસર ગણતા હતા. ભારત પહોંચીને છ મહિનામાં જ રિચાર્ડ બર્ટને હિન્દુસ્તાની ભાષા શીખી લીધી અને દુભાષિયા (ઇન્ટરપ્રિટર) તરીકે જવાબદારી ઉઠાવી. ત્યાર પછીના ચાર મહિનામાં તેમણે ગુજરાતી ભાષામાં દુભાષિયા થવાની પરીક્ષા પણ પાસ કરી.
‘રિચાર્ડ બર્ટન્સઃ જર્ની ટુ ધ સિક્રેટ સિટી’ નામનું પુસ્તક સેલીનો બર્રાડીએ લખ્યું છે. તેમાં ઉલ્લેખ થયો છે કે પાછળથી ‘સર’નો ઇલ્કાબ મેળવનાર રિચાર્ડ ફ્રાન્સીસ બર્ટન આશ્ચર્યજનક ગણાય તેમ ૪૦ જેટલી ભાષાઓ અને બોલીઓ જાણતા હતા.
વધુ અગત્યની વાત એ છે કે તે વેળાના પૂર્વ આફ્રિકામાં ટાંગાનિકાના કિગોમા ખાતે અટવાઇ ગયેલા લિવિંગસ્ટન નામના પાદરીની ભાળ મેળવવા માટે બ્રિટિશ સરકાર અને સંગઠનોએ સર રિચાર્ડ બર્ટનને જવાબદારી સોંપતા તેઓ જંગબાર (ઝાંઝીબાર) જઇ પહોંચ્યા. ઝાંઝીબારના સુલતાનના દિવાન એક ભાટીયા સજ્જન જીઓગ્રાફિક્સ હતા. અન્ય મુસ્લીમ અગ્રણીઓ પણ કામમાં આવ્યા હતા.
રોયલ થિયોસોફિકલ સોસાયટીના સહારે ઝાંઝીબારથી છ મહિનામાં ૧૩૨ પોટર સાથે લગભગ ૧૦૦૦ માઇલ પગે ચાલીને ટાંગાનિકાનો માર્ગ આ સાહસવીરે કાપ્યો. જંગબારમાં તેમજ અન્ય સ્થળોએ ગુજરાતી વ્યાપારીઓ સાથે તેમની ભાષામાં વાતચીત કરીને આ ગોરાએ અંતે તેની જવાબદારી પરિપૂર્ણ કરી.
આજે વિશ્વના ૨૦૬ દેશોમાંથી ૧૭૪ દેશોમાં ઓછીવતી સંખ્યામાં ગૌરવવંતા ગુજરાતીઓ વસે છે. વેપાર-ઉદ્યોગ તેમની નસેનસમાં વહે છે. ગુજરાતી ભાષાની જાણકારી સીધી રીતે બ્રિટિશ વેપાર-ઉદ્યોગને ફાયદાકારક નીવડે તેમાં કોઇ શંકા નથી, પરંતુ આપણે પણ આ ભાષાની અગત્યતા જાણવી જોઇએ અને જણાવવી જોઇએ. અત્યારે તો આટલું જ. કરો કંકુના... ચલાવો કલમ.
બ્રિટનની ચૂંટણીનું પૃથ્થકરણ...
શુક્રવારે બપોરે કર્મયોગ હાઉસમાં તંત્રીમંડળની બેઠકમાં ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી. પરિણામોનું પૃથ્થકરણ, વિશ્લેષણ થયું. તે જ પ્રમાણે ફોન પર અમદાવાદ કાર્યાલયના સાથીદારો સાથે પણ વિચારવિનિમય થઇ શક્યો.
બ્રિટનની ચૂંટણની વાત કરીએ તો એક વાત ઊડીને આંખે વળગે છે કે ડેવિડ કેમરન જનમત સર્વેક્ષણોને ખોટાં ઠેરવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તાની ગાદી સાચવવામાં સફળ રહ્યા છે. એક સમયે જેમનો પરાજય નિશ્ચિત જણાતો હતો તેમણે પ્રતિસ્પર્ધીઓને પછાડીને જ્વલંત વિજય મેળવ્યો છે. કેમરનના આ વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર પરિબળોનો અભ્યાસ થયો તો એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે તેમના વ્યક્તિત્વમાં કરિશ્મા છે. કિલર ઇન્સ્ટિંક્ટ છે. સાદા શબ્દોમાં કહીએ તો (ચૂંટણી) જંગ જીતવા માટે તેઓ કરો યા મરોની નીતિમાં માને છે. જીત માટે છેવટ સુધી ઝઝૂમી જાણે છે, જે પ્રકારે ગયા વર્ષે ભારતમાં નરેન્દ્ર મોદી ઝઝૂમ્યા હતા. કેમરનમાં વિજય માટેની પ્રબળ ઇચ્છાશક્તિ જોઇ શકાય છે. આત્મવિશ્વાસથી સજ્જ છે. અને બોડી લેંગ્વેજ? સંજોગો વિપરિત હતા ત્યારે પણ એકેય વખત તેઓ સ્હેજેય નબળા જોવા મળ્યા નથી. જે પ્રમાણે તેમણે ચૂંટણીપ્રચાર કર્યો, ચૂંટણીજંગમાં ટોરીને નેતૃત્વ પૂરું પાડ્યું તે એક નેતાને છાજે તેવું હતું. ચૂંટણીપ્રચારમાં તેમણે ‘મોદીનીતિ’ અપનાવી એમ પણ કહી શકાય. સમગ્ર ઝૂંબેશ દરમિયાન તેઓ મીડિયાના સંપર્કમાં રહ્યા. (આખરે તેમના થકી તો છેક છેવાડાના આમ આદમી સુધી પહોંચી શકાતું હોય છે.)
ચૂંટણીપ્રચાર દરમિયાન ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના એસોસિએટ એડિટર રુપાંજના દત્તા કેમરનની મુલાકાતે ગયા હતા. રુપાંજના મળી કે તરત જ તેમણે પૂછ્યું હતુંઃ ‘હાઉ ઇઝ સી.બી..? મજામાં છેને? હજુ બહુ કામ કરે છે?’ સ્પષ્ટ છે કે આ બધી માહિતી ઓફિસ-સ્ટાફે તેમને આપી હશે. છતાં તેમણે આ ઔપચારિક ખબરઅંતરનો સિલસિલો નિભાવ્યો. બાકી ક્યાં ડેવિડ કેમરન અને ક્યાં સી.બી. પટેલ! કહેવાનું તાત્પર્ય એટલું જ કે તેઓ સમય જોઇને વાત કરવામાં માહેર છે.
ચૂંટણીપ્રચાર દરમિયાન અમે લેબર પાર્ટી કે લિબ-ડેમનો પણ સીધો સંપર્ક કર્યો હતો, પણ ટોરીનો સંપર્ક બહુ સરળ હતો તેવો અમારો અનુભવ છે. કંઇ પણ વાત હોય કે કોઇ મુદ્દે પક્ષનું વલણ જાણવાનું હોય સંપર્ક કરો કે તરત ટોરીના નેતા મળી જ જાય. એટલું જ નહીં, કોઇ વિવાદ થયો હોય તો ખુલાસા પણ કરે અને પક્ષની વિચારસરણીના સમર્થનમાં એવી તર્કબદ્ધ દલીલ કરે કે ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય.
વાચક મિત્રો, સત્વરે પ્રતિભાવની ટોરી પાર્ટીની આ કાર્યપદ્ધતિ સહુકોઇએ જીવનમાં ઉતારવા જેવી છે. ખાસ તો પોતાને જ્ઞાતિ કે સમાજના અગ્રણી ગણાવતા કે સંસ્થાના નેતાપદે બિરાજતા મહાનુભાવોએ. આ લોકોએ સભ્યો સાથે, સમાજ સાથે કે મીડિયા સાથે ગાઢ સંપર્ક જાળવવો જ રહ્યો. આજની દુનિયામાં પબ્લિક ઓપિનિયન - જનમત આવશ્યક જ નહીં, અનિવાર્ય છે એમ કહો તો પણ ખોટું નથી.
તંત્રીમંડળની બેઠકમાં બીજી પણ ઘણી વાતો થઇ. જેમાં ઉડીને આંખે વળગે તેવો મુદ્દો હતો - ડેવિડ કેમરને ચૂંટણી ટાણે આપેલા વચનો. ચૂંટણીપ્રચારના પ્રારંભે હારનો સંકેત મળતા કેમરને હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે મતદારોને જાણે વચનોની લ્હાણી કરી છે. વચનો આપવામાં કંઇ ખોટું નથી, પણ નિયત મુદતમાં તેનું પાલન થાય એ પણ એટલું જ અગત્યનું છે.
હાલમાં બ્રિટનના અર્થકારણમાં ઇમિગ્રેશન, આરોગ્ય સેવા, કે સમાજના અછતથી પીડાતા વર્ગો માટે આશાના, અરમાનોનું કિરણ કેમરનના ચૂંટણીવચનોમાં રજૂ થયું છે. પ...ણ જો આ વચનોનો અમલ શક્ય નહીં બને તો? તેમાં પણ યુરોપિયન યુનિયન (ઇયુ)નો પ્રશ્ન, સ્કોટલેન્ડનું યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થાન વગેરે તો ખૂબ બુનિયાદી પ્રશ્નો છે.
‘એશિયન વોઇસ’માં બે સપ્તાહ પૂર્વે, બીજી મે ૨૦૧૫ના અંકમાં છ પાનની વિશેષ ચૂંટણીપૂર્તિ રજૂ થઇ હતી. આ પૂર્તિને વાચક મિત્રોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આથી આ વેળાના અંકમાં પણ ચૂંટણી પરિણામોના વિવિધ પાસાની છણાવટ કરતા મનનીય લેખો, અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. ૩૩૧ બેઠકો સાથે સ્પષ્ટ (અને આછેરી) બહુમતી છતાં સતત બીજી મુદત માટે વડા પ્રધાનપદ સંભાળનાર ડેવિડ કેમરન માટે આગામી દિવસો પડકારજનક છે. સમગ્ર બ્રિટન તેમની સમક્ષ આશાભરી મીટ માંડીને બેઠું છે. આપણે ઇચ્છીએ કે દેશવાસીઓની આશા ફળીભૂત થાય. (ક્રમશઃ)