स्थान एव नियोज्यन्ते मृत्यान्वामरणानि च ।
न हि चूडामणिः पादे नूपुरं मूर्घ्नि धार्यते ।।
(ભાવાર્થઃ નોકરચાકરો તેમજ ઘરેણાંને યોગ્ય સ્થાને ઉપયોગમાં લેવાય છે. મસ્તકે ધારણ કરવાનો મણિ પગમાં પહેરાતો નથી અને પગનું ઝાંઝર મસ્તકે ધારણ કરાતું નથી.)
આપણાં વડીલો પરાપૂર્વથી કહેતાં આવ્યાં છે કે જીવન વિષમતાઓ અને મુશ્કેલીઓથી ભરેલું છે. તો પછી તેને જીતવાની, જીવનને પામવાની ગુરુચાવી ન હોઈ શકે? જેનાથી જીવનની વિષમતાઓ જીવનનું ચેન, આરામ, આનંદ ઝૂંટવી જ ન શકે?
હા! એવી ગુરુચાવી છે ખરી! અને એ છે યોગ્યાયોગ્યતાનો વિચાર કરીને જીવનમાં કાર્ય કરવું. માનવ સામે ભરપૂર શક્યતાઓ રહેલી હોય છે, પરંતુ તેમાંથી શું સ્વીકારવું, કેટલું સ્વીકારવું, એ બધું પ્રત્યેકની વિવેકબુદ્ધિને આભારી છે. ખૂબ સહેલો દાખલો લઈએ તો લગ્નપ્રસંગોમાં જમવાનું એક વ્યક્તિ ભરપેટ ખાય છે ને માંદો થાય છે, પરંતુ બીજો પોતાની શક્તિનો વિચાર કરીને અનુરૂપ માત્રામાં જ ભોજન લે છે. શેરબજારમાં વિવેકબુદ્ધિ ન વાપરનારો ખુવાર થાય છે ને વિવેકબુદ્ધિ વાપરનારો ફાવ્યો હોય તેવા દાખલા છે જ!
સુભાષિતકાર અહીં જે બે ઉદાહરણ આપે છે તે ખૂબ સૂચક છે. એક તો નોકરચાકર અને બીજું ઘરેણાં. નોકરચાકરને જ્યારે વધુ પડતી છૂટ મળે છે ત્યારે તે શેઠનો હુકમ માનતા પણ અકળાવા લાગે છે. ઘર-વ્યવસ્થા પોતાના થકી ચાલે છે તેવું તે માનવા પ્રેરાય છે. પરિણામે ઘરની મુખ્ય વ્યક્તિથી માંડીને નોકરચાકર સુધીનું જે એક સૂત્ર બંધાયેલું હોય છે તે ખોરવાઈ જાય છે અને એ સ્થિતિ દુઃખ અને થાક આપે છે. આવું જ ઘરેણાંનું છે. ઘરેણાં એટલે કિંમતી ચીજ. તેને રઝળતા મૂકાય નહીં! ગમેત્યાં બેદરકારીથી મૂકાય નહીં! નહીંતર ચિંતા, દુઃખ અને કંટાળો. એક સજીવનું ઉદાહરણ, બીજું નિર્જીવનું ઉદાહરણ. પણ બન્ને જો યોગ્ય સ્થાને પ્રયોજાય, તો જ સુખ, આનંદ અને શાંતિ મળે. સુભાષિતકાર સૂચક રીતે કહે છે કે મસ્તકનો મણિ પગમાં અને પગનું ઝાંઝર મસ્તક પર હોઈ જ ન શકે.
અહીં સવાલનો પણ સવાલ એ છે કે આ વિવેકબુદ્ધિ, યોગ્યતાનું જ્ઞાન મળે કંઈ દુકાનેથી. મિત્રો! આપણાં શાસ્ત્રો કહે છે કે શાસ્ત્રોનાં અધ્યનથી, સંતોના સત્સંગથી અને વિદ્યા વ્યાસંગથી આ વિવેકબુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે તો પ્રાચીન કાળમાં એક આખી ઉંમર વિદ્યાપ્રાપ્તિ માટે હતી, બ્રહ્મચર્યાશ્રમના નામથી, જ્યાં માનવે જીવનની ગુરુચાવી પ્રાપ્ત કરવાની હતી, ડિગ્રી નહીં.