અને ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયા રડી પડ્યા!

Tuesday 26th April 2016 15:30 EDT
 

ભારતના સરકારી તંત્ર માટે રવિવારનો દિવસ ખરેખર શરમજનક ગણી શકાય. દેશના ન્યાયતંત્ર પર દિન-પ્રતિદિન વધી રહેલા કેસોના ભારણ અને ન્યાયતંત્ર સામેની મુશ્કેલીઓની વાત કરતાં કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર એટલા ભાવુક થઇ ગયા કે તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. પ્રસંગ હતો પાટનગરમાં યોજાયેલા મુખ્ય પ્રધાનો અને હાઇ કોર્ટના ચીફ જસ્ટિસોની પરિષદનો. ભારત એવો દેશ છે જ્યાં લોકો સરકાર અને વહીવટી તંત્ર કરતાં ન્યાયતંત્ર પર વધુ ભરોસો કરે છે. ન્યાય પણ એવો ટકોરાબંધ કે રાજ્ય સરકારથી માંડી રાષ્ટ્રપતિનો ફેંસલો બદલવામાં પણ ખચકાટ નહીં. આવી ઉચ્ચ કોટિની ન્યાયપ્રણાલિ ધરાવતા દેશના ચીફ જસ્ટિસ જો સરકારી વલણથી આ હદે વ્યથિત થઇ જાય અને તેમને બોલવું પડે કે ‘સરકાર બધી જવાબદારી ન્યાયતંત્ર પર ન ઢોળી દે’ તે જ દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક મોટી ખામી જરૂર છે.

ચીફ જસ્ટિસની વ્યથા પણ તથ્યહીન તો નથી જ. આજે એક તરફ દેશભરની અદાલતોમાં લાખો કેસો પેન્ડિંગ છે અને બીજી તરફ નાની-મોટી અદાલતોમાં ન્યાયાધીશોની સેંકડો જગ્યા ખાલી છે. આપણે દેશના સર્વોચ્ચ ન્યાયાલયનું જ ઉદાહરણ જોઇએ. ૧૯૫૦માં આઠ જજ સાથે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઇ ત્યારે ૧૨૧૫ કેસ હતા. એક જજ પાસે સરેરાશ ૧૦૦થી વધુ કેસ હતા. ૧૯૬૦માં જજોની સંખ્યા વધીને ૧૪ થઇ ત્યારે કેસ ૩૨૪૭ હતા. ૧૯૭૭માં જજોની સંખ્યા ૧૮ થઇ અને કેસની સંખ્યા ૧૪,૫૦૧. વર્ષ ૧૯૮૬માં જજ ૨૬ હતા અને કેસો ૨૭,૮૮૧. વર્ષ ૨૦૦૯માં જજોની સંખ્યા વધારીને ૩૧ થઇ ત્યારે કેસ ૭૭,૧૫૧ હતા. અને ૨૦૧૪માં કેસની સંખ્યા વધીને ૮૧,૦૮૩ થઇ ગઇ ત્યારે પણ જજની સંખ્યા તો ૩૧ જ હતી.

આંખો પહોળી કરી નાખતા આ આંકડા આપતા માનનીય ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અદાલતના શરણે આવનાર ગરીબ અપીલકર્તા વર્ષોસુધી જેલમાં સબડતા રહે છે. (વિલંબિત ન્યાય માટે) ભારતીય ન્યાય વ્યવસ્થાની માત્ર આલોચના કરવી પૂરતી નથી. તેના ઉપરના બોજને પણ ધ્યાનમાં લો. તેના ખાલી પદો પર નિમણૂક થાય તેવા પ્રયાસો પણ જરૂરી છે. આ સમયે તેમની આંખો ભીની થઇ ગઇ, ગળે ડૂમો બાઝી ગયો.

અમેરિકામાં એક જજ વર્ષમાં સરેરાશ ૮૧ કેસ જ સાંભળે છે, જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટમાં જજ દીઠ ૨૬૦૦થી વધુ કેસ છે. આજે દેશની ૨૪ હાઇ કોર્ટમાં જજોના ૪૪ ટકા હોદ્દા ખાલી છે. મતલબ કુલ ૧૦૫૬ હોદ્દામાંથી ૪૬૫ ખાલી છે. અને હાઇ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૪૯.૫૭ લાખ છે. એક અંદાજ પ્રમાણે હાઇ કોર્ટમાં કેસની સુનાવણી માટે જજ પાસે સરેરાશ બેથી પાંચ મિનિટનો ટાઇમ હોય છે. કેટલીક હાઇ કોર્ટમાં તો જજ માત્ર બેથી અઢી મિનિટમાં સુનાવણી નિપટાવે છે. જ્યારે અન્ય કોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૨.૭૫ કરોડ છે. દેશની અદાલતોમાં કુલ સવા ત્રણ કરોડથી વધુ કાનૂની મામલા પડતર છે.

આંકડાઓ પરથી અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે ભારતમાં ન્યાયાધીશો કેટલા દબાણ હેઠળ છે. સાવ એવું પણ નથી કે જજોની સંખ્યા વધારવાના પ્રયાસ જ થયા નથી, પણ ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું જેવી સરકારી નીતિના કારણે જે કામ એક વર્ષમાં થઇ શકે તેમ હતું તેમાં ૩૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ૧૯૮૭માં લો કમિશને ભલામણ કરી હતી કે પ્રતિ ૧૦ લાખની જનસંખ્યાએ જજોની સંખ્યા ૧૦થી વધારીને ૫૦ કરવી જોઇએ. આ ભલામણના ૨૯ વર્ષ બાદ વસ્તીમાં ૨૫ કરોડનો વધારો થઇ ચૂક્યો છે, પણ જજોની સંખ્યા પ્રતિ ૧૦ લાખે ૧૬થી ૧૭ જ થઇ છે.

જજોની સંખ્યા અપૂરતી છે એટલું જ નહીં, પાયાની સુવિધાઓ પણ કથળેલી છે. ભાગ્યે જ ક્યાંય નવા કોર્ટ સંકુલનું નિર્માણ થયું છે. ડિસ્ટ્રીક્ટ કોર્ટ, હાઇ કોર્ટ પણ મોટા ભાગે જૂની જગ્યાએ રજવાડા સમયની ઇમારતોમાં ચાલે છે. અહીં ન તો કોર્ટ માટે પૂરતા ઓરડા છે અને ન તો જજો માટે ચેમ્બર. હાઇ કોર્ટના ચીફ જસ્ટિસો એક યા બીજા સમયે જજોની અપૂરતી સંખ્યા અને અપૂરતી કોર્ટના અભાવે જનતાને ત્વરિત ન્યાય ન મળતો હોવાની ફરિયાદ કરી ચૂક્યા છે. સરકારના આવા અણઘડ આયોજનનું નુકસાન માત્ર પ્રજાને જ નથી થથું, દેશનો વિકાસ પણ તેનાથી રુંધાય છે. વિદેશી મૂડીરોકાણકારો ભારતમાં આવતા ખચકાય છે તેનું એક કારણ એવી આશંકા છે કે ક્યાંક કોઇ મુદ્દો કાનૂની ગૂંચમાં ભેરવાય જશે તો પોતે એકમ પણ નહીં સ્થાપી શકે અને મૂડીરોકાણનું પૂરતું વળતર પણ નહીં મળે.

અદનામાં અદના ભારતીયને ઝડપી ન્યાયથી માંડીને વિદેશી રોકાણકારોની આશંકા દૂર કરવાનો એક જ ઉકેલ છે - લો કમિશનની ભલામણોનો સરકાર દ્વારા તત્કાળ અમલ. નવા જજોની નિયુક્તિ સાથે જ નવા સંકુલનું નિર્માણ કરવાની જરૂર છે, જેથી દેશની અદાલતોમાં પેન્ડીંગ પડેલા સવા ત્રણ કરોડથી વધુ મુકદ્દમાનો નિવેડો આવે. દેશના મુખ્ય ન્યાયાધીશની પીડા જોઇ-સાંભળીને આ સમારંભમાં ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ત્વરિત ઘટતું કરવાનો ભરોસો આપ્યો છે. વડા પ્રધાને એવું પણ સૂચવ્યું છે કે જો બંધારણીય મર્યાદા ન હોય તો ચીફ જસ્ટિસની ટીમ અને સરકારની ટીમે બંધબારણે બેઠક યોજી સમસ્યાનો ઉકેલ શોધવો જોઇએ. વડા પ્રધાનનો ઇરાદો સારો છે, પણ તે માત્ર કાગળ પર ન રહેતા તેનો અસરકારક અમલ પણ થવો રહ્યો. જો આમ થશે તો જ છેવાડાના માણસ સુધી - સમયસર - ન્યાય પહોંચશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter