... અને પાકિસ્તાનની અવળચંડાઇ

Wednesday 06th December 2017 06:03 EST
 

પાકિસ્તાનને તેની જ ભાષામાં પાઠ ભણાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવા ભારતના સાહસિક પ્રયાસ છતાં સરહદી ક્ષેત્રમાં વધી રહેલી યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ ચિંતાજનક છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ દર્શાવે છે કે વીતેલા મહિનાઓમાં માત્ર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ જ નહીં, પરંતુ તેમાં મૃત્યુ પામનારા કે ઘાયલ થનારા નાગરિકો અને સૈનિકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. પાકિસ્તાને આ વર્ષે ઓક્ટોબર સુધીમાં એટલે કે માત્ર ૧૦ મહિનામાં ૭૨૪ વખત સંઘર્ષવિરામનો ભંગ કર્યો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ છે. ૨૦૧૬માં આખા વર્ષનો આંકડો ૪૪૯ હતો. યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં આ વર્ષે ૧૨ નાગરિકોના મૃત્યુ થયા છે જ્યારે ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા છે. પાકિસ્તાનના અંધાધૂંધ ગોળીબાર અને તોપમારામાં ૭૯ નાગરિકો અને ૬૭ સુરક્ષા જવાનો ઘાયલ થયા છે. આનાથી આગલા વર્ષોની વાત કરીએ તો, ૨૦૧૫માં સિઝફાયર ભંગની ૪૦૫ ઘટનાઓ, ૨૦૧૪માં ૫૮૩ ૨૦૧૩માં ૩૪૭, ૨૦૧૨માં ૧૧૪, ૨૦૧૧માં ૬૨ અને ૨૦૧૦માં ૭૦ ઘટનાઓ બની હતી.
વર્ષ પ્રતિ વર્ષ વધી રહેલી યુદ્ધવિરામ ભંગની આ ઘટનાઓ જોતાં કહી શકાય કે ભારતે સરહદી ક્ષેત્રમાં તેની સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્તદુરસ્ત બનાવ્યા વગર છૂટકો નથી. પડોશી દેશ સાથેના દ્વિપક્ષી સંબંધો સારા બનાવવા માટે ભારતે એક વખત નહીં, અનેક વખત પ્રયાસો કર્યા છે, પણ પાકિસ્તાન નથી જ સુધરવાનું તે હકીકત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઇ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વગર તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના ઘરે યોજાયેલા લગ્ન સમારંભમાં હાજરી આપી આવ્યા, પણ પરિણામ શું આવ્યું? અધૂરામાં પૂરું, ચીન સાથેની જુગલબંદીએ તેનું જોર વધાર્યું છે. ભારતના નેતાઓ પોતાના સંબોધનોમાં ગમેતેટલા હાકલાપડકારા કરે કે નરમાશ દાખવે, પણ ભારત-પાકિસ્તાનનો વિવાદ નજીકના વર્ષોમાં તો ઉકેલાય તેવી શક્યતા જણાતી નથી.
વિવાદના મૂળમાં છે કાશ્મીર. ભારત - પાકિસ્તાન વચ્ચે કુલ ૩૩૨૩ કિલોમીટર લાંબી સરહદ છે, જેમાંથી જમ્મુ-કાશ્મીરમાં ૨૨૧ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ છે અને ૭૪૦ કિલોમીટરની નિયંત્રણ રેખા (એલઓસી) છે. કોઇ દેશ પોતાની પાસે રહેલા કાશ્મીર મુદ્દે બાંધછોડ કરવા તૈયાર જ ન હોય તેવા સંજોગોમાં આ વિવાદનું સમાધાન શું? કાશ્મીરમાં પાછલા કેટલાક વર્ષોની સ્થિતિ જોતાં તો નથી લાગતું નથી કે નજીકના વર્ષોમાં વિવાદનો નિવેડો આવશે. આ સંજોગોમાં ભારત ઘૂસણખોરી અટકાવવાનું તો આયોજન તો કરી જ શકે. સશસ્ત્ર દળોને જંગી નાણાંકીય સહાય ફાળવીને સરહદે તારબંધીનું કામ પૂરું કરવું જ જોઇએ. આની સાથોસાથ જ ભારત સરકારે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી ક્ષેત્રના કેટલાક કિલોમીટરના પ્રદેશમાંથી નાગરિક વસાહતોને હટાવીને ત્યાં ભૂતપૂર્વ સૈનિકોને વસાવવા જોઇએ. તેમને નિયમિતપણે લશ્કર જેવો શસ્ત્રસરંજામ પણ પૂરો પાડવો જોઇએ અને તેને ચલાવવાની તાલીમ પણ. આનાથી પાકિસ્તાનની અવળચંડાઇ વેળા ભારત બહુ ઓછા સમયમાં વળતો જવાબ આપી શકશે. કોઇ પણ નવા પ્રયોગના અમલ વેળા તેની સફળતા અંગે આશંકા રહેતી હોય છે, પરંતુ દુશ્મન સતત કનડતો હોય તો તેની સામે આક્રમક અભિગમ એકમાત્ર શ્રેષ્ઠ અને અસરકારક ઉપાય છે. ભારતે હવે પાકિસ્તાન સામે આ જ અભિગમ અપનાવવો રહ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter