તાજેતરમાં જ પંજાબના અમૃતસર જિલ્લાના નિરંકાર સત્સંગ ભવન પર ગ્રેનેડના હુમલાએ ભારે વમળો સર્જ્યાં છે. ભારતમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા જ નરેન્દ્ર મોદી સરકારવિરોધી વાતાવરણ સર્જવા માટે પાકિસ્તાનની આર્મી, જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ જેવાં અલગતાવાદીઓ સહિત ભારતવિરોધી પરિબળો સક્રિય બની ગયા હોવાનું સ્પષ્ટ દેખાય છે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતાં ભારતના રાજ્ય પંજાબમાં બહારથી પરિસ્થિતિ ભલે થાળે પડેલી જણાતી હોય, પરંતુ આતંકવાદી હલચલના અંગારા જલતા જ રહે છે. તેના પૂરાવા આ ગ્રેનેડ હુમલામાંથી મળી રહે છે.
જર્મની અને કેનેડામાં ખાલિસ્તાનતરફી શીખ ડાયસ્પોરાના તત્વોની સંડોવણી સાથે જ હુમલાનું ષડયંત્ર લાહોરમાં ઘડાયું હોવાનું નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે. આ નાપાક ઘટનામાં પાકિસ્તાનનો હાથ હોવાનું ચોક્કસપણે એટલા માટે કહી શકાય કે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રેનેડ્સ પરના માર્કિંગ્સ પાકિસ્તાનના હોવાનું ફોરેન્સિક તપાસમાં સ્પષ્ટ થયું છે.
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કાશ્મીરી અલ કાયદા કમાન્ડર ઝાકિર મુસાએ સ્થાપેલા નેટવર્કની સંભવિત ભૂમિકા તરફ અંગૂલિનિર્દેશ કર્યો છે. કેટલાંય આતંકવાદી સંગઠનો પંજાબને ફરી આતંકવાદની આગમાં હોમવાની હિલચાલ કરી રહ્યાં છે. બ્રિટન, જર્મની અને કેનેડામાં વસતા ભારતવિરોધી પંજાબીઓના જૂથને પાકિસ્તાને સાથ આપ્યો છે, જે ત્યાં રહીને ખાલિસ્તાની વિચારધારાને સતત હવા આપ્યા કરે છે. ખાલિસ્તાન સમર્થકોએ પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવા વૈશ્વિકસ્તરે ભંડોળ એકત્ર કરવા કેનેડા, બ્રિટન અને યુરોપીય દેશોમાં સભાઓ યોજી હોવાના પણ અહેવાલ છે.
નિરંકારી શીખોની ધાર્મિક સંસ્થા પર હુમલો કરવાનું કારણ અકાલી શીખો અને નિરંકારી શીખ સંપ્રદાય વચ્ચેની દુશ્મનાવટનો લાભ લેવાનું પણ હોઈ શકે છે. ઓપરેશન બ્લુ સ્ટાર જેવું આખરી પગલું જેના કારણે ભરવું પડ્યું તે જરનૈલસિંહ ભિંદરાનવાલે પણ આ જ દુશ્મનાવટની પેદાશ હતો. ચાર દાયકા અગાઉ અકાલી શીખો અને નિરંકારી વચ્ચેની હિંસક અથડામણ બાદ જ ખાલિસ્તાની આતંકવાદની શરૂઆત થઇ હતી. પંજાબ પોલીસે નિરંકારી ભવન પરના હુમલા સંદર્ભે અવતાર સિંહ નામના મુખ્ય ષડયંત્રકારી અને તેના સાથી બિક્રમજિત સિંહની ધરપકડ કર્યા પછી વધુ શસ્ત્રો જપ્ત કર્યા છે. દુબઈના કોઈ પાકિસ્તાની નાગરિકે અવતારનો સંપર્ક સાધી ‘શીખ કોમ’ના દુશ્મનોને નિશાન બનાવવા દુષ્પ્રેરણા આપી હોવાની કબૂલાત પણ તેણે કરી છે. અવતારના જ ઈટાલીવાસી પિતરાઈએ તેનો સંપર્ક પાકિસ્તાનમાં રહેતી વ્યક્તિ સાથે કરાવ્યો હતો. જેના દ્વારા હુમલા માટેના વિસ્ફોટક સાથેના શસ્ત્રો ક્યાં છુપાવાયા છે તેની જાણકારી અવતાર ખાલસાને અપાઈ હતી.
ખાસ ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે તાજેતરમાં જ લશ્કરી વડા બિપીન રાવતે ખાલિસ્તાની લહેરના નવેસરથી આરંભની આશંકા દર્શાવી છે. આનું કારણ એ છે કે સીધા યુદ્ધમાં ભારતના હાથે સતત પરાજય વેઠી રહેલા પાકિસ્તાનને ભારત સતત સમસ્યાઓથી ઘેરાયેલું રહે તેમાં રસ છે. ચીન જેવા ભારતવિરોધી દેશના સાથથી ભારતના કાશ્મીરમાં આતંકવાદની આગ પ્રગટાવી પાકિસ્તાને પ્રોક્સી યુદ્ધ આરંભ્યું છે તેનો અંત હજુ આવતો નથી. કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને તેમના દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યા પછી પણ જો ભારતીય સૈનિકો સર્જિકલ સ્ટ્રાઈકનું પગલું ઉઠાવે અથવા આતંકવાદીઓને શોધી શોધીને ઠાર મારે ત્યારે ત્યારે તેમના માનવ અધિકારોની દુહાઈ દેનારાઓની સંખ્યા ઓછી નથી.
અગાઉની સ્થિતિને પણ ધ્યાનમાં લઈએ તો પંજાબના યુવાધનને નશીલા પદાર્થોના રવાડે ચડાવી દેવાના કાવતરાંમાં પણ પાકિસ્તાનનો જ હાથ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે, હકીકત એ જ રહી છે કે પાકિસ્તાનના તમામ શાસકો આર્મી અને જાસૂસી સંસ્થાની કઠપૂતળીઓ જ થઈને રહ્યા છે અને ઈમરાન ખાન તેમાં અપવાદ નથી. સરકારો બદલાવાથી પાકિસ્તાનની માનસિકતા બદલાશે નહિ તે નક્કર સત્ય છે.