કોઇ સસ્પેન્સ ફિલ્મની જેમ ભારે ઉતારચઢાવ અને ઉત્તેજના વધારે તેવી ઘટનાઓની હારમાળાના અંતે આખરે અમેરિકામાં ચિત્ર સ્પષ્ટ થયું છે. આગામી ચાર વર્ષ સુધી ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન અમેરિકાનું સુકાન સંભાળશે. જગતચૌટે વગોવાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હાર્યા છે. આમ તો દુનિયાના ઘણા દેશોમાં સત્તા પરિવર્તન થઇ રહ્યા છે પણ વિશ્વના સૌથી શક્તિશાળી દેશના સર્વોચ્ચ સ્થાન માટેના ચૂંટણી પરિણામો ઘણી રીતે મહત્ત્વના પણ છે, અને પથદર્શક પણ છે.
આ વખતે અમેરિકામાં ચૂંટણી વેળા અનેક વિક્રમો તૂટ્યા, તો કેટલાક મામલે નવી શરૂઆત પણ થઇ. એક તો કોરોના મહામારીના કપરા કાળમાં લોકોએ વિક્રમજનક મતદાન કર્યું. છેલ્લી એક સદીમાં સૌથી વધુ મતદાન આ વેળા નોંધાયું છે, ૧૬૦ મિલિયન લોકોએ મતદાન કર્યું અને એનાથી ય વધુ મહત્ત્વની બાબત તો એ છે કે, બંને મુખ્ય ઉમેદવારોને વધુ મત મળ્યા છે. ટ્રમ્પ ભલે હારી ગયા હોય પણ એમને ગઈ ચૂંટણી કરતા વધુ મત મળ્યા છે તે હકીકતનો કોઇ ઇન્કાર થઇ શકે તેમ નથી. તો બાઇડેને પૂર્વ પ્રમુખ બરાક ઓબામા કરતાં પણ વધુ પોપ્યુલર મતો મેળવ્યા છે. આંકડાઓ જોઇએ તો, બાઇડેનને ૫૦.૬૫ ટકા જ્યારે ટ્રમ્પને ૪૭.૬૮ ટકા મત મળ્યા છે.
બરાક ઓબામા અમેરિકાના પહેલા અશ્વેત પ્રમુખ હતા તો ભારતવંશી કમલા હેરીસ અમેરિકાના પહેલા મહિલા અને અશ્વેત ઉપપ્રમુખ બન્યા છે. આ સ્થાન પર પહોંચનાર તેઓ પ્રથમ ભારતવંશી હોવાની સાથોસાથ એશિયાઇ મૂળના પણ પ્રથમ નાગરિક છે. તેમનો જ્વલંત વિજય આંતરરાષ્ટ્રીય રાજકારણના તખતે ભારત અને ભારતવંશીઓના વધતા પ્રભાવનો પુરાવો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણનને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.
અલબત્ત, અત્યારે તો દુનિયાભરની નજર અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ જો બાઇડેન પર મંડરાઇ છે. સહુ કોઇ એ જાણવા તત્પર છે કે તેમની નીતિ વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં કેટલી અલગ રહેશે કારણ કે આ નીતિ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સમગ્ર દુનિયાને અસરકર્તા બનતી હોય છે. પોતાના વિજય પ્રવચનમાં બાઇડને અમેરિકાને એકતાંતણે બાંધવાનો સંકલ્પ કર્યો છે. રંગભેદના મામલે બે ભાગમાં વહેંચાઇ ગયેલા દેશવાસીઓને તેમણે હાકલ કરી છે કે હવે પરસ્પર કડવાશ ભૂલવાનો સમય આવી ગયો છે. તેમણે અમેરિકાના આત્માનું પુનઃ સ્થાપન કરવાની, દેશની કરોડરજ્જૂસમાન મધ્યમ વર્ગને ફરી બેઠો કરવાની અને અમેરિકાને ફરી એક વખત વિશ્વમાં સન્માનનીય સ્થાન અપાવવાની વાતને વિશેષ મહત્ત્વ આપ્યું છે. નોંધનીય છે કે ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રવાદનો મુદ્દો ચગાવ્યો તો હતો, પણ એ ખોખલો સાબિત થયો. જોકે એક વાત એ પણ સ્વીકારવી રહી કે, ટ્રમ્પ જેવા નેતા અને એમની શાસનપદ્ધતિ ઘણાને ગમે છે, અને એટલે જ ટ્રમ્પને ગઈ વખત કરતા વધુ મત મળ્યા છે પણ જો બાઈડેન વધુ ઠરેલા નેતા જણાય છે. એમણે ટ્રમ્પને કહ્યું પણ ખરું કે એ પ્રતિસ્પર્ધી છે, દુશ્મન નથી. અમેરિકી મતદારોએ આશા, એકતા, શિષ્ટતા, વિજ્ઞાન અને સત્ય માટે એમની પસંદગી કરી છે.
બાઇડેન સામેનો સૌથી મોટો પડકાર અમેરિકાની પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવાનો તો છે જ, પરંતુ સૌપ્રથમ તો તેમણે કોરોના મહામારીને નાથવાની છે. જાન હૈ તો જહાન હૈ... વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના લોકડાઉન વેળા ભારતીયોને કહેલી આ ઉક્તિ આખી દુનિયાને પણ એટલી જ સચોટ રીતે લાગુ પડે છે. આ પછી બાઇડેનનું બીજું લક્ષ્ય છે દેશના ખાડે ગયેલા અર્થતંત્રને પુનઃ ચેતનવંતુ કરવાનું. રોજગારી વધશે, લોકો કામે વળગશે તો અરાજકતા આપોઆપ ઘટશે. આ આ બન્ને મામલે તેમની પાસે યોજના તૈયાર હોવાનો બાઇડેનનો દાવો છે. જોકે આ યોજનાઓ કેવી છે અને કેટલા સમયમાં સફળ થાય છે એ મહત્ત્વનું છે.
ભારત માટે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે બાઇડેને પ્રમુખપદ સંભાળ્યા બાદ અમેરિકા અને ભારતના સંબંધો કઇ દિશામાં આગળ વધે છે. બાઇડેન પૂર્વ પ્રમુખ ઓબામાના બન્ને કાર્યકાળ દરમિયાન ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. આથી ભારત મામલે તેમની નીતિરીતિ - અભિગમ એ જ રહેવા સંભાવના છે જે ઓબામાના કાર્યકાળ દરમિયાન હતી. આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વિશ્લેષકો માને છે કે અમેરિકાની વિદેશ નીતિ પર બાઇડેનનું ખાસ્સું પ્રભુત્વ છે. ભારતીય માતા અને આફ્રિકન પિતાના સંતાન કમલા હેરિસે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતે ભારતવંશી હોવાની વાતને જે પ્રકારે પ્રાધાન્ય આપ્યું છે તેના પરથી પણ એ બાબતનો સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત સાથે જોડાયેલા મુદ્દાઓ અંગેનો તેમનો અભિગમ ખાસ્સો મહત્ત્વપૂર્ણ હશે. ડેમોક્રેટિક નેતાઓ બરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટન જેવા નેતાઓનો ભારત-સમર્થક અભિગમ જગજાહેર છે. ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટ બિલ ક્લિન્ટનના કાર્યકાળ દરમિયાન ભારતે અણુપરીક્ષણ કરતાં અમેરિકાએ ભારત પર આર્થિકથી માંડીને ટેક્નોલોજીના ક્ષેત્રે અઢળક પ્રતિબંધો લાદ્યા હતા. તો આ જ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન અમેરિકા-ભારત વચ્ચે બહુ મહત્ત્વના અણુકરાર પણ થયા હતા.
બાઇડેનના વ્યક્તિત્વમાં ભલે ટ્રમ્પ જેવો આક્રમક અભિગમ જોવા મળતો ન હોય, પરંતુ નમ્ર - સાલસ વ્યક્તિત્વ આ રાજનેતા લોકો સાથે નિસ્બત ધરાવતા મુદ્દાઓને પ્રાધાન્ય આપવાના મૂડમાં છે. અને આ જ બાબત તેમને ટ્રમ્પથી નોખા પાડે છે. તરંગી ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ના સમર્થક હતા, જ્યારે બાઇડેનના પક્ષનો અભિગમ બહુપક્ષીય આધારિત છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી સહયોગ વધારવાના નવા દરવાજા પણ ખૂલી શકે છે. આજે સમગ્ર વિશ્વને કનડી રહેલી આતંકવાદ સમસ્યા સામે સહિયારું અભિયાન હાથ ધરાય તેવું પણ બની શકે છે. વિશ્વના શક્તિશાળી દેશના સર્વોચ્ચ સ્થાને બાઇડેનના આગમનથી ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબત બનશે એવી આશા અસ્થાને નથી, અને સાઉથ એશિયામાં શાંતિ અને સમૃદ્ધિ માટે આ આવશ્યક પણ છે. અમેરિકામાં વસતાં ભારતીયોની વાત કરીએ તો એવા પણ અહેવાલ છે કે બાઇડેન ટ્રમ્પે ઘડેલી વિઝા નીતિમાં ધરમૂળથી બદલાવ લાવવાના છે અને પાંચ લાખ ભારતીયોને અમેરિકાની નાગરિકતા મળે તેવી શક્યતા છે.
તો શું પરાજિત ડોનાલ્ડ ટ્રમ્પ કાળની ગર્તામાં ધકેલાઇ જશે?! અત્યારે તો એવું લાગતું નથી. તેઓ એકથી વધુ વખત બાઇડેનના વિજયને કાનૂની પડકાર આપવાનો ઇરાદો જાહેર કરી ચૂક્યા છે. આમ બાઇડેનનો પ્રમુખપદ સુધીનો રસ્તો દેખાય છે એટલો આસાન જણાતો નથી. ટ્રમ્પ કદાચ પહેલા એવા અમેરિકી પ્રમુખ હશે, જેઓ તેમની નીતિરીતિના બદલે વિવાદાસ્પદ અભિગમના કારણે વધુ યાદ રહેશે. એમના શાસનમાં અમેરિકાની અનેક પરંપરાઓ તૂટી છે. ખાસ કરીને અમેરિકાનો દુનિયાભરમાં જે દબદબો હતો એ તૂટયો છે. ટ્રમ્પ સનકી શાસક રહ્યા એમ કહીએ તો પણ ખોટું નહીં ગણાય. એમની અનેક નીતિઓ સામે અમેરિકામાં જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં વિરોધ થયો. ખાસ કરીને કોરોના સામેની લડાઈમાં ટ્રમ્પ બહુ નબળા પુરવાર થયા. એમના જુઠાણા મુદ્દે બહુ બદનામી થઇ. એમના સામે અનેક કેસ થઇ શકે એમ છે. એમાં આર્થિક મુદ્દાઓ પણ છે. નવનિયુક્ત પ્રમુખ સત્તાનાં સૂત્રો સંભાળે પછી ટ્રમ્પ સાથે કાનૂની કાર્યવાહી ધરાય તો પણ નવાઇ નહીં.
બાઇડેને વિજય બાદ કહ્યું હતું કે અમેરિકાના નવા દિવસોની શરૂઆત થઇ ચુકી છે. સત્તા પરિવર્તન ઘણું બદલી નાખે છે, પણ શું અમેરિકા બદલાશે? આનો જવાબ તો સમય જ આપશે.