દસકાઓ પુરાણા અયોધ્યા વિવાદનો ઉકેલ મંત્રણા - વાટાઘાટો દ્વારા લાવવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે. આ સૂચન આવકાર્ય પણ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં તેનું સવિશેષ મહત્ત્વ પણ છે. વિવાદાસ્પદ માળખું તોડી પડાયા બાદ કેન્દ્ર અને રાજ્યમાં પહેલી વખત એક જ પક્ષની સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર શાસનધૂરા સંભાળી રહી છે. અયોધ્યા વિવાદ અંગે પાછલા ૬૮ વર્ષથી કોર્ટમાં ખેલાઇ રહેલા કાનૂની જંગે દેશમાં કોમી એખલાસની ભાવનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે એમ કહીએ તો પણ ખોટું નથી. રાજીવ ગાંધીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન કેસની સુનાવણી કરતાં કોર્ટે અયોધ્યામાં વિવાદાસ્પદ ઢાંચા પરથી તાળું ખોલી નાખવા આદેશ આપ્યો હતો. આ પછી નરસિંહ રાવ સરકારના કાર્યકાળ દરમિયાન નિરંકુશ ટોળાંએ વિવાદાસ્પદ માળખું તોડી પાડ્યું. આ ઘટનાના પગલે ફાટી નીકળેલા કોમી તોફાનોની યાદોથી આજે પણ કાળજું કંપી જાય છે. ઘટનાને ૨૫ વર્ષ થઇ ગયા છે, પરંતુ વિવાદનો ઉકેલ આજે પણ ક્યાંય નજરે ચઢતો નથી. આ લાંબા અરસામાં કેન્દ્રમાં કોંગ્રેસ, ભાજપ અને ત્રીજા મોરચાની સરકારો રાજ કરી ચૂકી છે. મામલો હાઇ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, પરંતુ પરિણામ અદ્ધરતાલ છે.
સુપ્રીમ કોર્ટે વિવાદનો અંત મંત્રણાના માધ્યમથી આણવાની સલાહ આપી છે. અને જરૂર પડ્યે મધ્યસ્થી માટે પણ તૈયારી દર્શાવી છે. દેશની સર્વોચ્ચ અદાલતની આ ભાવનાનું તમામ પક્ષકારોએ સન્માન કરવું જોઇએ. કોર્ટના ફેંસલાથી બન્ને પક્ષકારો વચ્ચેનું અંતર વધવાની પૂરી શક્યતા છે. પરંતુ જો ધર્મ અને આસ્થા સાથે સંકળાયેલા આ મુદ્દે બન્ને પક્ષકારો સાથે બેસીને ઉકેલ લાવશે તો સામાજિક સમરસતા જળવાઇ રહેશે તેમાં બેમત નથી. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હવે ભાજપની સરકાર છે. વડા પ્રધાને આ મામલે તમામ રાજકીય પક્ષો અને કેસ સાથે જોડાયેલા તમામ પક્ષકારોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. પ્રયાસ એવો પણ થવો જોઇએ કે અયોધ્યામાં રામ મંદિર બને તો મસ્જિદનું પણ નિર્માણ થાય. ટૂંકમાં, બન્ને પક્ષકારોને સંતોષ થાય તેવો કોઇક વિકલ્પ શોધવો રહ્યો કે જેથી જૂના ઘા ભરાઇ જાય. નફરતની દિવાલ દૂર થાય અને બન્ને સમુદાયો વચ્ચે એકતા-સમરસતાનો સેતુ રચાય. સત્તાના સિંહાસને બેઠેલા લોકોએ તમામ પક્ષકારોના હિતમાં રાખીને એવો ઉકેલ શોધવો રહ્યો કે જેથી આ વિવાદ કાયમ માટે સમેટાઇ જાય. આવું શક્ય છે, પરંતુ આ માટે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિ આવશ્યક છે. અને મોદી સરકાર પાસે આવી આશા રાખવી અસ્થાને નથી.