મહાભારતનો જંગ છેડાઈ રહ્યો હોય તેમ ગગનભેદી બ્યૂગલો વાગી રહ્યાં છે. એક તરફ, ૨૯ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા અયોધ્યા રામમંદિર ભૂમિવિવાદ મુદ્દે સુનાવણી શરૂ થવાની છે અને બીજી તરફ, લોકસભાની ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. આ અગાઉ, નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મિની સામાન્ય ચૂંટણીઓનો જંગ પણ જોવા મળવાનો છે. આ સંદર્ભમાં રામમંદિર નિર્માણની તરફેણ અને વિરુદ્ધમાં વિધવિધ શંખો ફૂંકાઈ રહ્યા છે તેમાં કોઈ નવાઈ લાગતી નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિજયાદસમી અગાઉના સંબોધનમાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે વટહૂકમ જારી કરવા મોદી સરકારને ચીમકી આપતા કહ્યું હતું કે મંદિર સંદર્ભે ચાલતી રાજનીતિ બંધ થવી જોઈએ અને નિર્માણકાર્ય તુરત હાથ ધરાવું જોઈએ. ભગવાન રામ કોઈ એક સંપ્રદાયના નથી, તેઓ સમગ્ર ભારતની આસ્થાના પ્રતીક છે. તેમણે તો કોથળામાં પાંચશેરી રાખીને ફટકારતા એમ પણ કહ્યું છે કે લોકો એવો પ્રશ્ન કરે છે કે તેમના થકી ચૂંટાયેલી સરકાર હોવાં છતાં મંદિરનિર્માણ કેમ કરાતું નથી.
શ્રી ભાગવતના આહ્વાન પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ તેમની સાથે જોડાયા છે અને રામમંદિરના નિર્માણની તૈયારી શરુ કરી દેવા જણાવ્યું છે. આટલું ઓછું હોય તેમ શિવ સેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ મેદાનમાં કૂદી પડ્યા છે. તેમણે ભાજપને ફટકાર લગાવતા કહ્યું છે કે જો તમારા (ભાજપ)માં તાકાત ન હોય તો અમે રામમંદિર નિર્માણનું કાર્ય હાથ ધરવા તૈયાર છીએ.
બીજી તરફ, કોંગ્રેસના બોલકા નેતા શરી થરુરે તો ‘ડાહ્યાઓ જ્યાં જતા વિચારે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે’ની ઉક્તિ સાચી પાડતા હોય તેમ ‘સારા હિન્દુ, ખરાબ હિન્દુ’નો વણજોઈતો વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘બહુમતી હિન્દુઓ તેમની માન્યતા પ્રમાણે રામ જન્મ્યા હતા તે સ્થળે અયોધ્યામાં રામમંદિર બાંધવા ઈચ્છે તે સ્વાભાવિક છે. પરંતુ, હું માનું છું કે કોઈ સારો હિન્દુ અન્ય કોઈના ધર્મપૂજાના સ્થાનને તોડી નાખી તે સ્થળે મંદિર બંધાય તેમ નહિ ઈચ્છે.’
અયોધ્યાની સુનાવણી મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરી દેવાયું છે કે આ વિવાદ હવે જમીનની માલિકીનો હોવાનું ગણાવી તેનો નિકાલ લવાશે. આ વિવાદમાં મુખ્ય પક્ષકાર અયોધ્યામાં વિરાજમાન રામ લલા, નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને હિન્દુ મહાસભાની દલીલો શરૂઆતમાં સાંભળવામાં આવશે. જમીનના ટાઈટલ મુદ્દે અલ્લાહાબાદ હાઈ કોર્ટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના ચુકાદામાં વિવાદિત ભૂમિના ત્રણ હિસ્સા કર્યા હતા. અત્યારે રામજીની મૂર્તિ રખાયેલી છે તે ત્રણ ગુંબજની વચ્ચેનો હિસ્સો હિન્દુઓને, સીતા રસોઈ અને રામ ચબૂતરા સાથેનો બીજો હિસ્સો નિર્મોહી અખાડાને અને બાકીનો એક તૃતીયાંશ હિસ્સો સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને ચુકાદા થકી સુપરત કરાયો હતો. પરંતુ, તમામ પક્ષકારોએ ૨૦૧૧માં હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારતા હાઈ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકાયો છે.
મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ મસ્જિદ ઈસ્લામ માટે અભિન્ન અંગ હોવાનું જણાવ્યું છે. જોકે, ૧૯૯૪ના સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે ઈસ્માઈલ ફારુકી કેસમાં નમાજ પઢવા માટે મસ્જિદ ઈસ્લામનું આવશ્યક અંગ ન હોવાના નીરિક્ષણો કર્યા હતા, જે વર્તમાન અયોધ્યા ટાઈટલ વિવાદમાં સુસંગત ન હોવાનું જણાવી કેસ વિશાળ બંધારણીય બેન્ચને સુપરત કરવાની માગ કોર્ટે ફગાવી હોવાથી અયોધ્યા કેસમાં મોટો અવરોધ દૂર થયો છે. સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને પોતાના વતી ચુકાદો આપતા જસ્ટિસ અશોક ભૂષણે ફારુકી કેસ મુદ્દે ચુકાદો ધાર્મિક બાબતે નહિ, પરંતુ જમીન સંપાદન સંબંધે જ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના જૂના કેસમાં બે મૂળ પક્ષકારો આખરી સુનાવણીમાં નહિ હોય. કેસનો ચુકાદો આવે તે અગાઉ જ તેમના મૃત્યુ થયા છે. અગાઉ ૧૯૪૯માં મહંત રામચંદ્રદાસ પરમહંસે રામજીના દર્શન અને પૂજન કરવા દેવાની વિનંતી કરતા મંદર-મસ્જિદ વિવાદ સ્થાનિક કોર્ટમાં પહોંચ્યો હતો. બીજી તરફ, વિવાદિત ભૂમિથી ૧.૫ કિ.મીના અંતરે રહેતા હાશિમ અન્સારીએ બાબરી મસ્જિદમાંથી ભગવાન રામની મૂર્તિ હટાવી લેવા કોર્ટમાં દાદ માગી હતી. મહંત પરમહંસ ૨૦૦૩ની ૨૦ જુલાઈએ અને હાશિમ અન્સારી ૨૦૧૬ની જુલાઈમાં મૃત્યુ પામ્યા છે.