આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને છેવટે દિલ્હી મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોના ઓછાયે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે. કાયમ પ્રતિસ્પર્ધી પક્ષોના અઢારેય અંગ વાંકા નિહાળતા રહેલા કેજરીવાલે કબૂલ્યું છે કે તેમનાથી ભૂલો થઇ છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે કે આમ આદમી પાર્ટી (‘આપ’) હવે આત્મનીરિક્ષણ કરશે અને આ ભૂલો પણ સુધારશે. ‘આપ’ જ નહીં, દરેક પક્ષ ભૂલ કરતો હોય છે. ફરક બસ એટલો જ હોય છે કે કોઇ ભૂલ કર્યા બાદ પણ તેમાંથી ધડો લેવાના બદલે પોતાનું જ વાજું વગાડ્યા કરે છે તો સમજદાર નેતૃત્વ તેમાંથી બોધપાઠ લઇને નવેસરથી મેદાનમાં ઝૂકાવતા હોય છે. કેજરીવાલ પણ હવે પહેલો મારગ છોડીને બીજો મારગ અપનાવવા તૈયાર થયા છે.
‘આપ’એ ફેબ્રુઆરી ૨૦૧૫માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી સહુ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ૭૦ સભ્યોના ગૃહમાં ૬૭ બેઠકો મેળવીને દિલ્હીના બે મુખ્ય પક્ષો - કોંગ્રેસ અને ભાજપનો સફાયો કરી નાખ્યો હતો. દિલ્હીવાસીઓને જ નહીં, દેશવાસીઓને પણ લાગ્યું હતું કે દેશમાં એક ત્રીજી રાજકીય શક્તિનો ઉદય થયો છે. ‘આપ’એ દિલ્હીમાં શરૂઆત પણ સારી કરી હતી. વીજળીના બિલ અડધા કરી નાખવાની સાથોસાથ પાણીના બિલ માફ કરીને પક્ષે વચનોનો અમલ શરૂ કરી દીધો હતો. આ બધું જોતાં લાગતું હતું કે દિલ્હીની કાયાપલટ નક્કી છે.
પરંતુ ધીમે ધીમે ‘આપ’ને સત્તાનો નશો ચઢવા લાગ્યો હતો. પ્રધાનો અને વિધાનસભ્યો ‘આમ’માંથી ‘ખાસ’ બનવા લાગ્યા હતા. બંગલા માટેની ખેંચતાણ, વિદેશ પ્રવાસો માટે સ્પર્ધા અને પોતાના લોકોને સરકારમાં ગોઠવવાની - બીજા નેતાઓ જેવી - ભૂલો ‘આપ’ના નેતા પણ કરવા લાગ્યા. સરકારી પૈસામાંથી વકીલોને તોતિંગ ફીની ચૂકવણી અને ફાઇવ સ્ટાર હોટેલોમાં સરકારી ભોજન સમારોહ યોજાવા લાગ્યા. લોકોના જનજીવનમાં સુધારો થવાની વાત આવી તો ઓળિયોઘોળિયો કેન્દ્ર સરકાર પર નાખ્યો. કેજરીવાલ સરકારે લેફ્ટનન્ટ ગવર્નર અને કેન્દ્ર સરકારને પડકારવાના અને આમ આદમીને ભડકાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. પોતાના પ્રધાનોની ગેરરીતિઓ ખુલ્લી પડવા લાગી હતી, પણ કેજરીવાલને તો પોતાના વિરુદ્ધની દરેક વાતમાં ‘ભાજપનો હાથ’ જ દેખાતો હતો. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પરના પ્રતિબંધ વેળા તો કેજરીવાલ એન્ડ પાર્ટીએ જબરી થાપ ખાધી. ઠેર ઠેર જાહેર સભાઓ અને સરઘસ યોજ્યા, પરંતુ તેમને એ ન સમજાયું કે બહુમતી પ્રજા નોટબંધીની તરફેણમાં છે. પંજાબમાં સત્તા મેળવવાનું સપનું સરી ગયું ત્યારે દોષનો ટોપલો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) પર ઢોળ્યો.
હકીકત તો એ છે કે દિલ્હી વિધાનસભામાં અભૂતપૂર્વ વિજય પછી કેજરીવાલના દિમાગનો પારો ઊંચે ચડયો હતો. તેઓ પંજાબ, ગોવા પછી ગુજરાત સર કરવાના મિજાજમાં હતા. સમગ્ર દેશમાં છવાઇ જવાની ઘાઇ ઘાઇમાં તેઓ એ જ ભૂલી ગયા હતા કે દિલ્હીની પ્રજાએ તેમને જે કામો માટે સત્તા સોંપી છે એ તો કોરાણે મૂકાઇ ગયા છે.
પક્ષનો પાયો નબળો પડી રહ્યો હતો અને લોકોમાં અસંતોષ, આક્રોશ વધી રહ્યા હતા, પરંતુ કેજરીવાલ એન્ડ કંપનીને કોઇ પરવા નહોતી. આવા સંજોગોમાં પંજાબ અને ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ પડતા પર પાટું મારવાનું કામ કર્યું. પછી પેટા-ચૂંટણીમાં રકાસ થયો. અને બાકી કસર દિલ્હી મહાનગરપાલિકા ચૂંટણીએ પૂરી કરી. પાટનગરમાં ‘આપ’ની સરકાર હોવા છતાં મહા-નગરપાલિકામાં કારમો પરાજય થયો. ભાજપને ગત ચૂંટણી કરતાં પણ વધુ બેઠકો મળી. ૨૭૦ બેઠકોમાંથી ભાજપે ૧૮૩ બેઠકો જીતી જ્યારે ‘આપ’ને માત્ર ૪૭ બેઠકો મળી. કોંગ્રેસના ફાળે માંડ ૨૯ બેઠકો આવી છે. વિધાનસભામાં બે વર્ષ પહેલાં પ્રચંડ વિજય મેળવનાર ‘આપ’ માટે મહાનગરપાલિકાની ચૂંટણી જનમત સમાન હતી.
પ્રારંભે તો ‘આપ’ની નેતાગીરીએ ઇવીએમમાં ગરબડનો ગણગણાટ શરૂ કર્યો હતો, પરંતુ પક્ષના જ એક જૂથના ખુલ્લંખુલ્લા વિરોધ બાદ કેજરીવાલે મૌન તોડતા કહ્યું છે કે હવે બહાનાબાજીથી કામ નહીં ચાલે અને ભૂલો સુધારવી પડશે. આત્મનીરિક્ષણ કરીને ભૂલોને સુધારી લે તો ‘આપ’ માટે હજુ પણ બહુ મોડું થઇ ગયું નથી. જોકે આ માટે તેણે પહેલાંની જેમ જ આંતરિક લોકતંત્રની સ્થાપના કરવાની સાથોસાથ કાર્યકરોના સૂચનોને પણ કાને ધરીને તેનો અમલ કરવો પડશે. ‘આપ’ની નેતાગીરીએ પ્રજાને ફરી એ વિશ્વાસ અપાવવો પડશે કે તેઓ અંગત સ્વાર્થ માટે નહીં, પણ સુશાસન માટે સત્તા હાંસલ કરવા માગે છે.