આમ આદમી પાર્ટી (‘આપ’)ના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ‘માફીયાત્રા’ આગળ વધી રહી છે. પંજાબથી શરૂ થયેલી યાત્રા હવે દિલ્હી પહોંચી છે. વ્યક્તિની પ્રતિષ્ઠા ખરડાય, બદનક્ષી થાય તેવા આક્ષેપો કરવા બદલ પંજાબમાં અકાલી નેતા બિક્રમ સિંહ મજિઠિયા, મહારાષ્ટ્રમાં ભાજપના પીઢ નેતા તથા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની માફી માગ્યા બાદ હવે તેમણે નાણાંપ્રધાન અરુણ જેટલી સામે નાકલીટી તાણી છે. આ દરેક કેસમાં જે તે નેતાએ કેજરીવાલ સામે જંગી વળતરનો કાનૂની દાવો માંડ્યો હતો.
કેજરીવાલે દિલ્હી ક્રિકેટ એસોસિએશનમાં ભ્રષ્ટાચાર મામલે જેટલી સામે બેફામ આક્ષેપો કર્યા હતા. જેટલીએ તેમને આક્ષેપો પુરવાર કરવા પડકાર્યા. પ્રત્યુત્તર ન મળતાં જેટલીએ કેજરીવાલ સહિત ‘આપ’ નેતાઓ સામે રૂ. ૧૦ કરોડનો બદનક્ષી દાવો માંડ્યો હતો. આ ઓછું હોય તેમ, કેસની સુનાવણી વેળા કેજરીવાલના ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ પણ જેટલી વિરુદ્ધ અનુચિત ટિપ્પણી કરી. જેટલીએ વધુ ૧૦ કરોડ રૂપિયાનો દાવો ઠોકી દીધો. વગર વિચાર્યા નિવેદનો કરવાથી કેજરીવાલ એક પછી એક એવા કાનૂની જાળામાં અટવાયા કે તેઓ મુખ્ય પ્રધાન કાર્યાલય કરતાં વકીલના કાર્યાલય અને કોર્ટમાં વધુ દેખાતા હતા. આ પછી તેમને વાસ્તવિક્તાનું ભાન થયું હશે કે કોઇ શાણા માણસે સલાહ આપી હશે, પણ થોડાક સમય પહેલાં કેજરીવાલે બદનક્ષીના દાવાઓની કાનૂની લડાઇ લડવાને બદલે જે તે નેતાઓની માફી માગવાનો સિલસિલો શરૂ કર્યો હતો.
આ નિર્ણયથી કેજરીવાલને રાજકીય નુકસાન અવશ્ય થશે, પરંતુ કોર્ટના ચક્કરથી બચી જશે તે નક્કી. તેમના ‘માફીનામા’થી પંજાબમાં તો આમ આદમી પાર્ટી લગભગ નેસ્તનાબૂદ થવાના આરે છે. પક્ષપ્રમુખના અભિગમથી નારાજ સાંસદ ભગવંત માને પક્ષ સાથે છેડો ફાડ્યો છે તો બીજા અનેક નેતાઓ પણ પક્ષ છોડી ગયા છે. આજે સ્થિતિ એવી સર્જાઇ છે કે એક રાજકીય નેતા તરીકે વિરોધી પર આકરા પ્રહારો કરનારા કેજરીવાલની વિશ્વસનીયતા ખતમ થઇ ગઇ છે. ભવિષ્યમાં કેજરીવાલ કોઇ પક્ષ કે તેના નેતા સામે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે આક્ષેપો કરશે તો કોઇ તેને સ્વીકારશે કે કેમ તે સવાલ છે.
અલબત્ત, કેજરીવાલે રાજકીય નુકસાનનું જોખમ ઉઠાવીને પણ માફી માગવાનો નિર્ણય લીધો છે તેની પાછળ એવું કારણ અપાય છે કે તેમણે હવે માત્ર સરકારની કામગીરી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય કર્યો છે.
કેજરીવાલ-સમર્થકો તેમના ‘માફીનામા’ને ભલે (રાજકીય દૃષ્ટિકોણથી) આત્મઘાતી પગલું ગણાવતા હોય, પરંતુ સંભવ છે તેઓ ભવિષ્યમાં વિરોધીઓની ખામી કે ભૂલો સામે આંગળી ચીંધવાના બદલે પોતાની સરકારે કરેલાં કાર્યોના આધારે મત માગવાનો મનસૂબો ધરાવતા હોય. જો આવું બનશે તો એ ભારતીય રાજકારણમાં એક નવો જ પ્રયોગ બની રહેશે. અને આમેય પ્રજા કોઇ પણ નેતાને તેની કામગીરીના આધારે મૂલવતી હોય છે ને?