ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ટોચના કાનૂનવિદ્ હોય શકે છે, પરંતુ એટલા મોટા કાનૂનવિદ્ પણ નહીં કે દેશના ન્યાયતંત્રને તેની મર્યાદાનો અહેસાસ કરાવતા રહે. વીતેલા સપ્તાહે જેટલીએ દેશના પાટનગરમાંયોજાયેલા એક કાર્યક્રમમાં ન્યાયતંત્રને પોતાની ‘લક્ષ્મણ રેખા’ આંકી લેવાની સલાહ આપી દીધી. ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના મોદી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો તે સંદર્ભે તેમની આ પ્રતિક્રિયા હતી. આની સાથે સાથે જ તેમણે એવી લાગણી પણ વ્યક્ત કરી કે નિર્ણયો લેવાનો અધિકાર સરકારને છે, ન્યાયતંત્રને નહીં. મોદી સરકારના વરિષ્ઠ પ્રધાન જેટલીએ જે કંઇ કહ્યું છે તે સો ટચનું સત્ય છે. નિર્ણય લેવાનો અધિકાર સરકારનો છે તે વાતનો કોઇ ઇન્કાર કરી શકે નહીં, પરંતુ તેઓ જરા એ કહેશે કે સરકારનો નિર્ણય સાચો છે કે ખોટો તે કોણ નક્કી કરશે? ખાસ તો ઉત્તરાખંડમાં ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવા જેવા નિર્ણયનો.
લક્ષ્મણ રેખા હોવી જોઇએ, પરંતુ માત્ર ન્યાયતંત્ર માટે જ નહીં. લક્ષ્મણ રેખા સરકાર માટે પણ હોવી જોઇએ અને વહીવટી તંત્ર પણ હોવી જોઇએ. એવું તો કઇ રીતે બની શકે કે લોકોએ ચૂંટેલી સરકારને બરખાસ્ત કરી દઇને લોકશાહીનું ગળું ટૂંપી દેવામાં આવે અને પછી ન્યાયતંત્ર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે તે સરકારી નિર્ણય પર મંજૂરીનો થપ્પો મારી દે. ચાર વર્ષ પહેલાં ઉત્તરાખંડની પ્રજા ભાજપને વિરોધ પક્ષની પાટલીએ બેસવાનો ફેંસલો સંભળાવી ચૂકી હતી તો શું તેણે લોકચુકાદાનો અમલ નહોતો કરવો જોઇતો? ઉત્તરાખંડમાં સત્તારૂઢ કોંગ્રેસના નવ બળવાખોર ધારાસભ્યો સાથે મળીને સરકાર રચવાનું સપનું જોવું તે ‘લક્ષ્મણ રેખા’નું ઉલ્લંઘન નહોતું? ભાજપ તો એક યા બીજા પ્રસંગે હંમેશા કહેતો રહ્યો છે કે બહુમતનો ફેંસલો તો ગૃહની અંદર જ થવો જોઇએ. તો ઉત્તરાખંડમાં આ વાતનો અમલ કરવાનું તેઓ કેમ ચૂકી ગયા?
ઉત્તરાખંડમાં ગૃહની અંદર થયેલા બહુમત પરીક્ષણમાં ભાજપને મોંભેર પછડાટ ખાવી પડી તો તેમને ન્યાયતંત્રની ‘લક્ષ્મણ રેખા’ યાદ આવી. પરંતુ પક્ષ ખુદ લક્ષ્મણ રેખાની અંદર રહ્યો હોત તો તેને ન્યાયતંત્રની આકરી ટીપ્પણી સાંભળવી પડી ન હોત. ઉત્તરાખંડ મામલે આટલી મોટી પીછેહઠ પછી પણ જો ભાજપ ન્યાયતંત્રના ઇરાદા પર સવાલ ઉઠાવતો હોય તો માની લેવું રહ્યું કે ભાજપ હવે અગાઉનો ભાજપ નથી. વિરોધ પક્ષની પાટલીએ બેઠા હોઇએ ત્યારે લોકતંત્રની એક પરિભાષા અને સત્તાની ખુરશી પર બેઠા પછી લોકતંત્રની બીજી પરિભાષા કઇ રીતે સ્વીકારી શકાય?
ભાજપને સરકાર રચવાનો અધિકાર અવશ્ય છે, પરંતુ પાછલા બારણેથી નહીં. ઉત્તરાખંડમાં માત્ર દસ મહિનામાં જ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપે ધીરજ રાખવાની જરૂર હતી. ન્યાયતંત્ર પર જેટલીના વાક્બાણોને પક્ષ અને સરકારે પણ ગંભીરતાથી ધ્યાને લેવા રહ્યા. સરકારો તો આવતી-જતી રહેશે, પરંતુ બંધારણ સભા (લેજિસ્લેચર) અને ન્યાયતંત્ર વચ્ચે આ પ્રકારે ખુલ્લી ટક્કર ન તો લોકતંત્ર માટે શુભ સંકેત છે, ન તો દેશ માટે. કોઇ પ્રધાનને, પછી ભલેને તેઓ ગમેતેટલા વરિષ્ઠ કે પ્રભાવશાળી કેમ ન હોય, તેમને લોકશાહીના બે આધારસ્તંભો વચ્ચે ટકરાવ વધારે તેવી ટિપ્પણી કરવાની છૂટ ન જ મળવી જોઇએ.