અરુણાચલમાં બ્રહ્મોસઃ ભારતનો ચીનને જવાબ

Tuesday 30th August 2016 11:47 EDT
 

ભારતે જેવા સાથે તેવાની નીતિ અપનાવતા જ ચાઇનીઝ ડ્રેગન છંછેડાયો છે. ભારત સરકારે સંરક્ષણની દૃષ્ટિએ વ્યૂહાત્મક પગલું ભરતાં અરુણાચલ પ્રદેશના સરહદી ક્ષેત્રમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ગોઠવવાનું શરૂ કર્યું છે. સમાચાર વહેતાં થતાં જ ચીને ભારતના પગલાને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. ચીન ભલે કકળાટ કરતું, પરંતુ સત્ય એ છે કે ભારતે આ પગલું ઘણા લાંબા સમય પૂર્વે ભરવાની જરૂર હતી. વળી, આ મુદ્દે ચીનને નારાજગી વ્યક્ત કરવાનો નૈતિક અધિકાર પણ નથી. ચીન ખુદ તિબેટમાં વર્ષોથી અણુમિસાઇલો ગોઠવીને બેઠું છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી મૂલવીએ તો પ્રવર્તમાન સંજોગોમાં ભારત માટે આ પગલું આવશ્યક હતું. એક તરફ, ચીન અરુણાચલ સાથે જોડાયેલા સરહદી ક્ષેત્ર અને તિબેટમાં લશ્કરી અડીંગો જમાવી રહ્યું હોય. અને બીજી તરફ, પડોશી પાકિસ્તાન તરફથી યુદ્ધનો માહોલ તૈયાર થઇ રહ્યો હોય ત્યારે ભારતનું પગલું સમયસરનું જ ગણવું રહ્યું. ચીન ભલે આ પગલાંથી નારાજ હોય, પણ ભારતના સ્વરક્ષણના અધિકારને કોઇ નકારી શકે નહીં, પાકિસ્તાન જેવા ઝેરીલા કે ચીન જેવા ખંધા પડોશી હોય ત્યારે તો ખાસ.
પાકિસ્તાન સાથે જ નહીં, ચીન સાથે પણ ભારતના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી. ઇતિહાસ સાક્ષી છે કે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના બે વર્ષ બાદ ચીને પરમાણુ પરીક્ષણ કરીને શક્તિપ્રદર્શન કર્યું હતું. આના દસકા પછી ભારતે પણ ૧૯૭૪ અને ૧૯૯૮માં અણુ પરીક્ષણો કરીને દુનિયાને દેખાડી દીધું હતું કે તે પણ પરમાણુ શક્તિ ધરાવતું રાષ્ટ્ર બન્યું છે. ભારતે ‘અગ્નિ’ જેવી મિસાઇલો પણ વિક્સાવી. હવે ‘બ્રહ્મોસ’ ગોઠવવાથી ચીન સહિત દુનિયાના બીજા દેશોને પણ સંદેશ મળશે કે ભારત પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે, કોઇ પણ પ્રકારના બાહ્ય આક્રમણનો જડબાતોડ જવાબ આપવાની સ્થિતિમાં છે.
ભારતીય સેના અરુણાચલના સરહદી ક્ષેત્રોમાં કુલ ૧૦૦ ‘બ્રહ્મોસ’ મિસાઇલો તૈનાત કરશે. ૨૯૦ કિલોમીટરના અંતર સુધી લક્ષ્ય પર ત્રાટકવાની ક્ષમતા ધરાવતી ‘બ્રહ્મોસ’ રશિયાની મદદથી વિકસાવાઇ છે. ૩૦૦ કિલોગ્રામ વિસ્ફોટકો સાથે દુશ્મનો પર ત્રાટકતા આ મિસાઇલ ભારતીય સેનાની પહેલી પસંદ છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે અરુણાચલના ઊંચા પહાડી પ્રદેશમાં દુશ્મનનો મુકાબલો કરવા માટે આ મિસાઇલ અસરકારક પુરવાર થશે. ભૂતકાળમાં ચીની સૈનિકોના ધાડાં સરહદમાં ઘૂસી ગયા હતા તે કડવી વાતને ભારત ભૂલી શકે તેમ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને તિબેટ અને જિનજિયાંગ ક્ષેત્રોમાં હવાઇ, રેલવે સેવાઓનું વિસ્તરણ કરવાની સાથોસાથ રસ્તાઓનું પણ નેટવર્ક પણ વિકસાવ્યું છે. આમાંથી કેટલાક ભાગમાં તો તેણે ભારતીય વિસ્તારમાં ગેરકાયદે નિર્માણકાર્ય કર્યું છે. આમ, એક પ્રકારે ચીન પોતાની તાકાતની સાથોસાથ સીમાડાઓ વિસ્તારવાના કામે પણ લાગ્યું છે. સાઉથ ચાઇના સીમાં તેની દાદાગીરી તો જગજાહેર છે જ.
ચીનનું આ વલણ સ્હેજ પણ નવું નથી. શક્તિ-પ્રદર્શન કરીને બીજા પાસે પોતાનું ધાર્યું કરાવવું તેની બહુ જૂની નીતિરીતિ છે. થોડાક સપ્તાહ પૂર્વે લદ્દાખમાં બખ્તરિયા ટેન્કો તૈનાત કર્યા બાદ હવે અરુણાચલમાં ‘બ્રહ્મોસ’ ગોઠવવાના ભારતના નિર્ણયનું વિશેષ મહત્ત્વ છે. આજે ચીન એશિયામાં મોટી તાકાત તરીકે ઉભરી રહ્યું છે. તે સંજોગોમાં સમગ્ર મહાદ્વીપમાં એકમાત્ર ભારત એવો દેશ છે જે તેને પડકારવા સક્ષમ છે. સાઉથ ચાઇના સી મુદ્દે પણ ભારતે ચીનને પડકારતું વલણ અપનાવ્યું છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલના ફેંસલા સંદર્ભે ભારત અમેરિકા, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશોની સાથે છે. સાઉથ ચાઇના સી પરની તેની દાવેદારીને ફગાવવામાં આવી હોવા છતાં ચીન પોતાની મનમાની કરી રહ્યું છે. આવતા સપ્તાહે ચીનમાં યોજાનારા જી-૨૦ દેશોના સંમેલનમાં હાજરી આપવા જઇ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાયા વિયેતનામ બૈજિંગ પહોંચવાના છે. (આવું નરેન્દ્ર મોદી જ કરી જાણે) સાઉથ ચાઇના સીના વિવાદ સંદર્ભે વડા પ્રધાનની વિયેતનામ મુલાકાત આગવું રાજદ્વારી મહત્ત્વ ધરાવે છે.
જોકે ભારતે એ ધ્યાનમાં રાખવું રહ્યું કે ચીન વિરાટ આર્થિક તાકાત તરીકે ઉભરી રહ્યું છે. સાથોસાથ તે એક પ્રકારે ભારતનું આર્થિક ભાગીદાર પણ છે. એક વર્ગ ભલે કહેતો હોય કે સરહદી ક્ષેત્રે ચીનને ભીડવ્યા બાદ હવે ભારતે આર્થિક મોરચે પણ ચીનને ભીડવવું જોઇએ, પરંતુ આવું કરવું હાલમાં લગભગ અશક્ય જણાય છે. આપણે એક યા બીજા સમયે જોયું છે કે ચીનમાં આર્થિક સંકટના સમયે ભારતીય શેરબજારોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ સંજોગોમાં ચીન પર કોઇ પણ પ્રકારે આર્થિક પ્રતિબંધ લાદતો નિર્ણય ભારતના આર્થિક હિતો વિરુદ્ધ જ અસર જન્માવી શકે છે. એક ભારતીય તરીકે ન ગમે તેવી સરખામણી હોવા છતાં કડવી હકીકત એ પણ છે કે ચીન સૈન્ય અને આર્થિક મોરચે ભારત કરતાં ઘણું આગળ છે. આમ સમગ્રતયા જોવામાં આવે તો ભારત પોતાને સુરક્ષાના દૃષ્ટિકોણથી મજબૂત રાખે તે જ પૂરતું છે. રહ્યો સવાલ સરહદે ‘બ્રહ્મોસ’ ગોઠવવાનો, તો તેના માટે એટલું જ કહી શકાય કે કોઇ પણ કટોકટીનો સામનો કરવા સ્વરક્ષણના પગલાં લેવા જ જોઇએ. ભારતે આ જ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter