હાલ ભારતમાં વિપક્ષ અર્થતંત્રના મુદ્દે નિરાશાજનક ચિત્ર રજૂ કરવા પૂરજોશથી પ્રયત્નશીલ છે. રાજકીય આરોપ-પ્રત્યારોપના આ માહોલ વચ્ચે મોદી પ્રધાનમંડળે નાણાંકીય તંગી સામે ઝઝૂમી રહેલી બેન્કો માટે ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું જંગી આર્થિક પેકેજ જાહેર કરવાની સાથે જ લગભગ ૭ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૮૩ હજાર કિલોમીટર રસ્તા બનાવવાની ઘોષણા કરી છે. અર્થતંત્રને ગતિ આપવા માટે ટૂંક સમયમાં જ કેટલાંક પગલાં લેવાશે તેવી થોડાક સમય પૂર્વે જ કરેલી જાહેરાતના અનુસંધાને સરકારે આ પગલાં જાહેર કર્યાં છે.
છેલ્લા કેટલાક વર્ષોથી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) સંકટ સામે ઝઝૂમી રહેલી બેન્કો લાંબા સમયથી વધારાની મૂડી ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહી હતી. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને લોન પેટે આપેલાં, પણ લોન પરત ન ચૂકવાતાં ફસાયેલાં નાણાંનો આંકડો હજારો - લાખો કરોડો રૂપિયામાં પહોંચે છે. આ પેકેજથી બેન્કિંગ સેક્ટરમાં ચેતનાનો સંચાર થવાનો આશાસ્પદ માહોલ સર્જાયો છે. જોકે આર્થિક નિષ્ણાતોને બીજો જ ડર સતાવે છે. તેમનું કહેવું છે કે બેન્કોને જાહેર થયેલા આ જંગી આર્થિક પેકેજના પગલે મોટી રકમના ડિફોલ્ટરો નાણાં પરત ચૂકવવામાં વધુ વિલંબ કરી શકે છે કે ચૂકવણી સાવ જ ટાળી શકે છે. જોકે નાણાં મંત્રાલયનો દાવો છે કે બેન્કો નવા આર્થિક સંકટમાં ફસાય નહીં તે બાબત સરકારે નિશ્ચિત કરી છે. સાથોસાથ જ બેન્કોને તેમના નીતિનિયમોમાં રહેલાં છીંડા પૂરવાં જરૂરી સુધારાવધારા માટે જણાવાયું છે, જેથી ભવિષ્યમાં બીજો કોઇ વિજય માલ્યા પાકે નહીં. જોકે આ બધાની સાથોસાથ સરકારે એ વાતની પણ કાળજી લેવી રહી કે બેન્કો તેમને મળેલાં નાણાંમાંથી સ્મોલ અને મીડિયમ સ્કેલના ઉદ્યોગોને લોન માટે પૂરતાં નાણાં ફાળવે. આ સેક્ટર સક્રિય થાય તો તે હજારો રોજગારીનું સર્જન કરવા સક્ષમ છે.
અર્થતંત્રને વેગવંતુ બનાવવા પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ સંકેત આપ્યો હતો કે સરકાર આગામી સમયમાં સરકારી બેન્કોના ક્ષેત્રે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઇ શકે છે. મતલબ કે બેન્કિંગ સેક્ટરમાં આર્થિક સુધારાનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં આવી શકે છે. આપણે આશા રાખીએ આ સુધારાની સાથોસાથ એવા પગલાં પણ લેવાશે કે જેનાથી બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર સતત નજર રહી શકે. વીતેલા વર્ષોમાં સરકારી બેન્કોની કામગીરી પર નજર રાખવામાં થયેલી ચૂકની માઠી અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી છે.
અત્યારે તો કોંગ્રેસ સહિતનો વિપક્ષ દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી પડી હોવાના મુદ્દે હોબાળો મચાવી રહ્યો છે, પરંતુ વર્લ્ડ બેન્ક સહિતના કેટલાક આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાનોનું માનવું છે કે ભારત આર્થિક ક્ષેત્રે સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. હાલમાં લેવાઇ રહેલા આર્થિક નિર્ણયોની સારી અસર એકથી બે વર્ષમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ ફુગાવો સતત નિયંત્રણમાં છે અને વિદેશી હૂંડિયામણનો આંકડો વિક્રમજનક સ્તરે પહોંચ્યો છે. સરકારે વિકાસ કાર્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રાથમિક્તા આપી છે. આ બધું મજબૂત અર્થતંત્ર માટે ઉપકારક સાબિત થઇ શકે છે. અલબત્ત, આ માટે સરકારે આર્થિક સુધારાની પ્રક્રિયા ચાલુ રાખવી પડશે એટલું જ નહીં, નિર્ણયોને સરકારી ફાઇલોમાં કાઢીને અમલીકરણના તબક્કે પહોંચાડવા પડશે.