કોરોના વાઈરસ મહામારીએ વેપારધંધા અને હોસ્પિટાલિટી અને પ્રવાસન ઉદ્યોગને ભારે ફટકો માર્યો છે. આ પરિસ્થિતિ એવી રહી કે વેપારીઓ અને ગ્રાહકો બંનેને અસર પહોંચી છે. સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીનો સમયગાળો ભારત માટે બિનનિવાસી ભારતીયો (NRI)ની સીઝન ગણાય છે. દરિયાપારના દેશોમાં જઇ વસેલા ભારતીયો અને ખાસ કરીને પ્રવાસપ્રેમી ગુજરાતીઓ આ સમયગાળામાં વતનની મુલાકાતે આવતા હોય છે. જોકે, અરસપરસને લાભ કરાવી આપતી આ સીઝન કોરોના મહામારીના કારણે તદ્દન નિષ્ફળ ગઈ છે. કોરોના વેક્સિન આવી છે છતાં સમગ્રતયા પરિસ્થિતિને સંપૂર્ણપણે થાળે પડતાં હજુ એક વર્ષ લાગશે તેમ પણ લોકો માની રહ્યા છે.
આ ચાર મહિના NRI માટે ફૂલગુલાબી ઠંડી, લગ્નોત્સવોનો લહાવો, યાત્રાધામોના પ્રવાસથી પૂણ્યનું ઉપાર્જન, સ્વજનો અને મિત્રો સાથે ગોઠડી, સોના - ચાંદીના દાગીના, જ્વેલરી અને વસ્ત્રો સહિતની ભરપૂર ખરીદી અને ‘ઘા ભેગો ઘસરકો’ કહેવાય તેમ હેલ્થ ચેક-અપ અને સારવારના હોય છે. આ વખતે પરિસ્થિતિ વિકટ બની છે. દિવાળીથી ઉત્તરાયણ સુધીના તહેવારો સ્થાનિક લોકો અને વેપારીવર્ગ માટે પણ રોવાના દિવસોની ફરિયાદ થતી રહે તેવાં હતા. કોરોનાને લીધે યુએસ અને યુકેમાં પણ સ્થિતિ ખૂબ ખરાબ છે. તેથી પણ મૂળ ભારતીયો વતન આવવાનું ટાળે છે. વિદેશવાસી ભારતીયો ને ગુજરાતીઓ વતનની મુલાકાતે આવી શક્યા નહિ તેનું કેટલું નુકસાન થયું તેનું વર્ણન અને વીતકનું આલેખન ગુજરાત સમાચારમાં કરવામાં આવ્યું છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના ગાળામાં આશરે બે લાખ ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. એટલું જ નહિ, તેઓ અનેક પ્રકારે ખર્ચા પણ કરે છે. એક અંદાજ મુજબ સરેરાશ ૧,૦૦૦ પાઉન્ડ ખરીદી પાછળ ખર્ચાય છે તો ૧,૦૦૦ પાઉન્ડ ટ્રાવેલિંગ પાછળ ખર્ચાય છે. અન્ય ૧૫૦૦ પાઉન્ડ હેલ્થ ચેક-અપ કે નાની મોટી સારવાર પાછળ ખર્ચવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે વર્ષભરની કમાણીનો મોટો હિસ્સો એનઆરઆઈ સીઝનમાં જ રળી લેવાતો હતો. હવે સ્વાભાવિક છે કે બિનનિવાસી ગુજરાતીઓ કે ભારતીયો દ્વારા ખર્ચાતી રકમોની ખોટ ગુજરાતના વેપારીઓને જ જવાની છે એટલે કે વેપારી વર્ગને આકરો ફટકો પડ્યો છે.
હેલ્થ ચેક-અપ કે સારવારની વાત કરીએ તો ભારત માટે મેડિકલ ટુરિઝમ આવકનું મોટું સાધન બની ગયું છે. યુકે અને યુએસ સહિત વિદેશમાં તબીબી સારવાર ઘણી ખર્ચાળ અને સમય માગી લેનારી હોય છે. ભારતમાં સારવાર મેળવવા આવતા પેશન્ટ્સને કોર્પોરેટ સ્ટાઈલની હોસ્પિટલોમાં મળતાવડા ડોક્ટર્સ દ્વારા અત્યાધુનિક સારવાર ત્યાંના પ્રમાણમાં નજીવા ખર્ચે સાંપડે છે. લોકો મોટા ભાગે કેન્સરના ઓપરેશન કે દાંતની સારવાર માટે પણ ભારત આવવું પસંદ કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ અને બીજી તરફ પેશન્ટ્સ બંને નુકસાન ભોગવી રહ્યા છે.
લોકડાઉનના નિયંત્રણોના કારણે લગ્નસરાની સીઝન તો ગુજરાતમાં પણ ખાસ જોવાં મળી નથી. ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન લેનારા કોઈ રહ્યા નથી. સ્થાનિક ખરીદી જ ઓછી હોય ત્યાં વિદેશવાસી ગુજરાતીઓની તો આશા જ કેવી રીતે રાખી શકાય? હોટેલ્સ સહિત હોસ્પિટાલિટી બિઝનેસ હોય કે જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ હોય અથવા ટુર્સ અને ટ્રાવેલ્સ ઉદ્યોગ હોય, દરેકની હાલત ‘ખાયા પીયા કુછ નહિ ઓર ગિલાસ તોડા’ જેવી છે. કચ્છના રણોત્સવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની એનઆરઆઈની મુલાકાતને ધ્યાને લઈએ તો દર વર્ષની સરખામણીએ આશરે ૯૦ ટકા જેટલી ઓછી સંખ્યામાં વિદેશવાસીઓએ મુલાકાત લીધી છે. સ્થાનિક મહેમાનોને આકર્ષવાના તમામ શક્ય પ્રયાસ કરી રહ્યા છે. ટ્રાવેલર્સ કંપનીઓના કેટલાક પ્રતિનિધિઓ કહે છે તેમ વિવિધ ક્ષેત્રમાં ડાઈવર્સિફિકેશન પણ કરવામાં આવ્યું છે. તેમનો મત એવો છે કે હવે શૂન્યમાંથી સર્જન કરવાનું છે અથવા તો કોરી સ્લેટમાં નવેસરથી લખવાનું છે.
જોકે, લોકડાઉનની અસર સ્થાનિક સ્તરે પણ જોવાં મળી છે તેને પણ નકારી શકાય નહિ પરંતુ, ગુજરાતની પ્રજા ખમીરવંતી છે. પાટુ મારીને પાણી કાઢે તેવી આ પ્રજાના વેપારી વર્ગે કોરોના સમયગાળામાં આવતા વર્ષે કમાઈ લઈશુંની ભાવના સાથે વેપારની તરાહ બદલી નાખી છે. વેપારી વર્ગ સહિત સામાન્ય લોકો પણ સમય વર્તે સાવધાનની માફક ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે અને પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. તે દિવસો જતાં રહ્યા તો આ દિવસો પણ નહિ રહે તેવી ભાવના સાથે આપણે બધાએ કાળજીપૂર્વક આગળ વધવાનું છે.