ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોની સ્થિતિ મજબૂત અવશ્ય બનાવી છે પરંતુ, ક્યાંક તાણાવાણાની કચાશ નજરે પડે જ છે. ઈન્ડો પાસિફિક વિસ્તારમાં ચીનનો પગપેસારો વધી રહ્યો છે તે ભારતના હિતમાં નથી અને આ કારણે જ અમેરિકા સાથે ભારતના સંબંધો ‘વૈદ-ગાંધીનું સહિયારું’ પ્રકારના છે. અમેરિકાને પણ ચીનનો વધતો આર્થિક અને રાજકીય પ્રભાવ ખાળવા ભારતની જરુર છે. આ પ્રયાસમાં ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ સામેલ થવાના પરિણામે ‘AIJA’નો ઉદ્ભવ થયો છે. વાસ્તવમાં ભારતને આ પ્રકારના વિવિધ વૈશ્વિકમંચમાં ભાગીદાર બનવાની જરુર છે. આ બાબતે યુકે તેને સાથ અને સહકાર આપી શકે તેમ છે. યુકેમાં જી-૭ દેશોની શિખર પરિષદ યોજાવાની છે તેમાં વિશેષ, મહેમાન તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ અપાયું છે. સમયાંતરે જી-૭ ગ્રૂપ જી-૮ કે જી-૯ ગ્રૂપમાં પણ ફેરવાઈ શકે છે.
૨૦ જાન્યુઆરીએ યુએસમાં રિપબ્લિકન પાર્ટીના જો બાઈડેન પ્રમુખપદ સંભાળે તે પછી કેવી પરિસ્થિતિ આકાર લેશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. જોકે, બાઈડેનનો સૂર પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવાનો છે. આ ઉપરાંત, ઉપપ્રમુખ કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે અને અનેક ભારતવંશીઓ બાઈડેન સરકારમાં સ્થાન મેળવશે તેમાં પણ શંકા નથી. આ સંજોગોમાં ભારત બરાબર સોગઠાં ગોઠવશે તો અમેરિકાનો સાથ મળતો રહેશે તે નિર્વિવાદ છે.
રશિયા અને ઈરાન સાથે મિત્રતા જાળવી રાખવા ભારતની ઈચ્છા કેવો રંગ લાવશે તે કહી શકાય તેમ નથી. ભારત રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદે કે ઈરાન પાસેથી સસ્તા ભાવે ઓઈલ ખરીદે તેની સામે અમેરિકાનો વાંધો અને વિરોધ જગજાહેર છે. ભારત હજુ અમેરિકા અને રશિયાની ખેંચતાણમાં જકડાયેલું છે. જો ભારત રશિયાથી અંતર વધારશે તેની સાથે જ ચીન, પાકિસ્તાન અને રશિયાની ધરી રચાતા જરા પણ વાર લાગશે નહિ. અમેરિકાએ તાજેતરમાં જ તેના ‘કાટ્સા’ કાયદા હેઠળ રશિયા પાસેથી S- ૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ્સ ખરીદવા બદલ તૂર્કી પર પ્રતિબંધો લગાવ્યા છે. યુએસના વિદાય લેતા રાજદૂત કેનેથ જસ્ટરે તો ધમકીના સૂરમાં કહ્યું છે કે ભારતે પણ મિલિટરી હાર્ડવેર ખરીદવા બાબતે સાવચેતીપૂર્વક કઠોર નિર્ણયો લેવા પડશે. તૂર્કીએ ૨.૫ બિલિયન ડોલરમાં સિસ્ટમનો સોદો કર્યો છે તેની સામે ભારત-રશિયાનો સંભવિત સોદો ૫.૪ બિલિયન ડોલરનો હશે.
યુએસના વિદાય લેતા રાજદૂત કેનેથ જસ્ટરનું કહેવું છે કે ભારતની આત્મનિર્ભરતાની પહેલ અન્ય દેશો સાથે વેપારનો અવરોધ ઉભો કરી શકે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા છતાં, યુએસ અને ભારત વચ્ચે નાનકડી વેપારસંધિ પણ શક્ય બની નથી.
વિશ્વમોરચે નોંધ લેવાની એક બાબત રહી છે કે નવા વર્ષના આરંભ સાથે યુએનની સલામતી સમિતિમાં બિનકાયમી સભ્ય તરીકે બે વર્ષના કાર્યકાળનો પણ આરંભ થયો છે. સિક્યુરિટી કાઉન્સિલનું અસ્થાયી સભ્ય હોવાં છતાં પોતાના આંતરરાષ્ટ્રીય હિતોને આગળ વધારવાની તક ભારતને મળતી રહેશે. હવે ભારતે આગવી રાજકીય સુઝબુઝને કામે લગાવી અસ્થાયી સ્થાનને કાયમી બેઠકમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવો જોઈશે. હાલ તો સુરક્ષા પરિષદના પાંચ કાયમી (P5) સભ્યોને સમિતિના વિસ્તૃતિકરણમાં કોઈ રસ જણાતો નથી. ભારત ત્રાસવાદવિરોધ, શાંતિ જાળવવા, વેપાર તેમજ દખલરુપ માનવાધિકાર નિયમો બાબતે એજન્ડા ધરાવે છે પરંતુ, ભવિષ્યની દુનિયાના સંદર્ભમાં ક્લાઈમેટ ચેન્જ, જાહેર આરોગ્ય, દરિયાઈ સલામતી અને ડિજિટલ ધારાધોરણો સહિતના નવા મુદ્દાઓ પણ વિચારવા પડશે. ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારાઓની હાકલ કરી છે અને વર્તમાન કોરોના કટોકટીમાં તેને મજબૂત મુદ્દો બનાવી શકાશે.
સાઉથ એશિયામાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે તેમાં કોઈ શંકા નથી. જોકે, નાનો પણ રાઈનો દાણો ગણાવી શકાય તેવા અફઘાનિસ્તાને કાબૂલમાં જાસૂસીના મુદ્દે ચીન પાસે માફી મગાવી તેને નાનીસૂની બાબત ગણવી ન જોઈએ. નેપાલ કે શ્રીલંકા જેવા ભારતના નાના પડોશી દેશો ધીરેધીરે ચીનના પ્રભાવમાંથી બહાર નીકળી રહ્યા જણાય છે. ભારતે આમાંથી લાભ ઉઠાવવાની જરુર છે.