રાજકારણમાં ભલે રમત રમાતી હોય, પરંતુ રમતમાં રાજકારણ ન હોવું જોઇએ. આવી સેળભેળ થઇ જાય છે ત્યારે પ્રતિભાશાળી વ્યક્તિનો ભોગ લેવાઇ જતો હોય છે. ટીમ ઇંડિયાના કોચ અનિલ કુંબલે સાથે પણ આવું જ થયું હોય તેમ જણાય છે. કોચ પદેથી કુંબલેના રાજીનામાના કારણ માટે જેટલા મોઢા એટલી વાતો છે. કોઇ રાજીનામા માટે કુંબલેના કેપ્ટન કોહલી સાથેના મતભેદોને કારણભૂત ગણાવે છે. કોઇ કહે છે કે કોચ કુંબલે તેના હેડ માસ્તર જેવા અભિગમના કારણે ખેલાડીઓમાં અળખામણો બન્યો હતો. કોઇ વળી કોચ-કપ્તાનના વિવાદ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડનું આંતરિક રાજકારણ જવાબદાર ગણાવે છે. કારણ ગમે તે હોય, પણ ટીમ ઇંડિયાના શ્રેણીબદ્ધ વિજયમાં મહત્ત્વનું પ્રદાન આપનાર કોચ કુંબલેની વિદાય જે પ્રકારે થઇ છે તે યોગ્ય તો નથી જ. ખરેખર તો કુંબલેએ વેસ્ટ ઇન્ડિઝ રવાના થયેલી ટીમ સાથે જવાનું હતું, પરંતુ તેણે આઇસીસીની બેઠકનું કારણ આપીને ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ જવાનું ટાળ્યું ને સાંજે કોચ પદેથી રાજીનામું આપી દીધું.
ખરેખર તો બે’ક મહિના પૂર્વે જ વિવાદના બીજ રોપાયા હતા. બોર્ડે ખેલાડીની મેચ ફી અને કરારની રકમમાં વધારો કર્યો. આ પછી કુંબલેએ કેપ્ટન કોહલી સાથે મળીને આ રકમ વધારવા માગણી કરી. આ માટે કુંબલેએ પ્રેઝન્ટેશન આપ્યું. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી બોર્ડની સંચાલન સમિતિએ જ તેને આ પ્રેઝન્ટેશન રજૂ કરવા કહ્યું હોવાનું મનાય છે, પણ કુંબલે નજરે ચઢી ગયો. સમિતિએ નવા કોચ માટે અરજી મંગાવવા જાહેરાત કરી દીધી. આ સાથે જ કુંબલે-કોહલી વચ્ચેના મતભેદો, ફીના મુદ્દે ક્રિકેટર્સમાં અસંતોષ વગેરે વાતો સામે બહાર આવવા લાગી. જોકે ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં રમવાનું હોવાથી મામલાને તત્કાળ શાંત પાડી દેવાયો, પરંતુ પાકિસ્તાન સામે પરાજય સાથે જ ઉકળતો ચરુ ફાટી પડ્યો. કુંબલે-કોહલીના મતભેદો બહાર આવ્યા. કુંબલેની કાર્યપદ્ધતિથી નારાજ બોર્ડના જ કેટલાક અધિકારીઓ તેની વિરુદ્ધ દાવપેચ રમી રહ્યાની વાતો પણ બહાર આવી. ક્રિકેટ બોર્ડના રાજકારણથી હંમેશા દૂર રહેલો કુંબલે આ ખટપટ અને દબાણ સહન કરી શક્યો નહીં અને તેણે કોચ પદ છોડી દેવાનું નક્કી કરી નાખ્યું.
એક વર્ગ કુંબલેના અણધાર્યા નિર્ણય સામે પ્રશ્ન ઉઠાવે છે. પણ સવાલ એ છે કે જો કેપ્ટન જ કોચના સલાહસૂચનને ધ્યાને લેવા તૈયાર ન હોય તો કુંબલેના કોચ પદે ચાલુ રહેવાથી ફાયદો પણ શું હતો? એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન સામેની ફાઇનલ પૂર્વે ટીમ મેનેજમેન્ટની બેઠકમાં નક્કી થયું હતું ભારત ટોસ જીતશે તો પહેલાં બેટિંગ લેશે. કોહલીએ ટોસ જીત્યા બાદ ઉલ્ટો જ નિર્ણય કર્યો. કુંબલેએ આ અંગે કોહલીને પૂછ્યું તો તેણે વાત ટાળી દીધી. આ સંજોગોમાં કોઇ પણ કોચ રાજીનામું આપવાનું જ પસંદ કરે. કુંબલેએ આ જ કર્યું છે. આ વિવાદમાં સત્ય શું છે એ તો સમયના વહેવા સાથે બહાર આવશે જ, પણ અત્યારે તો આ ઘટનાક્રમથી ક્રિકેટવિશ્વમાં ભારતની છબિ ખરડાઈ છે.