આંદોલનથી કિસાનોનું ખરેખર કેટલું ભલું થશે?

Wednesday 02nd December 2020 05:34 EST
 
 

કૃષિ કાયદામાં ભારત સરકારે કરેલા સુધારાના વિરોધમાં કિસાનોની ‘દિલ્હી ચલો’ કૂચ એવા સમયે યોજાઇ છે, જ્યારે દેશ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. કિસાન કૂચનો સમય ભલે અનુકૂળ ન હોય, પરંતુ આ આંદોલનની ભાવના સમજવી જરૂરી છે. કિસાનોને એવું લાગે છે કે આ કાનૂન લાગુ કરવાનો મૂળ ઉદ્દેશ કોર્પોરેટ ફાર્મિંગને ઉત્તેજન આપવાનો છે, આનાથી નાના અને મધ્યમ ખેડૂતો બરબાદ થઇ શકે છે. તો સરકાર કહે છે કે આવી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. નવા કાયદાથી કિસાનોની માર્કેટિંગ યાર્ડના દલાલો પરની નિર્ભરતાનો અંત આવશે અને તેઓ પોતાની ખેદપેદાશને દેશમાં ક્યાંય પણ વેચી શકશે. આથી તેમને પોતાની ખેતપેદાશોનું સારું વળતર મળી રહેશે, જે મલાઇ અત્યાર સુધી દલાલો કમિશનના નામે તારવી લેતા હતા. કિસાનોને બીજી આશંકા એ છે કે કાયદામાં સુધારા અમલી બન્યા તો મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (એમએસપી - લઘુતમ ટેકાના ભાવ)ની જોગવાઇ ખતમ થઇ જશે. જો આવું થયું તો કોર્પોરેટ હાઉસ સિંડિકેટ બનાવીને કૃષિ બજાર પર વર્ચસ જમાવી શકે છે. બીજી તરફ, સરકાર વારંવાર ખાતરી આપી રહી છે કે ટેકાના ભાવની જોગવાઇ ક્યારેય ખતમ કરાશે નહીં. સરકાર જ નહીં, તેના સુકાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કહી રહ્યા છે કે (કિસાન કાયદામાં સુધારાના મામલે) અમારો ઇરાદો ગંગાજળ જેવો પવિત્ર છે. એક વર્ગ ભ્રમ ફેલાવીને કિસાનોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. વડા પ્રધાનનો દાવો પણ ખોટો તો નથી જ.
ભારત સરકારે આદરેલા કૃષિ સુધારા વિશે લગભગ બહુમતી સૂર એવો છે કે આ સુધારા વર્ષોથી જરૂરી હતા. આનાથી ખેડૂતોને, સવિશેષ તો તેમની ખેતપેદાશો વેચવાની સરળતા થવાની સાથોસાથ તેમને સારું વળતર પણ મળી રહેશે. કદાચ આ જ કારણ છે કે માત્ર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોને બાદ કરતાં કૃષિ સુધારા સામે ક્યાંય ખાસ વિરોધ જોવા મળતો નથી. કોઇ પણ કાયદાથી જો પંજાબના ખેડૂતોને નુકસાનનો ખતરો છે, તો ગુજરાતના ખેડૂતોને પણ તેવી જોગવાઇથી નુકસાન થવાનું જ છે. જો એકને નુકસાન નહીં થવાનું હોય તો બીજા કોઇને પણ નહીં જ થાય. મહારાષ્ટ્ર તો કૃષિ આંદોલનોનું એપીસેન્ટર મનાય છે, પરંતુ ત્યાં પણ કૃષિ સુધારાને અપનાવી લેવાયા છે. ખુદ વડા પ્રધાને ‘મન કી બાત’માં કહ્યું છે તેમ મહારાષ્ટ્રના કિસાનો તો નવા કાયદાનો ફાયદો પણ લેવા લાગ્યા છે.
તો પછી ગણતરીના રાજ્યોના ખેડૂતો દ્વારા જ આટલો બધો હોબાળો કેમ? આનો જવાબ છે સરકાર તરફે કેટલીક અસ્પષ્ટતા અને કોમ્યુનિકેશનનો અભાવ. જેમ કે, લઘુતમ ટેકાના ભાવ નાબૂદ નહીં જ થાય તેવી સુધારેલા કાયદામાં સ્પષ્ટતા નથી. નવા કાયદામાં આ મામલે સ્પષ્ટતા નહીં હોવાથી ભારે શંકા-કુશંકા સેવાઇ રહી છે. જો સરકારે કાયદામાં સુધારા સાથે જ આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી હોત તો આ જમેલો જ ઉભો ન થયો હોત. આથી પણ વધુ સારું તો એ હતું કે દેશના ખેડૂત વર્ગની સાથે વિશદ્ ચર્ચા કરીને, તેમને વિશ્વાસમાં લઇને કાયદામાં આવશ્યક સુધારા થયા હોત.
વળી, કિસાન આંદોલન આજકાલનું ચાલે છે તેવું પણ નથી. આ તો કિસાન કૂચ પાટનગર પહોંચી એટલે દેશભરના અખબારી માધ્યમોમાં આ મુદ્દો છવાઇ ગયો. બાકી આંદોલન તો કેટલાય દિવસોથી પંજાબમાં ચાલતું જ હતુંને? સરકારે આ સમયે આગોતરી સાવચેતી અને સક્રિયતા દાખવીને ગામેગામ ચર્ચાસભા, ટીવી ચેટ, સોશ્યલ મીડિયા પર પ્રશ્નોત્તરી વગેરેના માધ્યમથી ખેડૂતોના મનમાં રહેલી આશંકા દૂર કરી શકી હોત. જો આવું થયું હોત તો દિલ્હીના સીમાડે સુરક્ષા દળોનો કાફલો ન ખડકવો પડ્યો હોત, કિસાનોને અટકાવવા રસ્તાઓ ખોદી નાંખવા ન પડ્યા હોત. સરકારે મંત્રણાના દ્વાર હવે ખોલ્યા છે, ખરેખર તો આ કામ આંદોલનની ચિંગારી ચંપાઇ ત્યારે જ કરી નાંખવા જેવું હતું. સરકારે સમયસર જરૂરી સ્પષ્ટતા નથી કરી તેનો એક વર્ગ ગેરલાભ ઉઠાવી રહ્યો છે. આંદોલનકારી કિસાનોનું નેતૃત્વ એવા લોકોના હાથમાં છે, જેઓ રાજકીય સ્વાર્થ માટે તેમને દોરવણી આપી રહ્યા છે. આનાથી કિસાનોનું ખરેખર કેટલું ભલું થશે એ કહેવું મુશ્કેલ છે. ‘જય જવાન, જય કિસાન’નો નારો આપનાર ભારતની વિડંબના જ ગણવી રહી કે દેશમાં કિસાનોના નામે રાજકારણ તો ખૂબ ખેલાય છે, પરંતુ રાજકીય સ્વાર્થ સધાઇ ગયા બાદ તેને કોરાણે ધકેલી દેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter