ભારતમાં ગૌરક્ષાના નામે વધી રહેલી હિંસાને અટકાવવા માટે આખરે સુપ્રીમ કોર્ટને જ આગળ આવવું પડ્યું છે. મતલબ કે કાયદો-વ્યવસ્થાની જાળવણીનું જે કામ સરકારી તંત્રે કરવાનું હતું તેના માટે પણ દેશની સર્વોચ્ચ અદાલતે જ આદેશ આપવો પડ્યો છે. કહેવાતા ગૌરક્ષકો દ્વારા આચરાતી હિંસા રોકવા માટે કોર્ટે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની સૂચના આપી છે. કોર્ટે ભલે સરકારને કાયદો હાથમાં લઇ રહેલા કથિત ગૌરક્ષકોના મુદ્દે ચોક્કસ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હોય, પરંતુ અન્ય મુદ્દે પણ લોકોને કાયદો હાથમાં લેવાનો અધિકાર શા માટે મળવો જોઇએ? ગૌરક્ષાના નામે થઇ રહેલી હિંસાની ઘટનાઓમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. ગૌવંશના પશુઓની ચોરી અગાઉ પણ થતી હતી, અગાઉ પણ લોકો પકડાતા પણ હતા, પરંતુ હવે કથિત ગૌરક્ષકો સમગ્ર દેશમાં સક્રિય થઇ ગયા છે. ગૌરક્ષાના નામે હિંસા આચરતી આ ટોળાશાહી હાથ લાગ્યું તે હથિયારનો ઉપયોગ કરીને આરોપીને મારી-મારીને મોતને ઘાટ ઉતારી દે છે.
કોઇ પણ સભ્ય સમાજ માટે આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ પ્રકારની હિંસક ઘટનાઓ અંગે વારંવાર જાહેરમાં ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. સૌથી નોંધનીય બાબત તો એ છે કે ગૌરક્ષાના નામે - તોફાની ટોળાનું - નિશાન બનનારાઓમાં મોટા ભાગના દલિત કે લઘુમતી સમુદાયના છે. ગૌહત્યા જેટલો મોટો ગુનો છે તેનાથી વધુ મોટો ગુનો તો કાયદો હાથમાં લઇને કોઇ વ્યક્તિને મારી નાખવાનો છે. જો કોઇ વ્યક્તિ કાયદો તોડતી હોય તો તેની સામે પગલાં લેવા માટે પોલીસ છે, કાયદો છે, અને ન્યાય તોળવા માટે અદાલતો પણ છે. ચિંતાની વાત એ છે કે ગૌરક્ષાના નામે સૌથી વધુ હિંસા ભાજપ શાસિત રાજ્યોમાં થઇ રહી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવો પાસેથી અત્યાર સુધીમાં આ પ્રકારની હિંસક ઘટનાના કેસોમાં કરાયેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
કોઇ પણ લોકતાંત્રિક દેશ માટે હિંસાની આવી ઘટનાઓ શોભાસ્પદ નથી. ટોળાશાહી કે અન્યો દ્વારા આચરાતી આ પ્રકારની હિંસાના કેસોમાં તપાસથી માંડીને કાયદાનુસાર કઠોર પગલાં લેવાની આવશ્યક્તા છે. ગુનેગાર કોઇ પણ વ્યક્તિ હોય, કોઇ પણ પક્ષ કે સંગઠન સાથે જોડાયેલો હોય, તેની સામે સખત કાર્યવાહી થવી જોઇએ - જેથી બીજાને પણ તેમાંથી બોધપાઠ મળી રહે. સાથે સાથે જ આવી હિંસા સાથે જોડાયેલા અન્ય કેસોમાં પણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ, જેથી કોર્ટને હસ્તક્ષેપ કરવાની જરૂર જ ન પડે. અને હા, સરકારે પણ દર વખતે ચિંતા વ્યક્ત કરીને સંતોષ માની લેવાને બદલે આવશ્યક આનુષાંગિક પગલાં લેવા જોઇએ. આવું થશે તો આપોઆપ જ નિરંકુશ ટોળાં દ્વારા સરાજાહેર થતી હત્યાની ઘટનાઓ પર અંકુશ આવશે.