જમ્મુ અને કાશ્મીરની અરાજકતાએ આખરે ભાજપ-પીડીપીના વિરોધાભાસી ગઠબંધનનો અંત આણ્યો છે. ભાજપ દ્વારા મહેબૂબા સરકારને સમર્થન પાછું ખેંચાતા જ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયું છે. પૂર્વ મુખ્યપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ દ્વારા સ્થાપિત પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભાજપ વચ્ચે ત્રણ વર્ષ અગાઉ, ૨૦૧૫માં તકવાદી ગઠબંધન રચાયું હતું, જે હેઠળ મહેબૂબા મુફ્તીએ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું. ભાજપ-પીડીપીની વિચારધારા વિરોધાભાસી હોવા છતાં ભાજપે સમાધાનવૃત્તિ દર્શાવી સત્તામાં ભાગ મેળવ્યો હતો. જોકે, ગઠબંધનમાં તેની હાલત નાના ભાઈ કરતાં પણ બદતર હતી.
મહેબૂબા સરકારના શાસનમાં કાશ્મીર ઘાટીમાં અલગતાવાદી અને આતંકવાદી તત્વોનું જોર વધ્યું. મહેબૂબા કાશ્મીરિયતના નામે અલગતાવાદીઓ સાથે નરમાશ બતાવતાં રહ્યા અને ભારતીય સેનાની દરેક કાર્યવાહી નાકામ બનાવતાં રહ્યાં. સળગતાં કાશ્મીરમાં ત્રણ વર્ષ દરમિયાન સૈન્ય કાર્યવાહીમાં ૧૮૫ સૈનિકોના મોત થવાં છતાં આર્મી લોકવિરોધી હોવાનો અને આતંકવાદીઓ કરતાં નિર્દોષ નાગરિકોના મોત વધુ થયાં હોવાનો કુપ્રચાર થતો રહ્યો હતો. કાશ્મીરી યુવાનો દ્વારા હિંસા, પથ્થરમારો છતાં આર્મીને સંયમ દાખવવા આદેશ હતો. આ સ્થિતિનો લાભ પાક. પ્રેરિત વિઘટનકારીઓ ન લે તો જ નવાઈ.
મહેબૂબા મુફ્તી કાશ્મીરમાં કોઈની પણ ધરપકડ કરવાની સત્તા આપતા વિશેષ કાયદા AFSPA રદ કરવાની સતત માગણી કરતાં રહ્યાં અને ભાજપ તેનો વિરોધ કરતો હતો. આ કાનૂન હટાવી લેવાય તો અલગતાવાદીઓને છૂટો દોર મળે તેમ હતું. મતભેદનું અન્ય મહત્ત્વનું કારણ એ છે કે કાશ્મીરને ભારત સાથે સંબંધમાં વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ અને રાજ્ય બહારની વ્યક્તિ સંપત્તિ ખરીદી ન શકે તેવી જોગવાઈ ધરાવતી કલમ-૩૫એને દૂર કરવાની તરફેણ ભાજપ શરૂથી કરતો રહ્યો છે, જેથી કાશ્મીરને દેશનાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી શકાય. પરંતુ, વિશેષ દરજ્જા સાથે છેડછાડ કરાશે તો કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવા હિંમત કોઈ કરશે નહિ તેવી ચેતવણી મહેબૂબા જાહેરમાં આપતાં હતા. આમ, યુતિ સરકારના વડાને છાજે એવું તેમનું વલણ નહોતું.
અલગતાવાદીઓ દ્વારા અરાજકતાનો સિલસિલો ચાલતો રહ્યો અને મહેબૂબા સરકાર દ્વારા કડક કાર્યવાહીના અભાવથી દેશભરમાં ભાજપની હાલત કફોડી બનતી ગઈ હતી. આતંકવાદને કડક હાથે ડામી દેવાશે તેવો દાવો કરનાર ભાજપ સરકાર પાણીમાં બેસી ગઈ હોય તેવી છાપ પ્રસરી હતી. છેલ્લે તો ભારતીય સૈન્યે સદ્ભાવનાના પ્રતીકરૂપે રમજાન મહિનામાં ઉગ્રવાદીઓ સામે એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરાઇ હતી, પણ આ સમયે તો આતંક-અરાજકતાનું પ્રમાણ વધ્યું હતું. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના વિપક્ષ દ્વારા દ્વારા પણ સૈન્ય કાર્યવાહીમાં આતંકવાદીઓ કરતાં નિર્દોષ પ્રજાજનો વધુ માર્યા ગયા હોવાના બેજવાબદાર વાણીવિલાસથી સુરક્ષા દળોના નૈતિક બળને ભારે ધક્કો પહોંચે તે સ્વાભાવિક છે.
પાણી માથા પરથી વહી રહ્યું હોવાનું જણાતાં જ ભાજપ દ્વારા સરકારને સમર્થન પાછું ખેંચવાનું પગલું લેવાયું છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીરમાં નવું ગઠબંધન બનાવી સરકાર રચવા તૈયાર નથી. કદાચ શક્તિમાન પણ નથી. તેમને પણ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિમાં શાસન કરવું લોઢાનાં ચણા ચાવવા જેવું લાગે છે ત્યારે રાષ્ટ્રપતિશાસનમાં આર્મીને ત્રાસવાદી અને વિભાજક બળો સામે લડવામાં કોઈ રોકટોક નડશે નહિ તેમ અત્યારે લાગે છે. સેના તેનું ‘ઓપરેશન ઓલઆઉટ’ પાર પડી શકશે તે નિશ્ચિત છે.