પાકિસ્તાનના પદભ્રષ્ટ વડા પ્રધાન નવાઝ શરીફે ૨૬/૧૧ના મુંબઇ હુમલામાં પોતાના દેશનો હાથ હોવાનું સ્વીકારી શરાફત દેખાડી ને કલાકોમાં જ પાક. સરકારે આ વાત નકારી પણ દીધી. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે મીડિયા અને ભારત સરકારે શરીફની વાતને સમજવામાં ભૂલ કરી છે. આમ તો શરીફની કબૂલાતમાં કંઇ નવું નહોતું, તેમણે એ જ સત્ય કહ્યું હતું જે ભારત સહિત આખી દુનિયા જાણે છે. પાકિસ્તાની નેતાઓ એક યા બીજા પ્રસંગે મુંબઇના આતંકી હુમલા, સીમાપાર આતંકવાદ, ત્રાસવાદી પ્રવૃત્તિમાં પાકિસ્તાનની જમીન અને નાગરિકોના ઉપયોગની વાત સ્વીકારી ચૂક્યા છે. આ વખતે ફરક એટલો હતો કે એક સમયના વડા પ્રધાને પોતાના જ દેશના અખબારને આપેલી મુલાકાતમાં આ કબૂલી હતી. શરીફે દોષનો ટોપલો ‘નોન સ્ટેટ એક્ટર્સ' એટલે કે સરકાર સિવાયના વ્યક્તિઓ તથા સંગઠનો પર ઢોળ્યો છે.
શરીફ ભલે સૂફિયાણો દાવો કરે, પરંતુ હકીકત તો એ છે કે પાકિસ્તાનમાં સક્રિય ત્રાસવાદી જૂથો અને ભારતમાં ભાંગફોડનાં ષડયંત્રો ઘડતી રહેતી આઇએસઆઇને પાક. સૈન્યના અધિકારીઓ અને સત્તાધીશો જ પાળતા, પોષતા અને દોરતા રહ્યા છે. પાકિસ્તાન સરકારના દોરીસંચાર અને સક્રિય મદદ વિના આતંકવાદીઓ મુંબઇ જેવા આતંકવાદી હુમલા કરી શકે કે કાશ્મીરમાં આટલાં વર્ષોથી હિંસાચાર આચરતા રહે કે પછી પઠાણકોટમાં ઇંડિયન એરફોર્સના મથક પર ત્રાટકવા સુધીનું દુ:સાહસ ખેડી શકે તે વાતમાં કોઇ દમ નથી.
મુંબઇ હુમલામાં આતંકી અજમલ કસાબ ઝડપાયો એ જ ક્ષણે ભારતની આર્થિક રાજધાનીને તબાહ કરવાના પાકિસ્તાનના નાપાક ઇરાદા ખુલ્લા પડી ગયા હતા. જોકે તે સમયે પણ પાકિસ્તાન - આદતવશ - સાવ નામક્કર ગયું હતું. સમયાંતરે કસાબના સ્વજનોના અહેવાલો પ્રકાશિત થયા, ત્રાસવાદીઓ કેવી રીતે પાકિસ્તાનથી મુંબઇ પહોંચ્યા અને કેવી રીતે ત્રાસવાદી હુમલો થયો તેના પુરાવા મળ્યા પછી પાકિસ્તાન ભોંઠું પડ્યું હતું. છતાં આજ સુધી પાકિસ્તાન મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને છાવરતું રહ્યું છે અને તેને ભારતના હવાલે કરવાનું તો ઠીક, પાકિસ્તાનમાં પણ તેની સામે કાનુની કાર્યવાહી ટાળતું રહ્યું છે. નવાઝ શરીફ હોય કે પાકિસ્તાની શાસકો, ભલે જૂઠના અંચળા તળે આતંકવાદને છાવરે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઇએ કે આવા જૂઠાણાંની બહુ મોટી કિંમત તેના પોતાના જ દેશવાસીઓ જ ભોગવી રહ્યા છે. પાકિસ્તાનમાં દર વર્ષે આતંકવાદનો રાક્ષસ લગભગ ૨૧૦૦ માનવજિંદગીને ભરખી જાય છે. દેશમાં દર અઠવાડિયે એક આતંકવાદી હુમલો થાય છે. શરીફ હોય કે પાક. સરકાર - તેમને ગમે કે નહીં, નજર સમક્ષ દેખાતું સત્ય સ્વીકારવું જ રહ્યું. આંખ બંધ કરી દેવાથી હકકીત બદલાઇ જતી નથી.